if a man is known by company he keeps, a champion must be known by opponents he keeps i guess 😛
આજે ફેસબૂક પર સચિનની એક વર્ષે માંડ માંડ પૂરી થયેલી, નવવારી સાડી કરતા ય લાંબી ખેંચાયેલી , ૯૯ શતકોની આબરુ દાવ પર લગાવી દેતી મહાસદી થઇ ત્યારે કટાક્ષમાં આ લખ્યું. ઘણા મિત્રોને ના ગમ્યું. ઈટ્સ ફાઈન. હુ લખું કે માનું એ ગમાડવું કે માનવું ફરજીયાત નથી. હું ‘ગોડ’ નથી, અને મારે થવું ય નથી !
આંધળી ભક્તિ કોઈ મારી કરે તો ય હુ પસંદ કરતો નથી તો હું તો બીજાની કરું જ નહિ. હુ વારંવાર કહું છું તેમ કોઈના ય ગુણ -દોષ એકબીજાથી સ્વતંત્ર ત્રાજવે તોળવા જોઈએ. અમિતાભ મહાન અભિનેતા છે. +૧ . અમિતાભની સ્ક્રિપ્ટ સેન્સ કચરા જેવી છે . -૧. કોઈને સારું નહિ, પણ મને સાચું લાગે તે વ્યક્ત કરવું એ મારો સ્વ-ભાવ છે. સચિનની શ્રેષ્ઠતાના વખાણ તો મેં એફ.બી. /ટ્વિટર પર નહિ, પણ મારી જાહેર કોલમમાં કર્યા છે. એક વખત તો પૂરી ખેલદિલીથી એણે મને ખોટો પાડ્યો એવું સ્પષ્ટ કબૂલ કરીને. પરંતુ એટલી જ તટસ્થતાથી હુ સાચો પડ્યો હોય તો ય હુ લખું. અન્ડરપ્રેશર રમવામાં સચિનની જે નબળાઈ છ વર્ષથી મને ને હવે રહી રહીને બીજા ઘણાને દેખાઈ ગઈ છે, એ એને કે એના ચાહકોને ના દેખાય એનાથી સત્ય બદલાતું નથી. ના તો એણે લીધે સચિનની મહાનતા ઓછી થાય છે. કોઈને ડાંસ ના આવડે એથી ડ્રાઈવિંગ ના આવડે એમ ના કહેવાય , પણ ડ્રાઈવિંગ સારું કરે એટલે ડાંસ ના આવડતો હોય તો ય મારે એ સ્વીકારવાનું? સચિન ઈમરાન સામે લોર્ડ્સમાં રમ્યો ત્યારથી હુ જોઉં છું. બિરદાવવા જેવું હોય ત્યાં બિરદાવું છું, ને ના હોય ત્યાં વખોડું છું. કાલે એ મને ખોટો પડે તો ક્રિકેટફેન તરીકે મને જ વધુ આંનદ થવાનો, ને સારા પરફોર્મન્સ માટે હુ શાબાશી આપું. તાળીઓ વગાડું.અને ખરાબ પરફોર્મ કરે તો એ એક જમાના માં ઝુડતો એવી રીતે ઝાટકી કાઢું. (પણ મારી અક્કલ ગીરવે મુકીને શા માટે બેસું?) એ જ તો મારું મારી જાત અને મારાં વાચકો પ્રત્યેનું કર્તવ્ય છે. પણ ઢસડાઈને બાંગ્લાદેશ સામે સેન્ચુરી મરતા મરતા ( અને મેચ હારતા) કરેલી સદીથી મને હરખ કરતા શોક વધુ થાય. 😉
બીજી વાત, ક્રિકેટ ટીમ ગેઇમ છે ને ઘણા ખેલાડીઓએ રેકોર્ડ કુરબાન કરી ટીમને જીતાડી છે. રેકોર્ડ ખાતર ટીમને હરાવી નથી. સચિન મને પસંદ જ છે, પણ સોરી, એને તો શું કોઈને ય હુ ભગવાન માનતો નથી. જાહેર ક્ષેત્રમાં જે આવે એણે પોતાના પબ્લિક પરફોર્મન્સ ની ગમે તેવી સમીક્ષા માટે તૈયાર રહેવું પડે- એમારું અંગત મંતવ્ય જ નહિ, આચરણ પણ છે. હા, અંગત જીવનમાં નાક ખોસવાનું ના હોય. હુ સચિનના દાંપત્યની નહિ, ક્રિકેટની વાત કરું છું. ને મારાં લેખ / વક્તવ્ય અંગે લોકોને જે કઈ કહેવું એ કહેવાની છૂટ હમેશા આપું છું. એમ જ હોવું જોઈએ. એ મોરલ એકાઉન્ટેબીલિટી છે. હુ તો મારાં પરફોર્મન્સ કોઈ સવાલ પૂછે તો એનો ખુલાસો કરવા ય પૂરતા પ્રયાસ કરું છું. આ બાબતમાં સચિન મીંઢો છે, અને સૌજન્યના નામે કદી નિખાલસ ચર્ચા કરવા તૈયાર થતો નથી. પ્રેશરમાં રમવામાં ઢીલ જેવો જ એનો આ ય અવગુણ છે. પણ જાડું કાંતનારા સમાજની ઝીણી નજર હોતી નથી. મારાં પાનસિંહ તોમર પરના લેખમાં એના સાથી ક્રિકેટરને જ ક્વોટ કરેલો કે એ ના રમે ત્યારે દેખાતો જ નથી મીડિયાને ફેસ કરવા ! અને આજે બધી ચેનલ પર પર્સનલ ઇન્ટરવ્યૂ આપવા હાજર! 😀
ત્રીજી વાત. અન્ય ખેલાડીઓના અભિમાની, છેલબટાઉકે સ્વાર્થી વર્તનની સાપેક્ષે સચિનનું વ્યક્તિત્વ/ ઓન એન્ડ ઓફ ગ્રાઉન્ડ વર્તન દાખલારૂપ સંયમિત રહ્યું જ છે. એ એની સિધ્ધિઓની કક્ષા જોતા કાબિલે દાદ છે. પણ એમાં દેશપ્રેમનો તિરંગો રંગ બેરલ ભરીને ઠાલવવો એ અતિશયોક્તિ છે. ભારતના પ્રત્યેક ક્રિકેટરને રમવાના , ઉભવાના, બોલવાના, ફોટો પડાવવાના ચિક્કાર પૈસા મળે છે. સચિનને સૌથી વધુ. છતાં ય, ફરારી કાર પર ટેક્સની માફી એણે જ માંગી હતી. પ્રજાની હાલાકી દુર્ કરવા બનતા ફ્લાયઓવરનો પોતાના ફ્લેટ વ્યૂ બગડે નહિ માટે લતાએ વિરોધ કર્યો હતો, ત્યારે ય સચિનના બંગલાની એફ.એસ.આઈ.ના નિયમોના ભંગનો વિવાદ ચગ્યો હતો. ચેરીટી એ ફરજીયાત નથી. (અને એ કોઈ પણ પરફોર્મરના પરફોર્મન્સને માપવાનો માપદંડ પણ નથી જ. પણ આ વાત માત્ર જે લોકો ક્રિકેટમાં રાષ્ટ્રભક્તિનું કોકટેલ કરે છે, એમના પૂરતી જ છે ) પણ એ કેટલાક મુગ્ધ ચાહકો દાવો કરે છે, એવો કોઈ ક્રિકેટર અમર શહીદ જવાન નથી. એટલું જ દર્શાવવા માટે કાફી છે. સચિન સંનિષ્ઠ અને બેહદ પ્રતિભાશાળી ક્રિકેટર છે. મેં જ લખેલું કે ના-લાયક નેતાઓ અને ભારતમાં કોઈ ઓળખતું ના હોય એવા-એક પગ કબરમાં લટકતો હોય એવા- ટાયર્ડ કે રીટાયર્ડ કલાકારો કરતા સચિન જેવા લોકપ્રિય જવાનને ભારત રત્ન મળે એ મને ગમે. પણ એથી કઈ એ ગાંધીજી કે સરદાર કે ઇવન સામ માણેકશા બની જતો નથી. એ સહજ નહિ, પણ અસામાન્ય વળતર માટે રમે છે. વ્યક્તિગત સદીની નજીક આવે એટલે પોતાના રેકોર્ડ ખાતર એ ટીમ ગેઇમ ધીમી કરી નાખે એ તો અનેક વખત છેલ્લા વર્ષોમાં દેખાયું છે. આમ પણ હિરોઈક ઇનિંગ એની સિંગલ હેન્ડેડ મેચ વિનર કે સેવર (શારજાહ જેવા આંગળીના વેઢા વધી પડે એવા અપવાદો, એ ય વીસ વર્ષની લાંબી લચ કારકિર્દીમાં બાદ કરતા !) હોતી નથી. કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં જ હોય છે. એ ઓસ્ટ્રેલીયામાં હોત તો સ્ટીવ વોઘની જેમ ૨૦ વર્ષ રમવાની કેપેસીટી હોય તો ય બોર્ડે જ જરાક નબળું પરફોર્મન્સ હોય ત્યાં ઘેર બેસાડયો હોત ! આજે દેશ માટેની નવલોહિયા તૈયાર કરતી ઓછા વળતરની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાનો એની પાસે સમય નથી, પણ આઈ.પી.એલ. માં રમવા એ રેડી હોય છે. એની એક જાહેરાતની કમાણી પણ એણે કોઈ ખેલાડીને મદદ કરવા આપી છે? (અપડેટ : કેટલાક મિત્રોના કહેવા મુજબ અમુક વખતે મદદ કરે છે. ગુડ. પારકા પૈસે ફંડ રેઇઝીંગને બદલે જો ખિસ્સામાંથી આપે એ ઉમદા બાબત છે. બ્રેવો. પણ આઈ.પી.એલ.ની વાત વિચારવા જેવી જ છે.) સચિન પાસે જે અધધધ પૈસા અને પ્રતિષ્ઠા છે, એમાંથી એણે બીજી કોઈ રમતના ખેલાડીને મદદ કરવા કશું નોંધપાત્ર દાન કે યોગદાન આપ્યું હોય એવું મને યાદ આવતું નથી. ના તોકોઈ મહત્વના રાષ્ટ્રીય મુદ્દા પર ખુલીને એણે કદી કોઈ સ્ટેન્ડ જનહિતમાં લીધું છે. 😦
બાય ધ વે, તમે સચિન જેટલું રમ્યા છો?, એવો ઉલ્લુ જેવો સવાલ કોઈ લલ્લુ કરશે તો હું પુછું ને કે સચિને કદી મારાં જેટલું લખ્યું / બોલ્યું છે ? lolzzz. જસ્ટ કિડિંગ. ઇન શોર્ટ, દરેક પ્રમાણમાં જાણીતો કે થોડોકે ય સફળ માણસ પોતપોતાના ફિલ્ડમાં કામ કરતો હોય છે. એમાં નવી નવાઈની વાત નથી. કેવું કામ કરે છે, એ મહત્વનું છે. ‘જૂની મૂડીના વ્યાજ’ ઉપરાંત આજે શું કરે છે એ ય અગત્યનું છે. અને ફક્ત (રિપીટ ફક્ત) આંકડાઓથી ક્યારેય અસલી ફાઈટિંગ એટીટ્યુડની પહેચાન થતી હોતી નથી.
સચિન, એક મહાન દંતકથામય અને અંગત રીતે બેહદ પસંદ ક્રિકેટર છે, અને રહેશે. (એ કોઈ બીજો નહિ પણ સચિન છે, એટલે તો આ લખ્યું છે, સિમ્પલ! )પણ લીજેન્ડસ્ ક્યારેય પ્રોબ્લેમ ફ્રી નથી હોતી. એટલે જ વધુ રોમાંચક હોય છે.
અને દંતકથાઓ કમ સે કમ પૂરી ય થતી હોય છે. દાંત પડી જાય ત્યાં સુધી ખેંચાતી નથી ! 🙂
અપડેટ (કર્ટસી : રીડરબિરાદર આશુતોષ પટેલ. જેમણે સચીનથી વધુ ‘સચ’ના ફેન થવું હોય એમના માટે ! ખાસ નોંધ : આ ચાર્ટ નવો સુધારેલો ફરીથી મુક્યો છે, ગઈ કાળના ચાર્ટમાં મોવ્રના અંક્દાની ગરબડ પ્રત્યે જયદીપે ધ્યાન ખેંચ્યા બાદ. થેન્ક્સ આશુતોષ )