RSS

Daily Archives: August 10, 2012

ક્રિષ્ના ક્રિષ્ના હાયે ક્રિષ્ના….

હુસેનની કૃષ્ણલીલા સિરીઝમાંથી….

હિંદી ફિલ્મોમાં કૃષ્ણના ગીતોની વાત નીકળે એટલે વધુ પડતા વપરાશથી ઘસાઈ ચુકેલા  ‘યશોમતી મૈયા સે ‘ કે ‘ગોવિંદા આલા રે’થી શરુ કરીને હમેશા અહોભાવથી મહિમામંડિત માદક મધુબાલાને ચણીયાચોળીમાં રજુ કરતું  ‘મોહે પનઘટ પે નંદલાલ’ (રચયિતા નૌશાદ નહિ, પણ આપણા ગુજરાતી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ – જે ક્રેડિટ લાંબા કાનૂની જંગ પછી એમના પૌત્ર ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટે ‘મુગલ-એ-આઝમ’ની કલર વર્ઝનની ડીવીડી પર મુકાવી છે !)ના નામો ટપોટપ યાદ આવે.

આવે એ તો. બધાની પોતપોતાની પસંદ હોય. આપણારામને તો કૃષ્ણ ય પસંદ. ફિલ્મો ય પસંદ. અને બોલિવૂડ મ્યુઝિક તો બેહદ પસંદ. તો પછી આ જન્માષ્ટમીએ એની ત્રિવેણી ઉજવણી કેમ નહિ?

તો લો કાનમાં વૃંદાવન ઘોળી, ‘ગો-કૂલ’ વિથ માય ફેવરિટ કે.એસ. – ક્રિષ્ના સોન્ગ્સ. સ્વીટ સિકસ્ટીન. પુરા ૧૬. અને એ પહેલા આરંભમાં રીડરબિરાદર અભિરાજસિંહે યાદ દેવડાવેલું આપણા  હિમેશભાઈનું આ અનહદ પસંદ આધુનિક ‘પ્રભાતિયું’ તો સાંભળી-જોઈ લો. ( બે બોનસ ગણીને ૧૮ વિડિયોઝ થયા…રાજી? )


પણ એમાં ધુબાકા મારતા પહેલા જરૂરી નથી, છતાં કરવી જોઈએ એવી ચોખવટ. આ મને ગમતા  ફિલ્મી કૃષ્ણગીતો છે, તમને ના યે ગમે. એનો હક તમને, પણ એથી મને ગમતા ગીતોનું ‘ગીત-ગોવિંદા’ કરવાનો મારો હક ઓછો નથી થઇ જતો !

બધા ગીત વિષે કંઇક ને કંઇક લખી શકાય….એના કમ્પોઝિશન, પિક્ચરાઇઝેશન, ક્રિએશન વિષે – પણ જન્માષ્ટમીએ એવો ટાઈમ કોને છે? પણ અમુકની વાતો ઝડપભેર કરી દઉં…આમાં નવા ગણાય એવા જૂજ છે, ને છે તે વળી ત્રણ રહેમાન ને એક ઈસ્માઈલ દરબાર એમ મુસ્લિમ સંગીતકારોના ( અને સાઉન્ડ એરેન્જમેન્ટથી તરજ સુધી શુદ્ધ ભારતીય સંગીતથી તર-બ-તર!) છે. (છેલ્લા વર્ષોમાં આવેલા ત્રણે ય સારા કૃષ્ણની થીમ પરના સોન્ગ્સ રહેમાને જ બનાવ્યા છે ! લાસ્ટ ‘જૂઠા હી સહી’ ) બાકીના એક-બે અપવાદને બાદ કરતા લગભગ એક જ ટાઈમફ્રેમના છે. મારી ટીનએજમાં આઠમની અઠખેલીયાં ધૂમ મચાવી, રંગ જમાવતી હતી એ અરસાના. કદાચ ત્યારે કૃષ્ણ પર ગીતો પણ બહુ બનતા. અને મને સાવ ભજન જેવા જુના ગીતોને બદલે એટલીસ્ટ રેકોર્ડિંગમાં થોડા વધુ રણકદાર એવા આ ગીતો ગમતા. એમાં ચાંદ કા ટુકડામાં શ્રીદેવી ગુજરાતી રાસ (ને અઠીંગો !) લેતી જોવા મળશે તો કિશન કન્હૈયામાં ભીની મહીન (થીન, યુ સી!) શ્વેત સાડીમાં ઉલળતી-ઉછાળતી  શિલ્પા રાસલીલાની રસભર ગોપી જેવી જ લાગશે 😉 ડિસ્કો ડાન્સર-મીરા કા મોહનના ગીતો  ધાણાદાળ-વરિયાળીની જેમ ફ્લેવર ચેન્જ કરે એવા ડીફરન્ટ છે. રેખા પરના શીતળ પ્રભાતપૂજાના ગીતો છે.  સારિકા-મંદાકિની પરના મીરાં-રાધા કશ્મકશના બેઉ બેહદ  પસંદ ગીતોમાં સરળતામાં સ-રસ કવિતા ગૂંથાઈ છે. પણ સરપ્રાઈઝ પેકેટ પ્યાર હુઆ ચોરી ચોરીનું સોંગ છે. કેમ?

કેમ તે આ યુટ્યુબ લિંક શું ટાઈટલ વાંચવા પૂરતી છે? કરો ક્લિક…ભલે ફુરસદે, બધા ગીતો માણજો જરૂર.. 🙂

ને હેપી બર્થ ડે, કાનજી કાળા..માવા મીઠીમોરલીવાળા….પંજરી ફ્લેવરની કેકનું કૈંક સમજોને પાર્ટીમાં ? ❤

***

 
24 Comments

Posted by on August 10, 2012 in cinema, india, religion

 
 
%d bloggers like this: