RSS

Daily Archives: March 28, 2012

યે દેશ હૈ વીર જવાનો કા… ઓહ! રિયલી?!

આજે ચીફ ઓફ આર્મી સ્ટાફ વી.કે. સિંહે વડાપ્રધાનને લખેલો પત્ર કે જેમાં ભારતીય સેનાની હાલત કેવી ખસ્તાહાલ છે, એની વિગત આવતા રાબેતા મુજબ આપણા રાજકારણીઓએ મૂળ મુદ્દાને ચાતરી,ઉસ્તાદ વકીલની અદામાં પ્રોટોકોલના નામે મામલાનો ઓટોગોટો વાળવાની શરૂઆત કરી દીધી છે. સાવ બેઝિક બાબતોમાં લશ્કર કેવું લથડી રહ્યું છે , એની બેઝિઝક ચર્ચા જનરલ સાહેબે છેડી છે. જન્મતારીખના મામલામાં હાસ્યાસ્પદ ઠરેલા સિંહ સાહેબ અહીં પુરા સિરિયસ અને સિન્સિયર દેખાય છે. આજે એમને એક જવાબદાર વડા તરીકે જે વાત ઉઠાવી એ છેક ૧૦ એપ્રિલ, ૨૦૦૯માં મારાં લેખમાં વિગતવાર મેં લખી હતી ને એનો અણસાર (રાબેતા મુજબ) સમયથી વહેલો આપ્યો હતો. આજે આ લેખને અધિકૃત માન્યતા મળી એના આનંદ સાથે, મૂળ સ્થિતિ જરાય બદલાતી નથી, એનું પારાવાર દુઃખ છે. મૂળ લેખ જેમનો તેમ મુકું છું.

#

‘જો મારા દીકરાએ ફૌજી બનવાની ઇચ્છા જાહેર કરી હોત, તો હું જાતે જ એને ગોળી મારી દેત!’

આ શબ્દો ૧૬ વર્ષની ઉંમરે નેશનલ ડિફેન્સ એકેડેમી જોઇન કરી ૩૬ વર્ષની નોકરી પછી ભારતીય સેનામાં બ્રિગેડિયર બનેલા એક દેશભકત અફસરના છે! બ્રિગેડિયરસાહેબે નામ ન આપવાની શરતે એક નાનકડા મિડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ૩૬ વર્ષની એકધારી નોકરી પછી એવું સ્પષ્ટપણે માને છે કે લશ્કરમાં જીંદગી ખતમ કરવાથી કોઇ બહેતર ભવિષ્ય નથી.

એમને હતું કે બ્રિગેડિયર બન્યા પછી એ જુનિયર અફસરો માટે કંઇક કરી શકશે. પણ એમને અહેસાસ થયો કે એમના કરતાં ઓછી નોકરીમાં સંયુક્ત સચિવ જેવા વજનદાર પદે પહોંચી ગયેલા સરકારી બાબુઓને પત્ર લખવા સિવાય એ ખાસ કંઇ કરી શકતા નહોતા. કારણ કે, મહત્વના નિર્ણયો તો સરકાર લેતી હોય છે! સતત થતાં પોસ્ટિંગ્સ, જોખમની જીંદગી, કુટુંબજીવનનો ભોગ… આ બધા પછી મોહભંગ અવસ્થામાં બ્રિગેડિયરજી કહે છે ‘લોકો છૂટાછેડા શા માટે લે છે? કારણ કે એમને લાગે છે કે જીવનસાથી માટે પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો કે સાથીને પોતાના સાથની જરૃરિયાત નથી રહી… બસ, એ જ કારણથી હવે મને યુનિફોર્મનું આકર્ષણ નથી. લોકો લશ્કરમાં પૈસા માટે નહિં, પણ ઇજજત માટે જોડાતા હતા. પણ આજની દુનિયામાં એક જ બાબતથી ઇજજત મળે છે- રૃપિયા!’

* * *

ભારતીય સૈન્ય ઘણા વખતથી એક અદ્રશ્ય શત્રુનો મુકાબલો કરી રહ્યું છે. ના, બેહતુલ્લાહ મસૂદ જેવાઓના જેહાદી ત્રાસવાદની વાત નથી. અફસોસ, યે અંદર કી બાત હૈ! વિશ્વના ચોથા નંબરની ગણાતી ભારતીય સેના એક કટોકટી સામે ઝઝૂમી રહી છે, જેનો ફિલ્મી પડદે દિલધડક લશ્કરી ઓપરેશન જોઇને પોપકોર્ન ખાતા કે ટ્રાવેલિંગમાં મળી જતા સૈનિકને તાળીઓથી વધાવી જય જવાન કહેતા સમાજને કદાચ અહેસાસ નથી. ૨૦૦૯ના વર્તમાન વર્ષની ૧૬ જાન્યુઆરીએ ‘આર્મી ડે’માં ચીફ ઓફ આર્મી સ્ટાફ દીપક કપૂરે પોતે પ્રગટ કરેલી આ ચિંતા છે, કોઇ ટીવી ન્યુઝ ચેનલના બ્રેકિંગ ન્યૂઝની સ્ક્રોલિંગ પટ્ટી નથી! (આવા હાર્ટબ્રેકિંગ ન્યૂઝ ભાગ્યે જ એમાં સ્થાન પામતા હોય છે!) ભારતીય લશ્કરને ખોટ જઇ રહી છે. ના, મનીની નહિં, મેનપાવરની!

આજે જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રાસવાદ, ઝેરીલા પાડોશીઓ અને રાષ્ટ્રીય સ્તરે અવ્યવસ્થા, આફતો, રમખાણો, બોમ્બ બ્લાસ્ટના મોરચા ખૂલી ગયા છે, ત્યારે ભારતીય સેનામાં કુલ ૪૬,૩૧૫ ઓફિસર્સની જરૃરિયાત સામે ફકત ૧૧,૨૩૮ લશ્કરી અફસરોની ખાધ છે! મતલબ આપણે ૨૫% ઓછી કેપેસિટી સાથે ‘યુદ્ધસ્વ’ના હાકલા પડકારા કરી રહ્યા છીએ! લશ્કર પૂરેપૂરૃં સુસજજ અને ‘ટિપ-ટોપ’ હોય એ કોઇપણ દેશની ફર્સ્ટ પ્રાયોરિટી ગણાય. ૧૦૦% લશ્કરને સમર્પિત કરવાનું હોય, પણ અહીં તો લશ્કરની ક્ષમતા જ ૭૫% થઈ ગઈ છે!

આપણી જ્ઞાતિવાદી ચૂંટણીમાં જેની બિલકુલ ચર્ચા નથી થતી એવા રિયલ ઈસ્યૂઝને સમજવા માટે જરા આ ‘બ્લડ ટેસ્ટ’ના આંકડાઓ જાણી લો. ઈન્ડિયન નેવીને ૧૪૩૦ અધિકારીઓની અને ઈન્ડિયન એરફોર્સને ૧૩૬૧ અધિકારીઓની ‘અછત’ છે! (આર્મીનો આંકડો આગળ લખ્યો તે યાદ છે ને? ૧૧,૨૩૮!) નવી ભરતી ખાસ થતી નથી અને જૂના તૈયાર હોંશિયાર અફસરો સમયથી વહેલા નિવૃત્ત થવા માટે રેસ લગાવી રહ્યા છે!

રાષ્ટ્રીય રક્ષા એકેડેમીમાં ૩૦૦ કેડેટસની સંખ્યા સામે ૨૦૦૭માં ૧૯૦ કેડેટસે એડમિશન લીધા તો ભારતીય સૈન્ય અકાદમીમાં ૨૫૦ની ક્ષમતા સામે ફક્ત ૮૬ સિટસ ભરાઈ! અધિકારીઓની કમી પૂરી કરવા ચેન્નઈમાં ‘ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી’ જેવી એક નવી સંસ્થા ‘વિચારાધીન’ છે, જ્યાં સામાન્ય કેડેટને ઓફિસર થવા માટે ટ્રેઈન કરી શકાય… પણ નવા કેડેટસની સંખ્યાનો આંક તો સેન્સેક્સની જેમ સતત લુઢકતો જાય છે! સામે પક્ષે મહેનત અને તાલીમથી ઘડાયેલા પાસાદાર હીરા જેવા અનુભવી, તેજતર્રાર અફસરો આર્મી છોડીને ચાલતા થઈ જાય છે! રણમેદાનમાં પીછેહઠ ન કરનારા જવાંમર્દો નોકરી છોડીને ભાગી જવા તત્પર છે!

શું? આ વાત ગળે નથી ઉતરતી? ૨૦૦૩થી ૨૦૦૭ સુધીમાં ફરજમાંથી છુટા કરવા માટે સેનામાં ૩,૪૭૪ અરજીઓ ‘વોલન્ટરી રિટાયરમેન્ટ’ની આવી, જેમાંથી ૨૦૭૬ તો મંજૂર પણ કરવી પડી. ૨૦૦૩માં સ્વૈચ્છિક સેવા નિવૃત્તિની ૩૮૭ અરજીઓ હતી. ૨૦૦૪માં વધીને ૪૩૦ થઈ, જેમાંથી ૨૯૦ તો મંજૂર પણ થઈ. ૨૦૦૫માં ૫૩૫માંથી ૩૬૫ મંજૂર થઈ. ૨૦૦૬માં ૮૧૦માંથી ૪૬૪ મંજૂર થઈ. ૨૦૦૭માં ૧૧૩૦ અરજીઓ થઈ… એજ વર્ષે નેવીમાં પણ નોકરી વહેલી છોડવા માટે ૨૮૪ અને એરફોર્સમાં એવી જ ૨૮૭ અરજીઓ થઈ…

કેમ ‘ફેરવેલ ટુ આર્મ્સ’ થવા લાગ્યું છે? શું ગાંધીજીના અહિંસાના મુદ્દે લશ્કર વિખેરી નાખવાના ઉપદેશની મોડે મોડેથી અસર થઈ રહી છે? કે શાંતિના સંદેશવાળી ઓલિવ વૃક્ષની ડાળી પકડેલા કબૂતરોની ઉડાઉડ વધી ગઈ છે? ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’ ગીત ફ્રન્ટ પર જતી વખતે દેશવાસીઓને સંભળાવવાને બદલે સહકર્મચારીઓને કેમ સંભળાવાઈ રહ્યું છે? ‘ડર કે આગે જીત હૈ’ને બદલે ‘જીત કે આગે ડર હૈ?’ શું અમનચૈનના પૈગામવાળી ફિલ્મો અને ગીતોની આવી અદ્ભૂત અસર છે?

વેલ, લશ્કરનો જવાન પણ અંતે તો સમાજનો હિસ્સો છે. સમાજમાંથી જ આવે છે. સમાજજીવનમાં, માનસિકતામાં, વિચારોમાં આવતા ફેરફારોની અસર તેના પર પણ થવાની જ. જો ચોમેર વિકાસવાદ ફેલાયો હોય… બધાને લકઝુરિયસ લાઈફ અને કમ્ફર્ટેબલ રિલેક્સેશનની ભૂખ હોય, તો જવાન કરતા જરા વધુ ભણેલાગણેલા અને તેજસ્વી એવા અધિકારીઓ પણ એ ઝંઝાવાતમાં ઉડયા વિના કેમ રહી શકે?

બેઝિકલી- નામ, નમક અને નિશાનના નારાથી કોઈ સમજદાર હોંશિયાર ઉચ્ચ શિક્ષિત માણસ દેશ ખાતર ફના થઈ જાય, એ માહોલ જ ‘મેરા ભારત મહાન’માં ઉનાળાની બપોરે ખુલ્લામાં રાખેલો બરફનો ગોળો ઓગળી જાય એમ પીગળી રહ્યો છે. દેશભકિતની વાત કહેતી ફિલ્મો પણ ચાલતી નથી. કોમેડી એન્ટરટેઈનર, મ્યુઝિકલ થ્રીલર્સ ચાલે છે! યંગ જનરેશન આઈઆઈએમ કે આઈઆઈટીના એરકન્ડીશન્ડ કરિઅર ઓપ્શન્સ પાછળ ક્રેઝી છે. સવારે સાડા ચારે ઉઠીને કમાન્ડો ટ્રેનિંગ લેવી, ૧૦ કિલો વજન ઉંચકી ૧૧ કિ.મી. દોડવું, ઘરથી દુર રહેવું, જે મળે તે ખાવું, હુકમોનું પાલન કરવું… આ બધું એમના લિસ્સા મિજાજને માફક આવતું નથી!

કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના સત્તાવાર પરફોર્મન્સ ઓડિટ રિપોર્ટમાં અનેક ખામીઓ પર સર્ચલાઈટ મૂકાઈ છે. ટેકનોલોજી અને લેટેસ્ટ વેપન્સની બાબતમાં ભારતીય લશ્કર (નેતાઓની ‘લઘુ’ દ્રષ્ટિને લીધે) કાયમ બેકફૂટ પર રહે છે. રિસર્ચ અને ડિમાન્ડ પછી પણ દેશમાં ઉત્તમ શસ્ત્રો બનતા નથી (બનવા દેવાતા નથી?) અને કરોડોની કટકીવાળા વિદેશી હથિયારોના કૌભાંડી સોદાઓ ઉચ્ચ સ્તરે થયા કરે છે. કારગિલ યુધ્ધ પછી અમેરિકન ગુપ્તચર એજન્સીઝે ભારતીય લશ્કરમાં ‘કો-ઓર્ડિનેશન’ના અભાવની ખામી દર્શાવી હતી, જે ૨૬/૧૧ની ઘટના વખતે મુંબઈમાં પણ જોવા મળી. લાહોરમાં પાકિસ્તાની લશ્કરે જે ઓપરેશન કર્યું એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારતીય લશ્કર કરતાં વધુ અસરકારક નીવડયું. એ તો નજર સામે છે. અંતે તો યુધ્ધમાં રિઝન્સ નહિ, રિઝલ્ટ જોવાય છે! અને લડવાની પ્રેકટિસ આપણા શત્રુદેશોના લશ્કર પાસે વધુ છે!

ફકત જરીપુરાણા હથિયારોની પણ વાત નથી. લશ્કરમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન વધતા જાય છે. બિનસત્તાવાર અહેવાલો મુજબ ૨૦૦૬માં જ ૧૦૦ જેટલા અપમૃત્યુ સેનામાં થયા હતા (સામી છાતીએ લડવામાં મૃત્યુઆંક હતો ૭૨!) જેમાં આત્મહત્યા કે અંદરોઅંદરની મારામારી જવાબદાર હતી! જુવાનજોધ, ખડતલ, મજબૂત તન – મનની તાકાત ધરાવતા પ્રતિષ્ઠિત સોલ્જર્સ – ઓફિસર્સ આપઘાત શા માટે કરે? અને એવા ટેન્શનમાં લશ્કર જીવતું હોય, એ વાસ્તવિકતા જ ‘સિવિલિયન’ નાગરિકોનો સ્ટ્રેસ વધારવા પૂરતી નથી?

મૂળ વાત તો એ છે કે, લશ્કરની નોકરીનો પહેલા જેવો મોભો કે ‘ચાર્મ’ રહ્યો નથી. જોખમમાં જીવવાના રોમાંચ કે ‘ખતરો કે ખિલાડી’ બનવાની સાહસવૃત્તિ કે દેશને માટે જાન કુરબાન કરવાની જાનફેસાનીની સર્વોચ્ચ ભાવના ઓછી થતી જાય છે. સિયાચીન ગ્લેશ્યરની કડકડતી ઠંડીમાં ફરજ બજાવવાને બહાદૂરી કરતા પાગલપન કહેનારા યંગસ્ટર્સ વધુ છે! જૂના જમાનાના કડક સ્ટાન્ડર્ડ મુજબ ભરતી કરવા જાવ, તો નવા અફસર મળે નહિં. હવે એમાં ય શિસ્ત, નિયમ, સ્વભાવના મામલે થોડા આધુનિક થઈને બાંધછોડ કરવી પડે, તેવી હાલત છે! (એડમિશન વધારવા પાસિંગ સ્ટાન્ડર્ડ નીચું લઈ આવ્યા વિના છૂટકો નથી!) ગલીના મવાલી કે કબાડાબાજ ઉદ્યોગપતિને મળે એટલો આદર – સન્માન લશ્કરી આદમીને મળે છે ખરા? જરા આસપાસ નજર કરીને વિચારજો!

માન તો ઠીક, જીવવા માટે ધન પણ જોઈએ. એકચ્યુઅલી આર્મી ડિસિપ્લીન એન્ડ ટ્રેનિંગથી તૈયાર થયેલ ટેલેન્ટેડ લોકોની ખાનગી ક્ષેત્રમાં માંગ છે. જયાં જોખમ વિનાની આરામદાયક જીંદગી જીવતા જીવતા વધુ પૈસા કમાઈ શકાય છે. ફેમિલી લાઈફ, એન્ટરટેઈનમેન્ટનો પુરતો સમય રહે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન કે દેશ માટેના ગૌરવનો છેદ આર્થિક સમૃધ્ધિથી મળતા ઠાઠમાઠથી ઉડી જાય છે!

થોડા સમય પહેલા રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલ પાસે જઈને સેંકડો ભૂતપૂર્વ સૈનિકો કે તેમના પરિવારજનોએ રીતસર આંદોલન કરી પોતાના ચકચકિત મેડલ્સ પરત કર્યા હતા. એક રેન્ક પર એકસરખો સમય ફરજ બજાવી હોવા છતાં દર ૧૦ વર્ષે પગારના ધોરણોમાં વધારો થવાને લીધે અગાઉ નિવૃત્ત થયેલા અને પછી નિવૃત્ત થયેલા અધિકારીઓના પેન્શનમાં મોટો તફાવત છે. ભારતીય લશ્કરમાં ઘણી ભરતી વંશપરંપરાગત થાય છે, જેમાં જુવાન સોલ્જર પોતાના જેવા જ કામ કરનારા પિતા કે દાદાને ભૂખડીબારશ નિહાળે તો હતોત્સાહ જ થવાનો! અને અકળાઈને લશ્કરને બદલે બેહતર વિકલ્પ શોધવાનો! તો વળી જેના બહુ ગુણગાન ગવાય છે અને જીવના સાટે દેશને આગળ કરનારા પરમવીરચક્રના વિજેતાને મહિને પંદરસો રૃપરડી (જીહા, ફકત ૧૫૦૦!) નું પેન્શન મળે છે. મહાવીરચક્ર વાળાને ૧૨૦૦ ને અન્ય સેના પદક માટે ફકત ૨૫૦! (મલ્ટી પ્લેકસની કપલ ટિકિટ ન આવે આટલામાં!)

માટે જ અફસરો ‘સમય વર્તે સાવધાન’ની ગણત્રી માંડી ‘રણછોડરાય’ બન્યા છે. કદર વિના દુઃખી થવા કરતા પ્રાઈવેટ જોબ કરી સુખી ન થવું? વળી, લશ્કરમાં ય નીચલા સ્તરે કોન્ટ્રાકટના ભ્રષ્ટાચાર કે ખટપટનો પગપેસારો થઈ ગયો છે. ભારતમાં આજે દરેક કટોકટીનો ઉકેલ અંતે લશ્કર પર થોપી દેવાય છે. પૂર, ભૂકંપ, વાવાઝોડું… લશ્કર બોલાવો. જયાં ને ત્યાં ધૂળ જેવી બાબતે લાગણી દુભાતા લોકોએ ભાંગફોડ કરી, લશ્કરને સોંપી દો. રાજકીય ધાર્મિક કારણોથી હુલ્લડો થયા લશ્કર સ્થિતિ નિયંત્રણમાં રાખશે બોમ્બ બ્લાસ્ટ, ત્રાસવાદી હુમલા, નેતાઓની સુરક્ષા, ધર્મસ્થળોની રક્ષા બધું જ લશ્કરના હવાલે! એમાં ય પૂરતી સગવડો નહિ, નિર્ણય લેવાની મોકળાશ નહિ. હુકમના ગુલામ થવાનું, એ ય જોકરોના હુકમના!

આવી રીતે રણમેદાનમાં સામી છાતીએ લડવાને બદલે ઘરઆંગણે જ ઝઝૂમ્યા કરવાની ગુમનામ જીંદગી તાણ વધારી દે છે. લશ્કરમાં ડિપ્રેશન વધતું જાય છે. જાહેરમાં પાર્ટી- ડાન્સ – મહેફિલ કરે, તો ય પરાણે ‘પવિત્ર’ બનાવી દેવાની ભારતીય માનસિકતાને એ પચે નહિ! કામ વધતું જાય છે. ભરતી ઘટતી જાય છે. રજાઓ મળતી નથી. પરિવારની યાદો, એકલતા સતાવે છે. જે દેશ માટે મરી ફીટવાનું હોય, એ દેશ એ કુરબાની માટેની પોતાની લાયકાત પુરવાર કરતો નથી. ડિફેન્સ કરવામાં રોડ પર ધૂળ ફાકવી પડે છે. એના કરતા રાજીનામું આપી ડિફેન્સનો બિઝનેસ કરો તો કરોડપતિ થઈને ફાઈવ સ્ટાર ડિનર લઈ શકાય છે!

ભાઆઆરઅઅત માઆઆતાઆઆ કીઈઈઈ જય! એવી ચિલ્લમચિલ્લી કરવા કરતાં ખરેખર માતૃભૂમિનો જયજયકાર થાય એવું કર્તવ્ય નિભાવવું જરા અઘરૃં છે!

ફાસ્ટ ફોરવર્ડ

‘આ દુનિયા બહુ ખૂબસૂરત છે, એના ખાતર લડવું વસૂલ છે!’

(અર્નેસ્ટ હેમિંગ્વે)

 
41 Comments

Posted by on March 28, 2012 in india

 
 
%d bloggers like this: