RSS

Daily Archives: February 20, 2013

યારા – દિલદારા – દુ:ખિયારાં !

Les Miserables-Cosette

વર્ષોથી મારી આ અતિપ્રિય એવી કૃતિ “દુખિયારાં” ઉપર લખવાનું હું ટાળતો હતો. કારણ કે , જે અનુભવ્યું એ પૂરું વ્યક્ત નહિ કરી શકું એવું લાગતું હતું. આવી જ રીતે ગયા વર્ષે જ ‘સાહસિકોની સૃષ્ટિ’ પર લખાયું અને હવે ૧૫૦ વર્ષ અને ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ નિમિત્તે થયું કે અત્યારે જો નહિ લખું તો ક્યારે લખીશ ? અને ત્રણ ભાગમાં આ પહોળા પને લખ્યું. ( આથી એ લાંબા આસ્વાદોની લાલચ પર લગામ રાખવી જોઈએ. કારણ કે તો તો પછી મહાનવલ જ ના લખી નખાય નવી ? lolzzz)  અને મને મારી આ સ્વતંત્રતા વહાલી છે, બાકી બીજા કયા તંત્રીમાં ત્રેવડ હોય આ બધું યથાતથ છાપવાની ? પણ મને બહુ જ વ્હાલ મળ્યું છે ‘ગુજરાત સમાચાર’નું કે હું આ બધું મારી મોજથી લખી શકું છું.

અને આ નાનકડી લેખત્રયી ( triology ) વાચકોને ખૂબ ખૂબ ગમી. લખી લખીને તમે બધા શું ઉકાળી શકો ? એવા સવાલનો મારી પાસે લાંબો જવાબ તૈયાર હોય છે. પણ એક ટૂંકો અનુભવ કે લખાણની કેવી અસર હોય છે – આ લેખો છપાતા ગયા એમ પ્રચંડ માંગ ઉઠતી ગઈ એની “ આજે કોઈ વાંચતું જ નથી “ એવું જેમના માટે ( ખોટું ) કહેવાય છે એવા નવી પેઢીના વાચકોમાં – કે વર્ષોથી અપ્રાપ્ય એવી આ કૃતિ તાબડતોબ રિ-પ્રિન્ટ થઇ ! એની ફોટોકોપી કરવીને વાંચવા માંગતા મિત્રો માટે શુભ સંચાર કે ગયા સપ્તાહે જ મૂળ ‘દુખિયારાં’ની નવી આવૃત્તિ અમદાવાદના ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાંથી આવી ગઈ છે ! આપણું આટલું જોર ? આનંદ થયો કે એનો આવો સદુપયોગ થયો !

રસ ધરાવનારે ફોન ૦૭૯-૨૨૧૪૪૬૬૩ પર ગુર્જરમાં સંપર્ક કરવો ( રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ – ૧ ) મારાં જ નહિ, સારા પુસ્તકો ખરીદીને ભેટમાં આપતા ફરવાની મને જૂની ટેવ છે એટલે મેં તો તત્કાળ એની ૧૫ નકલ ખરીદી જ લીધી – કોઈ વળતરની અપેક્ષા વિના. એક ગ્રાહક તરીકે. ( ઘણા સમજ્યા વિના પોતાના ગંદા મન મુજબ ગાંડા આક્ષેપો કરતા વાચકોને ય ખબર પડે કે હું જે કંઇ લખું – બોલું છું – વખાણ કે ટીકા એ મારી મરજી ને મોજ મુજબ હોય છે. કોઈ ગણત્રી કે સેટિંગ માટે નહિ એટલે ફક્ત ૧૫% ડિસ્કાઉન્ટનું એનું કુલ ૩૧૫૦નું બિલ પણ સાચવ્યું છે !)

અગાઉ આ બ્લોગ પર આ પોસ્ટ પર “લા મિઝરાબ” પર થોડું લખ્યું છે. એ અચૂક જોઈ જજો. નવી બહુચર્ચિત ફિલ્મ ઓસ્કારમાં બળુકા હરીફો સામે છે. હું ખાસ એ જોવા માટે છેક મુંબઈ દોડતો ગયેલો. મૂળ કૃતિને ખાસ્સી વફાદાર છે, અને પાત્રવરણી- સેટ અપ અદભૂત છે. પણ લગભગ સંવાદહિન કહી શકાય એવો મ્યુઝિકલનો અતિરેક એની અસલી મજા મારી નાખે છે. છતાં ય જોવી તો જોઈએ જ. હજુ અમિતાભ-નસીરને લઇ એનું આધુનિક વર્ઝન સિરિયલ સ્વરૂપે બનાવી શકાય એવું મને થયા કરે !

ઈરોટીકા મને બહુ ગમે, પણ હું આવા ય ઘણા લેખો લખું છું કારણ કે મને તો બધું જ ગમે છે. પણ કેટલાક વાચકોને ખુદને રસ હોય એટલે પેલા શૃંગારી લેખો જ યાદ રહી જતા હોય છે. આ ત્રણે લેખ છપાયા ત્યારે ઓનલાઈન પ્રોબ્લેમને કારણે ખાસ કરીને બહાર રહેતા ઘણા વાચકો એનાથી વંચિત રહ્યા હતા. માટે આ એકસાથે અહીં પરોવીને મૂકી દઉં છું. સુરત પુસ્તકમેળાનાં ઉદઘાટન નિમિત્તે ( ૨૨ ફેબ્રુઆરી, સવારે ૧૧, વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ) જાઉં છું ત્યારે આના પર પણ બોલવાનો છું. પણ આ વાંચ્યા પછી હવે આસાનીથી ઉપલબ્ધ દુખિયારાં ખાસ વાંચજો. હું ફક્ત મારી બૂક કે મિત્રોની  માટે જ કહું એવો નથી. મને જે ગમે, જે સારું સાચું લાગે એનો ઝંડો લઈને નીકળતો જ રહેવાનો ! 🙂

les_miserables_poster_by_grodansnagel-d5kwhqo


સુખ કી કલિયાંદુખ કે કાંટેમન સબ કા આધાર…

મન સે કોઈ બાત છૂપે નામન કે નૈન હજાર !

les-miserables-jean-valjean-hugh-jackman-candlesticks

બારણું ખૂલ્યું.

વટેમાર્ગુ દાખલ થયો પાદરીએ આ આગંતુક તરફ એક પ્રેમભરી નજર નાખી. તે કંઈક પૂછવા જતો હતો ત્યાં મુસાફર એક ડગલું આગળ વધ્યો. પોતાનાં દંડા ઉપર બંને હાથ ટેકવીને ત્રણે જણ તરફ ઝડપથી નજર નાખીને મોટેથી તે બોલી ઉઠયો : “હું જિન – વાલજિન’. ઓગણીસ વરસની સજા ભોગવીને ચાર દી પહેલાં છૂટયો છું. ચાલતો ચાલતો મારે ઘેર જાઉં છું, આખા દીનો ભૂખ્યો છું. શહેરમાં બધી વીશીવાળાઓએ મને કૂતરાની જેમ બહાર કાઢયો છે. તમારા કેદખાનામાંયે મને ન રાખ્યો. કૂતરાની ઓરડીમાંથી કૂતરાએ કાઢયો, ખેતરમાંથી આકાશનાં વાદળાંએ મને ડરાવ્યો. કોઈક ડોસીએ મને આ ઘર બતાવ્યું. આ વીશી છે? મારી ઓગણીસ વરસની આ કમાણી એકસો નવ રૃપિયા મેં સાચવી રાખ્યા છે. આ લો પૈસા આગળથી, મારે કંઈ મફત નથી ખાવું. થાક તો એવો લાગ્યો છે – આખા દિવસમાં ચાલીસ કિલોમીટર પંથ કાપ્યો છે! ભૂખ તો કકડીને લાગી છે – અહીં કંઈ સગવડ થશે?”

‘બેન! એક ભાણું તૈયાર કરજો.’

મુસાફર વળી આગળ આવ્યો. ટેબલ પાસે આવીને એ ઊભો રહ્યો અને કહેવા લાગ્યો : ”ઊભા રો.’ મેં શું કીધું તે સમજાવું. હું પહેલેથી વાત કરી દઉં. હું ઓગણીસ વરસની સજા ભોગવેલો ગુનેગાર કેદી છું. આ જુઓ પીળો પરવાનો. લો, વાંચી લો – આવડે છે ને વાંચતાં? મને વાંચતાં આવડે છે. અમારે ત્યાં એક નિશાળ પણ હતી. જુઓ, શું લખ્યું છે? – ‘જિન-વાલજિન ગામનો સજા પૂરી થતાં તેને છૂટો કરવામાં આવે છે. સજાના પ્રકારો : રોટીની ચોરી માટે પાંચ વર્ષ, ચૌદ વર્ષ કેદમાંથી ચાર વાર ભાગવા માટે. આ માણસ ઘણો ભયંકર છે…’ સાંભળ્યું ને? આટલા માટે કોઈ મને સંઘરતું નથી.

”બેન! આ ઓરડામાં મહેમાનનો ખાટલો ઢાળજો.” નોકરબાઈ કંઈ પણ બોલ્યા વગર સોંપેલું કામ કરવા ગઈ.

”ભાઈ! ઘડીક બેસો, તાપો ત્યાં તો ખાવાનું તૈયાર થઈ જશે અને પથારીયે થઈ જશે.” પાદરીએ મુસાફર તરફ ફરીને કહ્યું.

મુસાફર જાણે કે હવે કંઈક સમજયો. તેના ચહેરા પર મૂઢ વિષાદની જગ્યાએ શંકા, આનંદ અને આશ્ચર્યથી વિરોધી રેખાઓ ઝબકી. તે થોથવાતી જીભે બોલ્યો ઃ ”હેં! મને અહીં રહેવા દેશો? કાઢી નહિ મૂકો! ચોર છું, બધાય મને કૂતરાની જેમ હાંકી કાઢે છે. ને તમે મને ‘ભાઈ’ કહો છો? મને અહીં ખાવાનું ને સૂવાનું બેય મળશે? મને બનાવતા તો નથી?”

”ના… રે,ના! એવું તે હોય!”

”આ વીશી નથી. હું તો પાદરી છું.”

પાદરીએ ઊભા થઈને શેરીમાં પડતું બારણું અંદરથી બંધ કર્યું. ”બહાર ઠંડી બહુ છે. નહિ? તમનેય ટાઢ બહુ ચડી ગઈ લાગે છે.” પાદરીના શબ્દે શબ્દે તેનાં થીજી ગયેલ રૂવાંમાં હૂંફ ભરાવા માંડી. ઓગણીસ વરસમાં ‘ભાઈ’ સંબોધન તેણે આ પહેલી વાર સાંભળ્યું. પાદરી તેને પડખે જ જમવા બેઠો.

”શરમાશો નહિ, હો ભાઈ!” પાદરીએ મુસાફરના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું. ”આ ઘર મારૃં છે જ નહિ – ઈશ્વરનું છે. અહીં આવનારને પોતાનું નામ કે ઓળખાણ આપવાની જરૃર નથી – તેને શું જોઈએ છે તે જ કહેવાનું છે. કોઈ પણ ભૂખ્યા, તરસ્યા, દુઃખી કે ભૂલા પડેલાને માટે આ ઘરનાં દ્વાર ચોવીસે કલાક ખુલ્લાં છે… અને મારે તારૃં નામ જાણવાની જરૃર પણ શી હતી? હું તો પહેલેથી જ તારું નામ જાણું છું.”

”હે! સાચેસાચ!” મુસાફરની આંખમાં વળી ગભરાટ દેખાયો.

”હા, હા! તારું નામ ‘ભાઈ’ છે.”

”તમારાં આવાં વેણથી હું મૂંઝાઈ જાઉં છું.”

પાદરીએ ફરી તેની સામે જોયું. ”તું બહુ દુઃખી લાગે છે!”

”એ વાત ન પૂછશો. એ ભયંકર બેડીની સાંકળો, એ કડકડતી ટાઢ, એ બાળી નાખતો તડકો, એ લોહીની સેરો ઉડાડતા કોરડા, એક શબ્દ ઉચ્ચારતાંની સાથે દિવસોનાં દિવસો સુધી અંધારા ભંડકિયામા પુરાવાની સજા! અમારા પગની સાંકળ મરણપથારી સુધી છૂટતી નથી હોતી. કૂતરાંને જોતાંવેંત અમને તેની અદેખાઈ આવે છે. આ રીતે એક રોટી ચોરવામાં મેં ઓગણીસ વરસ કાઢયાં. આજે છેંતાલીસ વરસની ઉંમર થઈ. આ પીળો પરવાનો એ અમારું ઈનામ… બસ!”

”હા.” પાદરીએ કહ્યું. ”તું એ નરકમાંથી છૂટયો. તારા દિલમાં મનુષ્યજાતિ પ્રત્યે તિરસ્કાર અને વેરની લાગણી સળગતી હશે. એમાં મને નવાઈ પણ નથી લાગતી. પણ તારા દિલમાં એ લાગણીઓની જગ્યાએ જયારે દયા, નમ્રતા અને શાંતિના ભાવો ભર્યાં હશે ત્યારે તું અમારા સૌના કરતાં પણ મહાન બનીશ!”

ખાઈ રહ્યો ત્યાં સુધી મુસાફર એક શબ્દ પણ બોલ્યો નહિ. તેને બોલવાની નવરાશેય કયાં હતી!

”ચાલો, હવે થાકયા – પાકયા સૂઈ જઈએ. ચાલો તમારી પથારી બતાવું.” ટેબલ ઉપરથી રૃપાની દીવી લઈને આગળ થયો અને મુસાફર તેની પાછળ પાછળ ચાલ્યો. પહેલાં પાદરીનો સૂવા માટેનો ઓરડો આવ્યો. પાદરીની બેન પથારીની માથે આવેલ કબાટમાં રૃપાની રકાબીઓ મૂકી રહી હતી. ત્યાંથી પસાર થઈને છેલ્લા ઓરડામાં બંને ગયા.

મુસાફર એટલો બધો થાકી ગયો હતો કે શ્વાસનાં એક ફૂંફાડે મીણબત્તી ઓલવીને એ ને એ કપડે અને પહેરેલ જોડે પથારીમાં પડયો અને થોડીક જ ક્ષણોમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો.

* * *

સવારમાં રોજનાં નિયમ મુજબ પાદરી બગીચામાં લટાર મારી રહ્યો હતો. ત્યાં નોકર – બાઈ એકાએક કોઈ દિવસ ન લે તેવી છૂટ લઈને પાદરીની ઠેક પાસે આવીને  બોલી ઉઠી :

”ભાગી ગયો! રકાબીયે ચોરતો ગયો! જુઓ, આ બગીચામાંથી જ ભાગ્યો છે! આ… પણે વંડીની ઈંટ ખરી ગઈ છે. હાય! હાય! મને તો આવતાંવેંત જ ધ્રાસકો પડયો હતો. હું એને પગમાંથી વરતી ગઈ હતી. મારો રોયો ખાઈ ગયો ને ખોદતો ગયો એનું નખ્ખોદ જાય!” દાસીનું ભાષણ પાદરીને ઉદ્દેશીને હતું. તેમાંથી સ્વાગત બની ગયું, અને એ કયાં સુધી ચાલત તે નક્કી નહોતું. પાદરીએ ગંભીર મુખમુદ્રાથી તેની સામે જોયું એટલે એ વિલાપ અટકી ગયો.

”એ રકાબીઓ કોની… આપણી હતી?” દાસી આ પ્રશ્ન સમજી જ નહોતી. ”એ રકાબીઓ મેં અત્યાર સુધી નકામી સંઘરી રાખી હતી. એ તો ગરીબ લોકોની રકાબીઓ  હતી. અને આપણે ત્યાં આવેલ મહેમાન પણ ગરીબ જ હતો ને!”

નાસ્તો પૂરો થવા આવ્યો. ઊઠવાની તૈયારી થતી હતી ત્યાં બારણાં પર ટકોરો પડયો.

ટકોરાની સાથે જ તેનો પડઘો હોય એમ જ પાદરીનાં મુખમાંથી હમેશ નીકળતો શબ્દ નીકળ્યો : ”આવો!”

ત્રણ ડાઘિયા જેવા પોલીસોએ એક એમનાં જેવા પણ દેખાવમાં વધારે ભયંકર માણસને ગળેથી પકડયો હતો. એ જિન – વાલજિન જ હતો. ભાગતાં ભાગતાં એ સપડાઈ ગયો. એક જમાદાર જેવા પોલીસે આગળ આવીને લશ્કરી ઢબે સલામ કરી. પાદરી તેની સામે જોયા વગર જિન-વાલજિનની તરફ જોઈને આનંદથી બોલી ઉઠયો : ”લો, તમે તે કયાં હતા, ભલા માણસ! પેલી રૃપાની દીવીઓ તો રહી જ ગઈ! એ પણ સારી કિંમત ઉપજે એવી હતી.”

જિન-વાલજિન ફાટી આંખે એની સામે જોઈ રહ્યો.

”બાપુજી!” જમાદારે કહ્યું, ”ત્યારે… આ માણસ કહેતો હતો તે સાચું છે. અમે તો આને ભાગતો દીઠો એટલે શક ઉપરથી પકડયો. તપાસ કરતાં થેલામાંથી રૃપાની રકાબીઓ નીકળી. એને પૂછયું ત્યારે એ કહે કે મને આ ઘરડા પાદરીએ આપી છે.”

”અરે! એ તો મારા મહેમાન છે. રાત મારે ત્યાં રહ્યા હતાં. તમે એને પકડી લાવ્યા? આ તો બધું આંધળે બહેરૃં કુટાઈ ગયું.” પાદરીએ હસતાં હસતાં કહ્યું.

”એમ હોય તો આપ કહો તો એને છોડી મૂકીએ.”

”હા, હા. છોડી જ મૂકો વળી?”

”મને છોડી મૂકો છો?” તે જાણે ઊંઘમાં બોલતો હોય એમ મોટેથી બોલી ઉઠયો.

”જુઓ ભાઈ! તમારે જવું હોય તો ખુશીથી જાઓ, પણ આ રૃપાની દીવીઓ રહી ગઈ છે તે લેતા જાઓ.” તેણે ઊભા થઈને ટેબલ પર પડેલી બેય દીવીઓ લાવીને તેના હાથમાં મૂકી. જિન-વાલજિન તેના અંગેઅંગમાં ધ્રૂજી રહ્યો હતો. તેણે સાવ શૂન્યમનસ્ક હોય તેમ આ બંને દીવીઓ હાથમાં લીધી.

”હવે નિરાંતે જાઓ. ફરી વાર વળી કો’કદી આવજો. પણ હવે બારીએથી બગીચામાં થઈને જવાની જરૃર નથી. ગમે ત્યારે મારાઘરનો આગલો દરવાજો ખુલ્લો જ હોય છે, એ રસ્તેથી જ અવરજવર કરજો.” પોલીસો તરફ ફરીને તેણે કહ્યું ઃ ”હવે તમે પણ જઈ શકો છો!” પોલીસો પણ ચાલ્યા ગયા. જિન-વાલજિનને થયું કે હમણાં તેને મૂર્છા આવી જશે. પાદરી તેની સાવ પાસે ગયો. તેના ખભા પર હાથ મૂકીને ધીમે અવાજે તેણે કહ્યું ઃ ”ભાઈ! આટલું યાદ રાખજે. આટલું કદી ભૂલતો નહિ કે મારી આ નાનકડી ભેટનાં બદલામાં પ્રમાણિક મનુષ્ય બનવાનું તેં વચન આપ્યું છે.”

”જિન-વાલજિનને આવું કોઈ વચન આપ્યાનું યાદ નહોતું. તે તો મૂઢ નજરે જોઈ રહ્યો.

”જિન-વાલજિન! ભાઈ! આજથી તારે માટે અંધકાર અદ્રશ્ય થાય છે ને પ્રકાશમાં તું પ્રવેશ કરે છે. દુષ્ટ વાસનાના સમુદ્રને તળિયે પડેલ તારા આત્માના મોતીને મેં બહાર આણ્યું છે. એ મોતી હું આજે ઈશ્વરને ચરણે અર્પણ કરું છું.”

છાનોમાનો નાસી જતો હોય એવી રીતે જિન-વાલજિન ગામની બહાર નીકળી ગયો. તેને આ ગામ જેટલું બને તેટલું જલદી દેખાતું બંધ થાય તે જોઈતું હતું. તેને મનુષ્યની વસ્તીથી દૂર ભાગી જવું હતું. તે સડક છોડીને પગકેડી ઉપર જ ચાલવા લાગ્યો. એ કેડી તેને કયાં લઈ જાય છે તેનું તેને ભાન નહોતું. આખી સવાર તે કેડીના ચકરાવામાં ફર્યો કર્યો. તેણે ખાધુ નહોતું. છતાં તેને ભૂખ દેખાતી ન હતી. અસંખ્ય અને અપૂર્વ એના મનોભાવો તેના આખા દિલને ઘેરી વળ્યા હતાં. છેલ્લા બાર કલાક અને તે પહેલાંનાં વીસ વરસની વચ્ચે જાણે તેના દિલમાં યુધ્ધ જામ્યું હતું. વીસ વરસ સુધી જે ગૂઢ શાંતિ તેના ચિત્તસાગરમાં ભરી હતી તેમાં આ બાર કલાકના બનાવોએ ખળભળાટ મચાવી મૂકયો. તે વિચાર કરતો હતો, પણ શા તેની ખબર નહોતી પડતી. આ ને આમ આખો દિવસ તેણે ભટકવામાં કાઢી નાખ્યો. હૈયું ભરાઈ આવ્યું અને આંખોમાંથી આંસુનો ધોધ છૂટયો. વીસ વરસે તે આજ પહેલી વાર રડયો.

પાદરીને ત્યાંથી તે નીકળ્યો ત્યારથી તેને કદી ન થયેલા એવા મનોભાવો થવા લાગ્યા. અલબત્ત, તેને શબ્દોમાં સમજવા જેટલી સ્પષ્ટતા ન હતી. પાદરીની એ ભવ્ય અને નિતાન્ત પવિત્ર એવી મૂર્તિની સામે તેનો આખો ભૂતકાળ જાણે લડી રહ્યો હતો. નીકળતી વખતના પાદરીના છેલ્લા શબ્દો ભૂલવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો તેમ તે વધારે ને વધારે સ્પષ્ટ થવા લાગ્યા. જાણે કે આ આખરી સંગ્રામ હતો. જો પવિત્રતા જીતે તો દુનિયાને એક પવિત્ર આત્મા સાંપડતો હતો; જો દુષ્ટતા જીતે તો દુનિયાના દુઃખમાં વધારો થતો હતો. વીસ વરસના અગાધ અંધકારમાં રહીને બહાર નીકળ્યા પછી આ પાદરીના જીવનના સૂર્ય જેવા પ્રકાશથી તેની ઈંદ્રિયો અંજાઈ ગઈ હતી. તેની આંખો આ પ્રકાશમાં પોતાનું ભવિષ્ય જોઈ શકતી નહોતી. તેને એટલું તો સમજાયું હતું કે, આ હવે પહેલાંનો જિન-વાલજિન નથી. જીવનમાં અનેક યુગોની નિંદ્રા પછી જાગેલ વિવેકબુધ્ધિએ તેના હૃદયમાં પશ્ચાત્તાપનો અગ્નિ પ્રગટાવ્યો, અને તે અગ્નિમાં વર્ષોથી જામી ગયેલ મેલનો થર ઓગળવા માંડયો, અને એ જવાળા મુખીમાંથી નીકળતા લાવારસની જેમ આંખોમાંથી આંસુ દ્વારા વહેવા લાગ્યો. તેનો ભૂતકાળ કોઈ નાનકડા કાળા વાદળાની જેમ ક્ષિતિજની પેલે પાર અદ્રશ્ય થઈ ગયો. પછી શું કર્યું – તે કયાં ગયો – તેની કોઈને ખબર નથી. પણ તે રાતે એક ગાડીવાળાએ ક.. નગરમાં પાદરીના ઘર પાસે એક રસ્તાને કાંઠે અંધારામાં એક માણસને ઘૂંટણિયે પડેલો દીઠો હતો!

* * *

જગ સે ચાહે ભાગ લે પ્રાણી… મન સે ભાગ ના પાયે! વિશ્વનું સૌથી મોટું કુરુક્ષેત્ર, ગુડ વર્સિસ ઈવિલની જેહાદે અકબર આપણી અંદર છે!

યસ રીડરબિરાદર… આ જે વાંચ્યું એ કોઈ ટૂંકી વાર્તા નથી પણ પૂરા દોઢસો (જી હા, ૧૫૦ વર્ષ પહેલા) લખાયેલી એક અમર ફ્રેન્ચ નવલકથાના અદ્ભુત ગુજરાતી અનુવાદના શરૂઆતી બે – ત્રણ પ્રકરણનો સંક્ષેપ છે! વિશ્વસાહિત્યની સરટોચની આ નવલકથા એટલે વિકટર હ્યુગોની ‘લા મિઝરાબ’! અનુવાદમાં મૂળ ફ્રેન્ચ પાત્ર જ્યાં- વાલ્જયાંનું નામ જીન-વાલજીન થયું, અને કથાને ગુજરાતમાં લે મિઝરેબ્લ તરીકે ઓળખવામાં આવી, પણ કમનસીબે વર્તમાન ગુજરાત આ ગંગાસ્નાન સમાન કૃતિને ભૂલતું જાય છે, જેમાં મૂળ વાર્તાનો તમામ ચરબી કાઢીને એનો હાથમાં લો તો રાત જતી રહે પણ પુસ્તક હાથમાંથી ન છૂટે એવો અનુવાદ કરવામાં આવેલો અને એને નામ અપાયેલું ‘દુખિયારાં’! આ લેખકડાએ જીવનમાં જે કંઈ વાંચ્યું એમાં પહેલા નંબરે આવતું અણમોલ સર્જન! જે જીંદગીનો મૂલ્યશિક્ષણનો અભ્યાસક્રમ છે,  ફક્ત કથા નથી!

ઓસ્કારવિનર ડાયરેકટર ટીમ હૂપરની આ જ કથાની મ્યુઝિકલ ફિલ્મ ગોલ્ડન ગ્લોબમાં ફત્તેહ કરી ઓસ્કારમાં ય નોમિનેટેડ છે. વારંવાર વાંચવાનું જોવાનું મન થાય એવી આ ઉપનિષદની સમકક્ષ કથા ખરેખર તો આશા, પ્રેમ, ઉદારતા, ક્ષમા અને ઘસાઈને ઉજળા થવાની માનવતાની દાસ્તાન છે. માત્ર સંજોગોને ખાતર બ્રેડ ચોરવા મજબુર થયેલો જિન-વાલજીન પછી સમાજની કઠોર ઠોકરો ખાઈને શેતાન બનતો જાય છે. ત્યારે એક પારસમણિ જેવા પવિત્ર આત્માનો સ્નેહ માણસના મનનો મેલ કેવી રીતે ધોઈ શકે એની ઝલક આ પાદરીની દીવીઓ વાળા પ્રસંગમાં છે. એવી સદભાવનાનો મંગલસ્પર્શ ખરાબે ચડેલા વાહનને ફરી સાચા રસ્તે વાળી દે છે. મૂળશંકરભાઈનો અનુવાદ કેટલો રસાળ અને ભાષાંતરની પાઠશાળા જેવો છે, એ તો અહી વાંચ્યું જ હશે. પણ આગળ શું થયું અને એમાંથી આપણી જીંદગીના અંધારા ઉલેચતું અજવાળું કેમ શોધવું એની વાત ત્યારે એની જરા વધુ વિગતે વાત હવે અનાવૃત કરીશું!

ફાસ્ટ ફોરવર્ડ

‘Life is to give, and not to take!’

(જીવન આપવા માટે છે, છીનવવા માટે નહિ) – લા મિઝરાબનો સંદેશ

ઘાયલ મન કા પાગલ પંછી, ઉડને કો બેકરાર…

પંખ હૈ કોમલ, આંખ હૈ ધૂંધલી, જાના હૈ સાગર પાર…!

Film-Tom Hooper

‘જા,ઘોડાને પાણી પાઈ દે!”

”પણ હવે પાણી નથી.” કોઝેટે પોતાની સમગ્ર હિંમત ભેગી કરીને કહ્યું.

”તો ડોલ લઈને જા, જલદી લઈ આવ!” શેઠાણીએ બારણું ઉઘાડીને દૂર અંધારામાં હાથ લંબાવીને હુકમ કર્યો. કોઝેટે ખૂણામાં પડેલી ડોલ ઉપાડી. કોઝેટ આખી અંદર નિરાંતે બેસી શકે એવડી એ ડોલ હતી. ખાલી ડોલનું વજન પણ એટલું જ હતું. શરીરને કેડથી ડોલવાળા હાથની બીજી બાજુએ નમાવીને કોઝેટ ઘડીક ઊભી રહી. તેને હતું કે કોઈ તેની મદદે આવશે.

”આમ ઝોડની જેમ ઊભી છે કેમ? ચાલવા માંડ!” શેઠાણી તાડૂકયાં.

કોઝેટનાં પગ ઊપડયા. બારણું તેની પાછળ બંધ થયું. કોઝેટને આધારે વીંટી લીધી.

પણ એ અંધકાર ક્ષણિક જ હતો. તે જરાક આગળ ચાલી ત્યાં તો નાતાલના મેળાનું બજાર જામી ગયું હતું. દુકાને દુકાને દીવાઓની હાંડી ઝૂલી રહી હતી અને દુકાનોમાંથી ભાતભાતની વસ્તુઓ ઉપર તેનો પ્રકાશ નાચતો હતો. પહેલી જ દુકાન રમકડાંની હતી, અને એ દુકાનમાં પણ સૌથી પહેલી નજરે ચડે એવી વસ્તુ એક મોટી પૂતળી હતી. કોઝેટ કરતાં પણ કદમાં એ મોટી હતી. તેના ગુલાબી ગાલ પર હાસ્ય છલકાતું હતું. પહોળા હાથ કરીને જાણે હમણાં જ કોઝેટને ભેટી પડશે કે શું એમ લાગતું હતું. કોઝેટ આ પૂતળી સામે એકીટશે જોઈ રહી – તે કેટલી બધી સુખી છે! બસ, તેને તો દુકાન પર બેસીને આખો દિવસ હસ્યા જ કરવાનું. તેની જગ્યાએ મને બેસારે તો કેવું સારૃં! ઘડીભર તે જગત આખું ભૂલી ગઈ. આ પૂતળી એ જ સર્વસ્વ બની ગયું. ડોલનો આંકડિયો હાથમાં રાખીને તે કયાં સુધી ઊભી રહી એનું તેને ભાન ન રહેત, પણ તરત જ વીશીના બારણામાંથી શેઠાણીની ત્રાડ સંભળાઈ, કોઝેટે ડોલ ઉપાડીને ગુપચુપ મારી મૂકી.

બજાર વટાવીને તે આગળ ચાલી એટલે વળી તેની આસપાસ અંધકાર વીંટાઈ વળ્યો. આ અંધકારની સાથે એકાંત પણ વધવા લાગ્યું. આ નાની ગભરૂ બાળા ભયને લીધે ધ્રૂજતી હતી. તેને ચારેય બાજુથી ભણકારા વાગવા લાગ્યા. તેના પગ પાછા પડવા લાગ્યા : ”પાછી જાઉં ને શેઠાણીને કહું કે વહેળિયામાં પાણી નથી.” એ પાછી ફરી. બજાર સુધી આવી, એને પેલી પૂતળી સાંભરી. પૂતળીની દુકાન પાસે એ પહોંચવા આવી ત્યાં પેલી ત્રાડના ભણકારા ગાજવા લાગ્યા. તે પાછી પાણી લેવા ઝડપભેર ઉપડી. આટલો વખત બગાડયો તેનું પરિણામ તેને સ્પષ્ટ દેખાતું હતું. અંધકારના ભય ઉપર મારના ભયે વિજય મેળવ્યો. તે ડોલ ઉપાડીને શ્વાસભેર દોડી. જોતજોતામાં ગામની વસ્તી પૂરી થઈ અને અંધકારે તથા ભયંકર શાંતિએ તેને ઘેરી લીધી. ડોલના આંકડિયાનો કિચૂડ-કિચૂડ અવાજ કરી તે અવાજને પોતાનો સાથી ગણીને તે આગળ વધ્યે જતી હતી. એકાંતની ઊંડી ને ઊંડી ગુફામાં તે આગળ વધી રહી હતી. આસપાસનો ભય હવે તેને અટકાવી શકે તેમ નહોતો. તેની શેઠાણીની ક્રુરતાભરી આંખોમાંથી નીકળતા અગ્નિના પ્રકાશમાં તે ઠેઠ ઝરણા સુધી પહોંચી ગઈ. તે અંધકારથી ડરી શકે તેમ નહોતું, જંગલોમાંના ભૂતો પણ તેને અટકાવી શકે તેમ નહોતાં, અને ભયથી એ રડી શકે એમ પણ નહેતું. એક બાજુએ અંધકારનું જૂથ હતું અને બીજી બાજુએ પૂંભડા જેવી આ છોકરી હતી. આ અંધકારમાં પણ એ રસ્તો ન ભૂલી એ કાંઈ ઓછી નવાઈની વાત છે?

પાણીનો એક કુદરતી ધરો હતો અને એમાંથી એક નાનકડું વહેળિયું બહુ જ ધીમે અવાજે વહી રહ્યું હતું. કોઝેટને આ માર્ગ, આ ઝરણું અને તેના કાંઠા પરના એકેએક પથ્થરનો પૂરો પરિચય હતો. બીકનું ભાન થાય એટલો સમય પણ ન જાય, એ માટે એકશ્વાસે ઝરણા પર ઝૂકી રહેલ ઓકના ઝાડની એક ડાળી પકડી. નીચે નમીને ડોલ પાણીમાં નાખી અને પાણી ભરાઈ ગયું એટલે એ જ ડાળીને વળગી જોર કરીને ભરેલી ડોલ બહાર કાઢી. આટલું જોર તેનામાં કયાંથી આવ્યું હશે? ભરેલ ડોલ બહાર કાઢીને તેણે ઘાસ પર મૂકી, પણ હવે તેની તાકાતની હદ આવી ગઈ હતી. તેનું આખું શરીર થાકીને લોથ થઈ ગયું હતું. આ ડોલ ઉપાડીને તેનાથી એક ડગલું પણ ચાલી શકાય તેમ ન હતું. તે ઘાસ પર બેસી પડી. ઘડીક આંખો મીંચી પાછી ઉઘાડી. માથા પરનું આકાશ કાળાં વાદળાંથી ઘેરાયેલું હતું. દૂર પશ્ચિમમાં ગુરુનો ગ્રહ આથમી રહ્યો હતો અને ધુમ્મસને કારણે કોઈ દૈત્યની લાલઘૂમ આંખ જેવો દેખાતો હતો. ઠંડો પવન આખા જંગલમાં ઝાડની ડાળોને તથા પાંદડાને થરથર ધ્રૂજાવી રહ્યો હતો.

બાળકી આ બધું જોઈ રહી હતી. તેના મનમાં કાંઈ વિચારો આવતા ન હતાં, પણ ભયની એ જ તીવ્ર લાગણી તેના અંગે અંગમાં તથા મનની એકેએક જ્ઞાનેન્દ્રિયમાં વ્યાપી ગઈ હતી. હિમ પડે ને કળી જેમ ઠીંગરાઈ જાય તેમ તે ઠીંગરાઈ જવા લાગી હતી. મનુષ્યમાં રહેલી પ્રબળ જિજીવિષાએ તેને થોડીક મદદ કરી. તેણે એક, બે, ત્રણ એમ મોટેથી ગણવા માંડયુ. દસ ગણીને વળી પાછું એકડે એકથી તેણે ગણવા માંડયું. પણ પછી શું?

તે ઊભી થઈ. તેને થયું કે ભાગીને વસ્તીમાં પહોંચી જાઉં – જયાં અજવાળું હોય ત્યાં દોડી જોઉં. પણ ડોલનું શું કરવું? ડોલ મૂકીને ચાલ્યા જવાનો વિચાર પણ તેને માટે એટલો જ ભયંકર હતો. તેણે બે હાથે ડોલ ઉપાડી જોઈ. તે ઊંચી પણ થાય એમ નહોતું. તો પણ તેણે પોતાનું સમસ્ત જોર એકઠું કર્યું. બે પગ વચ્ચે ડોલ રાખી શરીરનો ઉપલો ભાગ આગળ નમાવી બે હાથે ડોલ ઊંચી કરીને તેણે એક ડગલું ભર્યું, બીજું ડગલું ભર્યુ ં- ડોલનાં ભારે તેના હાથ તૂટું તૂટું થતા હતા. તો પણ તેણે આગળ વધવા માંડયું. આંચકા લાગવાને કારણે ડોલમાંથી પાણી છલકાતું હતું. તેના ઉઘાડા પગ પર આ ઠંડું પાણી પડતું હતું અને તેના પગ ઠરી જતા હતા. અંધકારનાં એક ખૂણામાં માનવની નજરથી કયાંય દૂર આ બની રહ્યું છે. ફકત ઈશ્વર સિવાય બીજું કોઈ આ દ્રશ્યનું સાક્ષી નથી. કદાચ તેની મા આ જોઈ રહી હોય – આવાં દ્રશ્યો કબરમાંથી માને પણ ખળભળાવી મૂકે છે?

તેના શ્વાસોચ્છવાસ ભારે થવા લાગ્યા. ડૂમો ઠેઠ ગળા સુધી ભરાઈ ગયો. એ રડી શકે એમ તો નહોતું, કારણ કે તેની શેઠાણીની ધાક તેના રુદનને થંભાવી દેતી હતી. તેની શેઠાણી તેના જીવન સાથે એવી જડાઈ ગઈ હતી કે તેની કોઈ પણ ક્રિયાના પરિણામની કલ્પના તે થેનાર્ડિયરને સામે રાખીને જ કરી શકતી. તેણે પોતાની ગતિ જેટલી બની શકે તેટલી વધારી, તો પણ તે હજુ માંડ પંદરથી વીસ ડગલાં આગળ વધી હતી. હજુ તો જંગલ પણ પુરૃં થયું નથી. તેનાથી હવે ન રહેવાયું. તે મોટેથી રડી ઊઠી : ”હે ભગવાન!”

તે જ વખતે એકાએક તેની ડોલનો ભાર જાણે કે હળવો થઈ ગયો. તેની ડોલના આંકડિયામાં તેના કોમળ હાથની પડખે જ એક પંજાદાર કદાવર હાથ બિડાયેલો તેણે જોયો. તેણે પોતાનું માથું ઊંચુ કર્યું. એક કાળી વિશાળ આકૃતિ જાણે કે અંધારામાંથી કોતરી કાઢી હોય એમ એણે જોઈ. તે આકૃતિ માણસની જ હતી. તેણે એક પણ શબ્દ બોલ્યા વગર ડોલ ઉપાડી લીધી. માણસમાં એક એવી અદભુત આંતરદ્રષ્ટિ છે જે કટોકટીના કાળમાં ખૂલી જાય છે. આ બાળકીનું પણ એમ જ બન્યું. તેને આ પ્રસંગે જરા પણ ભય ન લાગ્યો.

આગંતુકે નીચા નમીને ગંભીર અને ધીમા અવાજે કહ્યું ”આ ડોલમાં તો બહુ ભાર છે, નહિ બચ્ચી?”

કોઝેટે ઊંચે જોઈને કહ્યું : ”હાજી!”

”લાવ, મને આપ. હું ઉપાડી લઈશ.”

કોઝેટ ડોલનો આંકડિયો છોડી દીધો. પેલો માણસ તેની સાથે સાથે ચાલવા લાગ્યો.

”ડોલ સાચે જ બહુ વજનદાર છે! તને કેટલાં વરસ થયાં?”

”આઠમું ચાલે છે.”

”આ ડોલ કયાંથી લાવે છે?”

”ધરામાંથી ભરી લાવી.”

”કેટલે જવાનું છે?”

”ગામમાં.”

પેલો માણસ થોડી વાર થોભ્યો. પછી પૂછયું ઃ

”તે… તારે મા નથી?”

”મને ખબર નથી.”, પેલો ફરી કંઈ પૂછે તે પહેલાં છોકરીએ કહ્યું ઃ ”મને એમ છે કે મારે મા નહિ હોય. બીજાં બધાયને મા મારે નથી.” પછી ઘડીક અટકીને બોલી ઃ ”મારે તો કોઈ દી માં હતી જ નહિં.”

* * *

૫૦ વખત.

બચપણથી આજ સુધી કમ સે કમ આટલી વખત ‘લા મિઝરાબ’નો આલાતરીન ગુજરાતી અનુવાદ ‘દુખિયારાં’ વાંચ્યો હશે, અને દરેક વખતે આ લાંબો પ્રસંગ જે પેશ-એ-ખિદમત કર્યો એ વાંચતી વખતે અટકવું પડયું છે- આંખોમાં આવેલા- ઝળઝળિયાં લૂછવા અને ગળે ભરાયેલ ડૂમો નીચે ઉતારવામાં! ‘હાલાજી તારા હાથ વખાણુ કે પટ્ટી તારા પગ વખાણું’ની માફક દોડતી ઘોડી જેવી વિકટર હ્યુગોની બળૂકી કૃતિને એનો યશ આપવો કે એની રેવાલ ચાલના અસવાર એવા અનુવાદક સ્વ. મૂળશંકર મો. ભટ્ટને એક એક શબ્દ હૃદયમાં જડાઈ જાય તેવા ભાવસભર અનુવાદ માટે ક્રેડિટ આપવી – એ હજુ સમજાયું નથી.

પણ સમજાઈ છે કેવળ શબ્દચિત્રથી સાકાર થતી પેલી વીશી યાને હોટલમાં ગદ્ધાંવૈતરું આઠ વરસની માસૂમ બચ્ચી કોઝેટની વેદના, એના મૌન ચિત્કારો, એના તૂટીને દિમાગમાં ભોંકાતા બાળસહજ સપનાઓ!

કોણ આ કોઝેટ? ફેમિલી મેમ્બર છે? સેલિબ્રિટી છે? રિયાલિટી શોની સ્પર્ધક છે? ક્લાસરૂમ ટોપર છે? એની ઓળખાણ શું વળી? કેમ એ વ્હાલી લાગે? કેમ એના દુખનો ભાર આપણી નસોને તંગ કરે?

મેજીક ઓફ ક્લાસિક. આ ઉત્તમોત્તમ સાહિત્યના સ્પર્શનો જાદૂ છે, જ્યાં કેવળ શબ્દચિત્રથી પાત્ર તમારા મનમાં જ નહિ, તમારા જીવનમાં સજીવન થઈ જાય, તમારા સંસારનું આજીવન સભ્ય બની જાય! હ્યુગો/ભટ્ટજી અહીં ફક્ત ઘટનાનું છાપાળવું રિપોર્ટિંગ કરતા નથી. એના વર્ણનોમાં જાણે લોહીમાંસ પૂરીને એને માનવીય ઘાટ આપે છે. સંવેદના પેદા કરતા એકેએક ચેતાતંતુને કલમના ટેરવે અડીને રણઝણાવે છે! ‘દુખિયારાં’/લા મિઝરાબમાં અઢળક પાત્રો છે, પણ ‘નવરા હાથે’ અને ‘નરવા હાથે’ ઘડાયેલા છે. બધા જ કાગળની બહાર ઉપસી આવે છે. બૂઢો માળી કે રખડુ ગાવરોશ, એકતરફી પ્રેમમાં ફના થઈ જતી ઈયોનાઈન કે યૌવનના વનમાં ભૂલી પડી ભટકવાને લીધે બરબાદ થઈ જતી ભોળી ફેન્ટાઈન, સ્વપ્નીલ રોમેન્ટિક મેરિયસ કે લુચ્ચો ખંધો થેનાર્ડિયર…

અને ઈન્સ્પેકટર જેવર્ટ. અહીં નાયકની સામે ખલનાયક તો સંજોગો છે, નિયતિ છે. પણ પ્રતિનાયક જેવર્ટ છે. જ્યાં-વાલ્જયાં (ઉર્ફે જીન-વાલજીન) નામના પ્રોટેગનીસ્ટ સાથે આ ‘જે.વી.’ની પણ છાયા બંધાઈ ગઈ છે. કડક, સિધ્ધાંતનિષ્ઠ, ચુસ્ત ફરજ પરસ્ત અને પ્રામાણિક અમલદાર. જે આકરો એટલે લાગે છે કે એ બધું જ કાનૂની/ગેરકાનૂની કે નૈતિક/ અનૈતિકના બ્લેક એન્ડ વ્હાઈટ અંતિમેથી જ જોયા કરે છે. એની દ્રષ્ટિમાં નિયમનો યમ છે, પણ તરંગના રંગ નથી. ગ્રે એરિયા, માનવસ્વભાવ, લાગણીઓની ભરતી-ઓટના પલટા, આવું કશું એને સમજાતું નથી. સમાજની જડતા, સમાજની લોખંડી પરંપરા, સમાજનાં લેબલ લગાડી ફ્રેમમાં ફિટ કરી દેવાની કુટેવ, સમાજની ગૂંગળાવી નાખતી શિસ્ત અને સમાજની બીજાની જીંદગીની પંચાત કરતી કૂથલીખોર નજરનું પર્સોનિફિકેશન એટલે જેવર્ટ. પણ હ્યુગો એ કંઈ જેવર્ટ નથી, માટે આવા પાત્રને પણ એમણે તો ગ્રે એરિયાવાળું રાખીને એને ય ગરિમાના વસ્ત્રો પહેરાવ્યા છે.

વિકટર હ્યુગો ફક્ત લોકેશન્સનું કે કોસ્ચ્યુમ્સનું જ વર્ણન કરી બેસી રહેનાર નવલકથાકર નથી. એણે તો દરેક પાત્રોના મનમાં ચાલતા નિરંતર દ્વંદ્વ (ડયુએલ), સંગ્રામની એપિક- મહાગાથા આલેખી છે. ઉપમા- અલંકારનો બ્રેકફાસ્ટના ઉપમાથી પણ સુપાચ્ય એવો ઉપયોગ કર્યો છે. હળવા કટાક્ષો, એકાદ આખા ધર્મગ્રંથનું ડહાપણ સાચવીને બેઠા હોય એવા ટાઇમલેસ કવોટ્સ અને ગદ્યમાં પદ્યનો મદ્ય ઉમેરીને એને કવિતાના આંસુ અને ઉર્મિઓના પસીનાની ખારાશથી મોણ નાખીને વર્ણનોની કણક બાંધી છે.

એટલે અહીં ફકત એક પાના પૂરતો દેખાતો જીપ્સી છોકરો પીટિટ જર્વિસ પણ યાદ રહી જાય છે. હયુગો માસ્ટર સ્ટોરીટેલર એટલે છે કે અહીં પાત્રોમાં આવતું પરિવર્તન છે, પણ એ ટીવી સિરિયલ્સની જેમ સેકન્ડોમાં આવતું નથી. એનો નક્કર નકશો અને ક્રમિક વિકાસ છે! આ લેખના પ્રથમ ભાગમાં જે પાદરીની દીવીઓ વાળો પ્રસંગ ટૂંકાવીને મૂકેલો, એનું ય વિઝયુઅલ વર્ણન લાંબુ છે. જયાં- વાલ્જયાં કંઇ સીધો જ બધું ચોરતો નથી. વિચારે ચડે છે, દુનિયાને ફકત નાનકડા ભાણેજડા માટે ખાવાનું મેળવવા જતા આપેલી સજાઓ, શંકાઓ, અપમાનો, તિરસ્કારો, ઉપેક્ષાનું તોફાન એને સતાવે છે. ગુમાવેલા વર્ષોની જવાનીનું ફ્રસ્ટ્રેશન જાગે છે. સતત ટોકી ટોકીને, વખોડીને એને બધાયે નકામો અને નાલાયક નરાધમ જ ચીતર્યો છે, તો એ જ સ્વરૃપ બતાવી દઇ જગત સામે વેર વાળવાનું ઝનૂન એનામાં જાગે છે. એ આગમાં તપીને જાણે કોઇ બીજા વ્યકિતત્વના કબજામાં હોય એમ પોતાના જ મદદગારને ત્યાં ચોરી કરે છે. એ પહેલાં પાદરીના ચહેરા પર ચાંદનીનો પ્રકાશ જોઇ ખચકાય પણ છે. (સાત્વિક પ્રેમની દિવ્યતાનું એ જ તેજ કથાના અંતે લેખક નાયકમાં બખૂબી ટ્રાન્સફર કરી એની સફળ રહેલી સદ્દભાવના સંઘર્ષયાત્રાનું ફુલ સર્કલ બનાવે છે.)

અને પાદરી એની ભલાઇને જગાવવા એને મુક્ત કરે પછી પણ એ તરત બદલાતો નથી. અંદરના વેરવૂલ્ફને બહાર કાઢતુ તોફાન ઉઠે છે, છેલ્લો ક્રાઇમ પણ જર્વિસનો સિક્કો ચોરી એ કરે છે. અને બહારના નહિં, પણ અંદરના ફટકાથી એ પીગળીને લોઢામાંથી સોનું બને છે!

ડિટ્ટો આજે જેનું વર્ણન છે, એ કોઝેટ. યૌવનમાં કરેલા એક રેશમી સાહસના બદલામાં રમકડું બનીને દીકરીને આપવાનું ઈનામ મેળવનાર કમનસીબ ફેન્ટાઈનની પુત્રી. જેને સારો ઉછેર આપવાની લાલચમાં મા બિચારી કાળી મજૂરી કરે છે અને ઈર્ષાખોર અદેખી દુનિયાના પાપે એ ય હાથમાં ન રહેતા પોતાનાં દેહની દુકાન માંડીને દીકરીના ઉછેર માટે તડપે છે, જે તો લુચ્ચા શેઠલોકોએ કામવાળી બનાવીને રાખી છે, જયાં પેલો અવતારી યુગપુરૃષ જેવો મુસાફર અચાનક પ્રગટ થાય છે, (અને પછી તો કોઝેટને એ પેલી પૂતળી યાને ડોલ કેવી વટથી લઈ આવે છે, જેનાથી રમતા ય કોઝેટને ડર લાગે છે, એનું હૃદયદ્રાવક વર્ણન છે!) અને પછી… વેલ વાંચો ને યાર મૂળ કથા!

૧૬ વરસ આયખાનો પા ભાગ આપેલો આ કથા સર્જવામાં હ્યુગોએ! ૧૮૪૫માં પોતે એક વેશ્યાને ટોળાથી બચાવી એ પ્રસંગ અને રિયલ લાઈફમાં ક્રિમિનલમાંથી બિઝનેસમેન બનેલા ફ્રેન્ચમેન યુજીન વિડોકના જીવનમાંથી બીજ લઈ એણે આ લખવાની શરૃઆત કરેલી. અને ૧૮૬૨માં આજથી ૧૫૦ વર્ષ પહેલા એની બહાર પડતાવેંત પહેલા જ ધડાકે ૪૮,૦૦૦ કોપીઝ વેંચાઈ એવી એ બેસ્ટ સેલર બનેલી! આજે ભીડભર્યા મુંબઈમાં બાળ ઠાકરેની અંતિમયાત્રામાં લાખો માણસો આવે તો બધા દંગ રહી જાય છે, હ્યુગો ૧૯મી સદીના યુરોપમાં મર્યો ત્યારે ૩૦ લાખ લોકો આવેલા એક સર્જકને વિદાય દેવા!

અને હિન્દીમાં કુંદન (સોહરાબ મોદી) તથા દેવતા (સંજીવકુમાર, ડેની) જેવા અધકચરા પ્રયાસો ( રીડરબિરાદર હકીમ રંગવાલાનાં સૂચન મુજબ ‘ક્રોધી’ અને મેધા વૈષ્ણવ-અંતાણીના નિરીક્ષણ મુજબ ‘હમ’ને પણ જરૂર આ ળા મિઝરાબ પ્રેરિત કૃતિની પંગતમાં રાખી શકાય !) બાદ અને પશ્ચિમનાં સુપરહિટ ઓપેરા બાદ અંતે ૧૫૦૦ પાનાની આ લાંબી છતાં એકી બેઠકે વંચાય તેવી કથાને પરફેકટ કાસ્ટિંગ (હ્યુ જેકમેન, રસેલ ક્રો, એન હાથવે) સાથે ઢાળીને મૂળ કૃતિને બરાબર વફાદાર ફિલ્મ બનાવાઈ, એ  ભારત આવી છે.

ત્યારે લા મિઝરાબ છપાયાના પછી જન્મેલા, અને એના, આદર્શને આચરણમાં ઉતારી એનું ગુજરાતી અવતરણ શક્ય કરાવનાર એક માનવમાંથી મહાત્મા બનેલા પ્રવાસીની યાદમાં માણસ બનવાની કળા શીખીશું આપણા આસ્વાદના અંતિમ ભાગમાં!

ઝિંગ થિંગ

જીવનનું સર્વોત્તમ સુખ છે, આપણને કોઈ બહુ ચાહે છે એનો અહેસાસ! (લા મિઝરાબ)

દુઃખિયારાં : વીજળીના ચમકારે મોતીડાં પરોવતી અંતરાત્માની અદાલત!

les_miserables

ઓગણીસ વરસો દરમિયાન જિન-વાલજિન કેવી કેવી શારીરિક યાતનાઓમાંથી પસાર થયો હશે તેનું વર્ણન કરીને કરુણ રસ જમાવવો એ બહુ મહત્વની વાત નથી. પરંતુ એક ભોળો દુનિયાદારીથી અજાણ્યો, કુટુંબવત્સલ જુવાનિયો આ વરસો દરમિયાન દિલનાં કેવાં કેવાં તોફાનમાંથી પસાર થયો હશે. અને આ તોફાનોના સપાટા ખાઈ ખાઈને કેવી રીતે આ જડદશાને પામ્યો હશે તે જાણવાનું વધારે ઉપયોગી થઈ પડશે.

સમાજ એક બાજુથી પોતાનાં ગરીબ બાળકો તરફ અસહ્ય બેદરકારી બતાવે છે અને એ બેદરકારીને પરિણામે થતા ગુનાઓ ઉપર નિર્દયપણે કાળજી બતાવે છે. સમાજને રોટલો આપવા કરતાં સજા આપવામાં વધારે મજા આવે છે. અને આ બધું સહન કરવાનું ગરીબોને જ હોય છે. આ બધા વિચારો કરતો કરતો જિન-વાલજિન આ સમાજને જ ગુનેગાર ગણવા લાગ્યો. તે તેનો ન્યાયાધીશ બન્યો. તેણે સમાજને ભયંકરમાં ભયંકર શિક્ષા કરી – અને તે પોતાનાં દિલનાં ઊંડા ધિક્કારની, આ ધિક્કાર ઓગણીસ વરસ સુધી તેનાં દિલમાં પડયો પડયો ઊંડો ઊંડો ઉતરતો ગયો. તેને મન આનંદ, પ્રેમ, દયા, ઉલ્લાસ – એવા કોઈ ભાવો હયાતી જ ધરાવતા ન હતા. જગતમાં એક માત્ર ભાવ સર્વોપરી હતો. અને તે ધિક્કાર. ઓગણીસ વરસ સુધી પીઠ પર કોરડા, ગાળો, લોઢાની સાંકળો, કલાકોનાં કલાકો સુધી વહાણના નીચેના અંધારિયા ભંડકિયામાં યંત્રની જેમ હલેસાં મારવાની ક્રિયા. ટાઢ, તડકો, ભૂખ – આ બધાંએ તેના દિલમાં ખૂણે – ખાંચરે છુપાઈ રહેલી કોઈ કોમળ લાગણી હોય તો તેને પણ કચરી નાખી હતી.

મધદરિયે વહાણ ચાલ્યું જાય છે. એક માણસને તેમાંથી ઊચકીને દરિયામાં ફેંકી દેવામાં આવે છે. વહાણ પોતાને માર્ગે ચાલ્યું જ જાય છે – જાણે કે કંઈ બન્યું જ નથી. પાણીમાં પડતાંવેંત પહેલાં તો તે મુસાફર પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે. પાછો ઘડીક બહાર દેખાય છે. પાછો ડૂબકી મારી જાય છે. વળી હાથનાં તરફડિયાં મારતો બહાર દેખાય છે. તે દૂર દૂર ચાલ્યા જતા વહાણ તરફ નજર નાખીને બૂમ મારે છે. વહાણ પવનથી ફૂલેલ સઢનાં જોરે વેગથી ચાલ્યું જાય છે. વહાણના ઉતારુઓ અને ખલાસીઓ દરિયામાં ઊછળતાં મોજાંઓની અંદર એક નાનકડું બેબાકળું મોઢું જુએ છે. ડૂબતો માણસ વહાણ તરફ એક છેલ્લી કરુણ દ્રષ્ટિ નાખી હૃદયફાટ ચીસ પાડે છે. વહાણ ચાલ્યું જાય છે – ક્ષિતિજનાં વળાંકમાં સરતું જાય છે. સઢનાં થાંભલાની ટોચ પણ હવે તો દેખાતી બંધ થાય છે. હજી તો થોડાક જ વખત પહેલાં આ જ મુસાફર વહાણ ઉપર બીજા બધા ઉતારૂઓની વચ્ચે તેમનામાંનો એક થઈને જીવતો હતો. પણ તેનો પગ લપસ્યો. કોઈએ તેને ધક્કો માર્યો. તે પડયો… બસ… ખલાસ! તેની નીચે અતાગ પાણી છે. ચારે બાજુથી ઉછળતાં મોજાની ભીંસ આવે છે. ને બકરાને જેમ અજગર ગળી જાય તેમ ગળી જાય છે. મૃત્યુ તેને પોતાની ગુફામાં ઊંડે ને ઊંડે ખેંચી જાય છે. મોજાં બિલાડી ઉંદરને રમાડે તેમ તેને ઘડીક ઉછાળે છે – પછાડે છે, ઘડીક દુર ફંગોળે છે. એમ લાગે છે જાણે દુનિયા આખીની નિર્દયતાએ અહીં પ્રવાહી રૂપ ધારણ કર્યું છે.

આમ છતાં પણ આ માણસ આ ઘોર કુદરત સાને પૂરા ઝનૂનથી ઝઝૂમે છે. તે પોતાનો બચાવ કરે છે. સમુદ્રની સપાટી પર ટકી રહેવાનો ભગીરથ પ્રયત્ન એ કરે છે. આવી મોટી પ્રચંડ વિનાશક શક્તિ સામે તે બાથ ભીડે છે. પણ આખરે તે થાકે છે – હારે છે. પોતાની ઝાંખી પડતી જતી આંખોથી છેલ્લી વાર ક્ષિતિજ તરફ અદ્રશ્ય થતા વહાણને તે જુએ છે : ઊંચે જુએ છે, આસપાસ જુએ છે.ઉપર આભ અને નીચે પાણી દેખાય છે. પણ તે બંને જાણે એક બનીને તેને પોતાનાં કબ્રસ્તાનમાં ઉપાડી જાય છે. ધીરે ધીરે આ માનવી પણ પોતાની જાતને આ સમુદ્રનું જ એક મોજું ગણવા લાગે છે. દરિયાનું ગાંડપણ તે ગાંડણપણ જ બની જાય છે. રાત પડે છે. કલાકોનાં કલાકો સુધી તરફડિયાં મારીને તેનું બળ ખલાસ થઈ ગયું છે. આખી સૃષ્ટિમાં તેની ધા ( મદદ માટે ચીસ)  ને હોંકારો દેનાર કોઈ નથી. છેલ્લો મરણિયો પ્રયત્ન કરીને તે બૂમ મારે છે : ‘કોઈ બચાવો!’ કોઈ કાળા માથાનો માનવી છે નહિ. તે ઈશ્વરને બૂમ મારે છે. તે કયાં છે? કોઈ જવાબ આપતું નથી. સૃષ્ટિ મૌન છે. આકાશ હોઠ બીડીને બેઠેલું છે. અંધકાર, તોફાન, નિશ્ચિતન છતાં ભયંકર ઊછળતાં પાણી, હિમ જેવો જોરથી ફૂંકાતો પવન- આ બધાંની વચ્ચે તેનાં અંગો ખોટાં પડી જાય છે. શરીરનાં બધાં અંગો તેનાં પ્રાણને કામ કરવાની ના પાડે છે. પુરુષાર્થ હારે છે. પ્રાણ પોતાનાં દેહને હવે સમુદ્રને સોંપી દે છે – જેમ હારેલો રાજા પોતાનાં શત્રુને તરવાર સોંપી દે તેમ. અને આ રીતે એક જીવનનો છેલ્લો કરુણ અંક પૂરો થાય છે.

અને સમાજ તો પ્રગતિને પંથે છે! આવા કેટલાક નિર્દોષ જીવોનાં મૃત્યુ એ જાણે કે આ પ્રગતિના માર્ગનાં માર્ગસૂચક સ્તંભો છે. સમાજનાં કાયદા અને નીતિ જેટલા જેટલાને આવી રીતે મધદરિયે સમુદ્રમાં ધકેલી દે છે તે બધાય તેના પેટાળમાં સમાઈ જાય છે. અને મડદાં થઈને સપાટી પર તર્યા કરે છે. આ મડદાંમાં કોણ પ્રાણ પૂરશે?

* * *

”સબાર ઉપર મનુષ આછે, તાહર ઉપર કછુ નાઈ!”

ભક્ત કવિ ચંડીદાસની આ પંક્તિઓ ઉમાશંકર જોશીએ વિકટર હ્યુગોની લે મિઝરેબ્લ (સાચો ઉચ્ચાર : લા મિઝરાબ) પરથી મૂળશંકર મો. ભટ્ટે અનુવાદિત કરેલી અમર કૃતિ ‘દુઃખિયારાં”ની પ્રસ્તાવનામાં લખી હતી. માણસની આત્મસન્માનનું ગૌરવ અને એની માણસાઈનું મહિમાગાન કરીને કવિ એને સૌથી ઉપર મૂકે છે!

આરંભે વાંચેલા ‘દુઃખિયારા’ના વધુ એક અંશના વર્ણનમાં હાલકડોલક થતી નાવડી એ અંતરાત્મા અને દરિયો એટલે સંજોગોથી સર્જાતા દૂષણો! લોકો હાલતા ને ચાલતા પોતાના મનસ્વી અને બેહૂદા અભિપ્રાયોથી, ટીકાબાણોથી, વાયડા અને વેવલા વિરોધથી કોઈ બહારથી નક્કર, પણ અંદરથી નરમ એવા માણસની લાગણીઓ તોડતા રહે છે. છાતી પરનું બટન તૂટે એ તો દેખાય છે, પણ અંદર ભીના હૃદયમાં જે સંવેદનાઓ તૂટે છે, ત્યારે બહાર કોઈ અવાજ નથી થતો, પણ અંદર એના પડઘા દિમાગને ખોખલું કરી નાખે છે. અભાવ, આક્રોશ અને અવસાદ (ડિપ્રેશન)ની જલતી જવાલાઓ એવા લાગણીભીના ઈન્સાનના હૃદયની કોર બાળીને એને કાળી અને કડક બનાવી દે છે. રોમાન્સને બદલે મળતું રિજેકશન એની આંખોનાં ખૂણે ભરાતા લોહીમાંથી લાલ અંધકારમાં એને તપાવે છે. એની મદદની મૌન ચીસ કોઈ સાંભળતું નથી.નફરતની નેગેટિવિટી એને સિનિકલ કે ક્રિમિનલ બનાવી દે છે.

અને એની વચ્ચે કોઈ એકાદ સહારો જો એના આતમરામને જગાડી જાય, એની અંદર બૂઝાઈ ગયેલી રોશની એને મળેલા વ્હાલા અને વિશ્વાસનાં એક તણખે ફરી પ્રગટી જાય, તો તળિયે ડૂબેલું એ વ્યક્તિત્વ શિખરની ટોચ સુધી પહોંચી શકે છે. વાત છે ગીચોગીચ સ્વાર્થ વચ્ચે દબાઈ – ચેપાઈ જતી માસૂમિયતને બચાવીને જાળવી રાખવાની! વાત છે ઉપરથી સૂક્કા પથ્થરો વચ્ચેથી આશા, પ્રેમ અને માનવતાની સરવાણી સૂકાવા ન દેવાની! નિયતિના વળાંકોના વાવાઝોડાંમાં ફંગોળાઈને પણ પાંદડા ઉખડે, તો ય મૂળિયા પકડી રાખવાની ! અને આ કંઈ મોટા મોટા ઉપદેશો અને શાસ્ત્રોની પત્તર ફાડયા કરવાથી થતું નથી. અંદરથી ધક્કો લાગે તો જેસલ ચોરટો જગનો પીર થઈ શકે છે. પોતાનો અવાજ કાન દઈને સાંભળે તો વાલિયો લૂંટારો વાલ્મીકિ બની શકે છે. દુઃખિયારાં (લા મિઝરાબ)ની પહોળા પને પથરાયેલી આખી મહાગાથાનો સાર સાવ ટૂંકો ને ટચ છે :

”જગતની સૌથી મોટી અદાલત અંતરાત્માની અદાલત છે!”

યસ, જો એના ન્યાયને માન આપતા શીખીશું તો આ બ્યુટીફુલ વન્ડરફુલ દુનિયા જીવવા જેવી રહેશે. નહિં તો કેટલા સીસીટીવી મૂકીશું? કેટલી દીવાલો ચણીશું? કેટલી ઉલટ તપાસ કરીશું? આ જૂઠ અને દંભતી ખદબદતી દુનિયામાં, પોતાની ભૂલ સ્વીકાર કરવામાં ય અભિમાનથી અક્કડ થઈ પલાયન થઈ જતા જગતમાં, લાપરવાહી અને લુચ્ચાઈ, બેવકૂફી અને બદમાશીથી ઉભરાતા સંસારમાં, વાહવાહીના વમળો અને ફાયદાઓના ફંદાઓમાં ગૂંચવાતા વિશ્વમાં – સચ્ચાઈ અને ભલાઈ, ઓનેસ્ટી એન્ડ હ્યુમનિટી કેમ ટકશે?

‘લા મિઝરાબ’ના જ્યાં… વાલજ્યાં (જીન-વાલજીન)ને આમ જુઓ તો સતત સંઘર્ષ સિવાય કશું સાંપડતું નથી. જુવાનીમાં નાનકડાં ભાણેજોની ભૂખ ભાંગવા ભોળા ભાવે બ્રેડ ચોરવા જતાં કેદ મળે છે, એ જેલ પૂરી થાય છે પણ સજા પૂરી નથી થતી. લોકો તો જૂના લેબલ મારીને જ બધી બાબતોનો ન્યાય તોળ્યા કરે છે. નજરોથી અને કટાક્ષોથી વીંધ્યા કરે છે. પણ એ પીડા વચ્ચે એને સંત પાસેથી જે પ્રેમનો પ્રકાશ મળે છે, એમાંથી ‘વર્સ્ટ’માંથી એ ‘બેસ્ટ’ બને છે. આ કથા માનવ ચેતનાના પ્રવાસનો ઈતિહાસ છે. માણસ મક્કમ બનીને પોઝિટિવ રહે તો પોતાની જાત જ નહિ, બીજા કેટલાઓનું ભાગ્ય પલટાવીને એને મદદ કરી શકે, એની આ દાસ્તાન છે!

જ્યાં-વાલજ્યાં નામનો ખૂંખાર ક્રોધી ગુનેગાર એક અંતિમ છે, તો મેયર મેડેલીન એક જ માણસમાં છુપાયેલી સામા છેડાની શક્યતાઓનું બીજુ અંતિમ છે. હ્યુગોએ સતત કથામાં સમજ વગરનાં સમાજથી દુભાતી નિર્દોષ વ્યક્તિઓની વ્યથા પર ફોકસ કર્યું છે. ચૂપચાપ પોતાની બાળકીને મજૂરી કરી ભણાવવા માંગતી ફેન્ટાઈનને ચરિત્રહીન ગણી એના પાપ ઉઘાડા કરવાના ઉત્સાહમાં સમાજ એને, અને ઓલમોસ્ટ એની દીકરી કોઝેટને પરંપરાનો જડ ન્યાયાધીશ બનીને ખતમ કરે છે. કાનૂનની નજરમાં છટકી શકે તેમ હોવા છતાં ઈશ્વરની નજરને માન આપી જયોં-વાલ્જયોં મેયર મેડેલીન નામના નવા રૂપમાં મેળવેલી બધી પ્રતિષ્ઠા અને પૈસો દાવ પર લગાવીને પણ ફરી હાજર થાય છે, અને અજાણતા જ પોતાનાથી થયેલ ભૂલના વળતર રૃપે એ મહાસ્વાર્થી થેનાર્ડિયર દંપતિ પાસેથી કોઈ સંબંધ વિના બાળકી કોઝેટને મુકત કરાવે છે.

… અને એ નાનકડી દીકરી જ્યાં – વાલજ્યાંને એ વર્ષો આપે છે, જે એને જીંદગીમાં દાયકાઓ સુધી નહોતું મળ્યું – એક એવી તક કે જયાં એ એનો પ્રેમ વરસાવી શકે, એની અંદરની લાગણીઓ વહાવી શકે – પણ નિયતિ એની કસોટી મુક્તી નથી. પ્રાણપ્રિય પાલકપુત્રીના પ્રેમથી ખફા થવાને બદલે એ એમાં ય ભાવિ જમાઈનો મદદગાર થવા માંગે છે, અને પોતાની છાયા એ પ્રેમીઓ પર ન પડે એટલે એની ગલી સુધી આવી કેટલીયે વાર અંદર અંદર સોસવાતો એ ઘરડો બાપ એકલો ચૂપચાપ પાછો જતો રહે છે, પણ પોતે બળીને બીજાને નવજીવન આપવાનું ચૂકતો નથી! કાયમી શૂળ જેવા ઈન્સ્પેકટર જેવર્ટ માટે એ ચોર જ છે, પણ એ એનો ય જીવ બચાવે છે. કારણ કે, સ્વબચાવ સિવાય એ આક્રમણ તાકાત હોવા છતાં કરતો નથી! ધક્કાના બદલામાં ધક્કો દેવાની ચેઈન એને તોડવી છે.

વો બૂરાઈ કરે, હમ ભલાઈ કરે, ના બદલે કી હો કામના… નેકી પર ચલે, બદી સે ટલે, તાકિ હંસતે હુએ નીકલે દમ!

* * *

દુઃખિયારાં એવું પુસ્તક તો છે જ જેમાં ‘વ્હોટ નેકસ્ટ’નો ધસમસતો ઘટનાપ્રવાહ અને એકેએક પાત્રાલેખનથી ઉભી થતી મ્યુઝિકલ સિમ્ફની ધીરે ધીરે ચલતીનો વેગ પકડીને બાંધી રાખે પણ એવું પુસ્તકે ય છે જેમાં બધા પેરેલલ ચાલતા ટ્રેકસ ભેગા થઈને એક મહાન રાજમાર્ગ તૈયાર કરી આપે મૂલ્યોની કેળવણી – વેલ્યુ એજયુકેશનનો! એ બતાવે છે કે લોખંડની સાંકળો તોડવી સહેલી છે, પણ મનમાં જામી ગયેલા પૂર્વગ્રહો – બાયસની જંઝીરો તોડવી અઘરી છે!

ફ્રેન્ચ ગર્ભની આ ગુજરાતી કોખમાં પ્રસૂતિ એવી રીતે થઈ છે કે વાંચતા વાંચતા આપણું હૃદય ચકનાચૂર થઈને ભાંગી જાય, પણ ફરી એ વધુ મજબૂત બનીને જોડાઈ જાય! આ પુસ્તક પુરું કર્યા બાદ વધુ સારા વાચક જ નહિ, વધુ સારા માણસ બની શકાય તેમ છે. કાચાપોચા દિલવાળા માટે તો આમે ય આ નથી, એમાં એટલા પાત્રોને સ્પષ્ટ બેકગ્રાઉન્ડ આપી સજીવન કરાયા છે, અને એટલા જ વળાંકો અને ઢોળાવવાળા દ્રશ્યો રચાયા છે કે જાણે ભવ્ય ગાઢ જંગલોવાળી ગિરિકંદરાઓ!

અંગ્રેજી લા મિઝરાબ ખૂબ મેદસ્વી છે. એની સુંદર લેટેસ્ટ ફિલ્મ ડાયલોગ્સ વિના ફકત ગીતોની જ હોઈને મૂળ અર્થમાં પચાવતી અમુક દ્રશ્યો બાદ કરતાં અઘરી છે. પણ સ્વામી આનંદ જેવા ય જેની ઉપનિષદોની જેમ પારાયણ કરવાનું લખી ગયા છે, એ ગુજરાતી ‘દુખિયારા’માં કથાનું હાર્દ બરાબર ઉપસે છે. ( લા મિઝરાબના ‘પતિતપાવન’ નામના અને એક મહેશભાઈ દવેના ય અનુવાદો છે, પણ વધુ પડતા સંક્ષેપમાં અને ઓછા રસાળ છે – પરફેક્ટ હોય તો ફક્ત આ દુખિયારાં જ . વાંચવો હોય તો એ જ વાંચવો !)

મૂળભૂત રીતે અહીં જીંદગીની કલ્યાણની નહિ, આત્માના કલ્યાણની – પાપ સામે પ્રાયશ્ચિતભર્યા પ્રતિક્રમણ અને જાતે જ પોતાના શિક્ષક અને ચોકિયાત બનવાનો સંદેશ છે. આ આખી મહાગાથા અભાવ અને અધૂરપથી છલોછલ છે, જેમાં દરેકને કશું સંપૂર્ણ મળતું નથી. પણ એમનાં પ્રેમ ખાતરનું એમનું બલિદાન એમને હ્યુમનમાંથી હીરો બનાવે છે. દીકરી ખાતર ફેન્ટાઈન શરીર અને જીવ આપે છે, સિધ્ધાંત ખાતર જેવર્ટ, એકતરફી પ્રેમમાં મેરિયસ ખાતર ઈપોનાઈનની કુરબાની, ક્રાંતિ ખાતર ગાવરોશ, અને પ્રેમ-ક્ષમા ખાતર જયાઁ – વાલજયોંનું હૃદયપરિવર્તન!

અને એટલે જ હ્યુગો આ કથામાં નરી સારપની સાકરને બદલે વાસ્તવિક વિચારો રમતા મૂકે છે. ધર્મચુસ્ત સાધ્વી જડ ધર્મપરંપરાની ઉપરવટ જઈ, દેખીતી રીતે ભાગેડુ – પણ આમ જોઈએ તો બચવાને લાયક જ્યાં – વાલજ્યાંને બચાવવા જૂઠ બોલે છે, એ અસત્ય વધુ પવિત્ર ગણાય છે! વાર્તા દરમિયાન જ હ્યુગો કહે છે –“દુનિયામાં સિવિલ વોર કે ફોરેન વોર જેવા યુધ્ધો નથી, માત્ર ન્યાય માટેનું યુધ્ધ અને અન્યાય માટેનું યુધ્ધ હોય છે… ઉપર ઉડવાથી પડવાની શકયતાઓ ખતમ નથી થઈ હતી, વધતી જતી હોય છે! ગ્રહોની જેમ માણસોને પણ ગ્રહણ લાગતું હોય છે, પણ પ્રભાતની જેમ એમનો ય પુનરાવતાર શકય છે, અને એ ગ્રહણમાંથી મુકત થઈ ધારે તો ફરી ઝળહળી શકે છે… પ્રભુ જેને પ્રેમ અને પીડાની ભેંટ આપે છે, એ આત્મા જ સૃષ્ટિનું સત્ય પામી શકે છે… માણસના મનને પારખવું હોય તો એના સપનાઓ પર નજર નાખો… હાસ્ય એવો સૂર્યપ્રકાશ છે, જે ચહેરા પરના ઠંડાગાર શિયાળાને ઉડાડી શકે છે… આપણી આસપાસ બોલવાવાળી ઘણી જીભો છે, પણ વિચારવાવાળા માથાં બહુ થોડા છે… આવતીકાલ (આશા)ને નકારવાનો એક જ માર્ગ છે : મૃત્યુ!”

‘લા મિઝરાબ’ના રખડુ છોકરો ગાવરોશને પૂછાય છે : કયાંથી આવ્યો? એ કહે છે: શેરીમાંથી. કયાં જવાનો : શેરીમાં!

વેલ, ૧૮૬૨માં એકસાથે આઠ શહેરોમાં દસ ભાષામાં ‘લોન્ચ’ થયેલ આ બૂકની પ્રસ્તાવનામાં જ વિકટર હ્યુગોએ લખ્યું હતું કે : ”વિશ્વમાં જડ નિયમો અને પરંપરાને લીધે માણસ – માણસ વચ્ચે દુઃખથી ખદબદતા નરક સર્જાય છે, મનુષ્ય મનુષ્ય વચ્ચે તિરસ્કાર ફેલાય છે. જયાં સુધી આજના ત્રણ મહાપ્રશ્નો ગરીબાઈને લીધે ગુનેગાર થતો માનવી, ભૂખ અને પ્રેમની તડપમાં દેહ વેંચવા ય મજબૂર થતી સ્ત્રી અને માનસિક તથા શારીરિક કેળવણી – ઉછેરના અભાવમાં ક્ષુદ્ર બની જતાં બાળકોના પ્રશ્નો ઉકેલાશે નહિ, જયાં સુધી અજ્ઞાન માણસનાં ઉજ્જવળ ભાવિને અંધકારમય કરી નાખે છે… ત્યાં સુધી આવા પ્રકારના પુસ્તકની ઉપયોગિતા કદી ઓછી થવાની નથી!”

યસ, નથી જ થઈને! બાળમજૂરી આજે ય કાલીઘેલી જીભોની ભોળી ભોળી આંખોમાંથી આનંદ અને આત્મીયતા છીનવી લે છે. અને ગરીબાઈ કે ભૂખ કે અજ્ઞાનના લીધે ‘દુખિયારાં’ ઓ વધતા જાય છે! એની વચ્ચે આ મિઝરેબલ્સ કેવી રીતે મહાન બને એની આ કહાની છે. અને એનો એક સંદેશ એકબીજાને પ્રેમ કરતા શુધ્ધ હૃદયનાં સ્વપ્નીલ યુવાન પ્રેમીઓના મિલન અને રક્ષણ માટે જીવ આપી દેવાના પુણ્યનો પણ છે! જડતા સામે ક્રાંતિનો ય છે, અને ફકત કાનૂનની કડકાઈને બદલે એના માનવીય અર્થઘટનનો પણ છે.

અને કોણે કહ્યું આ બધું ફકત કાલ્પનિક નવલકથામાં જ શકય છે? જરાક આ આખો લેખ ૩૦ જાન્યુઆરીએ જેમનો નિર્વાણદિન છે, એવા મહાત્મા મોહનદાસ ગાંધીના જીવનને નજરમાં રાખી ફરી વાંચો! આજ કોયડો ઉકેલવામાં તો આ જીવંત જીનવાલજીન સત્યના અને સદભાવના પ્રયોગો કરતા શહીદ થયા ને!

ઝિંગ થિંગ

બાળકો છરી સાથે રમતા હોય, એમ સ્ત્રીઓ પોતાના સૌંદર્ય સાથે રમે છે, અને ખુદને જ ઘાયલ કરે છે!‘ (લા મિઝરાબમાં વિકટર હ્યુગો)

les mis 2

 
 
%d bloggers like this: