RSS

Daily Archives: December 27, 2012

મંઝર, મઝાર, મિર્ઝા…..

gaalib

કાસિદ કે આતે આતે ખત ઇક ઔર લિખ રખું
કિ મૈં જાનતા હું, વો જો લિખેંગે જવાબ મેં !

( પ્રિયજનનો સંદેશ લઈને આવતો મેસેન્જર કે મેસેજ  આવે એ પહેલા નવો પત્ર કે મેઈલ  લખીને તૈયાર રાખું, કારણ કે જવાબમાં એ શું લખશે એ તો મને રજેરજની ખબર છે, એવો હું એમની મહોબ્બતમાં ગળાબૂડ છું ! )

૨૧૫ વર્ષ.

એકમેવ. અજોડ. અદ્વિતીય. અનન્ય…આ તમામ વિશેષણોની સાપેક્ષે લઇ શકાય એવું એક નામ :  મિર્ઝા ગાલિબ. ૧૭૯૭ની ૨૭ ડિસેમ્બરે જન્મેલી આ ટાવરીંગ ટેલન્ટ કોઈ પણ એન્ગલથી એની સાથે જ બર્થ ડેટ શેર કરતા સલમાન ખાનથી પણ વધુ ફેન ફોલોઈંગ મેળવવા દરજ્જેદાર છે. ટાગોર, ગાલિબ, હુસેન, ઓશો, કબીર…આ પાંચ દાઢીઓ ભારત સાંસ્કૃતિક ખુશ્બૂનું પંચામૃત છે !

કમબખ્ત મિયાં ગાલિબ…… ટીન એજમાં જ પપ્પાના પ્રતાપે એમનો દીવાન વંચાઈ ગયા પછી અડદિયો ખાધા પછીની કોફી મોળી લાગે, એમ બહુ વખણાતી કે ગવાતી અમુક શાયરીઓ પણ ફિક્કી જ લાગે છે, તાઉમ્ર ..આજીવન ! ગાલિબ એટલે શહેનશાહે શાયરી. ધ અલ્ટીમેટ. નરસિંહ મહેતાની જેમ પેલે પાર કશુંક ભાળી ગયેલો ઈશ્કમસ્ત મૌલા. આગઝરતા કટાક્ષના તણખા વેરતી ભાષા અને નાભિમાંથી ઉઠેલી પીડાની કાળી ચીસ. બે પંક્તિઓમાં આખી નવલકથા કહેવાનું જૌહર અને હુનર રાખનાર આદમી.

વાંચીએ તો લાગે કે આદમી નહિ પાંખો વિના ફરતો ફિરસ્તો હોવો જોઈએ, જેના કદમ ચૂમીને ત્યારના દિલ્હીની ધૂળ સોનેરી બની ગઈ હશે અને વાંચીને આજે ય દિલમાં હીરા મઢાઈ જાય છે. શું કસબ, શું કમાલ ! ૧૬ વરસ પહેલા લેખનની શરૂઆતમાં જ એમના પર ખૂન નીચોવીને લખ્યું એ આજે સોલ્ડ આઉટ અને હવે સંવર્ધિત આવૃત્તિ રૂપે ફરી આવનારા મારા પુસ્તક ” સાહિત્ય અને સિનેમા”માં વાંચવા મળશે. એટલે આજે એમના પર કશું લખવું નથી, પણ એમને સજદો કરવો છે. પાનની દુકાને ઉભેલા આશિક આવારાઓની ચિઠ્ઠીબાજી કે ચોકોચિપ્સ આઈસ્ક્રીમ ખાતાં થતી એસ.એમ.એસ.બાજીની ડાયરીછાપ શાયરીઓ માટે ગાલિબ નથી. એ ખરા અર્થમાં  શેર કહે છે. દહાડતો , ગરજતો, ધ્રુજાવતો બબ્બર શેર!

વર્ષોની તમન્ના બાદ આ વર્ષના શિયાળે દિલ્હીના આંતરરાષ્ટ્રીય બુક ફેરની મુલાકાત દરમિયાન દોસ્તો સાથે ગાલિબની મજાર પર જવાનું થયું. એક જમાનામાં મૂતરડીમાં ફેરવાઈ ગયેલી જગ્યા આજે મીડિયા અને ચાહકોના હોબાળા પછી જરાક વ્યવસ્થિત થઇ છે. ઇલાકો ગીચ, ગરીબ ને ગંદો છે પણ અમે ગયા ત્યારે મજાર ચોખ્ખી હતી. અને કેમ ના હોય? ત્યાં એવી કોઈ અવરજવર જ નહોતી કે એ બહુ ખરાબ થાય ! મહાન આત્માઓ પેદા કરવાનું વરદાન અને ભૂલી જવાનો શ્રાપ બંને આ દેશના લલાટે લખાયો છે. જો કે બાજુમાં રહેલી સરકારી ઈમારતમાંથી વાજબી ભાવે બે-ત્રણ સરસ પુસ્તક જરૂર મળ્યા. અને મળી યાદો અને ત્યાં મનમાં ગુંજી ઉઠેલા ચંદ અશઆર.

ગાલિબ લોકપ્રિયતા અને ગુણવત્તા, વરસો નહિ, દસકાઓ નહિ, સદીઓ સાથોસાથ હોઈ શકે છે , એનો ટટ્ટાર લહેરાતો ધ્વજ છે. આસમાનની બુલંદીને ચુમતું એક આતિશી નામ, સાગરની ગહેરાઈઓ સુધી ઉછળતું એક ધોધમાર કામ.  એક જીવતી જાગતી હ્યુમન બ્રાન્ડ, જે શાયરી નામના શબ્દનો આજે ય બેન્ચમાર્ક છે, પર્યાય છે. એક નશો છે ખુમારનો , એક નકશો છે બહારનો…સલામ ગાલિબસાહબ, ચમનમેં આપ કિ ફિઝા હી કુછ ઐસી બિખરી હૈ કિ ગુલ તો ખીલતે રહેંગે જઝબાતો ઔર ખયાલાતો કે ! સાકીને કુછ મિલા હી દિયા હૈ શરાબ મેં…

મિર્ઝાની મજાર સામે  ઉપર ફોટોમાં ઝૂકીને માથું ટેકવી ( ક્લિક કરીને ફોટો ક્લોઝ અપમાં નિહાળી શકશો )  આજે ફેસબુક પર મુકેલી એક રચનાની આ ચુનંદા પંક્તિઓ માણો અને ગાલિબ ટકોરાબંધ જીવંત કરનાર નસીર-ગુલઝાર-જગજીતની સિરીયલના આ ચિરંજીવ કૃતિઓમાંથી પ્રતિનિધિ રૂપે બે સૌથી પોપ્યુલર રચનાઓ…

ख़ुदाया जज़्बा-ए-दिल ( मन का भाव ) की मगर तासीर उल्टी है
कि जितना खिंचता हूं और खिंचता जाए है मुझसे…

उधर वह बदगुमानी है, इधर ये नातवानी ( निर्बलता ) है
न पूछा जाये है उससे, न बोला जाये है मुझसे !

हुए हैं पाँव ही पहले नबर्दे-इश्क़ ( प्रेम का संघर्ष )में ज़ख़्मी
न भागा जाये है मुझसे, न ठहरा जाये है मुझसे…!

 
24 Comments

Posted by on December 27, 2012 in art & literature, feelings, heritage, india, travel

 
 
%d bloggers like this: