RSS

Daily Archives: January 21, 2013

લા મિઝરાબનો શરાબ !

victor hugo 1

આજે મારી કોલમ સ્પેકટ્રોમીટરમાં અત્યાર સુધીમાં મેં વાંચેલા તમામ પુસ્તકોમાં સર્વાધિક પ્રિય એવી ૧૫૦ વર્ષ જૂની ફ્રેંચ ક્લાસિક “લા મિઝરાબ” ( Les Miserables )પર લખ્યું અને એ વાંચવા માટે ઇન્કવાયરીનો મારી પર ધોધ વરસી પડ્યો !

મારાં લેખો તો હજુ ય આના પર આવશે, એટલે એ એકસાથે અહીં મુકીશ પછીથી..પણ અત્યાર પૂરતી આ પોસ્ટ વાંચનરસિયાઓ માટે.

ગુજરાતીમાં આ કૃતિના એકથી વધુ અનુવાદ થયા છે પણ અંગત વિનંતી છે કે એનો અંગ્રેજી અનુવાદથી પણ સરસ આનંદ ઉઠાવવો હોય તો મૂળ ૧૯૦૦થી વધુ પાનાંની ફ્રેંચ પરના ૧૪૬૩ પાનાં અંગ્રેજીમાં થયા – એની ય આબાદ ચરબી ઉતારી, એકદમ રસાળ સ્વરૂપમાં દાયકાઓ પહેલા ગુજરાત સમક્ષ મુકનાર મૂળશંકર મો. ભટ્ટ ( સાહસિકોની સૃષ્ટિ વાળા સ્તો ! )નો “દુ:ખિયારાં” જ અચૂકપણે વાંચવો.

ભાવનગરના સંસ્કાર સાહિત્ય મંદિરે બહાર પાડેલી એની છેલ્લી આવૃત્તિ હાલ તો બજારમાં અપ્રાપ્ય છે. ( મારી પાસેની કોપી ઝેરોક્સ કરાવવા માટે આજે કુલ ૪ વિનંતીઓ સ્વીકારી ! માટે  ક્યાંય ન મળે તો મને કહેજો અહીં કોમેન્ટ દ્વારા ). સારી લાયબ્રેરીમાં એ મળે. આજે મૂળશંકરભાઈના પુત્ર વિક્રમભાઈનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે બે ભાગનું એક ભાગમાં સંકલન કરી સચિત્ર સંસ્કરણ અમદાવાદનું ગુર્જર પ્રકાશન તૈયાર કરે છે. થાય ત્યારે ખરું. છતાં ય ત્યાં તપાસ કરજો. પણ ફરીને કહું છું, તક મળે અને ગુજરાતી વાંચતા આવડે ( એટલે તો તમે આ ય વાંચતા હશો ને ! ) તો જીવનમાં એક વાર એ “દુખિયારાં” વાંચજો, વાંચજો અને વાંચજો જ.

જેમને અંગ્રેજીમાં જ વાંચવી છે , એમના માટે તો એ શોધવી સાવ આસાન છે, છતાં એટલી ય તસ્દી ના લેવી હોય તો આ રહી એ ડાઉનલોડ કરવાની લિંક.

http://www.gutenberg.org/ebooks/135

મૂળ ફ્રેંચ કૃતિ પરથી નાટકો અને ફિલ્મો પારાવાર ઘણી ભાષામાં સર્જાયા છે. અત્યારે જે ફિલ્મ ઓસ્કાર ગજવે છે – એ એના સુપરહિટ મ્યુઝિકલ પરથી બની છે ( એટલે ભારતમાં ચાલવાના ચાન્સ સાવ ઓછા ! ગુજરાતમાં અત્યારે ફક્ત અમદાવાદમાં પીવીઆર /સિનેપોલિસ ખાતે છે ). મારાં જેવા હરેડ બંધાણીને ટ્રેલર નીરખીને ખબર પડી જાય કે ડાયરેક્ટર ટોમ હૂપર ( કિંગ્સ સ્પીચ) એને ઘોળીને પી ગયા છે, ને પુરો ન્યાય આપ્યો છે. ઉમદા અભિનેતા હ્યુ જેકમેનને જીન-વાલજીન / જ્યાં-વાલજ્યાં તરીકે લીધો એ જ સો ટચની પસંદગી છે, હ્યુગોના વર્ણન મુજબનો જ બાંધો અને ચહેરો છે એનો ! એ ફિલ્મનું ટ્રેલર અને ફર્સ્ટ લૂક અહીં નિહાળો :

એક ફિલ્મ લિઆમ નીસન અને ઉમા થર્મનને લઈને પણ ૧૯૯૮માં  હોલીવૂડમાં બનેલી , એનું ય ટ્રેલર જોઈ લો.

લા મિઝરાબના મ્યુઝિકલ ઓપેરા / નાટકને ગ્રાન્ડ સક્સેસ મળી એ માનમાં થયેલું સ્પેશ્યલ સંગીતમ્ય સ્ટેજ પરફોર્મન્સ આખું અહીં માણો :

એક જૂની લાંબી ફિલ્મ પણ એના પર ૧૯૫૭માં બનેલી એ આખી સબટાઈટલ સહિત અહીં જોઈ શકાશે :

અને ૨૦૦૦માં ફ્રેન્ચોએ બનાવેલી એક ફિલ્મ પણ અહીં બે ભાગમાં મોજુદ છે :

લો, આટલો ખજાનો ખુલ્લો કર્યો……નવી ફિલ્મ અત્યારે થીએટરમાં જઈને જોજો અને દુ:ખિયારાં મેળવીને વાંચજો એટલે દુખતી આંખે અને વહેલી સવારનો પ્રવાસ હોવા છતાં કરેલો આ ઉજાગરો લેખે લાગે ! હજુ મારી કોલમમાં તો લેખ આવશે… અહીં પણ પોસ્ટ્સ આવશે…આફ્ટરઓલ, અપુન કિ ફેવરિટ હૈ ભાઈ ! ઔર ૧૫૦ સાલોં સે દુનિયા કી ભી ! નશો કરાવી દે એવું શબ્દસૌંદર્ય છે એમાં !

જય વિક્ટર, જય મૂળશંકર, જય હૂપર… 🙂

 
88 Comments

Posted by on January 21, 2013 in art & literature, cinema

 
 
%d bloggers like this: