RSS

Daily Archives: August 21, 2012

સવા વરસમાં પાંચ લાખ પ્લસ હિટ્સનું સિક્રેટ…

૫,૦૨, ૨૭૩.

આ લખું છું એ મિનિટે ફ્લેશ થતો ટોટલ વિઝિટસનો આ આંકડો છે. ઓલરેડી તમારા બધાના ધોધમાર પ્રેમને લીધે ક્યારના ય નંબર વન બનેલા આ પ્યારા પ્લેનેટજેવી પર એક નવું ગુલ ખીલ્યું !

૧૦ જૂન ૨૦૧૧ થી  ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં કોઈ નેશનલ લેવલના અંગ્રેજી / હિંદી બ્લોગને માંડ મળે એટલી અધધધ  half a million પાંચ લાખ હિટ્સ (જે કોઈ ટ્રિકી એપ્લિકેશન નહિ પણ ખુદ વર્ડપ્રેસ ગણે છે, ને એમાં હું સાઈટ ખોલું એ રજીસ્ટર થતું નથી અને વળી હું તો અનિયમિત છું – અઠવાડિયા સુધી ઘણી વાર પોસ્ટ કરતો નથી! )નો લેન્ડમાર્ક ક્રોસ થયો. ૨૦૦૦થી વધુ તો એની પોસ્ટ ઈમેઈલમાં મેળવતા ફ્રી સબસ્ક્રાઇબર્સ છે ! કોઈ સાહિત્યિક મેગેઝીનના લવાજમથી વધુ !  અને ૬,૫૦૦ જેટલી કોમેન્ટ્સ છે ! ( એક દિવસમાં હાઈએસ્ટ હિટ્સ ૪૦૫૧!)  સહેજે આંનદ તો થાય કે હું જે ફીલ કરીને એક્સપ્રેસ કરું છું એમાં આટલા બધા દોસ્તોને રસ છે, પણ વિશેષ આનંદ એ ય થાય કે ગુજરાતી કોઈ વાંચતું નથી, ઓનલાઈન રહેતી નવી પેઢીને એવો કોઈ રસ નથી એ બૂમાબૂમના વાદળિયા વાતાવરણમાં આ એક ગ્રહ ઝળકી રહ્યો છે, આવતીકાલના ગુજરાતની બદલાતી ભાષા અને છલકાતા રસ-વૈવિધ્ય સાથે ! 😎

અહીંના અનુક્રમ પર નજર નાખશો તો આ પ્લેનેટ પર અપરંપાર રંગોની સર્જનસૃષ્ટિ દેખાશે….એમાં મેરી કોમથી એમી જેકસન સુધીના સ્ત્રીત્વનો ઉત્સવ છે, અનામતથી ત્રાસવાદ સુધીની ચિંતા છે, શરદ જોશીથી સુરેશ દલાલ સુધીનું સાહિત્ય છે, જુલે વર્નથી જે.કે. રોલિંગ સુધીનું બાળવિશ્વ છે, કૃષ્ણ પણ છે અને ક્રાઈસ્ટ પણ છે. અરબસ્તાન પણ છે અને અમેરિકા પણ છે. ક્રિસ્ટોફર નોલાનથી સ્ટીવ જોબ્સ અને લેડી ગાગાથી જહોન કીટ્સ છે. મહાકાળીનું ચિત્ર અને ગુજરાતી સંગીત છે. શાસ્ત્રીય રાગોથી વેસ્ટર્ન ડાન્સ છે. મન મોર બની થનગાટ કરેના તળપદા કાઠીયાવાડથી થાઈલેન્ડના બાગ-વાઘ છે. ગાંધી, સરદાર છે અને મોલ કલ્ચર, માર્કેટિંગ પણ છે. ગીતા અને ઓશો છે, તો સેક્સ અને એઈડ્સ પણ છે. મેઘદૂતથી મેરેજની ફ્રેન્ડશીપથી રોમાન્સની, શાહરુખખાનથી સચિનની , મોરારિબાપુથી જાવેદ અખ્તરની, પ્લાસ્ટિકના પ્રદુષણથી આધુનિક શિક્ષણની, સ્વામી વિવેકાનંદથી રમેશ પારેખની, દિવાળીની મીઠાઈથી ટ્રેનના ટ્રાવેલની, નવરાત્રિના રસથી ધુળેટીના રંગોની, ગોખણપટ્ટીની પરીક્ષાથી જિંગલ બેલની પરીકથાની, સત્યમેવ જયતેના ટીવી શોથી ફાધર વાલેસ સચ્ચાઈની, સેક્યુલારિઝમથી સિનેમાની, ક્રાઈમ થ્રીલરના મર્ડરથી ભાઈ-બહેનના હેતની, રેય બ્રાડબ્રીથી એમ.એફ.હુસેનની, વરસાદી શૃંગાર થી ગણિતમાં જુગાર સુધીની અસામાન્ય લાગે એટલી મેઘધનુષી સબ્જેક્ટ્સની રેન્જ અહીં છે. છબી-છબિયાં તો ખરા જ. મારી લખેલી સાયન્સ ફિક્શનથી મારાં મમ્મી-પપ્પાની સ્મૃતિ / પાર્ટી સુધી આ પ્લેનેટ પર ઘણું એવું ક્યા મસ્તી , ક્યા ધૂમ મચાવનારું છે..મારા કાર્ટૂનથી મારી કવિતાઓ સુધી.. – જેનો મેં ઉલ્લેખ નથી કર્યો એવું ય કેટલું છે…અને  આ બધું ય પાછું રિયલ લાઈફમાં હું જે મારી કોલમમાં લખું છું કે પ્રવચનોમાં બોલુ છું કે પુસ્તકો આપું છું – એના ટોટલ સબ્જેકટસના વૈવિધ્યના ૧૦% પણ નથી ! 😛

આત્મવિશ્લેષ્ણ ને આત્મશ્લાધા ગણી લે એવા અળવીતરાંઓની વચ્ચે આ આત્મનિવેદન એપ્રિસિએશન નહિ પણ એનાલીસીસ માટે મુક્યું છે. આ જ તો આ પાંચ લાખ હિટ્સની સફળતાના પંચ પાછળનું સિક્રેટ છે. કુદરતી રીતે જ મને દુનિયાના દરેક વિષયમાં, સમગ્ર જિંદગીમાં, એના તમામ પ્રકારના અનુભવોમાં ભરપુર રસ છે. હરિ હળવે હળવે મારું ભરેલ ભાર વાળું ગાડું અવનવી યાત્રામાં પહોંચાડે છે.

અને એટલે તમારા બધાના અભિનંદન માટે આગોતરો આભાર માની, એની એ વાહવાહીના પુનરાવર્તનને બદલે મારા જીવનનો અભિગમ શેર કરું છું. એ મૂળિયું જેના થકી હું છું, મારું લેખન-પ્રવચનનું રિયલ કે વર્ચ્યુઅલ વિશ્વ છે. ગૌર ફરમાઈએગા.

હમણાં અમેરિકા ગયો ત્યારે મેનહટનના ટાઈમ્સ સ્ક્વેર પરની મારી ફેવરિટ પ્લેસ ડિસ્કવરી એક્ઝીબીશનમાં ગયો…ત્યાં નવા નવા અદભૂત પ્રદર્શનો યોજાય છે. ૨૦૧૦માં  ખાસ ઈજીપ્તથી આવેલું સાક્ષાત તૂતનખામેનનું મશહૂર  મમી નજરોનજર જોવા મળેલું તો આ વખતે ચીનના ટેરાકોટા સોલ્જર્સ હતા.

દાખલ થતાંવેંત ડિસ્કવરી ચેનલે ત્યાં મોટા ડિજીટલ બોર્ડ પર મુકેલો વેલકમ મેસેજ વાંચ્યો..ફરી ફરી વાંચ્યો…ને થયું ઓત્તારીની! આ તો સાલ્લું, આપણે જે માનીએ છીએ, જીવીએ છીએ એને જ વર્ડ ટુ વર્ડ લખ્યું છે ! જાણે મેં પોતે જ લખ્યું છે ! અને કેવી કાવ્યાત્મક રીતે! ( અલબત્ત, મારાં કરતા સારા અંગ્રેજી અને ઓછી લીટીઓમાં 😉 )

બસ, એનો આ ફોટો જુઓ…ક્લિક કરી એન્લાર્જ કરો ને ચાવી ચાવીને વાંચો રીડરબિરાદર ! પોસ્ટર પ્રિન્ટ કાઢી બેડરૂમ કે ઓફિસ, સ્કૂલ કે હોસ્પીટલમાં લગાડો. આપણા જીવનથી ભાગતા ફરતા સમાજની હાર અને પશ્ચિમની જીતનું એમાં રહસ્ય છે. એક આખી જ્ઞાન-રંજન અને રસિકતાથી જિંદગી માણવાની એટીટ્યુડ છે ! હું આવી જ રીતે જીવું છું..આમ જ માનું છું…અને એ જ જેવીની અંદરનો મિજાજ અને આ ગ્રહનું ગુરુત્વમધ્યકેન્દ્ર છે. મારી શૈલી કે વિષયની નકલ થઇ શકે, આ અભિગમની ઝેરોક્સ નહિ નીકળે ! 😀

યેસ્સ્સ્સ્સ્સ, mmmmmmmmuuuwwaaaaaaah….. યે દુનિયા બડી રંગીલી, બડી રસીલી….! વિશ્વ બહુ મજાનું છે. અને બાળક જેવા વિસ્મયથી એનું અખૂટ રૂપ નિતનવા વિધવિધ સ્વરૂપે જ ઉલેચતા રહેવાનું છે ! સેલિબ્રેટ બીઇંગ એલાઈવ ઓન પ્લેનેટ અર્થ…એન્ડ પ્લેનેટજેવી…

ડિસ્કવર ઇટ યોરસેલ્ફ. ધેટ્સ ધ પાર્ટી ! 🙂 \:D/ :-“

 
83 Comments

Posted by on August 21, 2012 in personal

 
 
%d bloggers like this: