RSS

કિતાબોં સે કભી ગુજરોં, તો યૂં કિરદાર મિલતે હૈ… / ગયે વક્ત કી ડયૌઢી પર ખડે કુછ યાર મિલતે હૈ

22 Jun


કિતાબેં ઝાંકતી હૈ

બંધ અલમારી કે શીશોં સે

બડી હસરત સે તકતી હૈ

મહીનોં અબ મુલાકાતેં નહીં હોતી

જો શામેં ઉનકી સોહબત મેં –

કટા કરતી થી,

અબ અકસર ગુજર જાતી હૈ

‘કમ્પ્યુટર’ કે પરદોં પર

બડી બેચૈન રહતી હૈં કિતાબેં

ઇન્હેં અબ નીંદ મેં ચલને કી

આદત હો ગઈ હૈ

બડી હસરત સે તકતી હૈ !

ગુલઝારે લખેલી આ કવિતા (અને શીર્ષકનો શેર) પહેલા વરસાદના છાંટાની જેમ ભીંજવી જાય તેમ છે. એક્ચ્યુઅલી, આ કવિતા નથી, પણ વાસ્તવિકતા છે. વર્લ્ડ વાયર્ડ (ઇલેકટ્રોનિકલી જોડાયેલું) અને વીઅર્ડ (વિચિત્ર, ચક્રમ) થઈ રહ્યું છે. આદતવશ ઘણા હજુ પુસ્તકો લે છે, નજર નાખે છે – પણ સમય હવે બધો મોબાઈલ, ટેબ, ટીવી કે કોમ્પ્યુટરના સ્ક્રીન વાંચવામાં જ ખર્ચાઈ જાય છે. પુસ્તકો બંધ કબાટોમાંના કાચમાંથી ચૂપચાપ જોયા કરે છે, કોઈ મને સ્પર્શ કરશે, વહાલથી તેડશે, આંખોથી ચૂમશે, મારા બદનના એકે એક રુંવાટા જેવા એકે એક અક્ષર પર આંગળી અને મન ફેરવશે, છાતી સરસા ચાંપીને ઉંઘશે એવું કોડભરી કુંવારી કન્યાની જેમ વિચારતા ! આમંત્રણભરી આતુરતાથી છલકાતી આંખે બોલ્યા વિના માનવજાતને તાક્યા કરે છે !

વેલ, હજુ સાવ આવી દુનિયા થઈ નથી. પણ થઈ શકે છે. પોઈન્ટ અહીં ફક્ત બૂક નથી. મુદ્દો છે. આપણો ઘટતો જતો એટેન્શન સ્પાન. બટકણી સહનશીલતા. આપણી વિચારો-વ્યક્તિઓ-વસ્તુઓને સપાટી પરથી જ ઝટપટ જાણી લેવાની આદત. ઉતાવળે ઉતાવળે મેળવી લેવાતું કેવળ મનોરંજન. કોઈ પણ ઉંડાણને બોરિંગ માની એનાથી ગભરાઈને ભાગી છૂટવાની કુટેવ. જરાક કળાત્મકતા આવે કે એને માણવા-સમજવા માટે, કશુંક શીખવા માટે પોતાની સમજણની સાઈઝ વધારવાને બદલે એ સર્જકતાની સાઈઝ જ કાપીને ટૂંકી કરી નાખવાની રાક્ષસી રંજાડ !

ઠહરાવવાળી, ગંભીર કે બારીક બાબતોની ગૂંથણી કરતી ફિલ્મો, વેબ સાઈટ કે ચિત્રો જોવા-વાંચવાની ફુરસદ નથી. ટીવી પર ફાસ્ટ એડિટિંગ કટવાળા સનસનીખેજ સમાચાર જ આઈટેમ પીસ લાગે છે. મ્યુઝિક છ સાત મિનિટના ગીતને બદલે ૨૨ સેકન્ડની મોબાઈલ રિંગટોન થતું જાય છે ! અને મેગેઝીન કોર્પોરેટ બ્રોશર ! ત્યાં બૂક્સને તો કોણ લૂક્સમાં પણ ગણે !

વેલ, અત્યારે આ બધું થઈ રહ્યું છે, તો ફ્યુચર કેવું હશે ? અંજામ ખુદા જાને… કહીને ખભા ઉલાળવાની વાત નથી. અંજામ ખુદના હાથમાં છે. કિતાબ તો એક સિમ્બોલ છે, કળા-સાહિત્યની વિચારશીલ ઉંડાણ ધરાવતી ધબકતી અને ધખધખતી સર્જકતાનો. ભવિષ્ય કેવું હશે એ માટે કુંડળી નહિ, એક કિતાબ ખોલવાની જરૃર છે. આવતીકાલના અંદાજ માટે બેસ્ટસેલર સાયન્સ ફિક્શન બૂક તરફ ! એક જીનિયસ લેખકે લખેલી એવી તો ખ્યાતનામ કિતાબ કે ૬૦ વરસે પણ જૂની થઈ નથી. હજુ સેંકડો લેખકો અને ફિલ્મ દિગ્દર્શકોને પ્રેરણા આપે છે ! કદી સાયન્સ ફિક્શન ન વાંચતા ફ્રાન્સના મેગાજીનિયસ દિગ્દર્શક ફ્રાન્ઝવા ત્રુફોં તો એનાથી એટલા આકર્ષાયેલા કે ૧૯૬૬માં પોતાની પ્રથમ કલર અને કારકિર્દીની એકમાત્ર અંગ્રેજી ફિલ્મ બનાવી બેઠા હતા ! વોલ્ટ ડિઝનીએ એમાંથી ડિઝનીલેન્ડનું પ્રમુખ આકર્ષણ  એપકોટ સેન્ટર (ડિઝની લેન્ડનું અદ્ભુત આકર્ષણ) સર્જવા એના લેખકની સલાહ લીધી હતી.

કહાની છે – ફેરનહાઈટ ૪૫૧. એ તાપમાન, જે તાપમાને કાગળ સળગી જાય છે !

***

બહુ દૂરના, બહુ નજીકના નહિ એવા ભવિષ્યની દુનિયામાં લોકો એટલા મનોરંજનઘેલા, ટીવી (અને આજનો સંદર્ભ ઉમેરીએ તો મોબાઈલ, ઇન્ટરનેટ) ક્રેઝી થઈ ગયા છે કે વાંચવાનું તો એમણે ક્યારનું ય છોડી દીધું છે. સરકારે પણ લોકલાગણી સાથે નમતું જોખીને દેશમાંથી પુસ્તકો નાબૂદ કરવાનું કામ ઉપાડયું છે. એક સ્પેશ્યલ ‘ફાયરમેન’ ડિપાર્ટમેન્ટ છે. જ્યાં બંબાવાળાઓ આગ ઠારવા નહિ, આગ લગાડવા નીકળે છે. એમને માહિતી કે સૂચના મળે, એટલે ડ્રગ્સ માટે – નાર્કોટિક્સની રેઈડ પડે, એમ જ્યાં પુસ્તકો સંગ્રહાયેલા પડયા હોય ત્યાં ટ્રેઈન્ડ ટૂકડી ધસી જાય છે. ફાયરપ્રૂફ મકાનોમાં રહેતા પરિવારને કામચલાઉ સ્થળે ખસેડી, પુસ્તકની ત્યાં જ હોળી કરવામાં આવે છે. ‘બળનાર’ બાબત અહીં કોઈ તરફડિયાં મારતી, ચીસો પાડતી વ્યક્તિ ન હોઈને ફાયરમેનનો આત્મા પણ ડયુટી વખતે દુભાતો નથી. મોટા ભાગની જનતાને ક્યાંક બચી ગયેલા પુસ્તકપ્રેમીઓ કકળાટિયા જૂનવાણી અને એમના ઇલેકટ્રોનિક મનોરંજનના વિશ્વમાં વિઘ્નરૃપ લાગતા હોઈને એને તો રસ છે, પુસ્તકો બળી જાય તેમાં ! બાળો લાગણી દુભાવતા, બદમાશ નિર્જીવ ચિત્રો, કિતાબો, પોસ્ટરો, ફિલ્મોને !

ડયુટી પતાવીને ઘેર ફરતો એક ફાયરમેન મોન્ટેગ (આ કથાથી પ્રેરિત ‘મેટ્રિક્સ’ ફિલ્મના નાયકની માફક) વિચારે છે, એને કશુંક ખટકે છે. એને પોતાની શરતોએ જીંદગી જીવતી એક આઝાદ એવી ૧૭ વરસની છોકરી મળે છે. જે એને કહે છે ‘કેવો જમાનો છે ! લોકો એટલી ઝડપે કાર ચલાવે છે કે કાચમાંથી લીલું ધાબું દેખાય એટલે ઘાસ માની લે છે. લાલગુલાબી ધાબું દેખાય તો ગુલાબનો બગીચો માની લે છે. સફેદ ધાબું એટલે મકાનો. કથ્થાઈ ધાબું એટલે ગાયો ! (અહીં આજે હકીકત બનેલી વર્ચ્યુઅલ સફર, ગૂગલ મેથ્સ, ગ્રાઉન્ડને બદલે પ્લેન્ટેશન પર રમાતી રમતોની દુનિયા પર આગોતરો કટાક્ષ છે, એ ય સમજાવવું પડે એવો અણસમજુ સમાજ તો બની જ ગયો છે !) કોઈએ કદી બ્રેક મારી ઘાસ કેવું ઉગે, ફુલ કેવું ખીલે એ તો જોયું જ નથી !’

મોન્ટેગ વિચારે ચડવાનું, નવી વાતને સમજવાનું ‘પાપ’ કરે છે. આસપાસ ફાંકડી શાળાઓ છે. પણ એમાં જમ્પર્સ, રનર્સ, સ્વીમર્સ જેવા ખેલાડીઓ કે કેમેરાવર્ક, સાઉન્ડ વર્કસ, એડિટિંગ વર્ક જાણીતા ટેકનિશીયનો જ પેદા થાય છે. કલ્પનાશીલ સર્જકો કે જાણકાર આલોચકો નહિ, બધા આદર્શ મુજબ સમાન છે ! સરખા જ સુખી છે ! એકબીજા સામે અથડાતા નથી. ઝીણી નજરે પારખી કશું જજમેન્ટ લેતા નથી. કશી વધારાની તકલીફોના પડકાર સામે ઝઝૂમવાની એમને ટેવ ન હોઈ, એમની ધાર જ નીકળતી નથી.

મોન્ટેગ પોતાના ઉપરી સાથે દલીલ કરે છે, જેણે એક જમાનામાં પુસ્તકો વાંચેલા છે એ ફરમાવે છે: ‘બધાને સુખ જ જોઈએ છે ને, એ આપણે આપીએ છીએ. પુસ્તકો તો ડિસ્ટર્બ કરતી, આંતરિક સંઘર્ષ પેદા કરતી, ગમા-અણગમા જન્માવતી બાબત છે. લોકલાગણી જ છે કે એને દૂર કરો ! શા માટે કોઈ સિક્કાની બે બાજુ જાણીને કન્ફ્યુઝ થાય ? એને એક જ બાજુ બતાવો – કાળી કે ધોળી સેક્યુલરિસ્ટ કે નેશનાલિસ્ટ. ધાર્મિક કે નાસ્તિક. અરે, એક પણ શું કામ ? નોટ વન, નન ! કશું જ ન બતાવો. યુદ્ધો, વિરોધાભાસી વિચારો, કળાત્મક અભિવ્યક્તિ, કશું જ યાદ જ ન રહે એવું કરો. લોકો ભલે એને ગમતા ગીતોના મુખડાની યાદી ગોખે, રાજધાનીઓના નામોનો સંગ્રહ કરે. ભલે કચરા જેવી નકામી ‘ફેક્ટ્સ” એકઠી કરી, ફાલતુ ઇન્ફોર્મેશનથી ઇન્ટેલીજન્ટ બનવાના ભ્રમને જ વિચાર માને. આવી વિગતોમાં કશો પડકાર નથી. એમાં રોડ પર નીકળ્યા વિના ડ્રાઈવિંગની મજા લેવા જેવો હાઈસ્પીડ નશો છે ! કળા કે સાહિત્ય તો લપસણી ચીજ છે. પબ્લિકને ગૂંચવે છે, એટલે પબ્લિક ચીડાય છે !’

ઘણી ઘટનાઓ બને છે. પેલી છોકરી ગાયબ થઈ જાય છે. મોન્ટેગ પોતાની બળતી લાયબ્રેરી વચ્ચે પ્રિય સંગ્રહ સાથે સળગીને આત્મહત્યા કરતી વૃદ્ધા જોઈને ખિન્ન (ફીલિંગ ડાઉન, યુ નો !) થઈ જાય છે. ઘેર આવી પોતાની પત્નીને પુસ્તક વાંચવાનો અનુરોધ કરે છે. એને એક કવિતા વાંચી સંભળાવે છે, પણ પત્નીને ત્યાં ત્યારે ઘરની દીવાલ જ જાયન્ટ સ્ક્રીન બની ગઈ છે, એના પર સખીઓ સાથે લેડીઝ એન્ટરટેઈનમેન્ટ શો જોવામાં રસ છે. મોન્ટેગ ફેબર નામના એક સાહિત્યના ભૂતપૂર્વ અધ્યાપકને મળે છે. એની પાસેથી યુદ્ધ, રાજકારણ, રોગ, આફતો અંગે જાણે છે. પણ એ વાતોમાં કોઈને રસ નથી. સવારે મજામાં રહેવા પ્રયત્ન કરતી અને રાત્રે આપઘાતના પ્રયાસો કરતી એની પત્ની જ એની પાસે પુસ્તકો છે, એવી ફરિયાદ કરે છે. ‘ફાયરમેન’ના ઘેર જ પુસ્તકો બાળવા ટૂકડીઓ આવે છે !

દિલધડક દ્રશ્યો અને બોસ સામેના બળવા બાદ મોન્ટેગ ભાગે છે. એની પાછળ એક યાંત્રિક કૂતરો છોડવામાં આવે છે. જે યાંત્રિક શ્વાનને બસ ટાર્ગેટને શોધી, શિકાર કરીને મારી નાખવા માટે પ્રોગ્રામ કરાયો છે ! (જેહાદી ત્રાસવાદીઓ કે ભારતીય સંસ્કૃતિરક્ષકોના ટોળાં માફક સ્તો !) મોન્ટેગ એને હંફાવે છે. પેલા પ્રોફેસરની સલાહ મુજબ શહેર બહારની એક તેજસ્વી વડીલ પુસ્તકપ્રેમીઓની અન્ડરગ્રાઉન્ડ વસાહતમાં શરણું લે છે. જ્યાં એ લોકો પુસ્તકો કંઠસ્થ રાખીને એકબીજાને વાંચી સંભળાવે છે.

પેલો યાંત્રિક કૂતરો તો એને શોધતો નથી, પણ આખી ઘટના ટીવી પર ‘દેશનો દુશ્મન ફરાર’ તરીકે લાઈવ આવતી હોઈને પબ્લિક માટે એ હાઈ ટીઆરપી ‘જોણું’ બની છે. મોન્ટેગની ભાળ મળતી નથી, અને તમાશબીન પબ્લિકને મસાલેદાર થ્રીલિંગ ક્લાઈમેક્સ નહિ મળે તો એમની ધીરજ ખૂટી જશે, એમ માની વહીવટીતંત્ર એક ફરવા નીકળેલા માણસને કૂતરા પાસે મરાવી ‘પાપીને પૂરો કરાયો’ની જાહેરાત કરે છે. લોકો ખુશ ખુશ થઈને રેગ્યુલર જીંદગીમાં પરોવાય છે.

પેલી વિચારવંત વસાહત સાથે ચર્ચા ચાલે છે, ત્યાં જ વિનાશક યુદ્ધ ફાટી નીકળે છે. ગ્રેન્જર નામનો એક શાણો આદમી કહે છે ઃ ‘પુસ્તકો (કળા, સાહિત્યની ઉમદા કૃતિઓ) માણસને એની ભૂલો યાદ કરવામાં મદદરૃપ બને છે. માણસજાત પેલા ફિનિક્સ (દેવહૂમા) પંખી જેવી છે. પોતે જ પેદા કરેલી આગ ભણી આકર્ષાઈને એમાં બળી મરે છે, ને ફરી પોતે જ પોતાની રાખમાંથી પાંખો ફફડાવતી બેઠી થઈ જાય છે ! પણ એક વાત એને ફિનિક્સથી જુદી પાડી શકે છે, માણસ પોતાની ભૂલ અનુભવી શકે છે, એને યાદ રાખી શકે છે. એક દિવસ એવો ય આવી શકે છે કે એમાંથી શીખીને એ જાતે પેટાવેલી આગમાં કૂદી પડવાનું અટકાવી દેશે ! કોઈ પૂછે કે અમે શું કરીએ છીએ વાંચી, જોઈ, જાણીને ? તો હું કહું છું કે અમે યાદ રાખવાનું કામ કરીએ છીએ ! સિદ્ધિઓ અને ભૂલો ! લાંબા ગાળે એ જ આપણી જીત છે !’

કથાના અંતે અરીસાઓની એક વિશાળ ફેક્ટરી બનાવવાની વાત નીકળે છે, જેમાં માણસો ધ્યાનથી પોતાનું પ્રતિબિંબ જોઈ શકે ! પણ એ પહેલા પાત્રોના મુખેથી લેખક અગત્યની વાત કરે છે, જે પુસ્તકપ્રેમના નામે ફક્ત ચોક્કસ ધાર્મિક / રાજકીય / સાંસ્કૃતિક વિચારધારાનું કબાડીખાનું બનાવી વાચક તરીકે ફુલાઈને ફાળકો થઈ જતા, પણ કશું ય નવીન કે મોકળું વિચારી ન શકતા ગમાર પુસ્તકિયા પ્રદર્શનકારીઓ માટે ય છે !

‘સ્ટેટસ ક્વો યાને જૈસે થે ની સ્થિતિમાં પડયા રહેવું, એ જીવન નથી. તમારી આંખોને રોમાંચથી ઠસોઠસ ભરી દો. દસ સેકન્ડમાં મરી જવાના છો, – એટલી પેશનથી બધું માણો. આળસુની જેમ ઝાડની ડાળી પર લટક્યા કરતા સ્લોથ પ્રાણીની માફક નિષ્ક્રિય ન રહો. ફેક્ટરીમાં બનતા રેડીમેઈડ સપનાઓ કરતા કોઈ ગેરેન્ટી કે સલામતી વિના આવતી આ સૃષ્ટિ વધુ રંગીન, હસીન છે. ઝાડને હલબલાવી ડાળીએ ઉંઘતા પેલા પ્રમાદના સ્લોથને નીચે પાડો !

તમારા કદના વિસ્તારથી પ્રભાવિત ન થાવ, પણ મૂળિયા મજબૂત કરો. જીંદગીમાં મરતા પહેલા તમારી કોઈ જગ્યા, તમારી અસર છોડતા જાવ. ભલે મહાન કામો ન થાય ! તમે વાવેલા કોઈ વૃક્ષ (કળા/વિચાર/સર્જન પણ ખરા !)ને કોઈ જોશે, અને તમે ફરીથી સજીવન થશો. તમારા સ્પર્શથી કશુંક બદલાવીને જાવ ! ઘાસ કાપવાવાળા અને માળી વચ્ચેનો આ ફરક છે ! ઘાસ કાપવાવાળો રોજ આવતો હોવા છતાં એ ઘાસને જોતો ય નથી, પણ ક્યારેક બગીચાને સ્પર્શી ઘાટ આપવાવાળો માળી એમાં હંમેશા ડોકાતો રહે છે !

સૂરજ સતત બળે છે. એમ જ સમય બળે છે. બળતા સૂરજ ફરતે દોડતી દુનિયા ચકરાવો લે છે. જો જગત બઘું જ બાળતું રહેશે, સૂરજ તો સમય બાળવાનો છે જ – તો એક દિવસ બઘું ભસ્મીભૂત થઈ જશે !’

***

‘ફેરનહાઈટ ૪૫૧’ જેવી ૩૦ નવલકથાઓ અને ૬૦૦ ટૂંકી વાર્તાઓ ઉપરાંત નાટકો, ફિલ્મ પટકથા લખનારા હ્યુમન સાયન્સ ફિક્શનની દુનિયાના એક એઝ્‌ઝીમોશાન શહેનશાહસમા અમેરિકન લેખક રે બ્રેડબરી તાજેતરમાં ૯૧ વર્ષે ભસ્મીભૂત થયા ! ઇન્ટરનેટ-ટીવીને ‘હવાઈ તુક્કા’ ગણી દૂર રહેનાર આ ભવિષ્યદ્રષ્ટાને આથી મોટી સલામી શું હોય ? અમેરિકન સ્કૂલોમાં જેમના પાઠ ચાલે છે, ટોટલ રિકોલથી ઇક્વિલિબ્રિયમ જેવી અનેક ફિલ્મોનું વિચારબીજ જેમની કૃતિઓ પરથી છે, એ બ્રેડબરીને મંગળનો ગ્રહ ઘર જેવો લાગતો, અને લાયબ્રેરીઓએ જ કોઈ શિક્ષકની ટકટક વિના એમને બઘું શીખવ્યું છે, એવું માનતા. અંતે ૫૬ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૦૩માં ગુજરી ગયેલી પત્ની પાસે પહોંચી ગયા ! બ્રેઈન સ્ટ્રોક બાદ પણ દીકરી એલેકઝાન્ડ્રા પાસે લખાવીને રચેલી કૃતિઓ ઉપરાંત રે બ્રેડબરી આપણને સ્પર્શ કરી આપણામાં કશુંક જગાડે એવી અમર કિતાબો છોડી ગયા !

ઝિંગ થિંગ

‘દુનિયાના ભલા માટે નહિ, મજા પડે એ માટે લખો. લેખન એ કોઈ સિરિયસ પ્રોસેસ નથી. ઇટ્‌સ જોય એન્ડ સેલિબ્રેશન’ – રે બ્રેડબરી

આ લેખ હજુ હમણાં જ મેં મારી ‘ગુજરાત સમાચાર’ની કોલમમાં લખ્યો, જે સાઈટ પર એ દિવસે અધુરો અપલોડ થયેલો, એટલે અત્યારે અહીં ફરી મુકું છું. સાયન્સ ફિક્શનના આવા પિતામહની વર્ષો પહેલા વાંચેલી ને આજે ય અતિ પ્રિય કૃતિને માંડ માંડ એક લેખમાં સમાવીને એનો આછેરો પરિચય આપી શક્યો છું. પણ કેવી અદભૂત એ કિતાબ , ને કેવો કમાલનો એનો લેખક ! એમની કથાઓ મને બહુ જ ગમતી, પણ એક-બે ટૂંકી વાર્તા સિવાય એ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. બીજા કોઈએ તો આવી વિભૂતિની વિદાયની નોંધ સુધ્ધાં લેવાની તસ્દી લીધી નહિ, પણ એકમેવ મધુ રાયનો  એમને અંજલિ આપતો લેખ એમની આગવી શૈલીસભર વાંચ્યો. મધુબાબુ એમનો ઉચ્ચાર રે બ્રેડબરી નહિ પણ ‘રેય બ્રાડબ્રી’ કરે છે. અને એમની ભાષા પરની પક્કડ તથા અમરિકાનો નિવાસ જોતા એ જ સાચો હોવાનો. મારો ઉચ્ચાર મૂળ લેખ મુજબ યથાવત રાખ્યો છે. પણ આ ઉચ્ચાર ફાઈનલ.

એમને નેટથી બહુ ચીડ હતી, પણ આપણને નથી. એટલે આપણે તો ઈન્ટરનેટના આ ટીકાકાર ભેજાંબાજને વિના સંકોચ અહીં યાદ કરીશું જ  😛
પણ આ દાદાજીએ ઇ-બુક વિષે શું કહેલું એ વાંચો :

“Those aren’t books. You can’t hold a computer in your hand like you can a book. A computer does not smell. There are two perfumes to a book. If a book is new, it smells great. If a book is old, it smells even better. It smells like ancient Egypt. A book has got to smell. You have to hold it in your hands and pray to it. You put it in your pocket and you walk with it. And it stays with you forever. But the computer doesn’t do that for you. I’m sorry.”

* રેય બ્રાડબ્રીની અમુક બુક્સ અહીંથી, કામચલાઉ મેમ્બર બનીને ડાઉનલોડ કરી શકાશે.

* રેય બ્રાડબ્રીએ પોતે લખેલો એક સરસ લેખ , મંગળના એમના આકર્ષણ વિશેનો-  અહીં

*મધુ રાયનો લેખ ઘણી કડાકૂટ પછી લિંક ના મળતા અહીં ‘એઝ ઇટ ઇઝ’ મુકવાની ધૃષ્ટતા કરું છું :

રેયમંડ ડગલસ બ્રાડબ્રી

માની લો કે એક માણસ છે. માની લો કે એના આખા શરીર ઉપર લીલા-લીલા ને લાલ-લાલ રંગીત શાહીથી ભાંતિ ભાંતિનાં ચિત્રોનાં યાને છૂંદણાં, છુંદાવેલા છે: ઊડતા ઘોડા, ઝૂલતા હાથી, પરીઓ અને ફૂલો ને ડાળ ને વેલ ને પતંગિયાં. રોજ રાત્રે તે માણસની ચામડી ઉપરનું એક એક ચિત્ર જીવન્ત થાય છે ને રોજ તમને એ ચામડીના પરદા ઉપર અરેબિયન નાઇટ્સ જેવી એક સિનેમા દર્શાય છે: એક હતો રાજા, એક હતો રાક્ષસ, એક હતાં પ્રેમીપંખીડાં.

ગગનવાલાએ કિશોરાવસ્થામાં વાંચેલી રેય બ્રાડબ્રી નામના સાયન્સ ફિકશન લેખકની વાર્તા ની યાને સુચિત્રિત નરની, આ વર્ણન તે પોતાની સ્મૃતિના જૈફ ઇસ્કોતરામાંથી કાઢીને કાઢીને કરી રાહ્ય છે, જે કથાએ તેના કિશોર મસ્તિષ્કની મજજાઓમાં ફટાકડાની ચકરીઓ ફોડેલી, સૂર્રર્રર્ર…!

આ માસમાં ૯૧ વર્ષની શાનદાર વયે રેય બ્રાડબ્રીનો સ્વર્ગવાસ થયો છે, જે રેયદાદાએ વિશ્વના કરોડો ગગનવાલાઓનાં કિશોર માથાંઓમાં કલ્પનાનાં કાટખૂણિયા દારૂખાનાં ફોડયાં છે. સૂર્રર્રર્ર..!

થોભો, પહેલાં થોડોક ધોખો કરી લેવા દો. ગુજરાતમાં કાચું સોનું પાકતું હશે પણ ગુજરાતી કથાઓ ને વાર્તાઓમાં મઘ્યમ વર્ગના પરિવારની, અને મમ્મી-પપ્પાની ચાગલી વાતોના પહાડ છે. અથવા બૌદ્ધિક લવારી કરતા માસ્તરોની દાંભિક કહાણીઓ છે.

પ્રાત:સ્મરણીય ચંદુલાલ જેઠાલાલ વ્યાસે ડિટેકિટવ ફિકશન, તથા મૂળશંકર મો. ભટ્ટે સાયન્સ ફિકશનની ભેટ ધરેલી, પણ મૌલિક લખાણ શૂન્યવત છે. ફેન્ટેસી, પ્રાણીકથા, એવા કથાકથનના દોઢસો પ્રકારો જાણે છે જ નહીં. અંગ્રેજીમાં એવા વિસ્મયપ્રેરક, રોમાંચક પ્રકારનો વરસાદ વરસે છે, અને સાયન્સ ફિકશનમાં રેય બ્રાડબ્રી ફ્રન્ટ રો જાણે આખી રોકીને બેઠા છે. જૂલે વર્ને સબમરીનનો વિચાર આપ્યો; આર્થર સી. કલાર્કે માનવીય ઉપગ્રહોની પરિકલ્પના આપી; આયઝેક આસીમોવે રોબોટને જન્મ આપ્યો. એ બધા લેખકોની કથાઓમાં વૈજ્ઞાનિક સિદ્ધાન્તોનો મક્કમ પાયો હતો, જેને ભવિષ્યના વૈજ્ઞાનિકોએ ખોતરી, ખંખેરીને કાલ્પનિકમાંથી વાસ્તવિક રૂપ બ યું.

આજે સબમરીન છે, માનવ નિર્મિત ઉપગ્રહો છે, રોબોટ છે. એ લેખકો તાર્કિક વાતોનાં તાંતણે કથા રચતા હતા, બ્રેઇનમાંથી વાયરિંગ કરીને પાના ઉપર પદ્ધતિસર પ્રમેયો સિદ્ધ કરતા હતા. રેય બ્રાડબ્રીની કથાઓને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ફકત કલ્પનાના તડતડિયા. સીધા હાટર્માંથી વાયર કાઢીને તેને તમારા બ્રેઇનના વાયર સાથે સોલ્ડર કરીને વાત કરે છે રેયદાદા.

જે મંગળ ગ્રહ ઉપર શ્વાસ પણ લેવો સંભવ નથી તે મંગળના ગ્રહ ઉપર બેઠેલી એક બાઈના સ્ફટિકના થાંભલે બાંધેલા ઘરમાં સપનું આવે છે કે એક ઊચો ફરસો માનવ મંગળ ઉપર આવીને તેની સાથે સપનામાં વાર્તાલાપ કરે છે. મંગળના વાસીઓ માને છે કે પૃથ્વી તો વેરાન છે. એ જ પૃથ્વીના લોકો મંગળનો આખો ગોળો સર કરે છે, અને સાથે સાથે લાવે છે યુદ્ધ અને મત્સર અને વિનાશ. બ્રાડબ્રી વિખ્યાત છે તેમની નામે આ મંગળવિજયની કથાઓ માટે. ગગનવાલાને અંગત રીતે શુદ્ધ કલ્પનાનું કાવ્ય દોહતી વધુ આકર્ષે છે. બ્રાડબ્રીનાં પુસ્તકોની ૮૦ લાખ નકલો વેચાઈ છે. છત્રીસ ભાષાઓમાં તેમના અનુવાદ થયા છે. અનેક ફિલ્મો બની છે. ટીવી પર સીરિયલો અવતરી છે. બ્રાડબ્રીએ ખાસ ટીવી માટે ડઝનબંધ કથા લખી છે. ની જેમ એમની બીજી કથા વિખ્યાત છે, . જ્ઞાન અને માહિતીનું પ્રજાને ન વળગે તે હેતુથી તાલીબાન જેવીકટ્ટર સરકારે તમામ પુસ્તકોને બાળી નાખવાનો કાયદો કર્યોછે. લોકો જંગલોમાં સંતાઈને ચોપડીઓ વાંચે છે, અથવા એક એક જણ આખેઆખું પુસ્તક મોઢે કરીને શ્રોતાઓને ખાનગીમાં સંભળાવે છે.

બીટીડબલ્યુ, પુસ્તકને સળગાવવા કેટલું ઉષ્ણતામાન જોઈએ? યસ, ૪૫૧ ડિગ્રી ફેરનહાઇટ.

બ્રાડબ્રીની પચાસ વર્ષ પહેલાં પ્રકટ થયેલી વાર્તાઓ આજેયે અમેરિકાની સ્કૂલો ને કોલેજોમાં ભણાવાય છે. પણ રેયમંડ પોતે ખાસ ભણ્યા નહોતા. તે અભણતા જ પોતાની સાહિિત્યક સફળતાનું કારણ પણ છે, એવું લેખક કહેતા. રેયમંડ ૧૨ વર્ષના હતા ત્યારે એક મેળામાં કોઈ જાદુગર સાથે દોસ્તી કરી બેઠેલા અને એની સાથેની વાતચીતે તેમને ભવિષ્યના લેખકનું યજ્ઞોપવીત પહેરાવેલું. કોલેજને બદલે રેયમંડે લાઇબ્રેરીઓમાં બીજા લેખકોનાં પુસ્તકોનો અને થિયેટરોમાં અઠવાડિયાની નવ ફિલ્મોનો આહાર શરૂ કર્યો. વીસબાવીસની ઉમરે એમની પહેલી વાર્તા છપાઈ. ત્રીસમા વર્ષે સન ૧૯૫૩માં એમની માર્શિયન ક્રોનિકલ્સ કથાઓ છપાઈ અને તે જમાનાના વાચકોના ડોળા ઉપર સ્પેસ ટ્રાવેલનો રૂમાની જાદુ કરી ગઈ. તે પહેલાં સાયન્સ ફિકશન અઘરા શબ્દોના કારણે અમુક વર્ગમાં જ વંચાતું. બ્રાડબ્રીની સરળ ભાષા, કાવ્યાત્મક કલ્પનાશીલતાથી મોટાં સામયિકોમાં પ્રગટ થવા લાગી, બસ ત્યારથી સાયન્સ ફિકશનને સાહિત્યમાં પ્રવેશ મળ્યો.

એ રોજના એક હજાર શબદો અચૂક લખતા. બ્રાડબ્રી કહેતા કે એ પહેલો શબ્દ લખે ત્યાં આપોઆપ બીજો ગોઠવાઈ જાય છે. અને પછી ત્રીજો અને એમ વાકયો, પેરેગ્રાફો ને પાનાંઓ ભરાય છે. અને એ પાનાં, બાય ગોડ! ચિત્રાત્મક કલ્પનાથી ધગધગતા, વાચકનું રંજન કરતા. કોઈ વાર કોઈ કવિતાની કડીથી એમની કલમ નાચવા થનગનતી. બાળપણની સ્મૃતિઓએ એમની અનેક કથાઓમાં દેખા દીધી છે. ન્યુ યોર્ક ટાઇમ્સ જણાવે છે કે બ્રાડબ્રી ભવિષ્યના દાયકાઓની વાતો બહુ કરતા. હંમેશાં સુખની આશાથી અને વિનાશની આશંકાથી. જય બ્રાડબ્રી!

એ રોજના એક હજાર શબ્દો અચૂક લખતા. બ્રાડબ્રી કહેતા કે એ પહેલો શબ્દ લખે ત્યાં આપોઆપ બીજો ગોઠવાઈ જાય છે. અને પછી ત્રીજો અને એમ વાકયો, પેરેગ્રાફો ને પાનાંઓ ભરાય છે. અને એ પાનાં, બાય ગોડ! ચિત્રાત્મક કલ્પનાથી ધગધગતા, વાચકનું રંજન કરતા. કોઈ વાર કોઈ કવિતાની કડીથી એમની કલમ નાચવા થનગનતી. બાળપણની સ્મૃતિઓએ એમની અનેક કથાઓમાં દેખા દીધી છે. ન્યુ યોર્ક ટાઇમ્સ જણાવે છે કે બ્રાડબ્રી ભવિષ્યના દાયકાઓની વાતો બહુ કરતા. હંમેશાં સુખની આશાથી અને વિનાશની આશંકાથી. જય બ્રાડબ્રી!

* એન્ડ વેરી સ્પેશ્યલ બોનસ : ત્રુફોં એ બનાવેલી ક્લાસિક અંગ્રેજી ફિલ્મ જ આખેઆખી અહીં જ નિહાળી લો, દોઢેક કલાકની ફુરસદ કાઢીને !

 

20 responses to “કિતાબોં સે કભી ગુજરોં, તો યૂં કિરદાર મિલતે હૈ… / ગયે વક્ત કી ડયૌઢી પર ખડે કુછ યાર મિલતે હૈ

 1. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

  June 22, 2012 at 3:45 AM

  જય બાબુ !

  “It smells like ancient Egypt.”

  Yes….He’s RIGHT! અમારી આ કેરોની ઝમીનની તાસીર જ એવી છે. કેમ કે નાઇલરૂપી જ્ઞાન સતત વહેતું જ રહે છે. મોબાઈલ-નેટના પવનમાં પણ તાહરીર સ્ક્વેરના ફૂટપાથ પર રહેલો પેપર્સ-બૂક્સ વેચતો (રે બ્રેડબરી તો નહિ) પણ કેડબરી જેવો મીઠડો લાગે છે.

  મિસર એટલે બસ…વાંચનની મીસરી!

  Like

   
 2. shiny

  June 22, 2012 at 3:53 AM

  books cant be replaced by anything.

  Like

   
 3. Bhupendrasinh Raol

  June 22, 2012 at 6:07 AM

  સાચી વાત છે પુસ્તકપ્રેમ હવે ઓછો થતો જાય છે. હમણા મારા શ્રીમતી બીમાર હતા, એમને એડીસનમાં આવેલી પ્રખ્યાત જે.એફ.કેનેડી હોસ્પીટલમાં દાખલ કરેલા. મારા આશ્ચર્ય વચ્ચે એક લેડી નાનું સરખું કબાટ નીચે વ્હીલ હતા ઠેલતા ઠેલતા રૂમમાં આવ્યા. એક રૂમમાં બે દર્દી હતા. કબાટમાં શું હતું? પુસ્તકો હતા. અમને કોઈ પુસ્તક જોઈતું હોય તો જણાવવા કહેવામાં આવ્યું.

  Like

   
 4. farzana

  June 22, 2012 at 7:04 AM

  ohho……waah…..jalso padi didho…..links share krine…. 🙂

  pan ahin baazigar nu pelu song yaad aavi gyu ho….
  kitaabein bahot si padhi hongi tumne….lolllllzzzzzzzzz

  😉

  Like

   
 5. dipikaaqua

  June 22, 2012 at 7:59 AM

  ગુલઝાર એ લખેલી કવિતા ની જેવી જ કિતાબ પર લખાયેલી કવિતા / કહાની કિતાબ ની જબાની :પ

  કબાટના પુસ્તકો
  પુસ્તકો સપનામાં આવે અને પૂછે,
  ‘તેં અમને ઓળખ્યાં કે?’
  વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે
  અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,
  ‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?’
  પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય
  અને પૂછે,
  ‘અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ?
  છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?’
  પુસ્તકો ફરફરતો પવન થઈ જાય
  અને પૂછે,
  ‘શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?’
  પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે
  એક પછી એક
  દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો
  બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો.
  ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે
  અને કહે,
  એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને
  પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
  ઝૂર્યે જાય
  જાતને ઊધઈને હવાલે કરે એ –
  આખરે આત્મહત્યા કરે
  ઘરમાં ને ઘરમાં જ
  બંધ કબાટના કારાગૃહમાં !

  – શંકર વૈદ્ય (મરાઠી)
  અનુ. અરુણા જાડેજા

  A never before imagination of Mars in his article !! The Fire Balloons.Let the balloon drift free, up past the porch. WoW!! 🙂
  I will give load to Firstload and net also to download his books..:P
  oh i forgot to mention that yor article was also good..:D:P
  ThanXx!!

  Like

   
 6. dipamzaveripam

  June 22, 2012 at 9:33 AM

  ‘સ્ટેટસ ક્વો યાને જૈસે થે ની સ્થિતિમાં પડયા રહેવું, એ જીવન નથી. તમારી આંખોને રોમાંચથી ઠસોઠસ ભરી દો. દસ સેકન્ડમાં મરી જવાના છો, – એટલી પેશનથી બધું માણો. આળસુની જેમ ઝાડની ડાળી પર લટક્યા કરતા સ્લોથ પ્રાણીની માફક નિષ્ક્રિય ન રહો. ફેક્ટરીમાં બનતા રેડીમેઈડ સપનાઓ કરતા કોઈ ગેરેન્ટી કે સલામતી વિના આવતી આ સૃષ્ટિ વધુ રંગીન, હસીન છે. ઝાડને હલબલાવી ડાળીએ ઉંઘતા પેલા પ્રમાદના સ્લોથને નીચે પાડો !

  Nice Article!!!

  Like

   
 7. Devang Soni

  June 22, 2012 at 10:01 AM

  E-books ma e “feel” nathi pan saame ena plus point pan chhe, etle eni monopoly to vadhe j rakhvani..!!

  Like

   
 8. Envy

  June 22, 2012 at 10:32 AM

  Thnx JV…for finger pointing nice read and view.
  I still prefer paper book reading though, read lot on screen too 🙂

  Like

   
 9. ideaunique

  June 22, 2012 at 11:46 AM

  Dear JV,
  L’il off-topic – if you haven’t seen the chinese film “The Road Home” (with Eng. Subtitles) – you have missed out a supremely pure and beautiful film – it needs to be dubbed/remade in all languages of the world. If you can’t get hold of the dvd – it is available online here:

  Like

   
  • ideaunique

   June 22, 2012 at 11:48 AM

   a lovely song (Ref. the film The Road Home) – although the song is not in the film

   Like

    
 10. Neil Rajvansh

  June 22, 2012 at 12:01 PM

  baste the jo kitaabo me, ab wo yaar nahi milte,
  duniya me chand log aise hai jinhe kirdaar nahi milte,
  sochte the hasin hoga jaha kitaabo sa,
  par kahi bhi kitabo me base shahar nahi milte,

  par jab kitabo se nazar ko chhar karte hai,
  bachpan k dosto ki duniya ka didar karte hai,
  bichde the jinse kabhi lad jhagad k hum,
  aaj aansuo k sath unhi ko yaad karte hai.

  haaa
  કિતાબોં સે કભી ગુજરોં, તો યૂં કિરદાર મિલતે હૈ…
  ગયે વક્ત કી ડયૌઢી પર ખડે કુછ યાર મિલતે હૈ

  Like

   
 11. nikhilshah9

  June 22, 2012 at 1:12 PM

  TIMELY ARTICLE.A WAKE UP CALL

  Like

   
 12. virajraol

  June 22, 2012 at 1:27 PM

  મેં કદાચ કાગળ કરતા કમ્યુટર સ્ક્રીન પર વધારે વાંચ્યું હશે(સ્કુલ ની બુક્સ ને બાદ કરતા), પણ નોવેલ્સમાં રસ મને ઈ-બુક્સ વાંચીને જ પડ્યો છે…. પણ એ વાત ૧૦૦% સાચી છે કે જ્યારથી મેં પહેલી વાર એક નોવેલ ખરીદી ને કાગળ ફેરવી ને, નવી બુક ની સુગંધ લેતા, ક્યાંક અટકું તો વચ્ચે માર્ક મૂકીને વાંચવાનું ચાલુ કર્યું ત્યારથી ઈ-બુક્સ માં એવી મજા નથી આવી જેવી મને “સાચી” બુક્સ માંથી આવે છે…. પણ તોય વાંચવાનું ગમ્મે ત્યાં મળે, છોડતો તો નથી જ, આખરે તમારો લેખ તો મેં કમ્પ્યુટર પર જ વાંચ્યો છે! 😀

  Like

   
 13. Hitesh Joshi

  June 22, 2012 at 4:51 PM

  તમારો લેખ..મધુ રાય વાળુ લખાણ..લીન્ક મુવીની..ને પછી બાકીની કોમેન્ટસ..બધુ ગમ્યુ..હવે થેન્ક યુ તો શુ કેહવુ..વર્ષોથી તમે અવનવુ શેર કર્યુ જ છે..માલીક તમારી આ તડપ બરકરાર રાખે જયભાઈ.. 🙂

  Like

   
 14. Mayur Azad

  June 22, 2012 at 6:46 PM

  jordar…..vanchavam time j kya gayo eni khabar j na padi…..!!!!!!

  Jo eno ek nano lekh j atli excitement jagade to mota lekh ni to kalpana j karvi rahi…….!!!!!!1

  Like

   
 15. Geetu thakkar

  June 22, 2012 at 11:32 PM

  amazing………………

  books can not be replaced any damn thing…..

  Like

   
 16. jigisha79

  June 24, 2012 at 10:40 PM

  “એમની કથાઓ મને બહુ જ ગમતી, પણ એક-બે ટૂંકી વાર્તા સિવાય એ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી.” hmmm may be u can translate for book lovers 🙂 jst a thought.

  Like

   
 17. jagesh

  June 27, 2012 at 9:31 PM

  very nice jaybhai majakaravi didhi.

  Like

   
 18. Dhrumal Oza

  July 22, 2012 at 1:24 PM

  well felt tht some hard hitting in the article just meant for me as it has been months I hv. new addiction of Zynga games & absolutely little progress on books ‘The Music Room’ & ‘The journey in Ladakh’…..let’s see who within me will win, a gamer or book luver….:)

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: