RSS

Daily Archives: August 11, 2012

સુરેશાંજલિ…

તસવીર સૌજન્ય : સંજય વૈદ્ય

“લાકડા રંગવાથી અગ્નિનો રંગ બદલાતો નથી.”

આ મારું, નહિ સ્વર્ગસ્થ (ખરેખર તો ‘કાવ્યસ્થ’ !) સુરેશ દલાલનું ક્વોટ છે. ક્વોટ નથી, એક લીટીની અનંત કવિતા છે.

અને કેવળ કવિતા નથી. જીવનનું કાતિલ સત્ય છે.

મૃત્યુ.

કાળું. બદબૂદાર. ઠંડું. સખ્ત.

આખા ગુજરાતને રાધા-માધવ-મીરાના કાવ્યના લયમાં પરોવી દેનાર ‘સુરના ઈશ’ અને ‘દિલના લાલ’ એવા સુરેશ દલાલ ( આ શબ્દરમતો પણ એમનું જ તર્પણ છે, જેમના એ મહારથી હતા) જન્માષ્ટમીની જ રાત્રે અચાનક અમારા ભદ્રાયુભાઈના શબ્દોમાં મોરપીંછની રજાઈ ઓઢીને શ્યામને બદલે પોતે, ને એ ય વળી ચિરનિદ્રામાં પોઢી ગયા.

હું તો મધરાતના કૃષ્ણજન્મોત્સવને લીધે જરા વહેલો ચાલવા નીકળ્યો હતો , અને વરસાદ ખેંચાતા મેળા વિનાનું સુનું પડેલું મેદાન ખૂંદતો હતો ત્યાં સૌથી પહેલો મુંબઈથી સંજય છેલનો એસ.એમ.એસ. આવ્યો : સુરેશ દલાલ પાસીઝ અવે.  અને એ ચાલી નીકળ્યાના સમાચાર વાંચી, હું સ્થિર થઇ ગયો. પછી તો ગુણવંત શાહના વિદૂષી પુત્રી અમીષાબહેન સાથે જરાક એસએમએસ ચેટ ચાલી. એમણે ય વસવસો પ્રગટ કર્યો જન્માષ્ટમીએ જ કૃષ્ણપ્રેમી કવિના વિદાયયોગનો : વોટ એ પોએટિક ઇન-જસ્ટિસ ! ( ગહેરી વાત છે, સમજવાવાળા સમજી શકશે)

રાતના ટીવીનાઈન પર ટ્રિબ્યુટબાઈટ માટે હું ય ઘેર આવ્યો..પછી બહાર ના ગયો…સુરેશ દલાલ અંગે ઘણું લખી શકાય, એમનું જીવન-કવન…મારા એમની સાથેના અનુભવો… ને મારા તો બીજા ય અનેક પ્રિય કવિઓ છે. પણ એ બધું પછી. અત્યારે તો ગઈ કાલે ફેસબુક પર લખેલું એટલું જ : જો સુરેશ દલાલ ના હોત, તો મને કવિતામાં ઝાઝો રસ અને થોડી સમજ – કશું ય ના હોત. સર્જકની તો ખબર નથી, પણ આ એક ભાવક તો એમણે અનાયાસ ઘડી જ કાઢ્યો. એ આદમી શબ્દશઃ કવિતા માટે ગુજરાત તો ઠીક, ભારતમાં એકમેવ વિશ્વ-વિદ્યાલય હતો. અને હું એ મલ્ટીપલ પર્સનાલિટીની યુનિવર્સીટીનો એક્સટર્નલ સ્ટુડન્ટ.

અને અનેક લાકડાઓને અવનવા રંગે રંગી , ખુદ પણ રંગાઈ અંતે તો સુરશ દલાલનો દેહ પેલા અગ્નિના એક જ રંગને સ્વાધીન આજે  જ સવારે થઇ ગયો.

અત્યારે તો બસ, આઠમના વીકએન્ડ તણા મિનિ-વેકેશનમાં એક નાનકડી અંજલિ. આઠ દાયકાનું આયખું પાર કરી ગયેલા સુ.દ. ના લખાયેલા મરણ પરના આઠ કાવ્યો. (અને બીજી ત્રણ રચના મળી કુલ અગિયાર મૃત્યુવિષયક સર્જન. જે વીણેલું છે, પણ એમનું ય કોઈ આવું તૈયાર સંપાદન નથી)  ખુદ ગૂગલ પરથી જ્ઞાન મેળવતા હોય એવા ઘણા અબૂધો એમ જ (સાવ ખોટું) માને છે કે, મારા જેવા લેખકો ઇન્ટરનેટ પરથી જ લખે છે. લખવા માટે ઈન્ટરનેટ નહિ, અંતરનેટ જોઈએ એ સુરેશભાઈના સર્જન થકી એવા અ-રસિકોને સમજાય તો ય ઘણું છે. કારણ કે આ અહીં મુકું છું, એ સામગ્રી મારા અંગત સંગ્રહ-સ્મૃતિની છે. જાતે જ ટાઈપ કર્યું છે. એમાંથી ભાગ્યે જ કશું નેટ પર રેડી-મેઇડ ઉપલબ્ધ હશે.

અહીંની કૃતિઓ વાંચીને એવું તારણ ના કાઢશો કે સુરેશ દલાલ તો ઉદાસી અને હતાશાના કવિ હતા. એ તો ઉલ્લાસ અને સુવાસના છડીદાર હતા. લો થોડા વર્ષો પહેલાનું એમનું આ કાવ્ય ( બીમારી આવી હોવા છતાં લખેલું) વાંચો. મસ્તીના મિજાજ અને પોઝિટીવિટીના પડકારને ઝીલતું.

મરણ તો આવે ત્યારે વાત
અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત.
 
ખીલવાનો આનંદ હોય છે,
ખરવાની કોઈ યાદ નથી.
સુગંધ જેવો ભીનો ભીનો
વરદાન સમો વરસાદ નથી.
 
સોના જેવો દિવસ, રૂપા જેવી રાત
મરણ તો આવે ત્યારે વાત
 
હરતા રહેવું, ફરતા રહેવું
ઝરણાની જેમ વહેતા રહેવું
મહેફિલને મનભરીને માણી
જલસા જલસા કહેતા રહેવું
 
જીવન અને મરણની વચ્ચે નહીં પ્રશ્નો, પંચાત.
મરણ તો આવે ત્યારે વાત.

પણ, કમનસીબે ગોકુળ આઠમે વૈકુંઠવાસી કરતુ મરણ હવે એમને આંબી ગયું છે. હવે એમની પંચાત સમાપ્ત થઇ, ને આપણી શરુ થઇ. એટલે મરણ આવે ત્યારે વાત આઠ દસકાને અર્ધ્ય આપતા ખાસ ચૂંટેલા સ્વ.સુરેશરચિત આઠ મૃત્યુ કાવ્યોની.. ગીતકવિની મૃત્યુની અનુભૂતિ મોટા ભાગે અછાંદસ છે. એમાં કોઈ સર્વજ્ઞની ફિલસુફી નથી, પણ હૃદયમાં ઉઠતા સ્પંદનોના કલમે દોરેલા ચિત્રો છે. મહાત્મા ઉપદેશક અને માનવીય કવિ વચ્ચે આ જ તો બુનિયાદી ફર્ક છે. એમાં મોટે ભાગે તો સાક્ષીભાવ અને વાસ્તવ જ પ્રકટ થાય છે. અને ડોકાય છે : એમના થકી ફરી યાદ આવી ગયેલું મૃત્યુ… કાળું. બદબૂદાર. ઠંડું. સખ્ત…મોત.

 

***

દોસ્ત જેવું શરીર મારું વીફરે વેરી થઇને.
અમૃત નો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને.
 
તનોમંથન ને મનોમંથન
કે મંથનનું એક ગામ
દુકાળને અતિવૃષ્ટિથી
આ જીવન થયું બદનામ.
 
દાવાનળમાં મનોરથોને સાવ વધેરી દઈને
દોસ્ત જેવું શરીર મારું વીફરે વેરી થઈને.
 
પગ અટક્યા છે, આંખે ઝાંખપ
કાનને અવાજ ના ઉકલે
થાક થાકની ધાક શરીરમાં
પેઠી તે નહીં નીકળે.
 
ઉભો થઈશ કે નહીં : ખાટલો આ ખંખેરી દઈને ?
દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઇ ને.
 
***
 
આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી.
 
શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને સ્પર્શ નથી વરતાતો.
 
સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું ચાલી.
 
નસના ધોરી રસ્તા તૂટ્યા, લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કંઈ કશું નહિ, વહી ગયેલી વય.
 
પંખી ઉડ્યું જાય ને પછી કંપે જરી ડાળી……
 
***
 
પડદો પડી ગયો, તાળીઓનો ગડગડાટ શમી ગયો.
હું જાઉં છું ‘ગ્રીનરૂમ’માં મારો પોશાક બદલવા અને ‘મેક અપ’ ધોવા.
ખુશામતિયો અરીસો મારાં અહમને વિવિધ રીતે પંપાળે છે
અને મને ભ્રમણાની બેહોશીના સંનિવેશમાં ગોઠવી આપે છે.
મારી ભજવેલી ભૂમિકાને ભૂલીને હું ફરી પાછો
મારા અસલ સ્વરૂપે પ્રકટ થવાનો પ્રયત્ન કરું છું.
અસલ સ્વરૂપ એટલે મારું રેશનકાર્ડમાં લખાયેલું નામ.
મારો મારાં કુટુંબ સાથેનો નાતો, મારી જવાબદારી.
પ્રેક્ષકોનું મનોરંજન કરતો હું મારું મનોરંજન નથી કરી શકતો !
મારી અંગત રંગભૂમિ પર તો ભરેલી ખુરશીઓ પણ
ખાલીખમ લાગે છે.
ખાલી ખુરશીઓ વચ્ચે હું એકલો છું :
બત્તીઓ બુઝાઈ ગઈ છે. હોંઠ પરથી ઉડી ગયા છે ઉછીના સંવાદો.
ને મારાં પોતાના શબ્દો મૌનની સફેદ ચાદર ઓઢીને શબવત્ પડ્યા છે.
 
***
 
બહારનું જગત તો એવું ને એવું જ છે.
પણ આપણે આપણામાં વૃદ્ધ થતા હોઈએ છીએ.
 
દિવસનો સૂરજ એવોને એવો પ્રકાશમાન છે
અને રાતના દીવા તો એવા ને એવા ઝળહળે છે
પણ આપણી આંખોના અજવાળાં ઓસરતાં હોય છે.
 
જુઓ આ તે કેવું
કે આપણા જ વ્રુક્ષ પરથી
એક પંખીનો ટહુકો ઉડી ગયો
અને આપણને સંભળાયો નહીં !
પાનખરની જરઠ ડાળી પર
ઝાકળનો ભીનો સ્પર્શ
પણ આપણને કેમ એવું લાગે છે
કે આપણે સાવ કોરાધાકોર રહી ગયા?
 
બહારનું જગત તો એવું ને એવું જ
પણ અંદર એક વૃક્ષ
મૂળસોતું ઉખડવાની તૈયારી કરે છે.
 
***
 
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
ક્યારેક ક્યારેક અહીં ઉગે છે ચંદ્ર પૂર્ણ, મધુરો.
 
આમ ને આમ આ શૈશવ વીત્યું
ને વહી ગયું આ યૌવન,
વનપ્રવેશની પાછળ પાછળ
ધસી આવતું ઘડપણ.
 
સ્વાદ બધોયે ચાખી લીધો : ખાટો, મીઠો, તૂરો.
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
 
હવે બારણાં પાછળ ક્યાંક તો
લપાઈ બેઠું મરણ,
એણે માટે એકસરખા છે
વાઘ હોય કે હરણ.
 
ઝંખો, ઝૂરો, કરો કંઈ પણ : પણ મરણનો માર્ગ શૂરો,
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
 
***
 
સ્મશાનમાં વૃક્ષોનો રાખોડી રંગ
કાળી રાતે જ્વાળાઓના ઉડતા વિહંગ
 
સૂરજની પણ અત્યારે અહીં પ્રવેશવાની તાકાત નથી.
એક પળમાં થાય પુરો જીવન સાથેનો ઋણાનુબંધ.
 
મરણ તો ભિક્ષુ જેવું
કોઈને પણ બારણે, કારણે-અકારણે
આવીને ઉભું રહે –
અને કહ્યા વિના કોણ જાણે કેટલુંયે કહે
કરી મુકે સ્તબ્ધ, નિ:સ્તબ્ધ.
 
કોઈકની આંખ અંગારા જેવી
કોઈકની આંખમાં અષાઢ ને શ્રાવણ.
રડવાથી કોઈ નહિ પાછું વળે,
ભડભડ ભડભડ ચિતા બળે.
 
રૂની પથારી થઇ ઊની ઊની સૂની સૂની લાકડાંની ચિતા
પછી તમે ભલે બેસાડો ગરુડપુરાણ કે વાંચો તમે ગીતા !
 
***
 
મૃત્યુ બાદ
કાવ્યમાં
કવિ જીવે છે
સુખથી.
 
ન પ્યાસથી
ન ભૂખથી
હવે કદીયે તરફડે.
સ્કવેરફૂટ કે ફલેટનો
કદીય પ્રશ્ન નહિ નડે.
નહીં હસે, નહીં રડે
મનસૂબાઓ નહીં ઘડે.
 
શમી ગયું છે
દુઃખ સૌ
મળ્યું હતું
જે કૂખથી.
 
મૃત્યુ બાદ
કાવ્યમાં
કવિ જીવે છે
સુખથી.
 
***
 
દ્રશ્યોનો શાંત સમુદ્ર
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હીસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે ઝઝૂમતો દીવો.
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઉતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રીનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.

 

# કવિ ઓડેનને મળેલા ઇચ્છામૃત્યુને વારંવાર યાદ કરતા કવિ સુરેશ દલાલને પણ આ એમની કવિતા વાંચો તો એવું જ ઇચ્છામૃત્યુ મહદઅંશે પામ્યા એવું ના લાગે ? રાતના તારાજડિત અંધકારે ( હિતેનભાઈએ જણાવ્યું એમ રાતના ૮ વાગે ), જન્માષ્ટમીના ઝુમતા ઝુમ્મરો અને ગોવિંદા આલાના સુવાસિત સમયે…કોઈ હોસ્પિટલના ખાટલા વિના ઘેર જ…

ગુજરાતી સાહિત્યમાં તો સુરેશાન્ત અને યુગાન્ત શબ્દકોશમાં પર્યાયરૂપે લખવા જોઈએ….

તસવીર સૌજન્ય : સંજય વૈદ્ય

ઝલક-છાલક

“મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મુકીએ છીએ

એ પહેલા

હૃદય પર પથ્થર મુકવો પડે છે.”

(સુરેશ દલાલ)

 
 
 
%d bloggers like this: