RSS

Daily Archives: February 7, 2013

ખાલી હાથ શામ આઈ હૈ, ખાલી હાથ જાયેગી…

sham1

ચિત્રકાર : જીમ વોરેન

શામ ટૂટે હુએ દિલવાલોં કે ઘર ઢુંઢતી હૈ

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

ખુદ કો ભૂલે કિસી મહેફિલ, કિસી મેલે મેં રહો.

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

 

શામ આયેગી તો જખ્મોં કા પતા પૂછેગી

શામ આયેગી તો તસવીર કોઈ ઢૂંઢેગી

ઇસ કદર હોના બડા તુમસે તુમ્હારા સાયા

શામ આયેગી તો પીને કો લહૂ માંગેગી

શામ કો ભૂલે સે આઓ ન કભી હાથ અપને

ખુદ કો ઉલઝાયે કિસી એસે ઝમેલે મેં રહો

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

 

યાદ રહ-રહ કે કોઈ સિલસિલા આયેગા તુમ્હેં

બાર-બાર આપની બહુત યાદ દિયાલેગા તુમ્હેં

ના તો જીતે હી, ના મરતે હી બનેગા તુમસે,

દર્દ બંસી કી તરહ લે કે બજાયેગા તુમ્હેં

શામ સે બચને કે હર રોજ બહાને ઢૂંઢો

શામ હર રોજ નયે ચેહરોં કે મેલે મેં રહો.

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

 

અલવિદા કહ કે ગયા કોઈ અભી, જૈસે અભી

શામ કો ખેલ શરૂ હોગા, તો ધબરાયેગા જી.

યાદ આયેગા વહી હાથ જો કિસ્મત મેં નહી.

ખૂબ રૂલાયેંગી વે બાતેં, ન જો હો પાયી કભી

શામ એક રાખ હુએ શહર કી જાદૂગરની

જાન લે લેગી ન સંગ ઉસ કે અકેલે મેં રહો

 

ઘર મેં સહરા કા ગુમાં ઇતના જ્યાદા હોગા

મોમ કે જીસ્મ મેં રોશન કોઈ ધાગા હોગા

રૂહ સે ઉલઝેંગી ઇસ તરહ પુરાની યાદેં

શામ કે બાદ બહુત ખૂન ખરાબા હોગા…!

 

લગ કે અપને હી ગલે રોને સે બહેતર હૈ યહી

શામ જબ આયે કિસી ભીડ કે રેલે મેં રહો

શામ ટૂટે હુએ દિવાલોં કે ઘર ઢૂંઢતી હૈ

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

 

કવિતા એટલે કાળજાની અંદરની ત્વચાને ચીરીને પછી છેક અંદર ઘાવની બળતરા સાથે ધાતુના સ્પર્શની ઠંડક પણ થાય, એવો તલવારનો પ્રહાર. વરિષ્ઠ હિન્દી કવિ સુર્યભાનુ ગુપ્તાની આ કવિતામાં એ રણકાર, એ ધાર છે. શિયાળાની કડકડતી ઠંડીમાં બરફીલી સાંજે વાંચો, તો ઘરમાં જ થીજી જાવ, એવી કવિતા !

શીતળ શિયાળો અપવાદો બાદ કરતા ગુજરાત (અને આ વખતે તો મુંબઈને પણ) શિરા-ધમનીઓ સુધી ફ્રોઝન કરીને હવે ધીરે ધીરે વિદાય લેવાની તૈયારીમાં છે. શિયાળાની સવારે જેમ રજાઈની હૂંફ છોડવી ન ગમે, એમ વ્હાલા વિન્ટરને વિદાય આપવી ગમતી નથી. શામ-એ-ગમ કી કસમ, આજ ગમગીન હૈ હમ વાળી શામ એ ગમ પણ રોટલા, લસણની ચટણી, ટમેટા તુવેરદાણા કે જીંજરા-મોગરીની માફક શિયાળા સ્પેશ્યલ અનુભવ છે.

સબસબાવીને કરોડરજ્જૂમાંથી લખલખું પસાર કરી દે એવી બર્ફાની ટાઢ ત્રાટકે ત્યારે સાંજ જાણે સન્નાટાની સાડી ઓઢીને આવે છે. ધડાધડ, ફટાફટ, સૂનકાર યોસેફ મેકવાને એક કવિતામાં વર્ણન કરેલું હતું, ‘ઝાડના ડાંખળે ડાળીએ સૂર્યના કિરણ ચોંટી રહ્યા. પાસમા ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !… ચોતરફ વાયુના કાફલા બરફ શા આભને લઈ વહે, ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ થઈ ‘કરો’ કાનમાં વાગતો ! એમ લાગે ઘડી… સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી !’

બહોત અચ્છે ! ટૂંટિયું વાળીને રસ્તો ય સૂતેલો હોય એવા ઠિઠુરાઈ ગયેલા ભેંકાર વાતાવરણના કાળી શાલ લઈને શિયાળાની શામ આવે છે. જાણે જગત મૂવીંગ એચ.ડી. વિડિયોમાંથી સ્ટેન્ડસ્ટિલ ફોટોફ્રેમ બની જાય છે. આપણા જ પગલાનો અવાજ જાણે પારકો હોય તેમ સંભળાય છે. ઉપર જામેલા બરફ નીચે યુરોપમાં નદીઓનું પાણી પડ્યું રહે, એમ થથરી ગયેલી ટાઢીબોળ ચામડી નીચે ગરમ કહેવાતું લોહી સુન્ન પડી જાય છે. બહાર ફળિયામાં ખુલ્લાં રહી ગયેલા પાણીનું ટીપું પણ અચાનક પગ કે ગાલ પર પડે તો દાઝી જવાય એનું નામ શિયાળો ! જેમાં શ્વાસ ફેફસાંને બદલે પાંસળીઓમાં પહોંચે અને હાડકાની વચ્ચેના પોલાણમાં હિમ જામે !

અને આ હૂહૂકારની વચ્ચે જે ગ્લૂમી, બોઝિલ સાંજ આવે ત્યારે સૂર્યના અસ્તની સાથે એકલતાનો ઉદય થતો હોય છે. શરીર ફરતે કસીને ભીંસેલી ધાબળી કે ચપોચપ ફિટ થતા જેકેટ સિવાય બીજો કોઈ સ્પર્શ સાંપડી શકે તેમ ન હોય, ત્યારે બહાર બરફ જામવાનો શરૂ થાય, ત્યારે અંદર યાદોનો બરફ ઓગળવાનો શરૂ થતો હોય છે ! શિયાળાની શાંતિ, મૌન મહોલ્લો અને પડઘાતા પીગળતા પોકારો !

અને કવિ ચેતવણી આપે છે, શામ ટૂટે હુએ દિલવાલોં કે ઘર ઢૂંઢતી હૈ ! પોતાની ઘુમ્મસિયા જીભ લપલપાવતી ભૂખરી ભૂખરી સાંજ આપણને ગળી જવા પ્રેત થઈને પથરાતી જાય છે. શામ આયેગી તો જખ્મોં કા પતા પૂછેગી. શામ આયેગી તો પીને કો લહૂ માંગેગી. પછી વાંસળીની જેમ સંવેદનાઓના છેદ કરીને સાંજ આપણને વગાડશે. બીજા એ સાંભળીને ડોલતા હોય તો પણ ન જીવી શકાય, મરી શકાય એવા ફલેશબેક હાઈસ્પીડમાં રિવાઈન્ડ થવા લાગશે !

સિદ્ધિઓની યશોગાથા એ ઉજળી હૂંફાલી સવાર છે. પણ શિકસ્તનું સરનામું ઠંડીગાર સાંજ છે. બહારથી ચમકતા લાગતા રંગબેરંગી મીણની વચ્ચે દોરો બળતો જાય, અને બીજાઓને પ્રકાશ મળે ત્યારે આસપાસ રહેલું મજબૂત લાગતું મીણ સપાટાબંધ સોલિડમાંથી લિક્વિડ બની જાય, એમ આપણા મીણિયા શરીરો તો અંદર આત્મા કોચવાય, દિલ દુભાય ત્યારે તરત જ જવાબ દઈ દેતા હોય છે. સાંજ એટલે વીતી ગયેલા વાયરાઓમાંથી ફૂંકાતી અઘૂરી રહેલી વાર્તાઓનો સરવાળો ! સાંજ એટલે હાથના છૂટી ગયા પછી ભેટેલી હારનું ખોપરીમાં ખખડતું અટ્ટહાસ્ય ! આંખો મીંચ્યા પછી ઉછળતા પોતાના જ લોહીના ફુવારામાં થતું માથાબોળ સ્નાન ! શામ કે બાદ બહુત ખૂનખરાબા હોગા ! બધી અઘૂરી ખ્વાહિશોની પૂરી કરચો રૂંવે રૂંવે ભોંકાશે. ગમતા માણસોની સ્મૃતિઓ તીક્ષ્ણ નખથી છાતીમાં ન્હોરિયા ભરશે, ત્યારે એ નહિ ગમે !

એટલે તો સુર્યભાનુ ગુપ્ત ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે. આવી થીજાવી દેતી સાંજના સંજોગો ડીપ્રેશનનું ડીપ ફ્રિઝર પેદા કરે, ત્યારે એકલા ન રહો. પોતાની જાતને ભૂલવા માટે ભાગો. ભીડમાં ભળી જાવ. નવા નવા ચહેરાઓ વચ્ચે ખોવાઈ જાવ. ત્રસ્ત ન થવું હોય, તો ખુદને વ્યસ્ત રાખો.

યાદ રાખો, સાંજ ૧૪ ફેબ્રુઆરીવાળાઓ માટે નથી. પણ ૧૫ ફેબ્રુઆરીવાળાઓ માટે છે. રિજેક્ટેડ, ડમ્પ્ડ, નેવર બીન એક્સેપ્ટેડ, ફેઈલ્યોરના વન-વેમાં ફાઈન ભરી યુ ટર્ન મારનારાઓ. સાંજ ભાંગેલા, તૂટેલા, થાકેલા દિલવાળાઓને રાની પશુની માફક સૂંઘી લે છે. પછી એ તો શિકાર કરવા તરાપ મારે છે. પોતાની લિસ્સી લપસણી ગુફામાં ઘસડી જાય છે. સાપણ બનીને ભરડો લઈને, ઝેરી ડંખ મારીને ગળી જાય છે.

માટે દિલ પર ફોલ્લાં પડ્યા હોય, તો શામ કે વક્ત કભી અકેલે ન રહો.

***

‘ધારો કે એક સાંજ આપણે મળ્યા’ જેવા ક્લાસિક કાવ્યમાં જગદીશ જોશી વ્યથાને વલોવે છે, ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ વાંચશું ? આ બોર્ડની પરીક્ષાનો સવાલ નથી, કે એનો જવાબ ટ્યુશન ક્લાસીસના મટીરિયલમાંથી મળે. આ ‘લોર્ડ’ (ગોડ)ની કસોટી છે. જેને વાંચવાને બદલે ગાવો પડે, ‘યે શામ કી તન્હાઈયાં, ઐસે મેં તેરા ગમ… પત્તે કહીં, ખનકે હવા, આઈ તો ચોંકે હમ !’

દિવસ ભાગદૌડનો ‘કાયાલોક’ છે, અને રાત આનંદઆરામનો ‘માયાલોક’ છે. આ સ્વીચઓવરનું ક્રોસ જંક્શન એવી સાંજ એ ‘છાયાલોક’ છે ! લંબાતા જતા ઘેરા પડછાયાઓની ફોજ લઈને સાંજસવારી આવે છે. સાંજે પાડેલી તસવીરોનો રંગ એટલે જ ઝાંખો આવે છે. એમાં અંધારું નથી, ફલેશલાઈટ પણ નથી. સાંજ માટેનો સરસ ભારતીય શબ્દ છે. ‘ગોઘૂલિ’ ગૌઘૂલિક સમયે થતો હસ્તમેળાપ એટલે સૂરજ ઢળવા લાગતા સમીસાંજે ગાયોનું ધણ ચરિયાણમાંથી ગામમાં પાછું આવે, ત્યારે તેની ખરીઓથી ઘૂળ ઊડે એ સમય !

પણ સાંજ એ સમય નથી. સ્થિતિ છે. ‘દિલ ચાહતા હૈ’ના અદ્‌ભુત ગીત ‘તન્હાઈ’માં જાવેદ અખ્તરે એક બેનમૂન પંક્તિ લખી હતી : દૂર બનાઈ થી મંઝિલ, રસ્તે મેં હી શામ હુઈ ! ક્યારેક માણસ જાણી જોઈને જે હાથમાં નથી આવવાનું એને પામવાનો પ્રયત્ન કરે છે. પોતે જ વઘુ અઘરા, ઉંચા, લક્ષ્યાંકો રાખે છે. પણ એ મૃગજળ પાછળ દોટ મૂક્યા બાદ સફર (યાત્રા) અને સફરિંગ (પીડા) બેઉ લંબાઈ જાય છે. મંઝિલ જ એટલી દૂર હોય છે કે પહોંચી શકાતું નથી, અને રસ્તામાં જ સાંજ ઢળી જતા અંધારાના ઓળાઓ આસમાનમાંથી ઉતરી આવે છે ! મીલોં દૂર તક ફિર ખામોશી હૈ છાઈ… તન્હાઈઈઈ !

આવી જ એક ઇલેકટ્રિક કરન્ટ લાગ્યો હોય એવી ફિલ્મગીતની પંક્તિ એક ઢળતી સાંજે વાત કરતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટે યાદ કરી હતી. જૂની ‘ફરાર’ ફિલ્મના ગીત (બસ ચૂપ સી લગી હૈ)માં એક ચાદર નીચે ઢંકાઈ ગયેલા હીરા જેવી કાવ્ય પંક્તિ છે. સુબહ ભી હૈ, ઔર રાત ભી, દુપહર ભી… હમ હી ને શામ ચુની હૈ ! 

ક્યા બાત હૈ ! ઓપ્શન તો હતા, પ્રભાતના પ્રકાશ સાથે કે મઘ્યાહ્નના સોનેરી ઝગમગાટ સાથે કે રાતના રેશમી સુંવાળા આરામ સાથે જવાના – પણ શું થાય. દિમાગ દિલ પાસે હાર્યું. કેલ્ક્યુલેશન પર ઇમોશન હાવી થઈ ગઈ. સેટલમેન્ટ કરતા સેન્ટીમેન્ટસ ચડિયાતા પુરવાર થયા. અને જાણી જોઈને ઘૂંધળી સાંજની ખીણમાં ભૂસકો લગાવી દીધો. ખુદને ખતમ કરનારી આફતને ગળે વળગાડી દીધી. ડેથ વિશ, સેલ્ફ ડિસ્ટ્રક્શનનો ય ક્યારેક અજીબ નશો ચડી જતો હોય છે. માણસ સાથે નહિ, તો મુસીબતો સાથે રોમાન્સ થઈ જતો હોય છે. એક અજીબ અદ્રશ્ય ખેંચાણ હોય છે, પ્રચંડ ગુરૂત્વાકર્ષણ જેવું, શમાઓમાં જલી મરતા પરવાનાઓ જેવું, ઉંચી ઉડાન ભરવા જતા પીંછા ખેરવી નાખતા પંખીડાઓ જેવું. સીધો રસ્તો મૂકીને પણ વાંકીચૂંકી વનવગડાની કેડીએ ભટકવાની એક કશીશ પેદા થઈ જતી હોય છે. અને માણસ શામની ચોઈસને ફાઈનલ લોક લગાવી દેતો હોય છે ! સવારનો રતુમડો સૂરજ ગળી જાય એવો સાંજનો ભમ્મરિયો કૂવો, જે એમાં ડૂબે તે જીવતો મૂઓ !

નિનુ મઝુમદારે રૂડીરૂપાળી રંગીલી કોડીલી મદીલી ચમકીલી એવી સુસ્ત શરદની રાત ગુજરાતી કવિતાને ભેટ આપે છે. એલેકઝાન્ડર પુશ્કિને બરફમાં ચૂસાઈને કેદ પકડાતા સૂર્યકિરણોવાળી સ્ટોર્મી તોફાની વિન્ટર ઇવનિંગની પોએટ્રી વિશ્વને ભેટ આપી છે. પણ આંખમાં રતાશ સાથે સાંજની ટશરો ફૂટવી એટલે શું એ તો બસ, સૂર્યભાનુ ગુપ્તે જ જાણે શાહીને બદલે લોહીથી ઉપસાવ્યું છે. આજ ભી ના આયા કોઈ, ખાલી લૌટ જાયેગી – નો ખાલીપો, અજંપો બે શબ્દો વચ્ચેની સ્પેસમાં પડઘાય છે. આ કવિતા છે. ચુસ્ત ચાબૂક જેવી, જડબેસલાક ચુંબક જેવી – શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ના રહો, શામ ટૂટે હુએ દિલવાલોં કે ઘર ઢૂંઢતી હૈ, શામ એક રાખ હુએ શહર કી જાદૂગરની, જાન લે લેગી, ન સંગ ઉસ કે અકેલે મેં રહો…

યાદોના ઘોડાપૂર ભયજનક સપાટી વટાવે ત્યારે ખતરાની ચેતવણી નયન દેસાઈ આપે છે –

એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં

આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે !

sham

#ગત વર્ષનો લેખ “રોઝ ડે” ને સમર્પિત 😛

બોનસ વિડીયો   : 

 
22 Comments

Posted by on February 7, 2013 in art & literature, feelings, romance

 
 
%d bloggers like this: