RSS

Monthly Archives: December 2012

યુવતીઓના મોડર્ન ડ્રેસ : પર્દા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા?

YOG1

તમને આમાં કેટરીનાનું યોગમુદ્રા વાળું પદ્માસન ના દેખાય તો એનો શું વાંક? એની તો આંખો બંધ છે ! તમારી નજરને નિયંત્રણમાં રાખતા શીખો અને પચાવતા શીખો 😉

વર્ષ ૨૦૧૨ના અંતકાળે ” સ્વ.દામિની એવોર્ડ કોઈ બહાદુર મહિલાને આપવો હોય તો?

તો એ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી સુપુત્રી શર્મિષ્ઠા મુખરજીને આપવો જોઈએ. પોતાના સાંસદ ભાઈ અભિજિતની લવારીને સરેઆમ ઝાટકીને એના વતી માફી માંગવા બદલ. બ્રેવો. ભારતના એક એક ઘરમાં શર્મિષ્ઠા જેવી કોઈ બહેન -દીકરીની જરૂર છે , જે વાર તહેવારે સંસ્કૃતિ અને સંસ્કારના નામે ઘરની સ્ત્રીઓ પર બંધન મુકવાના પ્રતિબંધો ઠોક્યા કરે છે એવા ઘરના બાપ-ભાઈઓ સામે રંક બનવાને બદલે રણકાવાળો અવાજ ઉઠાવે એવી !

પણ હજુ ય ધર્મગુરુઓ અને અમુક ગુજરાતી લેખકો બેફામ વાણીવિલાસ રોજેરોજ કરે છે : સ્ત્રીઓને મર્યાદામાં રાખો. એમને ફેશન ના કરવા દો. એમને ફાંકડા આધુનિક વસ્ત્રો ના પહેરવા દો. એમના ઉત્તેજક વસ્ત્રો જ બળાત્કારને આમંત્રણ આપે છે. એમની આવી હરકતોને લીધે જ બળાત્કાર થાય છે. ઇત્યાદિ ઇત્યાદિ.

આ મુદ્દો આજકાલનો નથી, પુરા એક દસકા અગાઉ મેં એક લેખ એના પર ખુલીને લખેલો, દસ વર્ષે ય કોઈ એની નક્કર દલીલોનો જવાબ પુરુષો અને જુનવાણી મગજના ખાંધિયા ખખડધજ દિમાગો પાસે નથી. આપણો દંભી સમાજ બીકણફોશી છે અને પશ્ચિમની જેમ રેપ જેવા ક્રાઈમ સામે લડવાને બદલે વર્ષોથી શરણે થઇ સ્ત્રીઓ પર જ મર્યાદાના બંધનો નાખી એને માનસિક રીતે રીમોટ કંટ્રોલમાં રાખવા જ ટેવાયેલો છે. એમના કાલ્પનિક ડરને લીધે એ નારીની સહજ શૃંગારની પ્રકૃતિને વિકૃતિ તરીકે જોઈ, પોતાની લુચ્ચાઈ માટે બિચારી છોકરીની મુક્તિ અને મસ્તીને જ આરોપી ગણે છે ! ધિક્કાર છે. પાણીથી પેટના રોગો થાય એમ માનીને પાણી પીવાનું જ બંધ કરવાનું હોય કે એને જંતુમુક્ત કરવા માટે ઝઝૂમવાનું હોય ? કહેવાતા સંસ્કારનો ચીપિયો પછાડતા અને માં-બાપને સાવચેત રહેવાની લાલબત્તી ઉપરાઉપરી ધાર્મિક જડતાને આગળ કરી દેતા લેખકો ખુદ જ આ મામલે આજીવન ખરડાયેલા હોય છે, ને બીજાને પવિત્રતાની શિખામણ આપતા ફરે છે. મૂળ તો સ્ત્રી સ્વતંત્ર થાય એમાં એમને ડર લાગે છે, અને પોતાની ગુલામી કરાવી જમાવેલો ગરાસ લુંટાઈ જશે એવો ભય લાગે છે.

દામિનીના નામે ઈમોશનલ અપીલો કરીને, વેવલા સમાજની ઘેલી અણસમજનો લાભ લઇ જુવાન છોકરીઓ ફરતે આડેધડ પ્રતિબંધો વગર વાંકે ઠોકીને એને સપનાની પરીને બદલે સાવચેતીની આડમાં ઉદાસીન સાધ્વી બનાવી દેવાનો એક પ્રવાહ ઉછળે છે, એની સામે દસ વરસેય સાંપ્રત આ લેખ થોડીક મજબૂત પાળ બાંધી શકશે , તો આ કર્મ લેખે લાગશે. અને ઘર કરી ગયેલી સમાજની મર્યાદા અને સંયમની ખોટી વ્યાખ્યાઓ ( જેના અતિરેક છતાં ક્રાઈમ તો વધે જ છે ) તોડવા મંગતા હો તો આ સચ્ચાઈનો સંદેશ ચોમેર ફેલાવો પ્લીઝ. સુંદર હોવું, દેખાવું અને ફરવું એ ગુનો નથી. પણ પારકી સુંદરતાને પરાણે પોતાની બનાવવા જવી એ ગુનો છે.

કહ્યુંને , આપણને હજુ ઘણી વધુ શર્મિષ્ઠા મુખરજીઓ જોઈશે , જે મોડર્ન થતી જતી છોકરીઓ જોઈને અકળાતા ઘરના માલિકીભાવ ધરાવતા જ અભિજીતો પર લગામ તાણી શકે. આ વસ્ત્રાહરણ પછી વસ્ત્રોમાં મર્યાદા રાખવાને બદલે દુશાસનના લોહીથી ચોટલો ના બંધાય ત્યાં સુધી વાળ ખુલ્લા રાખી ફરતી કૃષ્ણની પ્રિય સખી દ્રૌપદીનો પણ દેશ છે. એ કેટલી વાર યાદ કરાવવું?

ઓવર ટુ આર્ટિકલ.

દાયકાઓ પહેલા આવેલી અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મ ‘દોસ્તાના’માં એક સિચ્યુએશન હતી. નાયિકા ઝિન્નત અમાન વેસ્ટર્ન આઉટફિટમાં સજજ થઇને નીકળી હોય, ત્યારે કેટલાક રોડસાઇડ રોમિયો તેની છેડતી કરે છે. ઝિન્નત ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યારે ઇન્સ્પેકટર અમિતાભ કપડાંમાંથી પ્રગટ થતી તેની સુડોળ કાયાને પગથી માથા લગી નિહાળીને કોમેન્ટ કરે છેઃ ‘અગર આપ ઐસે કપડે પહન કે ઘૂમેંગી ફિર તો…’ હોલ તાળીઓ અને સીટીઓથી ગૂંજી ઉઠતો. આ ટાઇપની ઘટના અને સંવાદો પછી આજ દિન સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં આવ્યા છે. દરેક વખતે તેને વધાવી લેવાયા છે.

નાઉ, ચેન્જ ધ સીન. ફિલ્મી પડદામાંથી આ ઘટનાક્રમ હકીકતમાં ભજવાતો થયો છે. રીલને બદલે રિયલ લાઇફના સેમ્પલ જુઓઃ

* મુંબઇમાં ચસોચસ ફિટિંગવાળું લો-કટ બ્લાઉઝ અને સ્કર્ટ પહેરેલી એક મોડર્ન યુવતીનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો, ત્યારે પોલીસે માત્ર વસ્ત્રો ઉપરથી એને ‘કોલગર્લ’ ઠેરવીને કેઇસ ફાઇલ કરેલો. બાદમાં અદાલતે ‘‘કાયદો વ્યકિતના વ્યકિતત્વનું વિશ્લેષણ કરવા માટે છે, એના વસ્ત્રોનું નહિ’’ એવા રિમાર્ક સાથે મિડિયાને અને પોલીસને ઠપકો આપેલો.

* વિહિપના આગેવાન વિષ્ણુ હરિ દાલમિયાએ ‘જીન્સ પહેરવાથી બળાત્કારની શકયતા વધે છે’ એવું વિધાન કર્યા પછી ઘણી ચળવળિયા ખુજલી ધરાવતી યુવા સંસ્થાઓએ કાનપુર જેવા શહેરોની શિક્ષણ સંસ્થાઓમાં પરાણે જીન્સ પહેરેલી યુવતીઓ પર ડામર ફેંકયો હતો અને હિન્સક દેખાવો કર્યા હતા. બાય ધ વે, હિન્દુત્વપ્રેમી આગેવાનના આ તર્કને તાત્કાલિક ટેકો જામા મસ્જીદના ઇમામે આપી તત્કાળ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતીક જેવા જીન્સને ફગાવી સ્ત્રીઓને મર્યાદામાં રહેવાની ચીમકી આપેલી!

* કાશ્મીરમાં જાહેરમાં બુરખો પહેરીને જ મહિલાઓએ નીકળવાનો ફતવો કેટલાક ત્રાસવાદીઓએ બહાર પાડયો છે. તો દેશના કેટલાક જાણીતા મંદિરોમાં ‘બદનપ્રદર્શન’ થાય તેવા વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવતી છોકરીઓ સામે મહંતો, વ્યવસ્થાપકોએ સખત નારાજગી પ્રગટ કરી છે.

* ‘જીસ્મ’ ફિલ્મ રિલિઝ થયા બાદ એક રેસ્ટોરાંમાં બેઠેલી સેકસી અભિનેત્રી બિપાશા બાસુને એક અજાણ્યા યુવાને અડપલું કરતા બિપાશાના બોયફ્રેન્ડ જોન અબ્રાહમે એને ઠમઠોર્યો હતો. પછી દેશભરના મિડિયાએ ‘શું બિપાશાના ઉત્તેજક વસ્ત્રોને લીધે એ સેકસ્યુઅલ હેરેસમેન્ટનું ટારગેટ બની છે?’ એવો ગોકીરો મચાવ્યો હતો.

* મુંબઇની ખ્યાતનામ સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ પાદરીજીએ વિદ્યાર્થીનીઓના તડક – ભડક તંગ વસ્ત્રોથી અકળાઇને ‘ડ્રેસ કોડ’ દાખલ કરી દીધો છહતો. સંભવિતપણે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની (બાય ધ વે, ભારતીય ભાષામાં વિદ્યાર્થીની અને છાત્રા જેવા અલાયદા શબ્દપ્રયોગો છે. અંગ્રેજીમાં સ્ટુડન્ટ ઇઝ સ્ટુડન્ટ. પછી ગર્લ હોય કે બોય!) ઓ માટે ‘ડ્રેસ કોડ’ દાખલ થતા થતા રહ્યો હતો. જેમાં પ્રસ્તાવ હતો કે કોલેજમાં સ્લીવલેસ ટોપ, શોર્ટ ટી શર્ટ, મિનિસ્કર્ટ, શોર્ટ સ્કર્ટ, શોર્ટ શોર્ટસ (ટૂંકી ચડ્ડી), સ્કીનટાઇટ જીન્સ કે સ્કર્ટ કે કોઇ પણ રીતે ઉત્તેજક વસ્ત્રો પહેરનાર યુવતીઓ પાસેથી દંડ વસૂલ કરાશે. શિક્ષાત્મક પગલાં લેવાશે. જરૂર પડે વાલીઓને સમજાવાશે, અને આ રીતે અંદાજીત ૬૦,૦૦૦ જેટલી ટીનેજર કન્યાઓને લાજશરમનું ભાન કરાવાશે. આવા જ પ્રતિબંધની માંગ વડોદરાથી લખનૌ સુધીની અનેક યુનિવર્સિટીઓમાં છે. જય હો!

લાસ્ટ કમ ફર્સ્ટ આઉટ. જો આ અંગપ્રદર્શનવાળા માદા વસ્ત્રપ્રદર્શનને ગ્લોબલાઇઝેશન પછીની સમસ્યા માનતા હો… તો જરા છેલ્લા મુદ્દામાં ચમકેલા અમદાવાદમાં જ ૨૬ ડિસેમ્બર ૧૯૬૯માં આચાર્ય રજનીશે કરેલા પ્રવચનનો એક અંશ શબ્દશઃ વાંચી લોઃ

‘‘વાઇસ ચાન્સેલર બૈઠકર કમિટિયાં કરતે હૈ ઔર વિચાર કરતે હૈ કિ લડકિયોં કો કૈસે કપડે પહનકર આને દેના હૈ… વાઇસ ચાન્સેલરોં કો ઔર કોઇ કામ નહીં બચા હૈ સોચને કા? લડકિયોં કે કપડોં કી ઇતની ચિન્તા હૈ? વાઇસ ચાન્સેલરો કે દિમાગ કા કુછ ઇલાજ હોના ચાહિયે. લડકિયાં કપડે પહનતી હૈ, યહ ઉનકા સુખ હૈ. કપડે કમ હોંગે. મેરી અપની સમજ ઐસી હૈ કિ શરીર મેં જો – જો કુરૂપ હૈ ઉસે ઢાંકને કે લિયે હમને કપડે ઇજાદ કિયે હૈ. જો – જો સુંદર હૈ, હમને પ્રગટ રખા હૈ.’’

ઉતાવળિયા વાચકબિરાદરો માટે ફરી વારઃ આ વાક્યો આજથી ૪૩ વર્ષ પહેલા કહેવાયા છે. આ લખનારે નહિ, રજનીશે કહ્યા છે.

w9જો કે મુદ્દો માત્ર કોલેજના ડ્રેસ કોડનો નથી. લેખના પ્રારંભે જ ઝલક બતાવી તેમ એક દ્રઢ માન્યતા બહુમતી જનતામાં છે કે ફિટ્ટમફિટ અને એક્સપોઝરવાળા વેસ્ટર્ન ડ્રેસીઝ પહેરીને જાહેરમાં બહાર નીકળવાને લીધે જ સ્ત્રીઓ સામે ચાલીને પોતાની છેડતીને કે બળાત્કારને આમંત્રણ આપે છે. ઈવ ટિઝિંગ (છેડછાડ), સેકસ્યુઅલ હેરેસમેન્ટ (જાતીય સતામણી) કે રેપને ટાળવા માટે સ્ત્રીઓએ જાતે જ એમના કપડા સેન્સર કરવા જોઈએ અને મર્યાદાશીલ પોશાકમાં જ બહાર નીકળીને સલામત રહેવું જોઈએ. (અને જે ખુલ્લેઆમ નથી કહેવાતું એવું પૂરક વાક્ય એ છે કે જો બેવકૂફ અબળાઓ એ નહિ સમજે તો સમાજની નીતિમત્તાના ઠેકેદાર ધર્મગુરૂઓ, નેતાઓ કે વડીલો જેવા ‘પુરૂષોત્તમો’ એમને એ બળજબરીથી સમજાવશે.)

વાહ વાહ. અને પુરૂષોએ શું પહેરવું એ એમને કોણ કહેશે? દિગંબર સંન્યાસીઓની તો ભારતના વિવિધ ધર્મો/સંપ્રદાયોમાં પરંપરા છે. કોઈ કોલેજીયન યુવતી વટકે સાથ કહે કે- લંગોટી કે પંચિયુ પહેરીને ૭૫% બદન ઉઘાડું બતાવતા કોઈ સાઘુશ્રીને જોઈને, એક સ્ત્રી તરીકેની તેની સુરૂચિનો ભંગ થયો છે… તો શું જવાબ આપશો? મહાનગરોની ગીચોગીચ ચાલમાં તો અડધો દિવસ પુરૂષો બગલના વાળ અને પેટના વાટા દેખાય એવી અવસ્થામાં ટુવાલ કે લૂંગી કે લેંઘો પહેરીને વ્યવસાય પણ કરતા હોય છે. એ ‘અંગ પ્રદર્શન’ સામે કેમ સમાજને વાંધો નથી હોતો?

પુરૂષ ઉઘાડે છોગ નહાઈ શકે, તો સ્ત્રીના સ્વીમિંગ કોસ્ચ્યુમમાં લજ્જા કેવી? ન્યાય દરેક માટે સમાન હોય તો જ ન્યાય કહેવાય. કેટલીક કોલેજોમાં મવાલીટાઈપ માથાભારે છોકરાઓ શર્ટના ત્રણ બટન ખુલ્લા રાખીને આંટા મારે છે. મોંમાં ગુટકા ચાવે છે. એમના પર કેમ ‘બાન’ નથીં? સિનેમા થિયેટરમાં ચાલુ ફિલ્મે મોબાઈલ પર જોર જોરથી વાત કરવામાં પણ ‘અશિસ્ત’નું પ્રદર્શન ૯૯% પુરુષો જ કરે છે. કેમ આ ક્રિયાને એકીઅવાજે વખોડાતી નથી?

૨૦૦૩માં રિલિઝ થયેલી એક બકવાસ ફિલ્મ ‘ખ્વાહિશ’ એના હીરો-હિરોઈનના ઉત્તેજક દ્રશ્યોને લીધે ચર્ચામાં હતી. એને લીધે રાતોરાત એની નાયિકા મલ્લિકા શેરાવત સેલિબ્રિટી થઈ ગઈ. ટીવી ચેનલો એની મુલાકાત લેવા તૂટી પડી. મલ્લિકો જ્યારે હિન્દી ફિલ્મોમાં બિન્દાસ બનતી જતી અભિનેત્રીઓ અને એણે કરેલા ૧૭ ચૂંબનો અંગે પૂછાયું ત્યારે એણે સણસણતો જવાબ આપ્યોઃ ‘‘હીરોઈન જ શું કામ? ફિલ્મમાં શું ૧૭ ચૂંબન મેં એકલીએ આપ્યા છે? એટલી જ કિસ હીરો હિમાંશુ મલિકે પણ કરી છે! એને કેમ કોઈ જઈને બોલ્ડ બનતા જતા હીરોની સ્ટોરી માટે પૂછતું નથી? મેં ટુ પીસ બિકિની પહેરીને જે હોટ સીન્સ કર્યા, ત્યારે હીરોએ વન પીસ બ્રીફ (યાને જાંગિયો!) જ પહેરી હતી- તો તેની ટીકા કેમ ન થઈ?’’ પોઈન્ટ ટુ બી નોટેડ.

મૂળ વાત જરા ઉંડાણમાં ઉતરીને સમજો. આ પુરૂષપ્રધાન સમાજ છે. પુરૂષનું ઘ્યાનભંગ ન થાય કે એ મર્યાદાહીન ન થાય એની જવાબદારી પણ સ્ત્રીઓના માથે છે! હે ભારતીય નારીઓ, તમે એટલા માટે તમારું સુંદર તન સાંગોપાંગ ઢાંકીને નીકળો કે અમે, આઘ્યાત્મિક ભારતના દિવ્ય પુરૂષો તમારો દેહવૈભવ જોઈને અમારી જાતને નિયંત્રણમાં રાખી શકતા નથી!! કમાલ છે ને! પોતાના પર અંકુશ રાખવાની કે પવિત્ર રહેવાની ફરજ કોની? નેચરલી, ખુદની જ. પણ યુવતીઓએ અહીં એટલે મનગમતા ડ્રેસ ન પહેરવા, કે એની આજુબાજુના પુરૂષમાં સળવળતું પશુ ઢંકાયેલું રહે! મતલબ, જેમને સજા થવી જોઈએ એમના માટે જેમનો કોઈ વાંક નથી એવી નિર્દોષ નારીઓ, મન મારીને સંયમિત શૃંગાર કરે!

જસ્ટ થિંક. તમે કોઈ જગ્યાએ જમવા ગયા છો. તમને ગુલાબજાંબુ બહુ ભાવે છે. તમે એ ઓહિયાં કરવા જાવ છો, ત્યાં કોઈ આવીને તમને હૂકમ કરે છેઃ ‘‘એ ગુલાબજાંબુ થાળીમાંથી બહાર ફેંકી દો. કદી જાહેરમાં ગુલાબજાંબુ અડતા જ નહિ’’ પૂછો કેમ? તો એ કહે છેઃ ‘‘કારણ કે, મને ડાયાબિટિસ છે. તમે ગુલાબજાંબુ ઝાપટો છે, એ જોઈને હું રહી શકતો નથી. મને એ ખાવાનું મન ન થાય, માટે તમે પણ ન ખાવ.’’ કેવી બેહૂદી લાગશે આ વાત તમને! હજુ ન સમજાયું હોય તો બીજું ઉદાહરણઃ તમારા પાડોશી એક દિવસ તમારા ઘરમાં આવીને કહેશે કે તમે ઘરમાં જે બ્લૂ રંગ કર્યો છે, એ સોસાયટીમાં બીજા કોઈને ગમતો નથી. માટે તમે ત્યાં સફેદ રંગ કરો. તમારો સ્વાભાવિક જવાબ શું હશે? ‘‘અલ્યા, આ મારું ઘર છે, મને ગમતો રંગ મારા ખર્ચે મેં કરાવ્યો છે. એને બદલવાનું કહેનાર તું કોણ?’’

kajalબસ, સ્ત્રી કે પુરૂષ કોઈ પણનું શરીર એ સુવાંગ એનું પોતાનું છે. સમાજનું પણ નથી અને માતા-પિતાનું પણ નથી. આપણા દેહના માલિક આપણે પોતે. એને કેમ સજાવવો કે કેટલો દેખાડવો એ નક્કી કરવાનો હક આપણો. હા, દરેક વ્યવસ્થાના એક નિયમો હોય, અને એ ન ઓળંગાય એ જોવાની નૈતિક ફરજ પણ આપણી જ. પણ આ મામલે વિવાદ થાય તો નિયમોનું અર્થઘટન કરવા જ કાનૂની વ્યવસ્થાતંત્રની શોધ થઈ છે. એ નિર્ણય લે… અને નિર્ણય તમામ માટે સમાન જોઈએ. મુંબઈના મરીન ડ્રાઈવ પર તમે જે પહેરી શકો, એ કોલેજ કોરીડોરમાં કે માધવપુરના મેળામાં પહેરી શકો… કોઈને એ ન ગમે… ધેટસ ફાઈન. પણ એથી એ ‘કોઈ’ જાતે જ જગતકાજી થઈને પ્રતિબંધ ઠોકે કે તમને હલકા ઠેરવતા અભિપ્રાય આપે- એ અપમાન છે!

સ્માર્ટ અને ફેશનેબલ સ્ત્રી એટલે દેશી ભાષામાં ‘ચાલુ’ અને પરદેશી ભાષામાં ‘અવેલેબલ’ સ્ત્રી- એમ માનવું એ એક વિરાટ ભ્રમણા છે. સુંદર હોવું અને સુંદર દેખાવું એ જાણે અપરાધ હોય એવી રીતે આજકાલ ચોખલિયાઓ એની ટીકા કરવા તૂટી પડે છે. જ્યાં સુંદર, સુડોળ, ઘાટીલું ચમકીલું શરીર હોય, ત્યાં એને બતાવવાનું ‘એક્ઝિબિશનિઝમ’ (પ્રદર્શનવૃત્તિ) આવે, એ પ્રકૃતિમાં નિરંતર બનતી ઘટના છે.

પશુ-પંખીઓનું વિશ્વ જરા જોઈ લેજો. અગાઉના પ્રમાણમાં ફિગર અને ફિટનેસ માટે શહેરી યુવતીઓની સભાનતા વધી છે. એમનું પેટ અંદર છે, નિતંબ વળાંકવાળા છે, છાતીમાં ઉભાર છે અને ચાલમાં ખુમાર છે. ઇટસ નેચરલ. સ્ત્રીમાં એવું ન હોય ત્યારે ખરેખર તો ચિંતા થવી જોઇએ.

સાવ સાચું કહેજો… આગલી પેઢીમાં કેટલી એવી મહિલાઓ હતી જે એમના સાથળ કે ખભા કે ઉદર (બેલી, યુ સી!) દર્શાવી શકે? એ હોય જ એવા બેડોળ કે એને સાડી- બુરખામાં છુપાવી દેવા પડે! અને હા, વિદ્વાનો જે કહે તે- સામાન્ય ઇવ ટિઝિંગ (યાને એકાદ કોમેન્ટ, સ્માઇલ કે સિસોટી) તો બનીઠનીને નીકળતી કન્યાને અંદરથી ગમતું પણ હોય છે. સ્ત્રીઓને સતામણી નથી ગમતી – પણ કોઇનું ઘ્યાન ખેંચાય અને કોઇ પ્રશંસા કરે, એના માટે તો આ મેકઅપ, ડ્રેસીઝ, ઓર્નામેન્ટસ કે એકસરસાઇઝનો ભાર એ ઉપાડે છે! વળી ચુસ્ત કપડાંથી ટીનએઇજમાં આપોઆપ એક તરવરાટ, એક જુસ્સો આવે છે. ધે ફીલ એનર્જેટિક. આર્મીના જવાનોને ઝભ્ભો- ધોતિયાં પહેરાવીને પરેડ કરી શકાય? માઉન્ટેનીયર બચેન્દ્રી પાલ કે ટીનએજ ટેનીસસ્ટાર સાનિયા મિર્ઝા કે એથ્લેટ અંજુ જ્યોર્જ  કે બોક્સર મેરી કોમ એમની પ્રવૃત્તિ સાડી પહેરી, ધુમટો તાણી, બુરખો ચડાવી ફરે?

ભારતમાં આમ પણ કદાચ આ જ કારણોથી દુનિયામાં છવાય એવી ફિમેલ સ્પોર્ટસ્ટાર ભાગ્યે જ આવે છે. જે આવી છે એ પણ આફટર ગ્લોબલાઇઝેશન! સ્પોર્ટસ માટે સ્કૂલ ટાઇમથી જ શરીર ઢાંકવાનો ક્ષોભ છોડી દેવો પડે. એ જ રીતે એક જમાનામાં કળાનું ધામ ગણાતો આ દેશ આજે એસ્થેટિક સેન્સ (સૌંદર્યદ્રષ્ટિ) ગુમાવી બેઠો હોય તેમ લાગે છે. જે પ્રાચીન ભારતની સંસ્કૃતિની ડ્રેસ કોડ માટે દુહાઇ દેવામાં આવે છે- એ પ્રાચીન ભારતનો પોશાક જો લાગુ કરવામાં આવે તો પુરૂષો મદહોશ થતાં પહેલાં બેહોશ થઇ જાય!

પુરાતન ભારતમાં કોઇ કાળે સ્ત્રીઓ માત્ર એક જ વસ્ત્ર કટિ (કમર) નીચે પહેરતી અને ટોપલેસ એવા ઉપરના ભાગને ચંદનલેપ, આભૂષણો કે ફૂલોથી જ ઢાંકતી. ઝાઝો પુસ્તકિયો અભ્યાસ ન કરવો હોય તો કોઇપણ પ્રાચીન શિલ્પ જોઇ લેજો. પછી કંચુકી (ચોળી) આવી. સાડી પણ જો પહેરનારી નખરાળી હોય તો એક ઉત્તેજક પોશાક જ છે! ટી શર્ટ, કોર્સેટ કે સ્લીવલેસ ટોપમાં હજુ પેટ ઢંકાયેલું રહે- પણ સાડી? યશ ચોપરાની ફિલ્મોમાં શ્રીદેવી નથી જોઇ? એની વે, સ્ત્રીઓએ મર્યાદાશીલ વસ્ત્રો પહેરવાની પરંપરા ખરેખર તો ઇસ્લામિક અને ખ્રિસ્તી અસર નીચે ભારતમાં આવી હોય તેવું લાગે છે. ગુલામ નારીઓ શીલના રક્ષણ માટે વઘુને વઘુ સાદગી અપનાવી, દુશ્મન રાજકર્તાઓની નજરમાંથી બચવા માંગતી હોય એવું પણ બને.

હિન્દુત્વ એક ગૌરવશાળી જીવનધારા છે પણ ટ્રેજેડી એ થઇ છે કે જે બાબતનો એ વિરોધ કરે છે, કયારેક તેના સમર્થકો અજાણતામાં જ તેની નકલ કરે છે! તાલિબાનો અફઘાનિસ્તાનમાં ડ્રેસકોડ દાખલ કરી, સ્ત્રીઓની મનગમતાં કપડાં પહેરવાની સ્વતંત્રતા છીનવી લે એવું જ કેટલાક હિન્દુત્વપ્રેમી દોસ્તો ભારતમાં કરે! બંને પાછા ધર્મ અને સંસ્કૃતિની જ દુહાઇ આપે! આ તો હિન્દુત્વનું જેહાદી ઇસ્લામીકરણ થયું! ખરેખર તો ભારતે હિન્દુત્વની વિશાળતા અને લવચીકતા (ઇલાસ્ટિસિટી) બતાવવા સંકુચિત ધાર્મિકતાથી મુકત એવા દ્રષ્ટાંતો દુનિયા સામે બેસાડવાના હોય. અમેરિકન સરકારો પોતાના નાગરિકોની લાઇફસ્ટાઇલમાં ચંચૂપાત નથી કરતી, એટલે જ છુપી રીતે ભારતની યુવાપેઢીને અમેરિકન ફ્રીડમ આકર્ષે છે. વિરોધ, પ્રતિબંધ કે ઇન્કારથી એ હકીકત ભૂંસાઇ જવાની છે? આંખો મીંચવાથી ઝંઝાવાત શમી જવાનો છે?

gul4અને નારી યુવાનીમાં જો ચપોચપ અને સેન્સ્યુઅસ ટૂંકા વસ્ત્રો ન પહેરે તો કયારે બૂઢાપામાં પહેરશે? સફેદ વાળ ખરતા હોય અને ચામડી પર સેંકડો કરચલી હોય, કરોડરજ્જૂ વાંકી વળી ગઈ હોય અને આંખે મોતિયો હોય ત્યારે મિનિ સ્કર્ટ પહેરાય? ઉત્તેજક વસ્ત્રો પહેવાના ઉન્માદની પણ એક ઉંમર છે, એ ચાલી ગયા પછી પાછી નથી આવતી.

જો વાત માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પંજાબી કે ચૂડીદાર પહેરવાની હોય તો પછી તમામ છોકરાઓના પેન્ટ-શર્ટ ઉતરાવી કેડિયા-ચોરણા-ધોતિયા પહેરાવો! પેન્ટ-શર્ટ કયાં ભારતીય છે? અને ગુજરાતની અસ્મિતાને અનુરૂપ જો તમામ યુવતીએ માત્ર ચણિયા-ચોળીમાં જ ફરશે તો? એ ‘ચિત્તાકર્ષક’ પોશાક નથી? પછી એના પર પ્રતિબંધ મુકીશું? પ્રોફેસરો કંઈ પોલિસ કોન્સ્ટેબલ નથી. અને ખુદ પોલિસ હવાલદારો પણ કે નીતિમત્તાના ન્યાયાધીશ નથી.

સવાલ શિક્ષણનું સ્તર સુધારવાનો છે, વસ્ત્રોના અસ્તર નહિ. કેટલાય ડફોળ લાગવગિયા શિક્ષકો પર કે વિદ્યાર્થીનીઓનું ખરેખર શોષણ થાય છે તેવી કોલેજની ચૂંટણીઓ પર પહેલા બાન મૂકવાની જરૂર છે. આજે યુવતીઓના ડ્રેસથી અભ્યાસમાં ઘ્યાનભંગ થઈ જાય છે, કાલે બહાર પડતા વરસાદના ઘ્વનિથી ઘ્યાનભંગ થઈ જશે. આ જ લોજીક હોય તો તો દરેક ફિલ્મી હીરોનું ઘ્યાન એકટિંગમાંથી હટી જવું જોઈએ! જો અભ્યાસક્રમ રસપ્રદ હોય અને લેકચરરમાં દમ હોય તો સ્ટુડન્ટનું ઘ્યાન કયાંય ભટકવાનું નથી. અને શિક્ષણનો મૂળ હેતુ જ સ્વયંશિસ્ત કેળવવાનો છે. શિસ્ત લાદવી પડે એ ભૂતકાળની કે વર્તમાન શિક્ષણપઘ્ધતિ અને તાલિમમાં રહેલી ખામીઓ જ ઉઘાડી કરે છે!

રહી વાત કોલેજ બહારની દુનિયાની, ધર્મસ્થાનકોમાં ધારો કે કોઈ યૌવના વાંધાજનક (?) પોશાકમાં ગઈ – તો પછી પ્રભુ-ખુદા-ગોડની પ્રાર્થનામાં મગ્ન શ્રઘ્ધાળુઓનું મન ત્યાં કેમ ખેંચાય છે? મીરા કે નરસિંહહ કે રાબિયાની જેમ જો તમે ભકિતમાં લીન થઈ ગયા હો, તો પછી પરમાત્માને બદલે પ્રમદામાં નજર જ કેમ જાય? વાંધાજનક એ બાળાના વસ્ત્રો નથી. વાંધાજનક આપણી ધાર્મિકતાનો દંભ છે. બ્રહ્મજ્ઞાન આત્માને થાય છે કે કપડાંને? તો પછી દેહ શા માટે નિહાળો છો?

06golds7વાતને કેવળ તર્ક કહીને હસી ન કાઢતા જો સ્ત્રી સુરક્ષાની પરોપકારી દલીલ કરવી હોય તો વાંચી લોઃ ન્યુ દિલ્હીના ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન્સ સેલના તત્કાલીન જોઈન્ટ પોલિસ કમિશ્નર વિમલા મહેરાએ કહેલું કે ૧૯૫૦થી ૧૯૯૦ સુધીના દેશભરની હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં ચાલેલા બળાત્કારના કેસનો અભ્યાસ કરો તો તમામ બળાત્કાર ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલી સ્ત્રીઓ પર થયા છે! ઈન્ડિયા ટુડેએ એક સર્વેક્ષણમાં એમ જણાવેલું કે ૮૫ ટકા બળાત્કાર નજીકના મિત્ર ની વ્યાખ્યામાં આવતા પરણિત પુરૂષોએ કર્યા છે! કોલેજીયન ટપોરીઓને તો હજુ ય ઠાવકી ભારતીય નારીનું રૂપ જ ભાગ્યશ્રી (મૈંને પ્યાર કિયા) કે ભૂમિકા (તેરેનામ) માં દેખાય છે! કોલકાટ્ટાની સામાજીક સંસ્થા ‘સ્વયમ્‌’ના અભ્યાસનું તારણ એવુ નીકળ્યું કે ઈવ ટિઝિંગના ૭૭% કિસ્સાઓમાં સ્ત્રીના કપડા મોડર્ન નહિ પણ પરંપરાગત ભારતીય હતા! મોડર્ન માનુનીથી તો ઉલટાના છેલબટાઉ છોરાં ડરે છે! કેલિફોર્નિયા યુનિવર્સિટીનો એક અભ્યાસ પણ કહે છે કે ઉઘાડા કપડા આકર્ષણ પેદા કરે છે. પણ બળાત્કાર માટે તો પુરૂષ જ જવાબદાર છે.

ગર્લ્સને ફેશન શીખવાડવાની જરૂર નથી. હા, વ્યકિતત્વ, રૂપ, ફિગર અને પરિસ્થિતિને અનુકૂળ ડ્રેસિંગ કરવાની સૂઝ અને આત્મવિશ્વાસ શીખવાડો. પોઝિટિવ એટિટયૂડ પ્રતિબંધની નકારાત્મકતા કરતાં વઘુ અસરકારક રહે. બાકી હોટલનો અભણ વેઈટર માઈક્રો મિનીમાં સજજ કસ્ટમર કન્યાની છેડતી કરી શકે? કારણ કે, એના પર નોકરીની ધાક છે, આવો ખૌફ પુરૂષ રાહગીરને કેમ નથી? શરમ ફુલફટાક ફરતી સ્ત્રીઓને નહિ, પણ એને પરેશાન કરતા પુરૂષને થવી જોઈએ!

-ફાસ્ટ ફોરવર્ડ-

આઘુનિકતા અગાઉના યુગમાં કદાચ સ્ત્રીઓ બે જ હેતુથી વસ્ત્રાભૂષણનો સાજ શણગાર કરતીઃ (૧) પુરૂષનું ઘ્યાન ખેંચવા (૨) અન્ય સ્ત્રી કરતા વઘુ રૂપાળી – આકર્ષક દેખાવા! (એલન પીઝ)

 
79 Comments

Posted by on December 29, 2012 in india, religion, youth

 
 
%d bloggers like this: