RSS

Daily Archives: October 19, 2012

ચેતન : મારો એક કરોડપતિ મિત્ર… :)

આજે શુક્રવાર ૧૯ ઓક્ટોબર, રાત્રે ૮.૩૦ કલાકે સોની પર KBC ના એપિસોડમાં હોટ સીટ પર મારો દોસ્ત , ગોંડલનો દાંડિયા કિંગ ચેતન જેઠવા દેખાશે અને અમિતાભ સાથે રાસ પણ રમશે.

આઈ એમ એક્સાઇટેડ. જાણે હું પોતે ગયો હોઉં એટલો જ.

કારણ કે ચેતન ફક્ત મિત્ર નથી. ફેમિલી મેમ્બર છે.

વર્ષો પહેલા હું એક રૂમના ભાડાના મકાનમાં રહેતો ત્યારે સામેના એક મોટા મકાનની પાર્ટીમાં ચેતન આવેલો…ત્યારે હું તો હજુ અગિયારમામાં અટવાયેલો એક વિદ્યાર્થી જ હતો, અને જે મિત્રના જન્મદિને અમે મળ્યા એ તો બેઉના જીવનથી વ્યવસાયિક અને કૌટુંબિક કારણોસર ખાસ્સો દૂર નીકળી ગયો, પણ અમે બંને ગાઢ મિત્રો બનતા ગયા. મારા જે મિત્રો સાથે મારા મમ્મીને બહુ જ ભળતું, એમાંનો એક ચેતન. (બીજો શૈલેશ અને ત્રીજો હેમાંગ ચોથો ઈલિયાસ ને પાંચમો…ઓકે વો ફિર કભી..).

અમે બંને સંઘર્ષના સાથીદારો. આર્થિક રીતે બેઉ પિરામીડની તળેટીમાં. પણ મારી જેમ મક્કમપણે ધીરજ રાખીને , કશું ખોટું કર્યા વિના ચેતને જાતમહેનતે એક એક પગથિયું ચડીને એમાંથી બહાર નીકળવાનું તપ કર્યું. કોઈ શોર્ટ કટ વિના આપ બળે ચેતન કેવી રીતે આગળ આવ્યો એનો હું સાક્ષી છું. ત્યારે એ ટ્યુશન કરતો અને સાયન્સના પુસ્તકો-મેગેઝીન્સ વાંચવા લઇ જતો. હજુ ય મારાં ઘરમાં ફિલ્મ મેગેઝીન્સના ફોટા જોવામાં એને રસ અને હેરી પોટરનો એ ક્રેઝી ફેન.

ચેતન અપડાઉન કરીને ભણતો એ પહેલા જ એણે પેલા ઇડીયટ રેન્ચોની જેમ નક્કી કરેલું કે આ એસેમ્બલી લાઈન ડિગ્રીને બદલે આપણી સ્ટ્રેન્થ પાવરફુલ કરવી પડશે. ટીવી પર ડાન્સ જોઈને એ સ્ટેપ કરી શીખતો ને પછી એ ક્યારે કોરિયોગ્રાફર / કોચ થતો ગયો એ એને ખુદને ય ખબર ના પડી. પૂરી ધગશથી એ સંગીત ને નૃત્યમાં શીખવા જેવું હોય એ માટે દિવસો સુધી તપ કરવા કોઈ પણ શહેરમાં, કોઈ પણ પાસે જાય. એ દાંડિયા રાસમાં રમવા જતો અને ગમે તેને હરાવીને પ્રિન્સ કે કિંગ થઇ ઇનામો લઈને જ આવતો ( એવો જ મારો ઘરનો સાવ નિકટ મિત્ર દાંડીયાનો ઉસ્તાદ ગોંડલનો ભૂપત, જેણે એ ફીલ્ડ છોડી દીધું – અને એ બેઉ હરીફો છતાં મિત્રો મારાં પાછા દિલોજાન દોસ્તો )  અને એમાંથી જોતજોતામાં એ દાંડિયારાસના અને નૃત્યના કલાસીઝનો સંચાલક / માસ્ટરજી પણ થઇ ગયો.

ઇનામો જીતવાનો એને પહેલેથી શોખ. અમે બંને ત્યારે અમારી આર્થિક જરૂરિયાતો પૂરી કરવા અને ઘરના પૈસા ઓછા ખર્ચાય એ માટે ! સ્પર્ધામાં ભાગ લેતા. મુંબઈ વિવિધભારતી પર એક રેડિયો ફિલ્મ ક્વીઝ આવતી. હું ને ચેતન એના અઘરા સવાલોનો જવાબ શોઅધવા મચી પડતા. ફિલ્મોનો વળી અમને બેઉને શોખ એટલે કંટાળો ના આવતો. આવી જ ક્રોસવર્ડ રાજકોટના સાંધ્ય દૈનિકોમાં આવતી એમાં અમે ભાગ લેતા. હું મારા ઘરના રેફરન્સ ફેંદુ અને ચેતન બહાર બધાને મળીને જવાબ શોધતો આવે. ગુજરાતી/હિંદી સ્ટારડસ્ટની સ્પર્ધાઓમાં અમે બંને એટલે બધા પેન્ટ પીસ જીતેલા કે વધેલા પીસ મિત્રો-સંબંધીઓને આપી દેવા પડેલા. હજુ હમણા ચેતન ચિત્રલેખાની કોન્ટેસ્ટમાં થાઈલેન્ડ જઈ આવેલો, ત્યારે ઘેર આવી એટલા જ પેશનથી જુના અંકો શોધતો. ઇએસપીએનની એક હરીફાઈ માટે તો એ નેટનો ઉપયોગ પણ શીખ્યો. ઇનામ કરતા નામ અને નામ કરતા સ્પર્ધામાં જાતને સાબિત કરવાનું કામ એને માટે ઝનૂન છે.

અને એ જ ઝનૂનથી એ વર્ષોથી કેબીસીમાં ભાગ લેતો. ૨૦૦૧માં કૌન બનેગા કરોડપતિનો ઐતિહાસિક જાદૂ છવાયો ત્યારે હું , ચેતન અને ગૌરવ ઘેર બેસીને એ એપિસોડસ જોઈ , એના માધ્યમે અમારું જી.કે. તો ઠીક , બચ્ચનનિ સાથે હાથ મિલાવવાના સપના જોતા. પણ અમ્રારી પ્રાયોરીટીઝ ફરતી ગઈ, એટલે હું કે ગૌરવ જસાણી ( DYSP, junagadh police) ચેતનની ફોન એ ફ્રેન્ડની લાઈફ લાઈનનો નંબર જ બન્યા..પણ ભારે ખંતપૂર્વક ચેતન કેબીસીમાં એના મમ્મીને લઈને પહોંચ્યો અને અમિતાભ સાથે ધમ્માલ કરીને આવ્યો. ચેતન મિજાજમાં લહેરી લાલો, ભાગ્યે જ સીરિયસ કે હેવી હાર્ટ સાથે જોવા મળે. બ્રિટીશ ફિલ્મમાં ગરબો કોરિયોગાફ કરેલો ઉજાગરા કરીને એને, પણ ફિલ્મ ભારતમાં રજુ ના થઇ એનો કોઈ શોક નહિ. એ તો કૂદકા લગાવતો રાષ્ટ્રીય સ્તરની ફોક ડાન્સ કે અન્ય નૃત્ય હરિફાઈમાં ભાગ લઇ જીતવા નીકળી ગયો હોય. કેબીસીમાં બહુ મોટો કૂદકો ના લાગ્યો એનો રંજ પછીની કલાકે એણે ફોન કર્યો એમાં ય નહિ , પણ અમિતાભ સાથે મસ્તી કર્યાનો ને નવા નવા રોમાંચક અનુભવોનો છલકાતો ઉત્સાહ જ. ઉદાસી ચેતનની સ્થાયી મુદ્રા નથી. એ નિત્ય ગતિશીલ ઊર્જાનો ઉત્સવ છે. રવિવારે રાજકોટ હજુ યે ફિલ્મ જોવા જાય ને વર્ષે બે વાર એકલપંડે આયોજન કરી દૂર-સુદૂરની મોટી ટ્રીપ પણ કરી આવે! 😎

ચેતન હજુ યે મારી જેમ સિંગલ જ રહ્યો છે, પણ એટલા બધાનો લાડકો છે કે એકલો તો કહેવાય જ નહિ 😀

પણ આજે વાત ચેતન નામના કલાકારની નહિ, દિલદારની કરવી છે.

મારી ઘેર ગમે ત્યારે નિયમિત આવતા અને ઘરની અથથી ઇતિ જાણતા જૂજ દોસ્તોમાં એક ચેતન. મમ્મી ગુજરી ગયા પછી મમ્મી સાથે એને ભળતું હોઈને અમુક વસ્તુઓની ખબર એને હતી એટલે એ આવે. મારાં અસ્ત વ્યસ્ત પુસ્તકો ગોઠવવાવાળો સ્વયંસેવક પણ કાયમી ધોરણે એ જ. અને એ માટે મેં એને ક્યારેય થેન્ક્સ કહ્યું હોવાનું યાદ નથી. કહું તો એને બહુ નવાઈ લાગે. એને બોલવાનો શોખ ખરો, એમ તો સેમિનારમાં ટ્રેનિંગ પણ આપે, એન્કરિંગ કરે.. સ્ટેજ પણ આવું ઈમોશનલ બહુ બોલે નહિ.

પણ આજે ય અમારા કેઓસકેન્દ્રી ઘરનો ઓથેન્ટિક ઈન્ચાર્જ કહો કે કેરટેકર – એ ચેતન જેઠવા જ છે. મારાં પપ્પાનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું પછી એમને સાવ એકલા મૂકી જતા જીવ ચાલે નહિ. એ પણ ઘણું ભૂલી જાય. દવા લેવાનું પણ. રાતના સુતા હોય તો ય ધ્યાન રાખવાની તબીબી તાકીદ થોડા વર્ષોથી છે જ. અને થોડા વર્ષો થી મારાં ય પ્રવાસ વધતા ચાલ્યા છે. એ અમુક અંશે ફરજીયાત છે. પ્રવાસો ના કરું તો પુરસ્કાર ના મળે, કામ ના થાય અને મારા શાહી શોખ ને જિંદાદિલ મસ્તીનું ફાયનાન્સ ના થાય, પણ મારો જીવ ઘેર પહોંચવામાં હોય, એટલે ખોટી ફોર્માલીટી ખાતર સોશ્યલાઇઝિંગ કરવામાં મને વિઝીબલ અકળામણ થાય.

પણ આટલા સમયથી હું દેશ-વિદેશ જયારે પણ બહારગામ હોઉં ત્યારે મારું ઘર ચેતન જ સંભાળે છે. કોઈ અપેક્ષા વિના પ્રેમથી. મારાં પપ્પાને મારાં નિકટ સ્વજન મામા-મામી સિવાય હું એના જ ભરોસે મુકીને નીકળું છું. હું જયારે ઘેર રાત્રે ના હોઉં ત્યારે ચેતન જ ઘેર સુવા આવે. અચૂક. હમેશા. પપ્પાનું દૂધ-દવા બનાવે, એને કંપની આપે. મારાં પરચૂરણ કામો – જેમ કે કોઈ ફોન પર સંદેશ કે કુરિયર પણ પતાવી દે. બપોરે પણ પપ્પા એકલા હોય એટલે આવે , સાથે જમે – દવા આપે. અહીં જ ઓલમોસ્ટ રહે..

અને મારાં ઘરના તમામ વ્યવહારો પણ ચેતન જેઠવાના હાથમાં. આમ સતત ચિત્તાફાળ ભરતું મારું મગજ, હિસાબોની વાત આવે કે સલમાનખાનના ફાઈટ સીન્સની માફક સ્લો મોશનમાં આવી જાય. એ બધું ચેતન સંભાળતો હોય. બધા જ બિલ ભરવાની જવાબદારી એની. ઇન્કમટેક્સની મારી ફાઈલ એની પાસે રેડી હોય. મારી કોઈ કેશ કે અમુક જવેલેરી એની પાસે સલામત પડી હોય (ડોન્ટ વરી, ચૂંટણી પંચે રસ લેવો પડે , એવું કશું ય બેશકિમતી નથી હોતું. :P) મારી ચેકબૂક અને ડોક્યુમેન્ટ્સ પણ. મારા કે મારા પપ્પાની વિઝાની ફાઈલ બનાવવા માટે ખૂણેખાંચરેથી બધા ડોક્યુમેન્ટ્સ ચેતન શોધીને રાખે. એકદમ ચીવટથી બધું ફાઈલ કરે. તમામ દસ્તાવેજો પર પણ એનો જ કબજો. ઘરમાં પાણી ભરાય ત્યારે મેગેઝીન કે મારી બહારથી આવેલી ગિફ્ટ્સ એ જ ગોઠવે. મારે બહાર જવા માટે પેકિંગ કરવું હોય કે ઘેર સાફસૂફ કરી કશુંક ગોતવું, ગોઠવવું હોય – ચેતન વિના (જ્યોતિગ્રામ સફળ થઇ હોય તો ય) અમારા ઘેર તો અંધારું જ !

ચેતન કેબીસીમાં પાંચ કરોડ જીતીને આવે તો અમને પહેલા  ફાયદો થાય કારણ કે એ મારું મોબાઈલ બેંક એકાઉન્ટ છે 😉 lolzzz …નાના મોટા તમામ ખર્ચ એ કરી નાખે, એ પછી હું અનુકુળતાએ એને એ ચૂકવી દઉં. એ કંઈ કુબેર ભંડારી નથી જ નથી. હું ય નથી. પણ અમારો આવો વાટકી વહેવાર વગર તહેવારે અને વગર વ્યાજે પણ ચાલતો રહે. એને જરૂર પડે તો મારી પાસે હોય એમાંથી એ લઇ લે , ને પાછા આપી પણ દે..અને હમણાં અમુક તબીબી ખર્ચ, પુસ્તક પ્રકાશન, એક બે જગ્યાએ થયેલી અસાધારણ મદદ અને પુર ઠાઠથી બધું જ જાણવા – માણવા મેં કરેલાં વિદેશપ્રવાસ ( જયારે ખર્ચ આસમાની હદે વધે અને આવક મારાં વ્યાખ્યાનો ઘટતા તરત તળિયે જાય !) ઇત્યાદિને લીધે ઇકોનોમિક નહિ, પણ લિક્વીડીટી ક્રાઈસીસ ઉભી થાય. તો છેલ્લા પાંચ મહિનાથી ચુપચાપ જાણે એ તો સ્વાભાવિક ક્રમ હોય એમ મારાં રાજકોટના ફ્લેટની તોતિંગ બેંક લોનનો જંગી હપ્તો પણ ચેતન જ ભરે છે. 😛

અને સૌથી મોટી વાત . આટલી હદે ઓતપ્રોત થઇ જે માણસ  લાંબો સમય જવાબદારી દોસ્તીદાવે સંભાળે ( એ ઓલમોસ્ટ મારાં જેટલું જ મહિને કમાય છે, કંઈ ફૂટપાથ પર બેઠો નથી. પોતાની રીતે પોતાના ક્ષેત્રમાં એ ય ફેમસ સેલિબ્રિટી જ છે . કંઈ મારો પગારદાર કારભારી નથી. ને ગુલામી કરવી એ તો એનો સ્વભાવ જ નથી, ભલે સાવ નમ્ર અને મળતાવડો રહ્યો.. ) એની સાથે ચણભણ તો થવાની જ. મારું નિત્ય વિષુવવૃત્ત પર રહેતું બોઈલર ગમે ત્યારે ફાટે ત્યારે એનાથી નજીકના જ સ્વજનો બિચારા પહેલા દાઝવાના હોય. ચેતન પણ ખૂબ વ્યસ્ત થાય (જે જેન્યુઈન આનંદની વાત છે મારાં માટે ) એટલે એનાથી અમુક કામમાં કચાશ રહે ત્યારે , એ એની કંઈ કાયમી નોકરી નથી – દોસ્તીદાવે થતી મદદ છે એવું ભૂલીને હું  એને નિષ્ઠા પર કટાક્ષપ્રચૂર ભાષણો આપું કે ઊંધેકાંધ ધધડાવી નાખું ( અરે, અમે લોકો દોસ્તો છીએ યાર, ધાર્મિક સિરીયલના ચાંપલા એક્ટર્સ નથી 😀 )

પણ મેં નોંધ્યું છે મારાં બહુશ્રુત કહેવાય એવા અને મારી બધી નબળાઈ જાણતા અને છતાં ય મને ચાહતા દોસ્તોને ય મારાં શબ્દોથી ક્યારેક પ્રગટ-ક્યારેક અપ્રગટ બળતરા તો થઇ આવે. ક્યાંક માઠું ય લાગી જાય. ચચરી જાય. તીવ્ર બોલાચાલી ય થઇ જાય. ક્યાંક મૌન તોબરો ય ચડે. પણ આજ દિન સુધી ચેતને કદી કોઈ કડવા વેણને દિલ પર લીધા જ નથી. માઠું નહિ, મીઠું જ લગાડ્યું છે. મારો ગુસ્સો ભભૂકે, ત્યારે એની સિમ્પલ મોડસ ઓપરેન્ડી છે. ફોન પર કે સામે – કોઈ દલીલ ના કરે ચુપચાપ બધું સાંભળે ( અકળાઈને કદી ફોન કાપે ય નહિ કે ઉભો થી મોડું થતું હોય તો ય જાય પણ નહિ !). પોતે ખોટો હોય ત્યાં તો તરત જ એ સ્વીકારી એનો ઉકેલ શોધવાની મથામણમાં વગર કહ્યે લાગી જાય. પણ બાકી ય એ શાંતિથી સાક્ષીભાવે મારી સઘળી  આગઝરતી ટકોર સાંભળી લે. આપોઆપ જ દાહક આક્રોશ શમી જાય. ને ફિર બારિશ કે બૂંદો કિ સરગમ ! એક પણ વકખત એણે આવી કોઈ તડફડ મન પર લીધી નથી. કે સોરી કહેવામાં ય ખચકાટ અનુભવ્યો નથી. કે મારી પાસેથી કોઈ અપેક્ષા રાખી હોઈ ને એ પૂરી ના થઇ હોય તો એ દુભાયો નથી. કારણ કે એ ભલે કહેતો નથી, પણ સમજે છે કે હું ય એવો જ છું. બોલું ત્યારે કંઈ ગણીને ગાંઠે મનમાં રાખતો નથી. ને ભૂલ હોય એ પછીથી પણ કબૂલ કરતા સહેજે શરમાતો નથી. અન્ય વધુ વિદ્વાન દોસ્તો ય ક્યારેક આ પચાવી નથી શકતા એ મેં જોયું છે. પણ ચેતન મને એટલી હદે ઓળખે છે , કે એની સામે જેવો છું એવો વ્યક્ત થવામાં મારે એને કેવું લાગશે એનો ઘડીવાર પણ વિચાર નથી કરવો પડતો. એટલે જ એ વધુ વ્હાલો છે. ટચવૂડ, ઉપ્સ, ટચસ્ક્રીન…આમ જ રહો અમારી યારી ! 🙂

અને દોસ્તી ફેસબુક તો શું, એક લેવલ પછી નાનીનાની ફોર્માંલીટીની મોહતાજ નથી, એનો આ એક વધુ રિયલ લાઈફ સબૂત છે. ચેતન એના ક્લેરિકલ લીનીઅર બ્રેઈન ( જે માટે હું એણે વારંવાર ચીડવું છું :-P) મુજબ વગર નોટિફીકેશને મને મેસેજ કરી મારાં માટે કોઈ અગત્યની તારીખ કે મારાં સર્કલ ના કોમન ફ્રેન્ડ્સના બર્થ ડે યાદ દેવડાવી દે. પણ હું એનો બર્થ ડે ભૂલી જાઉં. ને મારાં બર્થ ડેની તિથિ મુજબની ઉજવણીમાં એ દશેરાએ દાંડિયામાં હોઈ એટલે વર્ષોથી આવી પણ ના શકે ! આમે ય અમારા બેઉના શેડ્યુલ્સની સમજૂતી મુજબ મારાં કરતા તો એ એના પ્રિય માસા યાને મારાં પપ્પાને વધુ મળતો હોય છે! (કેબીસીના શૂટિંગ પછી ફ્લાઈટમાંથી ઉતર્યો એ રાત્રે જ સુવા માટે મારી ઘેર હતો, હું બહારગામ હોઇને !). હું અમેરિકાથી એને નંબર આપું ને એ ફોન કરી નાખે. મારાં લેખના ફેક્સ પણ કરી નાખે. એને કામ સોંપો એટલે રિપોર્ટ તો મળે જ. હમણાં વધુ વિસ્તરે છે, એટલે મેસેજ મોકલાવે નહિ, પણ પૂછો એટલે બધું રેડી હોય. એ જેમ જાતે ડિઝાઈન કરેલાં એના ડ્રેસ કે પાઘડી કે આરતીની થાળી રેડી રાખતો હોય નોરતામાં એમ જ !

ચેતન પાસે આ બધું સાંભળવાનો સમય દોડાદોડીમાં હોતો નથી. એટલે આજે આ લખી જ નાખ્યું. એક પ્રસ્તાવના, મારી કોલમ, બે દિવાળી અંકોના લખાણ અને બે અન્ય લખાણ મારી માથે ગાજે છે, કાલથી ફરી પ્રવાસ છે – એ બધાની ઐસીતૈસી કરી ને. દોસ્તોનો હક બને છે એટલો, બોસ. હવે મારા ધરાર બની બેઠેલા દોસ્તો ઘણા ગામેગામ ફૂટી નીકળે છે ત્યારે મને તો મન થાય મારાં બધા અસલી ખરેખરા મિત્રો વિષે કંઇક ને કંઇક લખું. ( કિન્નર અને પ્રણવ સિવાય કોઈ લેખક છે જ નહિ, એમાં એટલે નિરાંત. 😉 અને ચેતન હું એક સાંધ્યદૈનિકમાં મેગેઝીન કન્સલ્ટન્ટ હતો, ત્યારે ગૌરવની સાથે મળી લેખન પર હાથ અજમાવી ચુક્યો છે પણ એને લેખક નથી થવું 😀 ) પણ અત્યારે તો મારે ઈસ્ત્રી કરવા આપેલા કપડાં હજુ કેમ ના આવ્યા એ માટે ચેતનને મેસેજ લખવાનો છે મોબાઈલમાંથી !lolzzzz

પણ આ તો આજે એટલે એને નવરાત્રિ પ્રાઈઝ સાથે સરપ્રાઈઝ આપવા  ઉતાવળે લખી નાખ્યું કે તમે બધા તમારી ઘેર જયારે આજે કૌન બનેગા કરોડપતિ જુઓ, ત્યારે જાણી શકો કે એક એપિસોડ માટે ગુજરાતી સંસ્કૃતિની આકૃતિ બનીને અમિતાભ સામે જલસો કરનાર આ ગોંડલનો ચેતન જેઠવા કોણ છે. એ સ્પર્ધક સેલિબ્રિટી હોવા ઉપરાંત કેવો ઉમદા ઇન્સાન છે. એના માસૂમ ચહેરા પર ન દેખાય એટલી લાગણીઓ એ હ્રદયમાં લઇ એ કેવો બિન્દાસ બનીને જીવે છે. એની વિજયયાત્રા કેવા સંજોગોના અગ્નિપથમાંથી પસાર થઇ છે. અને એ કેવી રીતે પોતાની મંઝિલ સુધી આત્મબળે પહોંચ્યો છે, એનો હું આઈવિટનેસ છું. અને એટલે સીના તાન કે મને એના માટે હરખ છે. અને એ માત્ર આવીને ભૂલાઈ જાય એવો એક સ્પર્ધક નથી. એક આજની દુનિયામાં હેલોજન લઈને શોધવા જાવ તો જાળવો મુશ્કેલ એવો દિલેર દોસ્ત, મસ્ત રંગીલો ઇન્સાન – મારો અને મારાં પપ્પાનો પણ મિત્ર છે. (કાજળના ટપકાંનું સ્માઇલી છે ક્યાંય ? 🙂 )

એટલે રકમથી નહિ, એક ‘રકીબ’ તરીકે મારાં માટે ઓલરેડી ચેતન જેઠવા એક મોટો કરોડપતિ જ છે ! 😎

update : એપિસોડ નિહાળવાની લિંક : http://www.sonyliv.com/kbc/video/kbc6-full-episodes/383

 
58 Comments

Posted by on October 19, 2012 in personal

 
 
%d bloggers like this: