RSS

Daily Archives: May 16, 2012

દસ વરસ : ૨

દસ વરસ : ૧નો તો અધધધ પ્યારભર્યો પ્રતિસાદ તમે બધાએપાઠવ્યો…દિલ સે થેન્ક્સ. જો કે, આ તો મારી દિમાગી ડાયરીના થોડા પાના છે, બધાને રસ ના યે પડે…એટલે રસ લેવા માટે ડબલ થેન્ક્સ.

ઘેર મમ્મીને તો ઠીક અમને ય સંતોષ થાય એવો સાધુ ક્યાંથી ગોતવો ?

કોઈ ધારાવાહિક નવલકથાના હપ્તાની જેમ છેલ્લે અહીં અટક્યા હતા. વેલ, સ્મરણો મારાં હોવાથી કંઈ બીજા માટે એટલા જ મહત્વના કે રસપ્રદ બની જતા નથી. એટલે એક વર્ષોની આદતવશ સહજ પ્રયાસ એટલો થયો કે અટકું એવી રીતે કે થોડીક નીરસતા ઘટે. પણ વાત ગમે તેટલી નાટ્યાત્મક લાગે ને હું ભલે લેખક હોઉં…અહીં કશું ય મોણ નાખીને બિલકુલ લખતો નથી. પહેલા જ ચોખવટ કરી કે આ લખવાનો કોઈ એજેન્ડા નથી. જીવનમાં ભરપૂર ડ્રામા છુપાયેલો છે, એ હું ફક્ત માનતો જ નથી, અનુભવું પણ છું. એટલે આશ્ચર્યપ્રેરક ઘટનાઓ પણ જેમ બની છે એમ જ લખું છું. ઉલટું બહેલાવવાને બદલે ટૂંકમા પતાવું છું, અત્યારે.

એવામાં યાદ આવ્યું કે શાળાનો સહપાઠી અને લાગણીશીલ મિત્ર કેતન શેઠ ( એણે ય થોડા સમય પહેલા જ ત્યારે એના મમ્મી ગુમાવેલા !) વચ્ચે એક જૈન મહારાજસાહેબને મળવા લઇ ગયેલો. સૌમ્ય. યુવાન. કરુણામાય આંખો, ભાવનીતરતો અવાજ, મૂંહપત્તીની પેલે પર પણ અહેસાસ થાય એવું સ્મિત. અને વિશેષ મને ત્યારે ગમેલી બાબત બે. એમના વ્યાખ્યાનમા ધાર્મિક વાતો જ હતી , પણ વિદ્વત્તાપૂર્ણ વાંચનથી છલોછલ. અને સ્વભાવમાં ઘણા જૈન ધર્મગુરુઓમાં આજે ય જોવા નથી મળતી એવી મોકળાશ ! પહેલી જ મુલાકાતમાં મેં મારાં સિનેમાશોખ અને પ્રેમ અંગેના થોડા ક્રાંતિકારી લાગે એવા અભિગમ વિષે એમને કહ્યું હતું. ધારણાથી વિપરીત એમને કોઈ જ નકારાત્મક પ્રતિસાદ આપ્યો નહોતો. બસ પછી તો મમ્મીને કેન્સર ડિટેકટ થયા બાદ નોકરીએ એક દિવસ ગયો નહિ , તો અહીં જવાનું ક્યાંથી આવે?

કેતનને પૂછી ઉપાડ્યો એ વખતે જ્યાં એ નમ્રમુનિ મહારાજસાહેબ હતા ત્યાં. એમણે એમના સુવાનો સમય હોઈ અંદર હોવા છતાં મારી વિનંતીથી અંદર આવવા દીધો. મેં ટૂંકમા પરિસ્થિતિ કહી વિનંતી કરી. મહારાજસાહેબે કહ્યું. ભલે. કાલે વહેલી સવારે મને અહીં તેડવા આવજો. આપણે બંને ચાલીને તમારા ઘેર જશું. સવારે હાજર થયો. એ તૈયાર હતા. અમે ઘેર આવ્યા. એમણે રસથી મારાં પુસ્તકો જોયા. મમ્મીની પથારી પાસે બેઠાં બેઠાં એમણે થોડી વાતો કરી. મમ્મીએ વંદન કર્યા. એમને નવકારમંત્ર સંભળાવ્યો. બહાર નીકળીને મને કહ્યું “મારા જ્ઞાન મુજબ બચે એવું લાગતું નથી. નહિ તો ચોક્કસ એવા આશીર્વાદ આપત. પરંતુ સાત્વિક જીવ જશે સાત્વિક રીતે. આપણે ફરી મળીશું.” મારાં મામાની વિનંતીથી એમની ઘેર પણ એ ગયા. બે’ક કલાક રોકાયા.

બાય ધ વે, છેલ્લા દસ વરસમાં નમ્રમુનિ બેહદ લોકપ્રિય અને પ્રભાવશાળી એવું રાષ્ટ્રીય વ્યક્તિત્વ બની ગયા છે. બેસુમાર પ્રવૃત્તિઓ, વ્યાખ્યાનો, અને એમનો પેલો સર્વસમાવેશક મોકળાશવાળો સ્વભાવ  એમણે છોડ્યો નથી. જીવનના અનેક તબક્કે હું એમણે મળ્યો છું. જૈન-અજૈનના ભેદ વિના અમે આજે ઘણી વાર સાવ એકલા બેસી વાતો કરીએ છીએ. મારા તમામ વિચારો અને જીવનપ્રવાહથી એ સુપેરે પરિચિત છે. એમના આશિષ અને માર્ગદર્શન મળતા રહ્યા છે. એ મને પ્રેમ ઉપર (જી હા, પ્રેમ ઉપર ) પ્રવચન આપવા ય બોલાવે અને હું ય જ્યાં હોય ત્યાં એમને ખાસ મળતો મળતો રહું. રાજકોટ, કોલકાત્તા,મુંબઈ… છેલ્લે હૈદરાબાદ પણ એમણે મળ્યો બ્લ્યુ જીન્સ, ટીશર્ટમા અને મ્યુઝિયમ જોવા એમની સભામાંથી આજ્ઞા લઈને ગયો ત્યારે કેટલાક ભક્તો અજાયબ નજરે મારી સામું જોતા હતા. એમની સામાન્ય તર્કમાં ગળે ના ઉતરે એવી એકથી વધુ ઘટનાઓ / શક્તિઓનો મેં જાતઅનુભવ પણ કરેલો છે. સાવ સાહજીક રીતે. એમના વિષે વધુ ક્યારેક ફુરસદે.

પણ મમ્મી ગુજરી ગયાની આગલી સાંજે, ગોંડલથી વિહાર કરી ગયેલા નમ્રમુનિ મહારાજસાહેબે અચાનક જ મોકલેલી એક ચિઠ્ઠી લઇ એક ગ્રામ્યજન આવેલા એ મેં હજુ સાચવી છે. માતા પરના લેખના વખાણ સાથે એમાં સાંત્વનાના શબ્દો આગોતરા હતા !

***

એ લેખ.

મારી લેખનકારકિર્દીનું સ્વાનસોંગ ગણાય એવો એ લેખ. જાણે વિધાતાએ એ લેખથી જ લલાટે લોકપ્રિયતા લખવાનું નક્કી કર્યું હશે ! અને કેવી આકરી કિંમતે ! એ લેખ પાછળની ઘટના જો રિવર્સ થાય તો હું આ તમામ પ્રસિદ્ધિ પાછી આપી દઉં. પણ નીયતિની બાજીમા ખેલાડી બે હોય , તો ય રમનાર એક જ છે. ડેસ્ટીની. મારો ૧૨ મેના મધર્સ ડે પર છપાયેલા ૨૦૦૨ના લેખના મને એ જ દિવસે સાદા લેન્ડલાઈન ફોન પર જેટલા પ્રતિભાવો ચંદ કલાકો મળ્યા છે , એટલા આજે ૨૦૧૨માં મોબાઈલ મેસેજીઝ કે ફેસબુક કોમેન્ટસથી પણ ફીડબેક આવ્યા નથી ! મારા અસંખ્ય આજ દિન સુધીના વાચકોએ મને નિયમિત વાંચવાનો ત્યારથી જ ચાલુ કર્યો છે. મારાથી થોડા મહિના પહેલા જ મા ગુમાવનાર વયસ્ક મિત્ર પ્રગ્નેશ મહેતા સાથે ૨૦૦૩માં આબુ ગયો તો હોટેલ રિસેપ્શનિસ્ટે કહ્યું “મેં એક જ ગુજરાતી લેખ વાંચ્યો છે, તમે એના લેખકને ઓળખો?’ ને એનું કટિંગ કાઢી બતાવ્યું ને મેં ય નવાઈથી કહ્યું, એ હું જ છું ! હજુ યે એક મહિનો એવો જતો નથી જેમાં પત્ર કે રૂબરૂ મુલાકાતમાં કોઈને કોઈ વાચકે મને એ લેખ યાદ ના કરાવ્યો હોય ! એક આખો કોથળો ભરાય એટલા પત્રો મારી પાસે એના સચવાયેલા છે ! (મેં અત્યાર સુધી એ જાણી જોઈ ક્યાંય છપાવ્યો નહોતો, પણ હવે આ દસકાને અંજલિ માટે જે માતા-પિતા પરનું પુસ્તક કરું છું એમાં આવશે, ટૂંક સમયમા જ ઇન્શાલ્લાહ)

પણ એ લખાયો કેવી રીતે? એક બે નિયમિત સંપર્કમાં ફોનથી રહેતા મિત્રોને હું અફસોસ પ્રગટ કરતો કે મમ્મીની હાલત બગડતી જાય છે, અને એમણે તો મને પ્રેમમાં નવડાવી જ દીધેલો, પણ એમની બિમારી પછી હું એમની બહુ કાળજી લેવા લાગ્યો ત્યારે એમણે એક અમારા જુના પડોશી કમળામાસીને કહેલું કે મને ખબર જ નહિ, જયને મારા માટે આટલું ખેંચાણ હશે ! મારા મોટા મામાએ આવા સંજોગો માં થાય એવી રીતે મને તાકીદે પરણાવવાની વાત કરી ત્યારે હું સુતો હતો, પણ જાગતો હતો એ એ બેઉને ખબર નહોતી. મમ્મીએ કહેલું ‘ એમ જયને હું બીમાર છું એટલે  દબાણ કરી મારે પરણાવવો નથી. એણે ગમતી કોઈ પરી મળે ત્યારે એ ભલે પરણતો. પછી અમે બંને (મમ્મી –પપ્પા) સાથે રહી એના સંસારમાં અડચણ નહિ બનીએ. હિમાલય રહેવા જતા રહીશું.’

એમના આવા વાત્સલ્ય સામે મેં શું કરેલું? એ વર્ષોમાં હું દોડધામમાં નોકરીની , પપ્પાનું પેન્શન આવતું નહોતું, ઘર મારા પગાર પર જ ચાલે.  એમમાં છણકા ઘેર વધુ થતા. મમ્મી ખીજાઈને ને હું કંટાળીને ચુપ થતો. પછી તો મેં ય બહુ વાર લખ્યું-કહ્યું છે. ચીજો ગુમાવવાની થાય ત્યારે એનું મૂલ્ય વધી જતું હોય છે ! (પપ્પાની ય છેલ્લા વરસેકથી કાળજી વધુ લેવા પ્રયાસ કરું છું, ને એમની સાથે વધુ ના રહેવાય ત્યારે મને બહુ કચવાટ થાય છે, ભલે ઘેર કામ કંઈ ના હોય !)મમ્મીના નિધન બાદ વર્ષો પછી રજનીશના એક પુસ્તકમાં વાંચ્યું : વ્હાલી વ્યક્તિના મૃત્યુ બાદ દુઃખ એની વિદાય કરતા વધુ એમના માટે / એમની સાથે શું રહી ગયું એનું હોય છે ! કેવડું મોટું સત્ય !

ત્યારે ઘેર સુવા ભૂપત / ચેતન વારાફરતી આવતા. પપ્પા-મામા-મામી-દીપ તો હોય જ. ગૌરવ-મારી મુખ્ય ડ્યુટી. એમાં ફોન પર ત્યારે જેની સાથે ખૂબ ચર્ચા કરતો (અને છેલ્લા દસકામાં મારા ઈમોશનલ અને એના પ્રોફેશનલ એટીટ્યુડનો મેળ ના આવતા સાથ જ નહિ, મારું એક મેં જ સીંચીને સર્જેલું સ્વપ્ન પણ છૂટી ગયું ) એવા એક રાજકોટના  મિત્રે વાતવાતમાં કહ્યું કે તું આ મમ્મીને લખીને દઈ દે, બહુ બોલી શકતું ના હોય તો. મમ્મીની હાલત તો પછી વધુ કથળતી ગઈ. એમાં ઝબકારો થયો..મમ્મીને એક ગિફ્ટ આપું તો? એમના પર એક લેખ લખું, જેમાં એમણે મારા માટે શું કર્યું, મારા ઘડતર અને આનંદ માટે કેવો આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક ભોગ આપ્યો એ લખું તો? એમણે સવારે હાથમાં છાપું લઇ ટેવ મુજબ મારી કોલમ વાંચવા રવિપૂર્તિનું ૭મું પાનું ઉઘડે તો કેવું સરપ્રાઈઝ થાય, કદાચ જીજીવિષા જાગે. હું ય બધું એમાં વ્યક્ત કરી હળવો થઇ જાઉં !

મેં ‘ગુજરાત સમાચાર’માં મારા આત્મીય અંગત સ્વજન જેવા નિર્મમભાઈ શાહને વાત કરી. (શ્રેયાંસભાઈના અમેરિકા ભણી હવે વર્ષોથી અહીં સેટ થઇ ચુકેલા આ મોટા પુત્ર બેહદ ઉમદા ઇન્સાન છે. પણ એમના વધુ વખાણ કરીશ તો એ ભલે ગમે તેવા બોલ્ડ લેખ માટે મને કશું ના કહે , આ બાબતે મને ખીજાય એટલા રિયલી લો પ્રોફાઈલ છે ! ) એમણે કહ્યું આ એક વિશ છે , મૃત્યુના બિછાને પડેલી માના તર્પણ માટે. એમણે ગળગળા અવાજે ફોનમાં કહ્યું, ‘જે લખવું હોય તે લખો’ સ્નેહાળ સંપાદક રમણિકભાઈ પંડ્યાને કહ્યું ‘ફોટા ય જયની મમ્મીના લેજો’

અને હું લખવા બેઠો. મમ્મીની હાલત વધુ ખરાબ હતી. હું અંગૂરની છાલ દાંતેથી કાઢી એનો પોચો ગર એમના મોઢામાં મુકતો જતો. ગૌરવ થોડુંક નાળિયેર ગ્લુકોઝનું પાણી બનાવતો. એ આખી રાત આ કરતા, એમના ઝાડા વગેરે સાફ કરતા એમની પથારીની બાજુમાં બેસીને મેં ટુડે ટુડે સવાર સુધીમાં આ લેખ લખ્યો. ત્યારે રાજકોટ પત્રકાર વિરલ વસાવડા એનું પ્રૂફ રીડિંગ કરતો , એનો ફોન આવ્યો – એણે એ બહુ ગમેલો. પણ એ લેખ મેં કોઈ સંદર્ભ કે ગોઠવણી વિના મમ્મીના બિછાને એની સારવારમાં જ લખેલો. હા, એટલું ધ્યાન રાખેલું કે એમાં ક્યાંય વચ્ચે હું કે મારી ફિલસુફી ના આવે. બસ એક બયાન જ આવે., જે દરેક સંતાન દરેક માતાને પ્રેરણારૂપ બને. કોલમ મારી પર્સનલ સ્પેસ ખરી પણ, લાખો વાચકો વાંચતા હોય ત્યારે મોરલી હું એને પ્રાઇવેટ સ્પેસ બનાવી ના શકું. મારી મમ્મીની જ વાત વંચાવવા વાચકનો વખત બરબાદ કરવાનો મને હક નથી. એટલે આ એક અપવાદ સિવાય મેં કોલમમાં આટલી હદે અંગત-વ્યક્તિગત કશું લખ્યું નથી.

મમ્મીની જાન્યુઆરીથી જેની છાયા અમારા પર ફરી વળી એ બીમારી બાદ પણ એ મારા લેખો વાંચતી. એની બિમારીમાં ય મારા લેખ ચાલુ જ હતા. ના લખું તો એણે એબ્નોર્મલ લાગે. જો કે એમાં મૃત્યુ, માંદગી જેવા વિષયો પ્રવેશી જતા એ વાંચતી ય ખરી. પણ આ વિચાર આવ્યો ત્યારે મોડું થઇ ગયું હતું. ૧૨ મે, ૨૦૦૨ની સવારે એમના ફોટા સહિત છપાયેલા એ લેખને ટેવ મુજબ પપ્પાએ જ પહેલા છાપું હાથમાં લઇ મમ્મીને બતાવ્યો. ત્યારે એની હાલત બહુ જ નબળી હતી. એણે ટગર ટગર ફોટો જોયો. લેખ જોયો. પણ કણસીને પડખું ફેરવી ગઈ. અમે વાંચી સંભળાવવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. એણે બહુ ગમતું અને જયારે અમે સંભાળવીએ ત્યારે પથારીમાંથી રિસ્પોન્સ આપે એ ‘જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ’ ગીત પણ મુક્યું. આ વખતે એમાં ય એણે મોં ફેરવી લીધું. એની તબિયત ખરાબ હતી. અંતે આ હેરાનગતિ અમે પડતી મૂકી , એને બહુ ખ્યાલ પણ રહેતો નહોતો.

જે લેખ આટલા બધા વાચકો સુધી પહોંચ્યો, એમના દિલમાં વસ્યો…એનો મૂળ હેતુ અધુરો જ રહ્યો. મારે મમ્મીને એના માધ્યમે કહેવું હતું. ‘આઈ લવ યુ. થેંક યુ’. એ સમજી શકે એવી સ્થિતિમાં નહોતી. વાચકોના ફોનનો ધોધ વરસ્યો એમાં મેં કહ્યું દુઆ કરો…ખબર નહિ, એમના છૂટી જવા માટે કદાચ લેખ વાંચી વધુ પ્રાર્થના થઇ હશે – રાત્રે કેટલાક સીમટોમ્સ મેં નિત્યક્રમ મુજબ ડૉ. ચિરાગને કહ્યા. સતત અમને મુશ્કેલીમાં માર્ગ બતાવતા, ફાઈટ આપતા, દરેક દુખાવાનો ઈલાજ શોધતા  – પોતાના પુત્રજન્મના સમયે પણ અમારી ટ્રીટમેન્ટ માટે હાજર થતા એ દોસ્તે આ વખતે કહ્યું – જય, બી પ્રિપેર્ડ. હવે શાંતિ, કોઈ મેડિકલ રોલ રહેતો નથી.

બીજે દિવસે બપોરે મમ્મીએ અંતિમ શ્વાસ લીધા. મોત એમને ધીમે ધીમે આગોતરી નોટીસ આપીને આવ્યું, એટલે કદાચ સહેવાયું. જો કે, ત્યારે બેહોશી છવાઈ ગયેલી, સંબંધીઓ, મારા ગામ જ રહેતા માસા-માસીના આવ્યા પછી, એમને મેનેજમેન્ટ હાથમાં લેતા આવવા લાગેલા. ગૌરવે આવી મને જરાક ખેંચી ઢંઢોળ્યો . ધીરે ધીરે તંદ્રામાંથી ભાનમાં હું સ્વસ્થ થયો, આ ઘટનાક્રમ જેને અનુભવ્યો છે- એ બધા માટે એકસરખો જ છે. એક નવીનવાઈનું આવું દુઃખ મને જ પડ્યું છે, એવું નથી.

સ્થાનિક મિત્રોએ ‘ગુજરાત સમાચાર’માં છેલ્લા પાને ઓલ એડિશન જાહેરખબર આપી. હું તો બહુ નિર્ણયો લેતો નહિ. અગાઉ સ્મશાને ભાગ્યે જ જતો. સ્થાનિક મિત્રો ઘણા આવ્યા. બહારથી સંબંધીઓ બધા આવ્યા. એક પહેલેથી જ મારા મમ્મીને ઓછી અક્કલનો લાગતો એક વેપારી મિત્ર મમ્મીએ એને મળવાની ઈચ્છા પ્રગટ કરી હોવા છતાં, એક જ ગામમાં હોવા છતાં ટ્રેડિંગમાં વ્યસ્ત હોઈને આવી ના શક્યો. પછી આવતા મારા સ્વભાવ મુજબ મેં એનો મોં પર જ ઉધડો લીધો. એ સંબંધ પૂર્વવત – એઝ ઇટ ઇઝ થયો નહિ. કેટલાય પાડોશીઓ મમ્મીને ઓળખતા, મને તો એમના નામે ય નહોતી ખબર ! એ લોકો આવીને કહેતા જયશ્રીબહેન (મૂળ નામ જયા ) તમારી રાહ જોઈ રોજ કલાકો બહાર બેસતા ત્યારે અમારે વાતો થતી., (આજે ય મારી શેરીના બધા જ બાળકો પપ્પાને ઓળખે છે !)

લેખને લીધે આશ્વાસન આપવા આવનારા ખૂબ વધી ગયા. એક જ વાતોનો પુનરુચ્ચાર. થોડું યંત્રવત થઇ જાય. કોલેજ પ્રિન્સિપાલ તો હજુ હું રજા પર જ હોઇને હતો જ. બધાને માટે એક પ્રાર્થનાસભા રાખી. એને ગુલાબના ફૂલ બહુ ગમતા. એ ત્યાં રાખ્યા ફોટા પાસે. ઇન્સ્ટ્રુમેન્ટલ એને ગમતા ગીતો. એણે છેલ્લો મારા માટે લીધો હતો એ ઓરેન્જ શર્ટ અને એનું ફેવરિટ બોટલ ગ્રીન જીન્સ પહેરીને જ હું બેઠેલો. રંગીન કપડામાં. અનાથ ગરીબ-બાળકો જમાડવા ને ચણ નાખવા સિવાય બીજા કોઈ વિધિવિધાન કર્યા નહોતા. ત્યાં મેં એક બોર્ડ મુકેલું. એમાં એક એવી વાતનો જવાબ ફેસબુક સ્ટેટસની માફક લખેલો , જે છેલ્લા દિવસોમાં હું સાંભળી સાંભળીને રીતસર ત્રાસી ગયેલો…એક જાહેર ખુલાસો હતો એમાં…

બધા જ કહેતા ‘જયે દીકરા તરીકેની ફરજ ભારે નિભાવી ભાઈ..’ અને મને ચીડ ચડતી. શું ફરજ? જે માએ મને ૨૮ વરસનો કર્યો એને મેં ૨૮ અઠવાડિયા ય ક્યાં સાચવી હતી? હું ખાસ્સો મોટો થયો ત્યાં સુધી એ મને અરીઠાંથી માથું ધોઈ આપતી કે વાંસો ઘસી દેતી. એને મેં થોડા દિવસો નવડાવી કે મળમૂત્ર સાફ કર્યા એમાં શું એવું તો પરાક્રમ કરી નાખેલું? હજુ તો કેટલું ય કરવાનું હતું એ ના થઇ શક્યું..ઘણી જગ્યાએ મારી ભૂલોને લીધે હું ઉણો ઉતર્યો…

માટે મેં એ બોર્ડમાં લખ્યું : અમે જે કંઈ કર્યું એ પ્રેમ હતો, ફરજ નહિ ! ફરજ ખાતર તો કોઈ ગમે તેટલી સત્તા ને સંપત્તિના જોરે ય મને ઝુકાવી ના શકે એવો હું ઢીઠ વિદ્રોહી છું. પણ પ્રેમ ખાતર ગમે તે જતું કરી દઉં. એક ફીલિંગ, એક બોન્ડિંગ હતું માટે આ થયું, કર્યું… અત્યારે અહીં લખવા માટે કે ત્યારે જગતની વાહવાહી લૂંટવા નહિ! કોઈ મેલોડ્રામા નહિ, એટલે જ આ બધું હજુ સુધી મેં લખ્યું જ નહોતું. જસ્ટ લવ. ઘણા મિત્રોએ આ વાંચીને એટલા જ પ્રેમથી મારાં વખાણ કર્યા છે. આપણો પ્રેમ સર- આંખો પર..પણ મારાં મમ્મી -પપ્પાએ મારે માટે જે કઈ કર્યું છે, એનું ઋણ હું ચૂકવી શકું એમ જ નથી. સેવા તો ઓછી જ કરી શક્યો છું , બેઉની પણ ગમે તેટલી કરું તો યે.

અને મૌન પ્રેમ સમજી શકે એ જ તો મમ્મી હોય છે. બહુ ઓછા મિત્રો સાથે ય એ લેવલ આવતું હોય છે. મેલ ફ્રેન્ડ્સ એપાર્ટ, મમ્મી પછી સ્ત્રીઓમાં મારી એક જ મિત્ર એવી છે, જે વગર કહ્યે આસાનીથી મને વાંચી શકે. મહિનાઓ સુધી એક અક્ષરની યે વાત ના થઇ હોય તો યે ! સદનસીબે એ ય હમણાં ક્યુટ બોયની હેલ્ધી મધર બની છે. સી, ધેટ્સ લાઈફ. ક્યાંક માતૃત્વનો વિલય થતો હોય..ક્યાંક એનો ઉદ્ભવ થતો હોય….પર્સન લિવ એન્ડ ડાઈ, લાઈફ ગોઝ ઓન…કોઈક છૂટે, કોઈક મળે..કોઈક સમજે, કોઈક ના સમજે…રોજ તમે ને હું બધા આમ જ મૃત્યુ ભણી સરકતા રહીએ છીએ…ગેલ ગમ્મત કરતા રહીએ એટલો સમય આ ગમગીન વાસ્તવિકતા ભૂલાઈ જાય ને એ એક જ જવાબ આપણા હાથમાં છે : જોય એન્ડ કરેજ. હોપ ફોર હેપીનેસ. બાકી તમામ ચાવીઓ કુદરત, ભગવાન જે કહો તે એની પાસે છે. તમે આસ્તિક હો યા નાસ્તિક – અસ્તિત્વનું અંતિમ સત્ય આ જ છે : જીવન, પ્રેમ, આનંદ, સંઘર્ષ, મૃત્યુ.

મૃત્યુ વિષે લાંબુ અને અર્થહીન ડહાપણ ડહોળવાનો અત્યારે કોઈ ઈરાદો નથી. ભલભલી વિભૂતિઓ ય એની પીડામાં જાતને જ આશ્વાસન આપતી હોય એવું ચિંતન કરે છે. પણ વેદના તો એની વિકરાળ હોય જ છે, વિખૂટાં પડી જવાની. પણ મને એક તારણ જડ્યું એ શેર કરી દઉં : રોગ અને મૃત્યુ વચ્ચે દેખાય છે, એટલો સીધો સંબંધ નથી. મોત અકળ છે, એટલું જ અવિચળ છે. રોગ નિમિત્ત બને કે ના બને. આ લખું છું ત્યારે જ નેપાળ પ્લેન ક્રેશમાં બેબી સચદેવ સહિત કેટલાક પરિવારો સાફ થયાના સમાચાર આવ્યા છે. એ ક્યાં રોગી હતા ? સાવ અચાનક જ ગયા ! મમ્મીનો કેસ લઇ ગોંડલના જે સેવાભાવી ડૉ. સી, આર, પંડ્યાને બતાવવા ગયેલો, એ મમ્મી પહેલા ગુજરી ગયેલા !

***

પહેલા અમે ભાડાના એક જ રૂમના ( જી હા બેડરૂમથી ડ્રોઈંગ રૂમ જે ગણો તે એજ રૂમ ને ચાર ઘર વચ્ચે કોમન ટોયલેટ –બાથરૂમ!) મકાનમાં વર્ષો સુધી રહ્યા. એટલે સાથે જ સુવાની ટેવ ત્રણેયની. થોડા દિવસો બે જ જણ છીએ એ સમજી સુવામાં એડજસ્ટ થવામાં લાગ્યા. ચંદ્રકાંત બક્ષી- કાંતિ ભટ્ટના ફોન આવ્યા. ૧૬ વર્ષથી હું કોલમ લખું છું, પણ મારાં તરફથી ગમે તેવી હાલત હોય, દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, માંડો હોઉં કે વ્યસ્ત હોઉં – હજુ સુધી એક પણ વખત ડેડલાઈન ચુક્યો નથી. ક્યારેક લેખ છપાયો ભલે  ના હોય..મોકલાયો તો હોય જ ! પણ મમ્મીના દેહાંત પછી બે સપ્તાહ લખાયું નહિ. પપ્પા ગજબનાક સ્વસ્થતા અને અસહ્ય એકલતા વચ્ચે બધું જ શાંતિથી મેનેજ કરતા. મોટા ભાગના મુલાકાતીઓ અને ફોન પણ. હું ઉશ્કેરાટના બળાપા બાદ વિચારે ચડી જતો. આજે ‘દિવ્ય ભાસ્કર’ રાજકોટના નિવાસી તંત્રી કાના બાંટવા સપરિવાર મારી ઘેર આવ્યા. ( એમણે ય બા હમણાં ગુમાવ્યા છે ) – એમણે ટિપિકલ ખરખરાને બદલે અલક મલકની વાતો છેડી. ત્યારે એમ થયું કે ના, બધું સરખું થશે.

અધ્યાપક મિત્ર સમીર ભટ્ટ કહી ગયેલા, તે વાંચ્યું, જોયું છે બહુ..એ તને કામ લાગશે. રાજેન્દ્ર શુક્લ આવીને કહી ગયેલા – હવે આંગણે મમ્મીએ વાવેલા પારિજાતની ડાળીઓ સ્પર્શ કરશે , એમાં મમ્મીનું વ્હાલ મળશે. દિલીપ શાહનું પોસ્ટકાર્ડ આવ્યું Mother – M goes – now live with OTHERS !  ઢગલો સંદેશા આવ્યા, પણ જેમની વાર્તાઓના મારાં ઘડતરમાં અનેરો ફાળો છે , એ સ્વ.રમણલાલ સોની જેવા દિગ્ગજ બાળસાહિત્યકાર- સમર્થ સર્જકે તો પોતાના ખર્ચે, મારી મમ્મીની સ્મૃતિમાં એક પુસ્તિકા છપાવી “ઋણાનુબંધ’ નામની કથા ! સોનીદાદા પર વર્ષો પહેલા લેખ લખેલો, એ વાંચી એમને અમને ત્રણેયને ઘેર બોલાવેલા. રીતસરના ઋષિપુરુષ.

એમને નેવું પાર કરી ગયેલી જૈફ ઉંમરે, ધ્રુજતા હાથે એમણે એક મને પોસ્ટ કાર્ડ લખેલું એ અત્યારે પણ મારી આંખ સામે તરવરે છે. એમાં શું હતું ? મમ્મી ગઈ ને મહેમાનો ય ગયા, પછી રોજેરોજ રસોઈ મામી વ્યસ્ત હોય અને પપ્પા પહોંચી ના વળે તો કોણ કરે?  મૃત્યુ પર જડ્યું એમ જીવનનું એક સત્ય આ અનુભવમાંથી શું જડ્યું ?

એ વાત લાંબી ચાલશે. હવે ત્રીજો સંભવતઃ અંતિમ ભાગ લખાય ત્યારે.

 
102 Comments

Posted by on May 16, 2012 in personal

 
 
%d bloggers like this: