RSS

Daily Archives: April 27, 2012

દિલથી હસતો અને દિમાગથી હસાવતો મોજીલો મહાપુરૂષ!

સાજીદ ખાનની મસ્સાલેદાર ‘હાઉસફુલ ટુ’ સુપરહિટ જઈને ૧૦૦ કરોડની પ્રીમિયમ ક્લબમાં આસાનીથી ગોઠવાઈ ગઈ છે. (અક્ષયકુમારની તો આ એમાં પહેલી એન્ટ્રી છે ! થેન્ક્સ ટુ સાજીદ !) કોઈ પરંપરાગત દિગ્દર્શનની તાલીમ વિના જ (હે બેબીની ડીવીડીમાં મેકિંગ ઓફ મૂવી ફુરસદે જોવા જેવું છે !) હિટ ફિલ્મ્સની હેટ-ટ્રિક સાજીદ ખાને કરી એમાં જાણે આપણે ગમતા ક્રિકેટરને સિક્સર મારતા જોઈને જાતે જ રમ્યાનો આનંદ થાય એવો નીજી હરખ થઇ ચુક્યો છે. હાઉસફૂલ ટુ રિલીઝ થઈ ત્યારે જ સાજીદનો એસ.એમ.એસ. આવેલો..’રિમેમ્બર જય, એમ.કે.ડી. (મનમોહન કીકુભાઇ દેસાઈ!) ઇઝ રીબોર્ન !’ – જોઈને પહેલા મને ખાતરી થઇ અને હવે આરંભથી જ સતત ત્રીજી બ્લોકબસ્ટર ફિલ્મના કલેક્શન પછી દુનિયાને ય થઇ હશે જ ! સાજીદ ખાન પર પાંચ વર્ષ પહેલા કોઈ જ અંગત ઓળખાણ વિના લખેલા આ લેખને વાંચશો તો ખ્યાલ આવશે કે એ મને કેવો ગમતો હતો અનેકેમ ગમતો હતો ? (ઇન ફેક્ટ હતો નહિ, છે !) પણ ફિલ્મી દુનિયામાં કલર પરથી કેરીનો રસ અને પોપૈયાંનો રસ જુદો તારવી શકતો નથી. નજીકથી નિહાળ્યા બાદ કોઈને પસંદ કરવા માટે જાતને નાપસંદ કરવી પડે એવા ય અનુભવો થાય ! સાજીદ ખાન એમાં સુખદ અપવાદ છે. ફ્લાયિંગ હાઈ ઇન સ્કાય ઓફ સક્સેસ બટ સ્ટિલ ડાઉન ટુ અર્થ ! સરળ, સહજ અને સૌમ્ય. મધરાતે દોઢ વાગે પણ ફોન પર ચર્ચા કરવા તૈયાર હોય અને પોતાને ગમતી કે ના ગમતી બાબતો અંગે ય ખેલદિલીથી બીજાને સ્વીકારે. એ બધી અનુભવ કથા ફરી કોઈ વાર. પણ અત્યારે તો અબજની કમાણી પર કરતી ફિલ્મો હસતા રમતા બનાવતા આ અજબના ઇન્સાનને સલામી આપવા આ લેખ વાંચો. એમાં એના સ્મિત પાછળના સંઘર્ષનો પરિચય થશે અને એની લાજવાબ મનોરંજનની જન્મજાત આવડત પણ દેખાશે !

સ્ક્રીપ્ટ વિના એન્કરિંગ, કોચિંગ વિના ડાયરેકિટંગ અને એકિટંગ વિના સ્ટાર સ્ટેટસ ભોગવતો ‘સિનેમા સ્નાન’માં તરબોળ સાજીદ ખાન!

થોડા વરસ પહેલા એક છમ્મકછલ્લો ટીવી જર્નાલિસ્ટ એક ગોખેલો સવાલ ઈન્ટરવ્યૂમાં પૂછી બેઠી. સામે જવાબ દેનાર સેલિબ્રિટી એકદમ ફની મૂડમાં હતી, પણ એણે સાવ સ્ટ્રેઈટ ફેઈસ સાથે ‘કટ’ ફટકારી કે એ સાંભળીને રેડીમેઈડ સવાલ – જવાબ કરનારી પત્રકારિણી ચક્કર ખાઈ ગઈ!

‘‘મેડમ, ગલતી તો હર ઈન્સાન સે હોતી હૈ, મૈં તો ખૈર… જાનવર હૂં!’’

કોઈ ઉસ્તાદ શિકારીનું ખંજર જેમ ‘ખચ્ચાક’ કરતું‘ક પોચા લાકડામાં ખૂંપી જાય, એવી રીતે દિમાગનું દહીં કરી એમાં સોંસરવી કોમેન્ટની છુરી ચોંટાડી દેનાર કિલર હ્યુમરની ક્રિએટર સેલિબ્રિટીનું નામ ભારતમાં એક જ હોઈ શકે…

સાજીદ ખાન!

* * *

ભારતમાં વીસમી સદી એના અંતિમ વર્ષો ગણતી હતી ત્યારે અચાનક ટેલિવિઝન એન્ટરટેઈનમેન્ટમાં ૨૧મી સદીની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી! ‘સોની’ પર એક શો શરૂ થયો હતો: કહને મેં કયા કર્ઝ હૈ? ઉર્દૂ મુશાયરા જેવું ટાઈટલ ધરાવતો આ શો હિન્દી ફિલ્મો ઉપરનો હતો. એ સાજીદ ખાન સાથેનું ફર્સ્ટ ઇન્ટ્રોડકશન! ‘ફેન એટ ફર્સ્ટ સાઈટ’ જેવું ઈન્સ્ટંટ કનેકશન જામી ગયું. ‘હાય લા! આ તો અદલોઅદ્‌લ આપણા જેવો જ કોઈક છે!’… મનડું એના માલિકને વારંવાર કહેતું ગયું. બે – ચાર એપિસોડસમાં જ માલુમ પડી ગયું કે આ હોસ્ટ ખરા અર્થમાં દોસ્ત જેવો છે. જે ફ્રેન્ક, ફાયરબ્રાન્ડ, ફેન્ટાસ્ટિક અને ફની હોય… એનું જ નામ ફ્રેન્ડ! ‘આપણી ટોળી ઝિંદાબાદ’ જેવા પોકારો અકલપંડે સ્વરપેટીને બદલે જ્ઞાનતંતુઓમાં સંભળાતા ગયા, અને જયાં સુધી એ કાર્યક્રમ ચાલ્યો, ત્યાં સુધી એના એકેએક એપિસોડ શનિવારે હનુમાનજીને અચૂકપણે તેલ ચડાવતા માનતાબઘ્ધ ભકતની જેમ જોયા કર્યા!

‘કહને મેં કયા હર્ઝ હૈ’ એક હસીન મસ્તીની મૌસમની સુહાની સફર હતી સાજીદ એમાં ‘‘ટ્રિપલ રોલ’’માં ફિલ્મ રિવ્યૂઝ આપતો. વચ્ચે નોર્મલ એન્કર ઉભો હોય, એની ડાબી બાજુ કાળો ચોગો ચડાવી માથે શીંગડા વાળો એક શેતાન (સાજીદ પોતે!) હોય. જમણી બાજુ પાંખોવાળો સફેદ ‘રોબ’ પહેરેલો એક ફિરસ્તો (એગેઈન, સાજીદ ઓનલી!) ઉભો હોય…. નોર્મલ સાજીદ ફિલ્મની ઈન્ફોર્મેશન આપે… એન્જલ સાજીદ બેબી વોઈસમાં એના પ્લસ પોઈન્ટસ ગણાવે અને ડેવિલ સાજીદ એ ફિલ્મના લીરેલીરા ઉડાડીને પથારી ફેરવી નાખે! શબ્દોની સમશેર કેટલી ધારદાર હોઈ શકે, અને લોહીનું ટીપું પાડયા વિના કેવી આરપાર વીંધી શકે, એનો ‘બોલતો’ પુરાવો!

એક સેકશન હતું ‘ચુરાને મેં કયા હર્ઝ હૈ’… જેમાં અંગ્રેજી ફિલ્મોમાંથી બેઠ્ઠી તફડંચી કરનારા બોલીવૂડી બદમાશોની ફિલ્લમ ઉતારવામાં આવતી. એક ‘હેમ’ સીન્સનો વિભાગ હતો, જયાં હસતા હસતા આંતરડામાં આંટી પડી જવાને લીધે હળવી ચીસ પડી જાય એવા ફોર્મ્યુલા હિન્દી ફિલ્મોના ઘારી ફરતે ઘી હોપ ઓપ હોય એમ ઓવરએકટિંગથી લથપથ સીન્સ બતાવવામાં આવતા! મનોજકુમારની ‘કલર્ક’ ફિલ્મનો બેટરીવાળો સીન હોય કે જોગીન્દરનો જંગલમાં ‘ઝાડે’ જવાનો સીન! સતત પાણી છાંટેલા પત્તરવેલિયાની માફક મહાન ફિલ્મોના ગુણગાન ગાતા રહેતા ગળ્યાં ગળ્યાં ગાંડા કાઢતાં લેખકો / સૂત્રધારો વચ્ચે અનુભૂતિ હિમાલયમાં હાડ થીજાવી દેતી ઠંડી વચ્ચે મળતા તાપણાના તપારા જેવી હૂંફાળી લાગતી. ફરી એક વાર કન્ફ્રર્મ થયું, આ કોઈ એવો માણસ ટીવી પર ફૂટી નીકળ્યો છે, જે આપણા જેવો જ ફિલ્મી ફટાકડો છે. આ કંઈ રેડીમેઈડ સ્ક્રીપટરની કમાલ નથી. આ તો એ જ માણસ કરી શકે, જેણે બ્રેકફાસ્ટના બટેટાપૌંઆથી બેડટાઈમના મિલ્ક ગ્લાસ સુધી બચપણથી ફકત ફિલ્મો જ ચાવી હોય, ફિલ્મો જ ગટગટાવી હોય!

અને એમાં હતા કિશન જૂઠાનીના ‘ચટુકલા’! ‘હૈ ના હૈ ના’ બોલતો વિગ ફેરવતો પ્રોડકટ સેલ કરતો એક ટિપિકલ ‘પંજૂ’ (પંજાબી) સ્ટાઈલ સિંધી કેરેકટરમાં કેરટેકર તરીકે ધૂસેલો સાજીદ! જૂઠાનીને ‘અપ્લોઝ’ (તાલીયાં) માટે ચીતરેલું પાટિયું દેખાડવું પડતું. પણ સાજીદ જેટલી વાર ટીવીસ્ક્રીન પર પ્રગટ થાય એટલી વાર ઘેર બેઠાં મોટી કાયામાં છુપાયેલા નાનકડા ચિત્તડાંની માયામાં જાણે પદ્માલયાની જીતેન્દ્રબ્રાન્ડ સાઉથ ઈન્ડિયન ફિલ્મમાં હીરોઈનની એન્ટ્રી વખતે વાગે, એવી ધૂઘરીઓ રણકતી! સાજીદ શબ્દોના થપ્પડની એવી ગૂંજ ‘કર્મા’ના ડો.ડેન્ગ સ્ટાઈલમાં ફટકારે, ‘શરાબી’ના વિકીની માફક બે હાથે હજારો તાળીઓની ગૂંજ એકલા બેઠાં બેઠાં સંભળાવવાનું મન થયા કરે!

* * *

સાજીદ ખાન સાથેની વન સાઈડેડ મુલાકાતો (અને એણે કટાક્ષના જોરે ફટકારેલા મુક્કા – લાતો!) નો સિલસિલો – લવ એટ ફર્સ્ટ સાઈટ પછીના ‘ગૂટરગૂ’ની જેમ વધતો ચાલ્યો. ઝી ટીવી (હવે ઝી સિનેમા) પર વર્લ્ડ રેકોર્ડ કરીને નોનસ્ટોપ ૧૨ વર્ષથી ચાલતો કાઉન્ટડાઉન શો ‘ઈક્કે પે ઈક્કા’, અને એનાં પ્રગટ થતા અશોકકુમાર, દિલીપકુમાર, સાઉથ ઈંન્ડિયન કુંજુમોન, જેવા હિલારિયસ પાત્રો અને કેટલીક વન ટુ વન વાતો… સ્ટાર પ્લસ પર ભારતીયોને બહુ ભાવતી અને માંસમજ્જાને ફુલાવી દેતા ઉછાળા લઈ આવતી હોવા છતાં ‘નોનવેજ’ગણાતી બેડરૂમ હ્યુમરનો શો ‘સાજીદ નંબર વન’… સાજીદના કહેવા મુજબ ‘મને હસાવી શકે એવો મારો માર્કસ બ્રધર્સ જેવો ટેલેન્ટેડ જોડીદાર’ સુરેશ મેનન સાથેનો સબટીવી પરનો શો ‘સબ કુછ હો સકતા હૈ’… ‘સ્ટાર વન’ પર ‘સ્ટાર વોર્સ’માં અવકાશયાનો પસાર થઈ જાય એટલી ઝડપે સ્પર્ધકોના કનપટ્ટી નીચેથી એન્કર સાજીદની કોમેન્ટસ પસાર કરતો ‘સુપર સેલ’… અને સ્પશ્યલ પ્રોગ્રામ્સ તો ખરા જ! એવોર્ડ ફંકશન્સથી લઈને બ્યુટી કોન્ટેસ્ટ સુધી સતત ટેલિકાસ્ટ કેકોર્ડેડ હોય, તો પણ સાજીદ ‘લાઈવ’ જ લાગે!

એક ફિલ્મી એવોર્ડમાં સાજીદે સુપરસ્માર્ટ ઝડપે દિયા મિર્ઝાને ગૂંચવી હતી ‘ઈફ આઈ ટેલ યુ, યુ હેવ એ ગ્રેટ બોડી… વુડ યુ હોલ્ડ ઈટ અગેઈન્સ્ટ મી?’ (હસવુ ન આવ્યું હોય તો ડોન્ટ વરી, યુ આર ઈન ગુડ કંપની… આ કહેવાયું ત્યારે દિયા સહિતના સેલિબ્રિટી ઓડિયન્સને સમજાયું નહોતું!)… આડેધડ ‘કટ’ સૂચવતા આશા પારેખની ઠેકડી ઉડાડતી સાજીદની ચિલ્લમચિલ્લી ‘કટ ઈઈઈઈટ!’… કોઈ છોછ વિના સ્ત્રીના કપડાં પહેરીને પણ મંદિરા બેદી બની જતો સાજીદ… ઈન્ટરનેટ ચેટમાં એક ચાહક પાછળ પડીને જાતભાતના સવાલો પૂછે, ત્યારે ‘ઐસા કર બેટા, તૂ ઘર આજા આરામ સે બૈઠ કર બાતે કરેંગે’નો પંચ લગાવતો સાજીદ… પોતાની જ ફિલ્મ ‘જૂઠ બોલે કૌઆ કાટે’માં પોતાની જ એકટિંગ પર જોક ફટકારતો સાજીદ.. ઈન્ટરવ્યૂઝમાં ‘તમે કેમ સિરિયસ છો?’ એના જવાબમાં ‘હું માત્ર થોડા લાખ રૂપિયા અને એક ફોન કોલ દૂર છૂં. પે મી એન્ડ આઈ એમ ફની!’ કહેતો સાજીદ… રણજીતનાં રેપ અને કાદરખાનના વનલાઈનર્સની મિમિક્રી કરતો સાજીદ… ‘હું અદનાન સામીની મેચ જોવા ઘેર ગયો હતો, એ પોતાના માટે ડ્રિન્ક બનાવવા ઉભો થયો અને ટીવી પાસેથી પસાર થયો એમાં મેં ત્રણ ઓવરો ગુમાવી!’ કહીને ઓડિયન્સ સાથે તરત જ કનેકશન જોડી લેતો સાજીદ… વલ્ગર મ્યુઝિક વિડિયોની ‘કપડાં ઉતારી લેતી’ ઠેકડી કરતો સાજીદ… મુલ્લાશાહી મુસલમાનપણાની ઓળખનો ઓછાયો જરાય પોતાના પર પડવા દીધા વિના બેઝિઝક, બેધડક લાદેન અને મુલ્લાઓની મજાક કરતો સાજીદ… રક્ષાબંધને બહેન ફરાહ પાસે રાખડી બંધાવી ટ્રુ ઇન્ડિયન સ્પિરિટનો પરિચય આપતો સાજીદ… પબ્લીક સ્પીકિંગમાં ફોર્માલિટીને બદલે ફ્રેન્ડલી કોમ્યુનિકેશન કરતો ઓનેસ્ટ સાજીદ…

જેમ પૌરાણિક સાહિત્યમાં ‘મેજીક મોમેન્ટસ’ હોય, એમ આ બધી ‘સાજીદ કોમેન્ટસ’ છે! ઇચ કોમેન્ટ ઇઝ મોમેન્ટ… એન્ડ સાજીદ ઇઝ મેજીક હિમસેલ્ફ! જાદૂગરને તો જાતભાતના સાધન સરંજામની જરૂર હોય છે. પણ સાજીદ ખાનનું ઓસ્કાર વાઇલ્ડ જેવું છે. બ્રિટનથી અમેરિકા પહેલી વખત ગયેલા ઓસ્કાર વાઇલ્ડને એરપોર્ટ પર પૂછવામાં આવ્યું કે ‘તમારી પાસે એવું કંઇ છે, જે જાહેર કરી એના પર કસ્ટમ કલીયરન્સ કરાવવાનું હોય?’ અને વાઇલ્ડે સ્મિત કર્યા વિના શાંતિથી સપાટ ચહેરો રાખીને કહ્યું હતું… ‘છે ને! માય જીનિયસ! (મારી તીવ્ર બુદ્ધિ!)’

સાજીદની સંજીદગી એના ‘(નોન)સેન્સ ઓફ હ્યુમર’ અને સિનેમા તથા આસપાસના માહોલના ચબરાક ઓબ્ઝર્વેશની સજજતાના ‘ફેટલ કોમ્બિનેશન’માંથી આવે છે. મીઠીબાઇ કોલેજનો આ સાયકોલોજી ગ્રેજયુએટ હ્યુમન માઇન્ડનો એકસપર્ટ છે, એટલે જ હ્યુમરમાં ઇનોવેટિવ છે. સાજીદને સાંભળતાંવેંત ખબર પડી જાય કે આ માણસ શાર્પ વનલાઇનર્સ કાગળની ગડીઓ ઉકેલવાને બદલે મગજની ગડીઓ ઉકેલીને લઇ આવે છે! અભ્યાસ તો ઘણાનો હોય, પણ બોલતાં તો આવડવું જોઇએ ને! વેસ્ટર્ન વર્લ્ડ પાસે ડોન રિફલ્સ, એડ વિન, વુડી એલન કે મેલ બ્રુકસ હોય તો અપુન કે હિન્દુસ્તાન કે પાસ સાજીદખાન હૈ!

એક મારા, પર સોલ્લિડ મારા, હૈ કે નહિ?

* * *

સાજીદખાન કાદરખાનની સ્ટાઇલમાં કહીએ તો ‘મા- મા’ને બદલે ‘સિનેમા’ ‘સિનેમા’ પોકારતું પૃથ્વી પર અવતરેલું બાળક છે. સાજીદ ખુદ એની ક્રિસ્પી ક્રંચી સ્ટાઇલમાં કહે છે: મારા બેડરૂમમાં હોમ થિયેટર છે, એવું નથી પણ મારો બેડરૂમ હોમથિયેટરમાં છે! ૨૦૦ ઇંચના સ્ક્રીન, માથે ઝળુંબતું પ્રોજેકટર અને ફરતા ૧૪ સ્પીકર હોય ત્યાં પથારી પર ફિલ્મો સિવાય બીજી કઇ બાબત સાથે રોમાન્સ થઇ શકે? સાજીદે ૧૯૮૬-૮૭ના એક કેલેન્ડર ઇયરમાં (ટીવી- ડીવીડી યુગ અગાઉની વાત છે!) ૨૮૦ ફિલ્મો જોઇ હતી! બચપણથી જે ફિલ્મો થિએટરમાં જુએ તેની ટિકિટસ સાચવી રાખે. એમાં ફિલ્મને રેટિંગ આપતા સ્ટાર પણ લખે! (હવે મલ્ટીપ્લેકસની કોમ્પ્યુટરાઇઝડ ટિકિટો બસ કૂપન જેવી હોઇને એ સાચવવાનો એને ચાર્મ થતો નથી!) ઘરમાં હજારો ડીવીડીનું પર્સનલ કલેકશન ધરાવતો સાજીદ કોન્ફિડન્સથી કહે છે ‘હું ગ્રેટેસ્ટ ફિલ્મમેકર નહીં હોઉં, પણ હું ગ્રેટેસ્ટ ઓડિયન્સ છું!’

બિન્ગો! હમારે મુંહ કી બાત છીન લી, મિયાં! આ લખનાર વર્ષોથી સાજીદનો સાદો ફેન નહીં, પણ જેકી ચાનની ‘આર્મર ઓફ ગોડ’માં રેતીના તોફાન લઇ આવવા માટે વપરાયો હતો એવો તોસ્તાન પંખો છે, એમાં સિમિલારિટીઝ બન્ને વચ્ચે વધી ગયેલી શારીરિક સાઇઝની જ નથી. પાંચ હજાર પ્લસ ડીવીડીનું પર્સનલ કલેકશન, નવી ફિલ્મો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો થિયેટરમાં જ જોવાની કોલેજકાળની આદત, ૧૦૦માંથી ૯૯ વખત ફિલ્મના બોકસ ઓફિસની સાચી પડતી ભવિષ્યવાણી, સોશ્યલાઇઝિંગ- પાર્ટી બઘું ટાળીને સિનેમા જોવાનું કે એના વિશે વાંચવાનું બંધાણ, પૈસા ન હોવા છતાં મનોરંજનની એવી ઘેલછા કે એ મેળવવા માટે પૈસા કમાવાનો ધક્કો લાગે એ હકીકત, વર્ડ ટુ વર્ડ સ્ક્રીપ્ટ વિના જ એન્કરિંગ / ટોક શો – રેડિયો શો કે લેકચર આપવાની જન્મજાત આદત બનેલી આવડત, કોઇ શરમસંકોચ વિના પર્સનની નહિ, પણ પરફોર્મન્સની ઉઘાડેછોગ ટીકા કરવાનો મરચાંની ઘૂણી જેવો સ્વભાવ, કોઇ ચાલાકી કે ક્ષોભ વિના જસ્ટ સ્ટ્રેઇટ સેકસ્યુઅલ હ્યુમર અને ફિમેલ ફનના ‘પન’ ને રૂંવાડે રૂંવાડે એન્જોય કરવાની શાહી જલસા અને જગત પર હસતા પહેલાં જાત પર હસવાની લિજજત!… સાજીદખાન જયારે સ્ક્રીન પર આવે ત્યારે ૧ જોડી કાઠિયાવાડી બ્રાઉન આંખોને સ્ક્રીન અરીસા જેવો કેમ લાગતો હશે? આ સવાલનો જવાબ જાણવા આલ્ફ્રેડ હિચકોક જેવા અઘરા સસ્પેન્સની જરૂર નથી. એ તો વેસ કાર્વેનની હોરર ફોર્મ્યુલા જેટલો સરળ છે!

* * *

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અડધાઅડધ હીરોઇનો જેની સામે સ્માઇલ કરવાને બદલે ખડખડાટ હસી પડે છે, એવો સાજીદખાન આજે ‘હે બેબી’ અને ‘હાઉસફૂલ ૧/૨’ જેવી ભારત જ નહિ, પરદેશોમાં પણ સુપરહિટ ફિલ્મનો ડાયરેકટર છે. પણ સાજીદનો પહેલો જ શો ‘મૈં ભી ડિટેકટિવ’ સુપર ફલોપ રહ્યો હતો! પછી એને અન્નૂ કપૂરવાળી ‘અંતાક્ષરી’ ઓફર થયેલી, પણ સાજીદે સ્માર્ટલી એ ઠુકરાવી દીધી! કારણ કે એને ખબર હતી કે અંતાક્ષરી ઐતિહાસિક સફળતા મેળવશે અને પછી અમજદખાન નામના એકટર કરતાં ‘ગબ્બર’ નામનું કેરેકટર અમર થઇ ગયું એમ સાજીદની આગવી છાપ કયારેય ઉપસાવી નહીં શકાય!

ચાર વર્ષની ઉંમરે જીતેન્દ્રની ‘જૈસે કો તૈસા મિલા’ જોયા પછી સાજીદના લોહીમાં રહેલા ફિલ્મી જીન્સ ‘એકિટવેટ’ થઇ ગયા હતાં. એના પિતા કામરાન દારાસિંહ બ્રાન્ડ સ્ટંટ ફિલ્મો ’૬૦ના દાયકામાં બનાવતાં. સાજીદ અને બહેન ફરાહ સાથે પારસણ માતા મેનકા ઈરાનીએ અલગ થઇને ગરીબીમાં બાળકો ઉછેર્યા.

સાજીદે એના ટ્રેડમાર્ક ટ્રાન્સ્પેરન્ટ સ્મિત સાથે કબૂલ કરેલું કે દસ-બાર વર્ષની ઉંમરે ફિલ્મ જોવાની ટિકિટના પૈસા એકઠા કરવા હું મારા દોસ્તોની સાથે જૂહુ બીચ પર નાચતો (મને બહુ મોડેથી સમજાયું કે આને ભીખ પણ કહેવાય!)…. જેમ્સ બોન્ડની ફિલ્મોના દીવાના આશિક સાજીદ ખાન પાસે આજે ‘૯૦૦૭’ નંબરની મર્સિડિસ છે! આને કહેવાય ટેલન્ટ મેઈકસ ટ્રેઝર! ખાસિયતથી મળેલો ખજાનો! ઝીરો ટુ નંબર વન વાયા ઝીરો ઝીરો સેવન! ‘આગ સે ખેલેંગે’ નામની ફિલ્મથી સાજીદે મોટા પડદા સાથે પહેલી વાર મુહોબ્બત કરી હતી, જેમાં હીરોઈન કિમી કાટકરની પાછળ નાચતા જુનિયર ડાન્સર તરીકે ત્રણ દિવસના કામના ૧૦૦૦ રૂપિયા મળ્યા હતા! કદાચ એટલે જ ૪૨ કરોડના બજેટની ગ્લોસી, લેવીશ એન્ટરટેઈનર ‘હે બેબી’ બનાવ્યા પછી પ્રમોશન માટેના ઈન્ટરવ્યૂઝમાં ‘હટ કે’ ફિલ્મની ફાંકાફોજદારી કરવાને બદલે સાજીદે સ્વભાવગત સ્પષ્ટતા પૂર્વક કહેલું ‘મોંઘીદાટ ટિકિટના પૈસા કેવી મહેનત પછી આવે છે, એની મને ખબર છે. માટે હું ગેરેન્ટી આપું છું કે આ ફિલ્મમાં પૈસા પડી નહિ જાય. એ મહાન નથી, પૈસા વસૂલ ફિલ્મ છે!’’ (એટલે જ સાયરસ કે ગૌતમ ભીમાણીની શહેરી હ્યુમર કરતા સાજીદની કોમેડીમાં કોમનમેનનો કાર્ડિયોગ્રામ ઝીલાય છે!)

એક પણ ડારેકટરના આસિસ્ટન્ટ બન્યા વિના, બહેન ફરાહખાન જામેલી ડાયરેકટર- કોરિયોગ્રાફર હોવા છતાં પણ સોંગ એન્ડ ડાન્સ મ્યુઝિકલનો પ્લોટ સિલેકટ કર્યા વિના, ખુદ કોમેડીમાં બ્રાન્ડનેમ હોવા છતાં ચેલેન્જરૂપે ફિલ્મમાં રોમેન્ટિક- ઈમોશનલ સિચ્યુએશનનો ટ્‌વીસ્ટ મૂકીને અને કોપીથી લઈને કરેકશન શોધવા મેગ્નીફાઈંગ ગ્લાસ લઈને બેઠેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અને બહારના ક્રિટિકસના પ્રેશર છતાં સાજીદે પ્યોર મેરિટ પર ટાબરિયા પાસેથી કામ લઈ ફિલ્મ બનાવી, અને ચલાવી બતાવી! સાજીદે એક વાર કહેલું ‘ફિલ્મ ઈન્સ્ટિટયુટ તમને ડિટેઈલ્સ, ટેકનીક અને મશીનો શીખવી શકે, પણ ફિલ્મમેકિંગ તો હૃદયથી આવતી ચીજ છે, જે હું ડીવીડીઝમાં ડાયરેકટર્સ કોમેન્ટ્રી સાંભળીને શીખ્યો છું!’

‘ટ્રક ચલાવવામાં વઘુ પૈસા મળતા હોત તો હું એન્કરિંગને બદલે ટ્રક ચલાવતો હોત’ એવુ સત્ય મજાક લાગે એવી હળવાશમાં કહી દેતો સાજીદ ફરદીનની ‘જાનશીન’ પર પોતાની ફિલ્મમાં ડાયલોગ મૂકી શકે, એવો સ્પોર્ટિંગ છે. એકશન ફિલ્મ બનાવવાના આયોજન ઘડતો અને ગુ્રસો માર્કસ તથા કિશોરકુમારનો ફેન સાજીદ વર્લ્ડ મ્યુઝિકનો એન્સાકલોપિડિયા છે. રામગોપાલ વર્માની ખડઘૂસ જેવી ‘ડરના જરૂરી હૈ’માં માત્ર પહેલી વાર્તા જ વેલ મેઈડ હતી. અને માત્ર મનોજ પાહવા (ઓફિસ ઓફિસના ભાટિયાજી)ના ફિલ્મી એડિકશનના એકસપ્રેશનમાંથી ડર ઉપજાવી સાજીદે પોતાની કેપેબિલિટીનું રણશિંગુ ફૂંકી દીઘું હતું!

રક્ષંદાખાન અને ગૌહરખાન જેવી ટીવી એન્કર સાથેના સંબંધોની સમાપ્તિ પછી ૩૬ વર્ષે સાજીદ સિંગલ છે. મમ્મી સાથે રહે છે. (આજે ચાલીસીના આરંભે જેકવેલીન સાથે એનું નામ ચર્ચામાં આવે છે ) પણ સતત ફિલ્મો જોતો રહેતો આ માણસ ફિલ્મો જેટલો જ મેરેજ વિશે કોન્ફિડન્ટ છે. ‘હું ગ્રેટેસ્ટ હસબન્ડ બની શકું તેમ છું એ જાણું છું, અને એટલે જ આ સ્પેશ્યલ ગિફટ કોઈ ખરેખર યોગ્ય સ્ત્રીને જ મળવી જોઈએ ને!’ રમૂજ પૂરી કરીને એ ખરેખર સમજની વાત કરે છે. ‘એવી સ્ત્રી મને ગમે, જે સરસ હોય, હસી શકે, સુખી રહેવા માંગતી હોય, મહત્વાકાંક્ષી ન હોય અને હા, જેને ફિલ્મો ગમતી હોય! નેચરલી, એ ફિલ્મલાઈનની નહીં હોય!’

કેમ?

‘કારણ કે, અહી આવનારી દરેક સ્ત્રી અતિ મહત્વાકાંક્ષી હોય છે, અને એમને સંબંધો કરતાં કારકિર્દીની કિંમત વઘુ હોય છે. મે જોયું છે કે ૩૦-૪૦ વર્ષ એવા લગ્નો ચાલે છે, જેમા બંને સરખા વ્યસ્ત ન રહેતા હોય. હું કંઈ વર્કિંગવુમનનો વિરોધી નથી. પણ નેચરલી હું લગ્ન એટલે કરવા માંગતો હોઉ કે ઘર સુધી મને ખેંચે એવું કોઈક ઘેર મારી રાહ જોતું હોય, એટલા માટે નહિ કે હું ઘેર આવું ત્યારે ખબર પડે કે ઘેર કોઈ છે જ નહિ! ખેર, જીંદગીએ મને ઘણું શીખવાડયું છે, એટલે જ સ્ત્રી માટે કોઈ પ્રયત્નો કરવાનું મેં છોડી દીઘું છે. હવે હું પૈસા પાછળ જ દોડું છું!’

સાજીદની જીભ કટાક્ષનું ડાઈવર્ઝન પકડતા રોકાતી નથી! ભારતમાં હાસ્યના અંડરકરન્ટ સાથે જીવવું ખરેખર રડાવી દે એવી કસોટી છે. અહીં પોલિટિકસ, ધર્મ, સેકસ પર જોક કરો તો લોકો ગંભીર થઈ જાય છે. પર્સનલ કોમેન્ટ કરો તો નારાજ થઈ જાય છે. સ્ત્રીઓ જોક કરતી નથી, અને પુરૂષો એના પર જોક કરે તો સમજીને હસવાને બદલે આંદોલનો કરે છે!

સાજીદ ખુદ વારંવાર કહી ચૂકયો છે કે ‘ફિઅર, ટિઅર એન્ડ લવઃ આ ત્રણ બાબતો યુનિવર્સલ છે. બટ નોટ હ્યુમર!’ હોરર, ટ્રેજેડી કે રોમેન્ટિક ફિલ્મો બધે એક જ સરખી રહેશે. પણ કોમેડીમાં ‘યુરોટ્રિપ’ જોઈને ભારતમાં ઓછા લોકો હસી શકશે અને ‘હેરાફેરી’માં શું હસવાનું છે- એ અમેરિકનોને નહિ સમજાય! હસાવવું કંઈ હસી કાઢવાની વાત નથી!

મુદ્દાની વાત એ છે કે સાજીદ ખાન કંઈ પરાણે હસાવવા વાનરવેડા કરતો જોકર નથી. ભારતમાં બહુ ઓછા સકસેસકુલ લોકો માટે એવું કહી શકાય કે હી(ઓર શી) ફુલ્લી ડિઝર્વ્ડ, વોટ હી ગોટ! સદનસીબે, સાજીદને ‘રામલખન’નું ’ ગીત અર્પણ કરતા જરાય ખચકાટ થતો નથી… ‘કરતે હૈ સબ તુજે સલામ, લેતો હૈ સબ તેરા નામ … યે હૈ વો હીરો! હા જી હાં હીરો!’

-ફાસ્ટ ફોરવર્ડ-

‘ઉંચી ક્વોલિટીની સેક્સી રમૂજનો આનંદ માપતા ગ્રાફને શું કહેવાય?’

‘નોનસેન્સેક્સ!’

 અપડેટ 😀


 
22 Comments

Posted by on April 27, 2012 in cinema, fun, inspiration, personal

 
 
%d bloggers like this: