RSS

ક્રાઈમ થ્રીલરની કેડબરી !

27 Mar

‘કહાની’ અને ‘એજન્ટ વિનોદ’ જેવી બે જુદા જુદા પ્રકારની ક્રાઈમ થ્રીલર ફિલ્મ્સ બેક ટુ બેક રિલીઝ થઇ. અને યાદ આવી ગયા મારાં બે લેખો. એક ‘ચોકલેટ’ ફિલ્મ રજુ થઇ, ત્યારે લખાયેલો અને બીજો ‘જહોની ગદ્દાર’ જોઈને. મીન્સ વર્ષો પહેલા. આઈડિયા આવ્યો, બંનેને મિક્સ કરી લાંબા અંતરાલના વળતર પેટે ડબલ બોનાન્ઝા કરીએ તો? બેઉને સાથે મેળવી , લંબાણ ટાળવા ૩૦-૪૦% સામગ્રી કાપીને એક નવો જ લેખ બનાવ્યો. પેશ એ ખિદમત હૈ…હઝુરે વાલા !

સસ્પેન્સ યાને રહસ્યકથાઓનું એક જબ્બર ફેસિનેશન હોય છે. મિસ્ટરીઝ મેગ્નેટ મેજીક! ફૂટપાથીયા લેખકો અને મસાલિયા ફિલ્મ મેકર્સના પ્રતાપે આમ આદમીએ સસ્પેન્સ સ્ટોરીની એક અઘૂરી અને અભદ્ર વ્યાખ્યા બાંધી લીધી છે. એમાં વળી ‘કટ, કોપી, પેસ્ટ’ની સ્ટાઈલમાં આજકાલ ટીવી પર આવતા મર્ડર મિસ્ટ્રીના ધારવાહિકોના ઘસાઈ ગયેલા પ્લોટસે દાટ વાળ્યો છે. સરવાળે, આપણે ત્યાં રહસ્યકથાઓની વાત માંડવામાં કોઈ રહસ્ય રહેતું જ નથી. અંધારી રાત, કાળા ઓવરકોટવાળો ડિટેક્ટિવ, બટકબોલો પોલિસ ઈન્સ્પેકટર, ભયથી ફફડી ઉઠેલી કોઈ અફલાતૂન અબળા, રિવોલ્વર અને એના પરની ફિંગરપ્રિન્ટસ, રૂપેરી છરી અને લાલચટ્ટક ટોમેટો કેચઅપ જેવું લોહી, વરસાદમાં ભટકાતી બારી અને અંધકારમાં ચમકી જતો ઓછાયો… વ્હેર ઈઝ ધ ઓરિજીનાલિટી, યાર?

આ બઘું રહસ્યકથામાં ન હોય એમ નહિ, પણ આ સિવાય પણ રહસ્યકથા અવનવી રીતે જમાવટ કરી શકે. સસ્પેન્સ સ્ટોરી કંઈ પોલિસ સ્ટેશનની એફ.આઈ.આર.ના વર્ણનો જેવી જ રચાય, એ ફરજીયાત નથી. સસ્પેન્સ સ્ટોરી સાયન્સ ફિકશન પણ હોઈ શકે. ગુજરાતીમાં રહસ્યકથાના અનુવાદમાં એક્કા ગણાતા યશવંત મહેતાએ વર્ષો પહેલા એક અંગ્રેજી કથાનું ભાષાંતર કરેલું. આપઘાત લાગે એવું એક ખૂનનું સેટઅપ ગોઠવાયું હતું. જેમાં મરનારને ગળામાં દોરડું બાંધી બરફની પાટ પર ઉભો રાખવામાં આવતો હતો. બરફ પીગળે, પાણી હવામાં વરાળ બની જાય અને મૃતકને ફાંસી આપમેળે લાગી જાય!

સસ્પેન્સ સ્ટોરીઝને ‘હલકા વરણની અછૂત’ ગણવાની રાજાશાહી યુગની આભડછેટ ભારત, ગુજરાતમાં દાયકાઓથી ચાલી આવી છે. દુનિયામાં રોમાન્સ પછી સૌથી વઘુ અપીલ કરતી થીમ સસ્પેન્સ હોવા છતાં પુરાતનકાળથી યુદ્ધ, શૃંગાર, ચમત્કાર, સદગુણ, સાહસની કથાઓ રચનારા આપણા દેશમાં નમૂનેદાર રહસ્યસાહિત્ય ખાસ રચાતું નહોતું. માણસ અને એની રચેલી આ દુનિયામાં કેવળ સંતત્વ જ નથી. ભારોભાર શેતાનિયત પણ છે. મનુષ્યપ્રાણી માત્ર સદવૃત્તિઓનું પોટલું નથી. એમાં ઈર્ષા, લોભ, છેતરપિંડી, ક્રોધ, હિન્સા, લુચ્ચાઈ, તિરસ્કાર, શોષણ જેવા સંખ્યાબંધ દુર્ગુણો પણ છે. ક્રાઈમ સમજ્યા વિના એનાથી પીછો છોડાવી ન શકાય.

ખરેખર તો દિમાગની ધાર કાઢવા અને વિચારોને કલ્પનાશીલ બનાવવા ઉત્તમોત્તમ સસ્પેન્સ સ્ટોરીઝમાં ઘુબાકા મારવા જરૂરી નહિ, અનિવાર્ય છે. પણ ક્યાં છે મૌલિક આઈડિયા અને કલ્પનાની ક્રિએટિવિટીથી ફાટફાટ થતી વાર્તાઓ, કથાઓ, ફિલ્મો? ગુજરાતી નાટકોમાં પણ આજકાલ સસ્પેન્સની જગ્યા સાસુ વહુએ પડાવી લીધી છે. ‘સામાજીક’ માળખામાં રહેલા અસામાજીક તત્વની વાત કરવામાં જાણે ઝાટકા લાગે છે. સારપ અને સત્સંગની સાકર એેટલી બધી પીરસવામાં આવે છે કે એના કૃત્રિમ ગળપણથી મોં ભાંગી જાય! એમાં ક્યાંક કાળા મરી અને ગોંડલિયા મરચાંની તીખાશ જોઈએ… કારેલાંની કડવાશને આમલીની ખટાશ જોઈએ. પણ સત્તાણુ પોઈન્ટ સાડત્રીસ ટકા ગુજ્જુ સાહિત્યસર્જકો તો ધર્મોપદેશકો અને અઘ્યાત્મચિન્તકો થઈ ગયા છે. દુનિયાનું શું થશેની ચિંતામાં એમને વેવલા રોતલ નરનારી સંબંધો અને પલાયનવાદી સૂફિયાણી સાદાઈની સલાહો સિવાય બીજુ કંઈ સૂઝતું નથી!

જ્યારે આપણે જાણી જાણીને ઝેર પીતી ગ્રામલક્ષ્મીને મળેલા જીવના ઓવારણા લઈને પાટણની પ્રભુતામાં અમૃતાના આંગળિયાત શોધતા હતા, ત્યારે દુનિયામાં તો ઓલરેડી આર્થર કોનન ડોઈલ, ઓલીસ્ટર મેક્લીન અર્લ સ્ટેનલી ગાર્ડનર અને જેમ્સ હેડલી ચેઈઝનો યુગ વીતી ચૂક્યો હતો. શેરલોક હોમ્સ અને પેરી મેસનની કથાઓ આજે પણ ચેસની ગેઈમ રમ્યાનો આનંદ આપે તેવી છે. જેમ્સ હેડલી ચેઈઝની ‘ક્રાઈમ નેવર પેઝ’ (ગુનો ગુનેગારને છોડતો નથી)ને અબ્બાસ-મસ્તાન ધોળીને પી ગયા છે. બધામાં સરતાજ છે આગાથા ક્રિસ્ટી. સાદીસરળ રીતે ધુંટાતુ એવું રહસ્ય કે તમે જાણે એ માણતી વખતે ભજીયું બનીને ‘હવે શું થશે’ના ઉકળતા તેલમાં તળાઈ રહ્યા હોય, એવું લાગે!

પણ આ બધાના ઉમદા સ્થાપિત ધોરણોને તોડયા ‘મિસ્ટરી’ (રહસ્ય)ની દુનિયામાં ‘હિસ્ટરી’ (ઈતિહાસ) લખનાર ફિલ્મ સર્જક આલ્ફ્રેડ હિચકોક જમાનાથી દસ ડગલા આગળ હતો. પણ સદનસીબે એને પાછળ દોડનારું ઓડિયન્સ મળ્યું. ફિલ્મકળાની બારીકીઓ અને સાહિત્યની મજબૂતાઈને જઠરના પાચકરસોમાં ઝબોળી ચૂકેલા આલ્ફ્રેડ હિચકોકને ‘સસ્પેન્સનો સરતાજ’ માની ઘણા લોકો હોંશે હોંશે એની ‘ડીવીડી’ ઘેર લઈ આવે છે. પછી ધીમી ધીમી, વાતોના વડાં તળતી, કંટાળાજનક દેખાતી ફિલ્મથી હતાશ થાય છે. જો તમારો ઉંચો ટેસ્ટ હોય અને ફિલ્મમાં વીંટળાઈ જવાનું સમર્પણ હોય તો હિચકોકની ફિલ્મો એક કશીશ, એક દીવાનગી પેદા કરી શકે!

હિચકોકે સિઘ્ધ કર્યું કે ‘હુ ડન ઇટ?’ (એ કોણે કર્યું?) એ તો સસ્પેન્સના સફરજનની છાલ છે. એનો ગર છે ‘હાઉ ઇટ વોઝ ડન?’ (એ કેવી રીતે થયું?)! ગુના કે ગુનેગારના મનની પ્રક્રિયામાં એણે ડોકિયું કર્યું અને કોઇ ચળવળખોરીની ચિલ્લાહટ વિના ચૂપચાપ માનવમનના ભેદી આંતરપ્રવાહો કે સમાજની કાળી ગલીઓ તરફ ઘ્યાન દોર્યું. હિચકોકે સસ્પેન્સ જોનરને એક નવી સ્ટાઇલ આપી. તરત જ બાળબોધકથાની જેમ બઘું પ્રગટ નહીં કરવાનું. કથાના પ્લોટમાં જ નહિ, એ જે રીતે કહેવાય એમાં પણ રહસ્ય જોઇએ. એકશન કે કત્લને બદલે એના પ્રશ્નોર્થી તમને જાણે રૂંવાડે રૂંવાડે લાખ્ખો ટાંકણીઓ ભોંકાય એમ તડપાવતા રહે! છેલ્લે તર્કશુઘ્ધ અંત એવો આવે કે જેની ‘કલ્યુ (કડી) પ્રગટપણે અગાઉ જ વર્ણવી દેવાઇ હોય અને તમારી નજર બહાર રહી હોય! માત્ર આંચકો (શોક) નહિ, એક પઝલ સોલ્વ કર્યાનો સંતોષ એવો મળે કે બફારા બાદ બારિશનું એક ઝાપટું!

હિચકોકની ‘વર્ટિગો’ આવી જ ખારી બિસ્કીટ જેવી લોકપ્રિય કૃતિ છે. એક ડિટેકટિવ મિત્ર પત્નીની ભેદી વર્તણૂક પર નજર રાખે છે, અને સાવ શાંતિથી એક પછી એક પડ છેક સુધી ઉખડતા અને ઉઘડતા ચાલે છે. એની ‘રિઅર વિન્ડો’માં પગમાં પ્લાસ્ટરને લીધે નજરકેદ થયેલો એકાકી નાયક સામેના મકાનની બારીમાં કશુંક રસપ્રદ જુએ છે… અને રચાય છે એક ભયાનક – ષડયંત્રનો સિલસિલો! સાવ સાદી વાતનો છેડો કોઇ વિરાટ રહસ્ય સુધી એક પછી એક પગથિયા ચડાવીને પહોંચાડે એ હિચકોક! જેમાં ગુનેગાર કરતા ગુનો અને એનું કારણ વઘુ મહત્વ પૂર્ણ હોય.

આજે હિચકોક નથી પણ એના વાવેલા અનાજમાંથી પોતપોતાની આગવી રેસિપિમાં પકવાનો બનાવનારા લેખકો તથા ફિલ્મ સર્જકોએ એની ખોટ પૂરી દીધી છે. જેફરી આર્ચર, બ્રાયન સિંગર, રોબ કોહેન, રોબર્ટ લૂડલૂમ, ડેવિડ ફીન્ચર, સિડની શેલ્ડન,  રોમન પોલાન્સકી સહુએ પોતપોતાની રીતે આગવી સસ્પેન્સ થીલર્સ રચી છે. ‘માઇનોરિટી રિપોર્ટ’ જેવી ફયુચરિસ્ટિક ફિલ્મ હોય કે ‘વાઇલ્ડ થીંગ્સ’ જેવી ઇરોટિક ફિલ્મ… રહસ્ય જો ગૂંથતા આવડે તો સર્વવ્યાપી છે.

જેમ્સ ફાઉશેનું ક્વોટ હતું : અપરાધ કરતા વધુ ખતરનાક છે, અપરાધ વખતે થયેલી ભૂલ !

***

ગુનો ગુનેગારને છોડતો નથી! શેકસપિયરના મેકબેથના જમાનાથી સુપરહિટ નીવડેલો પ્લોટ. રાતોરાત કશુંક અસામાન્ય મેળવવાની ઝંખના, એ માટે ભરોસો મૂકનાર સાથેની દગાખોરી, સ્ત્રીને ખાતર વિચારશૂન્ય થઇ દલદલમાં ખૂંચતો જતો અને એક નાનકડા ગુનામાંથી મસમોટા અપરાધ સુધી પહોંચી જતો પુરૂષ, એડલ્ટરી ઉર્ફે આડાસંબંધો, હત્યા, સત્તા, સંપત્તિ… અને પછી ગિલ્ટ. અપરાધભાવ, અજંપો, અકળામણ… ‘કયાં જવા નીકળ્યા હતા, અને કયાં પહોંચી ગયા’ની મથામણ. એમાંથી સર્જાતી ભૂલો. અને પછી કોઇની ચબરાક નજરમાં પકડાઇ જવાનો લાગતો ડર. સંતાકૂકડી. સત્યને છૂપાવવાના નાટકો… અંતે ‘જો ચૂપ રહેલી જબાને ખંજર, તો લહૂ પુકારેગા આસ્તીન કા’નો કલાઇમેકસ! (ખૂન કર્યા પછી છરી ઉપરનું લોહી સાફ કરી અપરાધી નિશ્ચિંત હોય, પણ એના જ વસ્ત્ર પર ઉડેલા લોહીના છાંટાથી એની જાણબહાર એ ઝડપાઇ જાય!)

ગ્રીડ, લસ્ટ. અસત્યની સાઇકલના આ બે ટાયર છે. ઘણાં બધા સકસેસફુલ માણસોએ બીજાને ‘ફૂલ’ બનાવીને ‘સકસેસ’ મેળવી હોય છે. એ જોઇને કેટલાક સાહસિકોને સ્ટ્રોક ફટકારવાનું મન થઇ આવે છે. બોલ હવામાં જાય, આઉટ થઇ શકવાનો ભય પૂરેપૂરો, પણ જો પાસા પોબાર તો સીધી ઉભા ઉભા સિકસર! આ રમત પૃથ્વી પર માનવજાતના આગમન સાથે ચાલુ થઇ ચૂકી છે. દરેક પાવલીછાપ માણસને પણ એક વાર તો તક મળે ત્યારે આસમાનમાંથી સૂરજ તોડીને ગજવે ઠુંસી દેવાના ખ્વાબ આવતાં જ હોય છે. સવાલ બે છે: એક તો તક. મોકો. ચાન્સ એન્ડ નેકસ્ટ… હિંમત અને ચાલાકીનું બેલેન્સ્ડ કોમ્બિનેશન. ત્રીજી જોઇએ રૂથલેસનેસ. ઠંડી ક્રૂરતા.

* * *

આફટર ઓલ, ક્રાઇમ ઇઝ લેફટ હેન્ડેડ ફોર્મ ઓફ હ્યુમન એન્ડેવર. અડધી સદી કરતાં પણ અગાઉ આવેલી ફિલ્મ ‘આસ્ફાલ્ટ જંગલ’નો આ કેવટેબલ કવોટ બની ગયેલો ડાયલોગ છે. બૂઢા છાપાળવા અનુવાદકો જેવો વર્ડ ટુ વર્ડ અનુવાદ કરો તો આ વાત સમજાય એમ નથી. પણ જમણો હાથ ‘રાઇટ’ સાઇડનું પ્રતીક છે, અને ડાબો હાથ લેફટ નહિ પણ ‘રોંગ’ સાઇડનું. બીજી રીતે, જમણેરી હોવું કોમન છે. ડાબોડી અપવાદરૂપ છે. ડાબોડી અને જમણેરીને કંઇ જોતાંવેંત ઠીક, સાથે રહીને પણ અલગ ન તારવી શકે! બંને નોર્મલ જ લાગે, નોર્મલ જ હોય. પણ ડાબોડી માણસ ડાબા હાથનો ઉપયોગ કરે ત્યારે ઘ્યાનથી જોનારને (રીપિટ, ઘ્યાનથી જોનારને) કંઇક અલગ લાગે. માટે લેફટ હેન્ડ એ ચાલુ ચીલાને પડકારીને અલગ પડવાના ‘ડેવિએશન’ કે વળાંકનું પ્રતીક પણ ગણાય. વળી ડાબો-જમણો બંને હાથ એકબીજા જેવા જ હોવા છતાં એકબીજાથી, ઉલટા છે. અરીસામાં જુઓ તો ઉલટ-પુલટ થઇ જાય. જમણો ડાબો લાગે ને ડાબો જમણો! અક્સ ઉર્ફે રિફલેકશન!

‘આસ્ફાલ્ટ જંગલ’નો વિલન પણ આ જ કહેતો હતો. ભીડમાં ખિસ્સું કાપી લેનાર ખિસ્સા કાતરૂ જેનું ગજવું કપાયું એના માટે નાલાયક, શેતાન, હરામખોર છે. એ પાકિટમાંથી એ ચોર પોતાના છોકરાં માટે રમકડું લઇને જાય, ત્યારે બાપ તરીકે હેતાળ, મોજીલો, વ્હાલસોયો છે! સાચું શું? કદાચ બંને. આપણાં ધાર્મિક વારસાના વઘુ પડતાં પ્રભાવને લીધે વર્ષો સુધી આપણી ફિલ્મો અને સાહિત્યની દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ જ રહી છે. ખલનાયક સાવ કાળો, નાયક સાવ ધોળો. પણ માણસ મોટેભાગે કાળા-ધોળાના સંઘર્ષમાં સરકસના ટ્રેપિઝ આર્ટિસ્ટની જેમ ઝૂલતાં ઝૂલતાં ભૂખરો થઇ જતો હોય છે. કોઇ એવરેસ્ટનું આરોહણ કરવા નીકળે એ જેમ ‘પરાક્રમ’ છે, એમ કોઇ લૂંટનો પ્લાન ઘડવા બેસે એ સમાજ માટે ‘ક્રાઇમ’ છે, પણ એના માટે તો સાહસ છે, પરાક્રમ છે. ભલે અવળી બાજુનું, રિવર્સ સાઇડનું… પણ સાહસ. ક્રાઇમ એકચ્યુઅલી કરવા માટે પણ કલેજું જોઇએ. નહીં તો એવા વિચારો ૧૦૦માંથી ૯૯ નાગરિકોને આવતાં જ હોય છે.

૧૯૫૮માં જેમ્સ હેડલી ચેઇઝની એક વાર્તા પરથી ફ્રેન્ચ ફિલ્મ બની હતીઃ વોટ પ્રાઇસ મર્ડર. (જેની સીધી નકલ એટલે કેતન મહેતાની ‘આર યા પાર’!) જેમાં એક હોંશિયાર, ભલો લાગતો માણસ પૈસા ખાતર માલદાર સ્ત્રીને પરણી પછી એની સેક્રેટરીના પ્રેમમાં પાગલ બની જતાં અંતે છેતરાય છે. એના એન્ટી-હીરોને તપાસનીશ કાનૂની અધિકારી પૂછે છે- તારા જેવા સમજદાર માણસે આ ગુનો શા માટે કર્યો? જવાબ મળે છેઃ સાહેબ, તમને નહિ સમજાય… તમે કદી મઘ્યમ વર્ગના માણસની આંખે સુખના સપનાં જોયા છે?

***

ચીપી ચીપીને સુષ્ઠુ સુષ્ઠુ બોલતાં અને તેલ પાયેલી પાંથીથી ચપ્પટ વાળ ઓળતા ઘણાં ડાહ્યાડમરાં ઠાવકા કાર્યકરોને ક્રાઇમની નોવેલ કે ફિલ્મની વાત આવે, તો માઠું લાગી જાય છે. જાણે ગાળ દીધી હોય એવા રોષથી એ ટીકી ટીકીને જોયાં કરે છે. એમાંય સરસ થ્રીલર કથા વાંચવા / જોવાની ભલામણ કરો તો ટાયર વચ્ચે પૂંછડી દબાતા કુરકુરિયું ‘કાંવ કાંવ’ કરીને ભાગે એમ સંકોચથી એ ધરતી માર્ગ આપે તો સમાઇ જવા માટે તત્પર રહે છે.

તમારે ક્રાઇમ કરવો નથી, તમે ક્રિમિનલ માઇન્ડેડ નથી. તો પછી શા માટે આ અંધારી દુનિયામાં તમને રસ પડવો જોઇએ? બેશક પડવો જોઇએ. ન પડતો હોય તો પાડવો જોઇએ! સિમ્પલ. તમારે ક્રાઇમ નથી કરવો, પણ બીજાને તો કરવો છે ને? શું ક્રિમિનલ્સ પોતાના ગળામાં ઓળખાણનું પાટિયું લટકાવીને ટહેલતાં હોય છે? ઉલ્ટું, તમે જેટલા વઘુ ભલાભોળા, સીધાસાદા, ગોડ ફિઅરિંગ ઇન્સાન હશો, એટલા જ ક્રિમીનલ્સની નજરમાં જલ્દી આવશો. તમને જોઇને મોંમાં એને પાણી છૂટશે! વાત એટલી જ છે કે આંખો મીંચી જવાથી વાવાઝોડું દેખાતું બંધ થશે, આવતું કે તબાહી મચાવતું બંધ નહીં થાય! ઘણાં લોકો એકાદી ફિલ્મ જોઇને કશોક હાસ્યાસ્પદ અપરાધ કરી નાખે છે. (અને ઝડપાઇ જાય છે!) કારણ કે એમની ખાલી ખોપરીમાં જે નાખો એ ઉતરી જવાનું છે.

જે રસથી ક્રાઇમ થ્રીલર્સ માણે છે, એમનું કેથાર્સીસ (વિરેચન) તો વાંચન કે ફિલ્મ દર્શનથી મોટેભાગે થઇ જતું હોય છે. અપરાધનું એકસાઇટમેન્ટ કાલ્પનિક જગતમાં માણી લઇ, એ લોકો વઘુ સરળતાથી વાસ્તવમાં જીવી શકે છે. આમ પણ, ક્રાઇમ માટે ઇન્ટયુઇશન (અંતઃપ્રેરણા) અને સિચ્યુએશન (સંજોગો)નું મિલન જરૂરી છે. કોઇ કિતાબ કે ફિલ્મ નિમિત્તમાત્ર છે. એ હોવા છતાં પણ ક્રાઇમ ન થાય, અને પ્રિન્ટિંગ પ્રેસ કે કેમેરાની શોધ નહોતી થઇ ત્યારે થતા હતાં! ધર્મને બાદ કરતાં કોઇપણ ક્રાઇમ માટે ત્રણ તૃષ્ણાઓ કારણભૂત છે: સત્તા, સંપત્તિ અને સ્ત્રી! (સ્ત્રીઓ માટે પુરૂષ ગણવાનો ફેમિનિસ્ટ નિર્ણય લો, તો પણ સ્ત્રી જ કર્તા બની, અને યુગોથી સ્ત્રીને ખાતર કઠપૂતળાની જેમ પુરૂષ ક્રાઇમકર્મ કરતો આવ્યો જ છે!) આ ત્રિમૂર્તિનું કશુંક કેમિકલ રિએકશન કેટલાક દિમાગોમાં આવે છે, જેનું સંયોજન એને ગુનેગાર બનાવે છે. ઇનશોર્ટ, ક્રિમિનલ્સથી ખદબદતી દુનિયામાં જીવવા માટે એમની સાથે મેચ રમવી રિસ્કી બિઝનેસ છે, માટે ક્રાઇમનું મનોજગત સમજવા ફિલ્મો- કિતાબોની નેટપ્રેકિટસ રાખવી. ભોળી બાળાઓ ઓછી બેવકૂફ બનશે, અને તમારૂં કોઇ ‘કરી’ નાખતું હશે તો કદાચ તમને હજામત પૂરી થઇ જાય એ પહેલાં તેજદિમાગથી અહેસાસ થશે!

દિમાગની ધાર કાઢતાં ક્રાઇમ થ્રીલર્સની ફિલ્મોના ત્રણ-ચાર પ્રકાર છે. એક છે ‘હેઇસ્ટ’. બેન્કની કે હીરાની લૂંટ બતાવતી અજરઅમર ફિલ્મો હેઇસ્ટ કહેવાય છે. બીજો ‘કેપર’ થ્રીલર છે. કોઇ પ્લાન થાય, એના માટે ટીમ બને, પ્લાનનો દિલધડક રીતે અમલ થાય અને પછી કશીક ગરબડ થાય… પ્લાન પૂરો ન થાય અને ટીમમાં જ અંદરોઅંદર ધમાલ થાય, એ છે કેપર (એ કોમેડીનો પણ પ્રકાર થઇ શકે.) ત્રીજો પ્રકાર છે ‘કોન મૂવીઝ’. કોન ફોર કોન્ફિડન્સ, કોન્સપિરસી, કોન્ટ્રાડિકશન, કન્વિકટેડ. જેમાં મોટી ટુકડી કે ઝાઝા હથિયારો વિના વિચારોના જોરે અજબગજબની રમત કરીને કશુંક ભેદી કાવત્રું પાર પાડવામાં આવે, અને ઉલ્લું બનાવવામાં આવે એવા અટપટા આટાપાટા અને દિલચશ્પ દાવપેચની રોલરકોસ્ટર રાઇડનો રોમાંચ એટલે કોન મૂવીઝ. કોન કેપર્સના કેટલાક અફલાતૂન અનુભવો યુરોપિયન સિનેમામાં છે પણ આપણા માટે વઘુ જાણીતા હોલીવૂડમાં ડબલ ઇન્ડેમનીટી (જીસ્મ), ગ્રિફટર્સ, નાઇટમેર એલી, લોક સ્ટોક ટુ સ્મોકિંગ બેરલ્સ, કોન્ફિડન્સ, સ્ટિંગ, પ્રેસ્ટિજ, ઇલ્યુઝનિસ્ટ, હાઉસ ઓફ ગેમ્સ, સ્પેનિશ પ્રિઝનર, રિઝર્વિઅર ડોગ્સ,વેગ ધ ડોગ, મેમેન્ટો, બાઉન્ડ, સ્નેચ, શેડ, ડ્‌બલ ઇન પેરેડાઇઝ. એફ ફોર ફેક, આફટર ધ સનસેટ, કેચ મી ઇફ યુ કેન, એની નંબર કેન વિન ઉફફ માત્ર યાદી કરો તો પણ આખું પાનું  નહિ, આયખું ઓછું પડશે.

* * *

આવી સ્વદેશી ફિલ્મકૃતિઓ અલબત્ત ભેળસેળિયા ઘી જેવી હોય છે, કામ તો આવે પણ ગંધ અને સ્વાદ પૂરો ન આવે. એમાં ફેમિલી ડ્રામા, રોમાન્સ, સોંગ્સ બઘું જ પ્રેક્ષકોને રાજી કરવા આડેધડ ઠપકારવું પડે. તો ય પાછા બહેનોના ટોળેટોળાં કંઇ રૂમાલ લઇને રડવા ઉમટે નહિ! ન ખુદા ભી મિલા, ન વિસાલે સનમ. એમાં કોઇ જીનિયસ હિન્દી ફિલ્મોના તમામ મરીમસાલાનો જ ઉપયોગ કરી, અસલી ભારતીય માહોલમાં, ટિપિકલ ઇન્ડિયન કેરેકટર્સ સાથે એકદમ ઝક્કાસ ક્રાઈમ થ્રીલર બનાવે, ત્યારે આભલાંનો ટુકડો ખરીદવા ગયેલા માણસને હીરાની ખાણ જડી આવે, એવો આનંદ થાય! શ્વાસ લેવાની કાયમી કસરત ઉપયોગી લાગે એવી ક્ષણો આમ પણ જીંદગીમાં ઓછી આવે છે.

તમને આ બઘું ગપ્પાબાજ સેટ અપ લાગે છે? વેલ, ફિલ્મો, પણ આખરે તો એક મોટો ફ્રોડ છે ને, મેઇકબિલિવના બે-અઢી કલાકનો કોન!

ફાસ્ટ ફોરવર્ડ

‘અંતરાત્માનો અવાજ એટલે કાનૂન કે કુદરતની સજાનો ડર. બીજું કશું જ નહિ!’ (ઓસ્કાર વાઇલ્ડ)

# અપડેટ : મને સૌથી વધુ ગમેલી પાંચ ગુજરાતી ક્રાઈમકથાઓ  :

* પાંચ ને એક પાંચ – વર્ષા અડાલજા
*પાણીનું પાર્સલ – ગૌતમ શર્મા
* કટિબંધ – અશ્વિની ભટ્ટ
*મુખ સુખ – મધુ રાય
*પાશ  – યશવંત મહેતા

 

 
49 Comments

Posted by on March 27, 2012 in art & literature, cinema

 

49 responses to “ક્રાઈમ થ્રીલરની કેડબરી !

 1. Himanshu

  March 27, 2012 at 6:41 AM

  Great article as always and one of my favourite genres too. Sometimes a crime or con job too has a ‘cool’ factor which makes it interesting, exciting and worthy of appreciation! (Reminded me of ‘Inside Man’ starring Clive Owen and Danzel Washington)

  Like

   
 2. htshvyas

  March 27, 2012 at 6:50 AM

  enjoyed reading it…

  Like

   
 3. htshvyas

  March 27, 2012 at 6:51 AM

  enjoyed…

  Like

   
 4. Bhupendrasinh Raol

  March 27, 2012 at 7:35 AM

  સત્તાણુ પોઈન્ટ સાડત્રીસ ટકા ગુજ્જુ સાહિત્યસર્જકો તો ધર્મોપદેશકો અને અઘ્યાત્મચિન્તકો થઈ ગયા છે. દુનિયાનું શું થશેની ચિંતામાં એમને વેવલા રોતલ નરનારી સંબંધો અને પલાયનવાદી સૂફિયાણી સાદાઈની સલાહો સિવાય બીજુ કંઈ સૂઝતું નથી! –superb!!!

  Like

   
 5. gopal Gandhi

  March 27, 2012 at 8:15 AM

  Sir
  dariya ma nahya pachi zarna ma nahvani maja avi
  masjid mathi champal chori janara pan padhata hase namaj jara dhyan rakhjo
  musafir palanpuri

  Like

   
 6. jay jadav

  March 27, 2012 at 10:20 AM

  the article is good enough. missing a milestone – psycho. how can ‘you’? by the way, kahani is the best in its category and av is worst. its my opinion, i’m not authorised, i dont know how or why should/could i judge but everyone has an, so i gave. i think i have to judge them both, cause i spent money on them so its my right and i have to use it.
  years ago i watched two movies – maltese falcon and china town
  now i hardly believe that every third hindi thriller or suspense based on either maltese falcon or china town. what is your opinion? it means, and you know that….

  Like

   
  • jay vasavada JV

   March 27, 2012 at 12:15 PM

   coz psycho doesnt fit in gener n nature i am talking abt. n as i wrote in article on kahani china town is like ‘gharana’.

   Like

    
 7. haridas24887

  March 27, 2012 at 11:00 AM

  s-ras
  Suspense ni pan ek aagavi maza che..

  Like

   
 8. hemusb

  March 27, 2012 at 11:58 AM

  જેમ્સ હેડલી ચેઇઝની વાર્તા-સકરપન્ચ- જેના પર થી આર યા પાર બની હતી
  ૧૯૮૫ મા આવેલી “ખામોશ” સારી સસ્પેન્સ મુવી હતી.

  Like

   
  • jay vasavada JV

   March 27, 2012 at 12:15 PM

   yes khamosh was good.

   Like

    
   • Kartik

    March 27, 2012 at 12:49 PM

    +1. ખામોશ હજીયે યાદ છે 😉 ફફડી ગયેલા..

    Like

     
 9. Mahesh Prajapati

  March 27, 2012 at 12:03 PM

  Love Agatha Christie, Arthur Conan Doyle, Roman Polanski, David Fincher, Robert Ludlum

  I’ve seen Alfred Hitchcock’s Vertigo. Tremendous Thriller film and also Rear Window and Psychoo too.

  Some Recommedations other than mentione by JV sir:

  The Usual Suspect, LA Confidential, Primal Fear, The Silence of the Lambs, Old Boy, The Score, 12 Monkeys, The Bone Collector, Insomnia, Seven, Copycat, Secret Window, Black Swan, The Ghost Writer and many more

  Like

   
  • jay vasavada JV

   March 27, 2012 at 12:16 PM

   nice list . though black swan is out of place.

   Like

    
   • Mahesh Prajapati

    March 29, 2012 at 10:19 AM

    Thanks sir

    Like

     
 10. શ્યામ-શુન્યમનસ્ક

  March 27, 2012 at 12:35 PM

  ગુડ શોટ !!

  Like

   
 11. Chintan Oza

  March 27, 2012 at 12:35 PM

  Nice article JV..few things you mentioned about current trend of Gujarati authors and columnist is absolutely true, Few author/columnist should not dare/want to think beyond certain safe boundary with respect to their subject line(whether its about social matter or adventuresome topic like this) …they always play within it and understand that their reader is also suppose to do the same..!! 🙂

  Like

   
  • jay vasavada JV

   March 27, 2012 at 12:54 PM

   yes chintan. same observation.

   Like

    
  • Amit Trivedi

   March 27, 2012 at 2:22 PM

   A software tester must have read this article as of this he/she might be take interest in thriller..it helps in their profession aslo…you are very true chintan…
   BTW, very nice article JaySir…waiting this type of article since Kahani..today got it..thnx..

   Like

    
 12. Dipak Parmar

  March 27, 2012 at 12:46 PM

  “સત્તાણુ પોઈન્ટ સાડત્રીસ ટકા ગુજ્જુ સાહિત્યસર્જકો તો ધર્મોપદેશકો અને અઘ્યાત્મચિન્તકો થઈ ગયા છે.” સત્ય હકિકત છે જય સર, હાલમાં એલિસ્ટર મેકલિનની “ધ ગન્સ ઑફ નેવરૉન”, ઇરવિન વૉલેસની “ધ સેવન્થ સીક્રેટ” નવલકથા વાંચી….સસ્પેન્સ અને થ્રીલરનો અદભૂત અનુભવ થયો….જે અશ્વિની ભટ્ટ સરની નવલકથા “ફાંસલો” વાંચતી વખતે થયો હતો. નવલકથા વાંચતી વખતે રાત્રિ ક્યાં પસાર થઇ જાય, તે ખ્યાલ ન આવે….

  Like

   
 13. Kartik

  March 27, 2012 at 12:51 PM

  બક્ષીબાબુની સસ્પેન્સ નોવેલ્સ અફલાતૂન છે. હજીયે ફરી-ફરીને વાંચવામાં આવે છે.

  Like

   
  • jay vasavada JV

   March 27, 2012 at 12:54 PM

   varsha adalja, madhu rye, gunvantrai aacharya n ashini bhatt too including baxibabu.

   Like

    
   • Kartik

    March 27, 2012 at 1:53 PM

    અને આ બધાંની નોવેલ્સ પરથી કોઈએ મુવી બનાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો એ દુ:ખની વાત છે. અશ્વિની ભટ્ટની નોવેલ્સ પરથી તો સો ટકા એક્શન, હિસ્ટરી, થ્રિલર, સસપેન્સ, ડ્રામા, પ્રેમ-પંખીડા – બધું જ મળી જાય 🙂

    Like

     
 14. Parth Veerendra

  March 27, 2012 at 12:59 PM

  “ચીપી ચીપીને સુષ્ઠુ સુષ્ઠુ બોલતાં અને તેલ પાયેલી પાંથીથી ચપ્પટ વાળ ઓળતા ઘણાં ડાહ્યાડમરાં ઠાવકા કાર્યકરોને ક્રાઇમની નોવેલ કે ફિલ્મની વાત આવે, તો માઠું લાગી જાય છે. જાણે ગાળ દીધી હોય એવા રોષથી એ ટીકી ટીકીને જોયાં કરે છે. એમાંય સરસ થ્રીલર કથા વાંચવા / જોવાની ભલામણ કરો તો ટાયર વચ્ચે પૂંછડી દબાતા કુરકુરિયું ‘કાંવ કાંવ’ કરીને ભાગે એમ સંકોચથી એ ધરતી માર્ગ આપે તો સમાઇ જવા માટે તત્પર રહે છે”…ROFL ..સોલીડ મારા બોસ ….superb article ..as always …

  Like

   
 15. Dharmesh Vyas

  March 27, 2012 at 1:12 PM

  ગુજરાતી નાટકોમાં પણ આજકાલ સસ્પેન્સની જગ્યા સાસુ વહુએ પડાવી લીધી છે. :p

  bahu ja saras post jaybhai…

  Like

   
 16. Rashmin Rathod

  March 27, 2012 at 1:22 PM

  Dear Jaybhai,

  Nice article મને તમારો article વાંચી ને જ ફિલ્મ જોવાની આદત પડી ગઈ છે આને ખરાબ આદત કહો કે time ની મારા મારી , પન તમે જે લાખો અ પછી જોવાની મજા double થઇ જાય છે.
  ઘણી વાર avu થઇ જે notice કરવાનું હોઈ તે થઇ જ નઈ , પણ તમારું વાંચન કરી (first કદાચ Black) જોઈ હતી ત્યારથી આજ સુધી તમારા લેખ વાંચવાનો એક બંધાણી થઇ ગયો છું . ઘણી વાર ઘરમાં જઘડા પણ થયા હશે કારણ કે તમારો લેખ વાંચતા વાંચતા ધયાનાસ્થ થઇ જવાઈ છે ( रसौ वे सः – જ્યાં રસ (intrest) છે ત્યાં તે (god) છે .

  તમે લખેલી ઘણી બધી moovies official released પણ નથી થતી તો જોવા માટે special search કરવી પડે . તમે generally ક્યાં moovies જુવો છો જે realese ના થઇ હોઈ ??? અને ઘરે જોવા માં એ effect પણ ઓછી થઇ જાય છે જે cinema માં હોઈ .

  ખાલી ફિલ્મો જ નઈ તમારી હર વાત માં જે rebelism છે , તે વાંચી રજનીશ ની યાદ આવી જાય છે .

  હવે લાંબુ બોવ થઇ ગયું એટલે ટૂંક માં પતાવું છુ.

  Keep smiling, Keep writing.

  Like

   
  • jay vasavada JV

   March 27, 2012 at 1:34 PM

   આભાર દોસ્ત. હું બીજું કશું જ નથી કરતો મને જેમાં રસ પડે ટે શેર કરું છું. એમ જ લખતો થયો 🙂

   Like

    
 17. Dhruv

  March 27, 2012 at 2:26 PM

  Saras .. Maja avi…

  Tame je list api ema thi motebhaag ni joi nathi.. “sodhvi” padse 😉

  Around 7 8 varas pehla Sushmita Sen ni Samay avi hati. Saari hati..

  Like

   
 18. પરીક્ષિત ભટ્ટ

  March 27, 2012 at 2:27 PM

  ગુજરાતીમાં જેને સસ્પેન્સ/થ્રીલર કહી શકાય તેવી નવલકથા(!!!) વાંચવાની શરુ કરી વર્ષા અડાલજાથી;પછી ઈલા આરબ મહેતા(શબને નામ હોતુ નથી);મધુ રાય(જેની શરુઆત થઈ છઠ્ઠા ધોરણ મા ગુજરાતીમા પાઠ આવતો-ઈંટોના સાત રંગથી;)પછી એમની શ્રેષ્ઠ વાર્તાઓની ચોપડી અને પછી પ્રવેશ્યા ધ ગ્રેઇટ-અશ્વિની ભટ્ટ…મેં હજુ સુધી હરકિસન મહેતાની એક પણ નવલકથા વાંચી નથી…
  નાટકોમાં ઈબ્સનના ‘ડૉલ્સ હાઉસ’નો મધુરાય અનુવાદિત અને (કદાચ)આઈએનટી સર્જીત ઢીંગલીઘર(નામ મા ફેર હોઈ શકે) વિષે સાંભળેલુ/વાંચેલુ છે; પણ નાટક જોયુ નથી…પછી આઈએનટીના જ ‘કોઈની આંખમાં સાપ રમે’ અને ‘રમત શૂન્ય ચોકડીની’;વગેરે વિષે પણ સાંભળ્યું/વાંચ્યુ જ છે;જોયા નથી…મેં જોયેલુ અને ખુબ જ ગમેલુ;ાપણા દાદુ કલાકાર-પરેશ રાવળ અભિનીત-“મહારથી”(જેના પરથી પછીથી બનેલી એ જ નામની ફિલ્મ પણ જોયેલી) મેં જોયેલુ સૌથી શ્રેષ્ઠ થ્રીલર/સસ્પેન્સ કહી શકાય…બીજુ પણ એક સારુ નાટક જોયેલુ જે જામનગરના રંગકર્મી(નામ યાદ નથી આવતુ પણ જેવીભાઈના ‘પ્રેમ એટલે’ની આખ્યાનમાળાના જામનગરના આયોજક;જે નાટકમા એમની મૉટેભાગના નાટકોમા હોય એ હિરોઈન-કોઈ જોષી હતી)એમનુ પણ એ સસ્પેન્સ/થ્રીલર નાટક સારુ હતુ…
  ફિલ્મોમાતો અત્યારે અબ્બસ-મસ્તાનને જ આવી ફિલ્મોના ‘બાદશાહ’ કહેવા પડે;તેમની ખિલાડી(કદાચ એ પહેલાની પણ કોઈ હોઈ શકે)થી બાઝીગર;૩૬ ચાયના ટાઉનથી રેસ સુધી…બેસ્ટ…હિચકૉકની ‘ડાયલ એમ ફોર મર્ડર’ પરથી ફ્રેમ ટુ ફ્રેમ બનાવેલી ‘એતબાર'(મુકુલ એસ.આનંદ?) સરસ હતી…રામુ ગોપાલ આપણા સારા માટે પહેલેથી જ કહી દે છે કે આ ભયાનક હૉરર(!!!!!)ફિલ્મ છે(નહિં તો આપણને ખબર કેમ પડે?)…જુની ફિલ્મોમા સ્વ.હેમંતકુમારે સસ્પેન્સ/હૉરર ફિલ્મો બનાવી(એ એક નવાઈ છે કે આટલી પ્રેમાળ ધૂનો અને મખમલી અવાજવાળી વ્યક્તિ આવી ફિલ્મો બનાવી શકે!!)મને ‘ગુમનામ’ખુબ જ ગમેલી;ખરેખર ભયાનક અને સસ્પેન્સ…બાકી ‘રામસે બ્રધર્સ'(આ આવા એક સરખા દિમાગવાળા લોકોના નામ “ર” થી જ કેમ શરુ થતા હશે?)પોતાની એક જ ચોક્કસ ‘હવેલી અને કાયમી કબ્રસ્તાન’ ફરતા રમ્યા કરતા અને પ્રેક્ષકોનેય રમાડ્યા કરતા…
  મારે કંઈ જેવીભાઈ જેટલો લેખ નથી લખવો;મારુ એક કાયમી એવુ ખુબ જ પ્રિય વાક્ય આ લેખમાં આવ્યું;એના ઉલ્લેખ સાથે અટકું…”The color of life is not always black or always white; but it is grey”…

  Like

   
  • jay vasavada JV

   March 27, 2012 at 2:44 PM

   મહારથી એટલે જેમ્સ હેડલી ચેઝની ધેર ઇઝ ઓલ્વેઝ એ પ્રાઈસ ટેગ. પણ પરેશ રાવલનો ઉત્તમ અભિનય.

   Like

    
   • parikshitbhatt

    March 27, 2012 at 8:39 PM

    હા….જયભાઈ ડૉલ્સહાઉસ પરથી આઈએનટી નુ નાટક બનેલુ એ ‘ઢીંગલીઘર’ જ ને?….અને જામનગરના નાટ્યકર્મી અને તમારા “પ્રેમ એટલે…” ના આયોજકનુ નામ આપશો?

    Like

     
 19. bhavesh

  March 27, 2012 at 2:36 PM

  kamla hasan nu PUSHPAK. Superb thrill. murders with ice knife. mindblowing movie in that time without any special efects, and dialoges.

  Like

   
 20. hiral dhaduk

  March 27, 2012 at 2:38 PM

  ચીપી ચીપીને સુષ્ઠુ સુષ્ઠુ બોલતાં અને તેલ પાયેલી પાંથીથી ચપ્પટ વાળ ઓળતા ઘણાં ડાહ્યાડમરાં ઠાવકા કાર્યકરોને ક્રાઇમની નોવેલ કે ફિલ્મની વાત આવે, તો માઠું લાગી જાય છે. જાણે ગાળ દીધી હોય એવા રોષથી એ ટીકી ટીકીને જોયાં કરે છે. એમાંય સરસ થ્રીલર કથા વાંચવા / જોવાની ભલામણ કરો તો ટાયર વચ્ચે પૂંછડી દબાતા કુરકુરિયું ‘કાંવ કાંવ’ કરીને ભાગે એમ સંકોચથી એ ધરતી માર્ગ આપે તો સમાઇ જવા માટે તત્પર રહે છે.very true jay,nice article.

  Like

   
 21. Jignesh Rathod

  March 27, 2012 at 3:36 PM

  સાહેબ, તમને નહિ સમજાય… તમે કદી મઘ્યમ વર્ગના માણસની આંખે સુખના સપનાં જોયા છે?

  ***

  Like

   
 22. Tushar dave

  March 27, 2012 at 3:50 PM

  peli aapne jyare jani jani ne jer piti gramlaxmi ne madela jiv na ovarana laine patan ni prabhuta ma amrita na aangadiyat shodhata hata…..vadi line adbhut hati yaar…last ball ma 6 ran joita hoy ane sixar mari hoy evi!
  hu nano hato tyare mane kanu bhagadev ni navalkathaonu jabaru vadagan hatu. jabaro romanch hato e pan. aa lekh vanchi ne gautam sharma temaj any lekhako ni ‘khandit pratima’ sahit ketketliye navalkathao ma anubhavelo romanch yad aavi gayo. hu jyare aswini bhatt ni ‘aakhet’ vanchato tyare to mara par e novel vanchva par pratibandh muki devama aavyo hato me 6upai 6upai ne vancheli. e pan dhoran aanth ni chalu parixama. aa lekh vanchi ne rahashykathao vanchvani jara 6uti gayeli tev ne navu ijan malyu.
  thenks….

  Like

   
 23. nikhilgirigoswami

  March 27, 2012 at 4:35 PM

  superb ……..

  Like

   
 24. Hitesh Dhola

  March 27, 2012 at 5:08 PM

  Saras..

  Like

   
 25. Envy

  March 27, 2012 at 7:01 PM

  Suspense & thriller are two words banned for Gujju writers by their mentors, not for you coz you dont have any mentor lol 😉 awesome article. This style of movie is the best attraction for mind to be active and testing too.

  Like

   
 26. Parth Thacker

  March 27, 2012 at 7:24 PM

  (1) વાત એટલી જ છે કે આંખો મીંચી જવાથી વાવાઝોડું દેખાતું બંધ થશે, આવતું કે તબાહી મચાવતું બંધ નહીં થાય!
  .
  (2)કોઇ જીનિયસ હિન્દી ફિલ્મોના તમામ મરીમસાલાનો જ ઉપયોગ કરી, અસલી ભારતીય માહોલમાં, ટિપિકલ ઇન્ડિયન કેરેકટર્સ સાથે એકદમ ઝક્કાસ ક્રાઈમ થ્રીલર બનાવે, ત્યારે આભલાંનો ટુકડો ખરીદવા ગયેલા માણસને હીરાની ખાણ જડી આવે, એવો આનંદ થાય!
  .
  (3)શ્વાસ લેવાની કાયમી કસરત ઉપયોગી લાગે એવી ક્ષણો આમ પણ જીંદગીમાં ઓછી આવે છે.
  Really superb quotes!!!

  Like

   
 27. husain.taiyeb@gmail.com

  March 27, 2012 at 8:22 PM

  mihir shah is a transformational leader working with world human development center, he also writes transformational and innovative articles
  http://www.themihirshah.blog.com

  Like

   
 28. krraiyani

  March 28, 2012 at 12:10 AM

  જય, મને તો હરકિસન મહેતાની “લય-પ્રલય” પણ બહુ ગમી હતી, જેમાં એક અણુ-વૈજ્ઞાનિકની મજબૂરીની સરસ વાત હતી. કદાચ તમે વાંચી હશે.

  Liked by 1 person

   
 29. Hiren

  March 28, 2012 at 9:29 AM

  Harkishan mehta ni ‘bhedbharam’ pan fine 6

  Like

   
 30. Dr. Kedar

  March 28, 2012 at 11:54 AM

  Jaybhai…. excellent article…. SHERLOCK TV SERIES, by BBC is something that is must watch… e loko TV series pan aa level ni, bhukka kadhi nakhe evi banave chhe… Benidict Cumberbatch SHERLOCK ne gholi ne pee gayo chhe… effects, editing, cinemetography, background score, and above all story… nail biting…. jo naa joi hoy to personal advice cum wish cum ( ek sugna vaachak tarike) hukam pan maani lo… CDs hu moklaavish…
  🙂

  Like

   
 31. SANJAY C SONDAGAR

  March 28, 2012 at 1:51 PM

  superb articleas

  Like

   
 32. Asit Dholakia

  March 28, 2012 at 4:15 PM

  I Think Now a days One of the Television series Which is “Addalat” on Sony t.v also provide Good kind of Crime Revolve Drama By Ronit Roy…superb acting and also super attitude as a K.d pathak- lawyer cum detective …

  And One of the oldies Crime-Thriller series that is “Byomkesh Bakshi” provided some good suspense thriller at that times with Rajat Kapoor superb Acting…..Simple but Really nice Series…

  Like

   
 33. bansi rajput

  March 31, 2012 at 12:28 AM

  As usual superb………..

  Like

   
 34. Darshan Joshi

  April 2, 2012 at 11:40 AM

  Good one JV. ” Anter atma no awaz ….. “

  Like

   
 35. Kashyap Dave

  May 6, 2012 at 12:06 PM

  JV sir tamaro fav. sherlock holmes kem bhuli gaya????? Tamara larticle pachhi to anr thodu adu avlu vanchi ne maro pan fav. bani gayo chhe….

  Like

   
 36. pvirani

  May 10, 2012 at 5:04 PM

  હું ૨૦૦૨-૨૦૦૩ની આસ પાસ કનુ ભગદેવની સસ્પેન્સ સ્ટોરીઝ વાંચતી અને મને એ બહુ ગમતી. હવે એ કથાઓ બિલકુલ યાદ નથી કે યાદ નથી તેનાં પ્લોટ. જો તમને અથવા અન્ય કોઈને ખબર હોય તો હું જાણવા ઈચ્છું છું કે એ કથાઓ લેખકની મૌલિક રચનાઓ હતી કે પછી કોઈ અંગ્રેજી નવલકથા/કથાઓ ની બેઠી નકલ? જો નકલ હોય તો શેની નકલ?

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: