આપણે કેવા કેવા ‘ડાબેરી લાલ’ લોહીના ‘લીલા’ સુપર સ્યુડો સેક્યુલરો (તકલાદી તકસાધુઓ અને બુધ્ધુ બિનસાંપ્રદાયિકો) વચ્ચે જીવીએ છીએ ! એમાંના કેટલાક ‘શાંઘાઈ’ જોઈને ગેલમાં આવી જાય છે. એમને એમ લાગે છે કે આ તો દીબાકારે ગુજરાત પર જ ફિલ્મ બનાવી છે. હકીકતમાં દીબાકારે આ ફિલ્મ એકલા ગુજરાત પર નહિ, સમગ્ર ભારત પર બ-ખૂબી બનાવી છે. તમે એમાં શીલા દીક્ષિત્, માયાવતી, જયલલિતા કે વસુંધરા રાજે સિંધિયા પણ જોઈ શકો…ઝારખંડ, મધ્યપ્રદેશ, સાઇબરાબાદ બનવા ગયેલું નાયડુનું આંધ્ર, હરિયાણા કે સેઝમાં ભેરવાયેલું બુધ્ધ્દેવનું બંગાળ પણ હોઈ શકે. મુંબઈને શાંઘાઈ બનાવવાનું તો સેના-ભાજપ સરકાર વખતનું ને પછી યે ચાલેલું ઓફિશ્યલ કેમ્પેઈન છે. ઝુંપડપટ્ટી / એક્ટીવીસ્ટ પર હુમલા વાળી ઘટના વિદર્ભમાં સાક્ષાત બની ચુકી હતી, પવાર-રાજ વખતે. ટૂંકમાં શાંઘાઈ જેટલી ગુજરાતી છે, એટલી જ ભારતીય છ્હે. પણ પેલ્લા “સુ.સુ.” (સુપર એન્ડ સ્યુડો ) સેક્યુલરોને એમાં કેવળ ગુજરાત જ દેખાય છે ! દિબાકારે બ્યુરોક્રસીથી એક્ટીવીસ્ટ કંઈ બ્લેક એન્ડ વ્હાઈટમાં બતાવ્યું નથી. બધું ગ્રે છે.
કમાલની વાત તો એ છે કે આ ફિલ્મ વેસિલી વેસીલીકોસનાં પુસ્તક ‘ઝેડ’ પરથી બની છે. જે ૧૯૬૦માં ગ્રીસમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે. પછીથી ફ્રેંચ કોસ્ટા ગેવ્રાસે આ જ ટાઈટલ સાથેની ફિલ્મ બનાવી.દિબાકરે બનાવેલી એની સત્તાવાર રીમેકમાં ઘટના એ જ હોવા છતાં ક્યાંય ગ્રીસનો પડછાયો પણ જોવા નથી મળતો ! હવે એ નરેન્દ્ર મોદી કે ઇદીરા ગાંધીના ઉદ્ભવ પહેલાની મૂળ કૃતિમાં ય ફોટો જર્નાલીસ્ટ અને તપાસનીશ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના પાત્રો છે જ ! એમાં ગુજરાતી પાત્રો સાથે નું અનુસંધાન ક્યાં આવ્યું ? સારું છે આ સુસુ સેક્યુલરો એમ નથી કહેતા કે ગુજરાતી કુંદન શાહે કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ ગુજરાતના વર્તમાન ‘વિકાસ’ની પોલ ખોલવા ૨૫ વરસ પહેલા આગોતરી બનાવી નાખી હતી 😉
ગ્રીસ માં બનેલી ઘટના પરથી લખાયેલી ઝેડ પરથી ફ્રેંચ ફિલ્મ બની ત્યારે પ્રખ્યાત ફિલ્મ વિવેચક રોજર એબર્ટે એમ કહેલું કે આ ફિલ્મ નખશીખ અમેરિકન છે ! આજે એના પરથી બનેલી શાંઘાઈ જોઈને દરેક રાજ્યનો રાજકીય રીતે જાગૃત નાગરિક વિચારી શકે કે આ ભારતના મારા જ રાજ્ય કે નેતાની વાત છે ! મહાન કૃતિની આ જ તો ખૂબી હોય છે. પોઈન્ટ એ છે કે શાંઘાઈ જેવી ફિલ્મો દરેક કલરને ઉપસાવી તમને વિચારતા કરી મુકે છે. જે તમારા ચોક્કસ ચશ્મા ઉતારવા તમને મજબૂર કરી શકે. એમાં માત્ર એક જ રંગના ચશ્માં પહેરી બધું જોયા કરવું ને બીજાઓને ય ધરાર બતાવ્યા કરવું એ સુસુ સેક્યુલરોની બૂરી અને જૂની કુટેવ છે.
આવું જ એ ઘરઘરાઉ સુસુ સેક્યુલરોએ અનુરાગ કશ્યપની ઉમદા ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ સાથે કર્યું. શહેરી વિસ્તારમાં વૈભવી લાઈફસ્ટાઈલ રાખી, ગામડા સાથે પ્લાસ્ટિક રોમેન્ટીસીઝમ ધરાવતા આ ‘સુસુ સેકુ’ઓએ તળ ભારતના ક્રાઈમ ને પોલિટિક્સના રિયલ નેક્સસને કિતાબોની બહાર કદી જાતે અનુભવ્યું નથી હોતું. ગુનાખોરી અને રાજકીય કિન્નાખોરી માટે કુખ્યાત ગોંડલમાં મોટો થયો હોઈને તથા પોરબંદરમાં મોસાળ ધરાવી – હું એ કહી શકું કે અનુરાગની ગેંગ્સ પણ એણે હિંદી ફિલ્મોને આપેલી અંજલિઓ સહિત ધનબાદકેન્દ્રિત નહિ પણ સર્વવ્યાપી અને સંપૂર્ણ સત્ય છે. એમાં ય સુસુ સેકુઓને વાંધો એ પડ્યો કે એમને જે જોવી છે, એ ટિપિકલ હિંદુ-મુસ્લિમ સમસ્યા બતાવવાને બદલે અનુરાગે વધુ વાસ્તવિક વિઝન રાખ્યું. એણે હિંદુ – મુસ્લિમ રાજકીય સાંઠગાંઠ- ગરીબ મુસ્લિમ વિસ્તારની અંદરની જિંદગી અને મુસ્લિમ-મુસ્લિમ વચ્ચે (કેટલાય ઇસ્લામિક દેશો ને ભારતના અંગ્રેજો પહેલાના ઇતિહાસમાં હતા એવા ) ના સંઘર્ષને લાજવાબ તટસ્થતાથી કોઈનો ય પક્ષ લીધા વિના બતાવ્યો. ભગવા લીલા ચોગા વિના. એ તો કહે જ છે , એમ ગેન્ગ્સ ઓફ વાસેપુરમાં પ્રત્યેક પાત્ર વિલન છે ! માણસમાત્રની નબળાઈઓ ઉજાગર કરતી આ ફિલ્મી છતાં રિયલ કૃતિ છે. અને એનો ઈરાદો બીજો જે ચાતરી જાય છે એ ખડકાળ વાસ્તવ બતાવવાનો છે, સાચા ખોટાના ભમરાળા સ્ટેન્ડ લઈને બહુ બોલકા સુસુસેકુઓની વાહવાહી મેળવવાનો નહિ.
બંને ફિલ્મો અંગે સ્વતંત્ર લખવું હતું એટલી બારીકીઓ ધરાવતો અનુભવ અ બે ય ફિલ્મ જોવાનો છે. પણ સમય જ નથી મળતો. એટલે હાલ પૂરતું તો આ સુસુસેકુઓના મારી મચડીને પોતાનો જ કક્કો સાચો ઠરાવી પબ્લીકને ઝગડાવી દેવાની માનસિકતાના નકાબનો પર્દાફાશ કરવા જેટલું લખ્યું. અમુક સુખદ અપવાદો કે ખરેખર કમિટેડ કર્મશીલો હોય જ છે. પણ એ ઉત્તમ ફિલ્મોના પાણીમાંથી આવા મનઘડંત ઘનચક્કર પોરા પોતાની ફોતરાંછાપ ફિલસુફીને વળગવા નથી કાઢતા હોતા. ગુજ્જુ સહિતના આ સુસુસેકુઓનું બે કોમ વચ્ચે વૈમનસ્ય ઘટાડવા કે સંવાદિતા ફેલાવવામાં( ખાદીની ગંધવાળી ઇન્ટલેક્ચ્યુઅલ હોવાનો દેખાડો કરતી તદ્દન બાલિશ ચર્ચાઓ સિવાય) નક્કર યોગદાન તો હોતું નથી, એમની ગેરમાન્યતા એટલી દ્રઢ હોય છે કે આધાર પુરાવા સહિત એણે જૂઠ સાબિત કરો તો ય બદલાતી નથી. રાજકારણીઓ કરતા ય વધુ ખતરનાક આ સુસુસેકુઓ છે. રાજકારણીને તમે ઓળખીને ટીકા કરી શકો છો. સુસુસેકુઓનું રાજકારણ પણ ગુપ્ત છે, અને ટીકા તો સુષુપ્ત પણ સાંખી ના શકે એવા એ સરમુખત્યાર હોય છે !
હશે, ના જોઈ હોય તો શાંઘાઈ અને ગેંગ્સ ઓફ વાસેપુર અચૂક અચૂક અચૂક જોજો જ. નજીક્ના થીએટરમાં. તાત્કાલિક. ઓર્ડર ગણો કે અપીલ..પણ જોજો જરૂર. આવી કૃતિઓ સુસુસેકુ થવાને બદલે માણસ એટલે શું , એની આપણને દેખાડે છે. પછી એ માણસ રાજકારણી હોય, અધિકારી હોય, એક્ટીવીસ્ટ હોય, ગુંડો હોય, ગેન્ગસ્ટર હોય, બાળમજૂર હોય, પત્રકાર હોય, પ્રેમિકા હોય, પત્ની હોય….માણસ ઓળખશો તો ભગવાન ને શેતાન બે ય ઓળખાઈ જશે. ને તો જ સુસુસેકુ અને ફેનેટીક ફેંકુને રિજેક્ટ કરી હંફાવી શકશો…બેહતર ઇન્સાન બનીને. ખોખલા સમાજને બદલે કળાની પારખુ સમજ સાથેના , સંજોગોની કઠપુતળી બનતા જીવતા ઇન્સાન. આવી ફિલ્મો હિંદુ કે મુસ્લિમ, પ્રો-ભાજપ કે પ્રો – કોંગ્રેસ , ડાબેરી કે જમણેરી નથી હોતી. એ કેવળ આપણી જ આસપાસની, આપણી સચ્ચાઈ બતાવે છે. એને મનગમતા સ્વાર્થ ને ધર્મ ને નેતાના લેબલમાં બાંધવી એ એનું અપમાન છે. એના મેકરના ઊંડાણ અને તટસ્થતા સાથેનો અન્યાય છે. પિયુષ મિશ્રા ગાય છે એમ અનહોની હોગી તો કહાની ઔર કુછ હો જાયેગી ! ડેવિલથી ડીવાઈન રમત રમતી ડેસ્ટીનીના રિમોટ પર ઓન/ઓફ થતા માણસથી વધુ સેક્યુલર બીજું કશું નથી, અને વધુ પોલિટિકલ પણ બીજું કશું નથી.