આખા શહેર ફરતે અંધકારે ઘેરો ઘાલ્યો છે. સ્વેટર પેહર્યા પછી પણ કસોકસ ભીંસીને શાલ ઓઢવી પડે એવી ઠંડી છે. પંખા- એ.સી. બંધ હોવાથી શ્વાછોશ્વાસનો અવાજ તાલબદ્ધ રીતે સંભળાય છે. દૂર કશુંક ધીમું સંગીત વાગી રહ્યું છે. ફાયર પ્લેસનું કે તાપણાનું ઝાંખુ અજવાળું છે.
અને ટેબલ પર ખટમઘુરાં અને દેખાવે જરા આંકા પાડેલા લાલચટ્ટક દેશી ટમેટાંનો ગરમાગરમ સૂપ ભરેલું બાઉલ પડેલું છે. રક્તવર્ણી સૂપ પર તેલની આછેરી મેઘધનુષી ઝાંય તરવરે છે, જેમાં નીરખો તો તમારી આંખના ચળકાટનું પ્રતિબિંબ ઝળકે છે. દરિયામાં તરતી શાર્ક જેમ અલપઝલપ દેખાય એમ ડુંગળી અને લસણ ‘રેડ એન્ડ વ્હાઈટ’ કોમ્બિનેશન રચતા તરે છે. ગરમ સૂપમાં બફાઈને પોચા પડેલા ઓનિયન-ગાર્લિક બાઈટસ! લાલ-લીલી ચણિયાચોળીની માફક લીલીછમ કોથમીર રાતા સૂપ પર લહેરાતી હોય અને વઘારમાં દેશી કથ્થાઈ ગોળ સાથે પડયું હોય શ્યામરંગી લવિંગ!
બસ, જરા તાકી તાકીને ફળફળતા ગરમ સૂપ સામે નિહાળો. એના ઉઘડતા લાલ રંગને આંખોમાં આંજી લો. ઉંડો શ્વાસ લઈને એની તાજગીસભર મહેક ફેલાવતી વરાળને ફેફસાંની સૈર કરાવો. પછી બઘું જ ભૂલી જઈ, હળવેકથી મોટા ચમચામાં એ ભરીને ધૂંટડો સીધો જ ગળે ઉતારવાને બદલે જરા જીભ ફેરવીને ચગળો! એની ગરમાહટ અન્નનળીથી જઠર સુધી મહેસૂસ કરો, જાણે કાસ્ટિંગ આયર્ન ફેકટરીના પાઈપમાં રાતુંચોળ પ્રવાહી પોલાદ પ્રસરતું હોય!
વેલ, શિયાળામાં જ લ્હાવો લેવા જેવી આ ક્રિયાને ‘સૂપ મેડિટેશન’ ન કહેવાય?
* * *
વિન્ટર ઈઝ સીઝન ફોર ફૂડ હન્ટર! કેટકેટલા મજેદાર શાક મળે શિયાળામાં! આમ તો એ બારેમાસ મળતા હોય આજના હાઈબ્રીડ યુગમાં… પણ જસ્ટ થિંક, ફ્રોઝન મટર ખાવ અને લીલા છમ કૂણાં કૂણાં વટાણા, જેની છાલ બફાઈને એના ફરતે ફૂટબોલ જેવી ભાત રચે, તે આરોગો એમાં ફરક તો ખરો ને! ને રીંગણા છો બારેમાસ મળતા, એનો મસ્સાલેદાર ઓળો ખાવાના ટેસડા તો ટાઢોડામાં જ પડે ને! ઠંડીમાં ઠુઠવાઈ ગયેલા ટેરવાઓ શેકાયેલા ગોળ લીલેરા કે લાંબા જાંબુડિયા રીંગણના ભડથાની બળી ગયેલી કાળી ગરમ પોપડીઓને સ્પર્શીને હૂંફ મેળવે છે! (પ્રિયાના દેહને વસ્ત્રવિહીન કરવા જેવી નજાકત અને નફાસત માંગી લેતું આ કામ છે!) બેઝિકલી, આયુર્વેદથી એલોપથિક સાયન્સ એક બાબતમાં સંમત છેઃ શિયાળામાં ભૂખ વઘુ લાગે. શરીરનો પાચકરસ અને અગ્નિ તેજ હોય, હવામાન સૂકું હોય એટલે નોર્મલ રૂટિન કરતાં વઘુ ખવાઈ જાય, અને એ કુદરતી ક્રમમાં પચી પણ જાય!
યાનિ કી, મધર નેચર ખુદ શિયાળામાં આપણે ખાઈ-પીને તાજામાજા અને તગડાતંદુરસ્ત બનીએ એવું માનીને લાડ લડાવે છે! આમ પણ, મમ્મીના હાથની રસોઈ મિસ કરવાની મોસમ શિયાળામાં જ આવે ને! જેમ કે, ગુજરાતના ઘણા ઘરમાં જ ખવાતી (અને બજારૂં પ્રોડકટ ન બનેલી સૂંઠ-ગોળની ગોળી! સવારમાં તાજા લીંબુ-આદૂના મધ નાખેલા હૂંફાળા શરબત પછી સૂંઠ ગોળની ગોળી ચાવી જાવ એટલે ગુટકાબાજોની જબાનમાં કહીએ તો અંદરથી એક ‘કિક’ લાગે! પછી ભલેને આખો દહાડો શીંગની, તલની, ટોપરાની, દાળિયાની, કાજુ-બદામની વિવિધ પ્રકારની ચીકીનું કટક-બટક થયા કરે!
ગુજરાતમાં શિયાળાની વિશ્વશ્રેષ્ઠ વાનગીઓ ઉપલબ્ધ છે. એલચી નાખેલા ગરમ ગોળ-ઘીની ‘પાઈ’ જેમણે ઘેર શિયાળામાં ખાવાનું સૌભાગ્ય કેળવ્યું હશે, તેમને માટે કેડબરી જેવી ચોકલેટ હંમેશા બચ્ચન સામે શાહરૂખ નંબર ટુ જ રહે, તેમ ‘સેકન્ડરી’ રહેશે! બસ એ પાઈનું થીજાવેલું રૂપ એટલે જ કાળા-ધોળા તલ કે શિંગ- દાળિયા- મેવા મઢેલી ચીકી! જાણે આભલા મઢેલી લહેરાતી સાડીનો પાલવ! અને મમરા-રાજગરાના લાડુ તો ખરા જ! મિષ્ટ અન્નથી સંતૃપ્ત થવું હોય તો એવો જ દબદબો ખજૂરનો પણ છે! ખજૂરને ગરમ દૂધમાં અંજીર સાથે પલાળીને પીવો તો બોર્નવિટા, હોર્લિક્સ પાણી ભરે જ નહિ, એની સામે પાણી જેવા જ લાગે! સવારમાં ઘી-ખજૂર અને ટોપરા- ગોળનું કાઠિયાવાડી શિરામણ કરો તો ભુજાઓમાં ‘લોંઠકુ’ બળ સળવળાટ કરી મૂકે! ખજુરની ખાંડ વિનાની જ ડ્રાયફ્રુટવાળી મીઠાઈ પણ બને છે. અને ટેસ્ટ ચેન્જ કરવો હોય તો ગરમાગરમ કાજુ-કિસમિસથી ભરપૂર દૂધમાં બનાવેલો ગાજરનો હલવો! રેડ-ઓરેન્જ શાઈનિંગમાં જાણે સૂરજને સોનામાં મસળ્યો હોય એવું લાગે! રેડ સિગ્નલથી ભડકતા લોકો માટે ગ્રીન સિગ્નલ જેવો દૂધીનો હલવો પણ ઠંડીમાં ય અંદરથી કૂલ કૂલ ઈફેક્ટ લઈ આવે ને! રેડ ઓર ગ્રીન, હલવા ટ્રાફિક ઓલ્વેઝ ઈન!
એમ તો બિટર ટેસ્ટના શોખીનોએ સ્વીસ-બેલ્જીયમની મોંઘી ચોકલેટસ સુધી જવાની જરૂર નથી. વસાણા સાથેનો મેથીપાક મોજૂદ છે! ખાવ એટલે ઊંધા હાથની અડબોથ ઝીંકાઈ હોય એવું જ મોં થઈ જશે! પણ આવા ગુણકારી સ્વાસ્થ્યહિતવર્ધક સાલમપાક કે ગુંદપાક માટે તો વિન્ટર ઈઝ હિઅર! એમ તો ચોખ્ખા ઘીમાં નીતરતા મોહનથાળ, સૂંઠ નાખેલી ઘૂઘરાયિળી સુખડી, ચણાના લોટનો મગસ (મગજ!) કે મગની દાળના ફાડાનું મગદળ જેવી મીઠાઈઓ છે. પણ શિયાળાનો સ્વીટકિંગ એટલે ગડદિયા જેવું બોડી બિલ્ડિંગ કરતો અડદિયો! એમાં કેસર, ગુંદ, ડ્રાયફ્રુટસ અને તેજ મસાલો નાખ્યો હોય તો મુઠ્ઠીભર અડદિયા થ્રી કોર્સ ડિનરની ગરજ સારે! અડદિયાનો લોટ શેકાતો હોય અને ઘીમાં એને તવેથાથી અમળાવી-લસોટીને એકરસ કરાતો હોય એ સોડમ કોઈ ફ્રેન્ચ પરફ્યુમની માફક જ ઉત્તેજીત કરીને મદહોશ કરી દેવાને કાબિલ છે!
વેલ વેલ, બહું ગળ્યું ખાવ, લખો કે બોલો- જીભ અને મન તરત ‘ભાંગી’ જાય. સો લેપ્સ એડ સમ સ્પાઈસ ઈન ટુ ધ સીઝન ઓફ આઈસ! આજકાલ ‘ગોઇંગ ગ્રીન’ વાળી ઈકો-ફ્રેન્ડલી હર્બલ મૂવમેન્ટસ બહુ ચાલે છે. શિયાળો પણ રસોડાંને લીલુછમ (અને ભર્યા પેટે મનને હરિયાળું!) કરવાની ઋતુ છે. વાલોળ, ગલકા, ભીંડા, ગુવાર જેવા લીલોતરી શાક, મૂળાના લીલા પાંદડા કે કાચા લીલા ટમેટામાં શેકેલા ચણાના લોટથી બનતું ખારિયું, લીલી તુવેરના રમવાનું મન થાય એવા એમરાલ્ડ શેઈપના સુંવાળા ગોળ દાણા! કિડની બીન્સ જેવા રાજમા- ચોળા કે કમનીય વળાંકવાળા ગ્રીન-વ્હાઈટ-રેડિશ વાલ! લીલી કોથમીર અને લીલી મરચીની હોટ્ટમહોટ્ટ ચટણી કે જે ખાતાવેંત માથાના ખરી જતા વાળ ઉભા થઈ જાય! તાંદળજા, મેથી, પાલક જેવી રેસાદાર નરમ નરમ ભાજી આપણને તૃણાહારની તાજગી આપે, તો અળવીના પાન પર ચણાનો લોટ ભરીને તલ છાંટી વધારાય ગ્રીન ગ્રીન વિન વિન પાતરા! ફ્રેશ તુવેરની લીલવાની કચોરી પણ તળાવ અને પોપ્યુલર પર્પલ મોગરી સાથે લીલી મોગરી પણ મળે જ! લીલી કોબીનું લાલ ટમેટાં સાથે ધાણાજીરૂ નાખીને કરેલું કચુંબર અને લીલા ફૂદીનાથી તર-બ-તર ઘાટી માખણદાર છાશ સાથે ‘લેડી મેકબેથ’ ભજવ્યા વિના લોહિયાળ હાથ કરી દેતું લાલમલાલ બીટ!
લાલ છાલવાળા રતાળુ (શક્કરિયા) તો શિયાળામાં જીમ્નેશિયમમાં ગયા પછી થતા ગઠીલા બદનના ટ્રાઈસેપ્સ કે એબ્સ જેવા હોવાનો અહેસાસ થાય! અધધધ શાક મળે શિયાળામાં! વેજીટેબલ સૂપના શણગાર જેવી ફણસી અને ભૂખ લાગે ત્યારે ગુલાબ કરતાં વઘુ મનમોહન લાગતું ધોળું મજાનું ફ્લાવર! કોઈ અવકાશી ગ્રહના અવશેષ જેવું સુરણ અને વિદ્યા બાલનની શાઈનિંગ કર્વી કાયા જેવા રૂપાળાં રૂપાળાં બટાકા! નાનકડા રીંગણા-બટેટાનું ભરેલું શાક પણ થઈ શકે અને આલુ-મટર-ટમેટા- ઓનિયનવાળી પાંઉભાજીની ભાજી… હાજી હાજી! રોટલી- થેપલા- બ્રેડ- પાંઉ નાજી નાજી!
તો? ફર્સ્ટ ચોઈસઃ બાજરાનો રોટલો! જાણે અલખનો ઓટલો! હાથના ટપાકાથી ઘડાયેલા પટલાણીના કાઠિયાવાડી રોટલામાં હથેળીની રંગોળી પુરાતી હોય છે! નેકસ્ટઃ વેલણથી ચાંદલા કર્યા હોય એવા ચંદ્રની ખાડાખબડાવાળી સપાટીને પૂરક કડક બિસ્કિટ જેવી ભાખરી! લીલા લસણ-ડુંગળીમાં શુદ્ધ સિંગતેલમાં વઘારેલા ઓળા સાથે તો રોટલાનો સાથ એટલે જનમ જનમ કા સાથ નિભાવતી રબને બના દી જોડી!
આવી જ જુગલજોડી શિયાળામાં ખાણીપીણી માટે સમગ્ર ગુજરાતમાં જેનું નામ પડે અને જીભ હોંઠ પર ફરે એવા ‘સુરત’ શહેરમાં રચાય છે! લીલા ખેતરોની વચ્ચે લ્હેરાતા પીળા દુપટ્ટાની માફક જુવારના પોંક સાથે ખવાતી સેવ! લીલા ધાનને બાફીને પોંક બને અને તેની સાથે મૂડ કે ટેસ્ટ મુજબ ચાર પ્રકારની સેવનું કોમ્બિનેશન થાય… લીંબુ-મરીની સેવ (મોસ્ટ ફેવરિટ!), લસણની સેવ, મોળી સેવ અને તીખી સેવ! સુરતમાં તો એરકન્ડીશન્ડ રેસ્ટોરાંમાં ન હોય એવડી લાંબી કતાર શિયાળામાં પોંકવડા, પોંક પેટિસ માટે લાગે! સાથે છાશ, લસણની લાલ મરચાની ભૂકીવાળી ચટણી અને વરિયાળીના ઉપર ભભરાવેલા દાણા! મૂળ ખત્રી સમાજે લોકપ્રિય બનાવેલું ‘બટાકાનું કાચું’ શિયાળામાં ચપોચપ ઉપડે! બાફેલા બટાકામાં તેલ-લસણ-મસાલા મિક્સ અને અગાઉ તાડી/વ્હીસ્કી તો આજે નીરોથી બનતી પુરી! (આ ‘કાચું’ મુળ તો માંસાહારી વાનગી, હોં કે!) આ ખાઈને થાકો તો નવસારી- બિલિમોરા સુધી ફેલાયેલું ઊંબાડિયું તો ખરૂં જ! જેમાં બીજા શાક નહિ પણ રતાળુ, બટાકા, સૂરણ, કેળા વગેરે કંદ લેવાના. ખાસ બે મહિના જ આવતી કતારગામની જાડી પાપડી નાખવાની. બઘું ભેળવીને માટલામાં નાખી, લોટની કણકથી માટલાનું મોં સીલ કરી, જમીનમાં ખાડો કરીને કોલસા કે લાકડાના પ્રાકૃતિક તાપમાં ગરમ કરવાનું! પછી એ મલાઈ (ક્રીમ) કે મલાઈવાળું દહીં બાંધીને એમાં એલચી સાકર ભેળવીણે કરેલાં મઠ્ઠા સાથે લિજજતથી ઝાપટવાનું!
સૌરાષ્ટ્રમાં લગભગ આવી જ રીતે વરાળિયુ શાક બને. જેમાં ભીંડો, કારેલા, ટીંડોરા જેવા ચીકણા શાક સિવાયના બધા શિયાળુ શાકને આવી જ રીતે ખેતરમાં ખાડો ગાળી તપાવવાનું અને સવાદ પૂરતું નમક-મરી- મરચું નાખી ગરમાગરમ ઓગળીને એકરસ થયેલા શાકને ન્યાય આપવાનો! આવું જ વિવિધ ફળો માટે કરવામાં આવે, એ રેસિપિનું નામ ‘ધૂંટો’! ‘ડિનર ડિપ્લોમસી’ના દેશી જવાબ જેવી સૌરાષ્ટ્રની ‘ચાપડી-તાવા’ની પ્રથા તો આજે પબ્લિક રિલેશનમાં દિલ્હીની ‘ઈફતાર’ પાર્ટીને ટક્કર મારે તેવી શાખ ધરાવે છે. પંજાબી જેવું ગ્રેવીવાળું શાક એ તાવો, અને ખારાશ પડતાં તપેલા પરોઠા જેવી એની ‘ચાપડી’!
આવું બઘું કૂકબૂકની ફેશનેબલ ચોપડીઓમાં કંઈ વાંચવા ન મળે! એ માટે તો સ્વાદશોખીન બનવું પડે. ઘરની બહાર નીકળી સ્વાદેન્દ્રિયને પંપાળવી પડે. ખાવા-ખવડાવવાના નશાનું અઠંગ ‘બંધાણ’ કેળવવું પડે. જેમ કે, શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ ખીચડીમાં વચ્ચે ખાડો કરી ગાયનું ચોખ્ખું ઘી નાખી, એમાં લસણની કળીઓ મૂકીને ઉપર ગરમ ખીચડીનો થર કર્યો છે? પછી એના પર થાળી ઢાંકો, નેચરલ ‘બાફ’થી લસણ કકડે અને ચોળીને ખાઈ જાવ! બાફેલું લસણ એવી જ રીતે બરફીલી રાતોમાં વરાળ નીતરતા ઢોકળાંની સાથે બાઈટ કરવાની પણ મજા પડી જાય! સાથે તલનું મરચાંનો ભૂકો નાખેલું તેલ… જેબ્બાત! ગરમ ખીચું કે ફળફળતો હાંડવો – જાણે જઠરમા મંગલ માંડવો ! સુસવાટા મારતા ટાઢોડિયામાં એમ તો ફ્રેશ બેક્ડ સ્પાઈસી પિઝા કે ફ્રેંચ ફ્રાઇઝ પણ ગટક કરતા ગળે ઉતરે અને લીલા જિંજવા પર લીંબુ ડુંગળી મરચું જિંજર કે રવા -બદામ-કિસમિસનો ના મળે તો જિંજવાનો શીરો ય ક્યા કહેને !
અને શિયાળાની સવારના મોર્નિંગ જોગિંગ પછી ધૂંટડે ધૂંટડે ફ્રેશનેસ ફેલાવતો તાડનો રસ નીરો… કે પછી વિન્ટર સ્પેશ્યલ કાવો, તજ-લીંબુ- મરી મસાલાથી જીભ તમતમાવતો! સાત્વિક સ્વદેશી કેફ જેવો જ નશો છે (એઈ, એ કોને બીઅર, જીન, વોડકા, રમ યાદ આવે છે?) ઠંડીગાર હિમ વરસાવતી શિયાળુ રાતે ક્રીમી મિલ્કમાં બનાવેલી ગરમાગરમ ફિલ્ટર કોફીના મગને એક હોટ એન્ડ વેટ કિસ કરવાનો! કોફી બીન્સની કડક ખૂશ્બોદાર મર્દાના ભાપ અને એનો સેક્સી વાઈલ્ડ ટેસ્ટ! કોણે કહ્યું ગરમાટો ફક્ત ઊનમાંથી મળે? ફોતરાં કાઢવાથી શેકાઈ જતા આંગળામાં રમતી ગરમાગરમ ખારી શિંગ કંઈ ગરમ ઉનાળા કે ભેજવામાં ચોમાસામાં થોડી જામે?
અમદાવાદમાં કાળા તલનું કચરિયું (મસાલા સાની) ખાવ કે રાજકોટમાં મળતો રીતસરના તુલસી અને જડીબુટ્ટીવાળો આયુર્વેદિક હર્બલ હેલ્ધી આઈસ્ક્રીમ ઝાપટો… મરચાના વઘારવાળી અડદની દાળના સબડકા ભરો કે ટોસ્ટેડ બ્રાઉન બ્રેડ પર બટર સાથે કેસર-સાકરવાળો આમળાનો તાજો મુરબ્બો પેટમાં પધરાવો… ‘એગીટેરિયન’ હો તો ટમેટાં-ડુંગળીવાળી ઓમલેટથી બ્રેકફાસ્ટ કરો કે ઊંધિયા- આથેલા લીંબુ- મરચાનું ડિનર… શ્રાવણમાં શિવપૂજા, નવરાત્રિમાં દેવીપૂજા તો શિયાળામાં કરો પેટપૂજા, ઔર ન રખો કામ કોઈ દૂજા! (લગનગાળો કંઈ અમથો આ ઋતુમાં ખીલે છે?)
એમ? તમે ડાયેટ પર છો? તો ચ્યવનપ્રાશ ચાટો અને સ્ટ્રોબેરી, જામફળ, પાઈનેપલ, સંતરા, શેરડી, સફરજન, ચેરી જેવા જ્યુસી સાઈટ્રસ ફ્રુટસની રસના ફૂવારા ઉડાડતી બાઈટસમાં બાથ લેજો, બસ? બાકી જો શિયાળામાં આવું કશું ખાવું જ ન હોય…?
તો જીવવું શા માટે, ભલા? ધક્કો થયો આ પૃથ્વીલોક, ગણિયલ ગુર્જર ભોમકા અને ભારત મુલકનો તમારે!
( આ ઓળા-રોટલાની તસવીરનું સૌજન્ય રીડરબિરાદર પૂજાના બ્લોગનું છે. her posts are served in english but cooked with kathiyavadi heart and delicious to read n prepare something at home 😛 here is the link http://creativepooja.blogspot.in/2008/02/gujarati-thats-what-i-am.html )
*એક પણ નવા શિયાળે જુનો ના થાય એવો જુનો લેખ !