વારંવાર હું અહીં લખી ચુક્યો છું કે કોઈ ખાસ / ઠોસ કારણ વિના નિયમિતપણે પોતે જે અખબારમાં લખતા હોય એની પ્રિન્ટ એડીશનની શાહી પણ ના સુકાય એ પહેલા, નિરંતર પોતાના લેખો અંગત બ્લોગ પર ઠઠાડી દેવાનો મૂળ પ્રકાશન સાથેના દ્રોહવાળો મોહ ( સિધ્ધાંતના અંચળા હેઠળ સિફતપૂર્વક છુપાવી દેવાયેલી ) વાચકો ઉઘરાવવાની વાસના સિવાય બીજું કશું સિદ્ધ કરતો નથી.
મારાં મતે, બેઉ અલગ માધ્યમ હોઈ અન્યોન્યને પૂરક (મીન્સ, કોમ્પ્લીમેન્ટરી ટુ ઈચ અધર ) થવા જોઈએ. જેમકે, બધી તસવીરો કે ‘વિડિયોઝ’ કે કોઈ રસપ્રદ સર્જનકથા કે અધુરો કોઈ તંતુ લેખમાં ‘છાપી’ શકાય નહિ, એ વાચકો લેખ ગમાડ્યા બાદ વધુ ‘એક્સપ્લોર’ કરવા જાણી-માણી શકે.
એ ન્યાયે, આજના મારા ‘સ્પેકટ્રોમીટર’ના લેખમાં રસ પડ્યો હોય, એમના માટે બે વિડિયોઝ. જે.કે રોલિંગની સ્પીચમાં લેખ સાથે લાગતું વળગતું હોય એ આરંભની અગિયારેક મિનિટમાં છે (આખો લાંબો વિડીયો જોવાની ફુરસદ ના હોય એમના માટે!). એક આડવાત. ઘણા વખત પહેલા ‘નવનીત સમર્પણ’માં એનો બહુ ભારેખમ અનુવાદ વાંચેલો ત્યારે થયેલું, ક્યારેક એનો મૂળ મર્મ જરાય ગુમાવ્યા વિના રસાળ અનુવાદ રમતા રમતા કેમ થઇ શકે એ દલીલ વિના દેખાડવું. 😉 રમતા રમતા જ. કારણ કે આ લેખ મેં ચાલતી ગાડીએ મધરાત પછી અમદાવાદથી પાછા ફરતી વખતે લખ્યો છે ! 😛 જયારે ‘જઝબા’ના વિડીયોમાં આખું ગીત નથી. એ સીડીમાં સાંભળવું. (અને ત્યારે ‘ફેટલ એટ્રેકશન’નું સ-રસ સાઉન્ડ મિક્સ સાંભળવાનું ચૂકવું નહિ ! )