RSS

Daily Archives: June 1, 2012

ન નર હૈ, ન નારી હૈ… યે તો નારાયણ દત્ત તિવારી હૈ ! ;)

Les Demoiselles d’Avignon (The Young Ladies of Avignon ) નામથી જગપ્રસિધ્ધ એવા આ 1907 ના ચિત્રમાં મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોએ (ત્યારે નવું, પાછળથી હુસેને ભારતમાં આપણા આર્ટ ફોર્મમાં ઢાળી પ્રસિધ્ધ કરેલું ) ‘ક્યુબિઝ્મ’ અજમાવી બાર્સિલોના (સ્પેન) ને પાંચ દેહવિક્રય કરતી યુવતીઓને અલગ અને આધુનિક અંદાજમાં ચીતરી છે. વિશ્વના લેન્ડમાર્ક ગણાતા ટોચના ચિત્રોમાંનું આ એક છે! ‘ટાઈટેનિક’ ફિલ્મમાં ય એનો ઉલ્લેખ છે.

૨૦૧૦માં લખાયેલો આ લેખ રીડરબિરાદર પાર્થે એમના જ ફરી નેશનલ ન્યુઝમાં ચમકેલા એન.ડી.તિવારીના ડી.એન.એ. ટેસ્ટ નિમિત્તે યાદ દેવડાવ્યો. ત્યારે અલબત્ત આ બ્લોગ નહોતો અને પક્ષાપક્ષી વિના કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની સીડી (જે કોર્ટના પ્રતિબંધને લીધે વધુ જોવાઈ ! )  કે ભંવરી દેવી કાંડ અને ભાજપના વિધાનસભામાં બેસી પોર્ન જોતા (અને સંસ્કૃતિના નામે પશ્ચિમી વેલેન્ટાઈન્સ ડેને વખોડતા ) ધારા સભ્યો કે શાહલા મસૂદ મર્ડર પછી એના લફરામાં સંડોવાયેલ ધ્રુવ નારાયણ સિંહ કે તરુણ વિજયના નામો ય નહોતા ! પણ હળવાશથી લખેલો આ લેખ જુનો થયો નથી, અને દુનિયાના સૌથી પ્રાચીન અને પાયાના ‘ઇન્સ્ટિન્કટ’ સાથે જોડાયેલો હોઇને જુનો થશે ય નહિ ! 😉 😀

એક નેતાજીએ કોલગર્લ બોલાવી.

પરોઢ થતાં થાકીને લોથપોથ થયેલી કોલગર્લે કપડાં પહેરતા પૂછ્યું ‘નેતાજી, પૈસે ?’

ખડખડાટ હસતા નેતાજી કહે ‘પગલી, તુજ સે થોડે હી લૂંગા….!’

જૂના જમાનાની રાજકીય સભાઓમાં પોકારવા માટેના સૂત્રોની ભારે અછત વર્તાતી. ત્યારે નરેન્દ્ર મોદી જેવા વનલાઈનર માસ્ટર નેતાઓ નહોતા કે કેમ્પેઈન માટે એડ. એજન્સીઓની સહાય ન લેવાતી ત્યારે એકના એક ‘જબ તક સૂરજ ચાંદ રહેગા…’ ટાઈપના સૂત્રોચ્ચાર થતા પણ ઘણા વખતે એવું જ એક વીસરાતું જતું સ્લૉગન ચિલ્લાવા માટે ચંચળ ચિત્તડું થનગન થઈ રહ્યું છે. આ દેશના તમામ યુવાનોએ જયઘોષ સાથે એ ‘કોરસ’માં ઝીલવું જોઈએ. બોલો જોર લગા કે ‘દેશ કા નેતા કૈસા હો ?’….એન.ડી. તિવારી જૈસા હો !’

ઓળખ્યા ને ? ખરા અર્થમાં મહા‘પુરૂષ’ એવા આંધ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ નારાયણ દત્ત તિવારીજીને ! કોઈ આસુરી ચેનલે એમના ત્રણ યુવતીઓ સાથેના કિલપિંગ્સ બતાવ્યા પછી જેમણે રાજીનામું આપવું પડ્યું એ જ તિવારીજી ! (વયોવૃદ્ધ રાષ્ટ્રપ્રમુખ પ્રતિભાતાઈ પાટિલને એ રાજીનામું આપવા ગયા હશે, ત્યારે કેવો ગમ્મત ભરેલો સીન થયો હશે હેં ? તિવારીજીની માટે ‘ડિસ્ગસ્ટિંગ’ કહેવું કે ‘અમેઝિંગ’ ? હી હી હી !) તિવારીજી કંઈ ૮૫ વર્ષે બેકાર થઈ જશે એવું ન માનશો !

દેશી તો શું પરદેશી ઓરિજીનલ વાયગ્રાના એ ઓફિશ્યલ બ્રાન્ડ એમ્બેસેડર બની શકે તેમ છે ! સવિતાભાભી ડોટ કોમની માફક તિવારી ભૈયા ડોટ કોમની કાર્ટૂનપોર્ન સાઈટ શરૂ કરી આ ક્ષેત્રે પુરૂષોને થતો હડહડતો અન્યાય દૂર કરવાના ક્રૂઝેડર બની શકે તેમ છે ! અમિતાભ શું વળી ૬૭ વર્ષે ‘પા’ બનાવી દેશને ઈમોશનલ કરે, અમારા એન.ડી. તિવારી ખજૂરાહોમાં શૂટ કરશે ‘દા’- એક ઈન્ટરનેશનલ માર્કેટ માટેનું ઇરોટિક થ્રીલર ! જેમાં પ્રોજેરિયાવાળા ‘જેક’ (રોબિન વિલિયમ્સ)ને બદલે ‘ક્યુરિયસ કેસ ઓફ બેન્જામીન બટન’ (બ્રાડ પીટ)ની પ્રેરણા લેવાશે. ઉંમર વધતા નાયક જુવાન થતો જશે ! 😛

આ આજના કોર્પોરેટ રાજકારણમાં રંગીલાપણું રહ્યું છે જ ક્યાં ? લોકો ગરીબોના ઝૂંપડામાં જઈને જમવાની કે મતદાન પદ્ધતિના સુધારા જેવી બોરિંગ એક્ટિવિટિમાં પડી ગયા છે. ખરા રસિક એવા તિવારીબાપા કક્ષાના કડેધડે કહી શકાય એવા નેતાઓનો કોણ ભાવ પૂછે છે ? આ આજકાલની જંકફૂડ જનરેશન ! વેફર્સ, પેસ્ટ્રીઝ, કોલા ડ્રિન્કસથી પોતાનું સ્વાસ્થ્ય કેવું પાયમાલ કરી રહી છે !

જુઓને, ક્યાં આ માયકાંગલા જુવાનિયાઓ જે વેલેન્ટાઈસ ડેએ ગુલાબ દેતાંય થથરે છે, અને બેડરૂમમાં જતા પહેલા સાયકિયાટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેવી પડે છે ! અને ક્યાં અમારા એકમેવ સ્વનામધન્ય તિવારીબાપા ! જેમણે અસલના જમાનાના શુદ્ધ દેશી ઘી-દૂધ ખાધા હોય એવા લોંઠકા ભારાડી મરદ જ આમ ૮૫ વર્ષે જુવાની ફાટફાટ ટકાવી શકે. બચાકડા ટૂણિયાટ સૂકલકડી કેલેરી કોન્શ્યસ યુવાનોએ તો લાજશરમ જેવું કંઈ હોય તો કૂવો પૂરવો જોઈએ – આપઘાત ન કરી શકે તો છેવટે નસબંધી કરાવી લેવી જોઈએ ! 😀

તિવારીજીના તો સુંવાળા સંબંધો (વાહ કેવો રેશમી શબ્દ પ્રયોગ છે આ આપણી માતૃભાષાનો !)નો એવો મઘુમય ઈતિહાસ છે કે એમના અનૌરસ સંતાનો અંગેના અદાલતી દાવાઓ પણ થયા છે. પેલું મેનેજમેન્ટના નાટકીય સેમિનાર્સમાં શું કહેવાય છે ? મોટિવેશન ! તો દેશના નક્કામ નઘરોળ યુવાનો મોટીવેટ કરો પોતાની જાત ને – કામ ઐસા કિજીયે કિ બઢે આપ કી શાન, જીસ ગલી સે ભી ગુજરે બચ્ચેં બોલ કે દે આપ કો માન….યે આ ગયે અબ્બાજાન, અબ્બાજાન ! તિવારીજી જેવા નેતાઓ તો દેશને ખાતર જાત ઘસી નાખે છે, જ્યારે રાષ્ટ્રસેવા માટે સંપૂર્ણ સમર્પિત થવાનું હોય પછી પ્રત્યેક ‘અંગઉપાંગને ગમે તેટલો ઘસારો લાગે’, સેવા ખાતર એટલી કુરબાની તો આપવી જ પડે ને ! 😉

યુ નો ? ડોન્ટ લાફ, ઈટસ નોટ લસ્ટ, ઈટસ લવ. જસ્ટ થિંક. ૧૮ ઓક્ટોબર ૧૯૨૫ના રોજ જન્મેલા નારાયણદત્ત તિવારી જે ત્રણ હસીના, લલના, યૌવના, રૂપાંગનાઓ સાથે કથિત રૂપથી ઝડપાયા – એની કુલ ઉંમરનો સરવાળો પણ ૮૫ ન થાય ! જસ્ટ ઈમેજીન, તિવારી બાપા પૂછતા હશે એ યુવતીને ‘તારો બર્થ ડે તો કહે, વી શેલ સેલિબ્રેટ વિથ ડાર્ક ચોકલેટ કેક’ યુવતી શરમાતા શરમાતા કહેતી હશે ‘હું તો ૧૯૮૫ બોર્ન છું.’ એન્ડ તિવારી બાપા: ‘સી, ધ બ્યુટી ઓફ કનેકશન્સ ! મિરેકલ ઓફ ડેસ્ટિની ! આપણે મળવાનું હતું તો મળી જ ગયા ને સાઠ સાલ બાદ ! ઇસે કહેતે હૈ દિલને દિલ કો પુકારા…આજા મેરે યારા !’ 😀

ઘણી ખમ્મા તિવારીબાપાને ! તિવારીબાપા ઘણું જીવો ! જી-૧૫ દેશોની, મહાસત્તાઓની હરિફાઈમાં અંતે આપણો દેશ ટટ્ટાર ઊભો રહી શકે તેમ છે. અમેરિકાના કિલન્ટન, ઈટાલીના બર્લુસ્કોની, ફ્રાન્સના સારકોઝી તો અમારી પાસે ય યંગ એટ હાર્ટ, સિનિયર મોસ્ટ એવા નારાયણદત્ત તિવારી છે ! આમ પણ ત્રણ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી થનારા (પ્રેક્ટિકલી જેમની વિદાય પછી કોંગ્રેસે યુ.પી. ગુમાવ્યું !) તિવારીબાપા વન્સ અપોન અ ટાઈમ ભારતના ‘એકસ્ટર્નલ અફેર્સ’મિનિસ્ટર હતા ! (વિદેશખાતાનું આ કેવું રૂપકડું નામ છે, થરૂર સાહેબ !) ૧૯૮૦નાં દસકામાં જ્યારે યુ.પી.માં વીરબહાદુરસિંહ તિવારીજીના અનુગામી તરીકે મુખ્યમંત્રી બનેલા, ત્યારે એમણે મુખ્યમંત્રી નિવાસના પ્રત્યેક પલંગ, પ્રત્યેક સોફા ગંગાજળથી સાફ કરાવવાનું શુદ્ધિકરણ અભિયાન કરી એને ‘પવિત્ર’ કરેલા ! (વાઉં ! ઈન્ડિયન પોલિટિશ્યન્સ આર સો ફની બનીઝ, હની !) ઉત્તરાંચલ જેવા પહાડી સૌંદર્યથી છલોછલ રાજ્યમાં પૂરા ૫ વર્ષ પ્રથમ મુખ્યમંત્રી નારાયણદત્ત તિવારી જ હતા ! (હુસ્ન પહોંડા કા….અહા ! ‘રામ તેરી ગંગા મૈલી’ની મંદાકિની યાદ આવી ગઈ ! તિવારીબાપા માટે તો જીંદગી એકદમ મખ્ખન !) 🙂

અને કેવા રાષ્ટ્રવ્યાપી અફસોસની વાત છે કે માત્ર ૮૦૦ વૉટથી ૧૯૯૧ની લોકસભાની ચૂંટણી હારવાને કારણે એન.ડી. તિવારી રાજીવ ગાંધીની હત્યા પછી સ્હેજમાં વડાપ્રધાન બનતા રહી ગયા, અને ચૂંટણી જ ન લડીને (હારવામાંથી બચી ગયેલા) નરસિંહરાવ વડાપ્રધાન બની ગયા, ને લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઈઝેશન, ગ્લોબલાઈઝેશનનો જશ ખાટી ગયા ! નહિ તો આ ત્રણે શબ્દોને ખરા અર્થમાં જીવનમાં ગાંધીટોપીની સાથે જ ઉતારીને ચરિતાર્થ કરનારા તો તિવારીબાપા હતા ! હવે સમજાયું કે ગાંધીવાદી, રાષ્ટ્રવાદી નેતાઓ જૂની પેઢીમાં ધોતિયું કેમ પહેરતા હશે ! વૉટ અ કમ્ફર્ટ ! 😉

તિવારીબાપા, જરાય કોચવાતા નહિ. તમે તો આ રાષ્ટ્રના મોક્ષની રાહ જોઈ સ્મશાનમાં પગ લટકાવી બેઠેલા કબજીયાતથી પીડાતા, દાંતના ચોકઠાંથી અકળાતા અને સંધિવાથી પંગુ થઈ જતા ધુવડગંભીર વૃદ્ધો માટે પ્રેરણામૂર્તિ છો. એવું કહેવાય છે કે રૂપાળી, ચુસ્તતંદુરસ્ત, નવજવાન સેક્રેટરીના કર્વ્ઝ કરતા એના સ્પેલિંગ પર તમારૂં વઘુ ઘ્યાન જવા લાગે, ત્યારે તમારામાં બૂઢાપો આવ્યો છે – એમ માની લેવું ! તિવારીબાપા તો ‘હસીન જલ્વારેઝ હો, અદાયેં ફિતનાંખેજ હો….ઓ રાગ છેડ દિલરૂબા…અભી તો મૈં જવાન હૂં’ લલકારતા એવા નેતા છે, જેમના માટે પૂર્ણ શબ્દાર્થમાં ‘લોહ’ પુરૂષ શબ્દનો ઉપયોગ કરી શકાય ! આઘ્યાત્મિક બ્રહ્મચારીઓ ભલે ને વહેલા વહેલા હોસ્પિટલગ્રસ્ત કે સમાધિસ્થ થઈ જતા…એમ.એફ. હુસેન, સરદાર ખુશવંતસિંહ, નારાયણદત્ત તિવારી, દેવ આનંદ જેવા જવા મર્દ બૂઝૂર્ગોએ સિદ્ધ કરી બતાવ્યું છે કે સામાન્ય રીતે સ્ત્રી કરતા વહેલો ગુજરી જતો પુરૂષ દીર્ધાયુ કેવી રીતે બની શકે ! એ એન્ટીએજીંગ, લાંબા તંદુરસ્ત સાહિત્યનું ક્ષેત્ર હોય કે અભિનયનું, ચિત્રકળા હોય કે રાજકારણ – આ વાજીકરણ જેમને પ્રાપ્ત થયું એમનું કોષવિભાજન ધીમું થયું ! 😛

હા, ફક્ત સ્ત્રીઓ પાછળ જ ઘેલા થઈને દોડનારા તો વહેલા ખપી જતાં હોય છે. પણ આ બધા તો એવા યુગ ‘પુરૂષો’ છે કે જે સ્ત્રીઓને પોતાની પાછળ દોડતી રાખે ! એમની મૂળ પ્રવૃત્તિને (પેઇન્ટિંગ હોય કે પોલિટિક્સ) ઉની આંચ પણ આ લોકો આવવા દેતા નથી, વૃત્તિઓને રિલેકશન, મનોરંજન, મૂડ એલીવેટર તરીકે સ્પોર્ટમાં રાખે છે ! સલમાન રશદીથી ફારૂક અબ્દુલા લાલ ટમેટાં જેવા દેખાય છે, એ ચિરયૌવનનું રહસ્ય શું છે ? એ ક્યાં યોગસાધના કરે છે ? એ તો ભોગસાધના કરે છે ! બોલીવૂડ મસલમેન અક્ષયકુમાર કે સલમાનખાને બ્રહ્મચર્યવ્રતનો વહેલો ત્યાગ કરેલો, તો શું એમનો દેહ જર્જરિત કે રોગગ્રસ્ત થયો ? કે મજબૂત, સુગઠિત થયો ? ઇનફેકટ, ઘણી વખત શોર્ટ ટર્મ, ટાઈમ પાસ અફેરના એક્સાઈટમેન્ટથી સાવ મોનોટોનસ અને પ્રેડિકટેબલ બનેલું દાંપત્યજીવન વઘુ ખુશહાલ, રોમાંચક, આકર્ષક બની શકે છે. ક્યારેક થોડો સમય બહાર પછી ઘરનું ભોજન કેવું ટેસ્ટી લાગી શકે ! અને એમાં નવી વાનગીઓ ઉમેરી શકાય !

* * *

ઉપ્સ ! આ તો ભારત છે. જ્યાં એક પણ ઇશ્વર સુદ્ધાં બ્રહ્મચારી નથી, એવી પવિત્ર પૂણ્યભૂમિ છે ત્યાં આવી વાતો મજાકમાં કરો તો ય પબ્લિક આધાશીશી થઇ હોય એટલી સિરિયસ થઈ જાય છે. અને કમાલની વાત એ છે કે તિવારી જેવા સ્કેન્ડલ્સ બહાર આવે ત્યારે લોકોમાં જે રોષ હોય છે, એ ઈર્ષાનો હોય છે ! (તમે લઈ ગયા, અમે રહી ગયા !)

સિમ્પલ સી બાત હૈ. રાજકારણ કે સમાજકારણ, ક્રિકેટ કે લિટરેચર. પરફોર્મન્સ (મીન્સ, કારકિર્દીવાળું) પર અસર ન થાય, ત્યાં સુધી પર્સનલ લાઈફની ખણખોદ કરવાનો દુનિયાનો હક મળતો નથી. રંગીલા એન.ડી.ટી. ભારતના સક્ષમ નેતાઓમાંના એક જ અત્યાર સુધી ગણાયા છે, અને ભણવામાં આઝાદી પહેલા યુનિવર્સિટી ટોપર રહ્યા છે. લાઠીઓ ખાઈને જેલભેગા પણ થયા છે. (ના, બળાત્કાર માટે નહિ બાપલા….આઝાદીની લડત માટે !) કરપ્શન ખાતર કોર્લગર્લનું રેકેટ ચાલતું હોય તેની જરૂર તપાસ થવી જોઈએ. (આ ચરિત્રવાન દેશમાં એવી તપાસ ક્યાં કદી થાય જ છે ?) પણ માણસમાત્રને પોતાની પસંદગીની મોજમસ્તીનો અધિકાર છે. એની સાથે જોડાયેલા નિકટજનો સિવાય એ કોઈને જવાબ દેવા મજબૂર ન હોઈ શકે. આ લખાય છે ત્યારે જ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાનો એક આવકાર્ય અને શકવર્તી ચૂકાદો આવ્યો છે.

કોઈ યુવતી પોતાની મરજીથી, પ્રેમ કે આનંદ ખાતર કૌમાર્ય ગુમાવે (સ્વેચ્છાથી શરીર સંબંધો બાંધે) તો એ પુરૂષ પર બળાત્કારનો (સ્ત્રીઓ માટે સગવડિયો) ગુનો ન નોંધી શકાય ! સુપ્રીમ કોર્ટની જ નહિ, ટોચના આઈ.પી.એસ. ઓફિસર્સની ગાઈડલાઈન્સ મુજબ તો પોલિસ પ્રેમીપંખીડાઓને પણ ધોંસ જમાવીને પકડી ન શકે ! અરે, જાહેરમાં ચુંબન કરતા રોકી ન શકે ! (પ્યાર બેસુમાર દર્શાવવાનો અધિકાર આ દેશમાં માત્ર ‘ગે’ લોકોને જ નથી ! દરેકને છે !)

બસ, આ જ પ્રોબ્લેમ છે. સમરથ કો નહી દોષ, ગુંસાઈ, રૂચિકાકાંડ ફેમ રાઠોડ કે જયપુરના ટંડન જેવા ખુલ્લેઆમ ફરતા હોય, ત્યારે કોન્સ્ટેબલ એકાંત શોધતા કોઈ કોલેજીયન પાસેથી હપ્તો ઉઘરાવતો હોય છે. બોયફ્રેન્ડ-ગર્લફ્રેંન્ડ ‘કન્સેન્ટ’ યાને પરસ્પરની સંમતિથી પ્રેમાલાપ કરતા હોય છે. બળજબીરીથી થનારા ગુનાઓ અંગે મૌન રહેતું તંત્ર તેમના પર તૂટી પડીને મોરાલિટીના ઝંડા ફરકાવે છે. યૌવનનો ગુનો સેક્સ નથી. યૌવનનો ગુનો એટલો જ છે કે એમની પાસે સર્કિટ હાઉસ, ફાર્મહાઉસ આશ્રમો કે રાજભવન નથી ! અને નિખાલસ રંગીનમિજાજીને જાહેરમાં ધિક્કારી ખાનગીમાં જલન અનુભવતો અઘૂરિયો સમાજ પરાણે સેલિબ્રિટિઝીને દંભી બનાવે છે. તિવારી જેવા કબૂલાત કરે, તો એમના જેવા જ ન પકડાયેલા લોકો એમને વખાણવાને બદલે વખોડે ! માટે બાંધી મુઠ્ઠી લાખની ! પ્રવચનમાં મોહનદાસ ગાંધી, શયનખંડમાં મુરલીધર મોહન ?! આ નેતાઓની જમાતમાં તિવારી નથી પહેલા, નથી છેલ્લા ! બસ બિચારા છીંડે ચડેલા ચોર છે. અને એટલે જ આજના ભારતમાં પણ કરિઅર કોઈ પણ પસંદ કરે, મંઝિલ બધાની એક જ હોય છે – વી.આઈ.પી. બની જવાની ! 😛

ઝિંગ થિંગ (નવું) :

ભારતના રાષ્ટ્ર ‘પતિ’ બનવા માટે એનડીટી થી વધુ લાયક મુરતિયો કોણ હોઈ શકે ? lolzzz 😉 🙂

# ‘રોંચી’ ગણાતા ગીતો તો ભારતની પુરાતન સંસ્કૃતિનો અભિન્ન આનંદદાયક હિસ્સો ગણાય છે. તિવારીબાપાનું યું.પી. તો એના માટે ખ્યાતનામ છે. ‘મુન્ની બદનામ’વાળી મમતા શર્માના મદમસ્ત કંઠને પૂરબહારમાં ઝીલતા આવા જ એક ઉત્તરપ્રદેશના લોકગીત પરથી બનેલા ‘રક્તબીજ’ ફિલ્મના આ તાજા નખરાળા-ભમરાળા ગીતથી એન.ડી.ટી.થી ધ્રુવનારાયણ આણી મંડળીને અર્ધ્ય આપીએ ! ખીખીખી 😉

 
49 Comments

Posted by on June 1, 2012 in fun, india

 
 
%d bloggers like this: