થાઈલેન્ડ હાથીઓને બહુ પ્રેમ કરે છે અને પુજે છે, આપણા ગણપતિબાપા પણ ત્યાં પોપ્યુલર છે. આ જૂની વાત થઇ ગઈ.
ત્યાં મેનકા ગાંધી ના હોઈ દુનિયાભરના ટુરિસ્ટસને આકર્ષતા એલીફન્ટ શોઝ થાય છે. એમાં હાથીઓ રમે-નાચે કે સલામ કરે એ ય સર્કસમાં જોયેલું છે. પણ અચરજ થયું હાથીઓના પેઈન્ટિંગ્સ જોઈ ને ! ટ્રેઈન્ડ હાથીઓ મહાવત એને કાન હલાવી કમાંડ આપે એન સામે પડેલ રંગો અને બ્રશથી સરાજાહેર અવનવા ચિત્રો બનાવે ! જેની ત્યાં જ હરરાજી થાય અને એ ૩૦૦૦ / ૪૦૦૦ બાટમાં વેંચાય ! રોજના આવા પેઈન્ટિંગ બનતા હોય એટલે જે સ્ટોક વધ્યો હોય એના સ્ટોર્સ પણ હોય છે !
ભારતીયો મોટે ભાગે પટાયામાં એલીફન્ટ શો માને છે (નોંગ નૂચ ગાર્ડનમાં ) પણ ચ્યાંગ માઈમાં વધુ સારો શો થાય છે, એ બેઉ જોયા પછી કહી શકું. ચ્યાંગ માઈમાં એ શો હાથીઓનો વૃદ્ધાશ્રમ કહી શકાય એવી સંસ્થા હાથીઓ માટે આવક ઉભી કરવા કરે છે. ત્યાં બીમાર , મજુરીથી થાકેલા, જંગલમાંથી ગેરકાનૂની રીતે પકડતા શિકારીઓ પાસેથી છોડાવાયેલા, નાની વયે અનાથ બનેલા – એ પ્રકારના હાથીઓનું પાલનપોષણ થાય છે. શેરડી કે કેળાં ખરીદી એમની નજીક જઈ શકો, અને ગેલ કરી શકો. હાથીઓએ બનાવેલા ચિત્રોના છેડે મારી તસવીરો પહેલા એક સૌથી બુઝુર્ગ હાથીના દેહ પર પડેલી કરચલીઓ નીરખજો , અને માણો આ પ્રકૃતિના જ અબોલ સર્જને કરેલું પ્રકૃતિનું સર્જન !