RSS

Monthly Archives: September 2012

ધાર્મિકતાની ધક્કામુક્કી : મૌ કો કહાં ઢૂંઢે રે બંદે…


(“કાનજી વિરુદ્ધ કાનજી” નાટક આવ્યું એ પહેલા લખાયેલો મારો આ લેખ આજે એના પરથી સમગ્ર ભારતે ફરજીયાત જોવું જોઈએ એવું સરસ “ઓહ માય ગોડ” મૂવી આવ્યું, એ જોઈને ફરી યાદ આવી ગયો. ફિલ્મ સપરિવાર જોવાનું ચૂકશો નહિ, પ્લીઝ…ભલે આ લેખ વાંચવાનું ચુકી જાવ ! 🙂 આ વિષય પર આવી ચોટદાર ફિલ્મો વારંવાર સરળ રીતે સમજાય એવી ભારતમાં બનતી નથી.)

એક જુવાન નવદીક્ષિત વેમ્પાયર દોડતું દોડતું પોતાના બોસ શેતાન પાસે હાંફતું હાંફતું પહોંચ્યું: ‘માલિક, ગજબ થઇ ગયો ! કશુંક કરો. પૃથ્વી પર એક માણસને સત્ય જડી ગયું છે. અને ધીરે ધીરે બધાને સત્યની ખબર પડી જશે. પછી આપણા ધંધાનું શું થશે ?’

વેરવુલ્ફને પંપાળતો અને ડ્રેક્યુલાની ફોજ લઇ બેઠેલો શેતાન હસ્યો ‘ચિંતા ન કર બચ્ચા ! આપણા સાગરિતો ત્યાં પહોંચી ગયા છે ?…’

વેમ્પાયર મુંઝાયું ‘પણ હું તો ત્યાંથી જ આવું છું. આપણાવાળા કોઈ ત્યાં નથી. હમણા લોકો ભગવાન સુધી પહોંચી જવાના…’

શેતાને કહ્યું ‘આ બધા ધર્માચાર્યો, કઠમુલ્લાઓ, મહાપંડિતો, કોર્પોરેટ માંધાતાઓ, રાજકીય આગેવાનો, પ્રચારપૂજારીઓ, ધધૂપપૂઓ મારા જ જૂના જોડીદારો છે.

એમણે જે સત્યને પામી ગયો, તેને ઘેરી લીધો છે. હવે એ સત્ય અને ભીડ વચ્ચેના દલાલ બની જશે. એ લોકો પૂજાસ્થળો બનાવશે, ભવ્ય ઇમારતો ચણશે, શાસ્ત્રો રચશે, નિયમો બનાવશે, વ્યાખ્યાનો કરશે અને વિધિઓ ઘડશે. ગ્રંથો લખશે અને ટીકાઓ કરશે. પ્રાર્થનાઓ કરાવશે અને પવિત્રતાના નામે પોતાની શ્રેષ્ઠતાના બણગા ફૂંકતા આદેશો આપશે.

લોકોને આ ચક્કરોમાં વ્યસ્ત રાખશે, અને આ બધી ધમાલમાં સત્ય ક્યાંક ખોવાઈ જશે. આ મારી સદીઓ જૂની પણ કામિયાબ ટેકનિક છે,દુનિયા પર રાજ કરવાની ! આમાં જેકોઈ સત્ય યાદ પણ દેવડાવવા જશે, એના વિશે ગેરસમજ કરી લોકો તેમનો હુરિયો બોલાવશે !’

જી હા, મોટા ભાગના ધર્મપ્રતિનિધિઓ સત્યમિત્ર નહિ, સત્યશત્રુ છે. એ ભાષા અને શબ્દોનું જાળું ઊભું કરે છે, અને ચૈતન્યના મૌનને એ ઘોંઘાટમાં ભૂલાવી દે છે !

પ્રતાપગઢના ભંડારામાં ધક્કામુક્કી થઇ અને ૬૫-૭૦ ભાવિકો કચડાઈ ગયા. ધોરાજીની એક હવેલીમાં પણ આવી જ ભરચક્ક ગિરદી થયેલી અને વીસેક હોમાઈ ગયેલા. વ્હોરા કોમમાં મોરબીમાં પણ કંઇક આવી જ ઘટના બની. પાવાગઢમાં, હિમાચલમાં, મક્કામાં,વેટિકનમાં સઘળે ‘સ્ટેમ્પેડ’ (ટોળાની ધક્કામુક્કી)ના બનાવો કોઈને કોઈ ધાર્મિક પ્રસંગે બનતા રહે છે. (પ્રભુ પોતાના દરબારમાં ભક્તજનોને ડાયરેક્ટ એન્ટ્રી આપી દેતા હશે !) આવા મૃતકોમાં મોટી સંખ્યા વળી બાળકો અને મહિલાઓની હોય છે. એક બાજુથી મહિલા અનામતનું બિલ અને બીજી બાજુ ધર્મધજા લઇ દોટ મુક્તી સ્ત્રીઓના શરણ થવા માટે આતુર દિલ…

મામલો ધર્મનો નથી. ધર્મના માર્કેટિંગનો છે. જેમ નેતાઓ જાહેરસભામાં એકઠી થતી ભીડને શક્તિપ્રદર્શન માને છે, એવું જ વળી ધર્માચાર્યોનું છે. તાકાતની કસોટીનો માપદંડ અહીં શ્રેષ્ઠતા નથી. ટોળું છે. ઇટ્સ નંબર્સ ગેઇમ. રૂપિયો રૂપિયાને ખેંચેના ન્યાયે જ્યાં મોટંુ ટોળું, ત્યાં ભીડ દોડે અને ટોળું વઘુને વઘુ વિશાળ બનતું જાય ! એમાં વળી ‘પ્રોડક્ટપ્રમોશન’ માટે સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ ભળે… અમારા ગુરૂજી પાસે તો ફલાણા ફિલ્મસ્ટાર્સ અને ઢીંકણા જજસાહેબ પણ ઝૂકી પડે, પેલો ક્રિકેટર તો પીરસવા નીકળે ને ઓલા મિનિસ્ટર તો ચરણરજ પાણીમાં નાખી પીવે… બેસુમાર ફંડફાળા અને જમીનો અંકે કરતા કેટલાક પંથોના વડાઓ તો જાણીબૂઝીને પોતે કેટલા મહાન અને વિદ્વાન છે, તેની અફવાઓ વહેતી કરે. કાનાફૂસીની હવામાં રહસ્ય ધૂંટીને ફુગ્ગો ફુલાવતા જાય ! કેટલાક લોકો શિક્ષણ, વિજ્ઞાન, મિડિયા, સામાજીક બનાવો વગેરે પર લખતા-બોલતા પ્રવક્તાઓની ફોજ ઉતારે, જે પોતે એક્સપર્ટ ક્રિટિક કે સોશ્યલ રિફોર્મર હોવાનો ‘તટસ્થ’ સ્વાંગ ઓઢી, પોતાની માન્યતાઓનો આડકતરો પ્રચાર લેખો – પ્રવચનોમાં કરતા જાય અને પોતાના સંપ્રદાય માટે ઝેરીલું બ્રેઇનવોશિંગ કરતાં જાય !

ભારતમાં તો પ્રાકૃતિક સૌંદર્યવાળી લગભગ જગ્યાઓ ઉપર આ બધા ઓર્ગેનાઇઝડ રિલિજીયન્સે રીતસર મફતિયા પેશકદમી કરી છે. ભૌગોલિક વાતાવરણની રેડીમેઇડ ઇફેક્ટનો લાભ લઇ, જૂની ઘ્યાનયોગની વિધિઓ રિમિક્સ કરીને બધા ચિત્તની શાંતિના પડીકાં વેંચે છે. આમાંય સિનેમા થિયેટરની જેમ સોફાવાળું બોક્સ, બાલ્કની, અપર એન થર્ડ જેવી કેટેગરીઝ હોય છે. જેવી જેમની ટિકિટ ખરીદવાની શક્તિ, એટલા જ રોકડિયા આશીર્વાદ એમને મળે !પબ્લિક એક પીપરમિન્ટ ફેન્ટેસીમાં જીવતી રહે, અને ફોરેનથી આવતા લેટેસ્ટ ઇન્વેન્શન્સ એન્ડ ઇક્વિપમેન્ટસના જોરે ધર્મલાભનો પ્રચાર વધતો રહે. ક્યાંક તો વળી વિદેશી થીમ પાર્કસની જ કોપી કરીને ગામડિયા ભક્તજનોને પ્રભાવિત કરાય, તો કયાંક બેઠ્ઠી ફોરેન સ્કૂલ્સના મોડેલને ભપ્પી લહેરી-પ્રીતમના સંગીત જેવા દેશી વાઘાં પહેરાવીને શહેરી શ્રદ્ધાળુઓ પર ભૂરકી છાંટી દેવાય !

એક વખત એક જબ્બર મેળાવડામાં પરાણે ખેંચી જઇ, એક દોસ્તે ગુમાનથી કહેલું – જોયું, દર્શનાર્થે મંડપ ટૂંકો પડે એટલી ભીડ છે ને.. અને અમે મંદ મલકાટ સાથે કહેલું ‘એમ ? આ જ મહાનતાની પારાશીશી હોય તો માઇકલ જેકસનને સાક્ષાત ઇશ્વર ગણવો પડે ! એને જોવા-સ્પર્શવા સાંભળવા પણ જગતના ખૂણે ખૂણે આબાલવૃઘ્ધો પડાપડી કરે છે ! ધક્કામુક્કી થાય છે. સિક્યુરિટી બોલાવવી પડે છે !’ મિત્રને આવી ‘હલકી’ સરખામણી ગમી નહિ – પણ શું થાય ? શરૂઆત કોણે કરી હતી માત્ર માથા ગણીને મહાનતાનો નાદ ગજાવવાની ?! માઇકલ શું, કેટરીના કે કરીના પણ જ્યાં જાય ત્યાં ટોળું ઉભું કરી શકે – એટલ ેશું એમને દિવ્ય ચિંતક માનવાના ?

વેલ, લોકો એ ઝટપટ સ્વીકારી લેશે. એ તો નાટકિયા ફિલ્મવાળા, એમની થોડી પૂજા થાય હીહીહી ! કેમ ? એ સુંદર દેખાય છે. સારો અભિનય કરે છે. ડાન્સ પણ આવડે છે. તો જવાબ મળશે – પણ એનાથી એમની ચૈતસિક શક્તિ થોડી સિઘ્ધ થાય છે ? યસ ! એક્ઝેટલી. કોઈ માણસ ટોળું ભેગું કરે, એટલામાત્રથી એને સિઘ્ધ માની લેવાનો ? ફાંકડું વક્તવ્ય કે અંગકસરતના દાવપેંચ જોઇને ભગવત્તાને ઉપલબ્ધ સ્વીકારી લેવાનો ? પણ શ્વેત-ભગવું વસ્ત્ર આપણી પ્રજાના મન પર જાણે અનાવૃત અપ્સરા જેવું કામણ કરે છે. ત્યાં વિચાર બંધ થઇ જાય છે ! એક ક્ષેત્રમાં ઓથોરિટી હોય, તેને વગર સમજ્યે બધામાં ઓથોરિટી માનવાની જરૂર નથી.

એટલે આ ભીડ માત્ર ભાવિક ભક્તોની નથી. જ્ઞાનપિપાસુ મુમુક્ષુઓની પણ નથી. એ લોકો તો ભીડથી જરા દૂર રહેનારા છે. આ ભીડ છે હારેલા હતાશ લોકોની ! સ્વાર્થી ભીખમંગાઓની ! એમને ગુરૂના હાથનો સ્પર્શ જોઇએ છે. માતાજીનું પવિત્ર જળ જોઇએ છે. તિલસ્મી તાવીજ જોઇએ છે. મેજીક મિરકેલ જોઇએ છે. કશું નહિ તો જન્મજન્માંતરના ફેરામાંથી મુક્તિ જોઇએ છે. ઇન્સ્ટંટ બુઘ્ધત્વ જોઇએ છે. અનાહત નાદનો આનંદ જોઇએ છે.

મતલબ, કશુંક જોઇએ છે. અને એ મહેનત કરીને, જાતને સાબિત કરીને મેળવવાને બદલે ડાયરેકટ સુપરવાઇઝરને ફોડી, કાપલી લઇને માર્કશીટમાં ઘાલમેલ કરીને મેળવી લેવું છે ! એટલે આવી જે ધક્કામુક્કી છે – એમાં હાય, તૌબા, આ ખાસ દિવસે, ખાસ દર્શન કે ખાસ પ્રસાદથી વંચિત ન રહી જવાય. તેનો તલસાટ, તેની ઉતાવળ જવાબદાર છે. જે પામી ગયો એ તો ભીતરમાં ઉતરીને સ્થિર થઇ ઉભો ન રહે ? ભીતરમાં બેઠેલા ભગવાન સુધી પહોંચવા બહાર દોડાદોડીના દેખાડાનો આવો ‘દાખડો’ ?

ઘણી વખત ભક્તો જ એમના ભગવાનને ભ્રષ્ટ કરે છે. કોઈ મહાપુરૂષને એ નોર્મલ-નેચરલ રહેવા નથી દેતા. એમને સ્પર્શવા, એમને વ્હાલા થવા, એમની પધરામણી કરવા, એમને રાજી રાખવા નિરંતર લટુડા પટુડા કરી ધક્કામુક્કી કરતા રહે છે. આપણે ત્યાં શિષ્યો તો ડઝનબંધ માથુ મૂંડાવવા તૈયાર જ બેઠા છે, બસ કોઈ ગુરૂ મળવો જોઇએ ! અસીમ લોકપ્રિયતા, બેહિસાબ દોલત, આંધળી વ્યક્તિપૂજાથી ધીરે ધીરે સાત્વિક માણસને પણ અભિમાની કે અનૈતિક બનાવીને જ બધા છોડે છે. ચીબાવલા ચેલકાઓ અને ગલોટિયાં ખાતાં ગલુડિયાઓને ‘અંતરનું જંતરડું’ સંભળાતું નથી. એમને લાઉડ ચીલ્લમચિલ્લીની આદત પડી જાય છે. માંડ એકઠું થયેલું ટોળું વિખેરાઈ ન જાય, એ અજ્ઞાત ભયથી ધર્મગુરૂઓ એમને સચ્ચાઈ દર્શાવતા ખચકાય છે.

માણસને અક્કલ હોય છે. ટોળાંને કેવળ નકલ હોય છે. માણસ સયાનો હોય, ટોળું દીવાનું હોય ! ટોળું ઉન્માદ અને પ્રસાદથી ઘેલું થઇ દોરવાય છે, સંવાદ કે અનાહત નાદની તેને કંઇ પડી નથી. વ્યક્તિ આઘ્યાત્મિક હોઈ શકે છે, ટોળું હંમેશા ધર્માંધ જ હોવાનું. ટોળું આદર્શથી નહિ, આદેશથી વર્તે છે. એમાં અવલોકન ઓછું, આવેગ વઘુ હોય છે.

પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું હોય, એમ ગુરૂઓમાં ઇન્વેસ્ટ કરવાની ફેશન છે અને જેનો લેટેસ્ટ ટ્રેન્ડ હોય, ત્યાં મોટું ટોળું ‘પાછળ ન પડી જવાની’ ઉતાવળમાં એકઠું થાય છે. પરમને પામવા માટે ‘મમત્વ’નું મહત્ત્વ ઘટાડવું પડે, અને ટોળું કદી મમત્વ (મારો સમુદાય, મારા ઇશ્વર, મારો ઉત્સવ, મારો મોક્ષ, મારી સાધના, મારો ઉઘ્ધાર) વિના એકઠું થાય નહીં. ઝનૂન હોય ત્યાં વિચાર ન ટકે. વિચાર હોય ત્યાં ઝનૂન ન ટકે !

એટલે જ આઘ્યાત્મિક આરાધના અંગત પ્રક્રિયા છે. એકાંતમાં (જાત સાથે) કરવાની છે. અંદરથી ખીલવાનું છે, બહારથી ઉઘડવાનું નથી. કશી જ્ઞાનવાર્તા, ચર્ચા, વિનોદ, અભ્યાસની વાત હોય તો ઠીક-પણ સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના કેવળ પોપટિયાં થોથાપાઠ માટે, કહેવાતી દિવ્યચેતનાના સોડાવોટરના ફીણ જેવી ‘જાહેર જાગૃતિ’ માટે ધસારો કરવાની શી જરૂર ? જે કોઈ માણસ અસ્તિત્વના સત્યને પામ્યો છે, એ એકલો પામ્યો છે. બુઘ્ધ, મહાવીર, જીસસ, મોહમ્મદ, રામકૃષ્ણ, અરવિંદ… યુ નેઇમ ધેમ. પછી એણે અનુભૂતિ વહેંચવાની કોશિશ કરી છે. એમાં ‘એસ્ટાબ્લિશ્ડ રિલિજીયન’ બની ગયો છે. ઓર્ગેનાઇઝડ સેટઅપ ટોળાં લાવે, અને ટોળાનું મેઇનટેનન્સ કરપ્શન લાવે ! છતાં ય, પાગલ લોકો ‘તમે કશીક પ્રવૃત્તિ કરો, તો અમે તમારી પાછળ જોડાઈએ’ કહીને છેતરાવા માટે પોતાની જાત હાશિમ અમલાની બેટિંગ સામે ઇશાંત શર્મા મૂકે, એમ સમર્પિત કરી દે છે. કળિ નળરાજાના અંગૂઠેથી પ્રવેશી જાય છે. સંસાર કરતાં વઘુ મોટો સંસાર વસી જાય છે ! માઇક્રોફોનના અવાજથી બંદગી ચાલે છે, અને એ કોલાહલમાં હૃદયમાં બેઠેલા ‘ડિવાઈન ફોર્સ’નું ગુંજન સાંભળવાનું સાવ જ રહી જાય છે.

ધાર્મિક્તાની ધક્કામુક્કીમાં કશુંક મેળવવાની પડાપડી કરવામાં પવાલું લઇને ઉભેલા લોકો કમનસીબે અભ્યાસ કરવાનું, જીવનના વિવિધ રંગોનો આનંદ માણવાનું ભૂલી જાય છે. (અને કોઈ શીખવાડે તો એને પકડવાને બદલે કરડવા દોડે છે !) એમને જીંદગીના તમામ સવાલોનો પરીક્ષાની ગાઈડબૂક જેવો ઉકેલ જોઇએ છે. જીવન રહસ્યમય છે, એટલે તો રસપ્રદ છે ! એમાં બઘું જ તર્કની તલવારથી સમજવાનું નથી. તો એનો રેશમી વણાટ ચીરાઇ જશે ! એને અખિલાઈમાં માણવાનું છે. રોટલીનો સ્વાદ માણવા માટે એ ગરમ હોય ત્યાં ચાવવાની છે, ઠંડી પડે એટલી ચૂંથવાની નથી ! સ્વાદ હોય કે સ્પર્શ, સેક્સ હોય કે ડાન્સ-બઘું જ કુદરતે સર્જેલું છે. એને ‘હડે હડે’ કરવાથી એ કંઇ રડતાં કૂતરાની જેમ ભાગી જવાનું નથી, ઉલટું બમણી ઝડપે ચોંટવાનું છે. જો આ બધી સુખાનુભૂતિ નકામી હોત, તો પ્રકૃતિએ ક્યારનીયે નામશેષ કરી હોત !

ભારત સ્વાભિમાનના નારા કરી સેલ્સટેક્સ નંબરના બિલ વિના જ સ્વદેશી વસ્તુઓ વેંચવાના લુચ્ચા વેપાર માટે ટોળાં એકઠા કરવાના નથી. બગલા જેવા વસ્ત્રોમાં સામૂહિક ઘ્યાનના નામે વાસ્તવિક્તા તરફના પલાયનવાદ માટે પણ ટોળાં બોલાવવાના નથી. સમતા અને સ્થિતપ્રજ્ઞતાની ડાહી ડાહી વાતો કરી દર બીજી મિનિટે સાવ ખોટી દલીલો અને જૂઠ્ઠા આંકડાઓથી પશ્ચિમી સંસ્કૃતિ કે આઘુનિકતાના હાડોહાડ દ્વેષથી થતી ટીકા માટે ટોળાં ભેગા કરવાના નથી. પોતાનો ભૂતકાળ જ મહાન, એ અભિમાનના કર્મો આત્મા માથે ચડાવવા પણ ટોળાં બોલાવવાના નથી. તંત્ર-મંત્રના ચમત્કારિક ટૂચકાઓ પણ ઇલ્લે ઇલ્લે ! રૂપાલની પલ્લીમાં ઘી વેડફતું ટોળું ન જોઇએ, જ્ઞાતિવાદી શૂરાતન ચડાવી કુવિચારોનું હૈસો હૈસો પણ નહિ.

માણસ કંઇ નાસ્તિક બનીને લાંબો સમય સમૂહમાં જીવી શક્તો નથી, એ ચીન-રશિયા જેવા અઢળક ઉદાહરણથી સાબિત થઇ ચૂક્યું છે. આસ્થાના મર્મને સ્પર્શ્યા વિના ભારતીય જનતાના મન સુધી પહોંચાવાનું નથી, એ તો રામાયણ-મહાભારતથી લઇને ગાંધીજી સુધી સાબિત થયું છે. વિરોધ શ્રદ્ધાનો નથી. અઘ્યાત્મના અંબર પર ચોંટી ગયેલા ધાર્મિકતાના અબરખનો છે. યાત્રા સહુએ યથાશક્તિ, યથામતિ, યથાગતિ ખેડવી પડે. ધર્મગુરૂઓની પાછળ ભીડ ભેગી થાય, તેનો સકારાત્મક ઉપયોગ પણ થઇ શકે. જ્ઞાન, શિક્ષણ, વ્યસનમુક્તિ, કુરિવાજનાબુદી, સદગુણોની ક્ષિતિજો વિસ્તારવામાં ! આવા પણ ઘણા સરસ અપવાદો છે.

જે લોકો સમાજને કળા-સાહિત્ય-સંગીત-રમતગમત તરફ ખેંચવાના ચુંબક તરીકે કામ કરે છે, બાળદીક્ષાઓ કે શુષ્ક નિયમબંધનમાં પડતા નથી. દરેક ધર્મગ્રંથ કાળગ્રસ્ત છે. સ્વયમ્ ઇશ્વરીય સ્વરૂપ પણ કાળગ્રસ્ત અને માનવસર્જીત છે. માણસે બનાવેલી પરીક્ષાપઘ્ધતિ જેવો કંઇ સ્વર્ગનો કારોબાર નથી. જ્યાં ગોખણપટ્ટીના માર્ક્સ મળે ! પરિણામ મોડું આવશે, પણ ઉત્તરવહીમાં લખ્યું હશે, એની ચકાસણી ચીવટથી થશે. સવાલ ટોળું એકઠું કરવા સામે નથી. પણ એ એકઠું થયા પછી જડ સ્તુતિ-ઇબાદત-પ્રેયર વાહવાહી-ચમત્કારોની નિષ્ક્રિયતા સિવાય એને કઇ દિશામાં હસતા રમતાં વાળવું એ છે. વચેટિયાઓ આ સમજે તો ટોળું તાલીમબઘ્ધ બને – નહિ તો નર્યા ફેનેટિક ફેન્સ ! આ સત્ય એક્સપોઝર આપતી વખતે મિડિયાએ પણ સમજવાનું છે.

ઝિંગ થિંગ :

સ્વાર્થની આ તો ભક્તિ લીલા બધી

આત્મ પૂજા વિના શૂન્ય આરો નથી,

એક ઇશ્વરને માટે મમત કેટલો ?

એક શ્રઘ્ધાને માટે ધરમ કેટલા ?

(શૂન્ય પાલનપુરી)

 
84 Comments

Posted by on September 29, 2012 in cinema, india, philosophy, religion

 
 
%d bloggers like this: