RSS

Daily Archives: August 2, 2012

નવા જમાનામાં ‘નવલી’ અને ‘લવલી’ પસલી!

રંગીલા રતનલાલને જીંદગી જલસાથી જીવવાનો પહેલેથી શોખ હતો. કોલેજલાઇફમાં ભરપૂર મસ્તી માણીને તેઓશ્રી માયાનગરી મુંબઇમાં સેટ થઇ ગયેલા. ગ્લેમરવર્ડની ફાઇવસ્ટાર સેલિબ્રિટી તરીકે પેજ થ્રીમાં ત્રણસો વાર ચમકી ચૂકેલા રતનલાલને જૂની કોલેજ હોસ્ટેલના ફંકશનમાં જવાનું આમંત્રણ મળ્યું. એમણે એ હોંશે હોંશે સ્વીકાર્યું. કાર્યક્રમ પત્યા બાદ રતનલાલ રંગીનમિજાજમાં પોતાની જૂની હોસ્ટેલ જોવા નીકળ્યા.

હોસ્ટેલમાં પોતાનો રૂમ આવતા એ બોલી ઊઠ્યા ‘એ જ જૂનો ઓરડો!’ દરવાજો ખોલીને ખખડી ગયેલા ખાટલા પર આશ્ચર્યચકિત થઇને બેઠેલો મગન મોજીલો જોયો. ખાટલો જોઇ બબડ્યા ‘એ જ જૂનો પલંગ’… આગળ વધીને જરીપુરાણુ ટેબલ જોયું, ને કહ્યું ‘એ જ જૂનું ટેબલ’… પછી કબાટ તરફ ગયા. કબાટનો દરવાજો ખેંચ્યો તો અંદર ચાદર ઓઢેલી એક જુવાન છોકરી નીકળી! મગન મોજીલો ગળે થૂંક ઉતારતા માંડ બોલ્યો: ‘સાહેબ, આ તો મારી માનેલી બહેન છે.’ રતનલાલ મલક્યા: ‘એ જ જૂનું બહાનું!’

થેન્ક ગોડ, નવી સદીના લેડિઝ એન્ડ જેન્ટલમેનને ભાઇ-બહેનના સ્પેશ્યલ સંબંધને આવી બહાનાબાજીમાં વટાવવો નથી પડતો! નવા જમાનાની ખાસિયત એ છે કે એમાં શુઘ્ધ ભાઇ-બહેન જોવા મળે છે. હવે છોકરા-છોકરીને એકબીજાની કંપની ગમતી હોય તો એ સરસ મિત્રો બની શકે છે, અને રહી પણ શકે છે. એ માટે ‘ધરમના ભાઇ-બહેન’નું સમાજલક્ષી લેબલ પરાણે માથે ઓઢવાની જરૂર નથી પડતી. એટલે સગા, પિતરાઇ કે સ્નેહના તાંતણે ગૂંથાયેલા જે ખરા અર્થમાં બહેન-ભાઇની લાગણીસભર અનુભૂતિ ધરાવે છે- એવા સ્ત્રી-પુરૂષો જ રક્ષાબંધને હોંશે હોંશે રાખડી બાંધે/બંધાવે છે. વધારાનું નાટકિયું કસ્તર સાફ થઇ જતાં ‘રાખી’ ચોખ્ખી થઇ છે.

પણ નવા જમાનામાં માત્ર આટલું જ બદલાયું નથી. ઘણું ઘણું બદલાયું છે. અચળ અવિનાશી રહ્યો છે રક્ષાનો તાંતણો, પણ આસપાસની દુનિયામાં થાબડીની જગ્યાએ કેડબરી અને પત્રની જગ્યાએ એસએમએસ આવી ગયા છે. રાખડીની ડિઝાઇનમાં નવી ફેશન આવે, બહેન- ભાઇના શણગાર નવતર થાય… તો પછી રિશ્તામાં પણ એ ‘રિવોલ્યુશન’ રિફ્‌લેક્ટ થવું જોઇએ ને? એ ક્યારેક જ થાય છે.

જેમ કે, વીરપસલી. બહેન ભાઇની સુખાકારી માટે મંગળ કામના કરે અને ભાઇ એને હેતથી કશીક ભેટ કે શુકનની રોકડી રકમ આપે. ધેટ્‌સ ફાઇન. પહેલાના જમાનામાં પુરૂષો જ કમાતા અને સ્ત્રીઓ માત્ર ઘર સંભાળતી એટલે રાખડીના નિમિત્તે ભાઇની ફરજમાં આવતું કે બહેનને ગમતી વસ્તુ કે આર્થિક મદદ આપીને ટેકો કરે. બહેન પણ હકથી ભાઇ પાસે જીદ કરીને મનગમતાં ઓરતાં પૂરી કરી શકતી.

હવેના જમાનામાં ઉપર-ઉપરથી આ સમીકરણો બદલાયા છે. પણ શહેરી અપવાદો બાદ કરતા હજુ યે સામાજીક ઢાંચો પુરૂષપ્રધાન રહ્યો છે. સ્ત્રીઓ કારકિર્દી અને કમાણીમાં આઝાદ થઇ હશે, પણ હજુ ‘પુરૂષ’ નામના પિતા, પતિ કે ભ્રાતાની મંજૂરી નીચે જ એણે મોટા ભાગે નિર્ણયો લેવા પડે છે. આવા સમયે ૠજુ હૃદયની ભાવનાભીની બહેન તો બરાબર કે ભાઇને પ્રેમવર્ષામાં ભીંજવે, એના મંગળ માટે સતત પ્રાર્થના-કામના કરે અને એના રક્ષણ માટે રાખડી બાંધી કપાળે કંકુ-ચોખાનો ચાંદલો કરીને આરતી ઉતારે…

પણ ભાઇલોગો કંઇ હવે બહેન માટે તલવારો બહાર કાઢીને ધીંગાણે ચડે કે પાઘડી હાથમાં લઇને વીનવણી કરે કે સાસરે ગયેલી બહેનના અન્નજળ હરામ કરે… એ જમાના ગયા. જનરેશનનેકસ્ટના બ્રધર્સ-સિસ્ટર્સ પાસે તો ‘બે’ની ને ભઇલા’ના લોકગીતો ગાવાનો સમય નથી. હવે મારતે ઘોડે બંઘુઓ ભગિનીની લાજ બચાવવા પડકારો કરે, એવી સિચ્યુએશન્સ રહી નથી. ઘણી વાર તો બહેન નાના ભાઇને પસલીના પૈસા આપે કે ભાઇ જ પોતાને ગમતી રાખડી ખરીદીને બહેન પાસે બંધાવે. આગળ જાણ્યું તેમ ફ્રેન્ડશિપનું ખાનુ અલગ થઇ જતા ખરા અર્થમાં બહેન-ભાઇનું પ્રેમબંધન બચ્યું છે. એટલે એમાં બહેનનો રોલ તો પરાપૂર્વથી એ જ રહ્યો છે- ભૈયા કે લિયે સબ કુછ કુરબાન! સવાલ ભાઇઓએ કેટલીક નવી ફરજો સ્વીકારવાનો છે. કારણ કે, હજુ ય સમાજનું ચાલકબળ એમની મરજી મુજબ છે. તો આ રક્ષાબંધને સંકલ્પ કરીને આપવા જેવી નવ પસલીઓ કઇ? આ રહી :

(૧) કારકિર્દીઆઝાદી: આપણે ત્યાં હજી છોકરા-છોકરીના ઉછેરમાં અજાણતા જ ભેદ રહે છે. છોકરાને ઓછા ટકાએ પણ ડોનેશન આપી બહાર ભણવા મોકલવામાં આવશે… પણ દીકરીની જાતને કંઇ નજરથી દૂર કરાય? એક તો આમ પણ મા-બાપની મરજી સામે સંતાનોની અરજી ચાલતી ન હોય, એમાં કેટલાક નિર્ણયો માત્ર છોકરી હોવાને લીધે જતા કરવાના! આવે વખતે બહેનની ઢાલ ન બને, એવા ભાઇને કાંડે રક્ષણ માંગવાનો અધિકાર કેટલો? બહેનો કમાય અને ભાઇઓની કારકિર્દી બનાવે એવા કિસ્સાઓ ફિલ્મી પડદે પહોંચ્યા છે. પણ ભાઇઓને બહેનને પરણાવવામાં રસ હોય છે, એટલો એની કરિઅર જમાવવામાં કેમ નહિ? ઘણી વખત તો ભાઇનું લેસન (નહિ તો ભાઇ લેસન કરતો હોય ત્યારે રસોઇ) બહેને કરી દેવું પડે છે. તો બહેનની કરિઅરમાં આસિસ્ટન્ટ ડાયરેકટર બનો, બંઘુ!

(૨) બહેના, મસ્તી કી મૈના: ભાઇઓ બહેનોને પાછળ બેસાડી મેરેજના રિસેપ્શનમાં જશે કે જન્માષ્ટમીના લોકમેળાના ફજેતફાળકામાં બેસશે. પણ કેટલા ભાઇ-બહેન દોસ્તોની જેમ નાઇટ શોમાં ફિલ્મ જોવા જશે? કેટલીયે બહેનો સંરક્ષક સોબતના અભાવે ઈચ્છા છતાં મનોરંજક કાર્યક્રમમાં જઇ શકતી નથી. આવા વખતે ભાઇ વીરત્વ કેમ ન બતાવે? દોસ્તો એની પટ્ટી પાડી નાખે એટલે? ભાઇઓના મજબૂત ખભા મળે તો બહેનો ડાન્સ પાર્ટીથી ફેશન શોના રેમ્પ સુધી કેર ફ્રી બનીને મ્હાલી શકે! (ઘણી બેનડીઓને વઘુ ફ્રી થવા માટે ભાઇઓની બાજનજરમાંથી પલાયન જોઇએ છે, એ અલગ વાત થઇ) બાકી કવિસંમેલનથી લઇને સ્પોર્ટસ ઈવેન્ટ સુધી બહેનની પ્રગતિમાં પવન પૂરવાની ખુમારી અને બહાદૂરી બતાવનાર ખરો મરદનો બચ્ચો ગણાય.

(૩) મૈત્રીમુક્તિ: બોલો, દુનિયામાં એવો કોઇ માઇ કા લાલ પેદા થયો છે, જેને ગર્લફ્રેન્ડસ રાખવાની ફેન્ટેન્સી ન હોય? (લાલની વાત છે, બોબી ડાર્લિંગની નહિ!) ઈટસ વેરી નેચરલ. પણ કોઇકની બહેનની પોતાની દોસ્ત માનવામાં ઈડરિયો ગઢ જીત્યાનો કેફ ગણનારાઓ પોતાની બહેન કોઇ એક કે અનેક છોકરાઓની સાહજીક, નિર્દોષ દોસ્ત બને તો પણ રાતાચોળ ગોંડલિયા મરચાં જેવા થઇ જાય છે! છોકરા-છોકરીના કોમન ગ્રુપ્સ બદલાતા સમયનો અંદાજ છે. પોતાની બહેન પ્રત્યે પ્રોટેક્ટિવ બનતા મર્યાદાપુરૂષોત્તમ નરશાર્દૂલોને બીજાની બહેનોની છેડતી કરવામાં કોઇ શરમ નથી આવતી! ડબલ સ્ટાન્ડર્ડસ! આવા નિયમોના બંધનમાંથી પવિત્રતા નહિ, દંભ પેદા થાય છે. માટે ભાઇ-બહેન બંનેએ એકબીજાના વિજાતીય મિત્રોને સહજતાથી સ્વીકારવાનું શરૂ કરવા માટે નાળિયેરી પૂનમના ચાંદની સાક્ષીએ સંકલ્પ કરવો જોઇએ. ભલે બહેનને બોયફ્રેન્ડસ હોય, પોતાની બહેન પર વિશ્વાસ ન હોય તો રાખડી બંધાવવા હાથ આગળ શું કરવો?

(૪) બહેનનું જીવન, બહેનનો સાથી: ઘણી વખત બહેન હોવાનો વાસ્તવિક લાભ ભાઇઓને મળે છે, અને બહેનની બહેનપણીઓ બહેનની ‘ભાભી’ બનીને ઘરમાં આવેછે. પણ હજુ ઘણા ઘરમાં બહેનને હરવા-ફરવાની મુક્તિ હશે, પણ એનો લાઇફ પાર્ટનર તો મધર, ફાધર એન્ડ ડિયર બ્રધર જ પસંદ કરે! એક પુરૂષ તરીકે ભાઇ બીજા પુરૂષનું આકલન વઘુ સ્પષ્ટ કરી શકે. એનો બહેનના ભલા માટે ઉપયોગ કરો, અને જો બહેને પોતાની જાતે જ પોતાનો જીવનસાથી શોઘ્યો હોય તો એ માટે એના સારથી બનો. કૃષ્ણે અર્જુન સંગે સુભદ્રાને ભગાડીને પણ લગ્ન કરાવ્યા હતા. બહેનના રોમાન્સ કે લાઇફ પાર્ટનર્સ ચોઇસને એટલું માન આપો, જેટલું બહેન તમારી પસંદગીને પણ આપે. અને બહેનની જીંદગી માટે મમ્મી-પપ્પા માટે ભાઇથી મજબૂત વકીલ કોણ?

(૫) સિસ્ટર ઈન, સેવિકા આઉટ: બહેનો રાત ઉજાગરા કરી રખડતારામ બંઘુઓના આવવાની રાહ જોવે અને પછી એને ગરમ રસોઇ કરી મધરાતે જમાડે… ભડવીર ભાઇઓ કપડાંનો ઘા કરી બહેનને ધોવા- સંકેલવા માટે આપ્યા વિના જ જતા રહે… ભાઇની અસ્તવ્યસ્ત ચીજો એ ગોઠવે… આવા માથાભારે ભાઇઓ સહોદર સિસ્ટરને હોસ્પિટલની પેઇડ ‘સિસ્ટર’ માની લેતા હોય છે. એક દિવસ બહેનને રાણી બનાવી રાખવી અને પછી રસોડામાં પૂરીને પજવવી… આમાં તાકાતનું પ્રદર્શન થતું હશે, તેજસ્વીતાનું નથી થતું. પ્રેમ અને કાળજી સ્ત્રીની ડાબી- જમણી ભુજાઓ છે. એ ઉમળકાથી ભાઇનો ખ્યાલ રાખે, અને ભાઇ એને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લે- એમાં ફુલકાં રોટલી અને ટીન પેક્ડ બ્રેડ જેટલો ફરક હોય છે. એ ‘બંધન’માંથી ‘મુક્તિ’ એ જ શક્તિ!

(૬) દહેજદમન, શોષણવિરોધ: ૨૧મી સદીના ભારતમાં હજુ પણ ભાઇ-બહેનો અરે કઝીન્સના પણ ‘માગાં’ નહિ ‘સોદા’ થાય છે. પરાક્રમી બંઘુવર્યોની વડીલોના જ્ઞાતિવાદ, પરંપરા, મરજાદીપણા અને દહેજ- દાયજા- કરિયાવર જેવા શોષણ સામે બકરી બેં થઇ જાય છે. ઉમળકાથી ભગિની માટે સ્વેચ્છાએ હવાઇ ટાપુ ખરીદીને આપી દો, પણ કોઇની લાલસા કે દબાણ માટે દિવાસળી પણ મક્કમતાથી ન આપો. આ તો રૂઢિની રીતિ છે, માનીને ઘણી વાર જાણીને પણ ભાઇઓ બહેનને સાસરિયાને બદલે કતલખાને ધકેલી દે છે. ગમે તે પળે. બહેનને સાસરામાં ત્રાસ વર્તાય ત્યારે તો વિપ્લવ કરવો જ પણ પોતે પરણેલી પત્ની પણ કોઇની બહેન હશે તેય વિચાર કરીને વર્તવું!

(૭) ભાઇ નહિ, ભરોસો: બહેનનો પતિ પોતાની બહેનને પગલૂછણિયૂં માને, ત્યારે ઘણી બહેનોને ભાઇના ખભા કરતા પંખે લટકતું દોરડું કે કૂવો વધારે ગળે વળગે છે. ભાઇના ઘરના દરવાજા જ નહિ, દિલના દરવાજા પણ કટોકટીની ક્ષણે વગર પોકાર્યે ખુલી જવા જોઇએ. આર્થિક ટેકો તો ફરજના ભાગરૂપે આવે, પણ માનસિક ટેકો સંબંધની સાક્ષી પુરાવે. સ્ત્રી માટે પતિગૃહ સિવાય કોઇ સ્થાન ન હોય એ વાત મનુ મહારાજ જેટલી જૂની થઇ. નાનકડી બાળાથી વયસ્ક પ્રૌઢા સુધીની બહેનોને ભાઇ હયાત હોય ત્યાં સુધી એનો સાદ કાને ગૂંજવો જોઇએ… મૈં હૂં ના!

(૮) નો લક, વારસાહક: ધીરૂભાઇ અંબાણીના સામ્રાજ્યના મૂકેશ અને અનિલ અંબાણીના નામના ગ્રુપ બને છે- એમની પુત્રીઓના નામ- કેટલાને ખબર છે? દરેક ક્ષેત્રમાં બાપનો (મા બિચારી ભૂલાઇ જાય!) વારસો પુત્ર ઉજાળે એવી પરંપરા છે. ઘણી દીકરીઓએ સન્માનપૂર્વક સ્વમાન મેળવ્યું છે, પણ હજુ યે પૈતૃક સંપત્તિમાં વારસાહક કાનૂની કાગળમાંથી દિમાગી દસ્તાવેજ બનતો નથી. ભાઇઓ સંપત્તિની વહેંચણી વખતે બહેનને નસીબના ભરોસે છોડી દે છે. ઈસ્લામ જેવા અપવાદો સિવાય ધર્મ માત્ર આમાં ‘ભાઇગીરી’ જ ચલાવે છે. ઉઠો, મોડર્ન બ્રધર્સ- બહેન ભવિષ્યમાં ઘર છોડીને જાય એટલા માત્રથી ઘર આપણા બાપુજીનું હોવા છતાં કંઇ આપોઆપ સુવાંગ આપણું ન થાય! બી રિસપોન્સિબલ, બહેનને આપવાની વાત પછી, એનો મત તો પૂછતા થાવ!

(૯) સિબલિંગ ઈઝ રિયલ ડાર્લિંગ: ભાઇ-બહેન માટે વપરાતો અંગ્રેજી શબ્દ છે ‘સિબલિંગ’, અને વ્હાલા અંગત સ્વજન માટે જાણીતો ડાર્લિંગ’! તો નવી સદીના ભૈયા-બહેનાઓ… યુ આર ઈચ અધર્સ બેસ્ટ પાલ! ભાઇનો ભાર રાખ્યા વિના બહેનના અંગત દોસ્ત બનો… જુઓ, બીજા દોસ્તો તો બહેનને સ્કૂલ, કોલેજ, વર્કપ્લેસ કે આડોશપાડોશમાંથી મળશે… પણ એમાં એકબીજાની ફ્રીકવન્સી ઝીલતા વાર તો લાગે જ. પણ બહેનો કે ભાઇઓ તો બચપણથી જન્મતાવેંત જ એકબીજાના સૌથી વઘુ નિકટ પરિચિત બને છે. એક જ માહોલ, સ્વભાવ, ગમા-અણગમા, ઘરની વચ્ચે ઉછેર થયો હોય… ત્યારે ખૂબી-ખામીનો કમ્પલીટ એમ.આર.આઇ. સ્કેન આપોઆપ થઇ જ ગયો હોય! મમ્મી-પપ્પા અને દીકરા કે દીકરી વચ્ચે સમય મુજબ સ્વાભાવિક જનરેશન ગેપ હોઇ શકે, પણ ભાઇ-બહેન વચ્ચે ભાગ્યે જ હોય.. બંને એકબીજાની અંગત મૂંઝવણો છાપાળવા છોગાલાલોની સલાહ માટે મોકલવાને બદલે જાતે જ એકબીજાને વહેંચી શકે… વો રિશ્તા ફેવિકોલ સે ભી મજબૂત જોડ સે બના હુઆ હોગા! ભાઇ-બહેનનો રોલ છોડો, દોસ્તીનો ખેલ પકડો! બહેન હોય તો ભાઇના રોમાન્સમાં પણ ‘દૂતકાર્ય’ બજાવી શકે ને!

…અને આટઆટલી ફરજો બજાવનારા ‘નવરત્ન’ માત્ર ભાઇઓએ જ થયા કરવાનું? અગલી બારી, બહન કી પારી. પણ એક ફરજ બદલામાં બહેનો બજાવે તો ય ધન્ય ધન્ય. મોટે ભાગે ભાઇની બહેન ભાઇના જીવનમાં ભાભી આવે પછી તો ભાભીની પણ બહેન બનવાને બદલે ‘નણંદ’ બની જાય છે! અને શરૂ થાય છે નારી-નારી વચ્ચેની સાઠમારી! ભાઇઓના બહેનને મોકળાશ આપવા આટલા કાન પકડ્યા, તો ભાઇને પણ ચંચૂપાત વિના ખુદની જંદગી જીવવા દે! રાખીમાં એટલી વાત પાક્કી!

અને જગતભરના ભાઇ-બહેનો… રક્ષાબંધન ઉજવવા માટે બહેનો તો જોઇશે ને… ભ્રુણહત્યાના આ જમાનામાં કોઇ દિવસે કાંડાઓ રહેશે પણ દસ આંગળીઓ નહિ મળે ત્યારે?

ઝિંગ થિંગ

We laugh, we cry, we make time fly…

Best friends are we, my sister and me!

પુરા છ વર્ષ પહેલા લખાયેલા અને  મારી કોલમમાં છપાયેલા લેખને ફરી  ‘શેર’ કરતી વખતે એક સુખ, એક દુખની લાગણી છે. સુખ એ કે સગી બહેન ના હોવા છતાં છેલ્લા છ વર્ષમાં કોઈ ધરમની બહેન જીવનમાં ઉમેરાઈ નથી, બહેનપણીઓ જ ઉમેરાઈ છે 😉 દુઃખ એ કે છ વર્ષમાં ટચસ્ક્રીન ફોનથી ફેસબુક સુધીનું ઘણું બદલાયું, પણ અક્ષરના ય ફેરફાર વિના યથાવત મુકેલા આ લેખમા ભાઈઓની બહેનો પર અજમાવાતી જે ‘ભાઈ’ગીરી (અને બહેનનું નણંદપણું કે ભ્રુણહત્યા )નો બળાપો ઠાલવ્યો છે, તેમાંથી કશું ના બદલાયું ! 😦

એની વે, હેપ્પી રાખી (નો સાવંત, નો ગુલઝાર…જસ્ટ સિમ્પલ સ્વીટ રાખી ઓન રીસ્ટ!) અને ૨૧મી સદીને શોભે એવા ભાઈ-બહેન કેવા હોય એ જોવું હોય તો બે હિંદી ફિલ્મો ‘જૂઠા હી સહી’ અને ‘બ્રેક કે બાદ’મા મુખ્ય પાત્રોની આસપાસ બતાવેલી બ્રધર-સિસ્ટરની જોડી જોઈ કશીક પ્રેરણા લેજો ! 🙂

હું સમજણો પણ નહોતો થયો ત્યારથી આજ સુધી રમાડતા અને મને નિયમિત રાખડી બાંધતા, આરતી ઉતારીને દુખણા લેતા અને ખૂબ જ વ્હાલ હમેશા વરસાવતા રહેતા ચેતનાબહેન સાથે ગત વર્ષના રક્ષાબંધનની એક મધુર ક્ષણ.. 🙂

 
46 Comments

Posted by on August 2, 2012 in feelings, gujarat, religion, youth

 
 
%d bloggers like this: