RSS

Daily Archives: February 8, 2012

પાતાળપ્રવેશ : જર્ની ટુ ધ સેન્ટર ઓફ ક્લાસિક્સ !

‘‘હું જાણું છું કે આ જાતના સાહિત્યના ગુજરાતમાં હજુ શ્રીગણેશ જ મંડાય છે. ગુજરાતના સાહિત્યસેવીઓમાંથી કોઇને નજરે આ પુસ્તકો જાણીને કે ભુલથી ચડી જાય, તો તેઓ તેને અંગે ઉભી થતી સૂચનાઓ ટીકાત્મક કે પ્રશંસાત્મક-મને લખી મોકલે તો આ સાહિત્યના વિકાસમાં તે તેમનો ફાળો જ ગણાશે.

ગુજરાતની વાંચવાની શકિત ખૂબ મર્યાદિત છે, અને તેની શકિતને મૂંઝવી નાખે એટલું સાહિત્ય સામે આવીને પડે છે. એ વખતે તેમાંથી આપણો કિશોરવર્ગ કોઇ રીતે ઉગરી જાય, તે માટે બહારનું સાહિત્ય તો ગાળી ગાળીને જ તેમની પાસે મુકાવું જોઇએ. અને સ્વતંત્ર સાહિત્ય પણ વિવેચનની આકરી કસોટીમાંથી પસાર થઇને બહાર મુકાવું જોઇએ, એમ માનનારો હું છું એટલે મારી કૃતિઓ સંબંધેની આકરી કસોટી હું સાહિત્યસેવીઓ પાસેથી માંગુ છું. મને આશા છે કે પ્રશંસા અથવા ટીકા ગમે તે રૂપે મને જે કંઇ મળશે તે મારા ઉત્સાહને વધારનારૂં જ થશે; કારણ કે, આ જાતના સાહિત્યની જરૂરિયાત માટે મને બિલકુલ શંકા નથી. તેને મૂકવાની રીત પૂરતો જ હું ભૂલ ખાતો હોઉં એવો સંભવ રહે ખરો.

ભાષાંતર અથવા સંક્ષિપ્ત કરીને પણ આ જાતના સાહિત્યમાં વધારો કરવાનો આનંદ માનવો પડે, એ પણ આપણી ભાષાની કરૂણ સ્થિતિ છે… સાહસ અને કલ્પનાથી ભરેલી અને પ્રાણ પૂરનારી કથાઓથી આપણું સાહિત્ય સમૃદ્ધ બને, તે માટે મેં સહુના માર્ગસૂચન અને ઉત્સાહપ્રેરક શબ્દોની ઇચ્છા અહીં દર્શાવી છે.’’

લખ્યા તારીખઃ ૧મે, ૧૯૩૫. લખનારઃ મૂળશંકર મોહનલાલ ભટ્ટ. સ્થળઃ દક્ષિણમૂર્તિ, ભાવનગર.

૧૨ સપ્ટેમ્બર, ૨૦૦૮. ખાસ હીટ ન થયેલી હોલીવૂડ ફિલ્મ ‘જર્ની ટુ સેન્ટર ઓફ ધ અર્થ’ ભારતમાં મહીનાઓ મોડી રિલિઝ થઇ. અને આ દાયકાઓ જૂના શબ્દો મનમાં તરવરવા લાગ્યા ! કારણ કે, મનના પેટાળમાં દટાયેલી એક ૧૧૨ પાનાની પાતળી કિતાબ, ધરતીના તળિયેથી જ્વાળામુખીમાં લાવારસ ઉછળે, એમ ધસમસતી ઉછળી આવીઃ પાતાળપ્રવેશ !

અને યાદોના પાતાળલોકમાં વગર પરવાનગીએ પ્રવેશ થઇ ગયો ! ક્યાં ૧૮૬૪માં ફ્રાન્સમાં લખાયેલી એક વિજ્ઞાનવિસ્મયની કથા અને ક્યાં ૧૯૮૨નું નાનકડું કાઠિયાવાડી ગોંડલ ગામ ! જૂલે વર્નથી જય વસાવડા વચ્ચેની એ અજાયબ સફરનો સેતુ એટલે મૂળશંકર મો. ભટ્ટ (બીજું કોણ ?)નો છાત્રાલયના બાળકોના લાભાર્થે શરૂ થયેલો આઝાદી અગાઉનો અનુવાદ. ‘એ જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’ જેવા લાંબાલચક શીર્ષકવાળી નાનકડી નવલકથાનો અનુવાદ કેવો ‘ચીજના પેટનો’ હશે, એની ખાતરી તો એના ટાઇટલથી જ થઇ જવી જોઇએઃ પાતાળપ્રવેશ !

વિશ્વમાં આગાથા ક્રિસ્ટી પછી જેની સૌથી વધુ કથાઓ સૌથી વધુ ભાષાઓમાં અનુવાદિત થઇ છે, એવા લીજેન્ડરી રાઇટર જૂલે વર્ન ની બીજી જ પ્રકાશિત કૃતિ એવી ‘પાતાળપ્રવેશ’ શું મહાન, અદભુત, સર્વશ્રેષ્ઠ, અવર્ણનીય કથા હતી ? ના. વર્નની જ અન્ય કથાઓ વાર્તારસ કે વિજ્ઞાનના રોમાંચની દ્રષ્ટિએ તેનાથી અનેકગણી બેહતર નીવડેલી છે. શું પાતાળપ્રવેશ ‘ધ મોસ્ટ ફેવરિટ’ એવી પર્સનલ ચોઇસ છે ? ના રે ! એથી વધુ અભિભૂત કરે એવી કહાનીઓ સદ્નસીબે વાંચવા મળી છે.

તો પછી ? પાતાળપ્રવેશ અવિસ્મરણીય કેમ છે ?

હમ્મ્મ્. ડુ યુ રિમેમ્બર ધ ફર્સ્ટ કિસ ? જીંદગીનું પહેલવહેલું ચુંબન ક્યારેય પરફેક્ટ હોતું નથી. અનુભવે જ એમાં વધુ મહારત આવે છે. પરંતુ, ઉત્તમ ન હોય, તો યે એ યાદગાર તો હોય જ છે. કારણ કે, એ પ્રથમ ચુંબન છે ! લાઇફટાઇમ મેમરી !

બસ, પાતાળપ્રવેશનો રોમાંચ કંઇક આવો જ મધમીઠો છે. ઘેર ભણતા (કહો કે, વાંચતા !) અને ટીનએજના દરવાજે ડોરબેલ વગાડતા આ લખનારને બાળસાહિત્યમાંથી વિશ્વસાહિત્યમાં ‘સ્વીચ ઓવર’ આ કૃતિએ કરાવ્યું હતું. એકીબેઠકે વંચાઇ ગયેલી એ કિતાબે જાણે કોઇ ખજાનાનું તાળું ખોલી નાખ્યુ હતું. એડવેન્ચર એન્ડ એકશનના ફિકશનના વિશ્વમાં એ પહેલું કદમ હતું. એકઝાટકે જાણે ગુજરાતી સાહિત્યનો ખેતરાઉ ‘ધોરિયો’ ઘૂઘવતો અફાટ એવો વિશ્વસાહિત્યનો દરિયો બની ગયો. મુનશીઓ, દર્શકો, આચાર્યો, દેસાઇઓનું ‘કલાસિક’ ગણાતું સર્જન (મડિયા, મેઘાણી, અશ્વિની ભટ્ટ જેવા જૂજ અપવાદો સિવાય) અચાનક ફૂટેલા ભંભૂ (અનાર)માંથી વેરાતા સૂરોખારના ભૂક્કાની જેમ ખરતું ગયું.

અને ઓસ્કાર વાઇલ્ડ, ચાર્લ્સ ડિકન્સ, ઓ હેનરી, મેરી કોરોલી, વિક્ટર હ્યુગો, એડગર એલન પો, વોલ્ટ ડિઝની, એડગર રાઇટ બરો, બ્રામ સ્ટોકર, હેનરિક ઇબ્સન, ગ્રીમ બંધુઓ, હાન્સ એન્ડરસન, રોબર્ટ લુઇ સ્ટીવન્સન, હેન્રી જેમ્સ, જે.એમ. બેરી, ઓ હેનરી, ગાય દ મોંપાસા, ઓનર દ બાલ્ઝાક, મકઝિમ ગોર્કી, ફયોદોર દોસ્તોવ્યસ્કી, મોરિસ મોટરલિંક, મેરી શેલી, જેન ઓસ્ટિન, એમિલી બ્રોન્ટે, ટોમસ હાર્ડી, એન્તોન ચેખોવ, એલેકઝાન્ડર પુશ્કિન, સ્ટીફન ઝવેઇગ, જ્હોન સ્ટાઇનબેક, એનિડ બ્લાઇટન, આર્થર કોનન ડોઇલ, અર્લ સ્ટેનલી ગાર્ડનર, જેમ્સ હેડલી ચેઇઝ, એલીસ્ટર મેકલીન… અધધધ નામોનો હિમોગ્લોબીન કાઉન્ટ વધતો ગયો ! એક ઝાટકે એક ગ્લોબલ વિઝનની દીક્ષા મળી ગઇ ! જે રશદીથી રોલિંગ સુધી આજે ય ચાલુ છે !

આ અનંત યાત્રાનું આરંભબિંદુ એટલે ‘એ જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’. વિચક્ષણ પ્રકાશક હેઝલના આગ્રહથી માસ્ટર સ્ટોરીટેલર જૂલે વર્ને ટીનએજર્સને ગમે એવી કથા પર હાથ અજમાવ્યો. વર્નની સ્પેશ્યાલિટી ગણાતા ઘણા એલિમેન્ટસ આ નાનકડી કથામાં પણ છે. રહસ્યમય નકશો, રોમાંચક સફર, વિજ્ઞાનના કૂતૂહલથી તરબોળ એવો સાહસિક નાયક, અણીના સમયે ઉપયોગી થતો કોઇ સહાયક, પહેલા પુરૂષ એકવચનમાં કહેવાયેલી કથા, વાર્તાતત્વના ભોગે નહિ પણ એના ભોગવિલાસમાં વધારો કરે એવી રીતે વણી લેવાયેલી રસપ્રદ ભૌગોલિકવૈજ્ઞાનિકસાંસ્કૃતિક માહિતી, ટૂંકાચોટદાર સંવાદો અને આબેહૂબ વર્ણન, માનવતા અને જ્ઞાનને મળતું સર્વોપરી સ્થાન… અને આશ્ચર્યમુગ્ધ કરે તેવી કલ્પનાસૃષ્ટિ !

ભલે, આજે વાંચો તો કદાચ થોડીક ફિક્કી અને સામાન્ય લાગે, પણ ‘પાતાળપ્રવેશ’ની ખૂબી એનો સમય છે. સ્વયમ્ વિજ્ઞાન ભાંખોડિયા ભરતું હતું, ત્યારે એ કૃતિ રચાયેલી. એનો કોન્સેપ્ટ અને પ્લોટ એ વખતે કેવો એક્સકલુઝિવ અને નેવર બિફોર હશે, એનો પુરાવો એ કે એ જ વિચાર પરથી એડગર રાઇઝ બરોએ ટારઝનની ‘પુલ્યુસિડાર’ (પૃથ્વીના પેટાળનો કાલ્પનિક સ્વપ્નલોક)ની કહાનીઓ લખી. ૧૯૧૨માં શેરલોક હોમ્સના સર્જક આર્થર કોનન ડોઇલે લખેલી ‘ધ લોસ્ટ વર્લ્ડ’ (ગુજરાતી અનુવાદઃ ખોવાયેલી દુનિયા) તો ઓલમોસ્ટ પાતાળપ્રવેશની ‘રિમેક’ જ હતી. કમ્પોઝર રિક વોકમેને ૧૯૭૪માં એના મ્યુઝિક આલ્બમનું નામ ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’ રાખ્યું હતું. સુપરહિટ ફિલ્મસીરિઝ ‘બેક ટુ ધ ફ્યુચર’ના વિજ્ઞાની ડો. એમેટ બ્રાઉનની એ પ્રિય કહાની હતી !

જૂલે વર્નની બીજી વાર્તાઓની જેમ અહીં ભવિષ્યવેત્તા કે આર્ષદ્રષ્ટા સર્જક ખાસ પ્રગટ થતો નથી. વર્ને ખુદ જ કહાનીમાં સ્માર્ટલી ચોખવટ કરી છે કે ધરતીના પેટાળમાં સમુદ્ર અને સજીવસૃષ્ટિ હોય, એ વાત વૈજ્ઞાનિક રીતે શક્ય નથી. પણ આ સાયન્સ નથી. સાયન્સ ફિકશન છે. વ્હેર સાયન્સ મીટ્સ ઇમેજીનેશન ! અને ખૂબી એ છે કે આજે પણ એ વાચતી વખતે તો બે ઘડી એમાં રચાયેલી અદ્ભુત કાલ્પનિક સૃષ્ટિ ‘કન્વિન્સિંગ’ અને ‘બિલિવેબલ’ લાગે છે. પાવર ઓફ ક્રિએટર, યુ નો ! ‘પાતાળપ્રવેશ’નું સ્ટોરીટેલિંગ જ રોલરકોસ્ટર રાઇડ જેવું છે.

વાતની શરૂઆત એની ટિપિકલ હળવી શૈલીમાં વર્ન કરે છે. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં રહેતા તેજસ્વી પણ તરંગી પ્રોફેસર લિન્ડનબ્રોકથી. જેમની સાથે રહેતો ભત્રીજો એકસેલ જ વાચકો સામે વાત માંડે છે. એકસેલ પણ જ્ઞાનવિજ્ઞાનની અજાયબ દુનિયાનો કાકા જેવો જ રસિયો. પ્રોફેસરસાહેબ તો લીધી ચીજ ઠેકાણે ન મૂકે, એવા ધૂની. કેટલાય થોથાંઓ વાંચ્યા કરે. નોલેજ એમના માટે હીરાપન્નામાણેકમોતી. શરૂઆતમાં ચક્રમ લાગતા આ નાયકની બુદ્ધિમતા અને અભ્યાસ પાછળથી કથામાં ડગલે ને પગલે ઉપયોગી બને છે, ત્યારે વાચકોને રમૂજ સાથે અહોભાવ પણ થવા લાગે !

પ્રોફેસરને એક સોળમી સદીના સાહસિક સંશોધકનો જૂનો પત્ર મળે છે. આર્ન સેકસુનમના એ પત્રમાં જ્વાળામુખી ગર્ભમાં ઉતરી પૃથ્વીના મધ્યબિંદુ સુધી પહોંચવાનું આહ્વાન છે. એ પત્ર રૂનિક લિપિમાં છે, જેનું લેટિન ટ્રાન્સલેશન કરી એને ઉલેટથી વાંચી એકસેલ એ ઉકેલે છે ! (ક્રિપ્ટોગ્રાફી, યુ સી !) પછી તો શરૂ થાય છે એક ઝડપી સફર. જેમાં ‘એકસાઇટેડ’ પ્રોફેસરના એસિડ સામે વર્ન ‘બેઇઝ’ જેવું પાત્ર મૂકે છેઃ નોકર હાન્સનું. એ ભાગ્યે જ કશું બોલે છે. ચૂપચાપ નિર્લેપભાવે, રીતસર ‘સ્થિતપ્રજ્ઞ’ બની જે કહેવામાં આવે છે તે કરે છે. પણ મુશ્કેલીમાં એ ચટ્ટાન જેવો અવિચળ છે. એની દેશી કોઠાસૂઝ તો કામ આવે જ છે, પણ એની સ્થિરતા અને શાંતિ પણ ફાઇટિંગ સ્પિરિટ વધારવા માટે પ્રેરણાદાયી છે.

આખી વાર્તામાં દાંડિયારાસના ચણિયાચોળીમાં આભલાજરી જે જે રીતે વસ્ત્ર સાથે વણી લેવાયેલા હોય, એમ વૈજ્ઞાનિક સિદ્ધાંતો ગૂંથી લેવાયા છે. એ રેશનાલિઝમ જેવા શુષ્ક નથી. કારણ કે, એમાં શિશુની આંખોનું વિસ્મય છે ! પૃથ્વીના ગર્ભમાં કાલ્પનિક સમુદ્ર, ડાયનોસોર જેવા પ્રાણીઓ અને વનસ્પતિઓ દર્શાવવા માટે વર્ને છૂટછાટ લીધી છે. પણ વિચારતા કરી મૂકે એવા તર્ક લડાવીને ! મૂળ તો વર્નનો હેતુ પાતાળના નામે પૃથ્વીના ભૂતકાળમાં ડોકિયું કરવાનો છે.

એઝ યુઝઅલ, આ કથામાં પણ ‘સાયન્સ ફોર લાઇફ, સાયન્સ ઇન લાઇફ’ના વિદ્યાર્થીને વિજ્ઞાનના પ્રેમમાં પાડી દે, તેવા પ્રસંગો છે. પૃથ્વીના પેટાળમાં ભૂલા પડી ગયેલા એકસેલ અને પ્રોફેસરકાકા વચ્ચે અંધારૂ અને એક દીવાલ છે. એકબીજા વચ્ચેનું અંતર માપવું શક્ય નથી. ત્યારે પ્રોફેસર કહે છેઃ ‘બેટા, મારી પાસે ઘડિયાળ છે. હું એક શબ્દ બોલીને ઘડિયાળ જોઇ લઇશ. તને સંભળાય ત્યારે તારે એ શબ્દ પાછો બોલવો. તારો અવાજ મને સંભળાય એટલે પાછું હું ઘડિયાળમાં જોઇશ.’ અને ૪૦ સેકન્ડે આ ક્રિયા બનતા પ્રોફેસર તત્કાળ પ્રેકટિકલ સોલ્યુશન કાઢે છે કે ૨૦ સેકન્ડે એમનો અવાજ ભત્રીજા સુધી પહોંચે છે. અવાજની ગતિ સેકન્ડના ૧૦૮૦ ફીટની છે, એ હિસાબે બેઉ વચ્ચે ચાર માઇલનું અંતર છે !

ધ્વનિ, ગરમી કે ઘનત્વના આંકડાઓ આજે ફર્યા હશે, પણ તેના ઉપયોગના ‘આઇડિયાઝ’ એવરગ્રીન છે ! આ જ તો અસલી ‘વિજ્ઞાનવિજય’ છે ! પણ જૂલે વર્ન જેનું નામ. એમની ખૂબી ફક્ત આવા જાદૂઇ લાગતા ચમકારામાં જ નથી. નાન્ટેસ ગામના ખલાસીઓ પાસેથી દેશવિદેશના વર્ણનો સાંભળનાર આ જીનિયસ રોમહર્ષક વર્ણનોથી અફલાતૂન શબ્દચિત્રો સર્જે છે. એ મૂળભૂત રીતે એક નાટ્યાત્મક લેખક છે. કિશોર એકસેલ પૃથ્વીના પેટાળમાં એકલો ભૂલો પડી જાય છે, અને એ ઘટનાનો એને અહેસાસ થાય છે, એનું વર્નનું વર્ણન કેવું અસરકારક સાહિત્યિક છે !…:  ‘મારા માથા ઉપર રહેલા જાણે ૯૦ માઇલ ઉંચા ખડકોનો ભાર મારી ઉપર આવી પડ્યો, અને જાણે હું કચડાઇ ગયો !’ એકલવાયાપણાની અસાલમતીના ટેન્શનમાં આજે ય આપણને જાણે આપણે પૃથ્વીના તળિયે હોઇએ, અને આખી પૃથ્વીનું વજન આપણને ભીંસતું હોય એવી ડિપ્રેસિવ અનુભૂતિ નથી થતી ?

સદ્નસીબે,  ફિલ્મ વર્ઝન સિમ્પલ હોવા છતાં એમાં બહુ કુશળતાથી જૂલે વર્નની કૃતિને ઠેકઠેકાણે ‘સ્માર્ટ ટ્રિબ્યુટ’ અપાઇ છે. મૂળ કથા આકંઠ યાદ હોય, એ જ એને સમજીને મુસ્કુરાઇ શકે !

આહા ! કોલર કો થોડા સા ઉપર ચડા કે થતી આવિષ્કારક એડવેન્ચરસ ટ્રીપમાં કેવી મોજ હોય છે !

અહીં સુધી વાંચ્યુ હોય, અને તે થોડું ઘણું પસંદ પડ્યું હોય, તો જરા આરંભે લખાયેલા ‘પાતાળપ્રવેશ’ની પ્રસ્તાવનાના અંશો ફરીથી વાંચો. ડબલાંયુગમાંથી આજે ડિજીટલયુગ આવી ગયો. પણ મૂળશંકરદાદાનો આર્તનાદ (કમભાગ્યે) એટલો જ સાંપ્રત રહ્યો છે ! એમની આસમાની ઇચ્છાઓની ગુજરાતના સાહિત્ય સમર્થો અને સાયન્સ ફિકશનને સ્મશાનની રાખ સમજતા ગુજરાતી વાચકોની પેઢીઓએ પાતાળમાં કબર કરી દીધી ! ન ગુજરાતને સાહસથી છલોછલ યુવાપેઢી મળી, ન કલ્પનાથી ઉભરાતા વિજ્ઞાનીઓ ! આવી કૃતિઓની કહેવાતા વિદ્વાનોએ પણ નોંધ જ ન લીધી, ત્યાં એની જરૂરિયાત ઉપર શેરબજારિયો લાવારસ ફરી વળે, એમાં શી નવાઇ ?

રિવર્સ સ્વિપ

“દુનિયાના કોઇપણ છેડે નાનકડાં બાળકો સાથે દોસ્તી કરવામાં વાર લાગતી નથી. કારણ કે એ માસૂમ ભૂલકાંઓ પાસે ભાષા જ નથી. શું ભાષા (યાને  એના અર્થ/અનર્થ) જ બધા ભેદ પડાવતી હશે ?” (જર્ની ટુ સેન્ટર ઓફ ધ અર્થમાં જૂલે વર્ન)

***

બી હેપી, સે હેપી. આજે ૮ ફેબ્રુઆરી એ પ્રિય જુલે વર્નનો જન્મદિન છે. (કેટલાક દોઢ ડાહ્યાઓ એમનો ફ્રેંચ ઊચ્ચાર યુલ છે, એવું કહે છે. પણ અમેરિકન ફિલ્મોમાં તો ‘ઝૂલ્સ’ જ બોલાય છે. ઉચ્ચારભેદ તો ખાનપાનત્વચાના ભેદ જેવી ભૌગોલિક લાક્ષણિકતા છે.) વળી ગત શુક્રવારે જ સૌપ્રથમ ભારતમાં ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’ની સિક્વલ ‘જર્ની ટુ : મિસ્ટીરિયસ આઈલેન્ડ’  ફિલ્મ ભારતમાં રિલીઝ થઇ છે. જે થ્રી ડીમાં અચૂક સપરિવાર માણવા જેવી રોમાંચક એડવેન્ચર રાઈડ છે. માટે ‘અભિયાન’ની રંગત સંગત’ કટાર લખતો, ત્યારે ચાર વર્ષ પહેલા લખેલો આ લેખ યાદ આવી ગયો. બંને રસપ્રદ, મનોરંજક અને રિમેક નહિ પણ સુપર્બ એન્ડ સ્માર્ટ ટ્રિબ્યુટ એવી ફિલ્મોના ટ્રેલર્સ આ રહ્યા. સાથે ૧૯૫૯ અને ૧૯૬૧માં બનેલી વિન્ટેજ ફિલ્મોના પણ ! નવી પેઢીને ફરી ક્લાસિક લિટરેચરમાં ચાંચ બુડાડવા જેટલો રસ પેદા કરવા માટે આ  નવી નમૂનેદાર ફિલ્મોના કલાકાર-કસબીઓનો દિલથી આભાર. લોંગ લિવ વર્નીયન્સ ! 😎

 
 
 
%d bloggers like this: