RSS

Monthly Archives: May 2012

અર્જુન : એનિમેશનનો સ્વદેશી ‘લક્ષ્યવેધ’ !

જો આ સપ્તાહે એક ફિલ્મ પૈસા ખર્ચીને થિએટરમાં જોવું જ હોય તો ‘અર્જુન’ જોજો…પ્લેઝન્ટ સરપ્રાઈઝ મળશે ! બજેટ અને બોક્સ ઓફીસના પ્રોબ્લેમ્સ છતાં કોઈ બહાનાબાજી વિના ધારો તો ‘કુંગ ફૂ પાંડા’ કે ‘શ્રેક’ના સ્તરનું એનિમેશન મૌલિક પટકથા સાથે ભારતમાં બની શકે એનો આ પ્રથમ પુરાવો છે. ટ્રેલરમાં જ એ હનુમાન, ગણેશ, ભીમથી ઈત્યાદિથી કેટલું ઉચ્ચસ્તરીય એનિમેશન ધરાવે છે, એનો સબૂત છે. પુરા પાંચ વર્ષના તપ પછી દિગ્દર્શક અર્નાબે જે ફિલ્મ બનાવી એની છૂટક ખામીઓ છતાં જથ્થાબંધ ખૂબીઓ ને લીધે એને સલામ નહિ દંડવત કરવાનું મન થાય છે. એમાં પાર્શ્વસંગીતથી આર્ટ ડિઝાઈન સુધી માયથોલોજીમાં ભાગ્યે જ જોવા મળતી ઓથેન્ટિસીટી સાથે ક્રિએટીવીટીનો સંગમ છે. હા, ક્યાંક અમુક સેટ પીસ ચાઈનીઝ શૈલીના લાગે, પણ એ ય અત્યારની વિડીયો ગેઇમ્સમાં ઇન્ટરનેશનલ લેવલ પર વધુ ફેમિલિઅર છે. એક લીટીમાં : અર્જુન ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રથમ એનિમેશન ફિલ્મ છે !

સૌથી મહત્વની વાત આપણે ત્યાં રિમેકમાં ભાગ્યે જ જોવા મળે છે, એ હોલિવૂડ સ્ટાઈલના ટ્વિસ્ટસ ઇન ધ ટેલ છે. જે પરીકથાઓના ય ૨૧ મી સદીના વર્ઝન્સમાં જોવા મળે. મહાભારતના પ્રસંગો અને પાત્રોમાંથી પ્રેરણા લઇ , એને લાજવાબ રીતે જે નવીનતાનો સ્પર્શ અપાયો છે, એ એનિમેશનથી વધુ ઈમોશનની ડેપ્થ બતાવે છે. મૂળ કથાનકને અહીં અંજલિ જરૂર છે, નકલ નથી. એના ઉપયોગથી એક પોતાની અલાયદી વાત કહેવાઈ છે.અર્જુન અહીં વન ડાયમેન્શનલ નહિ પણ મલ્ટીડાયમેન્શનલ કેરેક્ટર બને છે. એના આંતરિક વિકાસની યાત્રા, ભગવદગીતામાં ય ઝીલાતું એનું હેમલેટ જેવું ‘ટુ બી ઓર નોટ ટુ બી’નું દ્વંદ્વ (ડ્યુઅલ) અહીં એવી રીતે મુકાયું છે કે એ બાળકોના ‘કાર્ટૂન’ને બદલે મોટેરાઓનું મ્યુઝિકલ બને છે. એની એપિક બેટલ વધુ બેહતર બની હોત કે કેટલાક રેડીમેઈડ સોફ્ટવેર્સનો ઉપયોગ ટાળી ધકાયો હોત એવું લાગે, પણ એમાં કમી કલ્પનાની નહિ, કાવડિયાની છે, એ દુઃખ સાથે ગૌરવની વાત છે.

આપણી પુરાણકથામાં અપાતો મેલોડ્રામેટિક ભક્તિભાવ અને અસામાન્ય ફેન્ટેસીનો ઓવરડોઝ અહીં ગાળી નખાયો હોઈ , એ ખરા અર્થમાં ફોર્મ નહિ, કન્ટેન્ટની રીતે પણ ઇન્ટરનેશનલ લેવલની પ્રથમ ભારતીય પ્રોડક્ટ બની છે. ચીન-જાપાન ઘણા વખતથી આ કરી ચુક્યું છે (આંગ લી-અકિરા કુરોસાવા). વિશ્વને સમજાય અને ગળે ઉતરે એ ઢબમાં એક શુદ્ધ ભારતીય સંસ્કૃતિ અને એ ય ભૂખડીબારશ નહિ ભવ્ય ફિલ્મી એનિમેશનના સાચા ઉપયોગની શક્યતાઓનું ખાતમુહુર્ત કરે છે. હવે એ ટિકિટ ખર્ચીને આપણે બિરદાવીએ નહિ, તો લમણામાં પેલા બાલિશ કેરીકેચરો જ ઝીંકાયા કરશે. માટે ખાસ સમય અને બજેટ ફાળવો. સરકારે બોરિંગ સંદેશાઓને બદલે વિકી ડોનર કે અર્જુનને ટેક્સ ફ્રી કરવી જોઈએ. જેથી કળાની કુંપળની યે સિંચાઇ થાય ! અત્યારે તો આ ક્ષેત્રના પાયોનિયર ધુરંધર ડિઝનીનો આભાર માનવાનો રહ્યો, કારણ કે અર્જુનનું નિર્માણ એણે કરાવ્યું છે !

 
 
%d bloggers like this: