RSS

Daily Archives: December 13, 2012

ગુજરાતનું પ્રભાત, જ્ઞાતિવાદને લાત !

guj2
વ્હાલા રીડરબિરાદરો, ખાસ્સા લાંબા સમયના અંતરાલ બાદ ફરી વર્ચ્યુઅલ વર્લ્ડમાં મળીએ છીએ… 🙂

મારો હમણાં એવો સમય ચાલ્યો છે કે સમય પુરપાટ ઝડપે વહી રહ્યો છે. તમારા બધાની દુઆઓ અને ડોક્ટરદોસ્તોની અથાક જહેમતને લીધે પપ્પા સુપેરે સાજા થઇ રહ્યા છે, પણ હજુ ઘણી સંભાળની જરૂર છે, ને એને લીધે બીજા ઘણા મોરચાઓ પણ ખુલેલા છે. ડોન્ટ વરી, એમ કંઈ થાકું એવો હું ય નથી અને એવી કોઈ ગમગીનીબેચેનીનો માહોલ પણ નથી. પારાવાર વ્યસ્તતા છે,  હાથમાં લીધેલા બધા અગત્યના એસાઇનમેન્ટસ્ પણ લગભગ બાજુએ મુકવા પાડ્યા છે, અને એનો કોઈ રંજ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારો (ભલે ને એક વ્યક્તિનો !) પરિવાર છે. અને મારી બાબતમાં તો એમ જ હોવાનું . આ મારી ફિતરત છે. 😛

પણ અત્યારે એ બધી અંગત વાતો માંડવા અહીં આવ્યો નથી. એ ય બધું અત્યારે દુર્લભ એવી ફુરસદ મળે ત્યારે લખવું જ છે. અને ઇન્શાલ્લાહ, આવડો મોટો ગેપ પાડ્યા વિના ઝટ લખીશ પણ ખરો. પણ હાલ પૂરતી એ પર્સનલ ચેપ્ટર પર તમારા બધાની લાગણી અને કાળજીના દિલ સે થેન્ક્સ સાથે પોઝ. જરા એ વાત સાઈડમાં રાખીએ, નેક્સ્ટ પોસ્ટસ માટે.

અત્યારે તો કેવળ એક ગુજરાતી નાગરિક તરીકેની ફરજ કે ઉભરો જે માનો તે, ઠાલવવા અહીં આવ્યો છું. કારણ કે , વક્ત ફટાફટ બદલાય ને અવસર ચુકાય એ પહેલા મારે આ વાત વહેંચવી હતી, ધાર્યું હતું કે ૧૨.૧૨.૧૨ની તારીખે આ પોસ્ટ વહેલી મુકીશ, પણ પૃથ્વીનો પ્રલય ન થતા છેક અત્યારે માંડ થોડુંક આ લખવાનો ટાઈમ મળ્યો ! 😉

ગુજરાતની ચૂંટણીનો પહેલો દૌર ૧૩/૧૨ના રોજ શરુ થઇ રહ્યો છે, ત્યારે મને જે મુદ્દાની વાત લાગે છે, એ સહુ ગુજરાતીઓ સમક્ષ રાખવી છે.

આમ તો આ ચૂંટણીમાં કોઈ સ્પેશ્યલ ઇસ્યુ જ નહોતો અને નથી. ભાજપ માટે વિકાસની વ્યાખ્યા બનેલા નરેન્દ્ર મોદીનો ક્રેઝ પણ સમય જતાં થોડું સેચ્યુરેશન પામે એ સમસ્યા છે  , અને કોંગ્રેસને તો એ જુવાળ ઉભો  કરવો એ સમસ્યા છે. માટે ઉભય પક્ષે ( ઓન બોથ સાઈડ) અવનવા એડ કેમ્પેઈન્સ અને ચટપટા વાકયુધ્ધો માણવાના હતા, તાજા બેસેલા શિયાળાના ઓળા-અડદિયા સાથે. 😀

પણ રહી રહી ને માધ્યમો અને મિત્રો સાથેની વાતચીત કે મારાં પોતાના નિરીક્ષણોમાં ટર્ન લેતી પીચના અનઇવન બોડીલાઈન બાઉન્સ જેવો એક ડેન્જરસ મુદ્દો વર્ષો પછી આળસ મરડી ગુજરાતનું ગળું મરડવા બેઠો થવા ઝાવાં નાખતો હોય એવું લાગે છે. અને એ છે દિવસે દિવસે સધ્ધર અને કટ્ટર બનતો જતો જ્ઞાતિવાદ. જ્ઞાતિની લાક્ષણિકતાનું રમુજી દર્શન કે ગંભીર આકલન નહિ, ઓળખનું વિષ્લેશણ કે પરંપરાનું પિંજણ પણ નહિ. પણ રાષ્ટ્રના રસ્તા માટે સરદાર પટેલથી ગાંધીજી જેનું સૌથી મોટું સ્પીડબ્રેકર ‘ભાળી’ ગયેલા એ આપણી મજબૂત માણસને બદલે  હાડોહાડ જન્મજાત જ્ઞાતિવાદી વિભાજનવાળા ટોળાં બનવા / બનાવવાની ખતરનાક જીનેટિક કુટેવ.

ટીકિટોની વહેંચણીથી પ્રચારના પડઘમ સુધી સંવાદને બદલે વિખવાદ પેદા કરતા જ્ઞાતિવાદનું જ જોર બધે દેખાય છે. એમાં ટૂંકા ગાળા માટે ઈગો સંતોષતો હશે પણ લાંબા ગાલે નવી પેઢીના નક્કર ગુજરાતને ડિંગો જ મળવાનો છે. લડવું હોય તો પોતાની તાકાત પર લડો, એ ના  ફાવે તો હરીફની નબળાઈ પર લડો. ફાઈન. પણ બધું હડસેલી ફક્ત ધર્મ કે જ્ઞાતિ માટે જ લડવાનું હોય તો આ ય પ્રવૃત્તિ ભલે નિર્દોષ લાગે, વૃત્તિ તો તાલિબાની ફતવા જેવી છે. ક્યાં સુધી આ દેશનું રાજકારણ આતંકવાદી કે તકવાદી મુદ્દાઓથી મડદું બનાવ્યા કરીશું? બધી જ્ઞાતિઓ પોતપોતાની મહાનતા સિદ્ધ કરી, બીજાને નીચાજોણું કરાવવા જશે – એમાં કાસ્ટીઝમનું કોસ્ટિંગ ચુકવવામાં ગુજરાત ગળતું જશે.

માટે પ્લીઝ, જેમણે મત આપવો હોય એમને આપો. જેમને હરાવવા હોય એમને હરાવો..જીતાડવા હોય એમને જીતાડો. પણ ધર્મ કે જ્ઞાતિના મુદ્દે નહિ. સારા-નરસા પાસાના લેખાજોખાં કરીને. સર્વગુણસંપન્ન વિકલ્પ તો છે નહિ , ત્યારે કોણ ઓછું ખરાબ છે એની ગુજરાતી કોઠાસૂઝ વાપરીને. અલગ અલગ બાબતોમાં સારા ખરાબ પરફોર્મન્સ મુજબ માર્ક આપી કે કાપીને ફાઈનલ ટોટલમાં કોના માર્ક વધે છે, એના હાથમાં આપણો ભૂતકાળ નહિ, પણ ભવિષ્ય સોંપીને.  ૧૨.૧૨.૧૨ની તારીખની માફક દાયકાઓમાં એક વાર આવે એવો નેશનલ લેવલ પર એકમેવ ગુજરાતી લીડરશીપનું બ્રાન્ડિંગ કરવાનો નેવરબિફોર રેરેસ્ટ ઓફ રેર ચાન્સ માનીને મત આપવો હોય તો એમ આપવો,  ઝળહળ લાગતી ટોચ નીચે કોઈક એકહથ્થુ આપખુદીનીઅંધાધુંધીનું અંધારું અને મોટા ઢોલમાં મોટી પોલ લાગતી હોય તો એમ આપવો. મત આપણો, મરજી આપણી.

પણ આપણે ધર્મ કે જ્ઞાતિના ઝનૂનમાં આવીએ, ત્યારે જોશ રહે છે, હોશ નહિ. પછી મત રિમોટથી ચાલતી રમત થઇ જાય છે. શ્રીકૃષ્ણની સોનાની દ્વારકા ય દુશ્મનના આક્રમણને બદલે અંદરોઅંદરની યાદવાસ્થળીમાં ખતમ થઇ ગઈ હતી આ જ ગુર્જરભૂમિ પર !

૨૦૦૭ની ચૂંટણીમાં ગુજરાતે સાચા સર્વધર્મસમભાવનું સ્થાન લઇ બેઠેલી બનાવટી બિનસાંપ્રદાયિકતાના સગવડિયા અને સિલેક્ટીવ સેક્યુલારિઝમને સણસણતો જવાબ આપ્યો હતો. પછી અમુકતમુક બાજુએ ઢાળ વગર પણ ઢળ્યા કરતું નેશનલ મીડિયા  એ ચમત્કાર સામે નમસ્કાર કરી કેવું તટસ્થ અને ડાહ્યુંડમરું થઇ ગયું એ જગત આખાએ જોયું. હવે ૨૦૧૨માં ભારતભરની ચૂંટણીને હમેશા ચીંટીયો ભરતા આ જ્ઞાતિવાદને જડબેસલાક જવાબ આપીને દાખલો બેસાડવાની ગુજરાતને તક છે.

એવું હરગીઝ ના માનશો કે હું આ અપીલ કોઈ પોલિટિકલ પ્લેટફોર્મ માટે કરું છું. લાગ્યું તે લખ્યું તે મારો સ્વ-ભાવ છે. ભલે એ લખ્યું એ જેને લાગવું હોય તો લાગેવાગે ! B-) મને નિયમિત વાંચનારા કે ઓળખનારા ચોક્કસ સાહેદી પુરાવી શકશે , કે ભારતવિભાજનના એપિસેન્ટર જેવા આ જ્ઞાતિવાદ / વર્ણવ્યવસ્થાનો હું વર્ષોથી કેવો ચુસ્ત ટીકાકાર, વિરોધી રહ્યો છું. મને કોઈ ફક્ત નાગરના જ ચોકઠામાં જુએ તો ઘણી  કડવી વાતો એ બાબતે ય લખી છે. આ મુદ્દે મારાં સ્ટેન્ડમાં સાતત્ય છે. મેં હમેશા આ અંગે સ્પષ્ટ સંદેશો જ આપ્યો છે. નો કન્ફ્યુઝન. જસ્ટ કન્ક્લુઝન. કાસ્ટિઝમ એક  ઝેરી કચરો છે. સારા સામાજિક હેતુઓ માટે જ્ઞાતિગત કાર્યક્રમોમાં જવા મને આમંત્રણ મળે ત્યાં મારી નીતિરીતિ મુજબ હું કોઈ દ્વેષ વિના પ્રેમથી મારી વાત કહેવા જાઉં, પણ એમાં ય જે-તે જ્ઞાતિની ખૂબી-ખામીઓની ચર્ચા કરીને ય  જ્ઞાતિવાદની માનસિકતા દેશને સિક (માંદો ) બનાવે એ તો કહ્યા વગર રહેવાય જ નહિ. ધર્મ કે નાતજાતના વાડા આપણે છોડીશું નહિ, ત્યાં સુધી આગળ વધવામાં ખાડા જ આવ્યા કરશે. ગુણમાં લલિત છે કે નહિ એ જોવાને બદલે અટકમાં દલિત છે કે નહિ એવું જોવાથી સમાનતા નથી આવવાની. અને એના વિના મહાનતા પણ નથી આવવાની !

ગુજરાત વિધાનસભાને સક્ષમ જનપ્રતિનિધિઓ મળે એમાં મને એક ગુજરાતી મતદાર તરીકે રસ છે. એમાં કોઈ પક્ષાપક્ષી નથી. બધાને જાણવાનું મારું ગજું નથી પણ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, હિમાંશુ વ્યાસ, શંકરસિંહ વાઘેલા,  બ્રિજેશ મેરજા, અતુલ રાજાણી  વગેરે  ઉમેદવારો મારાં મનપસંદ છે, તો ભાજપમાં ય નરેન્દ્ર મોદી, જયનારાયણ વ્યાસ, પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, વલ્લભ કાકડિયા  ઇત્યાદિ  મારાં ફેવરિટ છે. ક્યાંક તો રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કશ્યપ શુક્લ જેવા બે મિત્રો ( અને એકબીજાના વેવાઈ)  વચ્ચેની  પસંદગીની મીઠી મૂંઝવણ પણ થાય. અને ઉભા નથી તો ય ભાજપમાંથી આઈ.જી.સૈય્યદ કે કોંગ્રેસમાંથી અહેમદ પટેલ પણ લડે તો એ જીતે એ મને ગમે. વ્યક્તિગત તાકાત પર કર્મઠ ધુરંધરો  કેશુભાઈ પટેલ અને કનુભાઈ કળસરિયા પણ જીતવા જ જોઈએ. કારણ કે,  આ મેરિટવાળા નામો છે. હારવો જોઈએ અહંકાર અને તિરસ્કારને પોષતો જ્ઞાતિવાદ !

ફરજીયાત મતદાનનો હું સકારણ વિરોધી છું, પણ અનિવાર્ય સંજોગો સિવાય મતદાન માટે પ્રયત્ન કરવો જ જોઈએ અને સતત માણસને બદલે જ્ઞાતિ જ જોયા કરતા સમાજ (સોસાયટી, ધેટ ઇઝ) ને ઈવીએમથી કમસેકમ યુવા મતદાતાઓએ તો સમજ આપવી જ જોઈએ. કમ ઓન.

દોટ કરો, વોટ કરો…..જ્ઞાતિવાદ પર ચોટ કરો ! 🙂

( સાચું લાગે તો શેર કરવું – spread it ! )

 
69 Comments

Posted by on December 13, 2012 in gujarat

 
 
%d bloggers like this: