RSS

Daily Archives: December 24, 2012

હેતાળ હાલરડું…. :-“

pi 4

ટ્રાન્ઝીસ્ટર રેડિયો કે ફોટોફિલ્મ જેવી સદંતર લુપ્ત થતી બાબતોની યાદીમાં એક નામ આસાનીથી ઉમેરી શકાય : હાલરડું.

અંગ્રેજીમાં કહીએ, તો લલબાય. ( ‘લાલા’ને પોઢાડવામાંથી આ શબ્દ આવ્યો હશે? નંદજીના લાલ નટવર નાના જાણે ! 😛 )

વેલ, હાલરડાંઓ અને લલબાય્ઝની આખી દુનિયા છે. ને માના ખોળાની વ્હાલસોયી એ સૃષ્ટિ અંગે આખો એક લેખ લખવાનું મન થઇ જાય…

પણ આજે વાત એક તાજાં ખીલેલા કોમળ પારિજાતના પુષ્પ જેવાં સુગંધી સંગીતની. એક લેટેસ્ટ લલબાયની.

ઈશ્વર, પ્રકૃતિ અને સર્જકતા ત્રણેની પહેચાન રસિકતાથી કરાવતી અને મને અત્યંત ગમેલી ( જાણે પડદા પર ‘લાઈફ ઓફ જય’ રિવાઈન્ડ કરતો હોઉં એવી !) ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ અંગે તો બે લેખ લખવાની ઈચ્છા પડતી મૂકી આ એક લેખ હમણાં જ લખ્યો ( કારણ કે, થ્રી-ડીમા જ અચૂક જોવા જેવી આ ફિલ્મ મોડી જોઈ, ને જોઈ ત્યારે બે વાર જોઈ !), પણ એમાં ય દાખલ થતાંવેંત પ્રકૃતિ સાથે એકાકાર કરતા દ્રશ્યો સાથે હળવે હળવે રેલાતું અને નસે નસમા ફેલાતું આ હાલરડું જાણે મનમાં ચંદનનો ઠંડો લેપ કરી ગયું…જાણે સુંવાળું કોઈ પીછું શરીરની અંદર ફરી ગયું….

આ જરાક મોડા પડો તો ફિલ્મમાં સીટ શોધવાની મથામણમાં ચૂકી જવાય તેવો  શબ્દશઃ મધમીઠો ટ્રેક “pi’s lullaby” શીર્ષક હેઠળ શુદ્ધ ભારતીય સંગીતના તરબોળ નિતાર રૂપે છે. કર્ણાટકી સંગીત અને તમિલ ફિલ્મોની મશહૂર યુવા ગાયિકા ‘બોમ્બે જયશ્રી’એ બેનમૂન રીતે એ ગાયો છે. અને કમ્પોઝીશન માન્યામાં ના આવે પણ સુખ્યાત કેનેડિયન સંગીતકાર માઈકલ ડાના નું છે. અનેક જાણીતી હોલિવૂડ ફિલ્મ્સ સાથે જોડાયેલા આ માઇકલભાઈ પણ ભારત અને એના સંગીતથી અજાણ નથી. દીપા મહેતાની ‘વોટર’માં રહેમાન સાથે અને મીરા નાયરની ‘કામસૂત્ર’માં પણ સંગીત આપી ચૂક્યા છે. અને જયદેવના “ગીતગોવિંદ” પરથી પશ્ચિમમાં બનેલા મ્યુઝિકલ બેલેને પણ એમણે જ સંગીતબદ્ધ કરેલું, અને અંગ્રેજી શબ્દ “soothing”ના ‘સૂરવિસ્તાર’ સમું આ મુલાયમ મખમલી સોંગ સાંભળીને ખાતરી થાય કે તેઓ એ જવાબદારી સુપેરે પાર પડી ચૂક્યા હશે !

કર્મણ્યે…થી શરુ થઈને જીભના ગૂંચળા વળી જાય એવા ચંદ શબ્દો ધરાવતા આ ટ્રેકનો શબ્દશઃ અર્થ તો સાઉથ ઇન્ડિયન લેન્ગ્વેજીઝનો કોઈ જાણકાર જ કહી શકે. પણ ફિલ્મની જેમ કદાચ હાલરડાંમા ય ભગવદગીતાનો શાશ્વત સંદેશ ગૂંથી લેવાયો હશે એવું ‘ઈમેજીન’ કરવાનું મન જરૂર થાય ! સ્ટીરિયો ઇફેક્ટમાં હ્રદય રણઝણાવતું સંગીત છે. બાંસુરી અને તંતુવાદ્યોના ઇન્ટરલ્યુડસમાં બોમ્બે જયશ્રીનો સ્નિગ્ધ કંઠ પણ એક વાદ્ય બનીને જે હાર્મની રચે છે એ અનુભવવા જેવી છે..અને ફરી વાર, એ આપણને યાદ અપાવે છે કે સંગીતને કોઈ ભાષા નથી હોતી !

તો શિયાળાની એક આ રાત્રે, ક્રિસમસની પૂર્વસંધ્યાએ , દિવસભરનો થાક ઉતારવા દિમાગની તંગ નસોમાં ચાંદનીનું અમૃત ઘોળીને પોઢવા આ એક રેશમી ટ્રેક જરૂર સાંભળો….વિડીયોમાં કશું જોવાનું છે જ નહિ , માટે ક્લિક કરી સંભાળતા સાંભળતા આંખો મીંચીને વાદળોના ઓશીકે પરીઓની પાંખોમાં ઢબુરાઈ જવાની છૂટ છે. 🙂

#અપડેટ : રીડરબિરાદર પ્રકાશ ખાનચંદાનીએ યુટ્યુબ પરથી આ સોંગનું ટ્રાન્સલેશન શોધી કાઢ્યું છે. થેન્ક્સ. શબ્દો ય સંગીત જેવા સોહામણા છે.

KaNNe, KaNmaNiye
KaNNurangai ponne

Mayilo, thogai mayilo,
Kuyilo, koovum kuyilo
Nilavo, Nilavin oLiyo
Imaiyo, Imaiyin kanavo

Rararo…Rararo…
Rararo…Rararo…

Malaro, malarin amudho,
Kaniyo, senkaniyin suvaiyo

Rararo…Rararo…

……..

My dear one, the jewel of my eye,
Sleep my dear precious one.

You are the peacock, the dancing peacock,
You are the koel, the singing koel,
You are the moon, light of the moon,
You are the eyelid, dreams that wait on the eyelids.

Rararo…Rararo…
Rararo…Rararo…

You are the flower, nectar of the flower
You are the fruit, sweetness of the fruit.

Rararo…Rararo…

🙂

 
22 Comments

Posted by on December 24, 2012 in art & literature, cinema, feelings

 
 
%d bloggers like this: