RSS

Daily Archives: March 21, 2013

મને અંધારા બોલાવે, મને અજવાળાં બોલાવે…

sanjayjail

મને વાંચવા ગમતા લેખક શિશિર રામાવતની આ જ શીર્ષક ધરાવતી સ-રસ કથા હમણાં જ બહાર પડી. ( વાંચવા જેવી વાર્તા છે !) પણ આ શીર્ષક ૬ વર્ષ પહેલાના સંજય દત્ત પર લખેલા એક લેખમાં મેં આપેલું , એમ ફરી મુક્યું. આજે ન્યુઝ પર સંજય દત્ત છવાયેલો રહેવાનો. આટલા મહત્વના કેસનો ચુકાદો છેક ૨૦ વર્ષે આપતી આપણી (અ)ન્યાયપ્રણાલી પર ઘણું કહેવું છે. હજુ દાઉદ જેવા દીકરી પરણાવી પરવારી જાય એવી સડેલી સરકારો પર પણ. પણ આજે સંજય દત્ત પર એક વરસના ગાળામાં વર્ષો અગાઉ લખેલા બે લેખનું સંયોજન કરી એનું રિ-રન. એમાં સાવ નજીવા ટાઈમને લગતા મુખ્ય ફેરફારો સિવાય ખાસ કશું બદલાવ્યું નથી. શાંતિથી આખું વાંચજો. ચીલાચાલુ હો-હાને બદલે આદત મુજબ ઊંડા ઉતરી કેટલાક નવા જ એન્ગલેથી મામલો જોયો છે. નાની આફતોથી હતાશ થઇ જતા દોસ્તો માટે એમાં આગેકદમનો વિશ્વાસ છે, અને આક્રોશમાં આવી જનારા માટે આ પ્રકારના ક્રાઈમમાં આવી સેલીબ્રીટી કેવી રીતે આવે છે એનું વિશ્લેષણ.
Agneepath-2012-Sanjay-Dutt

‘તમને તો ભાઇ સિનેમાનું ઘેલું છે તે સંજય દત્ત રાષ્ટ્રદ્રોહ અને આતંકવાદના આરોપમાંથી છૂટી ગયો એટલે રાજી થયા હશો!‘

એક મિત્રે ટાડા કોર્ટે સંજય દત્તને ગેરકાનૂની શસ્ત્ર રાખવાના આરોપ સિવાય બાકીના તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી, ત્યારે આવો પ્રતિભાવ આપ્યો. ‘એ તો બધું સેટિંગ… જજને પ્રસાદી ખવડાવી દીધી હશે…‘

ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર નથી ચાલતો એવું નથી. પણ જે થનગનભૂષણો આવા અભિપ્રાયો આપે છે એ ખુદ પોતાના જ ચરણકમળો પર કૂહાડી મારે છે. મુંબઇ બોમ્બબ્લાસ્ટ કેસના ૮૦% આરોપીઓ દોષિત સિધ્ધ થયા છે. તો-તો પછી પાકિસ્તાનને એક મુદ્દો મળી જાય કે ટાડા કોર્ટે પૈસા કે પ્રેશરમાં આવીને જ બાપડા નિર્દોષોને ત્રાસવાદી ઠેરવ્યા છે! ટાઇગર મેમણના ભાઇને સજા થાય તો ટાડા કોર્ટના જસ્ટિસ કોડે નિષ્પક્ષ… અને એ જ માણસ કાનૂની દલીલો, પુરાવાઓ અને રજૂઆતના આધાર પર સંજય દત્તને રાહત આપે તો એ પક્ષપાતી?! આ તે કેવો ન્યાય? સુપ્રીમ કોર્ટે પણ આર્મ્સ એક્ટની મિનીમમ સજા જ કરી છે, વધુ નહિ. અને સર્વોચ્ચ અદાલતનો ફેંસલો સ્વીકારવાનો જ હોય. એ મોદીને લાગતો હોય કે એમ.એફ.હુસેનને લગતો. અફઝલ-અજમલનો કે સંજય દત્તનો. એમાં સિલેકશન ના ચાલે. સરેન્ડર જ હોય.

ખરેખર તો અભિનેતા તરીકે સંજય દત્તના ચાહકોને એના પ્રત્યે ‘અનુગ્રહ‘ ન હોય, એથી વધુ કેટલાક વેદિયા ચોખલિયાઓને એના અભિનેતા હોવાને લીધે જ એના તરફ પૂર્વગ્રહ છે. સ્ટાર છે, ફિલ્મી એકટર છે… વાસ્તે દો ઓર જૂતા મારો સાલે કુ!

તાર્કિક દલીલ જડબેસલાક છે. ‘લગે રહો મુન્નાભાઇ‘ને સમજવાની બુધ્ધિક્ષમતા કે માણવાની નિર્દોષતા ન ધરાવતા કેટલાક ગમાર ગાંધીવાદીઓ હજુય ‘દાઉદભાઇનો દોસ્ત સંજય દત્ત‘ની કાખલી કૂટીને વેવલા કટાક્ષ કરતા રહે છે. વેલ, આવા માપદંડે ભારતના ૯૦% પત્રકારો આ જ હરોળમાં આવી જાય. કારણ કે પોતપોતાની કક્ષા અને પહોંચ મુજબ એ લોકો સ્થાનિકથી લઇને આંતરરાષ્ટ્રીય ભાઇલોગની રહેમનજરમાં રહેવા છૂપી પગચંપી કરતા રહે છે. એક જમાનામાં પોરબંદરના માફિયાઓના ખાસ ઈન્ટરવ્યૂ કરી લઇ આવી, એમની ગુડબુકમાં રહેવા માટે જાણીતા ગુજરાત લેખક-પત્રકારોમાં રીતસર હરિફાઇ ચાલતી હતી! એ વાત ભૂલાવી ન જોઇએ કે એક સમયે દાઉદ-શકીલ ડોન હોવા ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઈન્વેસ્ટર્સ હતા. યાને નાણાં રોકનાર અન્નદાતાઓ! અને માત્ર સંજય-સલમાન જ નહિ, ૮૦% ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમની આગળ પાછળ ફરતી.

કબૂલ, કે સ્વરક્ષણના ટેન્શનમાં કંઇ એકે-૫૬ કે હેન્ડગ્રેનેડ જેવા શસ્ત્ર ઘરમાં ન જ રાખવાના હોય. એ ભૂલ જ નહિ, કાનૂની અપરાધ જ છે. તો એની કબૂલાત પણ સંજયે કરી, એની કાયદાકીય જ નહિ, લાંબા કાનૂની કેસની માનસિક સજા પણ એને થઇ, અને હજુ વધારે થશે- જરૂરી લાગે ત્યાં થવી જ જોઇએ એમાં શું વાંધો હોઇ શકે? પણ એટલે કંઇ સંજુબાબાને અબુ સાલેમ ઠેરવી દેવાના? મુદ્દે, એ જમાનામાં પોલિસ અફસરો પણ મુંબઇમાં ભાઇલોગના આદેશનું કોઇ પૂછપરછ વિના પાલન કરવામાં ધન્યતા અનુભવતા! અને સંજય દત્તની ‘વાટવા‘વાળાઓમાં ખુદમાં વળી સત્યનિષ્ઠાનો કેટલો ગાંધીબ્રાન્ડ ‘અભય‘ છે? ગલીનો કોઇ ટપોરી ગાળ બોલે ત્યાં બગલમાં શાકની થેલી દબાવીને ઘરભેગા થઇ જનારા પાછા ફિલ્મસ્ટારોને માફિયાઓથી લાગતી બીકની ટીકા કરે છે! જેવો બીકણ સમાજ, એવા ડરપોક એમના નાયક-નાયિકાઓ… કૂવામાં હોય તો હવાડામાં આવે. જેણે પાપ ન કર્ય઼ું એકે, એ પહેલો પથ્થર ફેંકે.

આવેશ અને આક્રોશમાં જીવતા દેશવાસીઓ સમજતા નથી કે ન્યાય એટલે માત્ર પુરાવાઓ અને કાનૂની કલમો નહિ, ગુનેગારોની સજા અને પોલિસની મજા નહિ. તો તો સબ ઈન્સ્પેકટર પણ ન્યાય તોળી દે? મેજીસ્ટ્રટ અને કોર્ટની વ્યવસ્થા એટલે ઊભી કરવામાં આવી છે કે ગુનાની પરિસ્થિતિ, ગુનેગારનું વ્યક્તિત્વ, ઈરાદો, આગળપાછળનું બેકગ્રાઉન્ડ, અપરાધ થયા પછીની માનસિકતા કે પશ્ચાતાપ – આવા કેટલાય પરિબળોનું સૂક્ષ્મ અર્થઘટન કરવાનું હોય છે. અલબત્ત, આપણી ધીમી, ભ્રષ્ટ અને જર્જરિત ન્યાયવ્યવસ્થામાં આવું ભાગ્યે જ થાય છે. એનો એક અંતિમ  જેસિકા લાલ જેવો કેસ છે. બીજો સંજય દત્તનો કેસ છે. સંજય ફિલ્મસ્ટાર ન હોત, મિડિયાની એના કેસ પર બાજનજર ન હોત… એને બદલે આવી જ હાલતમાં કોઇ સામાન્ય માણસ હોત, તો આટલું ઝીણું કાંતવામાં ન આવ્યું હોત, એ ય વરવી વાસ્તવિકતા છે. ખરેખર તો વીસ વર્ષે સંજયનો, સત્તર વર્ષે રાજીવ ગાંધીનો  કે અઢાર વર્ષે સિધ્ધુનો ચૂકાદો આવે, એમાં જ અનેક સમીકરણો ફરી જતા હોય છે.

બેવકૂફો શંકા કરે છે કે ‘લગે રહો મુન્નાભાઇ‘ જેવી ફિલ્મ પણ સંજૂબાબાની લોકજુવાળ ઊભો કરવાની આયોજનબધ્ધ વ્યૂહરચના હશે! અરે ભાઇ, સંજય દત્તનું ભેજું એટલું લાંબુ ચાલતું હોત તો તો પૂછવું જ શું? અને એ ફિલ્મના સર્જક વિધુ વિનોદ ચોપડા તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એમના સિધ્ધાંતો, મૂલ્યો અને પારદર્શક વ્યવસ્થાને લીધે અપવાદરૂપ ગણાય છે. પણ ‘સનસની‘માં રૂપિયાની ‘છનાછની‘ ગણનારાઓને આવા ઊંડાણપૂર્વકના અભ્યાસની ફૂરસદ છે?

એક્ચ્યુઅલી, સંજય દત્તને નજીકથી ઓળખનારા દરેક વ્યક્તિ કબૂલ કરે છે કે એ રિયલ લાઈફમાં મુન્નાભાઇ જેવો જ છે. શરારતી, પણ શેતાન નહિ. તોફાની બાળક જેવો. એક ટીવી મુલાકાતમાં પ્રભુ ચાવલાની ‘ટેઢી બાત‘થી ગૂંચવાઇને એણે કહેલું ‘આપ મુઝસે યે કહેલવાના ચાહતે હૈ ન, કિ મૈં બદમાશ હું- તો મૈં હું. બસ? ખુશ?‘ બહુ ઉમદા બોલીને ગંદા વિચારો કર્યા કરતા અનેક ગુજરાતી સાહિત્યકારો આપણે ત્યાં ઉભરાય છે. બધાની જીભે કંઇ સરસ્વતી ન હોય. સંજય સારું બોલી ન શકે- એટલે એ બિચારો પોતે પોતાનો બચાવ લાલુ યાદવ કે સ્વ. પ્રમોદ મહાજનની અદાથી કરી ન શકે. મોટું માછલું ફસાય તો નેતાઓ, પત્રકારો, પોલીસવાળાઓ, વકીલો- તમામને પૈસા અને પ્રસિધ્ધિના નવા રાજમાર્ગો ખુલ્લા દેખાય!

મુદ્દો પહેલો  કે છેલ્લો એ જ હતો કે સંજય દત્તે ગંભીર અપરાધ જરૂર કર્યો છે, પણ એ રાષ્ટ્રદ્રોહી ત્રાસવાદી નથી. વાસ્તવમાં તો ચાલબાઝ ખંધા ખેલાડીઓથી છલક છલક થતા શો બિઝનેસમાં સંજય દત્તની છાપ કોઇને નુકસાન ન પહોચાડનારા અને દોસ્તીયારી ખાતર પોતાની પ્રોફેશનલ કરિયર તો શું પર્સનલ લાઇફ પણ દાવ પર લગાડી દેનારા દિલેર આદમીની છે. (“જીના ઇસી કા નામ હૈ નો એનો એપિસોડ જોવા જેવો ખરો !) જસ્ટ થિંક. પૈસાને પરમેશ્વર ગણતા આ ક્રૂર બોલીવૂડવર્લ્ડમાં સંજય દત્ત જો એટલો નાલાયક હોત, તો એની સાથે કામ કરનારા પ્રોડયુસર- ડિરેકટર એને વારંવાર રિપિટ કરે ખરા? તૌબા પોકારીને બીજા પાસે ન જતા રહે? પણ એની સાથે એકવાર કામ કર્યા પછી વારંવાર બધાએ કામ કર્ય઼ું છે ઃ વિધુ વિનોદ ચોપરા, સુભાષ ઘાઇ, મહેશ ભટ્ટ, જે.પી. દત્તા, ડેવિડ ધવન, મહેશ માંજરેકર, સંજય ગુપ્તા, મણિશંકર,રાજકુમાર હિરાણી ઈત્યાદિ! સંજય દત્તે પણ કેટલાય સાવ જ નવા ડાયરેકટર્સ સાથે મોજથી વિનાસંકોચે પોતાની શરતોમાં બાંધછોડ કરીને પણ કામ કર્ય઼ું છે. એની સાથેના જેકી, અનિલ, સની, બન્ટી ભૂલાતા ગયા, પણ એ ટકી રહ્યો એનું રહસ્ય પણ આ જ છે! હા, શરાબ કે પ્રેમસંબંધો માટે એ જાણીતો થયો- પણ એ એની પર્સનલ ચોઇસ છે. (લફરાંબાજીના માપદંડને માનો તો કેટલાય ગાંધીવાદીઓ સંજય કરતાં ય સવાયા છે!) હા, એમાં એણે બળજબરી કે છેતરપિંડી કરી હોય તો જરૂર એની ટીકા થવી જોઇએ. સંજય નાના માણસોનો કાયમી મદદગાર રહ્યો છે, એની વ્યક્તિગત ખબર છે. બાળ ઠાકરેએ પણ જીવતેજીવ એને ટીકાબાણોમાંથી જતો કરેલો.

પણ ‘નેગેટિવ‘ લાગતો સંજય દત્ત ખરેખર તો ‘પોઝિટિવ‘ પ્રેરણાનું એક અદ્ભુત ઉદાહરણ છે! નથી માનવામાં આવતું?

જુઓ, સંજય દત્તકી લાઇફ કા ચેપ્ટર શરૂ કૈસે હુઆ મામૂ? અમીર માં-બાપ કા બિગડૈલ બચ્ચા! આજે શેરી ગલીએ જોવા મળે એવા બાપુજીના પૈસે તાગડધિન્ના કરી સીનસપાટા કરતો લાડકોડમાં બગડેલો છોકરો! ટીના મુનિમ જેવી હિરોઇનો સાથે ઈશ્ક કરે, ધમ્માલ કરે ને ફિલ્મી નખરા કરે! એમાં ય મમ્મીના અવસાન પછી ડ્રગ એડિક્ટ થઇ ગયો. નશાની લતમાં કંઇક આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝ આજીવન બરબાદ થઇ છે. ફૂટબોલ લીજેન્ડ ડિયોગો મારાડોના યાદ છે ને? ઉંઘરેટી આંખે ફિલ્મોના સેટ પર આવે. એક્ટિંગમાં કશી ભલી વાર નહિ! (એની શરૂઆતની ફિલ્મ જોઇને ખુદ હી ચેક કર લીજીયે ના!)

આવા વળાંકે કંઇક ચમરબંધીઓ કાયમી ગુમનામીમાં ખોવાઇ ગયા છે. પણ સંજય દત્ત અચાનક બાઉન્સ બેક થયો. ભાગ્યે જ જેમાંથી છૂટી શકાય એ ડ્રગ્સના બંધાણમાંથી (અફ કોર્સ, પ્રેમાળ પિતા સુનીલ દત્તના સહારે) એ મુક્ત થયો. થયો તો એવો થયો કે એનું સૂકલકડી નશાખોર શરીર આજે ય કસાયેલી કસરતી કાયાની મિસાલ ગણાય છે! ફિટનેસની બાબતમાં વધુ જાડા કે પાતળા હોવાને લીધે હતાશ રહેતા માણસ માટે સંજય દત્ત એક રોલ મોડલ છે. એણે ચમત્કારિક રીતે પોતાનું શરીરસૌષ્ઠવ બનાવ્યું, અને જાળવ્યું.

વાત કંઇ આટલી જ નથી. કેન્સરમાં કિશોરવયમાં જ ખૂબ વ્હાલી માતાને ગુમાવ્યા પછી અંતે એણે એન.આર.આઇ. એક્ટ્રuસ એવી બ્યુટિફિલ અને ચાર્મિંગ રિચા શર્મા સાથે લગ્ન કર્યા. ચાલો, છોકરો ઠરીઠામ થયો! હોય કંઇ? એક દીકરીને જન્મ આપ્યા પછી રિચાને કેન્સર જેવું જ અસાધ્ય બ્રેઇન ટયુમર નીકળ્યું! વિચારજો, તારા જીવનમાં તમે જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય એવી બે સ્ત્રી  : માતા અને પત્ની – બંનેને તમારે ભયંકર બીમારીમાં નજર સામે મરતા લાચાર હાલતમાં જોવાનું આવે- ત્યારે કેટલા માણસો ડિપ્રેશનનો ભોગ બન્યા વિના શ્વાસ લઇ શકે? એકનો એક કરૂણ અનુભવ જુવાન ઉંમરે બબ્બે વખત કેટલા ફિલસૂફીના ફોતરાં ફાડનારા ચિંતકો પણ જીરવી શકે? માણસ પાગલ થઇ જાય, સાહેબો!

પણ સંજય દત્ત જીરવી ગયો. ભલે, એણે કદાચ ભગવદ્ગીતાનું મુખપૃષ્ટ પણ નહિ જોયું હોય- પણ એણે આ બબ્બે આઘાત, બે મૃત્યુ, બે તરડાયેલા સંબંધોમાંથી પણ પોતાની જાતને બહાર કાઢી અને એ વખતે (નેવુંના દાયકાની શરૂઆત), એંશીના દાયકાનો અંત)માં પોતાની ધમાકેદાર સેકન્ડ ઈનિંગ્સ શરૂ કરી. નામ, સડક, સાજન, ક્રોધ… ફિલ્મો સુપરહિટ ગઇ. એની હેરસ્ટાઇલે પહેલી વખત બોલીવૂડ સ્ટાર્સને ઈન્ટરનેશનલ લૂકની પહેચાન કરાવી. માત્ર એકશન હીરો ગણાતી સંજય સરપ્રાઈઝિંગલી ફિલ્મ ‘સાજન‘માં એકદમ હૃદયસ્પર્શી એવો લઘુતાગ્રંિથથી પીડાતા સંવેદનશીલ પ્રેમીનો એવોર્ડવિનિંગ અભિનય કરી વધુ એક ચેલેન્જ ઝીલી બતાવી! એ વખતે સંજય દત્ત નવો ઈતિહાસ લખી રહ્યો હતો. કોઇ પણ છોકરી માટે ‘અસલી મર્દ‘ જેવી પાવરપેક પર્સનાલિટી એની લાગતી હતી. સંજયને પડદા પર ચાલતા જુઓ, ને તમને ‘ફીલ‘ થાય કે કોઇ પુરૂષ ચાલી રહ્યો છે! લોકપ્રિયતા ટોચ ઉપર અને માધુરી દીક્ષિત જેવી નંબર વન બ્યુટી ક્વીનનું દિલ એના માટે ધક ધક કરતું હતું.

– ને વળી પાછો એ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સલવાયો. હાથ ઉપર રહેલી મોટી મોટી ફિલ્મો જતી રહી. કોર્ટના ચક્કર જ નહિ, અઢાર મહિનાનો જેલવાસ આવ્યો! મોંમાં ચાંદીની ચમચી લઇને જન્મેલાએ લોખંડના સળિયા ગણવાના આવ્યા! બાઇક પર ધૂમ સ્ટાઇલમાં ધનાધન કરતો કોઇ પણ જીમમાં જઇને બોડી બનાવનાર છેલબટાઉ કોન્સ્ટેબલનું ખાખી લૂગડું જોઇને ઢીલોઢફ થઇ જતો હોય છે. જે રીતે પ્રસિધ્ધિ અને સફળતાના મહેલમાંથી (એ પણ ડ્રગ્સથી મૃત્યુ સુધીની થપાટો વેઠયા પછી) એ જેલમાં ગયો- એ પણ ભલભલાની કારકિર્દી (રાજકારણીઓને અપવાદ ગણવા!) પર ફૂલસ્ટોપ મૂકવા કાફી છે.

પણ સંજય દત્ત ફિનિક્સ યાને દેવહૂમાની જેમ વધુ એક વાર પોતાની રાખમાંથી બેઠો થયો. આ વખતે જગતે એક ઉત્તમ અભિનેતા જોયો. મર્યાદિત ક્ષમતાવાળા નબળા અભિનેતા એવા પિતા સુનીલ દત્ત કરતા અનેકગણી ચડિયાતી એકટિંગ કરીને અંતે સંજયે માતા નરગીસની કૂખ ઉજાળી બતાવી! દુશ્મન, દૌડ, જોડી નંબર વન, હસીના માન જાયેગી, મુન્નાભાઇ એમબીબીએસ, કાંટે, ખૌફ… પ્રચલિત છાપથી વિરૂધ્ધ આ બધામાં કંઇ માત્ર ‘ડોન‘ના જ રોલ નહોતા. કોમેડીથી કેરેકટર રોલ સુધીનું વૈવિધ્ય હતું. રેન્જ તો સંજયે એવી પુરવાર કરી કે મહેશ માંજરેકરની ‘વાસ્તવ‘માં ખતરનાક ડોન તરીકે છવાઇ ગયા પછી, એ જ મહેશની બીજી ફિલ્મ ‘કુરૂક્ષેત્ર‘માં એ પ્રામાણિક પોલિસ ઓફિસર તરીકે પણ એટલો જ અસરકારક લાગ્યો! ફિરોઝ ખાનની ‘યલગાર‘માં પણ બાપના પ્રેમને ઝંખતા યુવકનો એનો અભિનય રસપ્રદ હતો. ‘મુસાફિર‘માં રમૂજી ડોન બિલ્લાનું સાઇડ કેરેકટર હીરો અનિલ કપૂરને ખાઇ ગયું! ‘ઝિન્દા‘માં સાવ વેગળો પડકારરૂપ રોલ, અને ‘દીવાર‘ (નવું)માં અમિતાભ સાથે ખભો મિલાવવાનો! અગાઉ ‘હથિયાર‘ (જૂનું) જેવી ફિલ્મોમાં જ ચમકારા બતાવવા સંજયે ‘વાહ લાઇફ હો તો ઐસી‘ કે ‘એન્થની કૌન હૈ‘ જેવી ફિલ્મમાં પોતાની હાજરી હોય એટલા સીનમાં ચારસો ચાલીસ વોટનો ઈલેકટ્રિક કરન્ટ ફેલાવતો અભિનય કર્યો. એ તો ઠીક ‘પરણિતા‘ કે ‘શબ્દ‘ જેવી ફિલ્મમાં તો ઈમેજથી સાવ અલગ શાંત ભૂમિકાઓમાં પણ ખીલી ગયો… ગાંધીગીરીનો ગમતીલો શિષ્ય તો છે જ!… અને મિત્રદાવે કરેલી નાની-નાની પણ પ્રભાવશાળી ભૂમિકાઓ તો વીણી વીણાય નહિ, ગણી ગણાય નહિ! એકલવ્યથી ઓલ ધ બેસ્ટની જમાવટ પણ ખરી. લમ્હાથી અગ્નિપથ પણ. છેલ્લે છેલ્લે વળી કાનૂનના રખેવાળની ભૂમિકાઓ એણે શૂટઆઉટ એટ લોખંડવાલાથી લઇને ડીપાર્ટમેન્ટ સુધી બહુ કરી ! એ ય કેવું અજબ !

એમાં બહેન-ભાણેજોને ટેકો આપ્યો. પ્રોડકશન કંપની ખોલી. ચેરિટીવર્ક કર્ય઼ું. નદીમની જેમ દેશ છોડી ફરાર થઇ જવાને બદલે કોર્ટકેસમાં ચૂપચાપ હાજરી આપી. હવે ‘લગ્ન કરીશ કે નહિ એ જાણતો નથી‘ એવી નિખાલસ કબૂલાત આપી એકલતા સ્વીકારી. અમેરિકા ભણતી દીકરીને લાડ કર્યા. લાગવગથી એવોર્ડ ફંકશનમાં ચોક્કસ અભિનેતાઓ જ દર વર્ષે એવોર્ડ લઇ જાય એ જોયા કર્ય઼ું અને મોં હસતું રાખ્યું. છૂટાછેડા લીધેલી બીજી પત્ની રિયાએ લીયાન્ડર પેસની પુત્રીને જન્મઆપ્યો એનેય અભિનંદન આપવો ગયો! માન્યતા જેવી બબ્બે લગ્નમા નિષ્ફળ સ્ત્રી સાથે લગ્ન કરી મોટી ઉંમરે બાળકો પણ પેદા કર્યા. અતિ વહાલા પિતાના મૃત્યુનો આઘાત જીરવ્યો. સંજય ગુપ્તા જેવા દોસ્તો છૂટ્યા. વધી ગયેલું શરીર ઉતારવા  સાથે ફરી ફિલ્મમાં સક્રિય થવા પ્રયાસ કર્યા.

બોલો, નાની નાની હારથી ભેંકડો તાણનારા હતાશ આત્મઘાતીઓ માટે પડદા પાછળની સંજય દત્તની ઉતાર-ચઢાવથી ઉભરાતી જીંદગી પ્રેરણારૂપ છે કે નહિ! ખલનાયક ? નાયક ? હી ઈઝ ધી હીરો? ઓર ઈઝ હી ધ વિલન ?

લાઈફના જજમેન્ટ કાયદાની કલમ જેટલા વન ડાયમેન્શનલ નથી હોતા.

***

Sanjay Dutt new wallpapers by oowallpaper.com

૧૯૩૮માં હોલીવૂડની એક વિખ્યાત ફિલ્મ આવી હતીઃ એન્જલ વિથ ડર્ટી ફેસ. એની સંઘેડાઉતાર નકલ એટલે શાહરૂખખાનની રામજાને. ફિલ્મમાં બે દોસ્તો છે. બંને સડકછાપ ટપોરી બાળકો છે. ચોરી કરવા જતાં એક પકડાઇ જાય છે, બીજો છટકી જાય છે. છટકી ગયેલો છોકરો પકડાઇ જવાની વાસ્તવિકતાથી એવો ભયભીત થઇ જાય છે કે એ એક ધાર્મિક સંસ્થામાં જઇ પાદરી બની જાય છે. મોટા થયા પછી એ પોતાના જેવા બચપણમાં જ અનાથ રખડતા છોકરાઓ (સ્ટ્રીટ ચિલ્ડ્રન) માટે એક ઘર બનાવી એમને મૂલ્યશિક્ષણના પાઠ આપે છે.

પકડાઇ ચૂકેલો છોકરો રોકી સુલિવાન  બાળકોની જેલમાં જાય છે. એ જેલ સુધારાગૃહને બદલે વધુ મોટા ગુનાઓની તાલીમશાળા બને છે. એ શહેરનો મોટો ‘ડોન‘ ઉર્ફે ભાઇ બની જાય છે. વર્ષો પછી બે જૂના મિત્રો મળે છે. બંને સમાજમાં સામસામેના છેડે ઉભા છે. છતાં રોકી સુલિવાનને જૂના દોસ્ત અને એણે સાચવેલા બાળકો પ્રત્યે હમદર્દી છે. એ એને મદદ કરે છે. બાળકો સ્ટાઇલિશ, પ્રભાવશાળી, હથિયારોને રમકડાંની જેમ રમાડતાં, લક્ઝુરીયસ જીંદગી જીવતા અને બધી જ રીતે નફકરા બનીને બેફામ ઐશ કરતા રોકીથી અભિભૂત થવા લાગે છે. પાદરીની નજરે એ ગમે તેવો વિલન હોય, બાળકોની નજરમાં હીરો છે. લાઇફ હો તો ડોન સુલિવાન જૈસી!

ટુ કટ એ લોંગ સ્ટોરી શોર્ટ, પાદરી મિત્રને બચાવવા જતા પોતાના જ સાથીઓ સાથે બાખડી પડેલા સુલિવાનની ધરપકડ થાય છે. જાહેર ફાંસીની સજા થાય છે. પહેલેથી જ ડરને હજમ કરી ગયેલા સુલિવાનને અફસોસ નથી. લાઇફને એણે લિજ્જતથી ભરપૂર જીવી લીધી છે. પણ આગલી રાત્રે એને જેલમાં પાદરી દોસ્ત મળવા આવે છે. એ વિનંતી કરે છે કે બીજે દિવસે ફાંસીએ ચડતી વખતે સુલિવાને ‘ડરવું‘. ધમપછાડા કરવા, રોકકળ કરવી અને પોતાના પાપ માટે માફીની ભીખ માંગવી!‘ સુલિવાન પૂછે છે ‘કેમ?‘ પાદરી કહે છે કે ‘તેં તારી મરજી મુજબ જીંદગી જીવી લીધી. પણ આ બાળકોને હું પ્રેમ, શ્રધ્ધા, આશા, ઉદારતા, પ્રામાણિકતા, ક્ષમા અને કરૂણાથી મોટા કરવા માંગુ છું. ભલે સમાજ એવો ન પણ હોય. પરંતુ, આજે એ છોકરાઓ તને આદર્શ માને છે. તારી નકલ કરવામાં બહાદૂરી સમજે છે. એ લોકોને હું જો તારો ડરેલો, રડતો ચહેરો બતાવીશ – તો એમનો ભ્રમ ભાંગી જશે. તારા રસ્તે ચાલીને કેવો અંજામ આવી શકે એનો એમને અત્યારથી અહેસાસ થશે, અને એ તને ધિક્કારી સાચા રસ્તે વળશે.’

‘એવી વાતો શીખીને તો એ દુનિયામાં વધુ હેરાન થશે‘ની કટાક્ષમય કોમેન્ટ કરીને સુલિવાન એને વળાવી દે છે. પણ બીજે દિવસે અચાનક જ એ ફાંસીએ ચડતા પહેલા પાદરીએ કહ્યું એમ વર્તે છે. બાળકો સ્તબ્ધ બની જાય છે. સુલિવાનના પગલે ચાલવાનો વિચાર પડતો મૂકે છે!

* * *

સંજય દત્તમાં ડહાપણની દાઢ ચાલીસી પછી ફૂટી અને એણે પોતાની ‘લગે રહો મુન્નાભાઇ‘માંથી પ્રેરણા લઇને ગાંધીગીરી શરૂ કરી. સંજુબાબાને ન ઓળખનારા પણ જાણે છે કે એ ‘મેન વીથ ગોલ્ડન હાર્ટ‘ છે. કેટલાય નવા નિશાળીયાઓ સાથે એણે કામ કર્ય઼ું છે. મોટા ભાગના સર્જકોએ એકવાર એની સાથે કામ કરીને વારંવાર એને રિપીટ કર્યો છે. પણ ફિલ્મી પાત્રમાંથી પ્રેરણા લેવાની ટેવ સંજુને થોડી વહેલી પડી હોત તો? તો આજે એ જેલમાં કેદી તરીકે નહીં, પણ સમાજસુધારક તરીકે ચીફ ગેસ્ટ બન્યો હોત. સંજય ત્રાસવાદી નથી, એ સત્ય છે. પણ શસ્ત્રધારાનો પુરવાર અપરાધી છે, એ ય સત્ય છે.

પૂરી કેરિઅરમાં માત્ર બે જ ઢંગની ફિલ્મો બનાવનારા જે. પી. દત્તાએ ‘ગુલામી‘ પછી કોઇ સરસ કૃતિ બનાવી હોય, તો એ છે હથિયાર‘. ૧૯૮૯માં આવેલી એ ફિલ્મમાં પોતે ભજવેલા પાત્રમાંથી સંજય દત્ત કશુંક શીખ્યો હોત તો? પણ ફિલ્મો કે પુસ્તકોને ટાઇમપાસ એન્ટરટેઇનમેન્ટ ગણવાની આદત ફક્ત પ્રેક્ષકોને જ નથી હોતી. ‘હથિયાર‘ ફિલ્મ પછી બનેલા સંજયના જ મહેશ માંજરેકર જેવા દોસ્તોની સંગતના પ્રભાવમાં બનેલી હથિયાર (‘વાસ્તવ‘નો બીજો ભાગ) કરતાં એકદમ અલગ હતી. એની થીમ એ હતી કે બાળકોને નાનપણમાં બંદૂકના મોંઘાદાટ રમકડાં રમવા આપો, એમાંથી એને ધાંય ધાંય કરવાનું ફેસિનેશન થાય અને એવું બને કે મોટા થતાં એમને શસ્ત્રની સોબત શરબત જેવી લાગે ! પછી હથિયારના આકર્ષણથી ખેંચાઇને એ મવાલીગીરી કે હિંસા કરવા લાગે અને આખરે એમનો અકાળ અંત થાય!

સંજયના શુભેચ્છક વકીલો પણ સ્વીકારે છે કે આર્મ્સ એક્ટમાં આટલી સજા અનિવાર્ય હતી. એને આટલો લાંબો સમય બહાર રહેવા, નામ અને દામ કમાવા મળ્યા એ જ એનું બોનસ! સંજુએ પણ રાજકારણી જેવી ‘હું નિર્દોષ છું‘ વાળી ચીસાચીસ નથી કરી. નથી દેશ છોડીને ભાગાભાગી કરી. એણે માત્ર ‘ભૂલ થઇ ગઇ, માફ કરો‘ની વાત જ કરી છે. એના પરના ચૂકાદામાં પાંચ સાત મુદ્દા છુપાયેલા છેઃ (1) ‘‘અમે લઘુમતી હોવાને લીધે અમને જ ફિટ કરી દેવામાં આવે છે“ – એવો અન્યાય બોધ લઇને જીવતા મુસ્લીમોએ પણ ધડો લેવો જોઇએ કે અપરાધ અને સજામાં ભારતીય ન્યાયપ્રણાલિ આવો કોઇ – પૂર્વગ્રહ રાખતી નથી. (2) સંજય દત્તને વધુ પડતી છૂટછાટ મળી એવું કહેનારા જન્મજાત સિનેમા શત્રુઓએ પણ સમજવું જોઇએ કે આવું કહેવાનો અર્થ એ થાય કે ટાડા / સર્વોચ્ચ અદાલતના – ત્રાસવાદી કૃત્ય કરનારાઓને ફાંસી આપવાનો પણ એ અજાણતા વિરોધ કરી રહ્યા છે. (3) સેલિબ્રિટી હોવાના ફાયદા અને ગેરફાયદા બંને છે. ફાયદો એ કે જામીન મળે, ગેરફાયદો એ કે જેલ ન મળે તો જગત ચીસાચીસ કરી મૂકે! દુનિયામાં દરેક સફળતાને એકલી જમા બાજુ નથી હોતી, ઉધાર ખાતું પણ રહે છે. (4) મોટા માથાઓ છટકી જાય છે, અને નાના મુંડકાઓ એમના ઇશારે નાચવા જતાં હાથપગ ભાંગી બેસે છે. જેમ કે, દાઉદ-ટાઈગર અને સંજય-યાકુબ. (5) મુંબઇ પોલિસના જ ભૂતપૂર્વ અધિકારીઓ કહે છે તેમ બોમ્બ બ્લાસ્ટ કેસમાં રાજકારણીઓએ ઘણી સખળડખળ કરી છે.જ્યાં પાંચ જણાને બેસાડીને ઇન્ટરોગેશન કરી શકાય તેમ નથી, એવી સીબીઆઇની ઓફિસમાં તપાસનો વીંટો વાળીને ઓટોગોટો કરી નાખવાની પેરવીને બીજું શું કહી શકો? (6) આ કેસનો સૌથી મોટો પ્રોબ્લેમ એનો ટાઇમ છે. ૨૦ વર્ષ! આમાં સજા પડી હોય એ લોકોએ પણ જનમટીપ ભોગવી લીધી! નિર્દોષ હોય એમણે પણ! અને એની ધાક બેસે એ પહેલાં તો અસંખ્ય બોમ્બ ધડાકાઓ થઇ ગયા! જસ્ટ થિંક, ૨૦  વર્ષ પહેલાં જ સંજય દત્તનો કેસ ચાલી ગયો હોત તો ‘મુન્નાભાઇ‘નો સિમ્પથી વેવ થયો હોત? (7) કાયદો જડ છે કે ચેતનવંતો? એણે ગુનાના પુરાવાઓ જોવાના છે કે વ્યક્તિનું હૃદય? (જો કે આ ડિબેટ સનાતન છે).

ઉઉફ! થાકી ગયા? ડોન્ટવરી. આમાંના એક પણ મુદ્દાની ચર્ચા નથી કરવી. આપણી વાત અલગ છે.

* * *

બિહેવિઅરલ સાયન્ટિસ્ટસ કહે છે કે બ્રેઇનમાં બે પ્રકારની કંટ્રોલ સીસ્ટમ વિકસેલી છે.. (બ્રેક વિનાની ગાડીની સ્પીડનો એન્ડ એક જ હોયઃ એક્સિડેન્ટ!) એકઝોજીનિયસ અને એન્ડોજીનિયસ, એક્ઝોજીનિયસ પ્રતિબિંબ પાડનારી સીસ્ટમ છે. બહાર જે દેખાય એના તરફ ખેંચાય છે. લાઇટ ઝબૂકે તો ધ્યાન બાકીનું દ્રશ્ય મૂકીને ત્યાં જતું રહે. એન્ડોજીનીયસ સ્વૈચ્છિક અને આંતરિક વ્યવસ્થા છે. જે આંખની આંજી દેતી લાઇટ તરફ જોવાનું તરત ટાળે છે. ફોર એકઝામ્પલ, ટ્રાફિકમાં અચાનક કોઇ વાહન સામે આવે, તો એક્ઝોજીનિયસ સીસ્ટમ તમને ચોંકાવી દેશે. તમે સ્થિર થઇ જશો અને ચીસ પાડી ઉઠસો. પણ એન્ડોજીનિયસ સીસ્ટમ તમને ફટાફટ બ્રેક મારવા અને પોતાના વાહનને સલામત દિશામાં ફેરવવાનો રિસ્પોન્સ આપશે.

જોખમી ઉધામા કરતા, ડ્રગ્સથી લઇને ફ્રી સેક્સ સુધી તરત આકર્ષાઇ જતા ‘ટીન બ્રેઇન‘ (ટીનેજર્સના દિમાગ)માં પ્રિફ્રન્ટલ કોર્ટેક્સમાં ‘ગ્રે મેટર‘ વધુ હોય છે. માટે એમની કંટ્રોલ સીસ્ટમ એક્ઝોજીનિયસ હોય છે. એડલ્ટ મેચ્યોર બ્રેઇન એન્ડોજીનિયસ બનતા જાય છે. વધુ કંટ્રોલ અને કૂલ બને છે. પણ ટીનએજ બ્રેઇન હંમેશા રિસ્ક અને બેનિફિટસને ‘એમ્પ્લીફાઇ‘ (હોય તેના કરતાં વધુ!) કરીને જ નિહાળે છે. એમને જોખમ હોય તેના કરતાં વધુ અતિશયોક્તિભર્ય઼ું લાગે છે, પણ સામે એમાંથી પ્રગટતો રોમાંચ કે દેખાતો (કાલ્પનિક) ફાયદો પણ બેહદ, કલ્પનાતીત લાગે છે.

એટલે જુવાનિયાઓ ચિચિયારીઓ પાડી ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવે છે કે ચિક્કાર નશો કરી આખી રાત નાચતા રહે કે છોકરા/છોકરીને ‘પાડી‘ દેવાની રમતો- ગમ્મતો કર્યા કરે, જોક્સ સિવાય બાકીની બાબતોમાં ચંચળ રહે, ક્યાંય સ્થિર ન બેસી શકે, બધું ફાસ્ટ મૂવિંગ હોય તો જ ગમે અને એટલે જ ક્રાઇમનો ચાર્મ વધતો ચાલે!

સંજય કે સલમાન જેવા લોકો ક્રિમિનલ નથી, પણ દિમાગી તૌર પર ટીનેજર્સ જ રહ્યા છે. બાળક જેવી હરકતો કરતી વખતે રમકડાંની બંદૂકની જેમ શિકારની ગન અથવા એ.કે.૪૭ સાથે ખેલવા લાગે છે. ટબૂકડાં ટાબરિયાને ઝગમગતા આભલાં ગમે, એમ થ્રિલ્સ ખાતર એ લોકોને ઓરિજિનલ હથિયાર, ડ્રગ્સ, હન્ટિંગ વગેરેનું આકર્ષણ રહે છે. એમના નિર્ણયો રેશનલ (તાર્કિક) ઓછા અને ઇમ્પ્લઝિવ (તરંગી) વધુ હોય છે. ધે લાઇક ટુ લિવિંગ ઓન ધ એજ! તેજ ધાર પર ચાલવાની મજા છે, એમ પગ લપસે તો સજા પણ છે! જનરલી, એ ભવિષ્ય અનડરએસ્ટિમેટ થઇ જતું હોય છે. અને સામે આવે પછી તકલીફો ‘ઓવર એસ્ટિમેટ‘ થઇ જાય છે. બહુ ઓછા ‘કર્મ કર્ય઼ું છે તો ફળ ભોગવવા પડશે‘ની ભાવના સ્વીકારી શકે છે.

વિજ્ઞાનીઓ માને છે કે આપણે બધા જ ઇન્ટયુઇશન (અંતઃપ્રેરણા)થી જીવતા બાળકોમાંથી એનાલિટિકલ એડલ્ટ તરફ ‘ગ્રોથ‘ કરીએ છીએ. એ વખતે કેવળ બ્રેઇન ડેવલપમેન્ટ જ નહિ, પણ એન્વાર્યનમેન્ટ ઇફેક્ટ પણ મહત્વનો ભાગ ભજવે છે. સાદી ભાષામાં કહીએ તો સંસ્કાર ઘડતર, પેરન્ટિંગ ! ‘મધર ઇન્ડિયા‘માં નરગીસે જે ભૂમિકા પડદા પર ભજવી, એના કરતા ઉલટી જ અતિમમતામયી માતા એ હકીકતમાં બની! (એણે પણ પોતાના સ્ક્રીન  કેરેક્ટરમાંથી ખાસ કંઇ પ્રેરણા લીધી નહિ!) વધુ પડતા લાડ લડાવનારી મા અને વધુ પડતી આકરી શિસ્ત લાદતા બાપ આ બે અંતિમ વચ્ચે ઉછરેલું સંતાન કેવું બને? જો એ પોતે જ અંકુશ ન રાખે તો સંજય દત્ત બને અને રાખી શકે તો પ્રિયા દત બને! બહુ સ્ટ્રિકટ બનતા કે એકદમ લિબરલ બનતા બા-બાપુજીઓ આંતરખોજ કરશે?

* * *

બાપકમાઇના જોરે તાગડધિન્ના કરતા ઘણા બચુભાઇઓ અને બચીબહેનો (ઓર બાબુઝ એન્ડ બેબીઝ!)માં ‘એન્જલ વિથ ડર્ટી ફેસિઝ‘ જેવી ઇફેક્ટ સંજય દત્તનું સેલિબ્રિટી સ્ટેટસ લઇ આવી શકે, તો એની જેલયાત્રા સાર્થક થશે. એનો ગુનો વિકાસ યાદવ કે મનુ શર્મા જેટલો સંગીન નથી, પણ એની વ્યક્તિગત પ્રતિભાની અસર મોટી છે. મોડો મોડો પણ કાયદો ગૂંજી શકે છે, એની પ્રસિધ્ધિ નેચરલી સોમાંથી સિત્તેર લુખ્ખાઓના મનમાં બીક પેદા કરશે. પ્રસિદ્ધ અને પૈસાદાર હોવાથી આવા સંવેદનશીલ મામલામાં ‘અભય કવચ‘ મળી ન શકે, એ અહેસાસ થશે. અને ઘેર બેસી સંજયની ચોવટ કરનારાઓ માટે એક હોમવર્ક. શા માટે સ્થાનિક કક્ષાએ પણ ગુનેગારોની પંગચંપી કરવા દોડવું જોઇએ? ફલાણા ‘ભાઇ’ તો આપણને ઓળખે – એવું કૂકડાની માફક ગળું ફુલાવીને કહેવું જોઇએ? નાદાન કી દોસ્તી, જી કા જંજાલ. પૂછો મોનિકા બેદીને! ભાઇલોગ ચમનથી રહેતા હશે, પણ એમના અમનનું આયુષ્ય મિગ-૨૧ વિમાન જેવું છે. ઉંચે ઉડવા મળે, પણ ક્યારે ક્રેશ થઇ જવાય એ નક્કી નહિ! ગામના ગુંડાઓની સોડયમાં ઘૂસીને લટુડાંપટુડાં કરનારા પોલા પોપટાઓ જ એ બોસને મોટાભા બનાવીને ‘ફટવી‘ મારે છે!

લાઇફ બનાવવી હોય, કરિયર જમાવવી હોય તો કીપ સેફ ડિસ્ટન્સ વિથ સચ ક્રિમિનલ્સ. ઓળખાણ રાખવી , આધાર કે અહોભાવ  નહિ. સળગતા લાકડા પકડશો, તો દાઝ મટાડનારો મલમ નથી! પૂછો સંજય દત્તના આંસુઓને ! 

બાકી તો જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ. સંજય દત્તની જેમ લડખડાતા ય ચાલવું ખરું. જેલ પણ મળે, મહેલ પણ. નામ પણ મળે, બદનામી પણ. પ્રેમ જાય, પ્રેમ મળે. એટલો સાર આપણા માટે કામનો છે. 

 
63 Comments

Posted by on March 21, 2013 in cinema, india, life story, youth

 
 
%d bloggers like this: