RSS

Daily Archives: February 14, 2013

એક છોકરીએ અંગોમાં સાગરના મોજાં રાખ્યા છે…….અટકળની આ વાત નથી, મેં થોડાં થોડાં ચાખ્યા છે!


BG

શિક્ષણે સુધાર્યા રૂડા સમાજ રે

ગાજે પ્રોજેક્ટીયા, લેસનીયા, ટયુશનીયા અવાજ રે,

શિક્ષણે સુધાર્યા રૂડા સમાજ રે.

 

સામસામેના ધાબા દીસે ના, મારતા હવે તો લાઈન,

ચઢે ક્યાં છે, પહેલા ચડતી’તી એવી પ્રેમની વાઈન

સાવ સુક્કાભઠ્ઠ ભાસે આ નાઈટ કોલીંગીયા સાજ રે

શિક્ષણે સુધાર્યા રૂડા સમાજ રે.

 

નગરમાં ચર્ચા કે પેલી બેઠી’તી પેલાની બાઈક પર,

ન છે મજા અપ્લોડીયા ફોટાને મળતી સો લાઈક પર

કાન આમળીને માબાપુની પડતી તીખીતમ ગાજ રે

શિક્ષણે સુધાર્યા રૂડા સમાજ રે.

 

સ્ટડીના છે ચઢ્‌યા મોજા, આંખે ચશ્માં ને મોંએ સોજા,

ફૂટવાની ઉમરે મૂંજી જનરેશન રાખે છે પ્રેમના રોજા

અડવાનો આનંદ ના આવડે, શું કામનો અભ્યાસ રે?

શિક્ષણે સુધાર્યા રૂડાં સમાજ રે.

 

કાગળ કોન્ટેકટર ને પકડાઈ જવાની ભીની ભીતિ,

છાનુંછપનું વાંચે એના રૂવાંડા ઉભા અને હાઈબીપી

કાગળ મળે ને ભીનો વરસાદ એની રંગીલી સાંજ રે

શિક્ષણે સુધાર્યા રૂડા સમાજ રે.

 

ગામડામાંય એ ભીનું ભીનું દ્રશ્ય જોયું’તું ગઈ સદીએ,

ડોબું પીવડાવવાને બ્હાને એ આવતી મળવા નદીએ,

પ્રેમસાગર નદીકિનારો ને એમાં ડૂબતા બંને જહાજ રે,

કહી દો શિક્ષણને નથી જોઈતો સુધરેલો સમાજ રે!

 

ફેસબુક પર રીડર બિરાદર સાજીદ સય્યદની આવી ‘શેડ્યકઢી’ રચના વાંચવા મળે, એટલે એ ‘ટેસબુક’ થઈ જાય! સાજીદભાઈની આ મસ્ત કૃતિને ‘નાણાવટી રે, સાજન બેઠું માંડવે…’ના ઢાળમાં કાનોકાન કોઈને ખબર ન પડે, એમ મનોમન ગાઈ જુઓ… (હવે લગ્નગીતોના ઢાળ યુટયુબ પર શોધવા ન પડે, ક્યાંક!) સામાન્ય રીતે ગુજરાતીઓ બહુબધા નોસ્ટાલ્જીક હોય છે. બ્લુ રે ડિસ્કના જમાનામાં ગ્રામોફોન રેકોર્ડની ઘરઘરાટી અને તડતડાટી યાદ કરીને નરમ દહીંવડા જેવા ઢીલા થઈ જાય છે. કંઈ નહિ તો સીટી બસની ક્યૂ અને ટીવીની સિરિયલો યાદ કરીને હીબકે ચડે છે. વતનપ્રેમમાં જ ગલોટિયાં ખાધા કરે છે. જૂનું એટલું સોનુંની ભાવના ગોલ્ડની બુલિયન માર્કેટ પહેલા જ હૃદય પર સુવર્ણાક્ષરે મઢીને બેઠેલો આપણો સમાજ છે. (જેમાં નવું કથીરને બદલે પ્લેટીનમ હોઈ શકે, એ વાત પેલા ડૂસકાના ઘોંઘાટમાં વિસારે પાડી દેવાય છે!)

પણ આ વાંચીને તો જેન્યુઈનલી ડાઉન મેમરી લેનમાં ભૂસકો મરાઈ ગયો! એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે, અને એક છોકરો નવી નોટના પાના ફાડે (અરવિંદ ગડા)ની ઉંમર દરેકના જીવનમાં એકવાર આવતી હોય છે. એ જ તો તરૂણાઈ છે, ટીનએજ છે. જો આવી ઉંમર આવી જ ન હોય, તો મનખાદેહ એવો ગયો રે- ગરોળી કે ગોકળગાયનો અવતાર મળ્યો હોત તો ય ચાલી જાત ને! તો ‘‘એક છોકરો ગંજીપાનો કાચો મહેલ, એક છોકરી યાને કે નરી ફૂંક… સામસામેની બારીએથી કરતા હાઉક…’’ વાળા રમેશ પારેખના દિવસો (અને અફકોર્સ મખમલી ઉજાગરાની માદક રાતો) યાદ કરી લઈએ. મોસમ વરસાદની છે, ખૂશ્બુ મેળાની છે, કામણ કાનુડાના છે! ઠંડી લહેરખીઓમાં ઉઠતા ગરમાટા જેવી આ વાતો છે. ચેટ અને એસએમએસ આવી જતાં સેટિંગ તો થાય છે, પણ અહાહાહા એ ‘લાઈન મારવા’ની લિજ્જત સરકસમાંથી ગાયબ સંિહગર્જનાની જેમ ખોવાતી જાય છે.

‘લાઈન મારી’ને છોકરીને ‘ચાલુ કરવી’- ભલે શબ્દકોશ સ્વીકારે નહિ, ગુજરાતી ભાષાના આ તો સૌથી માનીતાને મોજીલા રૂઢિપ્રયોગ છે. મગજ બંધ થઈ જાય, ત્યારે જ દિલ ‘ચાલુ’ પડી જતું હોય છે! પ્રેમપત્રોની માફક આ ઉમદા વારસો યોગ્ય તાલીમ અને અનુકુળ વાતાવરણના અભાવે દિવસે દિવસે ઉંધા છેડા સાડી તથા ગાંધી ટોપી- ધોયિતાંની જેમ લુપ્ત થઈ રહ્યો છે. શું ખોવાઈ જતો વારસો એટલે હવેલીના કમાડ અને કાથીના ખાટલા ફક્ત? આ કૂણી કૂણી મકાઈ જેવા મીઠડાં પરાક્રમોનું શું? ક્યારેક બમ્સને લાલ કરી દેતી આ બમચીક ‘લીલા’ઓનું શું? અને એની વાછટ ઓછી થઈ જાય ત્યારે આસપાસ ભરડો લેતા દુકાળનું શું?

લથબથ કરીને પલાળી દે, એવા નજરે નિહાળેલ દ્રશ્યોના ઝાપટા વીંઝાય છે. મિસને કિસની એ મેચ કેવી રીતે ફિક્સ થતી… શબનમ જેવો છોકરો કેવી રીતે છોકરીની ફૂલપાંદડીએ ટીંગાતો… એ કોઈની પાછળ ભમરડા બનીને ધરી પર રાઉન્ડ ફરવું… એ ખિસકોલીની ચડઉતર પેઠે ઉભવું દોડવું અથડાવું… એ પેપ્સીના પરપોટા જેવો ચડતો ઉભરો એ વગર આરડીએક્સે થતો ટ્રિપલ એક્સનો દિમાગના ફુરચા ઉડાવી દેતો વિસ્ફોટ… જો એમાંથી પસાર થયા હો, તો ફરી ફરી એને રિવાઈન્ડ કરવાની મજા આવે એવી મેજીકલ મોમેન્ટસ! તાજી મૂછો અને ગુલાબી ગાલના વ્હાલની પીપરમિન્ટ!

જ્યારે ટીવી એલસીડી- એલઈડી નહોતા બન્યા, જ્યારે ફિલ્મો થિએટરમાં સિલ્વર જ્યુબિલી કરતી, જ્યારે ફોન કરવા પાડોશીની ઘેર જઈને શેકાવું પડતું, જ્યારે કેલ્ક્યુલેટર પર આંગળીઓ દબાવવામાં જ કોમ્પ્યુટરનો રોમાંચ મળી જતો- ત્યારે કેમ થતો એ પ્યારો પ્યારો પપી લવ! કાચા જામફળ જેવો ખાટો, ચૂરમાના લાડવા જેવો ગળ્યો! વંડી ઠેકવામાં પેરશૂટ ગ્લાઈડિંગની થ્રીલ્સ આવે, એવો એ આપણા માંહ્યલાની મસ્તીના રાસડા જગાડવાનો ૠતુકાળ!

પૃથ્વીલોકના સર્જનકાળથી ચાલ્યું આવે છે, એમ આમાં ડિમાન્ડમાં તો માદા જ રહેતી. કળા કરવાની નરના ભાગે જ આવે! લોન લેનારે બેન્કના પગથિયાં ઘસવાના હોય, બેન્કે દેવાદારની પાછળ ન ફરવાનું હોય! હવે એ ય પ્રાકૃતિક નિયમ છે કે ગુલાબ ચૂંટવા જાવ તો કાંટા ટેરવાંને ગુલાબ જેવા જ રાતાંચોળ લોહીઝાણ કરી નાખે! મોટે ભાગે લડકીને મળવાની ઉંમર આવે ત્યારે ગજવામાં તો કડકી જ હોય! છતાં ય બહાદુરી કંઈ ફક્ત સરહદે ચોકીપહેરો કરવામાં જ નથી, કુટુંબની ચોકીઓ વટાવીને એક વખતના ‘મંગળાદર્શન’નું પુણ્ય લેવામાં ય વજજરનું કલેજું જોઈએ, યારો!

તો પહેલા તો રડાર સીસ્ટમની જેમ ગમતી છોકરીને વગર જીપીએસ નેટવર્કે ટોળામાંથી સર્ચ કરવી. એકવાર ટારગેટ ફાઈનલ થઈ જાય, એટલે ‘રેકી’ કરવી પડે. કોણ છે? ક્યાં રહે છે? ક્યાં કનેકટેડ છે? હોય તો એમાં ચાન્સ કેટલા? ન હોય તો ચાન્સ ક્યારે લેવો? આ ‘મિશન’માં વફાદારી પૂર્વક હનુમાનકાર્ય કરી બતાવે એ જ રૂડા ભેરૂડા. ફ્રેન્ડશિપ એટલે ગુડ મોર્નંિગના મેસેજીઝ નહી, ફ્રેન્ડશિપ એટલે સાથે મળીને ગુડા ભંગાઈ જાય, એની તૈયારી! (આ ‘ગુડા’નો મીનંિગ ઓનલાઈન શબ્દકોશમાં જોઈ લેવોજી! ) ભાઈબંધો સેટેલાઈટ કોમ્યુનિકેશનની ગરજ સારે. પ્રોજેક્ટ રિપોર્ટની અદામાં જે રિસર્ચ થાય, એટલી સિરિયસલી આપણે ત્યાં પ્રોફેસરો પીએચડી નથી કરતા હોતા!

એકવાર લોકેશન ફોર લવ ફાઈનલ થાય, કે પ્લાન ગોઠવાતા જાય. કેટલાક હોશિયારો તો બેબીડોલની મમ્મીઢોલથી જ શરૂ કરે. માતાશ્રીની શાકની થેલીએ ઉંચકવાની સેવા કરી સીધા ગૃહપ્રવેશની પરમિટ કઢાવી લે. મોટે ભાગે કન્યા કામણગારીઓના નાના ભાઈઓને મુખ્યમંત્રીના પીએ જેવું વીવીઆઈપી સ્ટેટસ ભોગવવા મળે. આપણા ગુજરાતમાં તો પુત્રરત્નની લાલચે એ દૂરદર્શનયુગમાં ત્રણ-ચાર મોટી બહેનો પછી એક નાનો ભાઈ મળી જ આવતો! એ ભાઈ સાથે ભાઈબંધી કરવાની, અને એનું રક્ષાબંધન થતું ચાલે ત્યારે એને કવર બનાવી એની સ્વીટ સિસ્ટર સાથે પ્રેમબંધને હીરના દોરે બાંધતા જવાનું! જીગરનો મુરબ્બો થઈ ગયો હોય એવી એ ઉદાર અવસ્થામાં ગમતી ગર્લના બુદ્ધુ બ્રધર માટે પાનની દુકાને પોતાના ખાતે ઉધારીની આકર્ષક અને લલચામણી સ્કીમ્સ તરતી મૂકાતી!

પછી શરૂ થાય ફિલ્ડીંગ. ભારતના ક્રિકેટરો જેવી ઢીલાશ આમાં ન ચાલે! બિલ્ડીંગની નીચે બગુલા મુદ્રામાં થાંભલાની પેઠે એકપગે તપ કરવું પડે. વાયરા વીંઝાય, વરસાદ ઢોળાય, તડકા તપે, ટાઢોડું ટપકે- પણ લક્ષ્યવેધની એકાગ્રતા ન ચૂકાવી જોઈએ. આને માટે પણ ‘થોથેખાનો’એ સદંતર અવગણેલો એક પાઠ્યપુસ્તકોમાં ભણાવવા જેવો રૂઢિપ્રયોગ છે. ‘નળિયા ગણવા’! નવરા બેઠા, બારીમાંથી અલપઝલપ નાહીને છંટકેલા વાળમાંથી એક બારિશના ટીપું નીચે પડે એ ઝીલવાની પ્રતિક્ષામાં કે તાર પર સૂકાતા કપડાં લેવા એ માખણિયા મુલાયમ હાથો જાણે તાનપુરા પર ફરતા હોય એમ રણઝણે એના ઈન્તેજારમાં! બાકીનો સમય શું કરવાનું? ઉભા ઉભા કંઈ અમર પ્રેમકથાઓના પુસ્તકો તો વાંચવાના હોય નહિ! માટે સામેના મકાનોની છત પરના (આજે સાવ અદ્રશ્ય થયેલા) નળિયા ટાઈમપાસ માટે (અને છેલ્લા ગણિતના પેપરમાં ડૂલ થયેલી દાંડી અંગે પ્રેક્ટિસ કર્યાના આત્મસંતોષ ખાતર) ગણવાના રહેતા. જોયું? આ છોકરી પટાવવાની વિદ્યા કેટલી પ્રાચીન અને લોકસંસ્કૃતિ સાથે જોડાયેલી છે? છતાં ય એના ચાકડા ફેરવવા જેવા એથનિક આર્ટ સમા ક્લાસ નથી થતા! શિવ શિવ.

હા તો ભક્ત ભગવાનની આરતીના દર્શન માટે તડપે, એમ જ શ્રઘ્ધાભાવથી નળિયા ગણવામાં આવે, તો સેટિંગ થાય. નાના ગામોમાં મલ્ટીનેશનલ હરીફાઈઓ ઓછી હોવાને લીધે લગભગ ગોઠવાઈ જાય. પણ એમાં ખુશી તો કેસરપિસ્તા આઈસ્ક્રીમમાં રહેલા કેસરના તાંતણા જેટલી ઓછી સંખ્યામાં હોય! બાકી તો બઘું તૈયારીમાં જ વીતી જાય. ક્યાં મળવું? ક્યારે મળવું? ખબર કેમ પડે? અગાઉ ક્યારેક ઘર પાસે કોઈ અંધારપછેડી ઓઢેલી બંધ શેરી ક્યાંક મળી આવે. નહિ તો મંદિરો પાસે પાછળની ટેકરીઓ જેવું કંઈક હોય. ક્યાંક વળી પરદુખભંજન હોટલ- કેન્ટીનવાળાઓ ચાર્જ લઈને ચાર્મનો એક્સચેન્જ કરવાની જગ્યા કરી આપે. વીર નરો હોય એ તો વેકેશનમાં બહારગામ જતી બાળાને ખાતર નાઈટ ડયુટીવાળી હોસ્પિટલોના પટાવાળાને પટાવી, ત્યાંથી મધરાતે અગાઉથી નક્કી કર્યા મુજબ એસટીડી ફોન જોડે! સૂરવીરનરો તો રહેવાય નહિ, એટલે બાપાના બેલ્ટનો માર ખાઈ લઈને, દોસ્તારો પાસેથી ‘સોલ્જરી’માં ઉધારી કરીને ઉછીના બાઈક પર નીકળી પડે. પ્રિયતમાનું મુખ જોવા તણુ સુખ ભોગવવા. એમાં સીન જમાવવા ઠોઠિયા જેવી પારકી ગાડી લીધી હોય, એ ઠોકાય જાય, અને અમેરિકાની પેઠે દેવાના ડુંગર ડબલ થઈ જાય! તોય ધક્કા ખાતા, ઢસડાતા, અથડાતા કૂટાતા, સવારનું પરફ્‌યુમ સાંજનો પસીનો બની જાય ત્યારે પહોંચે! અહીં તો પેલીને કોઈક જોવા આવવાનું છે, એટલે મળે એમ નથી- એવો બેવડો આઘાત પચાવી લથડાતા કદમે ભીંજાયેલા શ્વાનની જેમ બોકાસા નાખતા પાછા ફરે! પછી એકની એક વ્યથાકથા દિવસમાં દસ વાર સંભળાવીને ચડેલો તાવ ઉતારે!

છોકરીને મળવાનો કે ઈશારો ઈશારો મેં ઈશ્ક કરવાનો મેજર ચાન્સ મળે એંઠવાડ થકી! તત્વજ્ઞાનીઓ કહી ગયા છે, તેમ જીવનની દરેક ફાલતુ ઘટનાઓનો કશોક ફેન્ટાસ્ટિક હેતુ હોય છે. છોકરી બપોરે/રાત્રે જમ્યા પછી એંઠવાડ ફેંકવા બહાર આવે, ત્યારે કંઈ બાપા પરીક્ષામાં સથવારો આપે- એમ ભેગા ન જ હોય. ત્યારે ઝટપટ વાત થઈ જ જાય. પડો આખડો ને પછડાટો ખાવ, પછી જ રિજેકટેડ પ્રેમીઓને સમજાતું સત્ય એ છે કે પ્રેમમાં શબ્દોના વૈભવ કરતાં મૌન સંકેતો વઘુ અસરકારક નીવડે છે. જ્ઞાન અઘ્યાત્મનું, સરનામું પ્રેમનું.

એકવાર છોકરી ગમે, કે એનું બઘું ય ગમે. પછી એમાંથી આવડે એવો પ્રેમપત્ર રચાઈ જાય. ગમતી વાતમાં ગ્રામર ન હોય. વન્સ અપોન અ ટાઈમ પ્રેમપત્રો માટે જ ભારતમાં ગઝલો ગવાતી હતી. શાયરીઓ એસએમએસને બદલે ફૂલડાં ચીતરીને લખાતી હતી. બાર વરસે એક શાયરમિજાજ દોસ્તે છોકરીને ચિઠ્ઠીમાં લખેલું ‘ખોટું ના લાગે તો કવ, તને કરું છું લવ… તારું જો દિલ મને દે તું, મારું ય દિલ તને દઉં!’ હવે આવું વાંચીને છોકરીનું સ્માઈલ મળે, તો એ જ્ઞાનપીઠ કરતા મોટો (અને વઘુ ઉપયોગી!) એવોર્ડ મળ્યો કહેવાય! આપણું શિક્ષણ ય કેવું? ખેતીથી લઈને ખુદાની કવિતાઓ ભણવામાં આવે- પણ છોકરા-છોકરીની કવિતા ટેકસ્ટબૂકમાં હોય જ નહિ! (નહિ તો અર્થવિસ્તાર થોડા ગાઈડમાંથી ગોતવા પડે?) ગુજરાતીમાં દરેક કવિ પાસે આ સ્પંદનોનો પેપરફોટોગ્રાફ મળી આવે. જેમ કે, દિલીપ રાવળની આ ડેટિંગકવિતા- ‘‘સોળ વરસની ફિક્સ ડિપોઝિટ, વ્યાજ ગયું છે વધી… શોધો કોઈ ક્રેઝી દરિયો ગાંડી થઈ છે નદી… એવરી ડે ના મળો તો મળજો કદી કદી તને પ્રપોઝલ મોકલવામાં વીતી વીસમી સદી!’’ બોલો. આપણે  બોરિંગ બિઝનેસ લેટર વીસ માર્કમાં પૂછીને આખું વરસ ભણાવીએ, અરજી લખતા શીખવાડીએ. પણ લવલેટરમાં મરજી લખતા ફી ભરીને ય કોઈ શીખવાડે નહિ! પછી લવેરિયા કરતા ડાયેરિયા જ વઘુ થાય ને!

પણ છતાં ય એ વખતે ચિઠ્ઠી લાગે મધમીઠ્ઠી! ચંદ્ર શાહ કહે છે તેમ ‘‘તાજોમાજો પીળો સૂરજ, ડૂચો બ્લુ આકાશ, હું જાંબલિયું પતંગિયું, તું લીલું કૂણું ઘાસ… કાગળનું કોરાપણું, મળવાનું સ્થળ આપણું- સફેદ કોરા કાગળ પર મળવું રંગબિરંગી, વચ્ચે શોભે શબ્દોનું કાળાપણું!’’ નોટના લીટીવાળા ભૂખરા પાનાને ડૂચો વાળેલી એ ચિઠ્ઠી ૧૭૦ જીએસએમ પેપરની એક્ઝિક્યુટિવ ચેકબૂક કરતા વઘુ વ્હાલી લાગતી! ચિઠ્ઠી આપવા- લેવાની (અને સાથોસાથ હસતું મોં જોઈને આંગળીઓની અડી લેવાની) તક મળે, એ માટે ક્યારેક ‘ફટાકડી’ છોકરીના ઘર સામે જ સાઈકલના વ્હીલના સ્ટમ્પ બનાવીને ક્રિકેટ રમવાનું રહે! કાં ચિઠ્ઠી ડૂચોવાળીને ઘરના ફળિયે પણ ફેંકવી પડે, એ લઈને આંટાફેરા કર્યે રાખવાના. બ્રાઉનપેપરના ભણવાની ચોપડીઓને ચડાવેલા પૂંઠા બહુ કામ આવે. એની બેવડમાં સેરવી દેવાની! કોમિક્સ વચ્ચે રાખીને આપવાની, ને એમ જ જવાબ મેળવવાનો!

અપડાઉન કરવાની એમાં ખાસ મજા આવે. જો સોગિયું ડાચું કરી બસ-ટ્રેનમાં જીવનચરિત્રો વાંચવા કરતા પડખે બેઠેલી છમ્મકછલ્લો છમિયાના ચહેરા વાંચવા જેટલું ચરિત્ર મોકળું હોય તો! સિટી બસના સ્ટોપ ઉપરાંત વઘુમાં વઘુ કનેકશન બને સાંજના ટયુશનની બેચમાં બહાર આગલી બેચ છૂટવાની રાહ જોતા, અને છૂટયા પછી! એમાંય અમારા હોમવર્કે ઘણાને વર્ક મળે, એવી ડિગ્રીઓ નહિ અપાવી હોય, પણ એના થકી હોમ કેટલાકના જરૂર વસી જતા હોય છે, આગળ જતાં! તો હમદર્દી બતાવવા પાણી ભરવાની લાઈનમાં આગળ બેડું મૂકવા દઈ તડપની તરસ છીપાવવાની પણ હોય.

આવા લાઈન મારવાના વાઈનના સાકી તરીકે છોકરીની બહેનપણી સાથે તો દોસ્તી અચૂક થઈ જ જાય! કંઈ વાંધો પડે તો ‘ઈમોશનલ રાગ’ ભરવા માટે એ સખીની સહાય પણ લઈ શકાય, અને કિટ્ટાના બૂચ્ચા કરાવી દેવાય! છો’રી માંદી પડી હોય, ને જીવ ઝલાતો ન હોય તો એ બહેનપણી ખબર પૂછીને ડહોળાતા આંતરડાને શાંત પાડે! એમાં ય એના કે આપણા ઘરમાં નવી-નવી તાજી પરણેલી કોઈ જુવાન ભાભી આવી હોય તો જલસાનો જેકપોટ! બહેન બહુ હેલ્પ ન કરે, પણ આવી ભાભી તો લાઈફટાઈમ બને, એ જ સામેવાલી પાર્ટીની સખી બની જાય! આવે વખતે રીઢા કલાકારો એકાદી ગમગીની કે વ્યસન રાખે. જેથી એ છોડાવવામાં છોકરી નજીક આવે એને ખાતર તમાકુ- સિગારેટ છોડયાની કસમો ખાઈને એની લાગણીનું લીવરેજ વધારી શકાય પછી છોકરી છૂટી જાય, તો વ્યસન પાછું વળગે ને કોઈ નવીં આવીને છોડાવે!

આ માટે હજુ વીસમી સદીના ઉત્તરાર્ધમાં (યાને એઈટીઝ એન્ડ નાઈન્ટીઝમાં) નેટ પ્રેક્ટિસની પીચ પૂરી પાડતા લગ્નપ્રસંગો (જેમાં બૂફે આવતા પીરસીને ઈમ્પ્રેસ કરવાની ભવ્ય પરંપરાનો લોપ થયો, પણ હજું ય ‘લસ્ટ એટ ફર્સ્ટ સાઈટ’ એમાં જ વઘુ થાય છે!) જ્યાં બનીઠનીને આવેલી આઈટેમ્સ જોવાનું આકર્ષણ મિષ્ટાન્ન કરતાં વઘુ હોય! અને તહેવારો! ફેસ્ટિવલ્સ ફક્ત ધાર્મિક- સામાજીક મહાત્મ્ય કે સંસ્કારવારસના પોપટપાઠ માટે નથી. સંકરાતની અગાસી, ઘૂળેટીનું આંગણું, દિવાળીની શેરી… અને નવરાત્રિ! ફ્રેન્ડશિપ ફનનો મેક્સિમમ ચાન્સ નવ-નવ રાતના ડાન્સંિગ મ્યુઝિકમાં ત્યાં જ મળે, એ મા શક્તિની મીઠી મહેરબાની! એમાં ય જેની મહેક હળવે હળવે હજુ ય નજીક આવે એટલે શ્વાસમાં કેલેન્ડર જોઈન ય આવે એવા કાઠિયાવાડી મેળા! ચકડોળ કરતા વઘુ આ ‘ચક્કર’માં ફરવાનું હોય! કૃષ્ણજન્મના વધામણા સાથે કૃષ્ણકર્મ કરવાનો ભાવ પણ પ્રગટે! મેળાની ભીડ તો બહુ ગમે, કારણ કે એક બીજા પાસે ઝપાટાબંધ ફરતો મિત્રોનો ફોરવર્ડેડ મૌખિક મેસેજ પહોંચે કે ‘એ આવે છે!’ તો સ્ટાઈલથી એની સાથે તારામૈત્રક કરતા, આઈસ્ક્રીમ કોન ચાટતાં, ધક્કામૂક્કીમાં એને બધાની હાજરીમાં ઘસાઈને સ્પર્શી લેવાય! અને પછી જે ખુમાર ચડે કોફી વિનાના કેફનો!

એવું નથી કે ટયુશનીયા, પ્રોજેક્ટિયા ભણતરમાં આ વઘું ખોવાઈ જ ગયું છે. હજુ ય એસએમએસ અને ચેટ, કાર્ડશોપથી કાફેટેરિયામાં આ થતું જ રહે છે. નાના નગરોમાં ય! પણ ‘ભણભણ’ની ચણભણ વધી ગઈ છે. આવા સંબંધો મોટા ભાગે ક્રશ જ બની રહેતા કાન-ગોપીઓની માફક. એની ય એક મજા રહેતી, ભલે ભવોભવનું સગપણ ન થાય- પણ એ બાંસુરીનો સૂર આજીવન સંભળાય એવું અનુભૂતિનું ગળપણ તો રહે જ. આટલું જે બગડયા, એમની જ તો જુવાની સુધરી! (શીર્ષક પંક્તિ ઃ ઉદયન ઠક્કર)

ઝિંગ થિંગ 

સપનાને બંનેની વચ્ચે ન રાખ

ક્યાંક વહેંચી દેશે એ ગોળધાણા

છોકરીને મેળવવા કીધાં હતાં

એ ફોગટ જશે એકટાણાં!

(મૂકેશ જોશી)

 her1

# બહુ જુનો નહિ એવો ગુજરાતીમાં જૂજ ખેડાયેલા છે , એવા સેટિંગ-લાઈન મારવાના વાસ્તવવાદી વિષય પરનો આંખે દેખ્યા અનુભવમાંથી જન્મેલો એક મનગમતો  લેખ વેલેન્ટાઈન્સ ડે હેપી હેપી કરવા માટે  ! 🙂 ❤ 

 
58 Comments

Posted by on February 14, 2013 in feelings, fun, romance, youth

 
 
%d bloggers like this: