RSS

Monthly Archives: September 2012

રજતપટ પર સુવર્ણકાવ્યો કંડારતા સર્જક યશ ચોપરા !

વર્ડપ્રેસ પર સાત દિવસ ઈમેજ અપલોડમાં પ્રોબ્લેમ રહ્યો, અને વિઝ્યુઅલ વિના કેટલીક પોસ્ટ મને નમક વિનાની રસોઈ જેવી લાગે એમાં એક વીકનો ફરજીયાત બ્રેક આવી ગયો. ખેર, આજે યશ ચોપરાના જન્મદિને સંગીતપ્રેમી સંશોધક પત્રકારમિત્ર રાજીવ વિજયકરનો આ તરણ આદર્શે મુકેલો આ અંગ્રેજી  લેખ વાંચવા જેવો છે, અને સાથોસાથ ૮ વર્ષ પહેલા લખેલો મારો આ ગુજરાતી લેખ જરા-તારા અપડેટ કરી મુકું છું. ૮૦ વર્ષ અને કારકિર્દીની આખરી ફિલ્મની પ્રતીક્ષા સમયે આ મહાન સર્જક અને પ્રેમના પયગંબરને યાદ કરવા આપણી ફરજ ગણાય. એમની ફિલ્મોનું એનાલીસીસ, મ્યુઝિક, એની સારી-નરસી અસર, ઉદયપ્રેમ, યશરાજ ફિલ્મ્સનો અમુક ફોર્મ્યુલામાં અતિરેક , નાયિકાને કવિતા બનાવી સિફોન સાડીમાં રજુ કરવાની એમની રંગીન દ્રષ્ટિ, જેવી  કેટલીય વાતો થઇ શકે. પણ પિયુષ મિશ્રાથી જયદીપ સાહની જેવી સાહિત્યિક ટેલન્ટસને બેસવાની ડાળ આપતા આ વડલાનું હોવું આપણા માટે કેવું અગત્યનું છે , બસ એની જ થોડીક વાતો આ લેખમાં છે. એમની વડવાઈઓ પર હિંચકા ખાઈ મોટા થયેલા ભાવક તરીકે…લેખના છેડે શાહરુખનો ઇન્ટરવ્યુ અને મારી પસંદગીના સાત ઓછા જાણીતા પણ માણવા જેવા રોમેન્ટિક યશ-ગીતો વિડીયો પર  ખાસ માણજો…

***

ગુજરાતની જ નહિ, ભારતભરની યંગ જનરેશન એક બાબતમાં ફૂલ્લી ફાલતુ સાબિત થાય છે. એ છે કલાસિકલ લિટરેચર. મોટે ભાગે જવાં વાચકો કશું વાંચતા નથી. વાંચે તો ય છાપાઓ જ વાંચે છે. વિશ્વસાહિત્ય કે પ્રાદેશિક સાહિત્યની અમર એવી જૂની રચનાઓનો આસ્વાદ લેતા નથી. ત્યારે નવતર પ્રયોગશીલતા અને નક્કર વાસ્તવિકતાના નામે વાતનું રીતસર ગૂંચવાડાભર્યું વતેસર કરવાની સ્ટાઈલ નહોતી. સર્જક ભાવકને કથા રસમાં તરબોળ કરી દેતો. વિશાળ ફલક, રંગબેરંગી પાત્રો, અદ્‌ભુત વર્ણનો, આંચકાજનક વળાંકો, હૃદયસ્પર્શી સંવાદો, અલંકારિક ભાષા, રસપ્રચૂર ઘટનાઓથી વાર્તાની એક ‘લાર્જર ધેન લાઈફ’ સૃષ્ટિ રચાતી.

માટે આજે ય ‘ડ્રામા’ આકર્ષે છે. કશીક નાટયાત્મકતા આંખોમાંથી દિમાગને ઝકઝોરી જાય છે! નવતર જગતને એ કદાચ ‘ભવાડા’ લાગે, પણ અંગત રીતે એમાં ય એક ‘ભવ્યતા’ લાગે છે. વાત છે કળાત્મકતાની… વાત છે વિકટર હ્યુગો કે ચાર્લ્સ ડિકન્સના કલાસની ડ્રામેટિક સેન્સીબિલીટીની!

સિનેમા એક ક્રિએટિવ સબ્જેકટ છે. લાખોનું માર્કેટિંગકરો, કરોડોની ટેકનોલોજી વાપરો… ફિલ્મ એક ખૂબસૂરત યુવતીની લાશ બનીને રહી જઈ શકે છે. અને લાશ સાથે મુહોબ્બત થઈ નથી શકતી! એનું તો વિસર્જન થઈ જાય છે! એ ખોળિયામાં આત્મા મૂકાય ત્યારે રૂપ સજીવન થાય છે. પછી એ સૌંદર્યના દીવાના બનીને ફના થઈ જવાનું મન થાય છે. ફિલ્મનો સર્જક કેવળ મેનેજમેન્ટ નથી કરતો, કેવળ અભિનય નથી કરાવતો… એનું કામ ઈશ્વરતુલ્ય છે. એ ફિલ્મમાં જાન ફૂંકે છે. પછી સિલ્વર સ્ક્રીન પર એક મેજીક પ્રગટે છે, જેમાં લોજીક પીગળી જાય છે. સવાલો પૂછવાને બદલે બસ, એક સંવેદનાના ઝરણા સાથે પ્રેક્ષક વહી જાય છે.

યસ, બચપણમાં ધાવણની જેમ ગટગટાવેલો કલાસિકલ ડ્રામા ૨૧મી સદી ની હાઈટેક દુનિયામાં ફરી અવતાર લે તો? લોકોની કમબખ્તી છે કે, આ વાતો એ પચાવતા નથી. આનંદથી છલોછલ મહાનવલકથાઓ એમને જૂનવાણી લાગે છે. લેખક તરીકે આવી વાર્તા – કવિતા વિશે ઝાઝું લખો તોય વાચકને એમાં રવા ઢોસાની ચટણી બનાવવાની રેસિપિ જેટલો રસ ન પડે, એ હકીકત છે. ભાવકોની ખફાગીરીનો ખૌફ સર્જકને રહેવાનો જ.

પણ આવે વખતે એક સેવન્ટી પ્લસ બૂઝૂર્ગ આ પડકાર ઝીલે, અને ડંકે કી ચોટ પર પોતાની કાબેલિયત પુરવાર કરે ત્યારે હૃદયમાં જાણે પીળા ફૂલોના બગીચા ખીલે છે. બરફીલા પહાડોની ઠંડક મળે છે. ગુલાબી સફેદ આસમાની સિફોનની સાડીઓ જાણે લહેરિયા બનીને ઉભરાય છે.

યુ ગેસ્ડ ઈટ રાઈટ! આપણે યશ ચોપરાની જ વાત કરીએ છીએ. બોલીવૂડમાં આજે ‘યશરાજ ઘરાના’ના સિક્કા પડે છે. ૧૯૩૨માં લાહોરમાં જન્મેલો આ ઈન્સાન જાણે મિટ્ટીનો નહિ, ગુલાબની પાંદડીઓનો બન્યો હોય એવો ખુશ્બોદાર છે. ૠજુહૃદયી છે. રોમેન્ટિક છે. એનું નામ પડે એટલે પબ્લિક ગ્રાન્ડ લોકેશન્સ અને ગ્લેમરસ કોસ્ચ્યુમ્સ સંભારે છે… સોફટ મ્યુઝિક અને સ્વીટ કેરેકટર્સ યાદ આવે છે. દુનિયામાં ૨૭માં નંબરે અને બોલિવૂડમાં પહેલા નંબરે બિરાજતું યશરાજ ફિલ્મ્સનું ધરખમ બેનર તાદ્રશ થાય છે. મેગાસ્ટાર્સ, મેગા મર્ચન્ડાઈઝિંગ, મેગા પ્રેઝન્ટેશન ! એક એકથી ચડિયાતી હિટ ફિલ્મો… આદિત્ય ચોપરા જેવો ભેજાબાજ યુવરાજ… છપ્પર ફાડીને વરસતો બોકસ ઓફિસ, આવરસીઝ મ્યુઝિક રાઈટસ, અને સેટેલાઈટ રાઈટસનો બિઝનેસ! એમાં એક ચોકલેટી રોમેન્ટિક ફિલ્મ બનાવવી કંઈ નવાઈની વાત નથી. યશરાજ ફોર્મ્યુલા એવી તો ચાલી છે કે કૃણાલ કોહલી જેવા નવોદિત દિગ્દર્શકો સપાટાબંધ ‘હમતુમ’ જેવી હિટ આપી શકે. ‘મેરે બ્રધર કી દુલ્હન’ થી ‘બેન્ડ બાજા બારાત’ જેવી કંઈ કેટલીયે કળીઓ આ ડાળી પર ફૂટ્યા કરે. તો પછી લેખક બેટો (આદિત્ય) અને દિગ્દર્શક બાપ (યશરાજ) એક મેઈડ ટુ ઓર્ડર વાનગી ચુટકી બજા કે પીરસી નાખે છે.

પણ યશ ચોપરા અમસ્તા જ બોલીવૂડના બાપુજી નથી. રાજીવ રાયથી સૂરજ બડજાત્યા અને કરણ જૌહરથી સંજય ભણશાલી, શાદ અલીથી સંજય ગઢવી અમસ્તા જ ‘યશ સ્કૂલના’ વિદ્યાર્થી ગણાતા નથી. આમ તો દીપક સરીન, કે નરેશ મલ્હોત્રા અને રમેશ તલવારના પણ એ ‘ગુરૂ’ છે. જુઓ ટીવી પર દરેક ફિલ્મના એક સરખા ‘ફીલ ગુડ’ પ્રોમો આવે છે. જાણે રોમેન્ટિક ફિલ્મ એટલે ફોરેન લોકેશન્સ, કેન્ડલ લાઈટ ડિનર, મ્યુઝિકલ નાઈટસ, થીમ પાર્કસ, મલ્ટીનેશનલ બ્રાન્ડસ, ટેડી બેર, મોબાઈલ, બાઈક, કાર, ગોગલ્સ, જેકેટ, ડેનિમ, શોર્ટસ, ટીશર્ટસ – મિનિ સ્કર્ટસ, કીચેઈન, એકસેસરીઝ, પર્સ, હાથ મિલાવવાથી બાસ્કેટબોલ રમવા સુધીના નખરા, પેરન્ટસની ફાઈટ… હેપી મેરેજ ! આ બઘું કંઈ ખોટુ છે એમ નથી પણ આ બઘું જ અનિવાર્ય બની જાય એ ખોટું છે. ખુદ યશ ચોપરાએ ‘દિલ તો પાગલ હૈ’માં એમને ગુરૂ માનતા જુવાન દિગ્દર્શકો સાથે સફળ હરિફાઈ કરી બતાવેલી. આજે ય ફ્રેશ લાગે એવી ટ્રેન્ડી લૂક સાથેની આ ફિલ્મમાં મ્યુઝિક બેન્ડ થી ફ્રેન્ડશિપ બોન્ડ સુધીની ‘હિપ હોપ’ વાતો હતી. વેલેન્ટાઈન્સ ડેના હાર્ટ બલૂન્સ અને ફેશનેબલ ડ્રેસીસ હતા. ‘ધેર ઈઝ સમવન ફોર એવરીવન’ વાળી એક લીટીની જમાના જૂની થીમને પ્રિયજનને ઓળખવા માટે સંકેતો પાખવા (જોડીયાં ઔર ઘંટીયાવાળી વાતો યાદ છે?) ની ચાસણીમાં ઝબોળી હતી.

પણ યશ ચોપરા પહેલેથી જ દિમાગને બદલે દિલનો પોકાર સાંભળતા આવ્યા છે. એમનો પ૦થી વધુ વર્ષોના પહોળા પને પથરાયેલો અફલાતુન કેરિયરગ્રાફ જુઓ! આ માણસે વારંવાર ચીલો ચાતર્યો છે. ઘણું બઘું પહેલી વાર કરી બતાવ્યું છે. ધંધાકીય આપઘાતનું જોખમ ઉઠાવીને કશુંક અલગ કરવાની હામ ભીડી છે. માત્ર ૨૬ વર્ષની ઉંમરે લગભગ અડધી સદી પહેલા એમણે ‘ઘૂલ કા ફૂલ’ ફિલ્મથી બડે ભૈયા બી.આર. ચોપરાના હાથ નીચે એન્ટ્રી કરેલી. એ જમાનામાં લગ્ન વિના જન્મેલા બાળકનો મુદો ઉઠાવી ‘‘ઔલાદ નહિ પણ મા-બાપ નાજાયઝ હોય, છે’ વાળી વાત કરેલી. આજે ય આ કોનસેપ્ટ પડકારરૂપ છે. પછી ‘ધર્મપુત્ર’માં મુસ્લીમ મા-બાપનો દીકરો હિન્દુ મા-બાપને ત્યાં ઉછરે છે, અને કટ્ટર હિંદુ  કોમવાદી બની જાય છે – મુસ્લીમોનો વિરોધ કરતા કરતા પોતાની હકીકત જાણીને મૂંઝાય છે… એવી આજની તારીખે ‘હોટ’ ગણાય એવી વાર્તા એમણે પસંદ કરેલી!

જો કે, યશ ચોપરા સ્ટાર ડાયરેટર બન્યા ‘વકત’ થી! શાહરૂખપ્રિય અઝીઝ મિર્ઝાના પિતા અખ્તર મિર્ઝાની લખેલી આ ફિલ્મથી (મનમોહન દેસાઈથી પહેલા) બોલીવૂડે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ ફોર્મ્યુલાનો નવો સ્વાદ ચાખ્યો. જેમાંથી બાદમાં ‘યાદોં કી બારાત‘થી ‘અમર અકબર એન્થની’ સુધીની મિજબાની થઈ! આદમી ઔર ઈન્સાન’ લંબાઈ જતા ટાઈમ પાસ માટે (‘લેમ્પ પોસ્ટ મર્ડર’ પરથી બનેલુ) ગુજરાતી નાટક ‘ઘુમ્મસ’ જોયું, અને ૭ દિવસમાં સ્ક્રીપ્ટ રેડી કરી ૨૮ દિવસમાં શૂટિંગ પુરૂં કરી બનાવી ફિલ્મ ‘ઈત્તેફાક’! રામગોપાલ વર્મા જયારે કદાચ ઘોડિયામાં હશે ત્યારે ગીત વિનાની, ઈન્ટરવલ વિનાની માત્ર બે કલાકની આ કલર ફિલ્મ બની! બાકી, ‘દીવાર’ ‘ત્રિશૂલ’ કે ‘ડર’ વિશે તો લખવું પડે એ ય યશ ચોપરાનું અપમાન કહેવાય! જો યશ ચોપરાએ દીવાર બનાવી ના હોત, તો અમિતાભ શું છે એ ખુદ બડે બચ્ચનને પણ પૂરી ખબર ના પડત. સલીમ જાવેદની સ્ક્રિપ્ટ ‘દીવાર’ થકી અમર ના બની હોત. (વર્ષો બાદ કોઈ કમ નહોતું ત્યારે અમિતાભ યશ ચોપરા પાસે સામે ચાલી ઘેર ગયેલો અને યશરાજે ત્યારે નબળા ફેઝ્માથી પસાર થતા આ મેગાસ્ટારને ‘મોહબ્બતેં’ માટે કેબીસી પહેલા સાઈન કરેલો !)

ખુદ યશજી જ કબૂલ કરે છે કે, ઘણી વાર સફળતાના મદમાં, ઘણી વાર કોમર્શિયલ સમાધાનો માટે એમનાથી નબળી કૃતિઓ બની છે. જોશીલા, પરંપરા, ફાસલે, વિજય, કાલા પથ્થર જેવી મલ્ટીમલ્ટી સ્ટારર ફિલ્મોના ડાયરેકટર હોવા કરતા તો નાખુદા, નૂરી, દૂસરા આદમી, આઈના, યે દિલ્લગી, મેરે યાર કી શાદી હૈ, સાથીયા, ચક દે ઇન્ડિયા, રોકેટ સિંહ, બદમાશ કંપની, લેડીઝ વર્સીસ રિકી બહેલ  જેવી ફિલ્મો કે ‘ખઝાના’ જેવી સિરિયલ્સના પ્રોડયુસર તરીકે ઓળખાવું સારૂં! પણ એમની ફલોપ ફિલ્મોમાં પણ વાર્તા તો જરા જૂદી હોય જ! છતાં ય, મૂળભૂત રીતે યશ ચોપરા ઈઝ મેન ઓફ રોમાન્સ. બળવાખોરી અને ક્રોધના લાલ રંગ કરતાં ચાહત અને બલિદાનનો ગુલાબી રંગ એમને વઘુ ગમ્યો છે.

માટે સ્તો પોતે ફેરવી નાખેલા અંતને લીધે ફલોપ ગયેલી ‘સિલસિલા’ હજુય સાંપ્રત (રિલેવન્ટ) લાગે છે. અને માટે જ યશરાજ ફિલ્મ્સના સ્વતંત્ર બેનરની પહેલી જ ફિલ્મનો પોતે ન ફેરવેલો અંત આજે ય આઘુનિક લાગે છે! થોમસ હાર્ડીની ‘મેયર ઓફ કાસ્ટારબ્રિજ’ પરથી ગુલશન નંદાએ લખેલી ‘દાગ’માં પોતાને પ્રેમ કરતી બે સ્ત્રીઓ સાથે પુરૂષ સત્તાવાર રીતે જાહેરમાં સાથે રહે છે! લગ્ન પ હેલા દરેકને ભૂતકાળ હોય, પણ એની સાથે સમાધાન કરી લગ્ન પછી વર્તમાનમાં જીવનાર વઘુ સુખી રહી શકે એ બતાવતી ફિલ્મ ‘કભી કભી’ની ક્રાફટસમેનશિપ તો માત્ર ટાઈટલ સોંગના પિકચરાઈઝેશનમાં જ આવી જાય! હિન્દી ફિલ્મોમાં ઈરોટિક સુહાગરાત સોંગ્સનો ટ્રેન્ડ શરૂ કરનાર આ ગીતમાં રાખી સતત પ્રેમી અમિતાભને કલ્પે છે, અને માટે જ છેક છેલ્લે સુધી પતિ શશી કપૂર એના ચહેરા સામે જોઈ ન શકે એવા કેમેરા એંગલ છે!

મુંબઈની દીવાલો પર માત્ર બંદૂકના જ ફિલ્મી પોસ્ટર્સ જોઈને ચોંકી ઉઠેલા યશ ચોપરાએ ‘આ અબ લૌટ ચલે’ સ્ટાઈલમાં ધડાધડ ફલોપ જતી એકશન ફિલ્મો છોડીને કાવ્યાત્મક લવસ્ટોરી બનાવવાનો નિર્ણય કર્યો અને યુગપ્રવર્તક ‘ચાંદની’નો શીતળ પ્રકાશ રેલાયો! ‘ચાંદની’નું મહત્વ એ કે સંવાદો અને રજુઆતની રીતે એ જાણે આર્ટસ કોલેજની માસ્ટર્સ ડિગ્રીમાં ભણાવાતી કવિતા જેવી હતી. વળી ટીનએજ લવને બદલે પરિપકવ પ્રેમના ઉતાર – ચડાવ તેમાં હતાં. હવે યશ ચોપરાએ પ્રેમનો નવો અને ખરો ખલનાયક શોધી લીધો: ડેસ્ટિની! નિયતિ! આજની તારીખે પણ એમની શ્રેષ્ઠ ફિલ્મ ‘લમ્હે’ ગણાય, એના અનેક કારણોમાંનું એક કારણ એ કે, મોટી ઉંમરની સ્ત્રી નાની ઉંમરનો પુરૂષ તથા નાની ઉંમરની સ્ત્રી અને મોટી ઉંમરના પુરૂષની પ્રેમકથા કદી એકસાથે એક જ વાર્તામાં વિચારી શકાય ખરી?

વિચારી ન શકાય એવું કશુંક જયારે પડદા પર સર્જાય ત્યારે સિનેરસિકને સુખદ આશ્ચર્યનો આંચકો લાગતો હોય છે. યશ ચોપરાની ઉંમરના મોટા ભાગના મહાન ડાયરેકટર્સ કાં તો નિવૃત્ત થઈ ગયા છે, કાં તો બદલાતા સમયે એમને નિવૃત્ત કરી દીધા છે. પણ યશ ચોપરા આજે પણ જનરેશનનેકસ્ટ સાથે કનેકટ થઈ શકે છે. એના ત્રણ કારણ છે: એક તો, આ માણસે પરંપરાઓ છોડીને નવું નવું શીખતાં સમજતાં માણતા રહેવાનું ખુલ્લું મન રાખ્યું છે. પોતાના દોસ્ત એમ.એફ. હુસેન (જેની ‘મીનાક્ષી’ એમણે રિલિઝ કરેલી) ની જેમ આ માણસ ખરેખર હિન્દુસ્તાનભરના મોક્ષપ્રેમી નીરસ બૂઢ્ઢાઓ માટે તાજગીની મિસાલ છે. ‘અભી તો મૈં જવાન હૂં’ બોલવાને બદલે જવાનોના દિલની ધડકનો મહેસૂસ કરીને યશજીએ યૌવન ટકાવી રાખ્યું છે. બીજું, યશ ચોપરા ફિલ્મ અંતરના અવાજના ઝનૂનથી બનાવે છે. સૌથી પહેલા એ વાર્તા પર ઘ્યાન આપે છે. શબ્દ અને વિચારનો સુવર્ણયુગ નરી આંખે નિહાળ્યો હોઈને એ પોતાના વિષયમાં લાગણીઓનું ઉંડાણ બતાવી શકે છે. ત્રીજું કારણ એમનો પાટવી કુંવર આદિત્ય ચોપરા છે. જે આજે પિતા માટે નવી ટેકનીક અને માર્કેટ જાણવામાણવાનું માઘ્યમ છે. અને લેખક પણ!

અને માટે જ આદિત્ય ચોપરા એક સ્ક્રીપ્ટ લખ્યા પછી બાપને કહી શકે છે: આને પડદા પર ઉતારવાનું મારૂં ગજુ નથી, એ તમે કરી શકશો! અને રજુઆત પહેલા જ હાઈપને લીધે હિટ થઈ ગયેલી ‘વીરઝારા’ બને છે! પહેલી નજરે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’થી ‘ખુદાગવાહ’ વાયા ‘ગદર’ અને ‘આશીર્વાદ’ (જૂનું) સુધી જતી વાર્તા યશરાજ સ્ટાઈલનું રિમિકસ વર્ઝન લાગે. ધીમી ગતિની વાર્તામાં ‘સેફ બેટ’ની પ્રપોઝલથી ઈન્સ્ટંટ સકસેસ રોકડી કરવા બનાવાયેલ આ ફિલ્મ લાગે. યશ ચોપરાની ટ્રેડ માર્ક પાત્ર વરણી અને એકની એક સિચ્યુએશન્સનું કંટાળાજનક પુનરાવર્તન લાગે.

પણ ‘વીરઝારા’માં માત્ર મદનમોહનના મૃત્યુ પછી ગીતો જ સજીવન નથી થયા, ‘કલાસિક કલાસિકલ ડ્રામા’ નો મૃતદેહ પણ જાણે આળસ મરડીને બેઠો થયો છે! પ્રેમ યશજીનો જ નહિ, સમગ્ર માનવજાતનો પ્રિય વિષય છે. કોઈ મનોચિકિત્સક કે અઘ્યાપકને ભૂ પાઈ દે એવી રીતે શુઘ્ધ શ્વેત પ્રેમના કિરણમાંથી નીકળતા મેઘધનુષી રંગોના શેડસ દાયકાઓથી યશ ચોપરાએ ગૂંથીને ઉર્મિઓના તાણાવાણા ગૂંથ્યા છે. યશ ચોપરા હિન્દુસ્તાનના ‘લવ ગોડ’ છે – આખી એક પેઢી પ્રેમનો મર્મ કવિતાઓ કે નિબંધોને બદલે એમની ફિલ્મોની ફિલસૂફીથી શીખી છે. ફાસ્ટ લાઈફમાં લવ જયારે સેકન્ડ ચોઈસ છે, ત્યારે યશ ચોપરાએ હિંમતપૂર્વક ઈશ્કની એક નવી (ખરેખર તો જૂની અને જાણીતી) ઊંચાઈ ‘વીર-ઝારામાં નજાકત ભરી નસીહત સાથે બતાવી હતી: તેન ત્યકતેન ભૂંજીથાઃ ત્યાગીને ભોગવી જાણોનું ઉપનિષદવાકય અહીં મૂર્તિમંત થાય છે! પ્રેમમાં સમર્પણ ઉપરાંત કમિટમેન્ટ જોઈએ. જે આપોઆપ એક જવાબદારી લઈ આવે છે. આદર્શ પ્રેમ કોઈ ગણત્રી કે અફસોસ વિના પ્રિય સ્વજન માટે ‘સ્વ’ને ઓગાળી ત્યાગી બનવાની તપસ્યા શીખવે છે!

જનમોજનમના પ્રેમની વાતો કરનારા વરસો સુધી પણ રાહ જોઈ શકતા નથી. ઈશ્ક માટે ઘર છોડી દેનારા પોતાની કારકિર્દી કે પહેચાન સાથે છૂટાછેડા લઈ શકતા નથી. ભલે, એ બધા ય પ્રેમી- પ્રેમિકાઓ હશે પણ લીજેન્ડ યાને દંતકથામય પ્રેમ અવાસ્તવિક હોય છે. એથી જ તો એ સલામીને પાત્ર છે. ભારત- પાકિસ્તાનના બેકડ્રોપનો ઉપયોગ ‘હીના’થી ‘દીવાર’ સુધી એક ટેન્શન ઉભું કરવામાં થયો છે. પણ યશ ચોપરાની કમાલ એ છે કે, એમના પાત્રોના સંઘર્ષને એક નવું પરિમાણ, વઘુ તીવ્રતા આપવા માટે આ બેકગ્રાઉન્ડ એમણે લીઘું છે! ૨૦૦૪માં  ખેતર, ગામડા, સાયકલ, મુસ્લીમ સોશ્યલ બેકગ્રાઉન્ડના ટ્રેડિશનલ વસ્ત્રો અને ટ્રેજીક પ્રૌઢ પાત્રો સાથે મેઈન સ્ટ્રીમ કોમર્શિયલ લવસ્ટોરી બનાવવાની ત્રેવડ બીજા કોઈમાં હતી? બધી જ અનુકૂળતા છતાં કલાઈમેકસમાં દિલધડક થ્રીલ્સને બદલે દિલચસ્પ પોએટ્રી મૂકવાની કોમળતા કોઈમાં રહી છે?

માટે યશ ચોપરાના હાથે સુપરસ્ટાર્સ ઘડાય છે. માટે ૮ ભાઈભાંડુમાં સૌથી નાનો આ ભાઈ આજે સૌથી મોટો હયાત અને ૮૦ વર્ષે પણ સક્રિય દિગ્દર્શક છે. પોતાનાથી ચોથી પેઢીની કેટરીના અને અનુષ્કા, ગુલઝાર અને રહેમાન સાથે શાહરુખની ‘જબ તક હૈ જાન’ બનાવે છે. ભારત નામનો દેશ સંસ્કૃતિની નારાબાજી વિના, આઘુનિક સ્વરૂપે એની રગરગમાં છલકાય છે. શોમેન રાજકપૂર અને યશ ચોપરા વચ્ચે ઘણી સમાનતા છે: બંને પંજાબી, બંને સંગીતની સૂઝવાળા, બંને ડ્રામેટિક ફિલ્મોના સર્જક, બંનેનું બ્રાન્ડ નેમ, બંને અભિનેત્રીઓને ઘ્યાનમાં રાખી ફિલ્મ બનાવે, બંને લાંબી ઈનિંગ રમી જાણે પણ રાજ કપૂર પાસે સોશ્યલ કોમેન્ટ હતી, યશ ચોપરા પાસે ઈમોશનલ કોમેન્ટ છે. હી ઈઝ આર્ટિસ્ટ ફ્રોમ હાર્ટ, ફોર હાર્ટ!

સોરી, સાહિત્ય શિરોમણિઓ… ભારતનું ઓડિયન્સ પ્રેમ પરના તમામ વ્યાખ્યાનો – પુસ્તકોને બદલે યશ ચોપરાના એરકન્ડીશન્ડ કલાસરૂમને ‘હાઉસફૂલ’ કરતું રહે છે! ચોપરા પિતાપુત્ર કેમેરાને બોલવા દે છે, જીભને નહિ ! છતાંય, માસ્તર વિદ્વાન છે, માટે જનતા ય કદરદાન છે. હા, ચોકલેટ સ્યુગર કોટેડ રોમાન્સનું કોટિંગ  દીવાર- મશાલના ખડકાળ સર્જક પર ચડી ગયું છે ! પરંતુ આ માણસ છે ત્યાં સુધી ‘સ્પંદન’ નામનો શબ્દ ભારતમાંથી ભૂંસાવાનો નથી!

ફાસ્ટ ફોરવર્ડ

આજે  જીવનના કુલ ૬૦ વર્ષ  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાઢનાર યશ ચોપરા ૮૦ વર્ષના થયા એના માનમાં શાહરુખખાને લીધેલો એમનો આ બે કલાક લાંબો તાજો અને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ સમય કાઢીને અચૂક માણો અહીં વિડીયો પર…

#

અને એ જવાન મિત્રો જેમણે હજુ દીવાર જોયું નથી, અને ફિલ્મના શોખીન હોવાના ભ્રમમાં છે 😉  એમના માટે આ રહ્યું એ અદભૂત ક્લાસિક 🙂

#

અને એક અભિનદન-અંજલિ સંગીતસમ્રાટ દિગ્દર્શક યશ ચોપરાને એમના ખજાનામાંથી મને બહુ ગમતા સાત ઓછા જાણીતા પણ બેહદ રોમેન્ટિક  ગીતો ગણગણીને…એક વાર સાંભળશો તો કાનમાં ગુંજતા જ  રહેશે એની ગેરંટી…

*

***

 
27 Comments

Posted by on September 27, 2012 in art & literature, cinema, feelings

 
 
%d bloggers like this: