RSS

Daily Archives: April 13, 2012

સાલા, મૈં તો શાહરુખખાન બન ગયા ! : વાત એક અલાયદા અમેરિકન અનુભવની…

શાહરુખ ખાનને ફરીથી અમેરિકન એરપોર્ટ (કદાચ કોઈ ત્રાસવાદી સાથેના નામના સામ્યને લીધે ) બે કલાક ડીટેઈન કરાયો , એમાં ભારત સરકારે પણ અંતે આકરો  પ્રતિભાવ આપ્યો છે. એ નિમિત્તે રીડરબિરાદર અનવર પટેલે મારો એક વાસ્તવિક લેખ યાદ અપાવ્યો, જે અહીં મુકું છું :

૨૦૧૦માં અમેરિકા પ્રવાસ દરમિયાન વ્યક્તિગત ખર્ચે ને જોખમે ટુરિસ્ટ એટ્રેકશન ઓરલેન્ડોમાં જવાનું થયું. ન્યૂયોર્કના મેનહટનમાં પરોઢિયા સુધી રખડપટ્ટી કરવાનો તાજો અનુભવ. સાયન્ટિફિક એકિઝબિશન ‘વન્ડરવર્કસ’માંથી મધરાતે ૧૨ વાગેય બહાર આવ્યા પછી થયું, હજુ કંઇ નીંદર નહિં આવે. ટેકસીવાળાને પૂછી યુનિવર્સલ સ્ટુડિયોના મધરાતે બે વાગ્યા સુધી ખુલ્લા રહેતા સિટીવોક તરફ હંકારી ગયો.

સિટી વોક આમ તો માર્કેટિંગ માટેની સ્ટ્રીટ છે. મોટી મોટી બ્રાન્ડસના શોરૂમ, ભપકાદાર લાઇટિંગ. પણ ન્યૂયોર્કથી વિરૂદ્ધ ઓરલેન્ડોમાં મધરાતે સુનકાર હતો. શહેર તો દસ વાગ્યામાં જ જંપી જતું. ઓફ સીઝનમાં પ્રવાસીઓ હતા નહિં, દુકાનો પણ અડધી બંધ હતી.

સો વ્હોટ? આપણે જાગીએ, એટલે જગત જાગ્યું! એકલરામ કેમેરો ઝુલાવતા નીકળ્યા લટાર મારવા. ઝગારા મારતા લાંબા એસ્કેલેટર પરથી પોસ્ટર્સની રંગોળી દેખાતી હતી. ચપોચપ એના ફોટોગ્રાફસ કિલક કરી, પછી નિર્જન સિટીવોકની શાંતિને ચીરીને હાર્ડરોક કાફેના સરોવરમાં પડતાં રોશનીમય પ્રતિબિંબનો સાઇબરશોટ લેતો હતો, ત્યાં ખભે એક વજનદાર હાથ પડયો.

યુનિવર્સલનો એક સિકયોરીટી ઓફિસર ઉભો હતો. બાજુમાં એક આસિસ્ટન્ટ હતો. ઔપચારિક વિવેકવિધિ પછી તરત જ એમણે પૂછયું- ‘વ્હાય આર યુ ટેકિંગ પિકચર્સ ઓન એસ્કેલેટર્સ?’ (તસ્વીરો એસ્કેલેટર પર ચાલતી વખતે કેમ ખેંચી?)

સ્મિત ફરકાવી જવાબ આપ્યોઃ મેકિંગ મેમરીઝ (યાદો બનાવવા!) જવાબ સાચો હતો, પણ કોઇપણ દેશના પોલિસવાળાઓ અને પોએટ્રીને બાર ગાઉનું છેટું હોય છે. ભારતીય બેટ્સમેનો સામે ઝીંકાયેલા શોર્ટપીચ બોલની પેઠે એ એને ઉપરથી ગયો. એણે કેમેરા જોવા માંગ્યો. ‘ગુડ કોપ, બેડ કોપ’ રૂટીન મુજબ બીજાએ સહજભાવે ‘કયાંથી આવ્યા, કયાં જવાના’ જેવી ગુજરાતી ગૃહિણી બ્રાન્ડ વાતચીત શરૂ કરી. ત્યાં સુધીમાં ચાર હથિયારધારી પોલિસવાળા ચોમેર ગોઠવાઇ ગયા હતા. બીજું કોઇ તો ત્યાં હતું જ નહિં. એકે પાસપોર્ટ ચકાસવાનો શરૂ કર્યો. બીજાએ એના વેરિફિકેશન માટે ઉપરીને ફોન જોડયો. ત્રીજાએ હેન્ડબેગ ખોલી નાખી.

હોલીવુડ ફિલ્મોના પ્રતાપે ખ્યાલ આવી ગયો કે એરપોર્ટ જેવા જાહેર સ્થળોએ જવાના રસ્તા કે એલીવેટર્સ (લિફટ)ના નકશા બનાવી ત્રાસવાદીઓ ધુસતા હોઇ, કુતુહલથી લીધેલી તસ્વીરો આ લોકોના મગજમાં શંકાસ્પદ અચરજ જગાવી રહી છે. પૂછપરછ લંબાતી ગઇ. આગળની તસ્વીરોમાં પણ ન્યૂયોર્કના ખુણેખુણા કેદ કરેલા હતાં, જે ત્યાં એટલું સ્વાભાવિક હતું કે પોલિસવાળાઓએ પણ પોઝ આપેલા. પણ ગામ નાનું થાય, એમ ઘણીવાર માનસિકતા પણ દરિયામાંથી ખાબોચિયા જેવી થતી હોય છે. એની વે, પાસપોર્ટ પેલા તગડા સિકયોરીટી ઓફિસરે લઇ લીધો. કેમેરા પણ. લાંબી પૂછપરછ પછી હથિયારધારી પોલિસપર્સન્સને નિર્દોષતાની ખાતરી થઇ ગઇ, અને એ ચાલ્યા ગયા. પણ સ્ટુડિયો સિકયોરીટીને કોઇ મહાન ટેરરિસ્ટ પકડીને મેડલ ઓફ ઓનર જીતવાનું આકડે મધ દેખાયું હશે, એટલે એ અણનમ રહ્યા. મને પૂરતા માન-સન્માન સાથે એમની ઓફિસમાં બેસાડવામાં આવ્યો.

કલાક થઇ જતાં કાઠિયાવાડી કલેજાંની કમાન છટકી. સાચા હોવાની ખુમારી અને ગોંડલમાં મોટા થયા હોઇને ભલભલાને રોકડું જ પરખાવી દેવાનું ખમીર અભયકવચ આપતું રહ્યું છે. હિંમતભેર સત્તાવાહી અવાજે એકલપંડે પરદેશી પોલીસને પડકાર્યા ‘નાઉ ધિસ ઇઝ ગોઈંગ ટુ ફાર.’ મારા દેશને પણ તમારા દેશની જેમ જ ત્રાસવાદ પરેશાન કરે છે, એટલે તમારી ચોકસાઇ સમજું છું, બિરદાવું છું. માટે સહકાર આપું છું. બાકી અહીં કંઇ ફોટોગ્રાફ ન પાડવા અંગેની સાઇન નથી. મારો કોઇ જ ગુનો બનતો નથી. હું જાઊં છું, થાય તે કરી લો!’ ઇમિગ્રેશન લોયર દોસ્ત રથીનનો નંબર સેલમાંથી ડાયલ કરવા માટે તૈયાર રાખેલો. હું તો અમેરિકન વિદેશખાતાના જ આમંત્રણથી ૨૦૦૪માં પ્રવાસ કરી ચુક્યો હોય ભારત ખાતે એમ્બેસીમાં દોસ્તો પણ ત્યારના છે જ. મામલો તંગ બન્યો. અનુભવી ભારતીય પોલીસમેન આંખથી ભરોસો કળી લેતા હોય છે. યંત્રવત્ સુરક્ષા વ્યવસ્થા જાળવતા અમેરિકન પુલીસમેન એવી ‘નોન સીસ્ટમેટિક મેથડ’થી નિર્દોષતાની પરખ કેમ કરે?

અને નજર સામે કોમ્પ્યુટર પડયું. દિમાગમાં બત્તી થઇ. શાહરૂખને એરપોર્ટ પર રોકાયો, એ ઘટના વખતે ખાનસા’બે હાજર સો હથિયાર ફેકેલું- ‘હું ફિલ્મસ્ટાર છું. એ ચેક કરવા ઇન્ટરનેટ પર મારા નામની સર્ચ આપો!’ (વાંચન જ્ઞાન જ આપે છે તેવું નથી, અણીના ટાંકણે તરકીબ પણ સૂઝાડે છે!) કોમ્પ્યુટર પર મારા નામની સર્ચ આપવાનું કહ્યું. ઓરકુટ, ફેસબુક, ટવીટર પર ઢગલાબંધ ફોલોઅર્સ ધરાવતાં પ્રોફાઇલ્સ ખુલ્યા. અનેક પ્રવચનોની તસ્વીરો ખુલી, જેમાં એક તો અમેરિકામાં જ થયેલા પ્રવચનની હતી! વિકિપિડિયાનું પેજ, ગુજરાત સમાચારની સાઇટ, અમેરિકા પ્રવાસની જ ફ્રેશ ટવીટ્સ, ફેસબુક પરના ફલેરિડા અંગેના સ્ટેટસ- તરત જ મામલો (અને માણસ) જેન્યુઇન હોવાની ખાતરી થઇ. ઓફિસરે કહ્યું ‘યસ મેન, રિયલી યુ આર એ રાઇટર!’ સોશ્યલ નેટવર્કિંગ સાઇટસ જીવ લેતી જ નથી હોતી, બચાવતી પણ હોય છે! એ છેક ટેકસી સ્ટેન્ડ સુધી મુકવા આવ્યો, ટેકસી પકડાવી ગુડબાય કરી પાછો વળ્યો- અલબત્ત, કેમરામાંથી પેલી તસ્વીરો ડિલિટ કરીને જ!

અપુન ભી શાહરૂખખાન માફક સેલિબ્રિટી બન ગયા!

* * *

એ રાત્રે થોડો કચવાટ થયો. કોઇને દેખાવ કે અજાણતા થયેલા વર્તનને આધારે પાવરના જોર પર આરોપીના કઠેરામાં ઉભા કરી દેવાનો એક ક્ષોભ હોય છે. ત્યારે સજા ભલે ન થાય, પણ વગર વાંકની શંકા પણ એક સજા જ હોય છે.

દલિતો- મુસ્લીમો – આફ્રિકનોના ઘણા સમુદાયને જે કોમવાદી- રંગભેદી અપમાનબોધનો અજંપો થતો હોય છે, એ ફિલ્મોમાં જોઇને નહિં, સ્વાનુભવે સમજી શકાય- એવી વાત છે. એમાંથી જ પ્રત્યક્ષ વિવેકના પોપડા તળે પરોક્ષ રોષનો લાવારસ ભભૂકવા લાગે છે. એક આવા પ્રમાણમાં ઓછા તીવ્ર અનુભવનો ચચરાટ ભણેલા અને માનવસ્વભાવ ગણેલા મારાં જેવા માણસને આવો થાય, તો આથી વધુ જલદ અનુભવોમાંથી રોજેરોજ ભારતમાં પસાર થતા “નીચી જાતિ”ના ગણાતા લોકો, ગોરા દેશોના કાળા નાગરિકો અને વિશ્વમાં શાંતિથી જીવવાવાળા અનેક મુસ્લીમોના દિલો-દિમાગમાં કેવી ઝેરીલી કડવાશ ઘૂંટાતી હશે એ સહજ સમજી શકાય તેમ છે.

અલબત્ત, એ ય છે કે સ્વદેશમાં આવી ઘટના બની હોત તો પોલીસવાળાઓએ આટલો સમય જાળવ્યા વિના પહેલો જ શિકાર સ્વમાનનો કર્યો હોત. ગાળો કે ગડદાપાટુથી જ વાત કરી હોત. નિત્યપ્રવાસી હોઇને આવી તોછડાઇની તુમાખી પણ ભારતવર્ષમાં જોઇજાણી છે. એ યાદ આવતાં અમેરિકન પોલીસ પ્રત્યેની અકળામણ ઘટી. એક પોલીસવાળાએ ઉલટતપાસ દરમિયાન કહેલું જ ‘આવું અગાઉ નહોતું. પણ નાઇન ઇલેવન પછી બઘું ફરી ગયું. આ દેશની ફ્રીડમ ઉપર નાછૂટકે વોચ રાખવી પડે છે!’ બ્રેવો, એ ય હકીકત છે કે આવી કડક ચોંપને લીધે જ દસ વર્ષમાં ત્યાં ત્રાસવાદીઓ સૂતળી બોંબ પણ ફોડી શકયા નથી. પરંતુ, લાદેને ટવીન ટાવરનો જ નહિં, વગર પાડયે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો પણ ભોગ લીધો છે!

વેલ, છતાં ય પછીના દિવસોમાં મોકળાશથી થયેલી રોમાંચક સફરની મીઠાશમાં આ અનુભવની તુરાશ તો ઓગળી ગઈ (પ્રચલિત માન્યતાની વિરૂઘ્ધ આપણા ડોમેસ્ટિક એરપોર્ટસ પર સિક્યોરિટીના નામે જેટલી માથાકૂટ છે, એ પ્રમાણમાં અમેરિકન એરપોર્ટસ સાવ સરળ અને કસ્ટમર ફ્રેન્ડલી છે! જ્યાં સુધી તમે ડાઉટફૂલ ના હો ત્યાં સુધી સ્તો!) પણ આ વાત કેટલાક ભારતીય મિત્રોને કરી ત્યારે ટિપિકલ રિસ્પોન્સ આવ્યો- એ રોફ મારતા જગતજમાદાર અમેરિકાની તો…

વેઈટ. થિંક. એ માનવસ્વભાવ છે કે જે વઘુ સફળ હોય, પ્રભાવશાળી હોય, પાવરફૂલ હોય એની એક છૂપી ઈર્ષા બધાને થતી હોય. એના પતનમાં અફસોસ સાથે રાજીપાની પણ લાગણી થાય. આપણા તો આખા સમાજને અમેરિકાનું ઓબ્સેશન છે. કોઈ કારણ વિના ફિલ્મવાળાઓથી ધર્મગુરૂઓ, શિક્ષકોથી પત્રકારો, કળાકારોથી વેપારીઓ, નેતાઓથી નેટિઝન્સ- તમામને અમેરિકાને ભાંડવામાં એક પ્રકારનો વિકૃત આનંદ થતો હોય છે. આ રીતસરની સેડિસ્ટ (પરપીડનવૃત્તિવાળી) મનોવૃત્તિ છે ગમે તે વિષયની ચર્ચામાં અમેરિકા અને પાશ્ચાત્ય સંસ્કૃતિને વખોડવાનો ઉદ્યમ શરૂ થઈ જાય! આ ડરેલા, હારેલા સમાજની નિશાની છે. સ્વસ્થ સમાજ આટલી પારકી પંચાત જ ન કરે! પોતાની લીટી મોટી કરે!

ઓબામા ભારત આગમનની ઠેકડી ઉડાડનારાઓ પણ ઈસપી શિયાળ જેવા છે. જો ઓબામા એમની સાથે ફોટો પડાવે તો વંડી ઠેકીને ટૂથપેસ્ટની જાહેરાતો જેવું સ્માઈલ આપતા આ જ લોકો ઉભા રહી જાય, અને એને સોનેરી ફ્રેમમાં મઢાવે અને આજીવન પ્રચારપત્રિકામાં એનો ઉલ્લેખ કરે! બાકી સતત ‘એ લોકો કેવા કપડા પહેરે (કે ન પહેરે!)’, ‘એ લોકો કેવું ખાય’થી લઈ ‘એ લોકો કેવી રીતે સેક્સ કરે’ સુધીની કૂથલી ચૂંથ્યા કરે! અમેરિકામાં કોઈ ભારતીય સંસ્કૃતિની બાબતમાં આવી રીતે નાક ખોસતું નથી. ઉલટું ભોળાભાવે એને જાણવા સમજવાની કોશિશ કરે છે!

મુદ્દાની વાત પર આવીએ. અમેરિકા પહેલેથી જ ‘મોટાભા’ થવાની પાઘડી ચડાવીને ફરે છે. એ જગતજમાદાર છે. રશિયાના પડી ભાંગ્યા પછી ખુલ્લેઆમ એને પડકારવાની કોઈનામાં ત્રેવડ નથી.

ભલે, એનું અર્થતંત્ર વાંકદેખાઓની નજરે પડી ભાંગેલું લાગે- પણ આજે ય એ મંદીમાં ય ૧૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી છે (આપણી ૧ ટ્રિલિયનની પણ નથી!). અમેરિકાની સિઘ્ધિ એનો ‘ડારો’ છે. એની ધાક છે. એ વટભેર સામી છાતીએ લડી અને ઝખ્મો મેળવીને મેળવેલી છે. પોચકાં મૂકીને નહિ. આપણને ય આનો અંદરથી અહેસાસ છે. એટલે હેડમાસ્ટરની જેમ ઓબામાસાહેબ- પાકિસ્તાનને ખીજાય, ત્યારે આખો દેશ ગેલમાં આવી જાય છે! (પાછા એ જ પળે આપણે એવું કહેતા ય હોઈએ છીએ કે પાકિસ્તાન અમારો આંતરિક મામલો છે, અને અમારે આંતરરાષ્ટ્રીય દખલગીરીની જરૂર નથી! છાશ લેવા જવું, ને દોણી સંતાડવી?) અમેરિકા એક ઈન્ટરનેશનલ બેલેન્સર છે.

એની વઘુ એક સાબિતી બીજા અનુભવમાંથી મળી. અગેઈન એલોન મધરાતે ‘ટાઈમ્સ સ્ક્વેર’માં ફરતા ફરતા ફોટો ખેંચવા માટે એક ભારતીય જેવા દેખાતા ભાઈને રિકવેસ્ટ કરી. એણે પોતાની તેડેલી બાળકીને ઉતારી મહેનત કરીને સરસ તસવીરો ખેંચી આપી. એ ય પોતાની શરમાળ યુવાન પત્ની અને નાનકડી દીકરીને તેડી રાતની રોનક બતાવવા નીકળ્યો હતો. વાતો હિન્દીમાં શરૂ થઈ.

એ પાકિસ્તાની હતો, અહીં ટેક્સી ચલાવતો હતો. પહેલી વખત એના પત્ની અને બાળકને અમેરિકા બતાવવા એણે તેડાવ્યા હતા. ભારે સંકોચ સાથે એણે પોતાની પરિવાર જોડે તસવીરો ખેંચવા વિનંતી કરી. એ કામગીરી મેં સહર્ષ પુરી કરી. બાળકી ખિલખિલાટ હસતી હતી. પત્ની મુગ્ધ ભાવે થોડાક ડરથી આસપાસનો નઝારો નિહાળતી હતી. એ બિરાદરે જરાક ઓઝપાઈને (શરમ સાથે) હિન્દીમાં કહ્યું ‘હમારે મુલ્ક કે કુછ ગલત ખયાલ વાલે લડકોંને આપકે યહાં જો કિયા, વો અચ્છા નહિ કિયા! યહાં પે હિન્દુસ્તાની – પાકિસ્તાની સાથ મિલ કે રહ સકતે વહાં નહી રહ સકતે!’ એની નજરમાં પણ એક છોભીલાપણું હતું. ઠીક છે, મહોબ્બત ભરી મુસ્કાન સાથે છૂટા પડયા.

એક ભારતીયને એક પાકિસ્તાનીને મળવામાં જરાક ખૌફ અને ઝાઝો ક્રોધ આવે, એન્ડ વાઈસે વર્સા, છતાં એને કે મને એકબીજાનો કોઈ ડર નહોતો. બંને આરામથી એકબીજાના મતભેદ પર વાત કરી શક્યા. ખુલ્લા દિલે નિખાલસ લાગણીઓ બતાવી શક્યા. કારણ કે, એ ઈલાકામાં એક એક મીટર પર એક એક હથિયારધારી પુલિસ તૈનાત હતા. કશીક ઝપાઝપી પણ થાય તો પળવારમાં કૈદે બામુશક્કત! આ અમેરિકન ‘ડારો’ હતો, કાનૂનની ધાક હતી- માટે ડાહ્યાડમરા થઈને સંવાદ કરવાની ખુશનુમા આબોહવા હતી. અમનચૈનની વાતો આરામથી થઈ શકે, એ માટે ય આસપાસ શાંતિ જળવાય એટલી સશસ્ત્ર શક્તિની લોખંડી શિસ્ત જોઈએ! શાંતિ વિના વિકાસ નથી, વિકાસ વિના સુખ નથી- પણ કડક ધાક વિના શાંતિ નથી! અને સખ્ત પગલા વિના કડક ધાક નથી. એકતા ભજન કરતાં ભોજનની લાલચ અને ભંજનના ડરથી વઘુ ઝડપથી ખીલે છે.

ઠીક છે. ઓબામા વેપાર કરવાને માટે શીરા સાટુ શ્રાવક થઇને આવ્યા હતા તે કોણ નથી જાણતુ? આપણે શું ધર્માદો કરવા અમેરિકન વિઝા માંગીએ છીએ કે ડોલર કમાવા? ગ્લોબલાઇઝેશનને આપણે એક પોલિસી (નીતિ) માનીએ છીએ. એ વાસ્તવમાં એક સ્ટ્રેટેજી (વ્યૂહરચના) છે, જેમાં બોર આપી કલ્લી કઢાવતા ચીનની જેમ શીખવું પડે. સીધીસાદી બે વાત છેઃ ભારત એટલે સુરેશ કલમાડી અને એ રાજા નહિં, એમ અમેરિકા એટલે માત્ર નેતાઓ નહિં. અને આઝાદી પછી અમેરિકાને અવગણવાની ભૂલ ભારતે ટંગડી ઊંચી રાખીને પણ પડયા પડયા સુધારવાની છે.

અમેરિકા કે ભારત કોઇ પરફેક્ટ નથી. પણ બંને મેઇડ ફોર ઇચ અધર છે. માત્ર લોકશાહી તરીકે નહિ, વ્યાપારની ગરજ ખાતર પણ નહિ, પરંતુ મલ્ટીકલ્ચરલ મેલ્ટિંગ પોટ તરીકે સ્વતંત્ર નાગરિકતાની મોકળાશ માટે.

અને વધુ પડતા યાંત્રિક અભિગમ વાળી, “શંકાશીલ” સાસુ જેવી  સુરક્ષાવ્યવસ્થામાં અમેરિકા આ મોકળાશ જ ક્યાંક ગુમાવતું જાય છે!

 ફાસ્ટ ફોરવર્ડ

 ‘Knowledge is the currency of 21st century!’
(બરાક ઓબામાનું ભારતીય સંસદમાં આપેલા યાદગાર પ્રવચનમાંનું યૂથફૂલ ક્વોટેબલ ક્વોટ- હવે તો વાંચો ગુજરાત)

પાકિસ્તાની મિત્રે ટાઈમ્સ સ્ક્વેર પર ખેંચેલી મારી તસવીર...

 
30 Comments

Posted by on April 13, 2012 in personal, travel

 
 
%d bloggers like this: