RSS

Daily Archives: March 14, 2012

થ્રી ઈન વનઃ ક્રિકેટ, સિનેમા, પોલિટિક્સ


ગયા વર્ષે આ લેખ ‘ગુજરાત સમાચાર’માં છપાયો, ત્યારે એ અમદાવાદ સહિત અમુક શહેરોમાં પ્રગટ થયો નહોતો. એ જ અરસામાં હું બહાર હોઇને તરત બ્લોગ પર મુકવાનું ય શક્ય ના બન્યું. આજે રેલવેમંત્રી દિનેશ ત્રિવેદીને બજેટ પેશ કરતા ટીવી પર જોઈને આ લેખની યાદ આવી ગઈ. હા, ઈંગ્લેન્ડમાં હજુ પ્રવાસનો આરંભ હતો ત્યારે કરેલી સમીક્ષા અને આગાહી પાછળથી , અને બહુ મોડેથી દેશ આખાના ક્રિકેટપંડિતોએ ય કરી અને આપણી ટીમ ઇન્ડિયાના પ્રતાપે હજુ યે એ વાત વાસી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી પણ નથી થઇ !

ઘણી બધી ઘટનાઓ રફતાર પકડે, ત્યારે ૧૪૦ શબ્દોની ટ્‌વીટર અને ૧૬૦ શબ્દોના એસએમએસના આ જમાનામાં ‘થોડામાં ઘણું’ કહેવા જેવું પણ લાગે. મીન્સ, રૂમાલ કો ખીંચ કે ધોતી કર દિયા પ્રકારના આર્ટિકલ્સને બદલે ફ્રુટ એન્ડ નટ ચોકલેટના જેવા લેખો લખી શકાય, જેમાં કોઈ કરન્ટ ટોપિક પરના એક-બે નાના મુદ્દા કહીને કટ ટુ નેકસ્ટ સબ્જેક્ટ. આ વરસદિવસથી અહીં યદાતદા ડોકાઈ જતાં નવતર પ્રયોગનું આપણે નામકરણ કર્યું છેઃ બ્લોગડાયરો. વેલકમ ઓનબોર્ડ:

(૧) ભારતીય ક્રિકેટ અને બોર્નવીટાઃ

જસ્ટ ઈમેજીન. આપણા ક્રિકેટર્સનું ઓફિશ્યલ ડ્રિન્ક સ્પોન્સર બદલાવીએ તો કેવું રહે? કોક, પેપ્સીને બદલે ‘તન કી શક્તિ, મન કી શક્તિ- બોર્નવીટા’ જેવું કંઈક? વર્લ્ડ કપ પછી પહેલી વખત ઢંગના હરીફ સાથે પનારો પડયો છે. અને જે રીતે ઈંગ્લેન્ડમાં ધડાધડ બધા ખેલાડીઓ ઈન્જર્ડ, અનફિટ, બીમાર થઈ રહ્યા છે, એ જોતાં ટીમને ક્યાંક સેલાઈન વોટરના બાટલા લંચટાઈમ અને ટીટાઈમમાં ચડાવવા ન પડે!

વેલ, ટ્રેડિશનલી વેસ્ટર્ન ફિટનેસના સ્ટાન્ડર્ડ કરતાં આપણા સ્પોર્ટસ અપમેન્સ ફિટનેસમાં નબળા પુરવાર થાય છે, એ તો ખરું જ- પણ આપણા આ સ્ટાર ખેલાડીઓને આવો છ ગાઉની પરિક્રમા ડુંગરની કરી હોય એવો થાકોડો કેમ લાગ્યો છે? આપણી ગજનીબ્રાન્ડ (ખરેખર તો સિંઘાનિયાછાપ) યાદદાસ્તમાંથી આ જવાબ વીસરાઈ ગયો છેઃ એ છે આઈપીએલ.

આઈપીએલની શરૂઆત થઈ, ત્યારે એને એક સોજ્જો સૂફિયાણો સોફિસ્ટિકેટેડ હેતુ (આપવો પડે એટલે સ્તો) આપી દેવાયો હતો. આવી ઈન્ટરનેશનલ સ્તરની ટુર્નામેન્ટમાં રમવાથી દેશને નવા તેજતર્રાર ક્રિકેટર્સ મળશે. અને મળ્યા પણ ખરા. પણ એઝ ઓલ્વેઝ તરત જ ભારતવર્ષના ‘પ્રાઈમ મોટિવ’ એવા પૈસાના પ્રલોભને આઈપીએલ પર પોતાનો મેજીક સ્પેલ ઝીંકી દીધો. ભારતના બધા જ જૂના-નવા ટોચના ખેલાડીઓ ૪૫ દિવસ સુધી આઈપીએલ રમ્યા છે. કેટલાક ત્યાં પણ એનર્જી બતાવવા (અને બચાવવા) સિલેક્ટેડ મેચીઝ રમ્યા છે, પણ ખેંચીખેંચીને- તાણીતૂસીને રમ્યા છે જરૂર! સેહવાગ વર્લ્ડકપમાં જ ઈજાગ્રસ્ત હતો, છતાં આઈપીએલ તો રમ્યો જ- ને પછી સારવાર માટે ગયો! એકાદા અપવાદ સિવાય કોઈએ આઈપીએલ રમવાનું ટાળ્યું નથી- વેસ્ટ ઈન્ડિઝની સત્તાવાર ટૂર જરૂર કેટલાકે ટાળી દીધી છે! છન છન કી સુનો ઝંકાર… કિ પૈસા બોલતા હૈ!

અન્ય દેશોના બોર્ડે કડકાઈથી પોતાના પ્લેયર્સને આઈપીએલ રમવામાંથી પાછા ય બોલાવ્યા છે, અટકાવ્યા છે કે આદેશ અવગણવા માટે ઘઘલાવ્યા પણ છે. બરાબર કે આજના ઈન્ટરનેશનલ ક્રિકેટનું કેલેન્ડર ભરચક્ક છે. પણ હજુ ફિલ્ડંિગમાં ય ઈન્ટરનેશનલ લેવલની ફિટનેસ કેળવવાની બાકી છે, ત્યાં રાતોરાત આટલું બઘું રમવાનું જોર ક્યાંથી આવશે? ચ્યવનપ્રાશ ચાટવાથી? પણ ખેંચાઈ- ઢસડાઈને ય રૂપિયા ખાતર આઈપીએલ રમવાનું કે રમાડવાનું કોઈ નહિ છોડે. છોડશે તો જીતવાની આદત છોડશે!

લેટસ હોપ, બે-ચાર કપ બોર્નવિટા, હોરલિક્સ, કોમ્પ્લાન, બૂસ્ટ વોટએવર ગટગટાવીને ટીમ ઈન્ડિયા લોર્ડસ પછીની મેચોમાં લોર્ડ ઓફ ધ રિંગ્સ બનીને પરત આવે!

(૨) મહિલા દિગ્દર્શકો અને મહામૂલૂં મનોરંજનઃ

એક બહુ મજાના ફિમેલ ડાયરેક્ટર હિન્દી ફિલ્મોમાં હતા. (મતલબ હજુ હયાત છે, પણ ઉંમર વધતા ફિલ્મો બનાવતા નથી) સાઈ પરાંજપે. ‘સ્પર્શ’ જેવી કાવ્યાત્મક ફિલ્મ આપનાર સાઈ મૂળ તો હૃષિકેશ મુખરજી ‘ઘરાના’ના (બાસુ ચેટરજી કે પ્રિયદર્શનની માફક) કહેવાય. એમણે ‘ચશ્મે બદ્‌દૂર’ અને ‘કથા’ જેવી હલ્કીફૂલ્કી રોમેન્ટિક ફિલ્મો બનાવેલી, જેના પ્લોટ આજે પણ તરોતાજા છે. સાઈ પરાંજયે એ વખતે સતત નારીકેન્દ્રી ફિલ્મો જ બનાવ્યા કરતા અરૂણા વિકાસ રાજે કે અપર્ણા સેન કરતાં આ કારણથી અલગ પડતા.

આ એક વિચિત્ર સ્ટીરીઓટાઈપ છે. સ્ત્રી લેખિકા કે ફિલ્મ દિગ્દર્શિકા બને, એટલે આખો સમાજ એની પાસેથી કશીક ગંભીર, ઈસ્યૂ બેઝ્‌ડ (મોટે ભાગે ફિમેલ સ્પેશ્યલ સબ્જેક્ટસના જ ઈસ્યૂ હોય), સેન્સિટિવ ફિલ્મોની જ અપેક્ષા રાખે! ફિલ્મ માત્ર સેન્સિબલ હોવી જોઈએ. પણ સ્ત્રીઓએ બનાવી હોય એટલે ભારેખમ જ હોવી ફરજીયાત નથી. ગુજરાતી લેખનમાં નારીલેખિકાઓએ સતત ‘નારી’પણું આગળ કર્યા વિના પણ સરસ હાસ્ય કે રહસ્યકથા લખ્યા હોવાના ઉદાહરણો ધીરૂબહેન પટેલથી ઈલા આરબ મહેતા સુધીના ઘણા છે. પણ હિન્દી ફિલ્મોમાં તો કલ્પના લાઝમી જ આઈકોનિક સ્ટેટસ ભોગવતા રહ્યા, જે એક એકથી ચડિયાતા સિરિયસ ટોપિક્સને ખાસ કશી ક્રિએટિવિટી વિના જ હેન્ડલ કરતા.

પણ ચિત્ર હવે બદલાઈ રહ્યું છે. એક બાજુ રેવતી, નંદિતા દાસ, દીપા મહેતા, અલંકિતા (ટર્નંિગ ૩૦), ભાવના તલવાર (ધરમ) જેવા અપર્ણા ‘ઘરાના’ના ડાયરેક્ટર્સ છે, જેમણે ઈસ્યૂબેઝ્‌ડ ફિલ્મો પર જ એકાદા અપવાદ સિવાય હાથ અજમાવ્યો છે. વચ્ચે ઉભેલા મીરા નાયર પૂજા ભટ્ટ, ગુરીન્દર ચઢ્ઢા કે મેઘના ગુલઝાર છે- જે સાહિત્યિક સ્તરની ફિલ્મો બનાવતા કોઈ ફેમિનિઝમનો ઝંડો લહેરાવ્યા વિના પોતાના પાત્રોની કહાની મૂકે છે. રમૂજી થીમ પણ હાથમાં લે છે. ત્રીજા અંતિમે તનુજા ચંદ્રાએ શરૂઆત કરેલી, હાર્ડકોર એકશન કે થ્રીલર ફિલ્મો બનાવવાની- પણ એમાંની કોઈ યાદ રાખવા જેવી બની નહિ. રીમા કાગતીની ‘હનીમૂન ટ્રાવેલ્સ’ કે રૂચિ નારાયણની ‘કલ’નું પણ આવું જ થયું. હેમા માલિની જેવાએ તો એકાદ પ્રયત્ને આ ન આવડતું કામ છોડી ઉપકાર કર્યો.

પરંતુ, એ બધાએ કમસે કમ સ્ત્રી સર્જક હોય તો સ્ત્રીઓની જ વાત કર્યા કરે, એ ચાલુ ચીલો છોડયો. બે સફળ ન થયા હોવા છતાં સરસ દ્રષ્ટાંતો પાર્વતી બાલાગોપાલન અને લીના યાદવના છે. આ બંને માનુનીઓએ તો રીતસર પુરૂષોની માનસિકતામાં ડોકિયું કરીને ફ્‌લોપ છતાં ફેન્ટાસ્ટિક ફિલ્મો બનાવી હતી. પાર્વતીની ‘રૂલ્સ’માં લવ ફન્ડાઝ ફિલ્મી નહોતા. રિયલ લાઈફમાં ઉપયોગી થાય એવા સાચા અને એકદમ પ્રેક્ટિકલ હતા. (ફિલ્મ ભલે નિષ્ફળ ગઈ, પણ એના નામ મુજબ એના પ્યાર કા સુપરહિટ ફોર્મ્યુલાઝ ખરેખર અકસીર છે, અજમાવવા હોય તો!) બીજી ફિલ્મ ‘સ્ટ્રેઈટ’ નબળી હતી- પણ ‘ગે’ હોવાના વળગણમાંથી મુક્ત થવા મથતા કન્ફ્‌યુઝ્‌ડ પુરૂષ (વિનય પાઠક)ની એમાં વાત હતી. લીના યાદવની ‘શબ્દ’ અને ‘તીન પત્તી’ યુરોપિયન સ્ટાઈલની એબ્સર્ડ કેટેગરીમાં આવે તેવી ખરી, પણ એમાં સ્ત્રીસહજ નજાકત જોવા મળે- પેલો ધરાર ‘ઈસ્યૂ બેઝ્‌ડ’ ક્રિએશનનો આગ્રહ નહિ!

જો કે, ફરાહ ખાન અને ઝોયા અખ્તરે તો ખરા અર્થમાં મર્દોને ઘૂળચાટતા કરી બતાવ્યા! પુરષ સમોવડી શબ્દ ડિબેટેબલ છે, અને આમ તો સાવ વાહિયાત છે. પણ ફરાહ કે ઝોયાની ફિલ્મો (એફવાયઆઈઃ માતૃપક્ષે બન્ને કઝીન છે! બંનેની મમ્મીઓ મેનકા અન હની પારસી છે, બહેનો છે). મસાલેદાર મનોરંજક હોય છે. એમાં ક્યાંય પરાણે ફરકાવેલો પેલો નારીવાદી ઝંડો તો શું, એનો કોઈ દાંડો પણ ડોકાતો નથી. ફરાહ તો લેડી મનમોહન દેસાઈ બનીને બિગ બજેટ એન્ટરટેઈનર જ બનાવે છે. તો ઝોયા ડિફરન્ટ ટોપિક્સ લે છે- પણ કોઈ પુરૂષ ડાયરેકટર જેટલી જ સહજતાથી એના મુખ્ય નાયક/પ્રોટેગનિસ્ટ તરીકે પુરૂષને રાખે છે. (વર્ષો પહેલાં સિમી ગરેવાલે મિથુનને લઈ ‘રૂખસત’માં આવો નિષ્ફળ પ્રયાસ કરેલો!)

એવું નથી કે મહિલા સર્જકોએ મહિલાની વાત જ કરાય કે ગંભીર થવું કંઈ ગુનો છે. પણ સ્ત્રી દિગ્દર્શકો નોર્મલ મજેદાર ફિલ્મો બનાવે (માટે એ હિટ પણ થાય!) એ ય પુરૂષપ્રધાન સમાજરચનામાં બારીમાંથી અચાનક આવતી વરસાદી લહેરખી છે. કારણ કે ક્રાંતિ એક અંતિમેથી બીજા અંતિમે પહોંચાય ત્યારે જ થાય એવું નથી. અંતિમો છૂટી જાય અને વચ્ચે નોર્મલ બેલેન્સ જળવાય, ત્યારે પણ થતી હોય છે.

(૩) ગુજરાત, રેલ્વે અને જય રામજીકી !

દેખાવ પૂરતું કેન્દ્રીય કેબિનેટમાં વિસ્તરણ થઈ ગયું, આ સમાચાર જૂના થઈ ગયા. શરદ પવારો જેમના તેમ ટકી ગયા અને ખરેખર કંઈ ખાસ ‘યંગ બ્લડ’ આવ્યું નહિ. આમ પણ, મલાઈદાર નીતિઓના નિર્ધારણને બાદ કરતાં આપણો દેશ મોટે ભાગે મિનિસ્ટર્સ નહિ, પણ બ્યુરોક્રેટસ ચલાવે છે, એ સગવડતાપૂર્વક ભૂલી જવામાં આવે છે. કોઈ ખાતામાં પ્રધાન ન હોય તો પણ મહિનાઓ સુધી એનો વહીવટ તો થયા જ કરે છે. ભારતની ભૂંડી હાલત માટે રાજકારણીઓ તો જવાબદાર છે જ- પણ આઈએએસ, આઈપીએસથી લઈને કારકૂન સ્તરના અધિકારીઓ જ સરકાર રચે છે, એ ભૂલી જવાય છે. આ લોકો જ કરપ્શન નવાસવાને કરતાં શીખવાડે છે. પ્રામાણિક કર્તવ્યનિષ્ઠ અધિકારીને એમની લિમિટ ક્યાં આવી જાય, તેનું ભાન કરાવે છે. કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી આ તંત્રની તળિયાઝાટક સફાઈ કરી શકે તેમ નથી. ઉપરથી કોઈ અવતાર આવે, તો પણ કશો ફરક નથી પડવાનો.

એની વે, જેમાં ફરક પડી શકે છે એ મંત્રીમંડળની વાત કરીએ. આપણો દેશ એવો છે કે જ્યાં ‘સ્પષ્ટવક્તા સુખી ભવેત્‌’ એ કિતાબી ક્વોટેશન્સ છે. હકીકતમાં સ્પષ્ટ-વક્તા દુખી ભવેત્‌! જે રોકડુ સાચું બોલવા જાય, બધાને જવાબ આપવાની જવાબદારી મીંઢા મૌનને બદલે માથે ઉઠાવે, એ બીજાઓને બમ્સમાં ખૂંચેલી ટાંચણીની માફક ખટકે છે. એમાંય જો એ ટેલેન્ટેડ, હોંશિયાર, તેજસ્વી, કાર્યદક્ષ હોય તો પત્યું- એમાંથી પ્રેરણા લેવાને બદલે કે એની જેન્યુઈન કાબેલિયત સ્વીકારવાને બદલે એના તેજોવધમાં લોકો પડી જાય છે. લેટેસ્ટ એકઝામ્પલ છેઃ જયરામ રમેશ.

એમના મૌલિક અને ઉત્સાહી અભિગમને લીધે રમેશને લાત પડશે, એ નક્કી હતું. આ અત્યંત મેધાવી, પ્રતિભાશાળી બાયોડેટા ધરાવતા મિનિસ્ટરને ફૂટબોલની માફક લાત મારી ‘ઉપર’ ફંગોળી દેવાયા છે! (સરકારી તંત્રમાં પ્રમોશન પણ ઘણીવાર સસ્પેન્શનથી વઘુ સજાપાત્ર હોય છે!) જયરામના જયજયકારની વાતો ફરી ક્યારેક- પણ એમણે એન્વાયર્નમેન્ટ મિનિસ્ટ્રીનું (માણેકા ગાંધી જેવા જીવદયાના ઝનૂની ઉધામા વિના) પર્યાવરણ બદલાવી કાઢેલું, એ હકીકત છે. ક્યારેક એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીની ચકાચક વેબસાઈટ જોશો, તો આંતરરાષ્ટ્રીય સ્તરે હવે મહત્વના ગણાતા આ ખાતાની કાયાપલટનો અંદાજ મળશે. અગાઉ રાજ્યસ્તરના કોમર્સ મિનિસ્ટર તરીકે જયરામે ખાસ સત્તા ન હોવા છતાં સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ માટે નાના-નાના શહેરોની મુલાકાત લીધી હતી. સરકારને એવું જણાવ્યું હતું કે આપણી નિકાસમાં મોટો ફાળો હર્બલ મેડિસીન્સનો છે, પણ આપણે છોડવા કે જડીબુટ્ટી જ એક્સપોર્ટ કરીએ છીએ. જેમાંથી કમાય છે બીજા દેશો! તો આપણે જ એનું ગ્લોબલ પ્રોડકશન/પેકેજીંગ કેમ ન કરીએ?’

જયરામ રમેશની અદ્‌ભુત સિદ્ધિ નગુણા લોકો ભૂલી જાય છે. શરદ પવારના આર્થિક હિતો જેમાં સંકળાયેલા હોવાની શંકા હતી, ભારત માટે બિનજરૂરી એવા બીટીરીંગણ માટે જયરામ લોકદરબારો ભરીને અંતે એ દરખાસ્ત પર ચપ્પટ બેસી ગયા હતા. હવે એ ઉખડયા પછી ફરી બીટી રીંગણનું ભૂત- પૂરણમાશી કી રાત જોઈને કબરમાંથી બેઠું ન થાય તો સારું! વેદાંતા, પોસ્કો જેવા શોષણખોર પ્રોજેક્ટસ પર એમની વીજળી પડી હતી, અને એમણે કબૂલ કરવું પડેલું કે એમના પર ભારે દબાણ હોઈ એ સ્વતંત્ર નિર્ણય લઈ શકતા નથી. ડિટ્ટો નદીઓનું શુદ્ધિકરણ અને મુંબઈ એરપોર્ટ. ટ્રેજેડી એ હતી કે જયરામ રમેશના કાર્યકાળ દરમિયાન અન્ય ૨૫ જેટલી મિનિસ્ટ્રીઝમાંથી જ એ જ્ઞાન/સિદ્ધાંતને લીધે એમને નડતા હોઈને એમનો વિરોધ થયો હતો! ક્લાઈમેટ ચેન્જનો વિશ્વસ્તરીય રિપોર્ટ કોઈની સાડીબારી વિના તૈયાર કરાવનાર આ આખાબોલા મંત્રી બઢતી પામતાં રીતસર ટાઢે પાણીએ એમની ખસ કાઢવામાં આવી !

પણ બીજા એક એવા જ એક્ટિવ ટેકનોક્રેટ મંત્રીશ્રી આપણી કેબિનેટમાં ઉમેરાયા છે, જે બંગાળના ગુજરાતી છે. રેલ્વેમંત્રી દિનેશ ત્રિવેદી સમાચારો માટે ‘વાસી આઈટેમ’ ગણાય. પણ એમનો બાયોડેટા સમાચારમાં આવ્યો નથી. આવવો જોઈએ, એવો પ્રભાવશાળી છે. કોલકાટ્ટાની ઝેવિયર્સમાં ભણેલા દિનેશભાઈ એમબીએ કરવા અમેરિકાના ટેકસાસ ગયેલા. વર્ષો પહેલાં પણ લક્ષ્મીપ્રેમી ગુજરાતીઓનું મોં ફાટી જાય એવા પગારે એ અમેરિકામાં નોકરી કરતા. પાયલેટ તરીકે શોખથી પ્લેન પણ ઉડાડતા. પણ વતનની મહોબ્બતથી ખેંચાઈને ભારત પાછા આવી ગયા, પછી તો પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયુટમાં એકટર થવા અરજી કરી. હિમાલયના સ્વામી ચિન્મયાનંદના શિષ્ય બન્યા. ત્રણ વખત સામાન પેક કરી ભારત છોડી જવા તૈયાર થયા અને ત્રણેય વખત એરપોર્ટથી પાછા ફર્યા!

વઘુ એક પાયલોટ રાજીવ રાજકારણમાં આવતાં અવનવા વિકલ્પો કારકિર્દી માટે અજમાવતા રહેતા ત્રિવેદીસાહેબે રાજકારણમાં ઝંપલાવ્યુ, અને એમાં મમતા સાથે જોડાઈને તૃણમૂલના ‘ગ્રાસરૂટ’ લેવલ પર કામ કરનાર પાયોનીઅર (આ શબ્દ ગુજરાતીમાં ય સમજી શકાય- પાયો નખાયો ત્યારે જે નીઅર, નજીક હોય એ પાયોનીઅર… હીહીહી!) બન્યા. ગ્રહોની વીંટી પહેરતા અને ભારત સરકારના તમામ મંત્રીઓમાં કોઈ સાયન્સ ફિકશન ફિલ્મને ટક્કર મારે એવી અપટુડેટ વેબસાઈટ ધરાવતા દિનેશ ત્રિવેદી પ્રથમ ગુજરાતી રેલ્વેમંત્રી છે, ભારતના ઈતિહાસમાં!

બિહાર-બંગાળની બાપીકી જાગીર બની ગયેલું રેલ્વે ખાતું ગુજરાતને સતત અન્યાય કરે છે. સૌરાષ્ટ્રથી મુંબઈની ટ્રેનો માટે ચીસાચીસ કરનારા બસ કે પ્લેનમાં કંટાળીને મુસાફરી કરતા થઈ ગયા, પણ ભૂતકાળમાં કઠપૂતળી જેવા રાજ્યકક્ષાના ગુજરાતી પ્રધાનો હોવા છતાં ગુજરાતને કશો ફાયદો થયો નથી. એક્ચ્યુઅલી, ગુજરાતના મોટા ભાગના સાંસદો (દરેક પક્ષના) અંગ્રેજીમાં ‘ઢ’ છે, અને બોલવામાં બોદા છે. ઉપર લેખિત પ્રશ્નો પૂછવા સિવાય અને ગ્રાન્ટ વાપરવા સિવાય રાષ્ટ્રીય સ્તરે છવાઈ જવા જેવી કશી ધાડ મારી શકતા નથી. આવા સંજોગોમાં ૧૭૦ વરસથી બંગાળી બની ગયેલા ત્રિવેદી સાહેબ ગુજરાતની ફેવર ન કરે પણ રેલ્વે ખાતાને મુઠ્ઠીભર રાજ્યોના ફેવરીટિઝમમાંથી ઉગારે તો ય ગુજરાતને ફેર જસ્ટિસ મળશે!

ફાસ્ટ ફોરવર્ડ

‘‘આપણી પસંદગીઓ દર્શાવે છે કે આપણે કોણ છીએ, આપણી શક્તિઓ નહિ!’’ (૩૧ જુલાઈએ જેનો જન્મદિન છે, એ લેખિકા જે.કે. રોલિંગનું ક્વોટ)

 
15 Comments

Posted by on March 14, 2012 in cinema, entertainment, gujarat, india

 
 
%d bloggers like this: