RSS

Daily Archives: August 16, 2012

૩૫૦૦ રૂપિયે કિલોનું ‘સ્વદેશી ઝેર’ ટેસથી ખાતા ‘ગરીબ’ ભારતવાસીઓ !


મારા અનેક લેખોમાં મારો ગુટકાવિરોધ ડોકાતો રહે છે. મારાં એ ચાવતા નિકટ મિત્રોને ય હું બહુ ખંખેરું છું. કોઈકને છોડાવ્યા તો કોઈકને ઓછા કરાવ્યા છે – પણ નરેન્દ્ર મોદીએ ૧૧ સપ્ટેમ્બરના સ્વામી વિવેકાનંદના શિકાગો વ્યાખ્યાનના દિવસે ગુજરાતમાં કડક ગુટકાબંધીની જાહેરાત કરી છે. ચૂંટણીનું વર્ષ છે, એટલે એનો અમલ દારૂબંધી જેવો ના થાય તો સારું. આમે ય તમાકુના ખેતરો ગુજરાતમાં જ છે ને વ્યસનોના ટેક્સ પર તો સરકારની આવક હોય છે. પણ ગુટકા એ પાન-શરાબ-સિગારેટ જેવું વ્યાસન નથી. નશો ય નથી. ચોખ્ખું પુરવાર થયેલું રીતસરનું ઝેર જ છે ! દુનિયામાં સૌથી વધુ ઓરલ કેન્સર – ફાઇમ્બ્રોસીસ સૌરાષ્ટ્રમાં ગુટકાને લીધે છે. જીભ જરાક તીખું આવે કે દાંત જરાક ઠંડું લાગે ત્યાં સડસડી જાય છે. જાતીય પ્રવૃત્તિમાં ઓટ આવે છે. દિમાગ શિથિલ થાય છે. મોં પહોળું થતું નથી. અને ગંધાતી પિચકારીઓની ગંદકી અલગ ! ( સ્ટ્રેસ , કારીગરો, ડ્રાઈવિંગ તો આખી દુનિયામાં છે પણ ગુટકા આપણા સિવાય ક્યાંય નથી !) હું ૨૬ વર્ષની ઉંમરે કોલેજ પ્રિન્સિપાલ થયેલો ત્યારે ત્રણ વર્ષ રહ્યો ત્યાં સુધી આજથી દસકા પહેલા મારાં કેમ્પસમાં ગુટકા પર જડબેસલાક પ્રતિબંધ લાદી એનો સખ્ત અમલ કરાવી ચુક્યો છું. જરૂરી ફેરફાર સાથે ૬ વર્ષ જુનો મારો લેખ અને બીજા લેખમાં છપાયેલો એનો અંતિમ ટુચકો આજે ય સાંપ્રત છે. વાંચો , વિચારો  બધાને વંચાવો , ફેલાવો અને દ્રઢ નિર્ણય લો આ શ્રાવણ-રમઝાન-પર્યુષણ-પતેતી ટાણે “ભલે થાય રગેરગના કટકા, જસ્ટ ગો બેક ગુટકા !”

મહાન ભારતીય સંસ્કૃતિનું એક  અભિન્ન અંગ છેઃ

એ છે ‘ગુટકા’ કલ્ચર !

ગુટકા આપણે ત્યાં હંમેશા ન્યુઝમાં રહ્યા છે. માત્ર કારણો બદલાતા રહ્યા છે. પોતાની દીકરીને ભારતની મોંઘામાં મોંઘી ૫ કરોડની મેબેક કાર ભેટમાં આપવા માટે સમાચારોમાં ચમકેલા ‘માણિકચંદ’ ગ્રુપના ધારીવાલ પછી દાઉદ ઈબ્રાહિમ સાથેના ૪૦ કરોડના ‘સેટિંગ’ માટે પંકાઈ ગયા છે. ડોન્ટ વરી. ચેનલો – અખબારોમાં ચવાઈને ચૂથ્થો થઈ ગયેલી માણિકચંદ – ગોવા – ધારીવાલ – જોશી – ગુટકા – માફિયા સ્ટોરીનું અહીં પુનરાવર્તન નથી કરવું. યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ.

લેકિન ફિર ભી પબ્લિક કભી જાગતી નહીં હૈ ! ગુટકાના ગુંડા કનેક્શનનો આટલો હોબાળો મચ્યા પછી શું થયું ? માણિકચંદ, માલિકચંદ, વિમલ, ગોવા, તુલસી, રજનીગંધા, સંકેત કે બીજા અઢળક બ્રાન્ડેડ ગુટકાઓનું વેચાણ ઘટી ગયું ? અરે, નામના વિવાદને લીધે માણિકચંદના ગુટકા ‘આરએમડી’ નામે મળવા લાગ્યા ત્યારે રાતોરાત આ અભણ દેશના તમામ ગામડિયા ગુટકાપ્રેમીઓને પણ એનો લાકડિયો તાર પહોચેલો !

ગુટકા કંપનીઓ ગુટકા વેચીને કમાય છે, પણ ઘણા ગુટકાના બંધાણીઓ તો કમાય છે જ ગુટકા ખાવા માટે ! કલાસરૂમની ચાર દીવાલોમાં બંધાઈ ન શકતો વિદ્યાર્થીવર્ગ ગુટકાની ટચૂકડી પડીકીમાં પૂરાઈ ગયો છે. શાળા – કોલેજોના ઈન્સ્પેક્શનમાં પ્રિન્સિપાલની ચેમ્બર, ઓફિસ, લાયબ્રેરી, લેબોરેટરી, ક્લાસની મુલાકાતો લેવાય છે. ખરેખરી સ્થિતિ જાણવી હોય તો શિક્ષણસંસ્થાઓની મૂતરડી – શૌચાલયોની તપાસ કરવી જોઈએ. ત્યાં ગુટકાના પાઉચના અવશેષો ‘ઉત્ખનન’ની રાહ જોતા પડ્યા હોય છે. આમાં માસ્તરો કંઈ પાછળ નથી. (એમને શિક્ષક કે અઘ્યાપક કેમ કહેવા ?). કેટલાક સુધારાવાદી કેમ્પસમાં ગુટકા ખાવા પર પ્રતિબંધ મૂકો તો પહેલો વિરોધ ક્લાસરૂમને બદલે સ્ટાફરૂમમાંથી થાય છે. ગુટકા ખાતા ઝડપાયેલા સ્ટુડન્ટનો માત્ર ૧૦ અને શિક્ષકનો ૧૦૦  રૂપિયા દંડ વસૂલવાની શરૂઆત કરો તો એકાદ વરસમાં ગુજરાતભરની શાળાઓના મકાનોના રિનોવેશનનું ભંડોળ એકઠું થઈ જાય !

બોલો, આમાં કયા મોંએ પશ્ચિમી શિક્ષણસંસ્થાઓના ડ્રગ્સ કે કોન્ડોમ  કલ્ચરની ટીકા કરીએ છીએ ? બ્રાઉન સ્યુગર કે કોકેન કે મારિજુઆના જેવા ડ્રગ્સની ત્યાં કાચી ઉંમરના ટીનેજર્સ પર વધતી અસર ચિંતાનો વિષય છે, પણ ભારતની શાળા – કોલેજોમાં જે રીતે ખુલ્લેઆમ સાહેબો અને સ્ટુડન્ટ્‌સ ગુટકા ચાવ ચાવ કરે છે, એવી રીતે ક્યાંય જાહેરમાં ડ્રગ્સ લેવાતા નથી. ભેંસ ખડ વાગોળ્યા કરે એવી રીતે અહીં સરકારી ઓફિસોમાં છૂપા કેમેરા મુકો તો ગુટકા વાગોળતા બેપગાળા પશુઓ કેમેરામાં કેદ થતા રહેશે. ‘કરપ્શન’ એટલે કંઈ માત્ર ટેબલ ઉપર રૂપિયાની લેવડદેવડ નહિ ! ગુટકાવાળા થૂંકના કોગળા કરીને સફેદ વોશબેસીન લાલ કરી મુકવું કે ખૂણામાં ગુટકાની પડીકીઓના ઢગલા કરવા એ પણ ‘ભ્રષ્ટ આચાર’ જ છે ને ? ગનથી તો ક્યારેક માણસો અકસ્માતે મારે, ગુટકાથી તો રોજ સામે ચાલીને મરે !

પાચન માટે ખવાતા ગુણકારી અને મજેદાર પાનસોપારીમાં ધીરે ધીરે નશાવાળી તમાકુ ભળી ગઈ એ જૂનીપુરાણી ઘટના છે. બીડી – સિગારેટ – હુક્કાના ઈતિહાસ પણ સદીઓ જુના છે. ગાંજા – ભાંગ – અફીણ પણ ઈતિહાસ માટે અજાણ્યા નથી. પણ આ ગુટકાકલ્ચરની ઉંમર બાર – પંદર વરસથી વધારે નથી. આપણા સ્વદેશી આંદોલનો ગરજી ગરજીને કોકોકોલા – પેપ્સીના આક્રમણનો વિરોધ કરે છે. બરાબર. પણ એમાંના કેટલા સ્વદેશી ગુટકા કલ્ચરનો એટલો જ ઉછળી ઉછળીને વિરોધ કરે છે ? દૂષણમાં કંઈ સ્વદેશી – વિદેશીના ભેદ હોય ? જો જંતુનાશકોના મુદ્દે જનતાના આરોગ્ય માટે કોક-પેપ્સી ઈત્યાદિ રાખવા સામે પાનવાળાઓ પર ઝૂંબેશ ચલાવાય, તો સ્વાસ્થ્ય માટે એનાથી અનેકગણા હાનિકારક ગુટકાની વિરૂદ્ધમાં થોડી સ્વૈચ્છિક સંસ્થાઓ, સાઘુસંતો, સ્વામીનારાયણ સંપ્રદાય, જૈન મહારાજ સાહેબોને બાદ કરતા કેમ કોઈ બોલતું નથી ?

દર  વર્ષે  બ‘વેલેન્ટાઈન્સ ડે’ના વિરોધમાં કાર્ડ – ગિફ્‌ટ્‌સની દુકાનોમાં તોડફોડ કરતા અને એને કેમેરામાં કેદ કરાવી પબ્લિસીટી મેળવતા – અદકપાસળી મર્કટોને મોકળું મેદાન મળશે. એ બધા ગાંગરશે: આ તો યૌવનધનની સુરક્ષા છે. ભારતના સંસ્કારનો બચાવ છે. આહાહાહા ! તો પછી યૌવનધનના આરોગ્યની સુરક્ષા માટે આ બધા બડકમદારો ગુટકા વેંચતી દુકાનો પર કેમ તૂટી નથી પડતા ? કેમ ગુટકા બનાવતી ફેક્ટરીઓમાં જઈને કાળા કૂચડા નથી ફેરવતા ? અશ્લીલ પોસ્ટર્સ સામે શેરીઓમાં આવી જતા મહિલામોરચાઓને કુદરતે બનાવેલા સુડોળ શરીરો ‘ગંદા’ લાગે છે… પણ ચારેબાજુ લટકતા ગુટકાના હોર્ડીંગ્સ એમને કદી અશ્લીલ લાગતા નથી !

ટૂંકમાં, આપણે ત્યાં જે સેક્સી છે, એ જ બઘું પાપ છે. બાકી બઘું ય ચાલી જાય ! રાજકીય ઈરાદાઓવાળી યુવાસંસ્થાઓના એજેન્ડામાં ‘ડે’ઝનો વિરોધ છે. ચોકલેટ, સિનેમા, ટીવી. મ્યુઝિક વિડિયોનો વિરોધ છે. ડાન્સ અને ફેશનનો વિરોધ છે. પણ કદી ગુટકા (કે ફોર ધેટ મેટર, સિગારેટ જેવી ટોબેકો પ્રોડક્ટ્‌સ !)નો વિરોધ ભાળ્યો છે ? એમાંના ઘણાખરા તો પોતે જ ગુટકાગુલામો હોય છે ! બાય ધ વે, પ્રેમથી કરેલાં ચુંબનથી કેન્સર નથી થતું. પણ ગુટકાથી થાય છે. માની લો કે મોર્ડન ફેશનથી કદાચ મન બગડે છે – પણ ગુટકાથી મન અને તન બંન્ને ખલાસ થાય છે, એ તો વૈજ્ઞાનિક સત્ય છે.

પણ આપણે ધાર્મિકતાના ગમે તેટલા ગીતો ગાઈએ, આપણું સત્ય હંમેશા સગવડિયું હોય છે. ગુટકાના વિરોધમાં પૈસા અને પબ્લિસિટી હોય તો એનો વિરોધ પણ થવા લાગશે. વેસ્ટર્ન કલ્ચરનો વિરોધ પણ સમજ્યા વિના લોકોનું ઘ્યાન ખેંચીને કશુંક પુણ્યકાર્ય કર્યાના લુખ્ખા સંતોષ માટે છે. જેમાં ‘જો આમ થશે તો તેમ થશે.’ વાળી શક્યતાઓ વઘુ, અને નક્કર હકીકતો ઓછી હોય છે. પણ ગુટકાનો નશો અત્યારે સત્તાવાર રીતે બજારમાં ઉપલબ્ધ તમામ નશાઓમાં સૌથી વઘુ ખતરનાક નશો છે. મોં, તાળવા, જડબાના કેન્સર ઉપરાંત શરીરની રોજીંદી ક્રિયાઓમાં ખલેલ પહોંચાડતું એ જવાબદાર પરિબળ છે. દરેક ગુટકામાં ‘મેગ્નેશિયમ બાયકાર્બોનેટ’ નામનું ઘાતક રસાયણ અચૂકપણે હોય છે. ઉપરાંત સંખ્યાબંધ ‘પ્રતિબંધિત’ ઝેરી કેમિકલ્સ હોય છે. શેકેલ સોપારી વાળા પાનમસાલા – જર્દા થઈને ગુટકાના સ્ટેશને પહોંચે ત્યાં સુધીમાં શેતાન સુપારી થઈ જાય છે ! કેસર પણ નકલી કે નબળું હોય છે તેવું નથી, મોટે ભાગે તો કેસરનું ‘એસેન્સ’ જ હોય છે ! એ ય હલકું, અખાદ્ય ! અથવા કેસરના ખેતરમાં કચરો ગણાતી પીળી દાંડલી ! આવું જ સોપારીનું !

તદ્દન સસ્તી બનાવટની ચીજોમાંથી બનતા ગુટકાનો ભાવ શું હોય છે ? સામાન્ય રીતે એક નાનકડા પાઉચમાં દોઢ-બે ગ્રામ મસાલો હોય છે. ભાવ હોય છે સરેરાશ ત્રણ રૂપિયાથી સાત રૂપિયા  ! અર્થાત ૨ રૂપિયેથી સાડાત્રણ રૂપિયે  ગ્રામ ! મતલબ ૨૦૦૦થી ૩૫૦૦  રૂપિયે કિલો !

આ કિંમતની કદી શુદ્ધતમ ઘીની તમામ ડ્રાયફ્રુટવાળી મીઠાઈ પણ ભારતમાં વેચાતી સાંભળી છે ? ઈમ્પોર્ટેડ ખજૂર કે તાજી અંગૂરનો કદી આવો ભાવ વિચાર્યો છે ? સૂકો મેવો, ફ્રુટ્‌સ કે ટોનિક જવા દો, ઈન્વેસ્ટમેન્ટ થાય, અને શરીરને હાનિકારક ન હોય તેવા સોના, ચાંદી, ચંદન, કેસર જેવા જૂજ પદાર્થોને બાદ કરતા કોઈ ચીજનો ૩૫૦૦ રૂપિયે કિલોનો ભાવ કલ્પનામાં પણ આવે છે ? વળી, આ કોઈ કાઈ સોસાયટીના લિમિટેડ એન્ટિક પીસની વાત નથી. ઘેર ઘેર, ગામડે ગામડે, સમગ્ર ભારતમાં રોજ ખરીદાતા અને ખવાતા ગુટકાની વાસ્તવિક્તા છે !

બોલો, અને ભારત બિચ્ચારો ગરીબ દેશ આપણને લાગે છે ! દુનિયાના કોઈ માલદાર દેશમાં કદી ઝેર આટલા ઉંચા ભાવે સામાન્ય મજૂરને લેતો જોયો છે ? ભૂખડીબારશ કંગાલો ભારતમાં ગુટકાગુલામો છે. મોટા સાહેબો અને વેપારીઓ પણ એ જ છે. ગુટકા સેક્યુલર જ નહિ, સમાનતાવાદી પણ છે. ગુટકા જેવી ફાલતુ, બકવાસ, આરોગ્યશત્રુ અને હલકી બનાવટની ચીજ પૃથ્વીના પટ પર ભારત સિવાય બીજે ક્યાંય આટલી લોકપ્રિય નથી. દુષ્ટતા માટે જેને આપણે રોજ સવારે ગાળો ભાંડીએ છીએ એ પશ્ચિમી દેશોમાં દારૂ (જે ગુટકા જેટલો કચરપટ્ટી નથી હોતો) પણ આવી રીતે પીવાતો નથી. ગુટકા પ્રકારનો ‘કિક’ લાગે તેવો નુકસાનકારક નશો તો અમેરિકા – યુરોપ – અખાતી દેશોમાં ભારતની જેમ હારડા લટકાવીને વેંચી પણ શકાતો નથી.

પણ સ્વદેશપ્રેમી ભારતવાસીઓનો ગુટકાપ્રેમ એવો પ્રબળ છે કે લંડનના લેસ્ટર, ન્યુયોર્કના જેક્સન હાઈટ્‌સ કે શિકાગોના દેવોન એરિયામાં ભારતીય મુસાફરોની ‘તલપ’ સંતોષવા ચોરીછૂપીથી આપણા દીવાબત્તી કરનારા ધર્મભીરૂ વેપારીઓ કેશ કાઉન્ટર નીચે ગુટકા સંતાડીને રાખે છે ! અમેરિકામાં સેક્સથી મ્યુઝિયમ જોઈ આંખો મીંચી દેનારાઓ ગુટકાના નામથી જાણે પ્રભુદર્શનનો આત્મસાક્ષાત્કાર થયો હોય તેમ ઠેકડા મારે છે ! આખો લાડવો જે મોંમાં જાય એ મોં બોલપેન પણ ન જાય એટલું સાંકડુ થઈ જાય એવો ‘ફાઈમ્બ્રોસીસ’ રોગ ભલે થાય, ‘હમ તો ગુટકા ભચડેગા, દર્દ સે નહીં ડરેગા’ ગુટકાબંધાણીઓનું ઊર્મિગીત છે !

તાત્વિક રીતે કોકેન લેતા પકડાઈ ગયેલા ફરદીનખાનમાં અને મુંબઈમાં પ્રતિબંધિત ગુટકાને કાળા બજારમાં ખરીદતા સભ્ય, જુવાનમાં શું ફેર છે ? કશો જ નહિ ! બંને નુકસાનકારક નશો ખરીદે છે. ફેર એટલો કે બ્રાઉનસ્યુગર મોંધુ છે, મળવું મુશ્કેલ છે. જ્યારે ગુટકા ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તો (ભાવમાં નહિ, ખરીદીમાં) નશો છે. ઠેરઠેર હાજરાહજૂર છે. અનેક પ્રકારના સ્વાર્થને લીધે એના પર કાનૂની પ્રતિબંધ નથી, એના કાળા બજારમાં પણ હપ્તા ખાતી સિન્ડિકેટ હોઈને એનો પ્રતિબંધ પણ સરવાળે લાગતાવળગતાઓને કમાણી કરાવે છે.

માણિકચંદ ફેમ ધારીવાલ તો નફ્‌ફટ થઈને કહેતા  ‘હું ય ગુટકા ખાઉં છું, મને કંઈ થતું નથી. એ તો દૂધ ઝાઝું પીઓ તો ય નડે. લોકોએ ઓછા ખાવા જોઈએ, પણ ખાવા જોઈએ !’…..’ ગુટકાગુલામો આવું સાંભળી રાજીરાજી થઈ જતા… પણ હવે તો ગુટકાકંપનીઓના મવાલી માલિકોના અન્ડરવર્લ્ડ કનેક્શન્સ બહાર આવ્યા. ગુટકાના ગોરખધંધાર્થીઓ સઘળા માફિયા ડોનની કઠપૂતળીઓ બનીને નાચે છે, એ સાબિત થયું. ૫,૦૦૦ કરોડની (આ આંકડો ય ઘણો જૂનો છે) ગુટકા ઈન્ડસ્ટ્રીના કિંગ ૧૪,૦૦૦ સ્ક્વેરફિટનું પૂનાનું મહેલ જેવું મકાન મૂકીને ફરાર થઈ ગયા. ઘણીખરી ગુટકા ઈન્ડસ્ટ્રીઝમાં ચિક્કાર નફો છે, પાવલીના માલને પાઉન્ડની કિંમતમાં વેચવામાં આવે છે, અને રાષ્ટ્રવિરોધી અસામાજીક તત્વોને જ એમાં પૈસો મળે છે એ સામે ચાલીને સ્પષ્ટ થઈ ગયું !

પણ ગુટકાગદર્ભોના મોંનું થૂંકે ય ના હલ્યું ! ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અન્ડરવર્લ્ડ ફાઈનાન્સનો ગોકીરો ચાલ્યો, પણ ગુટકા ઈન્ડસ્ટ્રીના માફિયા કનેક્શનની વાતો શાંત પડી ગઈ ! ચેનલો – અખબારોમાં સૂંડલામોઢે જાહેરખબરો ગુટકાની ઠલવાય છે. ઘણીવાર તો મેગેઝીનના ટાઈટલ કવર પર ગુટકાની ભયાનકતા દર્શાવતી સ્ટોરી હોય અને લાસ્ટ કવર પર ગુટકાકંપનીની જાહેરાત રાજકીય પક્ષોને પણ ભંડોળ પહોંચી જાય. સરકારને ટેક્સની (અને બાબુઓને ટેક્સચોરીની લાંચની) ભરપૂર આવક થાય. આવા ‘અન્નદાતા’ ગુટકામાલિકોને નારાજ કરાય ?

ફિલ્મી એવોર્ડસની ગુટકા સ્પોન્સરશિપ બંધ થાય… પણ મહારાષ્ટ્રના ગણેશોત્સવથી લઈને ગુજરાતની નવરાત્રિ સુધીના અનેક ઉત્સવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુટકાકંપનીની સ્પોન્સરશિપ ઉપર જ ચાલે છે. ગુટકા ફાઈનાન્સ નીકળી જાય તો રોનક ઉડી જાય ! પૈસાની વાત આવે ત્યાં પછી સંસ્કાર નવી પેઢીને ઉપદેશ આપવા પૂરતા જ યાદ રહેતા હોય છે ! રાષ્ટ્રભક્તિની માળા જપીને બ્યુટીકોન્ટેસ્ટમાં ભાંગફોડ કરતી બજરંગદળથી શિવસેના સુધીની તમામ સંસ્થાઓએ હવે ગુટકા – ઈન્ડસ્ટ્રીના માફિયા નેટવર્કની વિગતો જાણ્યા પછી પૂરી તાકાતથી ગુટકાવિરોધમાં ઝૂકાવવું જોઈએ. હવે મામલો માત્ર વ્યસનનો નથી, વાત ગુનાખોરી, દેશભક્તિ અને પાછલા દરવાજેથી ત્રાસવાદી ભંડોળ સુધી પહોંચી ગઈ છે ! છોકરા – છોકરી ભેટીને સહશયન  કરે એમાં આસમાન તો શું, પાંદડું ય નથી તૂટતું… પણ આ તો અર્થતંત્ર તૂટવાની ગંભીર હરકત છે !

પણ મોબાઈલ કે ઇન્ટરનેટ કે ફિલ્મમાં  એક સેક્સી ફોટો કે દ્રશ્ય આપણી રાષ્ટ્રીય ચિંતા છે. ગુટકા આપણી નજર સામે હોવા છતાં આપણને કશી ફિકર નથી. આ દંભી દેશની અધોગતિના અસલી કારણો સમજાય છે ? કે પછી દિમાગમાં પણ તમાકુના છોડ ઉગી નીકળ્યા છે ? અર્થશાસ્ત્રનો અર્થ ન જાણનારા ગ્લોબલાઈઝેશન પર બહિષ્કારના નારાઓ આપે છે. ગુટકા પર અસહકાર કેમ નથી થતો ? વ્યસનના નામે નહિ તો રાષ્ટ્રવિરોધી તત્વોની સાંઠગાઠ માટે થવો ન જોઈએ ?

ગુટકાના વેચાણ પર પ્રતિબંધ (એ ય એકાદ – બે રાજ્યોમાં કામચલાઉ હોય છે !)થી સમસ્યા ઉકેલાવાની નથી, કાળાબજારી – રિશ્વતની નવી સમસ્યાઓ વધવાની છે. ગુટકાની જાહેરાતોને કાનૂનથી અટકાવો તો ગુટકા કંપનીઓ બ્રાન્ડનો પ્રચાર મિનરલ વોટરના નામે કરી લેવાના છીંડા પણ શોધશે. આ ભસ્માસુરને મૂળમાંથી નાથવો હોય તો એના ઉત્પાદન કરતી તમામ ફેક્ટરીઝ પર જ તાળા લાગી જવા જોઈએ. તમાકુવાળા પાન છો ખવાતા… સિગારેટ પણ પીનારા ભલે પીતા… ગુટકા જેટલું ગંભીર જોખમ તેમાં નથી એ તો ઠીક, પણ ઘરમાં, ખિસ્સામાં, જાહેરમાં ગુટકાની જેમ એનું સેવન સહેલું ન હોઈને મિત્રોની દેખાદેખીથી એમાં ઝૂકાવતાં ટીનેજર્સ તો ઘટશે !

આવા પ્રસ્તાવના વિરોધમાં દલીલ બે છેઃ એક, ગુટકાને નેસ્તનાબુદ કરવાથી હજારોની રોજગારી પર ફટકો પડશે. વાહ, પંદર વરસ પહેલા ‘ગુટકા’ એટલે હથેળીની સાઈઝની ધાર્મિક ચોપડી એવું જ યાદ આવતું – ત્યારે આ બધા બેરોજગારો આપઘાત કરતા હતા ? જગતની એક પણ ધમધમતી આર્થિક મહાસત્તાઓ પાસે ગુટકા ઈન્ડસ્ટ્રી નથી… તો પૈસાની રેલમછેલ બંધ થઈ ગઈ ? તો પછી કાયદેસર અફીણ વેંચવા – ઉગાડવાની જ મંજૂરી આપી દો ને ? નવી રોજગારી સર્જાશે ! બીજી આવી જ વાહિયાત વાત:  આટલા બધા ટેન્શન વચ્ચે જરાક ગુટકા ખાવા દો ને… બીજું ક્યાં વ્યસન છે ? એમ કંઈ રાતોરાત થોડું સુધરી શકાય… એટસેટરા.

વ્યસનમાત્રનો પ્રોબ્લેમ એ જ છે કે એ ટેન્શન દૂર નથી કરતું, ભુલાવે છે અને પછી વધારી દે છે. વિરોધ ખાવાપીવાનો નહીં, બંધાણનો છે. ગુટકા જેમ ખાવ એમ ‘કાંટો’ વઘુને વઘુ ખાવ તેમ જ ચડે. ખિસ્સા હળવા થાય, દિમાગ ભારે થાય, વેચનારા તગડા થાય. વ્યસન જો છૂટે તો મનોબળથી એકઝાટકે જ છૂટે. કરો અત્યારે જ સંકલ્પ. હું ગુટકાનો ગુલામ નહિ, મારા મનનો માલિક છું. ગર્લ્સ, ગુટકા ખાતા પતિદાનવને પરણવાનો કે પોલાં પપ્પાને પગે લાગવાનો ઇનકાર કરી દો . રહી વાત, સુધરવાની…. તો પછી શા માટે પાપી પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતા ભારતના આમ આદમીને પવિત્ર અને શ્રેષ્ઠ સંસ્કૃતિવાળો માનવાની દુહાઈ દો છો ? પહેલા ગુટકા તો વગર કાયદાએ છોડી બતાવો… પછી પશ્ચિમને ધિક્કારજો !

ઝિંગ થિંગ

ગોવાની ભીની સોનેરી રેતી પર. એક ખૂબસૂરત હસીના બિકિનીમાં છુટ્ટા કેશ લહેરાવતી બેઠી હતી.
સાંજનો લહેરાતો પવન, ગિટારનું પ્રેમનીતરતું સંગીત, ચોકલેટી આઈસ્ક્રીમનો સ્વાદ, ફૂલોની મદહોશ ખૂશ્બુ…
એણે હૂંફાળું સ્મિત કરી, શરબતી આંખો નચાવી પાસે બેઠેલા કાઠીયાવાડી જુવાનને પૂછ્યું – …‘તુમ ક્યું ખામોશ હો? કુછ બોલતે ક્યું નહિ?’
કાઠીયાવાડીએ મુસ્કુરાઈને શરમાતાં શરમાતાં રેતી પર આંગળીથી લખ્યું – ‘‘મોઢામાં ફાકી ને માવો સે!’’ 😀

 
58 Comments

Posted by on August 16, 2012 in education, gujarat, india, youth

 
 
%d bloggers like this: