RSS

Daily Archives: June 6, 2012

પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, જો ડરતે હૈ વો પ્યાર કરતે નહીં !

એની તમામ ટીકાઓ અને ખામીઓ છતાં આમીર ખાનનું સત્યમેવ જયતે મને શા માટે ગમે છે, એ હું અગાઉ અહીં લખી ચુક્યો છું. આ મિથ્યાભિમાની ઘેનમાં પાડેલા સંકુચિત માનસના બની ગયેલા દેશની સામાન્ય રીતે સાચા મુદ્દે ઉદાસીન પ્રજાના બહોળા વર્ગને ( મુઠ્ઠીભર ડાબેરી ડફોળાઈને બુદ્ધિજીવી હોવામાં ખપાવતા આરામખુરશી આલોચકો નહિ, માસ કહેવાતાપ્રચંડ જન સમુદાયને ) કોઈ પણ રીતે કોઈ પણ માણસ પ્રોગ્રેસિવ સત્ય માટે ઢંઢોળે એને હું તો ટેકો આપું જ . અને અગાઉની પોસ્ટમાં મેં ઉતાવળે યાદી બનાવી મુકેલા રિયલ ઇસ્યુઝ સાથે ગજબનાક સામ્યધરાવતા એક પછી એક એપિસોડસ પણ ખરા.

એમાં પહેલું જ મેં લવ મેરેજ, ઓનર કિલિંગનું લખેલું. મને રીતસર ભયંકર આક્રોશ, અજમ્પો અને અરેરાટી અપાવતો આપણો આ અભિગમ છે. પાંચેક વર્ષ પહેલા આ લેખ લખ્યો, ત્યારે ય એને ખાસ્સા ફીડબેક મળેલા. આપણા કહેવાતા સમાજના ઘણા ‘પથ્થરદિલ’ માણસો આ મામલે પથ્થરદિમાગ પણ હોય છે, અને બિચારા યુવાપ્રેમીઓ પર પથ્થર ચલાવતા ય શરમાતા નથી. પોતાને આધુનિક સેવાભાવી કહેવડાવનારા અનેક ‘નામીચા’ સામાજિક આગેવાનો પણ ‘આપણી જ્ઞાતિની દીકરી પરનાત/ધર્મમાં  ના જાય’ એ માટે ઝુંબેશ ચલાવી પાછા વાહવાહી મેળવે છે. આને જો સંસ્કાર કહેવાતા હોય, તો ધિક્કાર છે. પણ આ લેખનો એક ‘ફીડબેક ‘ હજુ યાદ છે.

મારાં લેખો ‘ગુજરાત સમાચાર’ જેવા લોકપ્રિય અખબારમાં છપાય અને બહોળા વાચાક્વર્ગ સુધી પહોંચતા હોય , ત્યારે એમાં રહેલા જોખમનું  ભાન ફક્ત  મર્યાદિત  વર્તુળમાં ગપ્પાં-ગોકીરો કરનારા ચર્ચાચોવટિયાઓને ના હોય એ સ્વાભાવિક છે. આ લેખ છાપાયો એ સવારે બે મિત્રો સાથે હું ટ્રાવેલિંગ કરી રહ્યો હતો, ત્યાં એક ફોન રણક્યો. એ વખતે હિન્દુવાદી ગુજરાતી આગેવાન  એક શખ્સ સામે લાઈન પર હતો. એણે મને સંસ્કૃતિને બચાવવાના કેફમાં ધમકાવવાનો અને આવા  લેખો લખવા બદલ માફી માંગવાનો અનુરોધ કર્યો. એની વગ અને ધાક ત્યારે જાણીતી હતી. મેં કહ્યું કે ભાઈ, તને (જે વાયડાઈમાં તુંકારો કરે, એને ય વહાલ કરવા જેટલો હું મનમોહનમાર્ગી નથી.) હું હિન્દુત્વ અંગે પાંચ સાદા સવાલ પુછું તો ય તને ખબર નથી હોવાની. આમાં ખોટું શું લખ્યું છે? મૂળ તો જે સંસ્કૃતિને આગળ ધરી આ વર્ગ આંતરધર્મીય / જ્ઞાતિયપ્રેમ લગ્નો નો વિરોધ કરે છે, એના જ સચોટ ઉદાહરણો આપી બોબડી બંધ કરી હોવાની ભાઈને ચચરી ગઈ હતી. એણે મને મારી નાખવાની ધમકી આપી. ને મારો ટિપિકલ ગોંડલિયો મિજાજ ઉછાળ્યો. મેં કહ્યું : ‘ જો  **** , તું મને કોઈ ઝભ્ભાલેંઘા છાપ લેખક સમજતો હોય, તો ખાંડ ખાય છે. હું જે લખું છું, એણે વળગી રહું છું, ને મારી મોજથી લખું છું, તારી મરજીથી નહિ. ને જે ગામમાં હું મોટો થયો છું ત્યાં તારા જેવા કંઇક મૂછે લીંબુ લટકાવતા મેં બચપણથી જોયા છે. માટે ત્રેવડ હોય તો તારાથી થાય એ કરી લેજે, મારી પાંચમની છઠ્ઠ નહિ થાય. તું  ધરમનો ઠેકેદાર હોય તો તારા ઘરનો, હું તો ભગવાનને ભેગા રાખીને જ જીવું છું’ ફોન કાપી નાખ્યો. આ કંઈ આવો પહેલો કે છેલ્લો ફોન નહોતો. ને આ બનાવના  મિત્રો સાક્ષી છે. એ ભાઈસાહેબ તો પછી ગોધરાકાંડના રમખાણોમાં નિર્દોષ મુસ્લીમો પર જંગલિયતભર્યા અત્યાચાર માટે જેલના સળિયા પાછળ ગયા, ને જાહેરજીવનમાંથી લગભગ ખોવાઈ ગયા છે.

પોઈન્ટ ઇઝ – જો ડર ગયા વો મર ગયા. પ્રેમ તમને અભય આપવો જોઈએ. પછી એ પ્યાર વિચાર સાથે નો હોય, કે વ્યક્તિ સાથેનો. સાચું કહેવામાં સાડીબાર રાખવી નહિ, ને ખોટા માણસો સામે ઝૂકવું નહિ.

લો વાંચો ત્યારે, અને છેલ્લે આમીરનો એપિસોડ જુઓ. ( આ ટોપિક પર હું કલાકો બોલી શકતો હોઈને મને તો એ અધુરો જ લાગ્યો છે. પણ સારો છે, ભારતના તાળાબંધ જડસુઓ માટે.) અને બોનસમાં  એ પછી મને અત્યંત ગમતું એક ગીત પણ સાંભળવાનું ભૂલતા નહિ.

અપડેટ : ફેસબુક પર આ ટોપિક પર ચાલેલી ચર્ચાની >>>>>>>>  લિંક 

એક લડકા, એક લડકી.

સ્વાભાવિક કુદરતી આકર્ષણને વશ કયાંક બંનેની આંખો મળી પછી મન મળ્યા. પછી પાંખો ફૂટી. પ્યાર તો હોના હી થા. પરિચયમાંથી દોસ્તી, દોસ્તીથી પ્રેમ, પ્રેમથી લગ્ન… આ ભારત કે ઈસ્લામિક દેશો સિવાયના દુનિયાભરના દેશોનો સાહજીક ક્રમ છે… અને આ દેશોમાં કોઈ ઉપરવાળાનો એવો કોપ નથી કે એ મહાસત્તા ન બની શકે.

એની વે, પેલા બેઉ યુવક – યુવતી મનમેળથી સત્તાવાર તનમેળ સુધી જવા માટે પરણવાનું નક્કી કર્યું. લફરાંને બદલે લગ્નની વાત તો શુઘ્ધ, સાત્વિક, સામાજીક કહેવાય પણ એઝ યુઝઅલ, બંને પક્ષના માતા – પિતાનો હરિરસ ખારો થઈ ગયો. થોડી ચણભણ છતાં જુગલજોડી મક્કમ રહી. એ લોકોએ ન્યાય અને બંધારણ મુજબ કાનૂની લગ્ન કરી લીધા. સાસરિયામાં પૂત્રવઘુનો સ્વીકાર થતા હોંશે હોંશે ગરીબ નવદંપતીએ લગ્નનું રિસેપ્શન ગોઠવ્યું. દીકરીને ઘેર દીકરી – જમાઈ બંને આમંત્રણ કાર્ડ દેવા ગયા… અને દીકરીના નીચ, અધમ, ક્રૂર, પિશાચ પિતાએ કલ્પનાતીત રાક્ષસી કૃત્ય કર્યું. પોતાના હાથે જ પોતાના ઘરમાં હરખભેર આવેલા દીકરી – જમાઈની હત્યા કરી નાખી!

પવિત્ર ભારતભૂમિના કેટલાય શેતાનોને મન પ્રેમલગ્ન કરવા એ પાપ છે, પણ એ માટે કોઈ જુવાન જીવને જીવતે જીવ મારી નાખવા એ પાપ નથી! વાહ! આને કહેવાય ધર્મપ્રેમી રાષ્ટ્ર!

* * *

છોકરીની મરજી વિના એની હિંસક છેડતી કરનારા રોડસાઈડ રોમિયોને ટપારવામાં આવે છે. ધીબેડવામાં આવે છે. વેરી ગુડ, વેરી ગુડ. પણ પ્રેમીઓને વિખૂટા પાડનારા, પોતાના જ સંતાનોના જીવતરની હોળી કરીને પોતાના અભિમાનના રોટલા શેકનારા અને લગ્ન થયા પછી પણ જીદે ચડીને હિંસક હુમલાઓ કરનારાઓની કોઈ દાંત કચકચાવીને ટીકા પણ નથી કરતું! વેરી બેડ, વેરી બેડ. બે પુખ્ત વયની વ્યકિતઓની અંગત જીંદગીમાં મા-બાપ, દાદા – દાદી કે ભાઈ – બહેનને પણ માથું મારવાનો અધિકાર નથી. કાનૂની પણ નહિ, નૈતિક પણ નહિ. પણ આવા ચંચૂપાતને આપણે સંસ્કૃતિ પરનું આક્રમણ ગણતા નથી. પોતાની જ દીકરી કે બહેન પર તૂટી પડનારા બાપ કે ભાઈને ઉંધા માથે વસ્ત્રહીન લટકાવીને નીચે તાપણું કરવું જોઈએ. પોતાના જ દીકરાની ઈચ્છા મુજબ એને ન પરણાવતા મા-બાપ કે વડીલોને રણની રેતીમાં ઉઘાડે ડિલે દાટીને બહાર રહેલા મોં પર ઝેરી મધમાખીઓ છૂટ્ટી મૂકી દેવી જોઈએ. પોતાના સ્વજનોના પ્રેમલગ્નને સ્વીકારી ન શકવાથી એ તોડાવવા માટે ભાંગફોડ કરનારાઓને મળમૂત્રમાં લપેટીને શાર્ક માછલીઓ વાળા દરિયામાં ડૂબાડી દેવા જોઈએ.

કેમ? આ ભાષા અભદ્ર લાગી? કલ્પનાઓ કરપીણ લાગી? વાહ! તમે તો સંસ્કારી કહેવાવ, સાહેબ! તો પછી ખરેખર કોઈનો માત્ર પ્રેમ કરવા જેવી કુદરતી ક્રિયા સબબ જાન લેનારાઓ કે ધૃણા કરી એમની જીંદગી નરક બનાવી દેનારાઓ પર તમારા જેવા મર્યાદાપુરૂષોત્તમ આત્માને કેમ ક્રોધ નથી ચડતો?

* * *

આ લવમેરેજ તો પશ્ચિમની ભેટ છે, આપણી મહાન ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રોક્ત રીતે એ શોભે નહિ એવું કહેનારાઓ એક નંબરના નપાવટ નઘરોળો છે. એમને ભારત કે સંસ્કૃતિ અંગે રાઈના દાણા જેટલી પણ સમજ ન હોવાનો આ દેખીતો પુરાવો છે. ભારતના કયા ભગવાન અપરિણીત છે? અને વળી કોના લગ્ન એરેન્જડ મેરેજ છે? રાધા – કૃષ્ણ જવા દો, રુક્મિણીનું પણ કૃષ્ણે હરણ કરેલું – અને પાર્વતીએ તો વનસાઈડેડ લવને મેરેજમાં ફેરવવા કામદેવને કુરબાન કરી શિવને જીતેલા! ગીતા સાંભળવા સુપાત્ર અર્જુન અપ્સરાથી આદિવાસી સુધીની કન્યાઓ અને સ્વયં યોગેશ્વર કૃષ્ણની બહેન સુભદ્રા સાથે એણે ભગાડીને પરણેલો. રામ અને સીતા કે વિષ્ણુ અને લક્ષ્મીના તો લવ એટ ફર્સ્ટ સાઈટ ને તત્કાળ મંજૂરીની મહોર મળેલી. દમયંતીથી દ્રૌપદી સુધીની રાજપુત્રીઓ સ્વયંવર કરી પિતાને નહિ, પણ પોતાને ઈચ્છિત પતિ જાહેરમાં પસંદ કરતી. આપણે આ બધાની પૂજા કરવી છે, પણ એમના આચરણ જેવું આપણા સંતાનો કરે તો ધોકો લઈને તૂટી પડવું છે. કયા દંભ હૈ!

એકચ્યુલી દુનિયાના દરેક ધર્મ કે દેશમાં પ્રેમને પરમાત્મા પ્રાપ્ત કરવાનો સૌથી સહેલો અને સૌથી સાચો રાજમાર્ગ બતાવાયો છે. ઇશ્ક ખુદાઇ, રબને બનાઇ. પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. હે રી, મૈં તો પ્રેમદીવાની હોઇ. જો હશે ખુદા, તો ઇશ્કનો બંદો હશે, જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે. પ્રભુ ઇસુ પ્રેમમૂર્તિ ગણાય. નાનકદેવજી મુહોબ્બતના ગીત ગાય. મહાવીર અને બુદ્ધની કથાઓમાંથી સ્નેહની અમીધારાઓ નીતરતી રહે. કરુણા, ક્ષમા અને અવૈરના ચિંતન થાય.

બઘું જ પોથીમાંના રીંગણા. વાસ્તવિકતામાં પ્યારનું નામ પડે કે નેવું ટકા વડીલો (અને એમના પાળીતા જનમઘરડા યુવાનો) લોહીતરસ્યા થઇ જાય છે. લોકો હિન્દી ફિલ્મોની અસરમાં બગડેલી યુવા પેઢીની વાત કરતાં હોય છે. બિચારી ફિલ્મો ૭૫ વર્ષથી પ્રેમમહિમા ને ઠોક બજા કે ગા-ગા કરે છે. એક બુઠ્ઠું થયેલું બુઢ્ઢું ભેજું એની અસરમાં આવીને સુધરતું નથી. ‘બેશક મંદિર મસ્જીદ તોડો, પર પ્યાર ભરા દિલ મત તોડો ઉસમેં ખુદા હૈ રહેતા’ ગવાઇ ગયાને ત્રણ દસકા થઇ ગયા. એ સાંભળનારાઓના સંતાનો પ્યાર કરવાની ઉંમરે પહોંચી ગયા પણ એમના ડઠ્ઠર વડીલોની જડતામાં ગજના આંકાનો ય ફરક પડયો નથી.

બેવકૂફ જ નહિ, બહેરા લોકોનો સમાજ છે આ! આ લેખ વાંચી જનારાઓ પણ એના શબ્દો કલાકમાં ભૂલી જશે. કંઇ પોતાના સંતાનોની ફીલિંગ્સ  સમજીને એમના લગ્ન નહીંકરાવી દે! આમાં નવી પેઢી બગાવત ન કરે તો શું કરે? ચાલબાઝીથી ષડ્‌યંત્રો રચીને સુખેથી સંસાર ભોગવતાં યુગલોને પણ ખંડિત કરનારા વાયડા વડીલો અહીં ઉકરડામાં ભૂંડ ઉભરાય એમ ઉભરાય છે. અખબારોમાં આવી ‘હકીકતો’ છપાય, એમાં ૫૦% થી વઘુ કેસમાં સત્ય જુદું હોય છે. ‘લલચાવી, ફોસલાવી’ને ઉપાડી જવાયેલી સગીરા ખુદની મરજીથી ચાલી નીકળી હોય છે. ‘ઘરેલુ હિંસા’ સામે સ્ત્રીને રક્ષા આપતા કાયદાની તોપનું નાળચું માત્ર પતિ સામે જ શા માટે તાકવામાં આવે? ઘણાં પુત્રીઓના વાલી નારીના સ્વતંત્ર અસ્તિત્વનો ઇન્કાર કરી એને કઠપૂતળી બનાવવા માંગે છે, એનું શું?

* * *

મૂળ પ્રોબ્લેમ પ્રેમમાં નથી. આપણી સડિયલ સીસ્ટમ અને અડિયલ માનસિકતાથી પેઢી દર પેઢી બંધિયાર થતાં જતાં દિમાગોમાં છે. એનડીટીવીએ ગુજરાતની સ્ટોરી નેશનલ લેવલ પર મૂકી હતી, જે કોન્ટ્રાકટ પર ‘સુપારી’ લઇને અમુક જ્ઞાતિની કન્યાઓએ પોતાની મરજીથી કરેલા લગ્ન તોડાવી છોકરીનું ‘અપહરણ’ કરી ઘેર લઇ આવનારા શેતાનોના નકાબ ચીરી નાખવામાં આવતા. ઘણી રાજકીય સંસ્થાઓમાં બીજું કશું રાષ્ટ્રને ખાતર ન કરી શકનારા કાર્યકરો આ ‘પુણ્યકાર્ય’ (?) હોંશે હોંશે કરતા હોય છે.

બરાબર ઘૂંટીને વાત મગજમાં ઉતારજો, વાત કંઇ ચોક્કસ જ્ઞાતિ, રાજય, કોમ, ધર્મ કે નગરની નથી. દરેક ધર્મ કે જ્ઞાતિમાં આ બાબતે બે જ પ્રકાર પાડી શકાય : એક એવી સમજુ લધુમતી- જે સંતાનોના મુક્ત ઉછેરમાં માને છે. સ્નેહની સરહદ સમજાવટથી આગળ ન હોઇ શકે, એ આચારસંહિતાનો અમલ કરી શુદ્ધ પ્રેમને પોંખે છે. બીજી જડસુ બહુમતી, જે લાલ કપડું જોઇને સાંઢ ભડકે એમ સંતાનોની સ્વતંત્ર પસંદગી કે પ્યારથી ચાર પગે ઠેકડા મારે છે. યેનકેન પ્રકારે એનું રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખી દમ લે છે. સમાજના ઘણા કહેવાતા આઘુનિક, પ્રગતિશીલ કે શિક્ષિત લોકો આ બીજા બબૂચકવર્ગમાં આવે છે.

મૂળ આખી વાતનું મૂળ બાળકોને મકાન કે ઢોરઢાંખર કે ઘરેણાંની જેમ ‘મિલ્કત’ (એસેટસ) સમજવાની મમ્મી- પપ્પાઓની દિમાગી બીમારીમાં છે. પોતાના આનંદ, સંતોષ કે ઇચ્છા ખાતર પેદા કરેલા બાળકોને ઉછેરવામાં એમણે આપેલા ‘ભોગ’ની દાસ્તાનો નકામી છે- કારણ કે, સંતાનો એમના આમંત્રણ – પ્રયત્ન પછી જ અવતરે છે. જો નિઃસ્વાર્થભાવે ભોગ ન આપવો હોય, તો નિઃસંતાન રહેવું જ બહેતર! ખેર, કુટુંબના નામે એક સોનેરી જેલ ઉભી થતી જાય છે. મોજમજા કરવાની, હરવા ફરવા ભણવાનું… પણ કારકિર્દી કે જીવનસાથીની પસંદગીની વાત આવે ત્યાં મા-બાપના અઘૂરા ઓરતા પૂરા કરવા માટે જોતરાઇ જવાનું! સંતાનો મા-બાપની નહીં, ઇશ્વરની મિલ્કત છે. પ્રકૃતિનું સર્જન છે. આમ તો આપણો સમાજ ભારે આઘ્યાત્મિક અને કર્મના નિયમને અનુસરનારો છે પણ એટલું સ્વીકારી નથી શકતો કે પોતે તો સંસારમાં નવા જીવને પ્રવેશ કરાવવાની ઇશ્વરી યોજનાનો વાહક માત્ર છે. દરેક જીવાત્મા પોતાની આગવી બ્લુપ્રિન્ટ, નિયતિ, ટેલન્ટ અને સંવેદનાઓ, ગમા-અણગમા લઇને આવ્યો છે. એને ખુદની આકૃતિ છે, એ કોઇની પ્રતિકૃતિ બની શકે નહિ. એવી કસરત અકુદરતી છે, અને એમાંથી જ અત્યારનો ટેન્શનભરપૂર માંદલો સમાજ રચાયો છે.

મતલબ, જો તમે ખરા તત્ત્વદર્શી હો તો સ્વીકારો કે તમને ન ગમે એવો કોઇ નિર્ણય તમારા પુત્ર-પુત્રીને ગમે તો એ એમની જીંદગી છે, એમની મરજી એમાં ચાલવી જોઈએ. એમના કિસ્મતમાં જે હશે, એ થશે. એમના કર્મો મુજબ એમની રસરુચિ કે પસંદગી થતી રહેશે.

પણ વારતહેવારે ભજન ગાવા જેટલા સહેલા છે, એટલો સહેલો કંઈ આ નિર્લેપભાવ કેળવવો નથી. મા-બાપનું મમત્વ ફૂંફાડા મારે છે- સ્થિતપ્રજ્ઞતા અને અનાસક્તિની ભગવદ્‌ગીતા ઘરના ગોખલામાં જ ભૂલાઈ જાય છે. મોટે ભાગે મા-બાપ સંતાનોને ડરથી ઉછેરે છે, પ્રેમથી નહિ. અતૃપ્ત ઝંખનાને જ્યાં પહેલો ઢાળ મળે, ત્યાં મુહોબ્બતની સરવાણી બની વહી જાય છે. મમ્મી-પપ્પાઓ ક્યારેક વ્યાજબી રીતે ચંિતાતુર હોય છે કે નાદાન દીકરા-દીકરીઓ ભવિષ્યમાં હેરાનપરેશાન થશે. ઓકે, એ માટે ચેતવણી આપો (ભાષણ નહિ!), સમજાવો, પણ આડા ન પડો. ઝેરની શીશીઓ પકડી રડારોળ કરી- ‘ઈમોશનલ બ્લેકમેઈલિંગ’ ન કરો. ઘાંટાઘાંટ કરી દંડા પછાડી વ્હાલસોયામાંથી વિલન ન બનો.

એનાથી સંતાનોના તન પર કબજો કદાચ મળે, મન પર નહિ મળે! પુખ્ત વયની વ્યક્તિને ભૂલો કરવાનો પણ અધિકાર છે અને લવમેરેજમાં નુકસાન થાય તો પણ પોતાનું જ થવાનું છે. બીજાનું નહિ! ભૂલ કરશે, તો ભોગવશે… સાહસ કરશે, તો ભોગ મેળવશે! સિમ્પલ! બાકી, સંતાનો અવળે રસ્તે ભટકી ગયેલા લાગે, તો એમાં મમ્મી-પપ્પાની કશી જવાબદારી જ નહિ? એમની સારા-ખરાબની પરખ ન ઘડાઈ હોય, એ આવેશમાં તણાઈ જતા હોય, એમને મોટા થયા પછી પણ નીતિ નિયમોમાં બાંધી રાખવા પડતા હોય… તો એનો અર્થ એ કે એનું મમ્મી-પપ્પાએ યોગ્ય ઘડતર નથી કર્યું. ઉછેરનો પાયો ક્યાંક કાચો છે.

પણ આ બધી ચર્ચા વ્યર્થ છે. કારણ કે, મોટા ભાગના પૂજ્ય વડીલો કંઈ સામેના પાત્રને જોઈ જાણીને એનો વિરોધ નથી કરતા. એ લોકો તો નવી પેઢીની પસંદગી પાછળના કારણો સમજવાની કોશિશ પણ નથી કરતા. એ લોકો તો સામેના પાત્રને જોયા વિના જ સૈદ્ધાંતિક રીતે જ તરત ‘લવમેરેજ’ની ખિલાફ ખડા થઈ જાય છે. વહી પુરાની કહાની, આગે સે ચલી આતી હૈ! મંદિરમાં ભગવાન સામે પ્રાર્થના કરવાની, પણ એ જ ભગવાને મોકલેલા પરિવર્તનને ધિક્કારવાનું! એ જ ઈશ્વરે સર્જેલી વાસના કહો તો એ, અને પ્રેમભાવના કહો તો એ… વાળી અનુભૂતિનો ઈન્કાર કરી, પોતાને એનાથી ચડિયાતા સાબિત કરવાના!

મામલો ભાગ્યે જ સંતાનના હિત કે શ્રેષ્ઠતાની કસોટીનો હોય છે. મુદ્દો હોય છે ‘ઈગો પ્રોબ્લેમ’! અમને જોયા વગર, અમને પૂછ્‌યા વગર તમારે જાતે તમારા લગ્નનો નિર્ણય લેવાય જ કેમ? તમે તો અમારું રમકડું છો. તમે સ્વતંત્ર વિચાર ધરાવી જ કેમ શકો? પાછું આપણે ત્યાં યુવાવર્ગ પણ હૈયું ચલાવે એટલા હાથ ચલાવતો નથી. મતલબ, આર્થિક રીતે ભાગ્યે જ પગભર હોય છે. એટલે સમૃદ્ધિ કે સુરક્ષિતતા માટે મા-બાપની ગુલામી સ્વીકાર્યા વિના છૂટકો જ નથી હોતો. જેમ વૃદ્ધાશ્રમમાં મા-બાપને ધકેલતા સ્વાર્થી સંતાનોને હડઘૂત કરવા જોઈએ, એવી જ રીતે પોતાના અહંકાર ખાતર સંતાનોના નિર્દોષ સુખની બલિ ચડાવનાર સિતમગર વડીલોને પણ ઠમઠોરવા જોઈએ.

કેટલાક ‘સુધરેલા’ પિતાશ્રી, માતાશ્રી કહે છે- બેટા, પ્રેમલગ્ન કરો, પણ અમને પૂછીને પ્રેમમાં પડજો… અને આપણી બરાબરી કે બિરાદરી (જ્ઞાતિ)માં જ પ્રેમ કરજો! અરે? એમ કંઈ પૂછીને થાય પ્રેમ? પ્રેમ કેમ થઈ જાય એની ખુદ પ્રેમીઓને પણ ભાગ્યે જ ખબર પડે છે, ત્યાં એ બીજાઓને શું નોટિસ મોકલાવે? તમારા તમામ પ્લાનીંગને રફાદફા કરી દે એ જ પ્યાર! પસંદ કરીને કદી પ્રેમ થાય નહિ, અને પ્રિયજન કંઈ બીજાઓ પસંદ કરી ન શકે!

એરેન્જડ મેરેજની તો આખી કુપ્રથા જ રજવાડી સોદાબાજીમાંથી આવી છે. બાકી કુદરત તો મેટિંગ કોલની મીટિંગમાં જ માને છે. લોકો માને છે કે લવમેરેજ રિસ્કી છે. તો શું રસ્તા પરના તમામ અકસ્માતો રોકવાનું તમારા હાથમાં છે? તમે ત્રિકાળજ્ઞાની છો? એરેન્જડ મેરેજ સફળ આપણી સમાજ વ્યવસ્થાને લીધે થાય છે. એમાં સહચર્ય પછી પ્રેમ પ્રગટે તો પ્રગટે. આ તો ‘કલ્ટીવેટેડ લવ’ થયો. પ્રેમનું કંઈ ફેકટરી પ્રોડકશન ન થાય. ઈટસ સ્પાર્ક, ઈટસ મેજીક મોમેન્ટ! એરેન્જડ મેરેજમાં અનુબંધ હોય, અનુરાગ ન હોય… ખરી પ્રક્રિયા પ્રેમમાં તપાયા પછી પાકા બનીને લગ્ન કરવાની છે, જો પ્રેમ વહેમ નહિ હોય તો લગ્ન માટે આવશ્યક કમિટમેન્ટ, વફાદારી અને એડજસ્ટમેન્ટની રિસ્પોન્સિબિલિટી આપોઆપ આવી જશે. જો એ ભ્રમ હશે, તો પરપોટા જાતે ફોડયાનો આત્મસંતોષ મળશે.

પ્રેમની આત્મતૃપ્તિ વિના પરમની પ્રાપ્તિ થાય નહિ, અને થઈ હોવાનો કેફ હોય તો એ જાત સાથેની છેતરપિંડી છે. જેમની પાસે યૌવન છે, એમને માટે જીંદગી છે. કપાઈ મરેલા, આપઘાત કરતા પ્રેમીઓની તસવીરો જોઈને જેમની આંતરડી ન કકળે, એ લોકો અબોલ પશુઓની સેવા કરીને ક્યા ભવે સ્વર્ગ મેળવશે? જેનેટિક સાયન્સ તો ત્યાં સુધી કહે છે કે પ્રેમલગ્નનું સંતાન વઘુ તેજસ્વી બને છે. (આ લખનારના વિચારો ગમ્યા હોય તો વિજ્ઞાન સાચું!) પણ અહીં તો પોતે પ્રેમલગ્ન કર્યા હોય એવા વડીલો પણ ‘અમારા જમાનાની વાત જુદી હતી’ કહીને સંતાનોના પ્રેમપંથમાં ટોલ ટેક્સ ઉઘરાવવા બેસે છે.

કપલોને પ્રેમની ક્ષણો આપતા બગીચા બનાવવાને બદલે એમને ભગાડી ઉઠબેસ કરાવતા આ સ્મશાનમય સમાજમાં જે વડીલોએ ઉમળકાથી સંતાનોના આંતરજ્ઞાતીય, આંતરધર્મીય પ્રેમલગ્નોને પ્રેમથી ફૂલડે વધાવ્યા છે એમને સલામ! અને બાકીનાને? જૂતાં મારવાની ત્રેવડ જવાન બદનમાં છે?

ફાસ્ટ ફોરવર્ડ

‘યે મુહોબ્બત ભી ઈક ઈબાદત હૈ

યે ઈબાદત ભી એક મુહોબ્બત હૈ!’

(ફિલ્મ ‘પરદેસ’ના એક ગીતનું મુખડું)

#મારા પુસ્તક ‘પ્રીત કિયે સુખ હોય’માંથી

 
 
 
%d bloggers like this: