RSS

Daily Archives: May 13, 2012

દસ વરસ : ૧

૧૩ મે ૨૦૦૨.

ત્યારે રવિવારને બદલે સોમવાર હતો. આગલે દિવસે રવિવારના મધર્સ ડે પર નો , હવે મારી કારકિર્દીનું ‘શોલે’ બની ગયેલો એક અંગત લેખ છપાયો હતો. બપોરે એકાદ વાગે કેન્સરની ટૂંકી  (નિદાન પછીના પાંચેક મહિનામાં જ ) મમ્મીએ મારાં અને પપ્પાની હાજરીમાં જ છેલ્લા શ્વાસ ખેંચ્યા, ત્યારે એની હાલત બહુ સારી નહોતી અને યાદશક્તિ પણ. મારી સામું જ જોયું હતું છેલ્લે મારાં હાથનું જળ પીતા પહેલા.

આજે બરાબર દસ વરસ પુરા થયા એ ઘટનાને. સામન્ય રીતે એ ‘ડાર્ક’ સ્મૃતિઓના એ પ્રદેશમાં હું ય હવે બહુ જતો નથી. બહુ દુઃખી થઇને લખું છું એવો સહાનુભૂતિની ઉઘરાણી કરતો દંભ પણ નથી કરતો. સમયના ઓશીકે મારાં ઘણા આંસુઓ શોષી લીધા છે. માનસિક રીતે પુરો સ્વસ્થ છું. આજનો દિવસ પણ ઘેર જ રહ્યો એ સિવાય નોર્મલ જ પસાર કર્યો છે. મમ્મીને ગમતી કેટલીક પ્રવૃત્તિ સિવાય. જીંદગી કશુંક છીનવે છે, કશુંક આપે છે. કદાચ સિદ્ધિ-પ્રસિદ્ધિના ટેક્સ રૂપે ગમતા કોઈ-કોઈ  સંબંધ મારી ધારેલી મંઝિલે નથી પહોંચ્યા એ ચુકવણું વસુલ કર્યું છે એણે. અનેકમાંથી એકલા મને કશુંક અણમોલ, અજોડ, અણધાર્યું આપ્યું ત્યારે જો ‘વ્હાય મી’ એવું કહેતો ના હોઉં, તો પછી અનેકની માફક અણધાર્યું મારી પાસેથી છીનવ્યું – એમાં ‘વ્હાય મી’ કયા મોઢે બોલું?

દસ વરસ પહેલા જેટલી ફરિયાદો અને કન્ફ્યુઝન હતા લાઈફ બાબતે, એટલા આજે રહ્યા નથી. (સાવ નથી એવો કંઈ  હું બુદ્ધ થયો નથી ને થવાની કોઈ ખેવના ય નથી) કદાચ આનું નામ ગ્રોથ, વિકાસ હશે. પણ મન થતું હતું થોડા દિવસોથી કે, બધા તો નહિ (એટલું લખવું કેમ ?) પણ થોડાક સ્મરણો મમ્મીની વિદાયના એક દસકે રીડરબિરાદરો સાથે શેર કરું. કેમ? વાહવાહ ઉઘરાવવા અંગત સંવેદનનો વેપલો કરવા? હરગીઝ નહિ. (મેં તો મધર્સ ડેના લેખ પણ વચ્ચે બંધ કરેલા!, પ્રેમાગ્રહથી ફરી શરુ કર્યા! ) ના તો એવી જરૂર છે, ના એવી કોઈ મારી પ્રકૃતિ છે. એકદમ અંગત મિત્રોને બાદ કરતા મારી વ્યક્તિગત પીડાઓ હું ભાગ્યે જ વહેંચીને પબ્લિકને બોર કરવામાં માનું છું. તમે હસો તો જગત તમારી સાથે હસે, રડવાનું તો તમારે એકલા જ હોય. ક્યારેક એટલે જ મારી અંગત વ્યથાઓ પણ હું બહુ જ સભાનતાથી સિમ્બોલિક્લી પબ્લિક સામે મુકું છું, મારું થોડુંક કેથાર્સીસ (વિરેચન) થાય. અને બહુ ઓછાને મૂળ તંતુ પકડાય !

પણ આમ તો મારો અને પપ્પાનો બે જ વ્યક્તિનો પરિવાર છે, એટલે આ બધા ચાહનારા , અપેક્ષાઓ રાખનારા, ટીકા કરનારા, લમણા લેનારા, સમજુ-અણસમજુ જેવા છો એવા આપ બધાના પ્રેમની એક એક ઢગલીએ જ માએ ઘડવા ધારેલી મારી મૂર્તિ ટટ્ટાર ઉભી છે. એટલે થયું કે લાવો આ ‘કુટુંબ’ સાથે કંઇક શેર કરું – સમ સિલેક્ટેડ ફીલિંગ્સ. નહિ તો આમે ય બીજા કોને કહું? તુમ હો તો ગાતા હૈ દિલ…..તુમ નહિ, તો કુછ ભી નહિ…

માટે આજે શરુ તો કરું છું એક નાનકડી મેમ્વાર સીરીઝ. કોઈ પૂર્વ તૈયારી નથી. અમુક સ્મૃતિઓ સાવ ઘસાઈ ગઈ છે, પણ અમુક એકદમ અકબંધ છે. આજનું બધાને બહુ ગમેલું ‘સ્પેકટ્રોમીટર’ પણ આમ તો મારી મમ્મીના મારાં બ્રેઈનમાં સેવ થયેલા અનેક વિઝ્યુઅલ્સનું ક્લાઈડોસ્કોપ એકી બેઠકે કરી, એમને આ પુણ્યતિથી નિમિત્તે આપેલી એક યુનિવર્સલ અંજલિ જ છે. એક પુસ્તક પણ કરવું છે પેરન્ટ્સ પરનું. કદાચ એમાં ઉપયોગી બને. કદાચ મારાથી જ રાબેતા મુજબ પંહોચી ના વળાય ને સમેટવી પડે. કદાચ લાંબુ કશું લખવાનું જ ના નીકળે..કારણ કે મારાં લેખોની માફક અહીં પણ ફર્સ્ટ ડ્રાફ્ટ ઇઝ ફાઈનલ ડ્રાફ્ટ. કોઈ પ્રિ-પ્લાન્ડ રિ-રાઈટિંગ તો છે નહિ. આ ટાઈપ કરતો જાઉં છું, મનસ્વીપણે. હા, એટલું ખરું એમાં કેવળ કરુણતાની જ વાત વાગોળવી નથી…એમાંથી બેઠાં થઇ જીવનસંઘર્ષમા જોડાવાનું ને ચકડોળમાં ઉપરનીચે થયા કરવાનું છે – એ જ ખાસ તો કહેવું છે.  નાના નાના માણસમાં છુપાયેલી મોટી મોટી સારપનો ય ઝડપથી, પણ ઋણસ્વીકાર કરવો છે. કોઈને ક્યાંક કામ લાગે તો ઠીક. એક પંથ, દો કાજ જેવું થશે.

***

૨૦૦૧ના બેસતા વર્ષે બે ઘટના બની એ હજુ યાદ છે. સવારમાં ‘સાલ મુબારક’ કહેવા કોઈ આવે એ પહેલા જ અચાનક ૬-૭ કુતરાઓ જોરજોરથી ભસતા ડેલીમાં જ આવી ગયા! અને એની મિનિટો બાદ અરીસો છટકીને પડી તૂટ્યો. અપશુકનમાં કંઈ હું માનતો નથી (કેટલીયે વાર – સો થી વધુ વખત રોડ પર બિલાડીને મારી ગાડી આડી ઉતરી હશે, બિચારી બિલાડી મરતા મરતા બચી હોય છે !) પણ આ બિહામણા દ્રશ્યો એક વિચિત્ર છાપ તરીકે મારાં મનમાં છપાઈ ગયા છે. મમ્મી સાથે એ છેલ્લો તહેવાર હતો. એણે વર્ષો પહેલા ટીબી થયેલો એ તો આસાનીથી મટેલો. બાકી વ્યસન તો ઠીક પાણીપુરી ખાવાની યે ટેવ નહિ. સાવ સાદું ને સાત્વિક જીવન. હા, મારી, હવે એના વિના બિલકુલ ના સચવાતી બૂક્સ અને મેગેઝીન્સની ધૂળ એણે ખાવી પડે ખરી !

પણ એ વખતે એના સ્વભાવમાં અસામાન્ય ચીડિયાપણું આવ્યું, એ સાથે જ ઉધરસ વધી. લોકલ ડોક્ટરે દવાઓ આપ્યા કરી પણ ફેર ના પડ્યો. ફાર્મા કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ મિત્ર હેમાંગે એક રિપોર્ટ જોઈ કહ્યું કે આમાં ઈએસઆર કેમ વધુ છે? એમાં મેં ધ્યાન ના આપ્યું. હું કોલેજની નોકરીમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ખાતર વધુ પડતો સમય આપતો ને રસોઈ ગરમ કરી રાહ જોતી મમ્મીને વડચકાં ભરતો. અંતે ડિસેમ્બરના અંતમાં એક દિવસે મારાં તાજા છપાયેલા ચાર પુસ્તકોનું પાર્સલ નવભારતમાંથી આવ્યું એ ઉંચકતા જ એ ગોથું ખાઈ ગઈ. એટલે એને કોઈ ‘મોટા’ ડોક્ટરને આજે જ બતાવવાનું કહી હું નોકરીએ ભાગ્યો. એ ગોંડલ ખાતે ઉત્તમ એવા પણ ત્યારે અપરિચિત એવા ડૉ. વિદ્યુત ભટ્ટ પાસે પપ્પા સાથે ગઈ. એક્સ રે વાળા દેસાઈભાઈનો મને રાજકોટ ફોન આવ્યો , સાંજે આવવી જવાનો. હું ગયો ત્યારે એને બહાર રાખી વિદ્યુતભાઈએ મને કહ્યું ‘એડીનોકાર્સીનોમા ઓફ લંગ્સ’ – ચોથા સ્ટેજનું સ્ત્રીઓને નહિ, પણ સ્મોકરને થાય એવું લંગ કેન્સર છે. રાજકોટ બતાવો.

એ રાત્રે પહેલી વાર એણે બનાવેલું મને અતિપ્રિય ટમેટા-લીલી તુવેરનું શાક મને ગળે ના ઉતર્યું.

***

રાજકોટમાં સ્નેહાળ ડૉ. મલય ઢેબર પાસે તપાસ. ફાઈનલ વર્ડીકટ : મેક્સીમમ ત્રણ-ચાર મહિના છે. કેન્સર બોનથી બ્રેઈન સુધી પ્રસરી ગયું છે. ઓન્કોલોજીસ્ટ વિપુલ દેસાઈએ ના છુટકે હરીફરી શકે એ માટે સ્ટીરોઈડ શરુ કરી. કઝીન ઋષિ સાથે હું એને તાતા મેમોરીયલમાં એશિયાના બેસ્ટ  ગણાતા ડૉ. સુરેશ અડવાણી પાસે મુંબઈ લઇ ગયો . … આજે નેસ્તોનાબુદ એવા ક્રોસરોડ્સ મોલમાં હું ને મુંબઈવાસી મિત્ર હિતેશ સરૈયા સાથે હતા ત્યારે એસ્કેલેટર પર પગ મુક્ત કેવી ગભરાતી હતી ને જુહુના દરિયાકિનારે એણે કેવી મજા પડેલી ને મારી જીદને લીધે એ વડાલા આઈમેક્સમા આવી મધરાતે- એ બધું જ મને યાદ છે. મેડીકલી હોપ નહોતી. અમેરિકાથી આવેલા તબીબ ભાણજીભાઈનો એ જ અભિપ્રાય હતો. મોટા પાયે હોસ્પિટલના ચક્કરનો એ મારો પહેલો અનુભવ. સીધો વર્લ્ડ કપ ફાઈનલ જ રમવાનો આવ્યો ને એમાં હું ય કાચો પડ્યો – ઘણી જગ્યાએ.

કેટલાક મોટા માથાઓ મુંબઈ હતા એમને વાતો કરી હતી, આવી જાવ મદદ કરીશું ને પણ મારાં માસીના ત્યાં રહેતા પરિવાર સિવાય એક જ મુંબઈવાળાનો મને ફોન આવેલો. ચંદ્રકાંત બક્ષીનો ! “આ કસાઈઓ વચ્ચે તું શું કરે છે? ઘેર લઇ જા. અને મારાં અમદાવાદના મિત્ર ડૉ. મુકેશ બાવિશીને ફોન કર, એ તને માર્ગદર્શન આપશે.”

મુકેશભાઈ છેક સુધી મમ્મીને ફિઝીકલી જોયા પણ વિના એમની તમામ આગાહીઓમા એમને જોયા વિના કોઈ ત્રિકાળજ્ઞાની જાદૂગરની જેમ જ સાચા પડ્યા. મારાં પણ આજે ય સારા મિત્ર બની રહ્યા…અને મુંબઈની મેડીકલ ટ્રીટમેન્ટ?

પોસાતું નહોતું તો ય પગ મુકેલો એ જસલોકની એક ચેમ્બરમા બહાર નીકળી “છાશ પીવાય?” એટલું પૂછવા જવામા જ બીજી એપોઈન્ટમેન્ટનો ચાર્જ બહાર ગણાઈ ગયો પછી ઘેર આવી જવું પડે એમ હતું. મમ્મીને જ સોરવતું નહોતું ! (સોરી, સોરવવાનું અંગ્રેજી કરી દેજો)

***

અનેક સલાહો વચ્ચે જડીબુટ્ટીથી જવારાના રસ સુધીના પ્રયોગો , મશરૂમની કેપસ્યુલ્સ ને આયુર્વેદ..(જો કે સર્વમિત્ર વૈદ અને સાહિત્યમર્મજ્ઞ લાભશંકર ઠાકરને મેં ફોન કરેલો એમણે સ્પષ્ટ કહેલું : આયુર્વેદમાં કેન્સરનો કોઈ જ સચોટ ઈલાજ નથી. ખાસ વર્ણન જ નથી. ફાંફા મારવાના છોડો. નગેન્દ્ર વિજયને વાચક તરીકે ફોન કર્યો તો ક્લિનિકલ ટ્રાયલ બાબતે આ જ જાણવા મળ્યું ને કાંતિ ભટ્ટે હમેશ મુજબ  એલોપથી છોડો કહ્યું ) અંતે કેમોથેરપીની બાંધી મુઠ્ઠી ખોલી. પણ એમાંથી હીરો નહિ હળાહળ નીકળ્યું !

એક જ સાયકલમા મમ્મીને પારાવાર ઉલટીઓ થઇ. કોઈ રીતે બંધ ના થાય. સ્વજન સમા ગોંડલના ડૉ. અવાશિયા ને ડૉ. રઘુવીર જોશી યે લાચાર. આખરે તાકીદે ધકાણ હોસ્પીટલમાં શિફ્ટ કર્યા. અને એક ઘટનાક્રમમા એક ફિરસ્તાનો પ્રવેશ થયો. આજે ય મારો ફેમિલી ડોક્ટર, બચપણનો દોસ્ત અને મુંબઈ લીલાવાતીમાથી અહીં આવી ગયેલો ડૉ. ચિરાગ માત્રવાડીયા ! એણે મમ્મીને ‘આંટી તમે મને પેલી વાર્તા કહેતા એ યાદ છે,’ એવું કહેતા કહેતા વગર એનેસ્થેશિયાએ ફીમોરલ લાઈન નાખી દીધેલી! ખૂબ કાળજી અને અંગત દેખરેખથી મમ્મીને સ્ટેબલ કર્યા. ઘેર પાછા ફર્યા. અને રીતસર દેવદૂત જેવા (છેલ્લા દસ વરસમાં મારો, મારાં મામાનો, પપ્પાનો અને મારાં અન્ય બે સ્વજનનો જાન બચાવી ચુકેલા ) ચિરાગની ઓનલાઈન સલાહ પર ઘેર જ આઈ.સી.યુ. શરુ કર્યું. બાટલા ચડાવતા હું શીખી ગયો. સાફ કરી નવડાવું, ને ખવડાવું.

આ બધા તપમાં ખડે પગે મારાં પ્રદીપમામા ને ભાવનામામી હાજર. એમણે તો અસાધારણ સેવા કરી છે ત્યારે.  દીપ તો સાવ નાનો તો ય આવે, મદદ કરે. સુરેશમામા, વિજયભાઈ કીકાણી., દેવયાનીબહેન, ભૂપત પટેલ, શૈલેશ, રક્ષિતભાઈ જેવા કઝીન/ મિત્રો વારાફરતી આવે. પ્રતીકના ઘેરથી ખીર આવે ને કેતન પંડ્યા ફ્રૂટ્સ લેતો આવે. શૈલેશના પત્ની ચંદ્રિકા ય આંસુ સારે માસી માટે ! મમ્મીના મામલે મારું ય ઠેકાણે ના રહે તો હું એક વાર મિત્ર હેમાંગના પત્ની નેહલ સાથે ઝગડી પડેલો. પણ એમને મન પર ના લીધું. આજે એમને તો યાદ પણ ના હોય, એવી કાળજી એ ય મારી લેતા હોય છે.

રાજકોટ હોસ્પિટલમા હતા ત્યારનું એક દ્રશ્ય મારી આંખોમાં જડાઈ ગયું છે. એક બાજુ ચોમેર ગોધરાકાંડ પછીના રમખાણોમાં ગુજરાત બળવાના સમાચાર.  જીગરજાન દોસ્ત ઈલિયાસ અને ભાભી નસીમ આવેલા. સંવેદનશીલ ઈલિયાસ તો બહુ રોકાઈ ના શક્યો, (કિન્નર પણ હોસ્પીટલમાં આવી ના શકે !) પણ મધરાતના હોસ્પિટલના ચોગાનમાં જ નસીમે રડતા રડતા એના વ્હાલા માસી માટે બેસીને નમાજ પઢતા હોય એમ અલ્લાહ પાસેથી દુઆ માંગી અને માનતા માની. માથે કપડું બાંધીને. (પાછળથી એ ઉઘાડે પગે ચાલતા ય ગયેલા એક દરગાહ પર !)

અને ગૌરવ. મારાથી નાનો છતાં અક્કલમાં મોટો. ધૂની છતાં ધારદાર દોસ્ત. હજુ ગઈ કાલે જ જૂનાગઢ ડી. વાય. એસ.પી. તરીકે પોસ્ટિંગ પામ્યો છે. આઈ.આઈ.એમ. ની પરીક્ષા પાસ કરીને છોડી દે એવો ઉલટી ખોપડી. સાયન્ટિફિક આર્ટિસ્ટિક ભેજું. ત્યારે તો કરિઅરમા એક સ્ટ્રગલર હતો. આમ ઓછો દેખાય ને સાવ ઓછું બોલે પણ નાનપણનો મિત્ર. હું એકલો જ એકધારા ઉજાગરા ખેંચતો હતો આમ પણ મૌન પપ્પા તો સાવ જ સ્તબ્ધ હતા. એક રાત્રે નાનકડી થેલી લઇ ગૌરવ જસાણી સ્લીપર પહેરી રાજકોટ હોસ્પિટલે પ્રગટ થયો. સુઈ જાવ , હું જાગીશ. એણે બધી જ કાળજી આબાદ લીધી. માત્ર એના જ ભરોસે હું સુઈ શકતો. એ નાનકડા ટ્યુશન ક્લાસ ચલાવે. આર્થિક ખેંચ. ગોન્ડલથી રોજ અપડાઉન કરીને આવે. એ ય મારાં મમ્મીને નવડાવી દે , ખવડાવી દે. ઘેર પણ  મમ્મી ગુજરી ગયા ત્યાં સુધી ખડે પગે ! એમણે ચિરવિદાય લીધી ત્યારે એટલું જ બોલીને ગયો – હવે મારું કંઈ કામ નથી. કાલથી નહિ આવું !

ગૌરવ કદી એક શબ્દ ય બોલ્યો નથી ઉપકારના કોઈ ભાવથી. પણ મારાં, પપ્પા, ચિરાગ અને મામા-મામી સાથે મમ્મીની પારાવાર સેવા સતત કોઈએ કરી હોય તો એ ગૌરવ છે. થોડા વર્ષો પહેલા ભાઈબંધો વચ્ચે થાય એવો ખટરાગ થયો અમારી વચ્ચે (એમાં ય એ મારું ભલું કરવા ગયેલો, ભૂલ મારી જ હતી ) ખીજાઈને એણે (તાત્પુરતું) બોલવાનું બંધ કર્યું. એક કોમન ફ્રેન્ડે પૂછેલું કે આમ તો બાર ખાંડીનો મિજાજ રાખો છો તો અહીં ચોકડીને હવે? …અને મારો જવાબ હતો : હોય કંઈ? ગૌરવની હું જાહેરમાં માફી માંગી લઉં ને એને મને ગાળો દેવાનો, તમાચો મારવાનો  ય હક્ક છે. એણે જે કર્યું છે , એનું વળતર સાત જન્મારે ના ચુકવાય !

થેન્ક્સ ગૌરવ, વધુ એક વાર.

***

પણ આ બધા વચ્ચે મમ્મીની સ્થિતિ નબળી પડતી જતી હતી. આસપાસ માણસો સારા હતા. પણ એમની હાલત સારી થતી નહોતી. ડૉ. રઘુવીર જોશી મધરાતે આવેને એક વાર તો મમ્મીના પગ દબાવવા દાક્તર થઈને બેસી ગયા ! મારાં વાળ કાપનારા જીતુભાઈનું જીગર જુવો : પોતાની દુકાનનું એ.સી. ગરમીમાં ઘેર ઉભી કરેલી સગવડો માટે આપવા ઓફર કરી. રશ્મિન શાહના પ્રયત્નોથી એ.સી. તો મળ્યું પણ છેક છલ્લે. પણ વાત જીતુ રાઠોડની કલેજાવાળી લાગણીની છે. રાજકોટના જ ઇકબાલભાઇએ એક પણ રૂપિયા વિના ફિલિપ્સની મોંઘીદાટ ઓડિયો સીસ્ટમ કોઈ કાગળિયાં વિના ઉભાઉભ મમ્મી માટે આપેલી. જેમાં અમે એમના કેટલાક ફેવરિટ જુના ગીત મુકતા. ડૉ. અવાશિયા ખોરાક લેવાતો ઘટ્યો ત્યારે બાટલો-ઇન્જેક્શન માટે વેઇન શોધવા વારંવાર આવતા , પણ અચાનક સરકારી હોસ્પિટલના શુધ્ધ સેવાભાવી કમ્પાઉન્ડર સુરેશ ગોંડલિયા અમે મધરાતે  શોધવા નીકળ્યા અને  મળ્યા. પછી તો એ રોજ એક પણ પૈસો ધરાર લીધા વિના આવતા. મમ્મીના અવસાન સમયે બહારગામ હતા. બીજે દિવસે આવ્યા ને ‘માસી…’ કહી અંદર આવ્યા ને વાસ્તવનો ખ્યાલ આવ્યો કે રડી પડ્યા !

વોટરબેડથી વેક્યુમ સક્શન (થેન્ક્સ ટુ ડૉ. હેમાંગ વસાવડા, મિલન ત્રિવેદી) સુધીની સગવડો ઘેર પોસાય ના પોસાયની ફિકર વિના કરેલી. ‘ગુજરાત સમાચાર’ના જયેશ ઠકરાર તો લામા પાસે ઔષધિ લેવા છેક ધરમશાલા ટ્રેનમાં ગયેલા ! નિર્મમભાઈ, રશ્મિભાઈ, ભદ્રાયુભાઈ, અરવિંદભાઈ, ફૂલેત્રાસાહેબ, આશિષ કલ્યાણી, યોગેશ ચોલેરા, ધર્મેશ જોશી, કેતન શેઠ, વિનોદ રાજા, રાજીવ, રથીન રાવલ , ડૉ. શ્રીરામ સોની, ચેતન જેઠવા વગેરે બધા જ પૂછપરછ કરે. માતૃ-પિતૃ પક્ષના સગાઓ તો હોય જ. માસીઓ-કાકીઓ , પિતરાઈ ભાઈ-ભાભીઓ, પ્રેમાળ પાડોશીઓ પણ ખરા. ડૉ. પંકજ શાહ (અમદાવાદ) ડૉ ઉર્વીશ વસાવડા ( જૂનાગઢ) પણ કાયમી હેલ્પલાઈન. પણ લાઈફલાઈન જ ના હોય તો શું થાય?

ને સતત કૃશ નિસ્તેજ થતા જતા મમ્મીને રાજી રાખવાની ધૂનકી. કોલેજની નોકરી તો સાવ છોડી જ દીધેલી. ચોવીસે કલાક ઓછા પડતા હતા. ત્યાં વળી મમ્મીએ અચાનક જીદ પકડી..થોડી અભાન અવસ્થામાં પીડા સાથે…”કોઈ સાધુને લઇ આવો, મારે એમને મળવું છે, અહીં ઘરમાં જ !”  દર્દીની ઈચ્છા અને સાવ બાળહઠ જેવી. સ્થિતિ એમની સાવ નાજુક. વારે વારે ભૂલી જાય નામ પણ. છતાં ય, આ રટણ ચાલુ..

હવે મરતી મા પાસે મારે કોઈ સાધુ કેમ લઇ આવી ઉભો રાખવો? શેરી – ગલીના રખડુ બાવાઓ તો ભિક્ષુક્ભાવે આવે. ને મારી એ વખતે કોઈ એવી ઓળખાણ કે એવું કોઈ કદ પણ નહિ ને એવી કોઈ અઠંગ શિષ્યભાવની ભક્તિ તો આજે ય નથી કે કોઈ સાધુ ઘેર આવે ! હા, એક છારોડી સ્વામીનારાયણ ગુરુકુળના માધવપ્રિયદાસજી નિયમિત ફોન કરે, એમણે બે સંતો ય મોકલેલા ઘેર ખબર પૂછવા. કોઈ ઓળખાણ નહિ, હું તો એમને મળ્યો ય નહોતો. છાપામાં એ લેખો વાંચતા એ જ સ્નેહસંબંધ. પણ મર્યાદાને લીધે એ તો ઘેર મમ્મી પાસે આવી બેસી ના શકે.

જે માએ આવી પથારીવશ અવસ્થામાં અમિતાભની ફિલ્મ ‘આંખે’ રજુ થતી હોઇને મારો બચ્ચનપ્રેમ જાણતી હોઇને ધક્કા મારી એ જોવા મોકલેલો , એની આવી એક નાની  ડિમાંડ મારાં માટે તો કમાન્ડ કહેવાય. પરંતુ, કિન્તુ ગોંડલમાં સાધુ  એને ગમે એવા, ઘેર આવે એવા મારે ક્યાં ને કેમ ગોતવા ? એની આ માંગણી કેમ પૂરી કરવી?

(ક્રમશઃ- વધુ આવતી કાલે )

 
110 Comments

Posted by on May 13, 2012 in personal

 
 
%d bloggers like this: