RSS

Daily Archives: February 24, 2013

ઓસ્કારાતુર ! :)

bestpicture

જે સમયે હોલીવૂડની ફિલ્મો આસાનીથી જોવા ન મળતી, ત્યારે ય ઓસ્કાર એવોર્ડ્સ તો આપણા ટીવી પર જોવા મળતા જ.

અને આ જીવડો આંખો ફાડી ફાડી એ જોયા કરતો જ. પોર્ટેબલ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં. ( કલર ટીવી લેવાની ઔકાત નહોતી, પણ આંખોમાં કલર્સ હતા સપનાનાં ! )

શિસ્તબદ્ધ, રમૂજી, સાદો તો ય ભવ્ય સમારંભ. “ત્યાં કશું કુટુંબ જેવું હોય જ નહિ” એવું માનતા ( અને ખુદ શેરીની બાઉન્ડ્રી પણ માંડ ક્રોસ કરી હોય એવા ) ભારતવાસીઓ માટે પશ્ચિમના લોકો ગળગળા થઈને કેવી રીતે પરિવારને, સ્વજનોને અડધી મીનીટમાં પણ યાદ કરે એ જોવાનો અવસર. માદક વસ્ત્રોમાં સજ્જ કામિનીઓ ( કમીનાઓ તો બાપડા બ્લેક સૂટમાં જ હોય ને ! નો ઓપ્શન ! 😉 ) અને સિમ્ફનીની હાર્મની સંગીતમાં માણવાનો મોકો. એટલે જ એલ.એ. આ વખતે ગયો ત્યારે ઓસ્કાર હોમ ગણાતા કોડાક થીએટરમાં સમરસિયા હેમંતભાઈ અને ઉકાભાઈ સંગ સિનેમા પરનું જ મ્યુઝિકલ “આઇરિસ” ( એટલે કે, આંખની કીકી) જોવા ગયો.

ઓસ્કાર એવોર્ડ અતિપ્રતિષ્ઠિત છે, અને બોલીવૂડ તમાશા કરતા હજારગણા ક્રેડિટેબલ છે ( એમાં નોમિનેટેડ ફિલ્મ્સ નો એક ક્લાસ, એક લેવલ તો હોવાનું જ ) છતાં ય, એ અલ્ટીમેટ નથી જ. ઓસ્કારવિનર ના હોય, તો ય અદભૂત હોય એવી સેંકડો ફિલ્મો છે. પણ દ્રાક્ષ ખાતી છે ની અદામાં ઘણા આપણા સર્જકો એને વખોડે છે. વેલ, હકીકત એ છે કે વિશ્વભરમાં સિનેમાની દુનિયામાં એ ધન્યતાનું સર્વોચ્ચ શિખર છે તો છે જ. ચાહે તું માને, ચાહે ના માને 😛  દરેક એવોર્ડની માફક એમાં ય ઘણી વખત લાયક રહી જાય છે. પણ ફરક એટલો જ છે કે સાવ નાલાયક ફાવી જાય એવું અહી બનતું નથી.

એકેડમીના વોટિંગની એક ચોક્કસ પેટર્ન હોય છે, અને એ સમજ્યા વિના ભારતની લોક લાગવગશાહી મોટા ભાગે ઊંઘું જ મારતી હોય છે એન્ટ્રી મોકલવામાં ! જેમ કે, આ વખતની બ્લન્ડર ‘બરફી’. પાનસિંહ તોમર કે વિકી ડોનર ( ગેન્ગ્સ ઓફ વાસેપુરને કલ્ચર સેન્ટ્રીક ગણીએ તોયે ) વધુ લાયક હતી ઉભા રહેવા માટે. જો કે, મારે પસંદ કરવાની આવત તો હું આંખો મીંચીને ( ખુલ્લી આંખે જોઈ હોઈ ને સ્તો ) ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ જ મોકલત એન્ટ્રીમાં ને અચૂકપણે આવત જ. કારણ કે ઓસ્કારના સિલેકશનની એક અદ્રશ્ય છતાં ચોક્કસ રીધમ / માપદંડ મને નાડપારખું વૈદની જેમ સમજાઈ ચુકી છે.

આવું અમોશ્રી વટથી લખીએ છીએ , કારણ કે, લગાન અને વોટર જયારે રિલીઝ થઇ ત્યારે એ ફિલ્મો પ્રેક્ષક તરીકે રાજકોટમાં જોઇને જ, કોઈ જ્યુરી વિના, કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં માંધાતાઓની ફાંકાબાજી વિના અમે એ ઓસ્કાર લેવલ હોવાનું સ્પષ્ટપણે લખી નાખ્યું હતું અને બંને પાછળથી નીવડી ય ખરી – એક ભારત અને બીજી કેનેડામાંથી નોમિનેટ થઇ, ટોપ ફાઈવમાં. B-)

આપણે એવો બનાવટી નમ્ર સમાજ બનાવી બેઠા છે કે લોકો ખુદની લાયકાત અંગે પણ બોલતા કોઈ અપરાધ થયો હોય એમ શરમાઈ જાય ! એ બાબતમાં નરેન્દ્ર મોદીનું અનુકરણ કરવું જ. સારું કામ થયું હોય તો છાપરે ચડીને પોકારવું. નહિ તો દુનિયા નાનકડી ખરાબી પણ  મીનારે ચડી લલકારવા નવરીધૂપ જ હોય છે !

આ વખતની બે ને બાદ કરતા લગભગ ઓસ્કારનોમિનેટેડ ફિલ્મ્સ સ્પેશ્યલ પ્રવાસો કરી અમદાવાદ કે મુંબઈ પીવીઆરમાં જોઈ છે. કેમ ? કારણ કે ફિલ્મો જોવી શોખ છે. લોહીમાં ભળી ગયેલો શોખ. લેખક નહોતો ત્યારનો, અને લેખક નહિ હોઉં તો ય ઇન્શાલ્લાહ એ તો રહેવાનો જ.  હું ફિલ્મો માણવા જાઉં છું, એના પર લખવા નહિ. એ તો એક આડઅસર છે. રથીન રાવલ અને જીગ્નેશ કામદાર જેવા બે હોલીવૂડ ફિલ્મ્સના અઠંગ બંધાણી એવા જીગરી દોસ્તોમાં સિનેમા વિષે કહેવાતા ફિલ્લમવાળાઓ કરતા ઝાઝી અક્કલ છે, ફિલ્મોને પારખવાની. 🙂

અને આ વખતે પણ એ જ બન્યું જયારે ઓસ્કારલિસ્ટ જાહેર થયું ત્યારે – ફરી એનું એ જ વાક્ય બોલવાનો મોકો ‘જોયું , અમે તો કીધું’તું !’ – અને ફિલ્મો વિષે સચોટ અવલોકન કરવા માટે ફિલ્મો બનાવવી ફરજીયાત નથી એનો આ લેખિત સબૂત છે.  આજે બેસ્ટ ફિલ્મ માટે ફ્રન્ટ રનર ગણાતી ‘આર્ગો’ વિષે એ જોઇને ઝિંગ થિંગ ત્યારે જ લખેલું કે એની પ્રત્યેક ફ્રેમ પર ઓસ્કાર લખાયેલો છે. ડીટ્ટો લાઈફ ઓફ પાઈ. એના ય લેખમાં એ ઓસ્કારમાં સપાટો બોલાવશે એવી આગાહી કરેલી. અને અધધધ નોમિનેશન્સથી એણે એ બોલાવી પણ દીધો જ. સુજ્ઞ રસિકોને યાદ હશે ( ને સુગાળવા અરસિકોના નાકનું ટીચકું ચડશે ) કે ફિલ્મ તો ઠીક, એનું બહુ ગમેલું પેલું હાલરડું અહી, આ બ્લોગ પર જ શેર કરેલું અને એ માટે પછીથી બોમ્બે જયશ્રી નોમિનેટેડ થઇ. ( મને બતાવો તો ખરા, કોઈ બીજાનું એ હાલરડાં પર ધ્યાન ગયું હોય તો ? અમે અમારો સુર નીચો કરીશું બસ ! 😉 )  અને એની સામે જેની ઓસ્કાર જીતી જવાની પૂરી સંભાવના છે એ એડેલના સ્કાયફોલ સોંગ પછી એના માટે હેડ ઓવર હિલ્સ થઇ ગુલાટીયા ખાધેલા જે ફેસબુક ફોટોમાં આજે ય મોજુદ છે. ‘ઝીરો ડાર્ક થર્ટી’ પર જોતાંવેંત હમણાં જ આખો લેખ લખાયો. ‘જેન્ગો’ વાળા ટેરેન્ટીનોની કમાલ કૃતિઓ પર પણ લખતો જ રહ્યો છું ( હજુ ય ઇન્ગ્લોરીય્સ બાસ્ટરડસનો  વોલ્ટઝ યાદ છે, ત્યાં તો એ અહી પણ આવી ગયો નોમિનેશનમાં  !) જેન્ગોનું ટ્રેલર શેર કરતી વખતે જ ભાખેલું કે ઇસ ફિલ્મમેં જાન હૈ ભીડુ ! 😎

મતલબ, ઉત્તમ ફિલ્મો દિલ ફાડીને જોતાં જોતાં દિમાગમાં એક સેન્સ વિકસી ચુકી છે..ધોનીને આજે ટપ્પો પડ્યા પછી દડો ક્યાં જાય એ આગોતરી ખબર આસાનીથી પડે એવું જ કંઇક. અને મારે કોઈને રાજી નથી રાખવાના , જે માનું છું એ રીડરબિરાદર સાથે શેર જ કરવાનું છે.

ઓસ્કારમાં આ વખતે કાંટે કી ટક્કર છે. હજુ ત્રણ દિવસ પહેલા જ ‘સિલ્વર લાઈનિંગ પ્લેબૂક’ જોવાનો મોકો મળ્યો ને આ ફિલ્મ પણ એવોર્ડ્સ ઉસેડી જાય તો એમાં મને નવાઈ તો નહિ લાગે, વાંધો ય નહિ હોય ! 🙂  શું ફની, ઓરિજીનલ, સેન્સેટીવ, રિયલ, મસ્ત લવસ્ટોરી બનાવી છે ! કેવું દિલચસ્પ કેરેક્ટરાઈઝેશન! નશો ચડી જાય ફિલ્મ જોયા પછી હ્યુમન રિલેશનનો ! ને એની અભિનેત્રી જેનીફર લોરેન્સને “આમોર”ની સિનીયોરીટી નહિ નડે તો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનો એટલો જ પાક્કો છે જેટલો ‘લિંકન’ માટે ડેનિયલ ડે લુઇસનો બેસ્ટ એકટરનો એવોર્ડ પાક્કો લાગે છે. ‘લા મિઝરાબ’નું ટ્રેલર જોઇને જ એ કથાના ચાહક તરીકે એની ઓથેન્ટીસીટી પર કુરબાન થઇ ગયેલો, અને એ ય રેસમાં પહોંચી જ ગઈ. સ્પિલબર્ગ એઝ ઓલ્વેઝ લિંકન માટે બેસ્ટ ડાયરેક્ટર માટે નોમિનેટ થયા, એ અગાઉ જ ઓનલાઈન ચર્ચામાં મેં કહેલું કે નોલાન મહાન છે, પણ સ્પીલબર્ગ તો પિતામહ છે. ( લાસ્ટ ઈયર વોર હોર્સ જોઇને ય એના ઓસ્કાર નોમિનેશનની આગાહી મારા લેખમાં જ કરેલી !). બસ, બીસ્ટ ઓફ ધ સધર્ન વિન્ડ જોવાની ચુકાઈ ગઈ છે, અને આ કંઇ આપણા અમુક ફિલ્મમેકરો જેવી પ્રેડીકટેબલ ફિલ્મો નથી હોતી કે જોયા વિના જ ભાવી ભાખી શકાય ! 😀

તો સાહિબાન કદરદાન, વહેલેરા ઉઠીને સ્ટાર મૂવીઝ પર ઓસ્કાર લાઈવ જોવા રંગેચંગે ગોઠવાઈ જજો. અને અમે કોલરવાળું શર્ટ નહિ હોય તો બનિયાન ઊંચું કરીને પણ પુરા દબંગભાવથી સર્વજ્ઞની અદામાં કહેતા રહીશું – કે જોયું અમે કહ્યું હતુંને ! એનાથી આંત્રપુચ્છ સુધી જેમને બળતરા ઉપડશે એ ડબ્બાદબ્બુઓ અમારા આવું કહેવા પર કટાક્ષ કરતા લેખો, એ પોતે જ વાંચ્યા કરે એમ ઘસડ્યા કરશે.

તો, અમે અમારા ફિલ્મપ્રેમ, એમાંથી રાતોની રાતો કરેલી તપસ્યા અને એના થકી આપમેળે થઇ જતા સચોટ એનાલિસીસ પર લખતા રહીશું અને પેલા જ્વલનશીલ ડબ્બાદબ્બુઓ ખુદ એવું કશું ના કરી શકતા હોઈ ગિન્નાઈને અમારા પર લખ્યા કરશે ! 😉 😀 =)

બસ, આટલો ફરક રહવાનો, ક્લાસ અને ત્રાસ માં ! 😛

મે ધ બેસ્ટ ટેલન્ટ વિન. લાઈફ ઓફ પાઈ જીતશે તો મને દોરાવાર વધુ ગમશે, પર્સનલી.  આર્ગો  ને સિલ્વર લાઈનિંગ પ્લેબૂક માટે ય આપણે નારંગીના તાજાં જ્યુસના ફીણ ઉડાડવા  તૈયાર છીએ ! 😉 પણ બધી ફિલ્મો આ વખતે ઉમદા છે. એટલે  આપણે ભાવકો તો જીતેલા જ છીએ- આવી એક એકથી ચડિયાતી કૃતિઓ જોઈ જોઇને ! ❤

 
25 Comments

Posted by on February 24, 2013 in cinema, entertainment, personal

 
 
%d bloggers like this: