વિશ્વ સંગીત દિવસ પસાર થઇ ગયો.
આમ તો મારા માટે રોજ ‘સંગીત – વિશ્વ ‘ દિવસ હોય છે. 😛
પણ આજે મને બહુ જ ગમતા અને ખાસ્સા લોકપ્રિય એવા બે ગીતો.
જાણકારો કહે છે કે બંને રાગ બિભાસ (વિભાષ) ના છે. પુરિયા ધનાશ્રી ( એ રાગમાં રંગીલાનું ‘હાય રામા’ અને વંશનું ‘આ કે તેરી બાંહો મેં’ હતું )ને મળતો આવતો સાયંકાલીન યાને ઇવનિંગ ટાઈમ રાગ. આખા દિવસના થાકોડા પછી રિલેક્સ થવાના ‘બ્રેક’ના સમયનો રાગ.
ભારતીય સંગીતના અણમોલ ખજાનામાં કેવા કેવા ઝવેરાત છે, એની ખબર ક્યારેક મેંગો પીપલ ઉર્ફે આમ આદમીનો તો ફિલ્મો થકી પડે છે. અહીં જે બે ગીત મુકું છું એમાંનું એક તો અત્યંત જાણીતું છે, ને બીજાને ય હું તો પ્રમોટ કરી જ ચુક્યો છું. પણ બંને વારંવાર સાંભળવા ગમે તેવા છે. (એ જોવામાં ધ્યાનભંગ ના થાય એટલે તો બંનેનું પિક્ચરાઇઝેશન સુંદર હોવા છતાં, વિડીયો મુકવાની લાલચ ટાળી છે) હું અસંખ્ય વાર એ સાંભળવા છતાં ધરાયો નથી. એના શબ્દો પણ કવિત્વથી છલોછલ છે. ઠંડા પવનની લહેરખીઓ અને ઝરમર વરસાદ સાથે આવતી ભીની માટીની સુગંધ સાથે તો ખાસ !
એક જ રાગના બે ગીત એક પુરુષ સુરેશ વાડકર અને બીજું સ્ત્રી બેલા શિંદેના મધુર અવાજોમાં છે. મૂડમાં એને લીધે ઝાંય બદલાતી જોઈ શકો, અને ‘ઉત્સવ’ના ગીતમાં બ્લ્યુ મૂડ છે, એકલતાનો તો ‘મિર્ચ’ના ગીતમાં રેડ મૂડ છે – ‘બેક્લતા’ યાને યુગલ-શૃંગારનો !
યોગાનુયોગે બંને ગીતોનું એક બીજું સામ્ય છે. આ રાગ ‘ઉત્સવ’માં લક્ષ્મીકાંત પ્યારેલાલે ઉપયોગમાં લીધો, પછી બે-અઢી દસકા બાદ ‘મિર્ચ’માં મોન્ટી શર્માએ ઉપયોગમાં લીધો, અને મોન્ટી પ્યારેલાલના ભત્રીજા થાય છે !
સાંભળો આંખો મીંચી ને ! બેઉ મળીને જસ્ટ આઠ મિનિટ જ આપવાની છે. કેસરી ખેસ પહેર્યા વિના પણ ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોના ભૂતકાળને ખંખેરી આળસ મરડીને બેઠી થતી અનુભવી શકશો !