RSS

Daily Archives: October 17, 2012

આ નેતા છે ભારતનો ભ્રષ્ટાચાર શિરોમણિ ? (રમેશ ઓઝા)

રમેશ ઓઝા

વાસુદેવ મહેતા-હસમુખ ગાંધી  જેવાઓની ચિરવિદાય અને નગેન્દ્ર વિજય-વીરેન્દ્ર પારેખ જેવાઓની આ ક્ષેત્રે નિવૃત્તિ બાદ ગુજરાત પાસે ઢંગના રાજકીય સમીક્ષકો કહેવાય એવા બે જ નામો બચ્યા છે. ૯૩ વર્ષના વરિષ્ઠ નગીનદાસ સંઘવી અને બીજા રમેશ ઓઝા. મુંબઈના અખબારો વાંચનારને ભાઈશ્રી સિવાય પણ એક રમેશભાઈ ઓઝા છે, એટલો ખ્યાલ હોય જ. સરળ છતાં કટાક્ષમય  ભાષામાં પાક્કા તથ્યો ગૂંથીને ચોટડૂક નિરીક્ષણો કરવા એ રમેશભાઈની ખાસિયત છે. પણ કમનસીબે એમના લખાણ પણ મોટા ભાગના ગુજરાતી વાચકો સુધી પહોંચતા નથી, તો વખાણ ક્યાંથી થાય? “સબ મિલે હુએ હૈ’ ના કેજરીવાલબ્રાન્ડ દારૂગોળાની વિસ્ફોટક ગંધ આબોહવામાં છે ત્યારે કોઈ પણ જાગૃત નાગરિકની આંખો પહોળી થઇ જાય એવો રમેશ ઓઝાનો થોડા સમય પહેલા “ગુજરાતી મિડ-ડે”માં લખાયેલો આ લેખ ધ્યાન દઈ વાંચવા જેવો છે. ભ્રષ્ટાચાર બાબતે વર્તમાન રાજકીય પક્ષોની મિલીભગતનો આ આદર્શ નહિ તેવો આદર્શ કેસ સ્ટડી પણ છે, અને કઈ હદે ‘લૂંટ સકે તો લૂંટ’ની ધૂમ આપણા દેશના રાજકારણમાં જામી છે , એનો આખી અન્નનળીમાં એસિડ રેડાય એવો અહીં દાહક ચિતાર છે. મોટા ભાગના નાગરિકો આવી બાબતોની ઊંડી છણાવટ અંગે ઉદાસીન હોય છે, ત્યારે આ લેખમાં સિમ્પલ બટ સ્ટ્રેઈટ ઓવરવ્યૂ છે. મુંબઈના નામ જેવા  જેવા ગુણ ધરાવતા યુવા પત્રકારમિત્ર તેજસ વૈદ્યનો મારી વિનંતીને મન આપી રમેશભાઈની તત્કાલ અને સહર્ષ અનુમતિ મેળવી દેવા માટે આભાર. આજે આ પ્લેનેટ પર માનવંતા અતિથિ લેખક તરીકે રમેશભાઈનું રૂપેરી સ્ક્રીનની જાજમ પાથરીને સ્વાગત છે. 🙂 અને હા, ભ્રષ્ટાચારના મામલે દુધે ધોયેલું ભારતભરમાં કોઈ નથી, કોણ ઓછા કાદવે ખરડાયેલું છે એનો જ સંતોષ લેવાનો છે. એટલે અહીં પક્ષાપક્ષીની વાત જ નથી. પણ કેટલાક ભયંકર ભ્રષ્ટાચારના કિસ્સામાં તો કામ થયું હોય / કર્યું હોય તેની ખાયકી હોય. અહીં વર્ણવાયેલા કિસ્સામાં કટકી નહિ, આખો લાડવો જ બધા જ પક્ષોના ભૂખાળવા વચ્ચે ઓહિયાં થઇ ગયો છે અને એના આંકડાના પ્રમાણમાં લોકોને કણીભાર પણ કામ મળ્યું નથી ! કેજરિવાલનો એટલો આભાર કે આ બધું મિડીયામાં કમ સે કમ ચર્ચાતું તો થયું છે. 😛 –  JV

અજીત પવાર

ધિસ ઇઝ નૉટ અ નૅશનલ લૉસ જેમાં કૉમ્પ્ટ્રોલર ઍન્ડ અકાઉન્ટન્ટ જનરલે સરકારી સંસાધનોના વેચાણના ભાવ અને બજારભાવ વચ્ચેનો તફાવત કાઢીને સરકારી તિજોરીને થયેલા અબજો રૂપિયાના સંભવિત નુકસાનના તોતિંગ આંકડા બતાવ્યા હોય. નૅશનલ લૉસના આંકડા ગણતરીના આધારે કાઢવામાં આવ્યા હોય છે એટલે વાસ્તવમાં સરકારી તિજોરીને કેટલું નુકસાન થયું હોત અને થયું હોત કે કેમ એ વિશે શંકા રહે છે. ગણતરીના અનેક પ્રકાર છે અને વધુમાં ગણતરીમાં ભૂલ રહેવાનો સંભવ છે. અહીં જે લૉસની વાત કરવામાં આવી રહી છે એ નૅશનલ લૉસ નથી, ઍક્ચ્યુઅલ લૉસ છે. એનું કારણ એ છે કે આ ઉઘાડો ભ્રષ્ટાચાર છે, લૂંટ છે. આ ઘટના મહારાષ્ટ્રની છે.

મહારાષ્ટ્ર સરકારના સિંચાઈ વિભાગના વિજય પંઢારે નામના એક એન્જિનિયર ફકીરી જીવન જીવે છે. જે. કૃષ્ણમૂર્તિ અને વિપશ્યનામાં ઊંડી શ્રદ્ધા ધરાવતા પંઢારેએ પોતાના પુત્રને સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યો હતો અને અત્યારે તે ખેતી કરીને સ્વાશ્રયી જીવન જીવે છે. દુનિયાદારીમાં નિષ્ણાત લોકોની નજરે લગભગ ચક્રમ કહી શકાય એવા પંઢારેને મહારાષ્ટ્રના ભ્રષ્ટાચારીઓ અસ્થિર મગજના ઠરાવવાની કોશિશ કરી રહ્યા છે. ધૂની, સિદ્ધાંતવાદી, અવ્યવહારુ માણસને ગાંડો બહુ આસાનીથી જાહેર કરી શકાય છે. તથ્યોમાં ન જીતી શકાય તો બદનામ કરો અને બદનામ કરવા માટે કંઈ ન મળે તો ગાંડો જાહેર કરો. સૉક્રેટિસ અને ટૉલ્સ્ટૉયને આનો અનુભવ થઈ ચૂક્યો છે તો વિજય પંઢારે તો બહુ નાના માણસ છે.

રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટીના વિજય પંઢારે સભ્ય છે એટલે નદીઓ પરના બંધ અને નહેરો કેટલાં સલામત છે એ તેઓ સારી પેઠે જાણે છે. તેમણે ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રના રાજ્યપાલને, મુખ્ય પ્રધાનને તેમ જ સિંચાઈ વિભાગના સચિવને પત્ર લખીને જણાવ્યું કે સિંચાઈ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદે છે અને એને રોકવો જોઈએ. પત્રના ઉત્તરમાં તેમને પુરાવાઓ આપવાનું કહેવામાં આવ્યું. બધા પુરાવાઓ ભેગા કરીને પંઢારેએ ગયા મે મહિનામાં ૧૫ પાનાંનો બીજા પત્ર લખ્યો. એ પત્ર બૉમ્બવિસ્ફોટ જેવો હતો. પંઢારે ચૂપ રહે એ માટે શામદામદંડભેદના બધા માર્ગ અપનાવવામાં આવ્યા હતા. વિજય પંઢારે ટસના મસ ન થયા. ૧૫ સપ્ટેમ્બરે એ પત્ર મુંબઈના એક મરાઠી અખબારમાં છપાયો અને ૨૫ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના સિંચાઈ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન અજિત પવારે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું. અજિતદાદાના રાજીનામાને ચાચા-ભતીજા યુદ્ધ તરીકે, કૉન્ગ્રેસ- રાષ્ટ્રવાદી યુદ્ધ તરીકે, અજિતદાદા અને તેમની પિત્રાઈ સુપ્રિયા સુળે વચ્ચેના યુદ્ધ તરીકે ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હકીકતમાં તો આ કોઈ એક વ્યક્તિએ એકલા હાથે કરેલા સૌથી મોટા ભ્રષ્ટાચારનું પ્રકરણ છે. ભ્રષ્ટાચારના પ્રકરણ પર રાજકીય દાવનો લેપ ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આજે પણ કરવામાં આવી રહ્યો છે.

વિજય પંઢારેએ લખેલા ૧૫ પાનાંના પત્રમાં આપેલી વિગતો ચોંકાવનારી અને અકળાવનારી છે. નમૂના ખાતર થોડી વિગતો જોઈએ.

વિદર્ભમાં આવેલા ગોસી ખુર્દ બંધનું ભૂમિપૂજન ૧૯૮૨માં થયું હતું. અઢી લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો અને એ માટે ૩૭૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. ૨૦૦૮ સુધીમાં પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા, પણ કામ આગળ નહોતું વધ્યું. ૨૦૦૮માં બજેટ વધારીને ૭૭૭૭ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. ૨૦૧૧માં ફરી એક વાર બજેટ વધારીને ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને એમાંથી ૬૬૦૯ કરોડ રૂપિયાની ઠેકેદારોને ચુકવણી પણ કરી દેવામાં આવી છે. આટલા રૂપિયા ખચ્ર્યા પછી અઢી લાખ હેક્ટરમાંથી માત્ર ૧૫૮૨ હેક્ટર જમીનને જ પાણી મળી રહ્યું છે અને જે નહેર બાંધવામાં આવી છે એમાં ગાબડાં પડ્યાં છે.

લોઅર વર્ધા સિંચાઈયોજના ૧૯૮૧માં મંજૂર કરવામાં આવી હતી અને એના માટે ૪૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. યોજનામાં મામૂલી ફેરફાર કરીને અજિતદાદા પવારે બજેટ વધારીને ૨૩૫૬ કરોડ રૂપિયા યોજના માટે ફાળવ્યા હતા. આમાંથી ૩૭૩ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ૬૩,૩૩૩ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં એક સેન્ટિમીટર જમીનને પણ સિંચાઈનો લાભ નથી મળી રહ્યો.

બુલઢાણા જિલ્લામાં જિગાંવ સિંચાઈયોજના ૧૯૯૦માં મંજૂર કરવામાં આવી હતી. આ યોજનાથી ૧૦૧૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો અને ૩૯૪ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. અજિતદાદાએ યોજનામાં મામૂલી ફેરફાર કરીને આ યોજનાને ૪૦૪૪ કરોડ રૂપિયાની કરી નાખી હતી. આમાંથી ૭૪૭.૫૫ કરોડ રૂપિયા ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ સિંચાઈનો લાભ એક ઇંચ જમીનને પણ નથી મળ્યો.

યવતમાળ જિલ્લામાં લોઅર પેણગંગા સિંચાઈયોજના ૧૯૯૭માં મંજૂર કરવામાં આવી હતી. ૨ લાખ ૨૭ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો અને એ માટે ૧૦૪૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. અહીં પણ અજિતદાદાએ મામૂલી ફેરફાર કરીને યોજનાનું બજેટ વધારીને ૧૦,૪૨૦ કરોડ રૂપિયા કરી નાખ્યું હતું. ૨ લાખ ૨૭ હજાર હેક્ટર જમીનમાંથી એક ઇંચ જમીનને પાણી નથી મળ્યું.

અહીં નમૂના ખાતર ચાર જ યોજનાની વિગતો આપી છે. વિજય પંઢારેએ તેમના પત્રમાં આવી ૩૦થી વધુ યોજનાઓની પુરાવાઓ સાથે વિગતો આપી છે. તેમણે સૌથી ચોંકાવનારા પુરાવા લોઅર તાપી યોજનાના આપ્યા છે. તાપી પરના બંધનું બાંધકામ એટલું તકલાદી છે કે એ બંધ જ્યારે તૂટશે ત્યારે ખાનદેશમાં ૨૯ ગામડાંઓને તાણી જશે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી લઈને ગુજરાતમાં ઉકાઈ સુધીના તાપી નદી પરના જેટલા નાના-મોટા બંધ છે એને પણ નુકસાન પહોંચશે. એ હોનારત કેવી હશે એની કલ્પના કરતાં પણ શરીરમાં લખલખું પસાર થઈ જાય છે.

અધૂરી, કારણ વિના ઊપજાવી કાઢેલી, મામૂલી ફેરફારવાળી અને માત્ર કાગળ પરની વિવિધ સિંચાઈયોજનાઓની કુલ સંખ્યા જાણીને તમને આશ્ચર્ય થશે. આવી ૧૨૦૦થી વધુ યોજનાઓ છે અને એની પાછળ એક લાખ ૭૦ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી ૭૦ હજાર કરોડ રૂપિયા ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે. હજી ઊભા રહો. સિંચાઈનો લાભ કુલ કેટલી જમીનને મળ્યો છે એ જાણવું છે? નિર્ધારિત જમીનના ૦.૧ ટકા જમીનને. વિજય પંઢારે કહે છે કે ૭૦ હજાર કરોડ રૂપિયામાંથી ૩૫ હજાર કરોડ રૂપિયા વિવિધ પક્ષના નેતાઓ, ઠેકેદારો અને અધિકારીઓના ખિસ્સામાં ગયા છે.

સૌથી મોટા લાભાર્થી અજિતદાદા પવાર અને તેમના મળતિયાઓ છે. ૧૯૯૯થી ૨૦૦૯ સુધી અજિત પવાર સિંચાઈપ્રધાન હતા. સિંચાઈયોજનાઓના બજેટમાં ૧૦૦ ટકાથી ૧૦૦૦ ટકાનો વધારો તેમણે કર્યો છે. તેમણે આદેશ આપ્યો હતો કે એક કરોડ કરતાં વધારે રકમનું ટેન્ડર તેમની સહી વિના મંજૂર ન થવું જોઈએ. મૂળ ટેન્ડરમાં ઍડ્વાન્સ રકમ ચૂકવવાની જોગવાઈ ન હોવા છતાં તેમણે હજારો કરોડ રૂપિયા ચૂકવવાના આદેશ આપ્યા હતા. ઠેકેદારો પર અંકુશ લાદનારા કે તેમના કામનું નિયમન કરનારા કોઈ આદેશ કે એ પ્રકારના કોઈ સક્યુર્લર અજિત પવારની જાણ વિના કાઢવામાં ન આવે એવો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ દેશનો ભ્રષ્ટાચાર શિરોમણિનો ઇલકાબ જો કોઈને આપવો હોય તો અજિત પવારને જ આપવો રહ્યો. એ. રાજા અને સુરેશ કલમાડી ભ્રષ્ટાચારમાં અજિત પવારની સરખામણીમાં બહુ નાના પડે.

હવે કૉન્ટ્રૅક્ટરોની વાત. સૌથી મોટા લાભાર્થી બીજેપીના સંસદસભ્ય અજય સંચેતી છે. વિદર્ભના મોટા ભાગના કૉન્ટ્રૅક્ટ તેમની કંપનીઓને મળ્યાં છે. એક જ માણસને ત્રણથી વધુ કૉન્ટ્રૅક્ટ નહીં આપવાનો નિયમ હોવા છતાંય એક ડઝન જેટલા કૉન્ટ્રૅક્ટ તેમની કંપનીઓને મળ્યાં છે. તેમનું સૌથી મોટું કૌભાંડ આગળ કહ્યું એ ગોસી ખુર્દનું છે જેમાં ગાબડાં પડ્યાં છે અને એ નહેર કોઈ કામની નથી રહી. અજય સંચેતીનું નામ કોલસાકૌભાંડમાં પણ બહાર આવ્યું છે. વિદર્ભ, છત્તીસગઢ અને ઝારખંડમાં તેમનું સામ્રાજ્ય છે. અજય સંચેતી બીજેપીના પ્રમુખ નીતિન ગડકરી સાથે રહસ્યમય રીતે ગાઢ સંબંધ ધરાવે છે. ગોસી ખુર્દનું કામ પૂરું થઈ ગયું છે માટે તેમને તેમના કામનું મહેનતાણું મળી જવું જોઈએ એવી ભલામણ કરતો પત્ર નીતિન ગડકરીએ લખ્યો હતો. ડિટ્ટો પત્ર બીજેપીના પ્રકાશ જાવડેકરે લખ્યો હતો. થોડાઘણા ફેરફાર સાથે આવી ભલામણ કરતો એક પત્ર મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ લખ્યો હતો. આ ત્રણેય પત્રો અજય સંચેતીની ઑફિસમાં લખાયા હોવા જોઈએ જેના પર આપણા નેતાઓએ સહી કરી આપી હતી. અજય સંચેતી કેટલી પહોંચ ધરાવે છે એ આમાં જોઈ શકાય છે.

બીજા કૉન્ટ્રૅક્ટર છે સતીશ ચૌહાણ જે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાન પરિષદના સભ્ય છે. તેમને એક હજારથી વધુ કરોડના કૉન્ટ્રૅક્ટ મળ્યાં છે. ત્રીજા સંદીપ બજોરિયા છે જે પણ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાન પરિષદના સભ્ય છે. તેમને ૫૩૨ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ મળ્યાં હતા અને ચોથા મહાનુભાવ મિતેશ ભાંગડિયા છે જે બીજેપીના મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે. તેમને ૫૦૦ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ મળ્યાં હતા. આ ઉપરાંત બીજા સેંકડો નાના-મોટા કૉન્ટ્રૅક્ટરો છે. નેતાઓ, અમલદારો અને ઠેકેદારો મળીને ૩૫ હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરી ગયા છે.

શરદ પવાર ચૂપ છે. કદાચ તેમની પાસે બચાવ કરવા કોઈ દલીલ નથી. કદાચ તેઓ મનોમન રાજી હશે કે તેમની દીકરી સુપ્રિયા માટે માર્ગ મોકળો થઈ ગયો છે. શરદ પવાર કેન્દ્રના કૃષિપ્રધાન છે અને ખેડૂતોના હિતની રખેવાળી કરવી એ તેમનો ધર્મ છે. અજિત પવારે પક્ષને સાથે લઈને કાકા શરદ પવાર સામે મિની બળવો કરીને તેમને ચૂપ કરી દીધા છે. આમ પણ શરદ પવારની આબરૂ ભત્રીજા કરતાં વધારે ઊજળી નથી.

પ્રારંભમાં કહ્યું એમ આ નૅશનલ લૉસ નથી, ઍક્ચુઅલ લૉસ છે. આ લૂંટ છે અને ભારતના ઇતિહાસમાં થયેલી અભૂતપૂર્વ લૂંટ છે. સભ્ય સમાજની અને કાયદાના રાજની આજે કસોટી થઈ રહી છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાતના નરસંહારની તપાસ કરવા જેમ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરી હતી એવી ટીમ મહારાષ્ટ્ર સિંચાઈકૌભાંડની તપાસ માટે રચવી જોઈએ. રાજ્ય સરકારે શ્વેતપત્ર બહાર પાડવાની જાહેરાત કરી છે એ આંખમાં ધૂળ નાખનારી હશે. કૌભાંડીઓને ગુનેગાર ઠેરવીને જેલમાં મોકલવા જોઈએ. આ ટેસ્ટ-કેસ છે.

(લેખક : રમેશ ઓઝા )

વિજય પંઢારે

*પૂરક માહિતી –

આ લેખમાં : http://prasunbajpai.itzmyblog.com/2012/10/24-372-14000.html

અને અહીં : http://articles.timesofindia.indiatimes.com/2012-10-05/nagpur/34278291_1_wrd-minister-chief-engineers-ajit-pawar

# રમેશભાઈનો લેખ યથાતથ રાખ્યો છે, પણ કદાચ એમાં ૧૯૯૯થી અજીત પાવર સિંચાઇમંત્રી હતા એ વાક્ય ઉતાવળે લખાયું હોવાનો સંભવ મને લાગે છે, એટલે ધ્યાન ખેંચી લઉં છું. લેખમાં જ્યાં ‘નેશનલ લોસ’ ટાઈપ થયું છે, ત્યાં ‘નોશનલ લોસ’ હોવું જોઈએ, એવું સ્પષ્ટપણે લાગે છે.

 
37 Comments

Posted by on October 17, 2012 in india

 
 
%d bloggers like this: