RSS

Daily Archives: March 2, 2012

ગોધરા : એ ગોઝારો દિવસ…(જ્યોતિ ઉનડકટ)


પત્રકાર જ્યોતિ કૃષ્ણકાંત ઉનડકટ સાથેનો નાતો ૨૦૦૨થી પણ ઘણો જુનો. મળવાનું ઓછું થાય તો ય એ યુગલ સાથે મારું હળવાનું ચાલુ જ રહે. કૃષ્ણકાંત ઉનડકટનું મૃદુ અને જ્યોતિનું મોજીલું સ્મિત આંખ સામે તરવર્યા કરે. વર્ષો સુધી જ્યોતિ ઉનડકટ ‘ચિત્રલેખા’માં વડોદરા / સુરત બ્યુરો સુપેરે સંભાળી ચૂક્યા છે. જો મુદ્દા પર આવું તો ગઈ કાલે એમનો એક મેઈલ આવ્યો, જસ્ટ મિત્રો સાથે શેર કરેલ એક સ્મરણનો. વાંચીને થયું એમની ઘૂટન માટે વાચકોનું વાતાયન (વિન્ડો ) નહિ, ખોલું તો આંખોમાં બળતરા થશે. એટલે એમની અનુમતિ માંગી આ શેર કરું છું. આમ તો આ મુદ્દે મારાં બે’ક લેખ અહીં મુકવાનો ઈરાદો હતો. પણ હમણાં ખૂબ દોડધામમાં વધારાનો સમય ફિલ્મો, પ્રવાસ અને ફેસબુક લઇ લે છે. કદાચ રવિવારથી ફરી રેગ્યુલર બ્લોગિંગ શરુ થઇ શકશે. પછી જોઈએ..ઘણું તમારા બધા સાથે શેર કરવાનું છે. વાઘનું રહસ્ય, આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળો, હોળીના રંગ…..પણ અત્યારે આ જ્યોતિ ઉનડકટનો લેખ. જેમાં કોઈ ધર્મ હોય તો એ પત્રકારધર્મ છે. કોઈ પક્ષ હોય તો એ કોમી સ્ટીકર લગાડ્યા વિનાની માનવીય સંવેદનાનો  છે. ગોધરાકાંડ તરીકે ઓળખાતા ઘૃણાસ્પદ રમખાણો યાદ બહુ કર્યા બધા એ, પણ ૨૭ ફેબ્રુઆરીએ બનેલી મૂળ દુર્ઘટનાનું શું? હા, આં વાંચ્યા પછી મિત્ર કિન્નર આચાર્યના બ્લોગ પર આ લેખમાં ગોધરાના હિદુ-મુસ્લિમ તનાવ અંગે ખુદ ગાંધીજી શું માનતા એ ય વાંચવા જેવું છે. ગાંધીતુંબડે તરવા તત્પર તકસાધુઓ એ તો એ ખાસ વાંચવું. આ વખતે તસવીર લેખ સાથે જાણી જોઈને મુકતો નથી. આ સ્મૃતિઓ સતેજ નથી કરવાની, ભૂંસવાની છે. લેખ કોઈ વિશ્લેષ્ણ કે સાચા-ખોટાનો ન્યાય તોળવા નહિ, પણ મનમાં બાઝી ગયેલી ક્ષુબ્ધતાની મેશ નિતારવા લખાયો છે. કોઈ પક્ષ કે ધર્મ કે રાજકારણ સાથે એને કંઈ લેવાદેવા નથી, માટે રીડરબિરાદરો એ ય રાખવા નહિ…

થેન્ક્સ, જ્યોતિ ઉનડકટ ( jyotiu@gmail.com).


ગોધરા : બળેલા જીવોના સાક્ષી હોવાની વેદના

~ જ્યોતિ ઉનડકટ
27મી ફેબ્રુઆરી, 2012ના દિવસે દસ વર્ષ પહેલાં લખેલી રોજનીશી બહાર કાઢી. પાના ઉપરના અક્ષરો ઉપર નજર ફેરવી કે દસ વર્ષ પહેલાંની યાદો તાજી થઈ અને એક વેદના જગાડી ગઈ.

27મી ફેબ્રુઆરી,2002ના રોજ અમે બપોરે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. વાત એમ હતી કે, અમે નવી કાર લીધી હતી. પડોશમાં રહેતાં બે પરિવારો સાથે અમે બહાર જમવા જવાનું નક્કી કર્યું હતું. ત્યાં તો ગોધરાના સમાચારો આવવા લાગ્યા. પાર્ટીને પડતી મૂકીને હું ગોધરા ચાલી અને જીવનસાથી કૃષ્ણકાંત એની ઓફિસે.

ચિત્રલેખાનો અંક પૂરો થઈ ગયો હતો. છતાં એડિટર ભરતભાઈ ઘેલાણી સાથે વાત કરીને ગોધરા જવાનું નક્કી કર્યું. ઘરે ટેક્સી બોલાવી. આદત પ્રમાણે ગાડીમાં બેસતાવેંત જ ડ્રાઈવરને નામ પૂછ્યું. એણે જવાબ આપ્યો, ઈમ્તિયાઝ.

તરત જ વિચાર આવ્યો કે, ઓહ, ગોડ હવે આને કેમ કહેવું કે આપણે ક્યાં અને શા માટે જઈએ છીએ.

ફોટોગ્રાફર કમલેશ ત્રિવેદી સાથે ગોધરા જવા નીકળી ગઈ. સવા કલાકે ગોધરા આવ્યું. શહેરમાં પ્રવેશતાવેંત જ પોલીસે રોકી. રેલવે સ્ટેશને જવા જેવી હાલત નથી. તમે પાછાં વળી જાવ. પણ પત્રકારનો જીવ પાછો શેનો વળે. માથાકૂટ કરીને રેલવે સ્ટેશન જવા નીકળ્યાં.

ગોધરાના રસ્તાઓથી જરાપણ પરિચિત ન હતી. રેલવે સ્ટેશન પહોંચ્યા એ પહેલાં સંવેદનશીલ એરિયામાંથી પસાર થયાં. એ સમયે અંદાઝસુદ્ધાં ન હતો કે, આ સેન્સેટીવ એરિયા છે. પોલન બજારનો એક રસ્તો ભેંકાર ભાસતો હતો. એ રોડ જોઈને એવું લાગ્યું કે, ઈંટના ટુકડા, પથ્થરો અને સોડા બાટલીના કાચનો બનેલો રસ્તો છે કે, ડામરની સડક

હું સ્ટેશને પહોંચી ત્યારે સાબરમતી એક્સપ્રેસના એ એસ-6 કોચને અલગ કરી ટ્રેનને આગળ રવાના કરી દેવાઈ હતી. ઉતરતી વખતે ડ્રાઈવર ઈમ્તિયાઝભાઈને સૂચના આપી કે, ગાડીમાં જ બેસી રહેજો. અને કોઈ નામ પૂછેને તો બને ત્યાં સુધી જવાબ આપવાનું ટાળજો. તમારું ધ્યાન રાખજો, કંઈ ચિંતા કરતાં નહીં હું થોડીવારમાં આવું છું. ભયનું લખલખું ઈમ્તિયાઝભાઈની આંખમાં દેખાયું. આછી ધ્રૂજારી સાથે એ બોલ્યાં, ભલે બહેન.

એસ-6 કોચ એકલો અટૂલો ધૂમાડાના ડૂસકાં ભરતો પડ્યો હતો. કંઈ જ વિચાર્યા વિના સીધી ડબ્બા પાસે પહોંચી ગઈ. બે પગથિયાં ચડવા ગઈ તો એ પગથિયાં પણ બળી ગયા હતાં. માંડ માંડ ચડી શકી.

ડબ્બામાં જઈને જે દ્રશ્ય જોયું એ આજે દસ વર્ષે પણ આંખ સામેથી હટતું નથી. ડબ્બાની છત સુધી એક લાશનો ઢગલો હતો. સૌથી ઉપર બળેલું એક શરીર કોઈના લાડકવાયા નાનકડાં બાળકનું હતું. ત્રીજી સીટ ઉપર એક સ્ત્રીનું શરીર બેઠેલી અવસ્થામાં સળગેલું દેખાતું હતું. એમાંથી હજુ ધૂમાડાં નીકળતાં દેખાતાં હતાં. એ શરીરને કેટલી વેદના થઈ હશે એ વિચારે ધ્રૂજી ઉઠી.

ડબ્બામાં ઠેર ઠેર બચવા માટે દોડાદોડી કરીને થાકી ગયેલાં શરીરો બળીને રાખ થતાં દેખાતાં હતાં. મારાં ચંપલની નીચે કોઈની રસની બંગડી ચોંટી ગઈ. મારાં મોઢામાંથી એક આહ નીકળી ગઈ.

ડબ્બામાં જોયેલી એક એક લાશ અને બચવા મથેલાં શરીરો પરથી ઉઠતાં ધૂમાડાં, ફાયર બ્રિગેડની ઘંટી અને પત્રકારોની ફોજ. માહિતી માટે આમતેમ દોડતાં પત્રકારો અને બહુ જ થોડી સંખ્યામાં પોલીસ એવી કંઈક પરિસ્થિતિમાં રેલવે સ્ટેશને એક અજબનો અજંપો અનુભવાતો હતો.

મારી પાછળ જ ફોટોગ્રાફર કમલેશ ચડ્યો. એને કહ્યું કે, ભાઈ ફોટાં બહુ જ ધ્યાનથી પાડજો અને વધુ એંગલ મળે એ રીતે પાડજો અને કોઈ કચાશ ન રાખતાં ભલે આપણે વધુ સંખ્યામાં તસવીરો ડેવલપ કરાવવી પડે.

એ સમયે ડબ્બામાં હું, કમલેશ અને અસંખ્ય બળેલાં જીવ જ હતાં. અને મારો પત્રકાર જીવ ગણતરીઓ કરવા માંડેલો કે, હવે સ્ટોરીની શરુઆત ક્યાંથી કરવી, માહિતી કઈ રીતે અને ક્યાંથી મેળવીશ. ડબ્બાની હાલત, રેલવે સ્ટેશનનો માહોલ અનુભવીને સીધી સરકારી દવાખાને પહોંચી.

અંધાધૂધી અને લોકોની દિશા શૂન્ય હાલત જોઈને હૈયું કકળી ગયું. પણ અહીં ડિસ્ટર્બ થઈ જવું પાલવે એમ હતું નહીં અને હું ડિસ્ટર્બ થઈ પણ ન હતી. ત્યારે તો મારી ફરજ એકદમ સંવેદનશીલ વાતો લોકો પાસેથી કઢાવવાની હતી. હોસ્પિટલેથી ડીસ્ટ્રીક્ટ પોલીસ હેડ કવાર્ટર ગઈ ત્યાં ઓફિશીયલ કવોટસ લીધાં.

જમવાની પાર્ટી પડતી મૂકીને આવેલી હતી પણ જમવાનો સમય થયો ત્યારે જરાય ભૂખ નહોતી લાગી. સંવેદનશીલ અને બેસ્ટ રિર્પોટીંગની ભૂખ ઉઘડી ગઈ હતી. મન એટલું જાણતું હતું કે, બહુ જ મેજર ઘટના છે જેના પડઘાં વરસો સુધી ભૂલાવાના નથી.

આખો પાંચ-છ કલાક કામ કરીને ફરી રેલવે સ્ટેશને ગઈ. એસ -6 કોચમાંથી ધૂમાડાં નીકળતાં તો બંધ થઈ ગયેલાં પણ એટલું ફીલ થયું કે, હવેની આગ વધુ દઝાડવાની છે.

ડબ્બામાંથી ડેડ બોડીઝ કાઢતાં બ્લ્યુ ડ્રેસવાળા ફાયરમેનને પૂછ્યું કે, કેટલી લાશ કાઢી

એણે કહ્યું, બેન, હજુ લાશો કાઢવામાંથી નવરાં જ ક્યાં થયાં છીએ તો ગણવા બેસીએ.

રેલવે સ્ટેશને બહુ જ ઓછી સંખ્યામાં સ્ત્રી દેખાતી હતી. મહિલા પત્રકાર મારા સિવાય કોઈ ખાસ દેખાઈ ન હતી. જો કે, આવો વિચાર ત્યારે નહોતો આવ્ય.

ગૂમ થયેલાં પરિવારજનો બળેલી લાશમાંથી પોતાની વ્યક્તિની ઓળખ માટે મથતાં લોકોને જોઈ એમની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. ત્યારે કોઈ કોમી લાગણીઓ ન હતી. એ સમયે ફક્ત પરિવારજનને ગૂમાવ્યાનું દુઃખ જ એ લોકોના ચહેરા પર દેખાતું હતું અને વાતોમાં પણ.

ફાયરમેન બિઝી હતાં. લાશની પાંચ લાઈનોમાંથી ત્રણ અને બે લાઈનની વચ્ચે હું રીતસર ઊભી રહી. આગળ રહેલી ત્રણ લાઈનો અને પાછળ ફરીને બાકીની પાંચ લાઈનો ગણી. પૂરી સતાવન લાશ મેં સગી આંખે જોઈ અને ગણી.

તરત જ એડિટર ભરતભાઈને ફોન કર્યો. કહ્યું, મેં સતાવન લાશ ગણી છે. બીજી બધી ગંભીર બાબતો અને સંવેદનશીલ વાતો મળી એનો રિપોર્ટ ફોન ઉપર એમને આપ્યો. ભરતભાઈએ તરત જ કહ્યું કે, આપણો અંક પ્રિન્ટીંગમાં ચાલ્યો ગયો છે. પણ હું સ્ટોપ પ્રેસ કરાવું છું. તું જલદી બરોડા પહોંચ. ફોટા ડેવલપ કરાવ અને કવર સ્ટોરી માટે ફક્ત ત્રણ ફોટા સિલેક્ટ કરીને પહેલાં મોકલી દે. રાત્રે 11 વાગા પહેલાં સ્ટોરી મળી જાય એવું કર.

ગોધરા છોડીને વડોદરા પહોંચવાનું હતું. છતાંય છેલ્લે હોસ્પિટલે ગઈ. સાબરમતી એક્સપ્રેસના ઈજાગ્રસ્ત મુસાફર મહેસાણાના વિહિપ અગ્રણી પ્રહલાદભાઈનો ઈન્ટરવ્યુ લીધો. અને ગોઝારી ઘટનાની યાદ લઈને વડોદરા જવા નીકળી ગઈ.

વડોદરા પહોંચી એ પહેલાં જ ગોધરાના લોકલ પત્રકાર નીલમ સોનીનો ફોન આવ્યો કે બહેન તમે પ્રહલાદભાઈને મળેલાંને એ પણ ગૂજરી ગયાં. અને કુલ બળેલાં જીવોનો સરવાળો 58 પર પહોંચ્યો.

બસ એ પછી મારાં ફોનની બેટરી લો થઈ ગઈ. ફોન સ્વીચ્ડઓફ થઈ ગયો. વડોદરા પહોંચી ત્યાં રસ્તાઓ સૂમસામ થઈ ગયાં હતાં. કમલેશે એનાં એક-બે મિત્રોની મદદથી એક બેઝમેન્ટમાં આવેલું સાયબર કેફે ખુલ્લું રખાવેલું અને એક કલર લેબ.

ઈમ્તિયાઝભાઈને કહ્યું, તમે તમારાં ઘરે પહોંચીને ગમે ત્યાંથી ફોન કરીને મને કહી દેજો કે, તમે હેમખેમ પહોંચી ગયા છો.

દોઢેક કલાકમાં ઘરે બેસીને સ્ટોરી લખી નાખી. ત્યાં તો કમલેશ પણ તસવીરો ડેવલપ કરાવીને આવી ગયો. ચાર રોલની તસવીરોમાંથી ફક્ત બાર તસવીરો પસંદ કરી અને સ્કેન કરીને ભરતભાઈને ઈ-મેઈલથી રવાના કરી.

ઘરે ફેક્સ હતો નહીં પડોશમાં રહેતાં રાકેશભાઈ શાહનું ફેક્સ મશીન લાવી અને સ્ટોરી મોકલી. વહેલી સવારે સાડા પાંચે ભરતભાઈનો એસએમએસ આવ્યો કે, વેલ ડન. બેસ્ટ રિપોર્ટ.

જ્યારે રેલવે સ્ટેશન હતી અને એ ઘટનાઓની સાક્ષી બનીને એ પળોમાંથી હું પસાર થતી હતી ત્યારે મારું રિપોર્ટર મન જ કામ કરતું હતું. બીજા દિવસની સવારે બધું આંખો સામેથી પસાર થયું ત્યારે મન વિચારે ચડી ગયું.

પછીના દિવસો પણ બહુ કપરાં ગયાં. કરફ્યુ અને કોમી રમખાણોના સમાચારો. જીવને હલાવી દે એવો અજંપો. પડોશમાં રહેતાં હિન્દુ-મુસ્લીમ લોકોનું ધ્યાન રાખવાનું. જીવનસાથી કૃષ્ણકાંત ત્યારે ગુજરાત સમચારની વડોદરા આવૃત્તિના તંત્રી હતા. એ બપોરના ઓફિસે નીકળી જાય તો છેક વહેલી સવારે છાપું પૂરું કરીને ઘરે આવતાં.

ફતેગંજમાં અમારું ઘર-એપાર્ટમેન્ટ- વામા ટાવર. સામે જ મુસ્લીમ મેજોરીટીવાળો હેમ્પટન સ્કવેર. બધાં જ લોકોને સાથે રાખીને શાંતિપૂર્વક એ દિવસો પસાર કરેલાં. અનેક સમસ્યાઓને ઠેકાણે પાડી. રિપોર્ટીંગમાંથી આવું કે, એપાર્ટમેન્ટની નીચે બેઠેલાં ભાઈઓને સાચાં સમાચાર આપું. પછી મારાં કરફ્યુ પાસની મદદથી ગાડીમાં સમાય એટલાં ભાઈઓને લઈને આખા એપાર્ટમેન્ટના પરિવારજનો માટે શાકા-ભાજી અને દૂધની વ્યવસ્થા કરવા નીકળી પડું.

ઓફિસ બંધ હતી. કોમી રમખાણોના કારણે કામવાળા તો આવતાં નહીં, હું ઘરે રસોઈ બનાવતી. સામે શાક ઉકળતું હોય તો મને એમાંથી બળેલાં શરીરની જ વાસ અનુભવાય. કૃષ્ણકાંતના રિપોર્ટર હિરેન અંતાણી એની પત્ની ખ્યાતિ સાથે અમારી ઘરે રહેવા આવી ગયેલાં. હિરેનનું ઘર સંવેદનશીલ વિસ્તારમાં હતું અને એનાં લગ્નને હજુ ત્રણ જ મહિના થયેલાં. ખ્યાતિને એકલી રખાય નહીં એટલે અમે જ એમને અમારે ઘરે બોલાવી લીધાં.( હિરેન અંતાણી અત્યારે દિવ્ય ભાસ્કર સુરત આવૃતિના તંત્રી છે) રસોઈ બનાવતી વખતે પાસે ઉભેલી ખ્યાતિને પૂછતી કે, તું જરા આ શાકને સ્મેલ કર, એમાં મેં મસાલો કર્યો છે કે નહીં. (મને કંઈક જુદી જ સ્મેલ- બળેલાં મડદાંની) એ કહેતી હા, બરાબર છે.

મારી આંખો ભરાઈ આવતી. એ પરિસ્થિતિમાં હિંમતભેર કામ કરેલું પણ એ અનુભૂતિ અને વેદના દિલોદિમાગ પર સતત સવાર રહેતી હતી. પછી એક જ પ્રાર્થના સરી પડતી, કે કદી કોઈને આવા દિવસો કદી કોઈને ન જોવા પડે. આજે દસ વર્ષ થયાં છે ત્યારે એ બળેલાં જીવોની સાક્ષી બન્યાની વેદના એક ટીસ સાથે ધસી આવી છે.

સાબરમતી એક્સપ્રેસ – ગોધરા કાંડ પછી ઘણું રાજકારણ ખેલાઈ ગયું અને ખેલાઈ રહ્યું છે. એ રાજકારણ કે હિન્દુ –મુસ્લીમના દંગલ કે કોણ સાચું અને કોણ ખોટું એમાં નથી પડવું….. દસ વર્ષ- 3650 દિવસ – એક દાયકો પત્રકાર તરીકેની કેટલીક ઘટનાઓ ક્યારેય નથી ભૂલાતી.

 
40 Comments

Posted by on March 2, 2012 in Uncategorized

 
 
%d bloggers like this: