RSS

Daily Archives: April 3, 2012

અસ્મિતાપર્વ : સ્મૃતિઓનું સ્મિત…

આજે ૩ એપ્રિલે, મોરારિબાપુની ઉપસ્થિતિમાં મહુવા-તલગાજરડા ખાતે  અસ્મિતાપર્વ-૧૫માં બપોરે ૩.૩૦થી ૭ની બેઠકમાં “યુવાચેતના અને લોકપ્રિય સાહિત્ય” વિષય પર મારું વ્યાખ્યાન છે. જેનું જીવંત પ્રસારણ “આસ્થા” ચેનલ પર થશે. આ બેઠકમાં સામ પિત્રોડા, કાજલ ઓઝા અને ડૉ. શરદ ઠાકરના વ્યાખ્યાનો પણ છે (સંચાલન : મનોજ શુક્લ). ક્રમ નિશ્ચિત નથી. સંભવત: પાંચેક વાગે મારે બોલવાનું થાય, પણ આખી બેઠક..અરે, આખું અસ્મિતાપર્વ જ માણવા જેવું હોય છે અને આસ્થા પર લાઈવ આવે જ છે. માટે આ સિવાયની બધી જ સવાર-બપોરની સાહિત્ય-કાવ્ય બેઠકો અને સાંજના સંગીત-નૃત્ય સમારંભોનો યથાશક્તિ – યથામતિ લાભ લેવો 🙂 ૬ એપ્રિલની બપોરે હનુમાનજયંતી નિમિત્તે બાપુ વ્યાખ્યાન આપે ત્યારે એનું સમાપન થશે.

ત્યાં રોકાઈને એ માણવાની રંગત તો ઓર હોય છે. પ્રકૃતિના ખોળે સમરસિયા દોસ્તો અને ભાવકો સાથે સ્વાદિષ્ટ ભોજન તન અને મનનું કરતા વાતોની નદીઓનો દરિયો ઉલેચવાની લિજ્જત ! :-” એક બાર જોગે, તો બાર બાર આઓગે જેવી. પ્રચલિત (ગેર)માન્યતાથી વિરુદ્ધ એમાં ના તો કોઈ બાપુ પ્રત્યે પરાણે પ્રીતિ બતાવવાનો દુરાગ્રહ હોય છે, ના તો કોઈ ‘ધાર્મિક’ પ્રચારનો નિયમ. સાહિત્ય – કળા માટે આટલું તપ કરનારો અને ઉમળકાથી વૈશ્વિક વૈવિધ્યને મોકળું મેદાન આપી પ્રોત્સાહન આપનારો બીજો કોઈ ધર્મગુરુ / કથાકાર તો શું શ્રેષ્ઠી કે શાસક પણ મેં નરી આંખે જોયો નથી. તમે જોયો હોય તો બતાવવાની મને છૂટ છે.

અસ્મિતાપર્વ થકી જ પ્રણવ અધ્યારૂ જેવા કરીબી દોસ્તની નજીક આવવાનું વર્ષો પહેલા બન્યું. સલીલ દલાલ જેવા હુંફાળા મિત્રના દર્શનનો પ્રથમ લાભ મળ્યો. નગીનદાસ સંઘવી સાથે કલાકોની ગોષ્ઠી થઇ. અને ગત વર્ષે મારી ડહાપણની દાઢ પ્પણ ત્યાં જ નીકળી! અને ત્યારે તો પપ્પા પણ સાથે આવેલા જેમણે કમલભાઈ અને હકીમભાઇએ પ્રેમથી સાચવેલા ને યુવાકવિઓ સાથે એક મોટરસફર ખેડેલી…જયદેવભાઈ અને દિલીપભાઈ જેવા એના સંયોજકોને ખરેખર સલામી આપવી પડે. ને હરીશચંદ્રકાકાનો વડલામાંથી ચળાઈને આવતો હોય એવો અવાજ તો પર્વ છોડ્યા પછી ય સંભળાયા કરે! ઈલિયાસ, શૈલેશ, સમીરભાઈ જેવા મિત્રો સંગાથે બસમાં જતો ને બાલ્કનીમાં પડ્યો રહેતો ક્યાંક સાંકડી જગ્યા રોકીને ત્યાંથી આજે કારમાં જાઉં છું તો ય રોમાંચ એવો જ છે. એનો કન્ટેન્ટ ટીવી પર આવી જાય છે. પણ માહોલ તો વોલેટમાં ય ભરીને લઇ આવી શકાય તેમ નથી! હબીબ તન્વીરનો ખરજનો અવાજ અને પરવીન સુલતાનાની ભૈરવી સાંભળવા મળી. અગાઉ ૨૦૦૮મા મારું ત્યાં વ્યાખ્યાન અભૂતપૂર્વ કહેવાય એવા વિષય ‘સિનેમા’ પર હતું. જે આજે ય રસિકજનો ભાવપૂર્વક યાદ કરે છે. એ સ્મૃતિ તાજી કરવા ત્યારની તસવીર મુકું છું. સ્મૃતિઓની માફક એમાં શરીર પર પણ વધુ મેદ દેખાશે 😉 હવે તો અસ્મિતાપર્વના જુના વ્યાખ્યાનો  / કાર્યક્રમો  ગ્રંથ / ડીવીડી રૂપે પણ ત્યાં જ ઉપલબ્ધ હોય  છે. બ્લોગિંગમાં ફરી થોડો અંતરાલ આવશે…પણ નેટ પર નજર નાખતો રહીશ. (યુવાચેતનાનો એ ય એક હિસ્સો છે ને ! :-P) હજુ આ વાઘ વિશે લખવાનું વચન ભૂલ્યો નથી અને અસ્મિતાપર્વની ટીટ-બીટ્સ પણ સમય મળ્યે મોબાઈલમાંથી અહીં મુકતો રહીશ અંગ્રેજીમાં…

અચ્છા , તો હમ ચલતે હૈ…

 
33 Comments

Posted by on April 3, 2012 in art & literature, personal

 
 
%d bloggers like this: