એઝ યુઝવલ, અગાઉ અમે કહેલું એનું આજે બધા પુનરાવર્તન કરે છે 😉 ગુજરાતની ચૂંટણીમાં સામા પૂરે તરીને મેળવેલી ધારણા મુજબ જ મેળવેલી હેટ્રિક બદલ તમામ નિષ્ણાતો, ટીકાકારો અને માધ્યમો વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વક્તૃત્વકળા બિરદાવવાની હોડ લાગી છે. ત્યારે ચૂંટણી પહેલા જ લખેલો એમના ભાઈ સોમભાઈ મોદી સંપાદિત એક સુંદર પુસ્તકમાં છપાયેલો આ લેખ શેર કરું છું. આ જાદૂનો પરચો તો પ્રચાર દરમિયાન વાનર હોવાના જવાબમા “હું તો ગુજરાતનો હનુમાન છું” કહી દિલ જીતી લેનાર અને ગઈ કાલે વિજયસભામાં દિલ્હી જવાના નારાઓને એક દિવસ માટે જવાનું કહી હળવાશથી ઠંડા કરનાર મોદી હજુ યે આપતા જ રહ્યા છે. ગુજરાત પાસે દરેક ક્ષેત્રે કુશળ વક્તાઓની જબરી ખોટ છે, ત્યારે લોકપ્રિય સી.એમ.માંથી પ્રેરણા લઇ આવતી કાલના નાગરિકો ઉત્તમ વક્તા બને તો ય ભયો ભયો 🙂
શેક્સપિયર અને કિલયોપેટ્રાના પ્રતાપે જુલિયસ સીઝર નામના રોમના સમ્રાટનું નામ દુનિયાભરમાં જાણીતું છે. સીઝરના વિશ્વાવિખ્યાત નાટકમાં શબ્દશકિતનું ઐતિહાસિક દ્રષ્ટાંત મળી આવે છે. મૂળ તો રોમન ગણરાજયમાં સીઝર જ પોતાની પ્રભાવશાળી વાણીનો ઉપયોગ કરી સમ્રાટ બની ગયો હતો. સીઝરની હત્યા એના જ મિત્ર બ્રુટ્સે છરી ભોંકીને કરી… લોકપ્રિય સમ્રાટના હત્યારાને મારવા રોષે ભરાયેલા લોકોનું ટોળું ભેગું થઇ ગયુંત્યારે કહેવાય છે કે બ્રુટસે કહ્યું: મને મારવો હોય તો મારી નાખો, પણ પહેલા ફ્ક્ત પાંચ મિનિટ મને આપો અને મેં સીઝરની હત્યા શા માટે કરી, એનો ખુલાસો સાંભળી લો.
બ્રુટ્સની ધારદાર વાણીથી પ્રજાજનો અભિભૂત થઇ ગયા. બ્રુટ્સે જાણે ભૂરકી છાંટી દીધી. ઘડી પહેલા બ્રુટ્સને મારવા માંગતા લોકો હવે સીઝરના મૃત્યુને વાજબી ઠેરવવા લાગ્યા. ત્યારે સીઝરનો મિત્ર એન્ટાનિયો ઉભો થયો, એણે કહ્યું કે, ’તમે બ્રુટ્સને પાંચ મિનિટ આપી, મને ફ્ક્ત ત્રણ મિનિટ આપો. પછી નક્કી કરો કે બ્રુટ્સની વાતમાં તથ્ય કેટલું છે?’ અને એન્ટોનિયોના નાનકડા પ્રવચન બાદ બ્રુટસને કેદ પકડી લેવાનું ઘડી પહેલા એના શબ્દોથી અંજાયેલા લોકોએ જ દબાણ કર્યુ !
નાનપણથી આવા યાદગાર ઐતિહાસિક કિસ્સાઓ વાંચતો, ત્યારે થતું કે કેવો હશે એ યુગ ? જયાં પ્રતાપી વ્યકિતત્ત્વોની પ્રભાવી વાણી લાખો લોકોની વિચારધારાનો નકશો બદલાવી દેતી હશે ? રોમ કે ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિ જ નહિ, જગતભરમાં વાણીના જાદૂથી ઇતિહાસ જ નહિ, ભવિષ્ય પણ બદલાયું છે. કૃષ્ણે અર્જુનને ગીતા વાંચવા નહોતી આપી, સંભળાવી હતી ! લવકુશ રામને રામાયણ સંભળાવવા આવ્યા હતા. ઇસુ ખ્રિસ્તે ગિરિપ્રવચનો કરીને ખ્રિસ્તી ધર્મનો પાયો નાખ્યો હતો. મોહમ્મદ પયગંબરે કલમ પછી, તલવાર પણ પછી પહેલા વાણીના જોરે ઇસ્લામના આદેશો પ્રસરાવ્યા હતા.
અબ્રાહમ લિંકનથી મહાત્મા ગાંધી સુધીના લોકમાનસમાં છાપ છોડી ગયેલા નેતાઓ વકીલ શા માટે હતા ? મોહમ્મદ અલી જીન્નાહથી સરદાર પટેલ પણ ! કારણ કે, એ જમાનાના વકીલો કુશળ વક્તા હોય એ અનિવાર્ય હતું !
લેખનવાંચનથી તમે કોઇના દિમાગ સુધી પહોંચી શકો, પણ પ્રવચનવાણીથી લોકોના હૃદય સુધી પહોંચી શકાય છે. મોરારિબાપુને વાંચવાની નહિ, સાંભળવાની ભાવસમાધિ એ લ્હાવો છે. લખાયેલા શબ્દ એક સાથે સમૂહ (માસ) સુધી નથી પહોંચતો, પણ બોલાયેલા શબ્દની ગજવેલ જેવી તાકાત આજના વિઝયુઅલ મિડિયાના યુગમાં પળવારમાં ચિકનગુનિયાના ચેપની માફ્ક ફેલાઇ શકે છે. ગબ્બરસિંહથી લઇને મુન્નાભાઇના ડાયલોગ લોકજીભે જે ઝડપથી ચડે છે, એટલી ઝડપથી કોઇ ગુજરાતી સાહિત્યકારથી કથાના શીર્ષક પણ લોકજીભે ચડે છે ?
ખેર, થતું તો એ જ કે આ બધું હવે વાંચવાસાંભળવાનું… જીવતેજીવ શબ્દબ્રહ્મના આવા સંપૂર્ણ સાધકો જવા નહિ મળે ! આવો અફ્સોસ નિરંતર કચોટતો હતો, ત્યાં જાદૂઇ રીતે ગુજરાતના રાજકારણના સેન્ટર સ્ટેજ પર નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઇ. આમ તો ચૂપચાપ પક્ષના આદેશને માથે ચડાવનાર કાર્યકર્તાની છાપ… પણ અચાનક મોદીની વાણીના ધારાપ્રવાહમાં ગુજરાત તણાવા લાગ્યું અને મોદી જાણે ક્રિસ ગેઈલ હોય એમ સટાસટ સિકસર્સનો વરસાદ એમના ભાષણોમાંથી વરસવા લાગ્યો !
શરીરના સાવ નરમ એવા, હાડકા વગરના અંગ જીભની મદદ લઇને નરેન્દ્ર મોદીએ રાજકીય અને બિનરાજકીય અખાડાના કાંઇક મલ્લ જેવા માથાભારેપહેલવાનોના વગર લાઠીએ હાડકા ખોખરા કરી નાખ્યા છે. વાણી પોલાદને પણ ચીરી નાખે એવો તેજાબ છે, અને મોદીને ખબર છે કે તેજાબને ફુવારા મારી વેડફ્વાનો ન હોય, માત્ર લક્ષ્ય નક્કી કરી ગણત્રીના બૂંદ જ રેડવાના હોય ! મોદી જરૂર પડે ત્યારે જ બોલે છે, બાકી તો એમનું મૌન જ ભલભલાની બોલતી બંધ કરી દે છે. વિચક્ષણ કહેવાતા પત્રકાર રાજદીપ સરદેસાઇના કપાળે મોદી ૨૦૦૭ની ચૂંટણી જીત્યા પછી વળેલો પરસેવો ટીવીકેમરાએ બરાબર ઝીલ્યો હતો. આ પરસેવો એ મોદીની શબ્દશકિતને મળેલો ઓસ્કાર એવોર્ડ છે !
‘બોલે એના બોર વેંચાય’ એવી ગુજરાતી કહેવત હવે જૂની થઇ ગઇ છે. કુશળ વક્તા એ કહેવાય કે જેના બોલવાથી બોર જ નહિ, ઠળિયા પણ વેંચાય ! ચૂંટણીસભાઓના ’માસ્ટર બ્લાસ્ટર’ ગણાતા મોદી જેનું નામ. લોકોએ તો ઠીક, પક્ષના કાર્યકર્તાઓએ પણ ન સાંભળ્યુ હોય, એને એકલે હાથે, ઉપ્સ જીભે વિજયી બનાવી શકે છે. છેલ્લી મહાનગરપાલિકાઓની ચૂંટણી એનું ઉદાહરણ છે. અમેરિકાના વિઝા રિજેકશન હોય કે આમીર ખાનનું મેધા પાટકરનું સમર્થન હોય… પોતાના તરફ્ ફેંકાયેલી ઈંટોમાંથી જીભના જોરે મહેલ ચણી બતાવવાનું અજોડ સામર્થ્ય નરેન્દ્ર મોદી અનેક વાર દર્શાવી ચૂક્યા છે.
મોદીના પ્રવચનો માહિતી ખાતાની પ્રેસનોટ કે પી.એ.શ્રીની નોંધોના મોહતાજ નથી. કન્યા કેળવણીથી લઇને ત્રાસવાદ, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઇને ઇકોનોમિક્સ, સાયન્સપોલિટિક્સ કે ધર્મશિક્ષણ કોઇપણ વિષય પર પૂર્વ તૈયારી વિના પણ મોદી ક્વોટેબલ કવોટ્સ આપી શકી છે. નરેન્દ્ર મોદીનું મેજીક જડબેસલાક છે, એની સીધી સાબિતી એમની સભાઓમાં થતી મહિલાઓની હાજરી છે. મોદી વિદેશી નિષ્ણાતોને, સૂટબૂટધારી એક્સપર્ટસ પ્રોફેકશનલ્સને, પ્રોફેસરોને… અને ગામડાના ગરીબ પ્રજાજનને, ગૃહિણીને, શાળામાં ભણતા બાળકોને એકસરખી કુશળતાથી મોહિત અને પ્રભાવિત કરી શકે છે. જરાય ભાર ન લાગે એવી રીતે અટપટા આંકડાઓ રજૂ કરી શકે છે. બોલતી વખતે એમની છટા, ડ્રેસિંગ, બોડી લૈંગ્વેજ અને પોશ્ચર પણ સેન્ટ પરસેન્ટ પરફેક્ટ હોય છે.
શબ્દો તો ઠીક, ક્યારે કઇ ભાષા વાપરવી એમાં પણ મોદી માહેર છે. કાર્યક્રમ સ્થાનિક હોય પણ મુદ્દો વૈશ્વિક કે રાષ્ટ્રીય હોય ત્યારે એ હિન્દીમાં કે અંગ્રેજીમાં બોલશે. સાંપ્રત પરિસ્થિતિ પર મગનું નામ મરી પાડ્યા વિના જ એ કટ ફ્ટકારી શકે છે. કોથળામાં પાંચશેરી ફ્ટકારવાની વિદ્યામાં એ ચેમ્પીયન છે. ઇન્ટરવ્યૂ આપતી વખતે પણ મૂડમાં હોય તો માર્મિક વાતોનો ખજાનો મળી જાય, અને ટૂંકમાં પતાવે તો ધારદાર કોમેન્ટસ મળી જાય ! સ્ટાર ન્યૂઝની એક ચર્ચામાં ’જવાબ લંબે હોતે હૈ, ભઇ’ કહીને આડેધડ સવાલો પૂછાપૂછ કરનારા એન્કરની મોદીએ હવા કાઢ઼ી નાખી હતી. મોદીની વાણીનો જાદૂ એ ચર્ચામાં એવા છવાયો હતો કે એક તબક્કે મોદીએ તત્કાલીન વિપક્ષી નેતા સ્વ. અમરસિંહ ચૌધરીનો બચાવ કરવો પડ્યો હતો !
મોદીની આતશબાજીમાં ક્યારેક સોનિયારાહુલના મુદ્દે થયું, એમ ’હસવામાંથી ખસવું’ પણ થઇ જાય છે. અલબત્ત્, મોદીની વાણીનો જાદૂ અહીં પણ શેખર ગુપ્તા સાથેની વાતચીતમાં જોવા મળેલો… ’ક્યારેક નો બોલ, કે વાઇડ બોલ થઇ જાય’ એવું કહીને મુત્સદ્દીગીરીથી એમણે વાત વાળી લીધી હતી. જરૂર પડે ત્યારે એમને ચતુરાઈથી વાતને બૂમરેંગ ઘુમાવ દેતા આવડે છે. એમના વિશાળ વાંચનને લીધે પોતાના પર થયેલા આરોપો કે અપમાનોને એ કોઈ જનમાનસમાં લોકપ્રિય સંદર્ભ આપીને કટાક્ષના ઘોડાપૂરમાં ફેરવી નાખે છે. મોદી અંગત વાતચીતમાં પણ બહુ બોલબોલ કરતા નથી, જયારે કરે છે ત્યારે સીધો આરપાર ઘા જ કરે છે.
બોડીલાઈન બાઉન્સર સામે સિક્સર મારવાની ખાસિયતને લીધે મોદી જનતાને કદી બોરિંગ લાગ્યા નથી. શરીરના બે સૌથી કોમળ સ્નાયુ – દિમાગ સાથે જીભ -નો ઉપયોગ કરી એમણે ભલભલાના મોરચામાં મરચાં લગાવ્યા છે. પડકારને પોતાના ભાગ્યવિધાતા ગણતા એમના શબ્દો અને મૌન બંનેમાં ગજવેલ જેવી ઠંડી પણ લોખંડી તાકાત છે. રાજકીય વક્તાઓમાં એ અમિતાભ છે. એમની હાજરી માત્ર કે લહેકો માત્ર ક્રાઉડ પુલર છે. એમણે ચમકાવવાથી ટી.આર.પી. ચેનલને ઇન્સ્ટન્ટ મળે છે. પાંચ વર્ષના ટાબરિયાંથી ૭૫ વર્ષના ભાભાના હ્રદય સુધી એ પહોંચી શકે છે. માઈક પર એ સિંહની ડણક પેદા કરી શકે એવી ચમક ધરાવે છે. સિદ્ધિ, રિદ્ધિ અને પ્રસિદ્ધિનો થ્રી ઇન વન કસાટા આઈસ્ક્રીમ પ્રજા સાથે ‘ડાયરેક્ટ ડાયલિંગ કરી આરોગતા એમણે આવડે છે. બ્રાન્ડ પોઝિશનિંગ અને માર્કેટિંગ અંગે આઈ.આઈ.એમ. અમદાવાદે એમનો કેસ સ્ટડી ભણાવવો જોઈએ !
મોદી પાસે મિડાસ ટચ છે, ઔપચારિક કાર્યક્રમોને ઐતિહાસિક બનાવવાનો. કર્તૃત્વશક્તિની મર્યાદા પણ એ વક્તૃત્વશક્તિથી ઢાંકવામાં માસ્ટરમાઈન્ડ છે. અંગત રીતે એમની વાણીના ધોધમાર પાણીમાં સ્ટેજ પર કે સ્ટેજની સામે અનેકવાર ભીંજાયો છું. રમણલાલ સોનીને અંજલિ આપતા એ મોડાસામાં પોતે કાર્યકર તરીકે ફરતા એ અનુભવથી ઇઝરાયેલમાં એક સમાધિ પર પુષ્પ ના ચડાવવાના આગવા આદેશ સુધી અનુસંધાન મેળવે! વડનગર પર તસવીરકલાનું શૈલેશ રાવલ પુસ્તક કરે તો કોઈ સજ્જ ફોટોગ્રાફરને બે વાત હસતા રમતા શીખવાડે એવું બોલે ! હોસ્પિટલના ઉદઘાટનમાં હબીલ ખોરાકીવાલા સંગાથે બેસી આપણી પ્રજા અંગત જીવનમાં સ્વચ્છ પણ જાહેરમાં અનહાયજેનિક છે , એ ચૂંટલી પણ ખણી ચલે ! ‘વાંચે ગુજરાત’મા બાળકોને ચિક્કાર વાંચન પછી મુખે આવેલા અગાધ જ્ઞાનના અભિગમથી ભીંજવે, તો ‘જ્યોતિપુંજ’ના લોકાર્પણમાં લેખક નરેન્દ્રભાઈ હૈયું ખોલીને નમ્ર સેવક બને. રમુજી સ્મિતથી ઘણી વાર પત્રકારોને હેડલાઈન માટે સંકેત પણ આપી દે અને સાહિત્યમાં તો હોમવર્ક એવું કરે કે એ ‘જોમ’વર્ક થઇ જાય !
જબાન એ નરેન્દ્ર મોદીની પ્રાઈમ એસેટ છે. ક્યાંક કોઈક કચાશ શિક્ષણથી કાયદો-વ્યવસ્થા સુધી મુખ્યમંત્રી મોદીની રહે , ત્યારે મુખ્ય વક્તા નરેન્દ્રભાઈ બાજી સંભાળી લેતા હોય છે. એવું નથી કે એ ફૂલપ્રૂફ કે ભૂલપ્રૂફ છે. પણ કેવળ એમની કસાયેલી કોમ્યુનિકેશન સ્કિલ જાણે બહુમતી જનતાના સ્કલમાં ડ્રીલ કરતી હોઇને એમનો વિકલ્પ સહેલાઈથી જનતાને ય દેખાતો નથી ! એમના વર્તનની બહુ ચર્ચાતી એરોગન્સને બદલે એમની વાણીમાં તો રમૂજની રંગત દેખાય. સંસ્કૃતિની સંકુચિતતા વિના એમણે યુવા પેઢીને આધુનિકતા અને આઝાદી આપીને બદલામાં એમના જીગર મેળવી લીધા છે. નરેન્દ્ર મોદીના ગુણ-અવગુણ કે સરકારની રાજકીય સમીક્ષા કે ગુજરાતની ઘટનાઓ ઈત્યાદિ ચર્ચવાનો અત્રે ઉપક્રમ નથી. આ તો બસ એમની શાનદાર શબ્દશક્તિને પોંખવાની પ્રસન્નતા છે.
મોદીના આ મેજીકનું સિક્રેટ શું છે ? વાંચન ? સેન્સ ઓફ્ હ્યુમર ? પાવર ? પર્સનાલિટી ?… ના, વિચાર વગર કયારે સરસ્વતી જીભ પર આમ સહજ સાધ્ય ન થાય. મોદી માત્ર સારા વક્તા નથી, ઉત્તમ વિચારક, વિચક્ષણ રાજનેતા છે, અને સૌથી વધુ જયાં પ્રલાપ ચાલે છે, એવા રાજકારણમાં એમને સમય મુજબ ચુપ રહેતા કે ‘બોલતા’ આવડે છે ! ટાવરિંગ ટાઈમિંગ ! એમનેમાણવા એક અભૂતપૂર્વ આનંદદાયી અનુભવ છે. “એડમિનિસ્ટ્રેટર” મોદી કરતા ય “ઓરેટર” મોદી વધુ વાયબ્રન્ટ અને અપફ્રન્ટ છે. એમની સમસ્યા જો કે મેસેજ આપવાની નહિ, પણ રિસ્પોન્સ મેળવવાની છે. અને આટલા વૈવિધ્યસભર વક્તવ્યો ભારતમાં કોઈ પણ ચીફ મિનિસ્ટરે આપ્યા હોય, એનાથી વધુ વરાયટી અને બ્યુટી ધરાવતા છે! એ પ્રવચનોનું ય નું ય સંક્લન પ્રકાશિત થવું જોઈએ. ( અને બ્લુ રે ડિસ્ક પણ !)
લગે રહો નરેન્દ્રભાઇ ! 😎