RSS

Daily Archives: September 19, 2012

કરોડપતિ નહિ, ગણપતિનું જ્ઞાન આપતી ક્વીઝ !

કૃષ્ણ, હનુમાન, શિવ, રામની હારોહાર ભારતમાં મોસ્ટ પોપ્યુલર પાંચમા ભગવાન હોય તો એ છે – આપણા લાડકા દુંદાળા દુઃખભંજણા ગૌરીપુત્ર ગણેશ ! મરાઠીમાંથી ગુજરાતી નાટકોનું ઘોડાપુર આવી ચડ્યું, એમ મહારાષ્ટ્રમાં ભલે ગુજરાતી નામ લાગેલા પાટિયાં પર કૂચડો ફેરવી દેવાય, સર્વસમાવેશક જાતિ ગુજરાતી મહારાષ્ટ્રમાંથી ગણેશોત્સવ પણ લઈ આવી છે ! આવું જ ચાલ્યું તો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં સમર વેકેશનને બદલે મોન્સૂન વેકેશન શરૂ થઈ જશે ! પાંચ દિવસ જન્માષ્ટમીના દસ દિવસ ગણેશોત્સવના, નવ નોરતાને એક દશેરાના દસ દિવસ તો ખરા જ, અને પછી દિવાળીની છુટ્ટીઓ ! કામ ન કરવાના અને મોજ મનાવવાના આપણને તો બહાના જ જોઈતા હોય છે !

ગણપતિઉત્સવની ઇન્ટરેસ્ટિંગ બાબત બાજુવાળાને બતાડી દેવાના શક્તિપ્રદર્શન માટે ઉભા થતાં નિત્યઘોંઘાટિયા પંડાલો નથી. પોલિટિકલ માઈલેજ મેળવવા કે બિઝનેસ કનેક્શન બનાવવા માટે થતી ભવ્ય આરતી-પ્રસાદની મહેફિલો નથી. એ છે, ભગવાનને ઘેર બોલાવવાની મસ્ત મજાની વાત. જેમાં કોઈ દોસ્તાર કંપની આપવા રોકાવા આવે, અને ઇશ્વરીય ચૈતન્યને ઘેર માનભેર બોલાવી, એની સંગાથે રમતા-જમતા એને ભાવભીની વિદાય આપવાની ! ધેટ્‌સ સમથિંગ સેન્ટિમેન્ટલી કલ્ચરલ !

સારું છે, ગણેશ છે, તો ગુજરાતમાં વેલણના ટોપકાંથી નાનકડાં ટોચા કરેલી ભાખરી કે કરકરા લોટના મૂઠિયાંમાંથી બનતા ચુરમાના લાડવા જીવંત છે ! બાકી બેસ્વાદ ફિક્કી કાજુની મોંઘીદાટ મીઠાઈઓ સામે ગ્રામીણ ઉત્સવો સિવાય શહેરી બર્થડે પાર્ટી, રિસેપ્શન કે સ્વીટ શોપ્સમાં અને ચોખ્ખાં ઘી અને દેશી કથ્થાઈ ગોળની સોડમદાર પાઈમાં બદામકતરી, ખસખસ, કિસમિસ, એલચી મેળવેલા ગોળમટોળ ગરમાગરમ ઘીથી લચપચતાં લાડવા તો ગાયબ જ થઈ ગયા છે ! મહારાષ્ટ્રમાં તો વિધ્નેશ્વરના પ્રિય મોદક ચણાના લોટ કે બૂંદીમાંથી બને છે.

તો ગણેશ ઘેર આવે, તો ચુરમાના લાડવા પેટમાં આવે ! પણ ભક્ત ભગવાન પાસે જાય, એને બદલે ભગવાન મહેમાન થઈને રોકાવા ઘરે જ આવી જાય, એ બહુ લવલી લવલી રિચ્યુઅલ છે. ગણપતિ એમાં જ વઘુ પોપ્યુલર થઈ ગયા છે. ભલે એમણે કોઈ ભગવદ્‌ગીતા જેવું દર્શન ગાયું ન હોય કે રામાયણ જેવા મહાકાવ્યની ઘટનાનો એ હિસ્સો ન હોય – ગણેશની અવનવી પૌરાણિક દંતકથાઓ (લિટરલી ‘દંત’ કથા જ ને !) જગતભરમાં પોપ્યુલર છે. અનેક ભારતીય ચિત્રકારોએ એના ફોર્મને ભારે વહાલથી લાડ લડાવ્યા છે ! પીંછીથી અને આ લેખ સાથે છે એમ કોમ્પ્યુટરથી પણ ! ભારતમાં ગણેશની બેસ્ટસેલિંગ ડિજીટલ પ્રિન્ટસનું ક્રિએશન કરનાર એક ગુજરાતી જુવાન ગીરીશ ચૌહાણના કલેક્શનને માનવું એક લ્હાવો છે !

સલમાનખાન જેવા સ્ટારના સાચા અર્થમાં સેક્યુલર ઘરમાં એન્ટ્રી થાય તો વિશાળ ગણેશ જોવા મળે, અને ઘેર ગણપતિ હોય ત્યારે એપાર્ટમેન્ટના દરવાજાથી ફલેટના બારણા સુધી ફુલોની સજાવટ હોય ! (એમાં તો એક જડમુલ્લાએ એના પર ફતવો આપેલો !) ગરીબ માણસો ઉધારી કરીને છપાવેલી દીકરીના લગ્નની કંકોત્રીમાં પણ ગણપતિ હાજરાહજૂર છપાયા હોય ! એક નાનકડી મિત્રપુત્રી તો સુતી વખતે ટેડી બેર નહિ પણ ડિઅર હનુ અને ડીઅર ગનુના સોફ્‌ટટોયઝ લઈને પરીઓના દેશમાં જાય છે ! હનુ એટલે હનુમાન અને ગનુ એટલે ગણેશ ! (કોન્વેન્ટિયા ઉચ્ચાર મુજબ ‘ગણેશા’ નહિ ! એ ચોરી કરવા માટે દિવાલ તોડવામાં વપરાતા હથિયાર ગણેશિયા જેવું લાગે !)

સો ગણેશ ઇઝ એવરીવ્હેર. કૌન બનેગા કરોડપતિની પણ નવી સીઝન અમિતાભના ડિઝાઈનર ડ્રેસીસ સાથે જોરમાં છે. અને હજુય એમાં માયથોલોજીના ક્વેશ્ચન્સમાં દાંડી ડૂલ થઈ જાય છે. જે ભારતીય વારસાનો પેલિકની ચાંચ જેવું ગળું ફુલાવીને આપણે ગોકીરો કરીએ છીએ (ગોકીરો શબ્દ પણ ગાય પરથી આવ્યો હશે ?) એ વિશે આપણું અભ્યાસવિહીન અગાધ અજ્ઞાન બ્લેક હોલની સ્પર્ધા કરે એવું હોય છે. તો આવો રમતિયાળ એવા ગણપતિ સાથે જોડાયેલા કેટલાક સહેલા કેટલાક અઘરા રેન્ડમ સવાલોની ક્વીઝ માટે….

ગેટ, સેટ એન્ડ ગો !

(૧) ગણેશના જન્મ અંગે અવનવી કથાઓ છે. શિવ-પાર્વતીના બીજા સંતાનના જન્મ વખતે ઉત્સવમાં આવેલા શનિની નજર પડતા એ બાળકનું મસ્તક છેદાઈ ગયું અને ગજેન્દ્ર મોક્ષ કરનારા વિષ્ણુએ હાથીનું મસ્તક લગાવી દીઘું. ગજાસુર નામનો હાથીના આકારનો અસુર શિવભક્ત હતો અને એના તપથી પ્રસન્ન ભોળા શંભુએ એના પેટમાં રહેવાનું વરદાન આપી દીઘું ! પાર્વતીએ પતિને પાછા મેળવવા વિષ્ણુની સહાય માંગી. વિષ્ણુએ વાંસળીવાળાનું રૂપ ધારણ કર્યું અને શિવના બળદ નંદીનું નૃત્ય ગજાસુર સમક્ષ કર્યું. ખુશ થયેલા અસુરે ‘ચાહો તે માંગવાનું’ કહ્યું અને વાંસળીવાળાએ શિવની મુક્તિ માગી. બંને દેવતાઓને ગજાસુરે પોતાનું કલ્યાણ કરવાની પ્રાર્થના કરી એ શિવે એને પોતાના પુત્રના મસ્તકમાં સમાવી લેવાનું વચન આપ્યું. હાથીઓની રતિક્રિડા નીરખીને શિવ-પાર્વતીએ પ્રણયક્રીડા કરી હોવાની કથા ય છે. અલબત્ત, વઘુ જાણીતી શિવપુરાણની કથા છે. પાર્વતીએ સ્નાન પહેલા પોતાના અંગ પર લગાડેલા લેપમાંથી એકલતા દૂર કરવા એક પુત્ર ઘડ્યો, જે નહાતી માતાની ચોકીદારી કરતો હતો, ત્યારે તપસ્યા બાદ આવેલા શિવને ઓળખી ન શક્યો. ફરજપાલનના ભાગરૂપે શિવને રોકતા ક્રોધથી શિવે ત્રિશૂળથી એનું મસ્તક છેદ્યું. હકીકતની જાણ થતાં પાર્વતીને ખાતર ગણોને જે પ્રથમ દેખાય એનું મસ્તક લઈ આવવાનો આદેશ કર્યો અને ભૂતગણો હાથીનું મસ્તક લઈ હાજર થતા ગણ-પતિને ગજમસ્તક મળ્યું. વેલ, લાંબીલચ કથાના અંતે સવાલ ટૂંકોટચ: પાર્વતી ગણેશના સર્જન સમયે કયો લેપ ત્વચા પર લગાડતા હતા ?

(૨) શુભકાર્ય માટે લેવાતા ગણેશના નામોમાં જાણીતું (અને દેખીતું !) નામ છે – એકદંત. ગણપતિનો ઉંદર સાપથી બીવે, અને એમનો  એક હાથીદાંત ખંડિત છે. ગણપતિનો સર્પથી ગભરાતા મૂષકવાહન પરથી એ ગબડી પડ્યા, એ જોઈ ચંદ્ર ખડખડાટ હસ્યો એટલે સર્પને કમ્મરે બેલ્ટ તરીકે વીંટાળી ગણપતિએ એક દાંત તોડીને ચંદ્રને બે હિસ્સામાં કાપી સુદ-વદ, પૂનમ-અમાસનું સર્જન કર્યું એની બાળબોધકથા છે. પરશુરામે એક દાંત પોતાની ફરસીથી કાપ્યો હોવાની પણ વાત છે. પણ સૌથી માનીતી કથા એ છે કે, પોતે મુકેલી એક શરતનો ભંગ ન થાય એ માટે ગણેશે જાતે પોતાના ઉપયોગમાં લેવા એક દાંત તોડ્યો ! કઈ શરત ? કયું કાર્ય ?

(૩) ભાદ્રપદ (ભાદરવા) શુકલ ચતુર્થી (સુદની ચોથ)થી અનંત ચતુર્દશી (ચૌદસ) સુધી ચાલતો ગણેશોત્સવ મહારાષ્ટ્ર સાથે શિવાજી અને પછી પેશ્વાઓના સમયથી ઘેર ઘેર જોડાયો.પણ ૧૮૯૩માં આઝાદીની લડતમાં સર્વેજન સમાજ એકઠો થાય અને બ્રાહ્મણોના એકાધિકારમાંથી મુક્ત થઈ, અન્ય વિખૂટી પડેલી હિન્દુ પ્રજા પોતાની સંસ્કૃતિ સાથે જોડાય – જેની મદદથી આઝાદીની ચળવળ ઉભી કરી શકાય, એ માટે બ્રિટિશ રાજની સામે મોરચાબંધી તરીકે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત થઈ. રાષ્ટ્રવાદી વ્યૂહરચનાના ભાગરૂપે ગણેશોત્સવનું આજ દિન સુધી લોકપ્રિય સ્વરૂપ ઘડી કાઢનાર નેતા કોણ હતા ?

(૪) ગણપતિની દૂધ પીતી મૂર્તિએ ગામ ગાંડું કર્યું હતું યાદ છે ? ભલે કોઈ છોકરાઓને દૂધ ન આપે, પણ મંદિરમાં ઠાલવી દે ! (દૂધ પીવડાવીને પછી ભારતવર્ષમાં કોઈ વિધ્નો ટળ્યા હોય એવું તો પવારથી કસાબ સુધી કંઈ લાગતું નથી !) જાતભાતની ડિબેટ અને સાયન્સ વર્સીસ અંધશ્રદ્ધાનો અખાડો બની ગયેલ આ મામલા જેવો જ વિવાદ જગતમાં અન્ય એક પવિત્ર મનાતા પૂતળાઓએ જૂદી રીતે વર્ષોથી જન્માવેલો છે ! એ કઈ કોન્ટ્રોવર્સી છે ?

(૫) ઉત્તર પ્રદેશના બાંદા જીલ્લામાં રિમિયાન પાસે કે મઘ્ય પ્રદેશમાં ભેડાઘાટ પાસે કે રાજસ્થાનમાં ઉદયપુર (વિદિશા) પાસે ગણેશના સ્ત્રી દેહ સ્વરૂપની પ્રાચીન અનાવૃત પ્રતિમાઓ છે! જર્મનીથી લઇ કર્ણાટકના મ્યુઝિયમમાં પણ છે. તેમના તજજ્ઞો એને ગણપતિમાંથી સર્જાયેલું યોગિની સ્વરૂપ કહે છે. આજે સાવ લુપ્ત થયેલા અને હજુ પ્રાચીન મંદિરો ફરતેના શિલ્પોમાં દેખાઇ જતા આ ગણેશના ફેમિનાઇન ફોર્મનું નામ શું ?

(૬) મૂર્તિની વાત નીકળી તો ભારતના તમામ પ્રાચીન ભગવાનોની માફક ગણપતિ પણ બ્રહ્મચારી નહિ, સંસારી છે ! એમના ખોળામાં બેઠેલી બે પત્નીઓના ચિત્રો-શિલ્પો ખુબ જાણીતા છે. પુરાણકથા મુજબ ત્રિલોકની યાત્રા અંગેની ચેલેન્જ લેવા કાર્તિકેય મોર પર સવાર થઈને ઉડી ગયા પણ ગણેશે માતા-પિતા શિવપાર્વતીની સાત પ્રદક્ષિણા કરી પેરન્ટસમાં જ બ્રહ્માંડ સમાયેલું છે, એવું પોએટિક જસ્ટિફિકેશન આપ્યું. પ્રસન્ન થયેલા મમ્મી-પપ્પાએ સ્માર્ટ દીકરાને આશીર્વાદ ઉપરાંત એક નહિ, બે કન્યાઓ સાથે લગ્ન કરાવી આપ્યા. બંને બ્રહ્માની (કેટલાક સંદર્ભો મુજબ બ્રહ્માના પુત્ર મરીચીની) પુત્રીઓ નામ સિદ્ધિ અને બુદ્ધિ. જે ઘણી જગ્યાએ હવે રિદ્ધિ (સંપત્તિ) અને સિદ્ધિ (સફળતા) તરીકે રૂઢ થઈ ગયા છે ! (બુદ્ધિ કરતા રિદ્ધિ યાને રૂપિયાને મહત્વ વઘુ આપતા સમાજ પાસેથી બીજી અપેક્ષા પણ શું હોય ?) સવાલ એ છે કે સિદ્ધિ અને બુદ્ધિથી ગણેશને થયેલા મનાતા બે પુત્રોના નામ કયા કયા ?

(૭) મહોદર નામ ગણેશનું મોટું પેટ ઉપરાંત ‘મોહ’ના આસુરી તત્વને ગળી જવા પરથી પડ્યું છે. વક્રતુંડ અને વાંકી સૂંઢવાળું સ્વરૂપ વળી સિંહ પર સવારી કરે છે. લાલ રંગના ગજાનન (આનન એટલે માથું) દ્વાપર યુગનું સ્વરૂપ છે. પૌરાણિક આખ્યાનોની ફેન્ટેસી એવી છે કે કળિયુગમાં વાદળી અશ્વ પર રાખોડી રંગના ગણેશ પ્રગટ થશે. એ સ્વરૂપનું નામ ?

(૮) ગણેશના ચિત્રો અને પ્રતિમાઓમાં મોટા ભાગે હાથની બે મુદ્રાઓ જોવા મળે. એકમાં હાથ નીચેની દિશામાં ખુલ્લી હથેળી સાથે ઢળતો હોય તે વરદ મુદ્રા અને વઘુ જાણીતી એવી ખુલ્લી હથેળી દેખાય તેમ હાથ ઉંચો રાખ્યો હોય તે ! આ દેવી-દેવતાઓના કેલેન્ડરમાં વારંવાર દેખાતી મુદ્રાને શું કહેવાય ?

(૯) ત્સોંગ ગી, ડાગ પો, માર ચેન – આવું ભેદી નામ તિબેટિયન ‘મહારક્ત’ ગણપતિ સ્વરૂપનું છે. જ્યાં બૌદ્ધ ધર્મમાં એનો મહાન લાલ ભગવાન, ગણ યાને ટીમ / જૂથ / ટૂકડી / ફોર્સના વડા – એવો અર્થ થાય છે. બુદ્ધે શિષ્ય આનંદને ગણપતિ હૃદયમંત્ર શિખવાડ્યો હોવાનું ય એક તિબેટી સંપ્રદાયમાં છે. જાપાનમાં એ ‘ગનાબાચી’ કે ‘શોટેન’ તરીકે પણ ઓળખાય છે. જાપાનમાં આપણા અર્ધનારીનટેશ્વર જેવું બૌદ્ધ લોકપરંપરામાંથી આવેલું નર-નારી સ્વરૂપના ગણેશના આલિંગનનું ‘કાંગી’ નામે ઓળખાતું રૂપ પણ છે. થાઈલેન્ડમાં ગણેશને ‘ફ્રા ફિકાનેત’ તરીકે ઓળખાય છે. ઇન્ડોનેશિયામાં ડહાપણના દેવતા ‘બાંડુંગ’ તરીકે ઓળખાતા. જૈનોમાં તો આજે ય ગણેશ પોપ્યુલર છે. શ્વેતાંબર સંપ્રદાયના ગ્રંથોમાં કેટલીક કથાઓ-સંદર્ભો છે. મથુરામાં જૈન યક્ષી (ગૌરી)ના મંદિરમાં ગણેશ પ્રતિમા છે. ઉદયગિરિ-ખાંડગિરિની ગુફાઓમાં ય છે. સવાલ એ છે કે વિશ્વમાં બૌદ્ધ ધર્મના માઘ્યમે ફેલાયેલા ગણેશના રૂપનું બુદ્ધિસ્ટ નામ કયું ?

(૧૦) અણિમા (નાનું અણુરૂપ લેવું), મહિમા (વિરાટ વિશ્વરૂપ જેવું), ગરિમા (વજનદાર બનવું), લધિમા (સાવ હળવા થઈ જવું), પ્રાપ્તિ (કોઈ પણ સ્થળે પહોંચવું), પ્રાકમ્યા (જે ઇચ્છએ તે મેળવવું), ઇષ્ટવા (પૂર્ણ અધિકાર / ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત કરવું) વાસ્તવા (બધા પર નિયંત્રણ કરવું) – આ યોગશાસ્ત્રની દ્રષ્ટિએ અષ્ટસિદ્ધિ છે. દેવાંતક અસુરના નાશ માટે ગણેશે ઉપયોગ કર્યો હોય એવી મનાતી આ આઠ સિદ્ધિઓને સ્ત્રીના સ્વરૂપમાં છત્રછાયા સિંહાસન પર બેઠેલા ગણપતિની આસપાસ નવવારી મરાઠી સાડીમાં બતાવતું ચિત્ર કયા ચિત્રકારે દોર્યું છે ?

(૧૧) ૧૯૭૫માં બનેલી કઈ ફિલ્મને લીધે ગણેશની ભૂતકાળમાં ક્યાંય ન હોય, એવી સ્ક્રિપ્ટરાઈટરે બનાવેલી દીકરીને પણ ભારતનો ભક્તિઘેલો સમુદાય ભાવથી પૂજવા લાગેલો ? (એ ફિલ્મના નામમાં જ ગણેશપુત્રી (?)નું નામ છે !)

(૧૨) સેલિબ્રિટીઓનું ફેવરિટ અને સ્વયમ એક સેલિબ્રિટી બની ચૂકેલું સિદ્ધિવિનાયક મંદિર આજે મુંબઈનું સૌથી ‘ધનવાન’ મંદિર છે. દરેક ધર્મના લોકો જ્યાં ‘અષ્ટવિનાયક’ એવા ગણપતિસ્વરૂપને પૂજવા આવે છે. પણ એ બનાવનારા મૂળ લક્ષ્મણ વિઠુ પાટીલ અને એમને કોન્ટ્રાક્ટ આપનાર દેવુબાઈ પાટિલના વારસદારોની હાલત શ્રીમંત નથી ! સવાલ: સિદ્ધિવિનાયક મંદિર કઈ તારીખ અને સાલમાં બનેલું ?

(૧૩) કમ્બોડિયામાં રહેલા વિશ્વના સૌથી મોટા મંદિર અંગકોરવાટની કોતરણીમાં પણ મોજૂદ અને પશ્ચિમમાં અગાઉ ‘એલિફન્ટ ગોડ’ તરીકે ઓળખાવા લાગેલા ગણેશની ૧૮૦૬માં સર વિલિયમ જોન્સ નામના વિદેશી વિદ્વાને એક રોમન દેવતા સાથે તુલના કરેલી. પંચમુખી ગણેશના એક ‘ગણેશ જયંતી’ સ્વરૂપને જોઈને જોન્સને આ વિચાર આવેલા. આ રૂપમાં ગણેશનું એક મસ્તક હાથીનું જમણી બાજુ અને મનુષ્યનું ડાબી બાજુ જુએ છે. ખ્રિસ્તી કેલેન્ડરનો પ્રથમ માસ જેના પરથી આવ્યો એ રોમન દેવતાના પણ બે મસ્તક છે, એક આગળ-બીજું પાછળ નિહાળે છે. એ દેવતાનું નામ શું ?

(૧૪) બોલીવૂડમાં બચ્ચાં પાર્ટીને ગમતો ગણેશનો એનિમેટેડ અવતાર ‘માય ફ્રેન્ડ ગણેશ’ નામની બે ફિલ્મોમાં (જેની ગુણવત્તા સાવ રદ્દી હતી)માં આવ્યો. એ બંને ફિલ્મોના દિગ્દર્શકનું નામ ?

(૧૫) જમણી સૂંઢાળા ગણપતિ કુદરતી રીતે મળી આવે તો શુકનવંતા ગણાય છે. એને થીમ તરીકે મૂકીને રસપ્રદ એવી સાયન્સ ફિકશન સ્ટોરી કયા વિખ્યાત ભારતીય વિજ્ઞાની / લેખકે લખી છે ?

(૧૬) ગણેશા સ્પીક્સવાળા જ્યોતિષથી બેજન દારૂવાલા જગવિખ્યાત પારસી બની ગયા છે. ભગવાન ગણપતિનું મોટું માથું બુદ્ધિ સૂચવે છે, અને વિશાળ પેટ રહસ્યો સાચવવા માટે છે, લાંબા કાનથી બઘું સાંભળે છે – આ મતલબનો ઇમેઈલ સુપર પોપ્યુલર છે. કોર્પોરેટ વર્લ્ડ માટે કયા ભારતીય મેનેજમેન્ટ થીંકરે લખેલો આ લેખ છે ?

(૧૭) દેવોના ખજાનચી કુબેરના ઘેર જમવા ગયેલા ગણેશ આખું નગર ભૂખમાં ગળી ગયા પછી ઘરના મુઠ્ઠી ભર ભાતથી ધરાઈ ગયા હતા. મુનિ અગસ્ત્યને દક્ષિણમાં કમંડળમાં રહેવા દેવતાઈ જળથી કાવેરી નદી બનાવવામાં એમણે મદદ કરી હતી. આજે ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ અને કેમિકલ રંગોને લીધે વિધ્નહર્તાના ભક્તો ઘ્વનિપ્રદૂષણ ઉપરાંત દરિયાઈ સજીવસૃષ્ટિ સામે જળપ્રદૂષણ પણ ફેલાવે છે. ૨૦૦૫માં એક જાગૃત નાગરિકે કરેલી પિટિશનના આધારે મુંબઈ હાઈકોર્ટે એના પર વાજબી પ્રતિબંધ મૂક્યો છે. ઇકોફ્રેન્ડલી ગણેશ માટેની ઝૂંબેશ ઇન્ટરનેટ પર પણ શરૂ થઈ છે. ગણેશોત્સવના નામે પ્રગટ થતી આ આસુરી માનવીય વૃત્તિઓ અટકાવવા માટે અપીલ કરનાર કોણ ?

*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*

જવાબો: 

(૧) હળદરનો

(૨) વ્યાસને મહાભારત લખવા માટે કહ્યું ત્યારે ગણેશે અટક્યા વિના લખાવવાની શરત મૂકી, વ્યાસની ઝડપ મુજબ લખવા જતાં પીંછીની કલમ તૂટી. માટે તત્કાળ એક દાંત તોડી ગણેશે લખવાનું ચાલુ રાખ્યું !

(૩) લોકમાન્ય ટિળક

(૪) મધર મેરીના આંસૂ ટપકાવતી પ્રતિમા

(૫) વિનાયકી

(૬) ક્ષેમ (સિદ્ધિથી), લાભ (બુદ્ધિથી) ક્યાંક ક્ષેમનું શુભ પણ થઈ ગયું છે.

(૭) ઘૂમ્રકેતુ

(૮) અભયમુદ્રા

(૯) વિનાયક

(૧૦) રાજા રવિવર્મા

(૧૧) જય સંતોષી મા

(૧૨) ૧૯ નવેમ્બર, ૧૮૦૧

(૧૩) જાનુસ

(૧૪) રાજીવ એમ. રૂઈયા

(૧૫) જયંત નારલીકરે

(૧૬) પ્રમોદ બત્રા

(૧૭) નરેન્દ્ર દાભોલકર

# ગત વર્ષનો લેખ – આસ્થા તો વ્યક્તિગત છે, પણ રોજીંદા જીવન સાથે વણાયેલી બાબતનું કુતુહલ અને સાંસ્કૃતિક વારસાનું સાચું જ્ઞાન પણ ગણેશકાર્ય જ છે – એ  હેતુથી આ વર્ષે પુન: સ્થાપિત.

 
29 Comments

Posted by on September 19, 2012 in heritage, india, religion

 
 
%d bloggers like this: