RSS

Daily Archives: March 8, 2012

જીંદગી એટલે ઘૂળેટીઃ મૂઝે રંગ દે, રંગ દે… હાં, રંગ દે!

વધુ એક ૮ વર્ષ જુના વિન્ટેજ લેખમાં ડૂબકી લગાવતા પહેલા જરાક કેફિયત વાંચો. દરેક સર્જકના જીવનમાં કેટલીક કૃતિઓ એવી હોય છે જેને એ દિલથી ચાહે છે, પણ એ જે વ્યક્ત કરવા માંગે એ ઘણી વાર વધુ અટપટું બની ગયું હોઇને કે એકદમ પર્સનલ સ્પેસ / ચોઈસનું હોઇને કે સમયથી વહેલું હોઇને એના ઓડિયન્સ / ભાવકો સુધી બરાબર પહોંચતું નથી. જેમ કે, પોપ્યુલર એકઝામ્પલ્સ છે : કાગઝ કે ફૂલ (ગુરૂ દત્ત) કે મેરા નામ જોકર (રાજ કપૂર).

વાત જો કે ફિલ્મોની નહિ, વાર્તાની નહિ, નિબંધાત્મક લેખોની છે. અંગત રીતે મેં લખેલા દોઢેક હજાર લેખોમાં હું જેને ટોપ ટેનમાં સ્થાન આપું એવા આ લેખ સાથે ય આવું જ બનેલું. રેફરન્સમાં મળતી માહિતીનું સાયન્સ કે તહેવારો સાથે આવતા મનોરંજનના કોમર્સને બદલે પ્યોર આર્ટસની આંગળી પકડેલી. આ લેખ એકી બેઠકે સડસડાટ લખ્યો. મને બહુ ગમ્યો, લખાઈ ગયા પછી. કશુંક સાવ અલગ લખ્યાનો , શબ્દોથી જાણે અલાયદા ચિત્રો દોર્યાનો સંતોષ થયો. પણ તહેવારને લીધે કે કે પછી બાઉન્સર જવાને લીધે રીડરબિરાદરોને બહુ પસંદ ના પડ્યો કદાચ. નેટ પહેલા પણ મને ફીડબેક તો મળતા જ રહેતા હોય દરેક લેખોના. સંપર્કક્ષેત્ર પણ બહોળું. આ લેખ જાણે અઠંગ ચાહકોના સ્મૃતિપટ પરથી ભૂંસાઈ ગયો. જે થોડાક પ્રતિભાવ ત્યારે મળ્યા એમાં બધાને અઘરો લાગ્યો / અડધેથી પડતો મુક્યો જેવી વાત જ વિશેષ હતી.

આખો લેખ જો કે આર્ટિસ્ટિક મેટાફોરમાં છે. મેં શૈશવથી જુવાની સુધી એમાં ઝીલેલા રંગોનું મુગ્ધ વિસ્મય ઉતારવાની કોશિશ કરેલી એમાં. રંગબેરંગી દુનિયાનું કુતૂહલ આજે ય મારાં મનમાં અકબંધ છે. રંગો મને ભૂલકાંની જેમ જ ખેંચે છે. (મારાં ગોવિંદાબ્રાન્ડ આઉટફિટ્સમાં એ ઝળકી પણ જાય lolz 😛 ) પણ અહીં એની સંગાથે અંગત જીવનમાં છાપ છોડી ગયેલી કેટલીક ઘટનાઓની મેમરી ટ્રીપ પણ હતી. જાણે બ્રેઈનના ફોલ્ડરમાં કલર કોડિંગથી એ ઇવેન્ટસ્ સ્ટોર થઇ હોય!

એની વે , સમય અને ભાવકો બદલાયા છે. એટલે વધુ એક વાર આ લેખ મુકું છું. પરાણે ગમાડવાની જરૂર નથી 😀  પણ, રામગોપાલ વર્માએ એમની ફ્લોપ પર્સનલ ફેવરિટ ‘રાત’માંથી શીખીને સુપરહિટ ‘ભૂત’ એ જ પ્લોટ પર ફરી બનાવેલી, એમ ક્યારેક આની ‘રિમેક’ તો કરીશ જ ! આ લખ્યું ત્યારે તો વિદેશપ્રવાસો કે કેટલીક ઈમોશનલ જર્નીના અનુભવ પણ નહોતા. એના શેડ્સ ઘૂંટીને !

અંતમાં ધુળેટી પર અચૂક યાદ રાખવા જેવી એક ફિલ્મ છે. ચિત્રમહર્ષિ હુસેનસા’બની પારખું નજરે પડદા પર પૂરેલી રંગોળી સમી હોળીની શબ્દશઃ ‘રંગીન’ અનુભૂતિની મીનાક્ષી : ટેલ ઓફ થ્રી સિટીઝ  ! જેમની સુક્ષ્મ સમજ અને કળા દ્રષ્ટિ થોડીક વિકસેલી હશે , એમને તો આ લેખ વાંચીને ય હુસેન સાથેનું મારું અદ્રશ્ય કનેક્શન ખબર પડી જશે. 🙂 “મીનાક્ષી” સ્વયમ એક અદભૂત આધુનિક સાહિત્યકૃતિની સમકક્ષ ફિલ્મ હતી. અહીં પણ રહેમાનના જાદુઈ ઓડિયો સાથે અઢળક મોડર્ન અને ટ્રેડિશનલ કલ્ચરલ સિમ્બોલ્સની રંગ-રમઝટ છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના મૂળિયાથી ખીલતી કળા છે. કલર કોન્ટ્રાસ્ટ એન્ડ મેચિંગના કમાલ કોમ્બિનેશન નાયિકાના શણગારથી બેકડ્રોપના પ્રોપ્સ સુધી જોવા મળશે. હૈદ્રાબાદ અને જેસલમેર એ બે શહેરોની આગવી અને એકબીજાથી અલગ ફ્લેવર્સ કલર્સમાં કેવી રીતે પારખું નજર અને સંવેદનશીલ હૈયું ઝીલી શકે એ નિહાળો ! ભારતને ઘોળીને પી ગયો હોય એવો સર્જક જ આવાં પિક્ચરાઇઝેશનની પિચકારી મારીને આપણને તરબોળ કરી શકે !

હેવ એ રાઈડ. કલર ઓફ વર્ડ્સ. કલર ફોર આયઝ. ધેટ્સ ફેસ્ટીવ ફેન્ટેસી !

******

આ દેશ બ્લેક એન્ડ વ્હાઈટ હોત, તો કેવો હોત?

ચાર્લી ચેપ્લીનની ફિલ્મ જેવો? સાંજના ચોળાયેલા અખબાર જેવો? દૂધમાં નહાતા શિવલિંગ જેવો? ફેંગ શૂઈના ‘યિન-યાંગ’ વાળા સિમ્બોલ જેવો? કાદવમાં ઉભેલા બગલા જેવો? કાળા વાદળમાં છૂપાયેલા ચંદ્ર જેવો?

થેન્ક ગોડ. આપણું ભારત આવું નથી. બડુ રંગીન છે. એકદમ કલરફૂલ. ભારત કદી શ્વેત-શ્યામ કેમેરામાં સમાઈ ન શકે. ભારતને ઓળખવા માટે તો મલ્ટીકલર હાઈ રિઝોલ્યૂશન ડિજીટલ કેમેરા જોઈએ. આ દેશ રંગોથી છલકાય છે. કુદરતના, માણસોના, જીંદગીના, ઈતિહાસના, ખાણીપીણીના, શણગારના, લગ્નના, લાગણીના, ધર્મના અને તહેવારોના રંગો. રંગો જ રંગો. નેચરલી, હોળી- ઘુળેટી જેવા રંગબેરંગી ઉત્સવનો ઉદભવ ભારત જ બની શકે. કલરફૂલ ઈઝ ચીઅરફૂલ. જે રંગીન છે, એ મસ્ત છે. બોલે તો એકદમ ઝક્કાસ, મામૂ!

ઝાઝું વિચાર્યા વિના ભાષણોમાં તાળીઓ પડાવનારા ભલે કહે કે પામર, પાપી પરદેશી તહેવારો તો એક જ દિવસની લાગણીઓ અભિવ્યક્ત કરે છે. પણ તહેવાર માત્ર એક દિવસ કે બહુ બહુ તો બે-ત્રણ દિવસની ઉજવણીનો જ હોય. સતત ચાલે એ જીંદગી, જ્યાં જીંદગી થંભી જાય અને મન થનગનવા લાગે એ પર્વ. આ જુઓ ને, માણસોના મગજને પોતાની સંકુચિત વિચારોમાં રંગવા માટે તત્પર કટ્ટરવાદીઓને ભૂલીને ખરેખરા રંગોથી રમવાની ઘૂળેટી- હોળીનાય બે’ક દિવસ છે! એમાંય રંગે રમવાનો તો ફક્ત એક, નહિ અડધો જ દહાડો! સો સેડ.

પર્સનલી સ્પીકિંગ, રંગે રમવા કરતા બીજાને રંગાયેલા જોવાનો અનુભવ ઝાઝો છે, એટલે રંગાયેલા થોબડા (તો શું એને મુખારવિંદ કહેવા?) જોવાનું મનોરંજન કદાચ રમવા કરતા વઘુ પસંદ છે. પણ એથી કંઈ દુનિયા ઘૂળેટી ખેલતી બંધ નથી થતી. ભૈ, કોઈક દિલ ખોલીને રંગોમાં નીતરે છે, તો જ આપણી બ્લેક એન્ડ વ્હાઈટ લાઈફ એમની ધમાલ જોઈને જરા રંગરંગીન થાય છે. પણ ઘૂળેટીનો આ રવિવાર પૂરો, કે રોમાંચ ખતમ. રંગ નિતારીને ફરી હતા એવા ઢંગમાં ગોઠવાઈ જવાનું. બેક ટુ સ્ક્વેર. કલરની પિચકારીઓ કે પાઉડર પાછા પેક. કેસૂડાં ઘોળેલા કેસરવરણા સ્નાનને સલામ. જાણે ‘યૂથ ફેસ્ટિલ ઓફ ઈન્ડિયા’નો શમિયાણો (ન સમજાયું કોન્વેન્ટ કિડસ? સ્ટેજ!) વિખેરાયો. હોળી ઘુળેટી ખરા અર્થમાં વાયબ્રન્ટ એન્ડ એનર્જેટિક યૂથ ફેસ્ટિવલ છે. બાકી અપુનકા હિન્દુસ્તાનમાં બીજા ક્યા તહેવારોમાં નર અને નારી આટલી સહજ રીતે જાહેરમાં એકબીજાને સ્પર્શી શકે છે? વળગી શકે છે? ગાતા નાચતા ભીંજાઈ શકે છે?

પણ કોણ કહે છે કે આજની સાંજે ઘૂળેટી પૂરી થશે? ઘૂળેટી એટલે રંગોનો ઓચ્છવ. અને જીંદગી હૈ તો ખ્વાબ હૈ… અને સપના તો હંમેશા સતરંગી જ હોવાના! સપનાં જ નહિ, હકીકતો પણ ટેકનિકલર હોય છે. બચપણથી બૂઢાપા સુધીની આપણી જીંદગી ચોવીસે કલાક ચાલતો નોનસ્ટોપ કલર ફેસ્ટિવલ છે. જે લોકો ઘૂળેટી રમતા નથી હોતા એ મોટા ભાગે તો સોગિયાં-વેદિયા વ્યક્તિત્વો હોય છે. નેગેટિવ, ટોટલી! પણ કેટલાક બીજાઓ રંગારંગ ધાંધલ કરતા હોય છે, ત્યારે રંગો પર વિચારવાની લકઝરી ભોગવે છે.

જીંદગીના રંગ ખરેખર તો વિચારોના તરંગનો પણ વિષય નથી. બે ‘ચર્મચક્ષુ’ (દિમાગ, કલ્પના, વિચાર) ખોલી નાખો તો ચોવીસે કલાકની એકે એક ક્ષણ જીવન આપણી સાથે ઘૂળેટી રમીને આપણને રંગની રંગત આપતું દેખાશે. માણસ જન્મે ત્યારથી રંગ સાથેનો એનો રિશ્તો જોડાઈ જાય છે. જે કદાચ એ મરે ત્યારે પણ ખતમ નથી થતો… શાયદ, રૂહ કા ભી રંગ હૈ!

જોઈ લો, જીંદગી આપણી સાથે કેવા નોખા અનોખા રંગોની ઘૂળેટી રમતી રહે છે ! બિલાડીની આંખનો રંગ, પોપટની ચાંચનો રંગ, ઘંટીમાં પીસાતા બાજરાનો રંગ, કોઠીમાં ઠલવાતા ઘઉંનો રંગ! આ બધા શૈશવના રંગો છે. કલર્સ ઓફ ચાઈલ્ડહૂડ. ફૂલો પર ચકરાવો મારતા પતંગિયા અને દરિયાકિનારે પગમાં અટવાતા છીપલાં આપણી સાથે રંગે રમતા હોય છે. ભીંતની તિરાડમાં જતી કીડીઓ અને માએ ભરેલી આભલાવાળી ટોપીઓ પણ રંગીન હોય છે. કાર્ટૂન ફિલ્મમાં દેખાતા ડોનાલ્ડ ડકની કેપ બ્લૂ છે. કોમિક્સમાં કૂદાકૂદ કરતા ફેન્ટમનો પોશાક જાંબલી છે. કેડબરી ચોકલેટ કથ્થાઈ છે. ગુલાબી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પર લાલચટ્ટક ચેરીના ટોપિંગ્સ શોભે છે. બબલગમના પીળાં લેબલ અને લખોટીના લીલા-વાદળી રંગોનું કેલિડોસ્કોપ બને છે. તડાફડીવાળા ફટાકડાનો લાલ રંગ, ચિત્રવાર્તાના કનૈયાનો બ્લ્યુ રંગ, સૂંઢાળા હાથીનો કાળો રંગ, નાળિયેરની પ્રસાદીવાળા હનુમાનજીનો સિંદૂરિયો રંગ, બાથરૂમમાં ઉડતા સાબુના પરપોટામાં ફેલાતા મેધઘનુષના રંગો!

આ બધા રંગોથી બચપણ ઘડાય છે. એમાં મંદિરની ફડફડતી ધજાના ઝાંખા થયેલા રંગો છે, તો સાઘુના કપાળે થયેલા તિલકનો ચંદનની સુગંધવાળો ભગવો રંગ છે. બચપણમાં લોબાનની ખૂશ્બૂવાળો રેશ્મી લીલો રંગ છે, તો ચર્ચના ક્રોસનો રૂપેરી ચળકતો રંગ છે. એમાં સરદારજીની રંગબેરંગી પાઘડીઓ છે, અને ઘરના કબાટમાં થપ્પી થયેલી એથીયે વઘુ રંગબેરંગી રજાઈઓ, ચાદરો અને ઓશિકાઓની થપ્પી છે! જમીન પરથી જડેલું એક મોરનું પીંછું છે, અને ખોળામાં ખરેલું પીપળનું લીલું પાન છે!

ધીરે ધીરે દુનિયા જવાન બને છે. તમન્નાઓ અંગડાઈ લે છે, સાહસ ઉછાળા મારે છે. નીલા રંગના દરિયાના ધૂઘવતા મોજાઓની જેમ! વાદળી આસમાનને ચપટીમાં પકડવાનું જોશ જાગે છે. આભના તારલિયાઓ સુધી પહોંચવાની દોટ જન્મે છે. હવે ડેનિમ જીન્સનો નેવી બ્લ્યૂ કલર લાઈફમાં પ્લસ થાય છે. હવે ખાખી જેકેટની બહાદુરી શરીર પર ચડે છે. કેનવાસના શૂઝ પર ભુરી ઘૂળિયા પરત ચડી જાય છે. હવે કાળમીંઢ ખડકો એના પર સવારી કરવાનું આહવાન આપે છે. ક્રિકેટના સ્ટેડિયમની હરિયાળી આમંત્રણ આપે છે. ઘેધૂર જંગલની ઓલિવ ગ્રીન પ્રગાઢના બાંહો ફેલાવીને ઉભી છે. એમાં દીપડાની ખેંચાયેલી સોનેરી રૂંવાટી પર તણાઇને પહોળા થયેલા કાળા ડાઘ છે. પાંખો ફફડાવતા સુરખાબની વળાંક લેતી ગુલાબી ડોક છે. પગ નીચે સૂક્કા પાંદડામાં સરકી જતા બ્રાઉન રંગી અજગરની સુંવાળપ સ્પર્શે છે. કોઇ રબારણના કાળા પોલકા સાથે ફરફરતી લાલ લીલી બાંધણીવાળી ઓઢણીથી આંખો અંજાય છે. બળદના રંગેલા શિંગડા દેખાય છે. નોટ બૂકોમાં રેલાતી પેનની શાહી અભ્યાસના વર્ષોને ડિપોઝિટ કરતી જાય છે.

હવે જીંદગી આપણી સાથે ફૂલ સ્પીડમાં હોળી ખેલે છે. રંગીન ગુબ્બારાની જાણે વર્ષા થઇ જાય છે. મુઠ્ઠીઓ ભરીને કોઇ અજાણ સર્જનહાર ગુલાલ ઉડાડે છે. હળવેકથી કોઇ ગાલે હળદર – કંકુના ટપકાં કરે છે. જી હા, હવે જીવનમાં જુવાનીનો રંગ આવ્યો છે!

ટેલિસ્કોપમાંથી બ્રહ્માંડના રંગીન તેજફૂવારાઓ દેખાય છે. રજસ્વલાને રકતના દર્શન થાય છે. પાર્કિંગ લોટમાં પડેલી બાઇક અને કારની રંગબેરંગી કતાર જોઇને મનમાં મીઠો સળવળાટ થાય છે. સેંથામાં લાલ કંકુ ઝરે છે. ચમચમાતી મોજડી પર રંગોના બિંદુઓ ચમકે છે. બરફીલા હિલ સ્ટેશને પર્વતે ઓઢેલું સફેદ હિમનું સ્વેટર દેખાય છે. ધખધખતા રણની ભૂખરી રેતીને કચડતા કાળા શૂઝનું વજન આવે છે. યૌવનમાં રંગો તો જાણે આસપાસ ફેરફૂદરડી ફરીને નૃત્ય કરવા લાગે છે! મેટ્રો સિટિઝના મેઇન રોડ પર ઇલેકટ્રિક સંતાકૂકડી રમતાં રંગીન સાઇન બોર્ડસ સાપની જીભની જેમ લબકારા મારે છે. ડાન્સફલોરની અંધારી રાતોમાં પીળા, બ્લુ, લાલ પ્રકાશના શેરડાઓ નાચી ઉઠે છે. લોખંડની હથોડી અને સોનાની લકી હાથ સાથે ઘૂળેટી રમે છે. દીવાલ પર લટકતા લક્ષ્મી – ગણેશ – અંબાના રંગબેરંગી ચિત્રો સામે હાથ જોડીને ઉભા રહેવાની મુગ્ધતા પૂરી થઇ ગઇ છે. નિર્દોષ અલ્લડપણાના દૂધમાં હવે ચાલાકીનો કસ્ટર્ડ પાઉડર જાંબાઝીની ફલેવર સાથે ઉમેરાય છે.

યુવાની બોડી પેઇન્ટિંગની ઘૂળેટી છે. આખા શરીર પર છૂંદાતા રંગબેરંગી ‘ટેટૂઝ’ની આ સીઝન છે. ડિઝાઇનર કલરવાળા ઇન્ટિરિયર આંખમાં હીંચકા ખાય છે. કોમ્પ્યુટર પર કલરફૂલ વોલપેપર્સ અને સ્ક્રીનસેવર્સ ૧૨૦૦ ડીપીઆઇના પિકસેલ્સથી પ્રગટે છે અને પીગળે છે. નવાનક્કોર મોબાઇલના ૬૩,૦૦૦ કલર્સ ડિસ્પ્લે કરતા સ્ક્રીન પર ગેઇમ રમવાની લિજ્જત આવે છે. સ્ટેઇન્ડ ગ્લાસની ક્રોકરી શો કેઇસમાં સજાવાય છે. ફલ્યુરોસન્ટ કલરના ટોપ શોપિંગની ટોપલીમાં મૂકાય છે. ગ્લેમરસ ગ્લોસી મેગેઝીન્સના પ્લાસ્ટિક – લેમિનેટેડ પાનાઓ આપણા પર રંગછાંટણા કરે છે. મલ્ટીપ્લેકસ સિનેમાના કોરિડોરમાં રંગોના ધોધમાં ન્હાઇ લેવાનું હોય છે. ટીવી પર અંગની સાથે રંગ દેખાડતા રિમિકસ મ્યુઝિક વિડિયોની થિરકન હોય છે. બ્યુટી પાર્લરના આયના સામે કિસમ કિસમના કલર્સવાળા કોસ્મેટિકસનો ઢગલો હોય છે. સોફટ લાઇટિંગની વચ્ચે ઝળહળ થતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જવેલરીમાંથી રંગીન પ્રકાશના કિરણોનો ગુચ્છો રચાય છે. ફૂલના બૂકે સાથે મોકલાતા ગ્રીટિંગ કાર્ડમાં રંગીન સ્કેચપેન્સથી ડિઝાઇન થાય છે. મેટલિક કલરવાળા સ્કૂટરેટ પર કલર્ડ સ્ટીકર ચોંટે છે.

માર્કેટિંગ યાર્ડમાં ઠલવાતા લાલ મરચાં અને અગાસીએ જૂની છાપેલી સાડી પર થતી પીળી હળદરની સૂકવણી આપણી સાથે હોળી રમતી હોય એવું નથી લાગતું? ખાણમાંથી નીકળીને એરકન્ડીશન્ડ લેબોરેટરીમાં ટેસ્ટ થતા ખનીજોથી કુદરત આપણને પિચકારી નથી મારતી? બગીચાઓમાં જોગિંગ કરતી વખતે નાનકડાં ફૂલો આપણને રોજ ‘હોલી હૈ’ નથી કહેતા? સ્ટેજ શોમાં ચાલતું ભરત નાટયમ નૃત્યરંગ નથી? લગ્નમંડપમાં કાંજીવરમથી બનારસી સુધીના સાડી-સેલાઓ કંઈ ઘૂળેટીના ઘૂબાકા કરતા કમ છે? ટાઈ પર બ્રાઈટ કલરની સ્ટ્રિપ્સ કે ડીવીડી પ્લેયરમાં થતી રંગબેરંગી લાઈટસ પણ એવરગ્રીન ઘૂળેટી રમે છે.

નવરાત્રિના સજાવેલા દાંડિયા, મોહર્રમના કલાત્મક તાજીયા, દિવાળીની રંગોળી કે ક્રિસ્મસ ટ્રીના ડેકોરેશનમાં પણ રંગોની છોળ હોય છે. રેંકડીમાં ભીંસોભીંસ ગોઠવાયેલા નારંગી, સફરજન, ચીકૂ, કેરી, કેળાં, અનાનસ વગેરે પણ રંગેચંગે હોળીની મુબારકબાદ પાઠવે છે. ટેબલ પર પડેલું ક્રિસ્ટલ બોલનું પેપર વેઈટ અને સી.ડી.ની શાઈનિંગવાળી સપાટી પર ઉભરાતા રેઈનબો કલર્સ પણ ઘૂળેટીની મોજમાં છે. જમવાની થાળીમાં ભાખરીના કથ્થાઈ રંગ સાથે મોગરીના રાયતાનો શ્યામગુલાબી રંગ, સેવ-ટેમેટાંના લાલ પીળા રંગ સાથે લીંબુનો પોપટી રંગ… તેલમાં તળાતી પુરીઓ જરાક રતાશ પકડે કે કહીએ છીએ, સાંતળી લેવાઈ! બરણીમાં ભરેલ મુરબ્બો સ્હેજ ફિક્કો થાય કે ખબર પડે બગડી ગયો! કલર કલર એવરીવ્હેર! રંગો – વગરની જીંદગાની કેવી સુની હોત!

જવાનીમાં કોઈ રંગેલા પાતળા નખ કે પર્પલ લિપ્સ પણ એક રંગીન અહેસાસ આપે છે. મોરેશ્યસના દરિયા જેવી માંજરી આંખો, ગોલ્ડન ટોનમાં બ્લીચ કરેલા વાળ અને મેજેન્ટા ટિપકી સાથેનો પિન્ક દુપટ્ટો બંધ આંખોએ ફાગણની મોસમ લઈ આવે છે. વરસાદની ૠતુમાં ડાર્ક કલરની ધરતી પર સિલ્વર લાઈટ આપતી વીજળીના કડાકા થાય છે. જવાની આગની જવાળાઓનો રંગ છે. મેળામાં મળતા ચાકળાનો રંગ છે. ઝગારા મારતા પોલાદનો રંગ છે.

અને જીંદગી બૂઢાપાની સંઘ્યાના રંગો પણ વિખેરે છે. ઈર્ષા, તિરસ્કાર, દગાબાજી અને ઉપેક્ષાના ઘેરા ઘેરા રંગો. હવે રંગબિરંગી દવાઓની કેપસ્યૂલ્સ ઘૂળેટી રમવા લાગે છે. દિવસમાં ત્રણ વખત ! રાષ્ટ્રપતિ ભવનના પથ્થરની જેમ ચામડીના રંગને એક ઝાંખપ આવે છે. વિચારો હિંમતને બદલે હતાશામાં રંગાય છે. પ્રકૃતિ દુનિયામાં ગોરા, કાળા, બ્રાઉન, યેલો… દરેક રંગના ઈન્સાનો બનાવીને, એથી યે વઘુ રંગની વનસ્પતિ, પશુ, પંખી, માછલીઓ બનાવીને નિરંતર ઘુળેટી રમી રહી છે. પણ વાળ કાળા હોય કે સોનેરી, બૂઢાપો આવે ત્યારે સફેદ થતા હોય છે. સફેદ હોસ્પિટલની દીવાલોનો, શાંતિનો કફનનો, સુલેહનો રંગ!

પારદર્શક અરમાન હવે ઘટ્ટ થવા લાગે છે. રંગો ઉખડવાનો વખત આવી ગયો છે. ગમે ત્યારે ઘૂળેટીનો કોલાહલ બંધ થઈ જશે અને છવાઈ જશે મોતનો કાળો રંગ! માટે દિલ ખોલીને, જાન નીચોવીને, મન ભરીને રમી લો જીંદગીની ઘૂળેટી! મોત આપણને રંગે, એ પહેલા આપણે જીંદગીને રંગી નાખવી જોઈએ. એના માટે નરી આંખોથી દેખાતા રંગોનું કામ નથી. એ માટે જોઈએ કદી આંખોમાં ન દેખાતા, પણ હૃદયમાં સમાતા લાગણીના રંગો! પ્રેમ, શ્રઘ્ધા, વિશ્વાસ, ઉદારતા, સદભાવ, આનંદ, હાસ્ય, કળા, માદકતા અને કોમળતાના રંગો!

આ રંગો બહારથી નહીં, અંદરથી ઉમટશે! એડ કલર્સ ઈન યોર લાઈફ. જીંદગીની ‘હોળી’ અટકશે અને રોજ ઘૂળેટી માણવાની મજા પડશે.

બી ચીઅરફૂલ, લિવફૂ !

ફાસ્ટ ફોરવર્ડ

રંગ રંગ મેરે રંગ રંગ મેં રંગ જાયેગી તૂ રંગ

સંગ સંગ મેરે સંગ સંગમે સંગ આયેગી સંગ

રંગ સંગ મેરા મિલ જાયેગા,

અંગ અંગ તેરા ખિલ જાયેગા!

રંગો મે હૈ ઈશ્ક પ્યાર, આંખો મેં હૈ મસ્ત બહાર

હો બાહોં મેં હૈ પહેલા યાર, અરે લમ્હોં મેં હૈ ઈન્તેઝાર

મસ્તી ભરા મન મુસ્કાયે, હસતે ખેલતે હમ ખો જાયે

ગોરા સા બદન શરમાયે, કોરા સા યે અંગ ખિલ જાયે

રંગ રંગ મેરે રંગ રંગ જાયેગા તું રંગ

સંગ સંગ મેરે સંગ સંગ મેં સંગ આયેગા સંગ!

(દીપા મહેતાની ફિલ્મ ‘બોલિવૂડ હોલિવૂડ’નું ગીત)

# અને આ રહ્યો બોનસ વિડીયોઝ આજના – ભારતીયતાના અસલી રોજીંદા જીવનમાં વણાઈ ગયેલા રંગો નિહાળશો એટલે આપોઆપ હોલી હેપ્પી થઇ જશે !

 
66 Comments

Posted by on March 8, 2012 in art & literature, personal

 
 
%d bloggers like this: