RSS

Daily Archives: August 13, 2012

જય હો – અકિલા !

૨૦૦૩માં મેં પહેલું પ્રકાશન શરુ કરેલું, મિત્રો સાથે ભાગીદારી જમાવીને. નામ રાખેલું પીટર પાનની પરીકથા (અને હૂક ફિલ્મ તથા માઈકલ જેક્સનની રેન્ચ) પરથી ‘નેવરલેન્ડ’. પ્રકાશન શરુ કરવાનો વિચાર મારો જ. એ સફળ પણ થયું.  અલબત્ત, પછી ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ની પેલી કથા જેવું થયું. પ્રારંભિક  નિષ્ફળતા મળી હોત તો એ ચાલુ રહેત, પણ આરંભની જ સફળતાને લીધે એ સહિયારું સાહસ બંધ કરવું પડ્યું. વો કિસ્સા ફિર કભી.

મને બરાબર યાદ છે, ત્યારે હું મારી વિશ્વમાં સૌપ્રથમ કહેવાય એવી એસ.એમ.એસ. બુક્સ લઇ બધા અખબારોમાં ગયો, એમાં વિદ્યાર્થીકાળથી એમ જ ઓળખતા રાજકોટના સુખ્યાત સાંધ્યદૈનિક ‘અકિલા’ના ‘અકેલા’ સુત્રધાર કિરીટકાકાએ જે વ્હાલનો અનુભવ કરાવેલો, એ આજીવન નહિ ભૂલું ! ભેટ લેવા ટેવાયેલા પત્રકારો તો બહુ જોયા હશે પણ કિરીટકાકાએ તો ઉભા થઇ શ્રીનાથજીનો ઠોરનો પ્રસાદ ઘરમાં લઇ જઈ ખવડાવ્યો અને ખિસ્સામાં હાથ નાખી ૫૦૦ રૂપિયા આશીર્વાદ રૂપે આપ્યા ! એ સિવાય પણ એમના પ્રેમમાં કદી માઠું વરસ નથી પણ “મીઠું વરસ” જ હોય એની ખાતરી.

ઘણા સમય બાદ એકલપંડે મારું સ્વતંત્ર પ્રકાશન ‘રિમઝિમ ક્રિએશન્સ’ શરુ કર્યું. માત્ર શોખથી આવું ય કામ થઇ શકે ઘેર બેઠાં એ પુરવાર કરવા ડિઝાઈનર દોસ્ત ગિરીશ ચૌહાણ સાથે મળી અગેઇન વિશ્વભરમાં સૌપ્રથમ કહેવાય એવી અનોખી અંગ્રેજી બૂક ‘Life@Kite’ બનાવી. એ વખતે ટાઈમ્સની ‘લીડઇન્ડિયા’માં મોજથી ભાગ લીધેલો. નવા અનુભવો લેવા. ટાઈમ્સમાં ડઝનેક જેટલા નાના લેખો પણ મારા એ સંદર્ભે અંગ્રેજીમાં છપાયા. નિયમિત લખવું હોય તો ઈજન મળ્યું પણ એ તો સમયના અભાવે શક્ય નહોતું. નવા પ્રકાશનની પહેલી બુક અંગ્રેજી હોઈ જસ્ટ અમદાવાદ તંત્રીશ્રી ભરત દેસાઈને ભેટ આપવા ગયો. ઉમળકાભેર એમને એ સ્વીકારી. અને મને એવી ભેટ આપી કે જે લાઈફટાઈમ મેમરી બની રહે. અમારે આવી કોઈ વાત પણ નહોતી થઇ પણ સવારે હું ઉઠું એ પહેલા એમનો સરપ્રાઈઝ મેસેજ આવેલો મોબાઈલમાં…….અને સંક્રાંતિની એ સવારે હું ટાઈમ્સની ફ્રન્ટ પેજ આઠ કોલમની બેનર હેડલાઈનમાં પુસ્તક અને તસવીર સાથે હતો ! ભલભલી સેલિબ્રિટીઓને પાવર ને પૈસાથી ના મળે એ ભરતભાઈએ પ્રેમથી (અને મેરિટ પર) આપ્યું. લો એ તસવીર પર નજર નાખો (ક્લિક કરી ફોટો એન્લાર્જ કરો):

એ નાનકડું અંગ્રેજી પુસ્તક નેશનલ લેવલ પર પહોચે ત્યાં તો ને બાકી ચપોચપ ગુજરાતમાં જ સોલ્ડ આઉટ થઇ ગયું. હવે એ જ ‘રિમઝિમ ક્રિએશન્સ’માં મે પૂરેપૂરું પરસેવાની કમાણીનું જોખમી રોકાણ કરી (એ માટે કેટલાક અંગત ખર્ચના એજેન્ડા પણ બાજુએ મૂકી) ખૂબ દિલથી ‘જય હો’ પુસ્તક બનાવ્યું. મારાં નિયમિત પ્રકાશક નવભારત પરિવાર તો મારી સાથે હોય જ. વર્ષોના મારાં નિરીક્ષણમાંથી જન્મેલા વલોપાતમાંથી. એ પુસ્તક કેમ અને કેવી રીતે ઘડાયું એની ઉતારચઢાવવાળી સર્જનકથા પણ રસપ્રદ છે અને ‘શા માટે’ એ તો મહત્વપૂર્ણ પણ છે. પણ ગુજરાતી પ્રકાશનોમાં પ્રોડકશન લેવલે કાગળ, પ્રિન્ટિંગ, લે-આઉટ, ડીઝાઈનમાં ગેઇમ ચેન્જર બને એવું આ પુસ્તક કન્ટેન્ટમાં પણ નેવરબિફોર (હા, ગુજરાતી પ્રૂફરીડર ના મળ્યાનો અફસોસ હજુ યે છે) એટલે છે કે એમાં પોઝીટીવીટીના પડીકાં વેંચવા કરતા ઘણો વધુ અસરદાર અને ધારદાર કન્ટેન્ટ છે, જેની સરેરાશ સમાજને લાંબા ગાળે બહુ જરૂર છે, એવું મને લાગે છે.

ફરી બધા જ અંગત અખબારી મિત્રોને આઠમ નિમિત્તે એ દેવા ગયો , ત્યારે પણ પૂજ્ય અને પ્રિય કિરીટકાકાના વાત્સલ્યની અમીવર્ષામાં ભીંજાવા મળ્યું. એમણે રસ લઇ આ પુસ્તક વિષે થોડું વધારે ઊંડાણમાં કવરેજ તૈયાર કરાવ્યું. બ્લોગબડીઝને વિનંતી કે નીચેના ફોટા પર ક્લિક કરી એ એન્લાર્જ થતા રાઈટ બોટમ કોર્નર પરના મોટા બોક્સમાં ‘જય હો’ વિશે, એ બનાવવાના કારણો-તારણો અંગે ખાસ વાંચજો. (મફત છે, એમાં કંઈ ચૂકવાનું નથી 😉 ).


‘જય હો’ મારાં માટે કેવળ વધુ એક પુસ્તક શા માટે નથી, અને એની જરૂરિયાત પહેલી નજરે દેખાય એનાથી ઊંડી અને અગત્યની  શા માટે છે – એનો પ્રાથમિક ખ્યાલ આ વાંચશો તો આવશે. એના કન્ટેન્ટ અંગે તો ઓલરેડી એની પ્રસ્તાવનામાં વાચકોએ કહ્યું જ છે. અને પુસ્તકના સામે ચાલીને અદભૂત ફીડબેક વેચાણ અને વખાણ બંને સ્વરૂપે હજુ તો એનું વિધિવત લોન્ચિંગ પણ ના કર્યું હોવા છતાં મળી રહ્યા છે. ફેસબુક પર ચિક્કાર પ્યાર વરસ્યો છે એના પર. તમારા નિખાલસ પ્રતિભાવોનું અહીં પણ સ્વાગત છે કોમેન્ટસમાં. (નોંધ : અકિલામાં આવેલા સંપર્કસુત્રો ઉપરાંત ‘જય હો’ અમદાવાદ અને વડોદરાના ‘ક્રોસવર્ડ’માં હવે ઉપલબ્ધ છે. સુરતમાં એક સંસ્થાના અનુદાન-સહયોગથી પર્વના ગાળામાં વિશેષ વળતર સાથે હીરાબાગમાં જે.ડી.ગાબાણી પુસ્તકાલયમાં પણ મળશે. મુંબઈ ‘નવભારત’માં ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ પર પણ મળે છે, ટૂંક સમયમાં ઓનલાઈન સેલિંગ માટે ઉપલબ્ધ કરવાના પ્રયાસો ચાલુ છે. જથ્થાબંધ જોઈતી હોય તો રિમઝિમમાં ૯૮૨૪૩૩૭૩૮૯ પર સંપર્ક કરવો .)

લેખકો -પ્રકાશકો મારાં મિત્રો હોવા છતાં પુસ્તકો માંગીને , મફત મેળવીને કે ઉછીના લઈને વાંચવાની વૃત્તિ પ્રવૃત્તિ મેં કદી રાખી નથી. મારા નિકટ વર્તુળો જાણે છે, તેમ ગમતા પુસ્તકો તો હું દસ-વીસ ખરીદી ગિફ્ટ આપું છું. જે આજીવન આચરણમાં હું મુકું છું, એ કહેવાનો હક ખરો એટલે મારાં સ્પષ્ટવક્તા સ્વભાવ મુજબ અનુરોધ કરું છું કે ગમે, (જો ખરેખર ગમે અને અકિલામાં છપાયો છે એ સંકલ્પ / પુસ્તક પાછળના મૂળ સમસ્યા-ઉકેલના વિચાર અંગે તમારા હ્રદયની સંમતિ હોય તો અને તો જ…હું કહું છું માટે કે મને સારું લગાડવા તો નહિ જ ) તો એ લેજો અને બીજાઓને પણ પ્રોત્સાહિત કરજો. ભાષા કે એનો લેખક  કેવળ પ્રશંસા પર ટકતો નથી, એ નરી વાસ્તવિકતા છે. માત્ર લેખન-પ્રવચન પર જ એક દસકાથી જીવતા માણસ તરીકે મને એનો પુરતો અનુભવ છે.

‘જય હો’ અંગે બીજું કેટલુંક રસપ્રદ લખવું છે, પણ અત્યારે આ મારી જ પર્સનલ સ્પેસ હોવા છતાં એના અતિરેકથી તમને બોર નહિ કરું. થોડા દિવસો પછી. મારાં અઢળક રસના વિષયો છે, ફક્ત મારું જ પુસ્તક આવે એટલે એની જ વાતોએ ચડી જવું તો તમને ઠીક, મને જ ફાવે નહિ. 😛 અત્યારે બસ ‘અકિલા’માં એના વિષે છપાયું એ તમે સમય કાઢી વાંચો, વિચારો અને શક્ય તેટલું વંચાવો  એટલું પૂરતું છે.  🙂

આપ સહુના બેસુમાર પ્યાર માટે આગોતરો આભાર…

 
 
%d bloggers like this: