RSS

Daily Archives: May 9, 2012

સત્યમેવ જયતે : થોડામાં ઘણું…

આમીર ખાનનો શો એકસાથે સ્ટાર નેટવર્ક ને દૂરદર્શન પર હોય ને યુફોરિયા ના જાગે તો જ નવાઈ!

હું તો જો કે રવિવારે સવારે એક વ્યાખ્યાન માટે પ્રવાસમાં હતો પણ મેસેજીઝનો મારો ચાલુ થતા ખ્યાલ આવી ગયો કે આમીરની સ્ટાર વેલ્યુએ સ્ટાર્ટ જબરું યાને ધાર્યા મુજબનું જ અપાવ્યું છે. જો કે મેં એપિસોડ પાછળથી કાલે રાત્રે જોયો. આ રહ્યા મારાં કેટલાક અભિપ્રાયો.

* બ્રેવો આમીર ફોર બ્રિલિયન્ટ શો. આમીર પરફોર્મન્સ બાબતે ભારે ચીકણો – ‘મેથડનું માથું’ છે , એ જગ જાહેર  છે.  એણે એનો ઉપયોગ કરી એકદમ રસાળ શો બનાવ્યો છે. રિસર્ચ ઉત્તમ. દોઢ કલાક બેસાડી શકે એવું પ્રેઝન્ટેશન. આમ આ વાત કે ફોર્મેટ નવું નથી. વિનોદ દુઆથી પ્રિયા તેન્દુલકર , કિરણ ખેરથી નગ્મા (એનડીટીવી) અજમાવી ચૂક્યા છે. પણ આમીરે પોતાના સ્ટાર પાવરનો ભલે મની પાવર વધારતો પણ પોઝિટીવ ઉપયોગ કર્યો છે. બીજા ઘણાને થતું હશે આ અમને કેમ ના સુઝ્યું? સિમ્પલ. આમીર પાસે ફૂરસદનો સમય છે. એ વાંચે-વિચારે છે ને કામ ઘટાડતો જ જાય છે. આ ય એનું ચતુરાઈપૂર્વકનું ઉંમર વધવા સાથેનું સ્વીચઓવર જ છે. પણ એને એની રીતે જીવવાનો ને કમાવાનો હક છે.

*શોની રજૂઆત મુદ્દો ગંભીર, એકેડેમિક (વાંચો, કોમન મેન માટે બોરિંગ, હેવી) હોવા છતાં સરળ , રસાળ અને ખાસ તો પરિવારપ્રિય બને એવી લાગણીશીલ (અને મેલોડ્રામેટિક નહિ..શુક્ર હૈ ખુદા કા !) રાખવામાં આવી છે. વાત ક્યાંય વધુ પડતી ખેંચાતી નથી , અને જ્ઞાન વધારે તેવા એક પછી એક મુદ્દા કોઈ સારી વાર્તાના પ્રકરણોની જેમ ગુંથાયા છે. અસરકારક, ધારદાર, મુદ્દાસર. સત્ય અને સંવેદનાનો સંતુલિત સમન્વય. જોનારા બધા કઈ અઠંગ વાચક કે પત્રકાર નથી. માટે સરેરાશ નાગરિક માટે સાચા મુદ્દે આંખો ખોલવાનો પ્રયાસ.

*એન્કર તરીકે આમીર જામે છે, કારણ કે એ ખાસ કશું કરતો નથી, સામેનાને બસ આસાનીથી ઉઘડવામાં મદદ કરે છે. આ સરળ દેખાતો છતાં સજ્જતા માંગતો  અઘરો માર્ગ છે. ઇટીવીના સંવાદ ના એન્કર તરીકે મેં એ અજમાવ્યો હોઈ સમજી શકું છું. આમીર અભિનયનો ઉપયોગ પણ વોઇસ પીચ અને રાઈટ એક્સપ્રેશન માટે કરે છે. ભલે કરે, એ કંઈ ગુનો નથી.

*ચીરૈયા ગીત અને ઓપનિંગ સિકવન્સ ખૂબ સરસ. બોરિંગ ટોક શો કરતા આવી વાતોનું વણાટકામ સરવાળે એક ઊંચાઈ , ગરિમા આપે છે. એડિટિંગ, સ્ક્રિપ્ટ પણ ઉત્તમ . રિસર્ચ ટીવી પ્રોગ્રામમાં સ્ટાન્ડર્ડ ન્યુઝમેગેઝીનની ક્વોલીટીનો. ટીપીકલ કરતા અલગ રીયાલીટીમાં ૨૬ મિનિટ જાહેરાતોની રોયલ્ટી વસૂલ છે.

*લગાનના મેકિંગની સરસ ડોક્યુમેન્ટરી બનાવનાર / પુસ્તક લખનાર (ગુજરાતી અનુવાદ : શિશિર રામાવત , વાંચવા જેવો જ ) આમીરના મિત્ર સત્યજિત ભટકાળનું નામ શોના ક્રિએટીવ ભેજાં / દિગ્દર્શક તરીકે વાંચી આનંદ થયો.

*આ વખતની થીમ ભ્રુણહત્યા મહત્વની હતી. આપણો દંભી સમાજ એટલો તો સેક્સક્રેઝી છે કે ભારતમાતાના ચિત્ર માટે અશ્લીલતાના પોકારો કરતો સડક પર ભાંગફોડ કરશે, પણ વાસ્તવમાં ભારતમાતાના આ બેશરમ વસ્ત્રાહરણના રિયલ ઇસ્યુઝ પર કશું નહિ બોલે. મેં તો વર્ષોથી આ મુદ્દા પર દાંત, સોરી આંગળા કચકચાવીને લખ્યું જ છે. આપણી સંસ્ક્રુતિના નામે પશ્ચિમમા તો જો ને આમ ગંદુ ને તેમ ગંદુ કહેનારા આપણે આવો પશ્ચિમમા થતો જ નથી એવો હલકટ અપરાધ આટલા મોટા પાયે કરીએ છીએ ને નફ્ફટ થઇ પાછા સ્ત્રીદાક્ષિણ્યના ભૂંગળા વગાડતા થાકતા નથી. અલબત્ત, આ એપિસોડમાં આવું થવા પાછળની સામાજિક – ધાર્મિક માનસિકતાનો ઉલ્લેખ ના થયો. કદાચ વિવાદો ટાળવા. પણ એક નવી અને નક્કર માહિતી મળી- આ ચક્કર કેમ શરુ થયું તેની. મામલો પેલા “ફ્રીકોનોમિક્સ” પુસ્તક જેવો છે ! (એ શું? ફિર કભી)

* સ્માર્ટ એન્ડ શ્રૂડ આમીર ( પણ ક્વોલીટીની ગેરેન્ટી એ કબૂલવું પડે) અન્નાના આંદોલનને ટીવીને લીધે મળેલી સફળતાથી પ્રેરિત થયો છે. રિયલ ઇસ્યુઝ પર આ શો ‘મહાભારત’ કે ‘કેબીસી’ જેવી સફળતા મેળવી, થોડું ઘણું ભારતને જગાડશે તો ગમશે. મુદ્દા ખૂટે એમ નથી. થોડા અપેક્ષિત્ આ રહ્યા : પ્રેમ લગ્નોનો વિરોધ / ઓનર કિલિંગ, કોમી હુલ્લડ, ભ્રષ્ટાચાર, બાળમજૂરી-શોષણ, પાણી , શિક્ષણ, અંધશ્રદ્ધા, વિજ્ઞાનીઓ પ્રત્યે ઓરમાયું વર્તન, ગ્લેમરવર્લ્ડમાં શોષણ, ફ્લેશ ટ્રેડ, આરોગ્ય, ગુટકાછાપ વ્યસન, સટ્ટા, સડક-વીજળી, આદિવાસી વિસ્થાપન, પ્રદૂષણ, દહેજ, એન્કાઉન્ટર બિઝનેસ, ત્રાસવાદ, આપઘાત, ડિપ્રેશન, એડમિશન, કળા પર પાબંદી, ગંદકી, ટ્રાફિક, લગ્નેત્તર લફરાં, મોબાઈલ જનરેશન વગેરે વગેરે.

*બહુ સોશ્યલિસ્ટ એક્ટીવીસ્ટ મિજાજમાં આવી જનાર દોસ્તો માટે – સુપરસ્ટાર આમીર થોડી પોપ્યુલર ગજીની જેવી મસાલા ફિલ્મો કરે કે જાહેરાતોમાંથી કમાય ત્યારે જ એની પાસે આવું જરા જાનપદી ચેતનાનું કામ કરવાની નિરાંત, તાકાત અને બજેટ આવે છે એ યાદ રાખવું.

*લગે રહો આમીરભાઈ ત્યારે. જે થોડું થયું તે. બાકી અંગત અભિપ્રાય જ નહિ, અનુભવ એવો છે કે આ દેશ ફોશી અને  ઊંઘણશી જ છે. ઉકેલ બતાવો, હલ્બલાવો તો ય ઉન્માદ ઉતર્યે પાછો ઝોકા ખાશે. વાતોના વડાં તળીને ઢોળી નાખશે.

આ મામલે હું ખોટો પડવાની વર્ષોથી રાહ જોઉં છું !

#જે ચુકી ગયા હોય એમને માટે આ રહયો વિડીયો નીચે. હજુ હાથીના પેઇન્ટિંગ બતાવવા ને એવા બધા ચડત કામ બાકી છે, એ યાદ છે. પણ થોડું સુઈ વહેલી સવારે હૈદરાબાદ જવા નીકળું છું. પછી મહેસાણા સંજય-તુલાની શિબિરમાં એક દિવસ ઘરશાળાના મારાં અનુભવો પર બોલવા જવાનું છે. તો ફિર હાજીર હોતે હૈ બ્રેક કે બાદ. ત્યાં સુધી ઇન્ડેક્સમાં ખાંખાખોળા કરતા રહો. વિચારતા, વિહરતા , હસતા રહો.

 
61 Comments

Posted by on May 9, 2012 in cinema, entertainment, india

 
 
%d bloggers like this: