RSS

Daily Archives: April 26, 2012

“વિકી ડોનર” થિએટરમાં જોવા જવાના ૧૯ કારણો :P

કારણ કે….

૧. અનુ કપૂર. અનુ કપૂર. અનુ કપૂર. કેમ અનુપમ ખેર, ઓમ પુરી અને બોમન ઈરાની અબખે પડી જાય એટલી વાર જોવા મળે છે ત્યારે આ એટલો જ વર્સેટાઈલ અભિનેતા મોટા પડદે વારંવાર જોવા નથી મળતો? ‘હમ’ની માફક એણે અહીં પણ ખાસ સંવાદઅદાયગીનો જે લહેકો પકડ્યો છે , એ ભારે લહેજતદાર છે. લાઉડ થયા વિના લાઉડ કેરેક્ટર કેમ ભજવી શકાય એની મિસાલ ખાતર.

૨. જે પ્લોટ પરથી દિવાળી અંકના ત્રણ પાનાં ભરાય એટલી ટૂંકી વાર્તા ય માંડ બને, એના પરથી બનેલી ૧૨૨ મિનિટની ફિલ્મ! મૂળ વાતનું પોત પાતળું હોવા છતાં માવજતને લીધે રીતસર ચોંટાડી રહી શકે એ અનુભવ

૩. પ્રોડ્યુસર જહોન અબ્રાહમે બાવડાં બતાવી કમાયેલા પૈસા બુદ્ધિ બતાવતી ફિલ્મમાં વાપર્યા , એ ‘મર્દાનગી’ માટે

૪. સ્પર્મ ડોનેશન જેવો સબ્જેક્ટ હોવા છતાં એક સાવ સાફસુથરી , ચોખ્ખીચણાક (અમોલ પાલેકરની ફિલ્મો ય થોડીક એડલ્ટ લાગે આની સામે તો એટલી ‘મેચ્યોર’!) સેન્સેટિવ સેટાયરિકલ ફેમિલી ફિલ્મ સર્જવા બદલ

૫. આધુનિક યંગસ્ટરને બદલે ૧૬ જીબીનો આઈ-ફોન જોઈ મોં મચકોડતા, ઇન્ટરકાસ્ટ મેરેજ માટે રાજી થતા ને વહુ સાથે બેસી ડ્રિંક લઇ શકતા ને તો ય મોટા બજેટની ફિલ્મોના એન.આર.આઈ.  કેરિકેચર જેવા હરગીઝ ના લાગતા બુઝુર્ગ ‘બીજી’ માટે

૬. લસ્સીની સોડમ નાકમાં આવી જાય એવી મઘમઘતી પંજાબી ફ્લેવરના દિલ-ખુશ ..ઓફ્ફો ‘દિલ્હી-ખુશ’ વઘાર માટે

૭. પડોશણ ફટાકડીના વાસ્તવિક ‘ચરિત્ર’ ચિત્રણના ચટાકા ચાખવા

૮. યમી ગૌતમ (લૂક એલાઈક ગાયત્રી જોશી ઓફ સ્વદેશ)ની ભાવવાહી આંખો અને ગાયેલા બંગાળી ગીત બિદેશીની માટે

૯. ટીવી બિગ સ્ક્રીનને  શાહરુખખાન, ઈરફાનખાન  અને રાજીવ ખંડેલવાલ પછી આયુષ્માન ખુરાના પણ આપી શકે છે , એ જોવા

૧૦. સિચ્યુએશન પુરી મેલોડ્રામેટિક હોવા છતાં સંવાદો (જુહી ચતુર્વેદી?)એકદમ સહજ અને સચોટ (અને છતાં ય જરૂરિયાત મુજબ ધારદાર અને/અથવા રમુજી – એ ય સાઈટ કે એસ.એમ.એસ.માંથી ઉઠાવ્યા વિના !) કેવા રહી શકે એના ક્યારેક જ બોલીવૂડમાં જોવા મળતા રિફ્રેશિંગ માવઠાં માટે

૧૧. પાની દા રંગ સોંગ….

૧૨. ‘પ્રોગ્રેસિવ’ ફિલ્મને ‘પ્રીચી’ બનાવવાની પુરી ખુજલી આવી શકે છતાં ય, બોરિંગ ભાષણીયા ઉપદેશના સદંતર અભાવનો ઉમદા ઉપકાર કંઈ જેવો તેવો કહેવાય ?

૧૩. પાત્રાલેખન શીખવાડતું બંગાળી પિતાનું પાત્ર. થોડા સ્ક્રીનટાઈમમાં ય કેટલા પાસા ઉજાગર કરી એક પાત્રને સંપૂર્ણ જીવંત માનવીય સ્પર્શ મળી શકે એનું ‘દેખીતું’ ઉદાહરણ સમજવા . દીકરી સાથે ભાવિ જમાઈના બેડરૂમ પરફોર્મન્સની ગુસ્સામાં ય ચર્ચા કરી શકતો બાપ એસ્ટાબ્લીશ થાય, એટલે પાછળથી એ એથી વધુ બોલ્ડ બાબતો અંગે દીકરીને ખુલીને થોડી મનોવૈજ્ઞાનિક વાત કહે એ સાવ જ નેચરલ લાગે છે.

૧૪. જગ્યા ના હોવા છતાં ઠંડી તાજી હવાની લહેરખીની જેમ પ્રવેશીને ફેલાઈ જતો સ્વીટ રોમાન્સ

૧૫. થોડામાં ઘણું કહી જતું નેરેશન. જેમ કે સતત ‘હેન્ડજોબ’ કરી ‘ઘસાયેલો હાથ’ જ્યોતિષી રેખાઓ ના દેખાય એટલે જોવાની જ ના પડે છે (ઓબ્ઝર્વેશન કર્ટસી : આજે જ જોવા સાથે બેઠેલો દોસ્ત ભૂપત પટેલ)

૧૬. જેમના દુ:ખે દુ:ખી, સુખે સુખી થઇ શકાય એવા નાયક -નાયિકા સાથે ‘કનેક્શન’ બનાવતા સુજીત સરકારના  દિગ્દર્શન કાજે. આજ તો ફિલ્મ માત્રની કરોડરજ્જુ હોય છે !

૧૭. હાસ્યની છોળો અને અનપ્રેડીકટેબલ  વળાંકો વચ્ચે ય પુરી ફિલ્મમાં જળવાતું વાસ્તવિક વાતાવરણ  – સ્પર્મ ડોનેશન માટે ઉપલબ્ધ કરતા ડબલ એક્સ મેગેઝિનથી શરુ કરી સિલ્વર જ્યુબિલીના કાર્ડવિતરણ સુધી !

૧૮. એક જરૂરી અને મહત્વપૂર્ણ મુદ્દા અંગે સાચો સામાજિક સંદેશ પુરી રસપ્રદ ઢબે આપવાની મૌલિક પહેલ બદલ. કેનેડિયન ફિલ્મ ‘સ્ટારબક’ કે હવે આવનારી હોલીવૂડની ‘બેબીમેકર્સ’માં સ્પર્મ ડોનેશનની વાત હોવા છતાં આ હિંદી ફિલ્મ પુરી ઓરિજીનલ અને શુદ્ધ ઇન્ડિયન છે.

૧૯. ‘વિકી ડોનર’ મફતમાં ઘેર બેઠાં નહિ, પણ થિએટરમાં જોવાય તો સુજીત સરકારને વધુ ફિલ્મ બનવવા મળે ને એમની પૂરી થઈને ફડચામાં પડેલી અમિતાભ બચ્ચનવાળી ‘જહોની મસ્તાના’ (શૂબાઇટ) પણ રિલીઝ થાય તો જોવા મળે ને !

 
49 Comments

Posted by on April 26, 2012 in cinema

 
 
%d bloggers like this: