RSS

Daily Archives: February 14, 2012

ઉસી મકામ પે કલ દેખ કર મુઝે તન્હા…. બહુત ઉદાસ હુએ ફૂલ બેચનેવાલે !

 

રાજમાર્ગોની પગથી ઉપર આંટા મારીમારીને એ દહાડા વિતાવતો હતો. હાથમાં એક જેષ્ટિકા રાખતો. લાકડીનો ટેકો દઈને એ વારેવારે ઊભો રહેતો. ઘણી વાર દૂરથી અનેક વટેમાર્ગુઓ એને પોતાને સલામ કરતા હોય એવો ભાસ એને થયા કરતો. ખાસ કરીને વધુ રમૂજ તો એ થતી કે રસ્તાની એક બાજુએ ચાલી જતી નવયૌવનાઓ સામી પગથી પર પસાર થતા પોતાના કોઈ પ્રેમિકોને દેખી મોં મલકાવતી .

આ રખડુ માણસ એ મોં-મલકાટને પોતાનો કરી સાકાર કરી લેતો. સામે પોતે પણ વેવલું સ્મિત ઉછાળતો. પણ પછી એ સુંદરીઓના ચહેરાને ફૂંગરાતા દેખી અચરજમાં પડી જતો. પોતાની ભૂલ એને સમજાતી નહીં. સુંદરીઓનો પ્યાર શું આટલો બધો અચોક્કસ હશે ! કે શું એ રોષ-ભ્રુકુટિ પણ પ્યારની જ છૂપી સંકેત-ભાષા હશે ? આટલી બધી ચાલી જાય છે. તેમાંની પ્રત્યેક શું એના વહાલને એકલે જ હાથે કબજે કરી રાખવાની સ્વાર્થી લાગણીને કારણે ઇર્ષ્યાથી એકદમ ગુસ્સે થતી હશે શું ? પ્રણયની દુનિયા, અહો કેટલી બધી વિકટ, નિગૂઢ, ને ભીડાભીડથી ભરેલી ! મારા રૃપ અને યૌવન માટે કેટલી ઝૂંટાઝૂંટ ! હું કોને સ્વીકારું ને કોને તરછોડું !

નાની-શી ટોપલીમાં થોડાંક ફૂલો લઈને એક જુવાન છોકરી રસ્તા પરને એક ઓટે રોજ બેસે છે. બેઠી બેઠી ધીરે અવાજે બોલ્યા કરે છે: ”ગુલાબનાં ફૂલ લેશો શેઠ ? આ ગુલાબનાં ફૂલ લેશો કોઈ ? આ તાજા ગુલાબનાં ફૂલ !”

ઠબ ઠબ જેષ્ટિકા કરતો રઝળુ નીકળ્યો, તેને કાને પણ ધ્વનિ પડયો: ”આ ગુલાબ લેશો શેઠજી ?”

પોતે ઊભો રહ્યો. આસપાસ જોયું. બીજો કોઈ આદમી ત્યાં નહોતો. ત્યારે આ ફૂલવાળીએ કોને કહ્યું ‘શેઠજી ?’

આગળ ચાલ્યો. માલણનું મોં એના તરફ વળ્યું. અવાજ આવ્યો: ”શેઠજી, આ ગુલાબ લેશો ?”

ફરી વાર એણે ચોગમ નજર કરી. ખાતરી થઈ કે, ‘શેઠજી’ શબ્દ વડે સંબોધાનાર એ પોતે જ હતો.

ફૂલવાળી શું ઠેકડી કરતી હતી ? મારા આવા દીદાર દેખતી છતાં મને ‘શેઠજી’ શીદ કહેતી હશે ? લાકડીને દમામભેર ભોંય ઉપર પછાડી એ રાતોપીળો બનીને છોકરી તરફ ફર્યો.

તો યે એ છોકરીની ઉઘાડી આંખો અનિમેષ તાકી રહી છે, છોકરીના હાથમાં એક ગુલાબ છે. એના મોં ઉપર ફૂલ વેચવાની આશા છે. સહેજ મલકાટ મારતા એ ચહેરામાં એકાદ પૈસાની ઓશિયાળ છે. મશ્કરીનું કોઈ ચિન્હ નથી.

મુફલિસને કૌતુક થયું. એ નજીક આવ્યો. માલણે ફરીથી પૂછ્યું: ”એક ગુલાબ લેશો, રૂડા શેઠજી ?”

આંખોનું મટકું માર્યા વગર સામે ને સામે એ નિહાળી રહી છે. પણ જાણે કે એ તાકી રહી છે. મુફલિસના પગના ધબકારા ઉપર! ચહેરા ઉપર નહીં. એની આંખોના ડોળા ફરતા નથી.

મુફલિસને બહુ વારે સમજ પડી: માલણ આંધળી છે.

આજે જીવનમાં પહેલી જ વાર મુફલિસે પોતાના પ્રત્યે એક અણભંગ સ્મિત નિહાળ્યું. પહેલી જ વાર એ ‘શેઠજી’ બન્યો. ગુલાબનું ફૂલ એણે પહેલી જ વાર પોતાના તરફ રજૂ થતું દીઠું. પહેલીવાર એણે એક એવી સૃષ્ટિમાં પ્રવેશ કર્યો કે, જ્યાં બાહ્યલા લેબાસના ભેદાભેદ વગર, સુંદર-અસુંદર ચહેરાના વિવેકથી રહિત, મીઠી સમાનતાનો સૂર ઊઠે છે કે, ‘ફૂલ લેશો શેઠજી ?’

મુફલિસે પોતાનું ગજવું તપાસ્યું. અંદરથી એક પાવલી નીકળી. પાવલી એણે ચૂપચાપ માલણની હથેળીમાં મૂકી અને માલણના હાથમાંનું ગુલાબ ઉપાડી લીધું.

* * *

રીડરબિરાદર, વસંત આવી પહોંચી છે. વ્હાલો વેલેન્ટાઇસ ડે આવી રહ્યો છે. ૧૪ ફેબ્રુઆરીના લીધે સમથિંગ સ્પેશ્યલ વી-ડે પર ‘કુછ કુછ’ થાય, ત્યારે અચાનક યાદ આવે છે શરબતી આંખો, શરારતી ફૂલો અને શરાબી પ્યાર ! અને આળસ મરડી બેઠી થાય છે, ૧૯૩૧માં બનેલી વર્લ્ડ ક્લાસિક ગણાતી ચાર્લી ચેપ્લીનની ફિલ્મ ‘સિટી લાઇટ્સ !’ આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મેધાવી વિજ્ઞાની જેનો અંત જોઈને ધ્રુસકે ધ્રુસકે રડયા હતા એવી બેનમૂન કૃતિ ! રમૂજમાં રોમાન્સની રંગપૂરણી કરતી ‘સિટી લાઇટસ’ને કાગળ પર સજીવન કરે, એવી રીતે એની વાર્તાને ઝવેરચંદ મેઘાણીએ ‘જીવન-પ્રદીપ’ નામથી  ‘પ્રતિમાઓ’ સંગ્રહમાં અનુસર્જીત કરી હતી. મેઘાણીનું શબ્દચિત્ર આખું તો અહીં મૂકવું શક્ય નથી. (પ્લીઝ, શોધીને વાંચજો !) એના લસરકા સાથે માંડીએ મુહોબ્બતની એક મેઘધનુષી કહાનીની વાત. ચાલો, ચાર્લીની આંગળી પકડીને ચાલેલા મેઘાણીની આંગળી પકડવા અમારી આંગળીએ !

* * *

તો પેલા મુફલિસની પાવલીને પકડીને આંધળી માલણ છોકરી બેઠી રહી, ફૂલ તો દસ પૈસાનું હતું. (જમાના જૂની વાર્તા છે, ભૈ !) પંદર પૈસા પાછા આપવાના હતા. મુફલિસ તો ગુલાબ નાક વડે ખાઈ જવા માગતો હોય (વાહ મેઘાણી !) એ ય સૂંઘતો સૂંઘતો ચાલ્યો. ત્યારની પ્રભાતનું ભૂખ્યું જરૃર એણે ગુલાબની ખુશ્બૂ વડે ભરી લીધું. એક આંધળી છોકરીને પોતે ‘શેઠજી’ હતો, એનો એને ગજબનાક સંતોષ તરવરતો હતો. એ એકલો એકલો હસતો હતો. છોકરી પાવલી પકડીને બેસી રહી. વધુ પૈસા મળ્યા હોવા છતાં છેતરાઈ હોય એમ !

એ રાતે નદી કિનારાના પોતાના રોજીંદા હવાખાનામાં મુફલિસ ભાંગેલા બાંકડા પર સૂતો હતો. ત્યારે એક દોલતમંદ શ્રીમંત ત્યા આપઘાત કરવા આવ્યો. પૈસાને લીધે એ પાગલ થઈ ગયો હતો. જિંદગી નરી દોલતથી નહિ, સુંવાળી સ્નેહગાંઠો, થોડી લગની, થોડી મસ્તીથી જીવાય છે. એ અમીર પાસે એવો કોઈ વિસામો નહોતો. મુફલિસને તો આજે નીંદર જ નહોતી આવતી એણે એને બચાવ્યો. કોઈ અજાણ્યાને પોતાની ફિકર કરતો જોઈને શ્રીમંત આદમી દારૃના નશામાંથી દોસ્તીના કેફમાં આવી ગયો, ‘દિલજાની’ કહી નવા મિત્રને ઘેર લઈ આવ્યો. પંદર- સોળ કલાકથી ચીમળાયેલું પેલું ગુલાબ જોડે લેવાનું મુફલિસ ભૂલ્યો નહોતો.

શ્રીમંતના ગજવાના જોરે મુફલિસે બીજે દિવસે અંધ કન્યા પાસેથી દસ રૂપિયાના મોટા ગુલદસ્તા ખરીદ્યા. માલણે અવાજ ઓળખ્યો, ‘શેઠજી’ની આંગળીઓ સ્પર્શીને ગઈકાલના છુટ્ટા પૈસા આપ્યા. રખડુમાં અચાનક સ્વાભિમાન જાગ્યું હતું. ‘રાખ એ પૈસા અને આજના ય… એટલા તો મારી ઘેર સંજવારીમાં નીકળે છે !’

અંધ યુવતીના ચહેરા પર આશ્ચર્યમિશ્રિત કરૂણતા પ્રસરતી હતી. નવા બનેલા શ્રીમંત દોસ્તની ગાડીમાં એ છોકરીને કંગાળ વિસ્તારમાં રહેલા એના ઘર સુધી એ મૂકી આવ્યો ! આભી બનીને અવાચક બનેલી છોકરીનું મોં સિવાઈ ગયું હતું.

મુફલિસ ગાડી-ડ્રાઇવર છોડવા શ્રીમંતના બંગલે ગયો, તો ચોકીદારોએ કહ્યું, ‘માલિકને દારૂ ઉતરી ગયો છે, તને ઓળખશે નહિ, તું રસ્તે પડ !’ અને એને સમજાયું કે પોતે શેઠસાહેબનો નહિ, એમના નશાનો ‘દિલજાની’ હતો. એક રાતનું રમકડું ! ફરી ફાટેલા ગાભાં ચડાવી એ ચાલતો થયો. મનોમન ફૂલવાળીને અંધ બનાવવા માટે ભગવાનનો આભાર માનતો !

* * *

આંઘળી માલણ જ્યાં રોજ ફૂલો વેચવા બેસતી તે ઓટા પર જવાની અને ત્યાં પોતાનો શેઠ-પાઠ ભજવવાની તો હવે મુફલિસને આદત જ પડી ગઈ છે. ત્યાં જઈને ગુલાબ લીધા વગર એને કશો ધંધો-મજૂરી સૂઝતાં જ નથી. એકાદ- બે કલાકની મજૂરીમાંથી બે આના એ રળી લ્યે છે. એકાદ આનાના દાળિયાધાણી ખાઈને એક આનો રોજ ફૂલનો આપે છે. આખો દિવસ ગુલાબ ચૂસીચૂસીને સૂંઘ્યા કરે છે. રાત્રિએ સૂએ છે પેલા આપઘાતિયા નદી-ઘાટને બાંકડે. હમણાં હમણાં એની શાન્તિમાં ભંગ પાડવા ત્યાં કોઈ આવતું નથી.

પણ છેલ્લા બે દિવસથી ઓટો ખાલી પડયો રહે છે. આંધળી દેખાતી નથી. બેઠક બદલી તો નહીં હોય ? મુફલિસ આખા નગરમાં ભમી વળ્યો. ક્યાંય આંધળી ફૂલવાળીને દીઠી નહીં.

એને ઘેર ગયો. એના મેડાની પાછલી બારીએ એક એંઠવાડની કોઠી ઉપર ચડીને એણે અંદર ડોકિયું કર્યું.

મુફલિસ જ્યાં ઊભો હતો ત્યાં પોતાનું સમતોલપણું ન સાચવી શક્યો. એંઠવાડની કોઠી ગબડી પડી. પોતે પલળ્યો. ભોંયતળિયાની નીચે પણ બીજાં ઘર હતાં, તેમાંના એક ઘરમાં બધો એઠવાડ રેડાયો, એટલે એ ભૂગર્ભના એક વાસીએ બહાર નીકળીને એને ગાળો દીધી.

પણ એ બધું તો એણે એક ફિલસૂફને છાજતી ખામોશીથી સહી લીધું. ફરીથી પાછો એ કોઠી પર ચડીને મેડાની બારીએ ટીંગાયો. આંધળીની પથારી પરથી ચાલ્યા જતા દાક્તરના છેલ્લા બોલ એણે પકડી લીધા: ‘સંભાળ રાખજો, દવાદારૃ ને શેક બરાબર કરજો. કેસ ગંભીર છે.’

એંશી વર્ષની એક ઘરડી ડોશી દાક્તરના આ બોલ સામે બાઘી બનીને ઊભી રહી હતી. ત્યાં બીજું કોઈ નહોતું. તાવના પૂરા ઘેનમાં પડેલી કન્યા લોચતી હતી: ”શેઠજી ! શેઠજી ! શેઠજી !”

મુફલિસ ઉતરીને ચાલ્યો ગયો. ‘હું એનો શેઠજી છું.’ એ ખુમારી એના હૃદયમાં ફાટી ઊઠી. એણે રઝળુ જીવન છોડી દીધું. શહેરની મ્યુનિસિપાલિટીમાં એણે ઝાડુવાળાની નોકરી લીધી. કચરાની હાથગાડી ફેરવતો એ આખો દિવસ રસ્તા પરની ઘોડા-ગધેડાની લાદ, કૂતરાંની ઊલટી, ફૂટેલા ઇંડા, કેળાંની છાલ, બીડીનાં ખોખાં, ને ઝરૂખાવાસીઓનાં ખાધેલા ફળોની ફોતરીઓ ઉસરડતો હતો. એ મજૂરીના પૈસા રોજ આંધળીને ઘેર પહોંચતા.

થોડે દિવસે આંધળીને આરામ આવ્યો, પણ નબળાઈ હજુ ઘણી હતી. દાદીમાએ હવે એને મૂકીને ફૂલ વેચવા જઈ શકતાં હતાં. અને રોજ સંધ્યાએ દાદીમાના ગયા પછી જ મુફલિસભાઈ છાનાછપનાં મેડા પર પેસતા. આંધળી પુત્રીનો જીવનાધાર ‘શેઠજી’ આ દાદીમાની નજરે કદી ચડયો નહોતો. દાદી અને દીકરી બેઉના કલ્પના જગતમાં જ એની આકૃતિ અંકાઈ રહી હતી,

કોઈ પરીકથા માંહેલા વીર કુમારની પેઠે, જાણે કે એનું રહસ્યાગમન થતું હશે, અરુણવરણું કોઈ પારિજાતક લઈને એ જાણે પોતાના રથમાંથી ઉતરતો હશે, અને અંધ પુત્રીના સૃષ્ટિના અપર પારનું અદ્ભુત વહાલ કરતો હશે ! હર્ષઘેલડાં બનતાં દાદીમા ફૂલો વેચવા ચાલ્યા જતા, ને એક દિવસ પુત્રીનો આ તારણહાર રહસ્યપટને ચીરી નાખી પોતાની આંખો સામે ઊભો રહેશે એવી આશાએ જીવન ટકાવતાં.

”જો ! આ સફરજન મારા પોતાના જ બાગમાં પાકેલું.”

એમ કહીને એણે આંધળીનો હાથ લઈ ફળ ઉપર ફેરવ્યો. પૂછ્યું, ”કેમ, કેવું સરસ ?”

”બહું સરસ. આવું લીસું, સુંવાળું ને મીઠું સફરજન તમારા બાગમાં થાય છે ?” જાણે આંધળીની આંગળીઓ ફળને ચાખતી હતી.

”ન થાય ત્યારે ? કેટલાં ખાતર પુરાવેલ છે મેં ? મને વેચાઉ ફળ ખાવાં ગમે જ નહીં ને !” શબ્દે શબ્દે શેઠજી સાહેબી ગુંજી ઊઠી.

મમતા અને અહેસાનમંદી બતાવવાનું શ્રેષ્ઠ સાધન બે આંખો જ છે. પણ આંખની વાણી જેની પાસે નથી તે શું કરે ? જીભ વાપરે ? ના, ના, જીભનું ઉચ્ચારણ કનિષ્ઠ છે. આંધળીએ જીભ-વાચા છોડી હતી. ફક્ત એના હાથ જ આ તારણહારના હાથ ઉપર ફરતા હતા. હથેળીમાં જાણે એની આંખો ઊઘડતી હતી.

* * *

અને એક દિવસ બીમાર અંધ કન્યાના હાથમાં મકાન ભાડાની નોટિસ આવી. રડતી છોકરીને સમજાયું, દાદીમાથી ફૂલ વેચાતા નથી. ‘શેઠજી’ બનેલા મુફલિસે આશ્વાસન આપ્યું પણ એની પાસે બેસવા જતાં એની નોકરી ગઈ ! ભાડું તો આપવું પડે ને ! વળી એણે અખબારના ટુકડામાં વાંચેલું, એક ડોક્ટર એની પ્રજ્ઞાચક્ષુ પરીને ઓપરેશનથી આંખો આપી શકે તેમ હતો. મુફલિસને પોતાની નોકરીની ફિકર નહોતી. એને ચિંતા હતી ગમતી છોકરીની. રકમ મેળવવા માટે મુક્કાબાજીના મુકાબલામાં ઝુકાવ્યું પણ પ્રેમના સંકલ્પથી કંઈ સફળતા નથી મળતી. એ ધૂળચાટતો થયો. કદાવર હરિફોના હાથે મરણતોલ માર ખાધો. રૃપિયાની નોટો શું, એની કરકરિયાવાળી કોર પણ ન દેખાઈ !

અને બેહાલ પડેલા મુફલિસને અચાનક મદિરાપાન કરતો પેલો દોસ્ત મળી ગયો ! નશાને લીધે એને પોતાના પર ઉપકાર કરનાર ‘જીગરી’ યાર યાદ આવ્યો. ફરી આગ્રહ કરીને ઘેર લઈ આવ્યો. મુફલિસે હાથ જોડીને પૈસા ઉધાર માંગ્યા અમીરે મોજથી હજાર રૃપિયા રોકડા ગણી દીધા. કલેજાના ટુકડાને જીવ બચાવવાની ભેટ. મુફલિસ તો નાઠો. નોકરોને થયું અમારા માલિકના પૈસા ચોરીને ભાગે છે એમણે પાછળ પોલિસ મોકલી !

મુફલિસ પોતાની ફૂલવાળી પાસે જીવસટોસટની બાજી લગાવી પહોંચ્યો. બધા જ પૈસા એને આપી દીધાં. હેબત ખાઈ ગયેલી માલણે ‘શેઠજી’ના હાથને સ્પર્શવા હાથ ફેલાવ્યો ,પણ શેઠજી અહેસાનનો સુખ-સ્પર્શ પામવા રોકાયા નહોતા. આંધળીનો હાથ એને શોધતો આગળ-પાછળ ફરતો રહ્યો. આંખમાંથી આંસુના ટીપા ટપટપ નોટોના કાગળિયાને ભીંજવતા રહ્યા. પોલિસે રખડુને અમીર પાસે હાજર કર્યો, પણ સવારે એનો નશો અને રાતની યાદો ઉતરી ગયા હતા. મુફલિસને લાંબી જેલ મળી !

* * *

રસ્તાના ચોકની એક બાજુએ ફૂલોની દુકાન શોભતી હતી. કાચનાં બારીબારણાં વાટે હજારો ફૂલોની ગેંદો, માલાઓ, વેણીઓ, ગજરાતોરા અને લગ્નસરાના પુષ્પ-મુગુટો હસતા હતા. રંગો અને ખુશબો જાણે વાચા ઉચ્ચારી રહ્યાં હતાં. બે-ત્રણ દાસીઓ અંદર ઘૂમતી હતી. પંચાશી વર્ષનાં એક ડોશી એક આરામખુરશી પર બેઠાં હતાં અને એક સુંદર કાળી ખુરસી પર બેસીને ઘરાકોની વરધી નોંધતી એક જુવાન સ્ત્રી આ ફૂલની દુકાનને ગૌરવ આપતી હતી.

ધનિકોની અને રસિકોની રોનકદાર મોટરગાડીઓ ત્યાં ઉપરાઉપરી અટકતી અને ફૂલોની ખરીદી કરનારા ફૂલભોગીઓ ઊતરી પડતા.

એમાંના અનેક ઘરાકોની મુખાકૃતિ ઉપર એ ફૂલ-હાટની અધિષ્ઠાત્રી તાકી તાકીતાકીને જોઈ રહેતી. જાણે એનું કોઈ ખોવાયું હતું.

એમ તો એ દુકાનના તારીખિયા ઉપરથી કેટલીયે તારીખોનાં પતાકડાં ઊખડી ઊખડીને હવામાં ઊડી ગયાં, ને કેટલીયે મોટરો ધીરે અવાજે ત્યાં અટકી અટકીને પાછી ઉપડી ગઈ.

સજા ભોગવીને જેલની બહાર આવેલા મુફલિસના પગલાં યંત્રની પેઠે ચાલ્યા જતાં હતાં. એનો લેબાસ ધૃણા ઉત્પન્ન કરે તેવો હતો – પણ તે તો દેખતા લોકોને, પોતે જેને મળવા જતો હતો તે તો હતું અંધ માનવ. સંકોચ વિના તેણે કદમ ઉપાડયા.

જૂની પિછાનવાળા ઓટા પાસે એ આવી પહોંચ્યો. ઓટા પર કોઈ નહોતું. ફૂલછાબ કે ફૂલની એક પાંદડી સુધ્ધાં નહોતી. ઓટો ઘણા કાળથી ઉજ્જડ પડયો હોય એવું દેખાઈ આવ્યું.

થોડી વાર એણે ત્યાં ઓટાની સામે આમતેમ ટેલ્યા કર્યું, પણ કોઈ આવ્યું નહીં. માંદી હશે ? મરી તો નહીં ગઈ હોય ? બીજે ક્યાંય બેઠક બદલી હશે ? શું થયું હશે ?

થોડી વારે એણે પછવાડે જોયું; ને જોતાં જ એ દંગ થઈ ગયા.

ભરચક ફૂલોની દુકાન દીઠી. ખુશબોના તો જાણે છંટકાવ થતા હતા એના મોંને જાણે એ સુગંધિત હવાની ઝાલક ભીંજવતી હતી.

એણે ફરીથી જરા ટીકીને જોતું ફૂલોની દુનિયા વચ્ચે એક મોં દેખાયું.

એ જ એ મોં ? ક્યાંથી ? કોઈની દુકાનમાં નોકર રહી ગઈ ? કેવાં સ્થિર નેત્રે બેઠી છે ! મહિનાઓ પહેલા દીઠી હતી તેવી જ અંધ, છતાં અનંતને પાર જોતી બે આંખો. મટકું ય નથી મારતી.

ત્યાં તો એણે ઉદ્ગાર સાંભળ્યો: ”દાદીમા, આજ મારી ડાબી આંખ ફરકે છે. મને એમ થાય છે કે જરૂર આજ એ આવશે.”

એ આવશે ! કોણ આવશે ? મુફલિસે એ દુકાન તરફ પગલાં માંડયા. એ હર્ષઘેલો થઈ હોઠ પલકાવી રહેલ છે. એના હાથનું ચીમળાયેલું ફૂલ હમણાં જાણે છેક નાકની અંદર પેસી જશે.

ધીરે ધીરે છેક ફૂલોના જૂથની પાસે જઈને એ ઊભા. બોલતો નથી. નિહાળે છે. ધીરીધીરીને નિહાળે છે.

ફૂલવાળી પણ આ ગાંડા ભિખારીની હર્ષચેષ્ટાઓને જોઈ રહી. એને તો રોનક થયું છે. પોતે વાટ કોની જોઈ રહી છે…અને મેળાપ કોનો થયો છે! કલ્પનાની સુંદર સ્નેહમૂર્તિ ક્યાં ! ને ક્યાં આ એક ગાંડાની ઇસ્પિતાલમાંથી નાસી આવેલાના દીદાર ! વિધાતા પણ ઠીક ઠેકડી કરી રહી છે.

મુફલિસ ખાસિયાણો પડી ગયો. એના મોં પરની વેવલાઈમાં કરુણતા ભળી. એના ફૂલમાંથી પાંખડીઓ ખરતી હતી. એ જોતો હતો પેલી બે આંખોને. શું એ આંખો ભાળે છે ?

એનું જોવાનું હજુ પૂરું થયું નથી. ભોંઠામણ,

”તારે ફૂલ જોઈએ છે અલ્યા !” ફૂલવાળીએ એના સામે અનુકમ્પિત દ્રષ્ટિ કરી: ”તું તો બહુ ફૂલનો શોખીન જણાય છે, અલ્યા ! લે હવે એ સળી નાખી દે, ને આ લે આ તાજું ગુલાબ !”

દિવસોનો ક્ષુધાતુર જેમ રોટલાનો ટુકડો પકડવા હાથ લંબાવે તેટલી અધીરાઈથી એણે ફૂલ લેવા હાથ લંબાવ્યો. પણ પાછો ખચકાયો. હાથ એણે પાછો ખેંચ્યો.

”લે, લે અલ્યા હું તને ટગવતી નથી, સાચેસાચ ફૂલ આપું છું.”

ફૂલ લઈને એ ઊભો થઈ રહ્યો. હજુ એની મીટ ફૂલવાળીના મોં પરથી ઉખડતી નથી.

”કેમ હજુ ઊભો છે અલ્યા ? તું ભૂખ્યો છે ? પૈસા જોઈએ છે તારે ? આ લે પૈસો.”

ફૂલવાળીએ પૈસો આપવા હાથ લંબાવ્યો. એ દેખીને મુફલિસ પોતાને જાણે કોઈ અંગારા ચાંપવા આવતું હોય તેવા ત્રાસથી પાછો હટયો. દૂર જઈને ઊભો રહ્યો. એની આંખોમાં જાણે બે દીવા બળતા હતા.

”કેમ ? કેમ નાઠો અલ્યા ? આ લે પૈસો, સાચે જ પૈસો આપું છું.” એમ કહેતી એ ઊભી થઈ. લપાઈને ઊભેલા મુફલિસને તો આ હાંસીની હદ થઈ ગઈ. એ ઊભો હતો ત્યાં જ થીજી ગયો. એને જાણે કોઈ સોટા મારવા ચાલ્યું આવે છે.

”આ લે પૈસો.”

મુફલિસે હાથ સંકોડી લીધો. ફૂલવાળીએ એનો હાથ પકડીને હથેળીમાં પૈસો મૂક્યો. મૂકતાં જ, હાથનો સ્પર્શ થતાં જ ફૂલવાળીને રોમેરોમ ઝણઝણાટી ઊઠી, સ્પર્શની વાચાએ એને સાદ દીધો. ઝાલેલો હાથ એનાથી છોડી ન શકાયો. હાથ જાણે ચોંટી ગયો. એનાથી એટલું જ બોલી શકાયું:

”તમે ? તમે જ ? પાછા આવી પહોંચ્યા ?”

મુફલિસે માથું હલાવ્યું. સજળ એનાં નેત્રો હજુ તાકી જ રહ્યાં છે. એના મોંમાંથી પણ સામો આટલો જ બોલ પડયો: ”તું- તું દેખતી થઈ ?”

ફૂલવાળીએ માથું હલાવ્યું. ચારે જીવન-પ્રદીપોમાં આંસુનું તેલ પૂરાતું હતું. હસ્તમિલાપ હજુ ભાંગ્યો નહોતો. બેઉની વચ્ચે એક તાજું ગુલાબ હસતું હતું.


* * *

કોણ કહે છે પશ્ચિમમાં પ્રેમ નથી ? પ્રેમોત્સવ આયાત કરીને પણ ઉજવવો પડે તો કેમ ન ઉજવવો ? જીવન તત્વનો જેવો જાણકાર ચાર્લી, તો એવા એને માણનાર મેઘાણી ! જ્યાં અસ્તિત્વ છે, ત્યાં ઇશ્ક છે. પ્રફુલ્લ નાણાવટીનો શૅ’ર છે: આંગળીઓ સ્પર્શઘેલી હોય છે, ફૂલપત્તી પણ નશીલી હોય છે ! આશિક- માશૂકાનો વેલ્વેટ ટચ એ જ જગતનું સૌથી કુમાશભર્યું રેડ રોઝ છે. પણ એ નિહાળતી આંખો લલાટની નીચે નહિ, છાતીના ડાબા ભાગમાં ધબકારાના પલકારા મારે છે ! કાળજી, ભરોસો, સમજણ… પ્રતીક્ષા અને સમર્પણ… એ જ તો ભવોભવના વિરહ-મિલનનું સગપણ !

# (from my book ‘preet kiye sukh hoy’ , happy valentines day 🙂


>>> વાર્તાના અંતે વર્લ્ડ ફેમસ ‘સીટી લાઈટ્સ’ ફિલ્મનો ક્લાઈમેક્સ તો મુક્યો. તેની નબળી નકલ જેવી ફિલ્મ ‘સુનયના’ (રામેશ્વરી, નસીરુદ્દીન શાહ અને સુમધુર ટાઈટલ સોંગ ) હિન્દીમાં બની ચુકી છે. પણ ખાંખાખોળા કરતા આખી મૂળ અંગ્રેજી ફિલ્મ અહીં જડી આવી ! એ ય ડીજીટલ રિસ્ટોરેશન સાથે ! ફુરસદ હોય તો એ નિહાળજો. સ-રસ અનુભૂતિની સાથે ખ્યાલ આવશે કે સંવાદ વિનાની સાયલન્ટ ફિલ્મને મેઘાણીએ કંઈ સીધી કોપી-પેસ્ટની અદામાં ગુજરાતીમાં ઉતારી નથી, પણ પોતાની બળુકી ભાષાથી એને નવા આયામો આપી એનું રીતસર નવસર્જન કર્યું છે. cry. laugh. enjoy the love. its in the air.

 
61 Comments

Posted by on February 14, 2012 in Uncategorized

 
 
%d bloggers like this: