RSS

Daily Archives: August 19, 2012

સુર+રસ+દિલ+લાલ….


આજે ‘ગુજરાત સમાચાર’માં સુરેશ દલાલ પરનો મેં લખેલો અંજલિલેખ વાંચ્યો હશે. સુરેશ દલાલ ‘દિવ્ય ભાસ્કર’માં લખતા હતા. અને ભાસ્કરમાં ભાગ્યે જ મારું નામ છપાતું હોય છે (ઉલટું એડિટ થઇ જતું હોય છે! પણ ચંદ્રકાંત બક્ષી બાદ સુરેશ દલાલને ય મેં આવી કોઈ ‘સરહદ’ વિના દિલથી આખરી સલામ આપી છે. એના માટે મારાં પ્યારા ‘ગુજરાત સમાચાર’ પરિવારનો હું આભારી છું.

જન્માષ્ટમીના મિનીવેકેશન બાદ ૧૫ ઓગસ્ટની રજાને લીધે મારે લેખ તાત્કાલિક લખવાનો થયો. અને સુરેશ દલાલ પર અન્યત્ર લખાયેલા લગભગ તમામ લેખોમાં તો લેખક એમણે નિકટથી ઓળખતા હોય એવા. મારે તો દુર બેઠે એક ભાવક તર્રીકે સર્જકને ઉજાગર કરવાના હતા. એ ય મહાદ અંશે જે વાંચ્યું – જોયું – સાંભળ્યું હોય તે સ્મૃતિના આધારે. ( એક આડવાત, ઉત્પલ ભાયાણી સુ.દ.ના નિકટ મિત્ર ખરા પણ કોલેજના સહપાઠી મહેશ દવેનું નામ આવવું જોઈએ, એ લેખમાં રહી ગયું એ દિલગીરી સાથે અહીં મુકું છું.લેખમાં ‘ટૂથલેસ’ છપાયું છે, પણ મેં લખેલું ‘રૂથલેસ’ એ ય સુધારીને વાંચશો પ્લીઝ)

સુરેશ દલાલને ઓળખતો  હું ગુજરાતીના અધ્યાપક પપ્પા ‘કવિતા’ના વાર્ષિક વિશેષાંકો ખરીદીને લઇ આવે એમ થયો. અને વાંચતો ‘સમકાલીન’માં એ અર્જુન બ્રહ્મક્ષત્રિયના નામે લખતા ત્યારથી થયો. પછી ઓડિયન્સમાં બેસી એમને યદા-તદા રાજકોટ આવે ત્યારે સાંભળ્યા. પણ પહેલી વાર મળ્યો દોઢેક દસકા પહેલા મુંબઈ ઈમેજમાં પુસ્તકો લેવા ગયો ત્યારે. નાનકડી ઓફિસમાં એમનું વ્યક્તિત્વ સમાતું નહોતું. પણ ભાવથી મળેલા. ઓછું બોલે, ચહેરો ગંભીર રાખે- પણ મને નાનકડા પુસ્તકો ભેટ આપ્યા અને અન્ય પુસ્તકો ખરીદ્યા તેના પર માતબર ડિસ્કાઉન્ટ આપ્યું.

એમની ટચૂકડી બુક જેવી સાઈઝની વિશ્વની સૌથી પહેલી એસ.એમ.એસ. બુક્સ મિત્રો સાથે મળી અમે બનાવેલી, અને સાથે નાનકડા પણ રૂપકડાં ગુજરાતી સંપાદનો. એનું વિમોચન કરાવવાનું બજેટ હતું નહિ, ત્યારે સુ.દ. રાજકોટ આવેલા. ઉત્તમ સર્જક-પ્રકાશક તરીકે મળીને એમને વિનંતી કરી. તરત જ હસતા મોઢે તૈયાર. ત્યાં સોફા પર બેઠાં બેઠાં જ અમારા પુસ્તકોનું પ્રશંસકોની ભીડ વચ્ચે વિમોચન કર્યું, વખાણ્યા અને મારાં નામ સાથે આખો એક લેખ ચિત્રલેખાની ‘ઝલક’માં વગર કહ્યે લખી (૨૦૦૩)ને મને ભાવથી પોંખી લીધો.

પછી એમના એક બે સંપાદનોમાં લખવાના ઇજન મળ્યા. હું એમને હસતા હસતા કહેતો એ માટે કાગળ-કવરના ખર્ચ ઉપરાંત પણ લખનાર પાસે કશુંક બચે એવું વળતર આપવું જોઈએ, એ સ્મિત આપતા પણ વળતર નહિ 😉 પણ ફરી મુંબઈ ગયો ત્યારે કહ્યું ‘આ નાના લેખો ને બધું ઠીક, મારે તરી પાસે પુસ્તક કરાવવું છે એક આખું, સચિન તેન્ડુલકરની જીવનકથા સરળ-રસાળ ભાષામાં લાખ. હજુ અંગ્રેજીમાં પણ આવી નથી. મુલાકાત ગોઠવી દઉં. પછી ગુજરાતી -મરાઠીમાં કરીશું ને થોડું રેફરન્સ તને મોકલાવું.

મેં કામ શરુ તો કર્યું પણ મારી અંગત વ્યસ્તતા વધતી ગઈ, જર્મની જવાનું થયું..બીજી જંજાળ ને ઉભડક કામ તો મને જ ગમે નહિ..અંતે મેં એ પ્રોજેક્ટ પડતો મુક્યો. મિત્ર હિતેન આનંદપરા મારી વાત સમજ્યા.ત્યાં તો સચીન પર ગુલ્લુ એઝ્કીલનું અંગ્રેજી પુસ્તક પણ આવી ગયું હતું. સુરેશભાઈએ પછી એ કામ બીજા કોઈ પાસે કરાવ્યું નહિ.

અલપ-ઝલપ રૂબરૂ મુલાકાતો તો ઓછી થતી. પણ સમન્વય જેવા કાર્યક્રમમાં મળી જવાતું. વાંચતો એમને નિયમિત. ઈમેજના પુસ્તકો પણ અચૂક ખરીદું. અને એની અપૂર્વ આશરની માવજત ને પ્રોડક્શનને બિરદાવું.

એટલે જ અમેરિકાથી આવી મારું મોટીવેશનલ આર્ટિકલનું કલેક્શન એવું નવું  ‘જય હો’ પુસ્તક બજારમાં મુક્યું એ સુરેશભાઈને બતાવવાની હોંશ. કાગળ-ડીઝાઈન-પ્રિન્ટિંગમાં મેં કરેલાં નોખા -અનોખા પ્રયોગો એ સમજી શકશે અને ઈમેજના ટ્રેન્ડનું જ નેક્સ્ટ લેવલ ગણાય. જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્રમાં કુરિયર બંધ..મોકલવાનું રહી ગયું. અને એમના નિધનના સમાચાર મળ્યા ! કવર બીજાને મોકલવાના ય એમને એમ પડી રહ્યા.

ત્યારે મેં ઝટપટ એમની મૃત્યુ પરની નેટ પર ના હોય એવી કવિતાઓ ટાઈપ કરી મુકેલી ‘સુરેશાંજલિ’ તરીકે અહીં. અને આ રહી આજના લેખમાં પ્રોમિસ કર્યું છે , એ આપણા બધાનું ગૌરવ ગણાય એવી વિશ્વની નંબર વન ‘લાયબ્રેરી ઓફ કોંગ્રેસ’ (અમેરિકા)માં સચવાયેલા એમના અવાજ – સર્જનની લિંક.

એમની કેટલીય કવિતા ટાઈપ કરી મુકવાનું મન થાય ને મુકીશ પણ ખરો…પણ અત્યારે તો સમાપનમાં આ ચાર….:

‘પડશે એવા દેવાશે’ ,
ચિંતાકોર્યું મન
પછીથી એક ઝાટકે ટેવાશે.

પ્હાડ ઢળે તો પ્હાડ.
ને વીજ પડે તો વીજ,
એવું પણ થય શકે
કે નભમાં ઊગે આછી બીજ;
પૂનમ હશે કે અમાસ હશે,
પણ તેજતિમિર કૈ રેલાશે,
‘પડશે એવા દેવાશે’

થઇ થઇને શું થાય,
બીકને નજીક નહીં હું રાખું,
જે ફળ ટપક્યું નથી
એના સ્વાદને શાને ચાખું
કાંટા ફૂલને ભલે ચીરે
પણ ફોરમ હશે તો ફેલાશે,
‘પડશે એવા દેવાશે’

***

આ આંખ ભરીને જોયું તે તો આંસુમાં વહી ગયું

સંગ તમારી નહીં જોયું , તે ખટકો થઇને રહી ગયું

કયું દ્રશ્ય સાંધુ? રે, જ્યાં મારા તૂટ્યા ધાગા

અહીં તમારું નામ સોડમાં, તમે રહ્યા છો આઘા

***

તારા સ્મરણના સસલાં આમતેમ બસ કુદયા કરે

ને સાવ લગોલગ સપનોના હરણ તરસ્યે ઝૂર્યા કરે !

***

કોણ કહે છે કે હું અહીંથી ચાલી જઈશ ? ક્યારેક હું સૂર્યનું કિરણ થઈને વહેલી સવારે તમારી કાચની બારી ઝાકળભીના ફૂલના ટકોરા મારીશ. ક્યારેક સાંજને સમયે હું પાગલ હવાની જેમ તમને વીંટળાઈ વળીશ. ક્યારેક તમારા બગીચામાં તમે હિંચકે ઝૂલતા હશો , ત્યારે એક ક્ષણ તમારી બાજુમાં તમને ખબર પણ ના પડે એમ ઝૂલી લઈશ. તમારો હિંચકો સહેજ ધીમો પડશે ત્યારે તમને હું જોયા કરીશ. તમારા જ બગીચાની મધુમાલતીની આંખે.

 
20 Comments

Posted by on August 19, 2012 in art & literature, personal

 
 
%d bloggers like this: