RSS

૧૦૧મી પોસ્ટ….

03 Feb


હુસેનસાહેબની પાછળ આખી રાતના ઉજાગરા બાદ વહેલી સવારે શરુ કરેલ આ બ્લોગ જોત જોતામાં ‘મૈ તો અકેલા ચલા થા, જાનિબે મંઝિલ મગર…લોગ સાથ આતે ગયે, ઔર કારવાં બન ગયા’ પંક્તિનો સાઈબર-સાક્ષાત્કાર બની ગયો છે અને લોકો પણ કેટલા ! આ લખાય છે ત્યારે જ બ્લોગના નિત્ય ઇ મેઈલમાં નવી પોસ્ટની જાણકારી મેળવતા હોય , એવા ‘ફોલોઅર’ દોસ્તોની સંખ્યા જ ૧૩૪૧ છે, હિટ્સ માંડ સાત-આઠ મહિનામાં (મુખ્યત્વે ગુજરાતીમાં અને એ ય અનિયમિતપણે લખતો હોવા છતાં) સવા બે લાખને આરે આવી ઉભી છે ! (હજુ તો એમાં પાંચેક હજાર ઘટે છે, એવું મનમાં બોલતા હો તો પ્લેનેટજેવીની આબોહવાનો કંઈ ભરોસો નહિ. ગત વર્ષનો રેકોર્ડ તોડી ૧૫ દિવસના ગેપ પછી બ્લોગિંગ કરતો હોવા છતાં ગત સપ્તાહે જ ૩૪૪૩ હિટ્સ એક જ દિવસમાં નોંધાઈ  હતી!

એની વે, આ બધી વાતો તો નિયમિત વાચકને મોનોટોનસ લાગશે. મારો પરિચય અહીં, એબાઉટજેવીમાં છે જ. એટલે એ અટકાવીએ. ગઈ પોસ્ટ મુક્યા પછી ધ્યાન ગયું કે વાહ, આ તો પોસ્ટની સેન્ચુરી પૂરી થઇ ગઈ! ટાઈમ ફોર સેલીબ્રેશન ! આ બ્લોગની સફળતાની વાતો બહુ લખાઈ ગઈ. કશુંક સાવ નવું કરીએ. રીડરબિરાદરોને સ્પેશ્યલ ગિફ્ટ આપીએ.

શું?

ને અચાનક જૂનાગઢની વર્તમાન સાહિત્ય પરિષદ ટાણે મુરબ્બી મિત્ર ડૉ. ઉર્વીશ વસાવડાએ શોધીને મેઈલ કરેલો (હેમંતભાઈએ સ્મરણિકામાં પણ લીધેલો )  પપ્પાએ લખેલો લેખ યાદ આવી ગયો.આ ગ્રહના તાજા મુલાકાતીઓ  INDEX માં જોશો તો આરંભમાં પપ્પા પરની થોડી પોસ્ટ્સ વાંચવા મળશે. કોઈ જાતની સભાનતા વિના મને નિબંધ લખતો અને સ્ટેજ પર જઈ બોલતો મને પપ્પાએ કરેલો. એ ય શરૂઆતી ટેકા સિવાય કોઈ રેડીમેઈડ મટીરીઅલ કે ઇનામની અપેક્ષા વિના. આજે તો એ વૃત્તિ-પ્રવૃત્તિ જ મારી જીવાદોરી છે.

પણ પપ્પા ય વન્સ અપોન અ ટાઈમ લખતા. એમને કવિતા માટે ગોલ્ડ મેડલ મળ્યો હતો. જૂનાગઢમાં મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, જવાહર બક્ષી, સુરેન ઠાકર ‘મેહુલ’ , શ્યામ સાધુ, બરબાદ જુનાગઢી, રુસ્વા મઝલૂમી, ગોવિંદ ગઢવી,  વીરુ પુરોહિત, પ્રફુલ્લ નાણાવટી જેવા અનેક કવિમિત્રો મહોર્યા એવી સાહિત્યસંસ્થા ‘મિલન’ના એ પાયાના કાર્યકર…કહો કે કર્તા-હર્તા-સમાહર્તા. પણ એમનું લખાણ એમણે જ ભાગ્યે સાચવ્યું છે. કેટલાક નિબંધો-વાર્તાઓ મમ્મીએ સાચવેલા. એ ફાઈલ મમ્મીની ચિરવિદાય સાથે જ ખોવાઈ. મારી પાસે કમનસીબે મારે વાંચવું હોય તો યે એમનું લખાણ નથી. એ અદભૂત બોલતા એવું ભાવથી કહેવાવાળા વડીલો છે, પણ મેં એને ખાસ સાંભળ્યા જ નથી, એટલે મને ખબર નથી.

એમણે લખવાનું  અને બોલવાનું કેમ બંધ કર્યું? લાઈમલાઈટ તો ઠીક, સાવ લાઈટમાંથી જ કેમ ખસી ગયા ? એનો જવાબ એમની ખામોશીમાથી મને હજુ જડ્યો નથી. હા, મોટા ભાગના સાહિત્યિક મિત્રો એમણે જરૂર ભૂલી ગયેલા. ખાનગીમાં મળે, ભાગ્યે જ કોઈ એમણે જાહેરમાં યાદ કરે. હું લેખક થયો અને જેની તલાશમાં ૧૦૦માંથી ૧૦૧ લેખકો આજીવન ઝૂરતા હોય છે, એ લોકપ્રિયતા વગર માંગ્યે ઈશ્વરકૃપાથી મળી – પછી બધા પપ્પાને ફરી યાદ કરતા અને બોલાવતા થયા. કદાચ એમની મારાં જન્મ પહેલા જ દટાઈ-મુરઝાઈ એમની અધૂરી આરતનું હું એક્સટેન્શન છું. આરઝુનો પુનરાવતાર છું. ફ્રેન્કલી, આઈ ડોન્ટ નો.

એટલે , ‘ઊર્મિ-નવરચના’માં મારાં જન્મથી પણ પહેલા, ૪૨ વર્ષ અગાઉ અમિતાભની પહેલી ફિલ્મ રિલીઝ થયેલી એ વર્ષ ૧૯૬૯માં એમણે તત્કાલીન સાહિત્ય પરિષદ ( જેના આયોજનનો પડદા પાછળનો બોજ એમણે જ ઉપાડેલો) શોભાયાત્રાના વર્ણન કરતો આ પીસ મને હમણાં વાંચવા મળ્યો , એટલે હું મુગ્ધતાથી વાંચી ગયો…અને તમારા બધા સાથે શેર કરું છું . ( એ સમયમાં લખાયેલો છે, એ ધ્યાન રાખીને જ મેં વાંચ્યો છે. ) આજે દીકરા ના બ્લોગ પર બાપ ગેસ્ટ રાઈટર છે. હવે એમની યાદશક્તિ, આંખ, હાથ બધું ધ્રુજે ત્યારે મને અફસોસ છે કે હું થોડો મોડો જાગ્યો. નહિ તો કેટલુંક અંગત આર્કાઇવ્ઝમાં સાચવી શકાય એવું પામ્યો હોત.

ઓવર ટુ યુ, ડીઅર ફાધર.

શેરી વળાવી સજ્જ કરૂં

*લલિત વસાવડા

ગરવા ગિરનારની ગોદમાં, સાડા પાંચસો વર્ષ પહેલાં જે નગરની ગલીઓમાં ‘ગોવિંદ હરે’ની ધૂન અને કીર્તનના ગૂંજરવ ઊઠ્યા હશે, ‘દાતાર જમિયલશા’ના લોબાનની ભભકે આભ ધૂંધળું બન્યું હશે એ જ પુરા પ્રાચીન નગરીએ આભ ઊંચી અટારી અને અટ્ટાલિકાએથી એક નવલું દ્રશ્ય નિહાળ્યું. ગઢ ગિરનારની શિખરશ્રેણી અને પહાડી કંદરાઓમાં ફરી પાછાં ઝાંઝ, ઢોલકના પડઘા ગૂંજ્યા, શરણાઇઓ ગહેંકી, ઢોલ ઢબૂક્યા. ફૂલગુલાબની ધૂસર ધૂલિથી તે દિવસનો નમતો પહોર રંગીલો બન્યો. જૂનાણાના આંગણે ગુર્જર ગિરાના બે બે પ્રતિભાવાન કવિમનીષીઓ પધારતા હતા. આદ્ય કવિની જન્મભોમમાં સાડા પાંચ શતાબ્દીનો કાળ સંકેલાઇને બે પ્રતિનિધિ દ્વારા સાક્ષાત્કાર થતો હતો. બન્ને સરસ્વતી પુત્રોને સન્માનવા જૂનાગઢ હેલે ચઢ્યું હતું.

ગુર્જરગિરાના સાહિત્યસ્વામીઓને, ગુજરાતી સાહિત્ય ગંગોત્રી સમી પરિષદના કર્ણધારોને સત્કારવા જૂનાગઢને હૈયે કો’ અનેરો હુલ્લાસ, તરવરાટ અને થનગનાટ હતા. સ્વાગત સમિતિ આ ‘સારસ્વતો’નું સ્વાગત આપણી પ્રાચિન પરંપરાથી કરવા વિચારતી હતી. સર્વપ્રથમ તો સામાન્ય રીતે આજના શુષ્ક વાતાવરણ સમું સ્વાગત હશે તેવો સહુના મનમાં ખ્યાલ હતો. અત્યાર સુધી તો પરિષદના સ્થળે જતાં પ્રમુખોને પરિષદ વેળાં પાંચપચીસ જણાના ‘હાલરા’માં મૂંગા મૂંગા જતાં નિહાળ્યા હતા. જૂનાગઢમાં નવું ન કરી બતાવે તો નવાઇ લેખાવી જોઇતી હતી. થયું પણ તેમજ !

સ્વાગતની વાત નીકળી ત્યાં મુ. શ્રી રતુભાઇને અચાનક જ વિચાર સૂઝયો. ‘‘સ્વાગત અરે, ‘શોભાયાત્રા’ કાઢી હોય તો ? બેપાંચ શણગારેલા ગાડાં હોય, ભજનિક હોય અને આપણે પ્રમુખના ઉતારેથી પરિષદ મંડપે જઇએ તો ?’’ ત્યાં બેઠેલા સહુ ગેલમાં આવી ગયા. ‘‘વાહ, ભાઇ વાહ તો તો રંગ જામે’’ આવડી નાનકડી ભૂમિકા બંધાયેલી. સમય પણ ઝડવઝડ રહેલો… વિચારતાં વિચારતાં થયું કે પ્રમુખો જ્યારે ગામમાં આવે ત્યારે જ સ્વાગત કરીએ, પણ સ્વાગત માત્ર પેલાં લટકણિયાં જેવાં ફૂલહાર પહેરાવી દઇએ અને પછી સડસડાટ મોટરમાં ઉતારે હોંચી જઇએ તેમાં કૈં ઉમળકો ન આવે.

વાત ઘોળાવા માંડી. રતુભાઇ પરંપરાત શૈલીની શોભાયાત્રા વિશે વિચારવા માંડ્યા. બીજા મિત્રો પણ પોતપોતાની કલ્પનાનો સંભાર મેળવવા માંડ્યા. આ મંથનમાંથી નવીનત સાંપડ્યું. તેણે તો જૂનાગઢના સ્વાગતને, જૂનાગઢની શારદાભકિતને આ ગુર્જરગિરાના સરસ્વતીતનયોને શેર શેર લોહી ચઢાવ્યાં. આખાય પ્રસંગને સોનેરી શગ ચડાવી દીધી.

નગરપાલિકાના સભાખંડમાંથી, જૂનાગઢના હૃદયભાગે આવેલા આ સ્થળે વરાયેલા પ્રમુખ કવિ સાધક ‘સુંદરમ્’ અને વિદાય લેતા પ્રમુખશ્રી ઉમાશંકરનું સ્વાગત કરવા નગરના આગેવાનો, શ્રેષ્ઠીઓ, સંસ્થા સંચાલકો, આબાલવૃદ્ધો એકઠા થયા હતા. નગરપાલિકાના વિશાળ સભાખંડમાં અંદર અને બહાર માનવ મહેરામણ છલકાતો હતો. આ જ સ્થળે એક જમાનામાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢની મુલાકાત વેળા રહીં ગયેલા; એ જ સ્થળે ફરી વર્ષો પછી સાધકશ્રદ્ધેય સારસ્વતોનું સન્માન થયું.

રાજકોટથી મોટર રસ્તે આવી પહોંચેલા સાહિત્ય શ્રેષ્ઠી સર્વશ્રી ઉમાશંકરભાઇ તથા ‘સુન્દરમ્’ને સત્કારવા થનગની રહેલા માનવ સમુદાયે વિધિવત્ સ્વાગત કર્યા પછી આ પ્રસંગની વિશિષ્ટતારૂપ અને આજ સુધીની પરિષદની પાંસઠ વર્ષની કારકિર્દીમાં ક્યારેય નહીં તેવી ભવ્ય ‘શોભાયાત્રા’ નગરપાલિકા દ્વારેથી પરિષદ સ્થળેનરસિંહ નગર સુધીની આરંભાઇ.

રાજકુમાર સિદ્ધાર્થની શોભાયાત્રાનું સંસ્કૃતના મહાકવિ અશ્વઘોષે જેવું ‘બુદ્ધચરિતમ્’માં વર્ણન કર્યુ છે તેવું દ્રશ્ય જૂનાગઢ જનપથરાજપથ સમા મહાત્મા ગાંધી માર્ગ પર રચાયું.

સ્વાગત સમિતિના આ વિશિષ્ટ આયોજનને માત્ર અતિથિઓ જ નહીં પણ રહેવાસીઓ પણ આશ્ચર્યમુગ્ધ રીતે જોઇ રહ્યા. ક્યારે અને કેમ આટલી તૈયારી થઇ ? કોણે કરી ? કોઇને કશો જ ખ્યાલ ન આવે અને ઊંઘમાં ઘેરાયેલાની અચાનક આંખ ઊઘડે ને જેમ અવનવું દ્રશ્ય નિહાળે તવું જ નગરજનો માટે થયું !

પરંપરાગત રીતે યોજાયેલી શોભાયાત્રાની સૌથી મોખરે હતા મંગળવાદ્ય ગણાતો આપણો પ્રાચીન વાદ્ય વિનાયક ઢોલ. ઢોલના સ્વાગત ઢબકારે હૈયે હૈયે એક રોમાંચ ઊઠતો હતો એક નાદ રવની સાથે કસૂંબલ કેફ ઘુંટાતો હતો. પ્રાચીન રીતિથી, ખોવાયેલાં ઐતિહાસિક વર્ષોથી જેમના વંશપરંપરામાં મધઝરતી સૂરાવલિમાં જે વાદ્ય ગુંજતું રહ્યું છે તે શરણાઇનો સથવારો પણ ઉત્સાહઘેલા ઢોલીડાઓને સાંપડ્યો હતો. શરણાઇ ગહેકાવતા મીરભાઇઓ હાજી કાસમ અને હાજીભાઇ વર્ષોથી પેઢી દર પેઢી શરણાઇના સૂરને, કંઠની સુરાવટમાં સાચવી બેઠા છે. આજે એ ‘ભાડૂતી’ નહોતા રોજમદારી નહોતા, આજ તો મનના ગુલાલે ગાવા આવ્યા હતા, બજાવવા આવ્યા હતા.

આઠ આઠ ઢોલવાળાની ત્રંબાળુ ઢોલ પર પડતી એકધારી દાંડી અને વર્ષોથી માના દૂધમાંથી પાધેલી શરણાઇની મધઝરતી સાકરમીઠી સુરાવલી… વાતાવરણમાં એક રંગ આવી ગયો, રોનક આવી ગઇ.

ઢોલ શરણાઇ પછી આવી સુખપુરની રાસમંડળી. સંસ્કૃતિના પોશાકચિહ્નો સાથે ભાવ, તાલ અને લયથી લટકે હીંડતી આ રાસમંડળીમાં ઝાંઝ, પખાજ, મૃદંગ, દોકડ, મંજીરાનો સમૂહરવ હતો તો સાથોસાથ હતો સોરઠી નરવો કંઠ. કંઠના ગહેકાટમાં આજનો ઓચ્છવ જાણે શબ્દ બનીને, ગીત બનીને વેરાતો હતોઃ

‘મારો વાલો આવ્યાની વધામણી હો જી રે…

આજની ઘડી રળિયામળી…’

સરસ્વતીપુત્રોને, શારદાતનયોને, વાક્ અને અર્થના સાચાસાધકોનું સન્માન હતું. શબ્દબ્રહ્મના દત્તચિત ઉપાસકોને આગમનની રળિયામળી ઘડી હતી. ગોકુળ આવેલા ગિરધારીને સન્માનવા થનગનતા ગોપહૃદયની લાગણી જૂનાણાના આંગણે ઉમાશંકરસુન્દરમ્ઙ્ગત અને સાધનાના સત્કાર માટે સાગર છોળે છલી રહી.

કીર્તન મંડળીની પછી આવે છે પાંચ પાંચ ગાડાંની હેડ્ય. કેવી છે એ હેડ્ય ? હૈયે વસી જાય તેવી. પિત્તળીયા, રણઝણતાં ગાડાં, મોરના ઈંડા જેવા વઢિયારા બળદ જાણે મદગળતા હાથીની છોટીસી પ્રતિકૃતિ શા દેહ સૌષ્ઠવ, મોતી મઢી રાશ્યું અને આભલાં મઢી ઝૂલે, તેલ પાયેલી, હાથીદાંત શી ચળકતી શિંગડિયોના અનોખા શણગાર, કૈલાસ લોકથી ઊતરે આવેલા નંદના વંશજ જેવા આ ગોવત્સ એમની મહત્તા જાણે સમજી ગયા હોય તેમ ઉત્સાહઘેલા બની ઉતાવળા ડગ માંડી રહ્યા હતા. માનવહૈયાના હર્ષ હિલોળ સાથે નદીના પગ પણ ધરાતલ માથે છબતા નહોતા. આ ગાડામાં પણ બાળગોપાળ વિવિધ સ્વરૂપે બિરાજતા હતા.

આગલા ગાડામાં સોરઠમાં વસતી પંચરંગી વસતીના રીતિરિવાજ, પરંપરાગત પોષાક, વ્યવસાયને પ્રગટ કરતાં પ્રતિનિધિ બાળકોનિર્દોષ ભૂલકાંઓે… વેદપાઠી બ્રાહ્મણ, ત્રાજૂડી તોળતો વણિક, મૂછ મરડતો બંકો રજપૂત, ગિરની પાટ શિલા શા દૈહ સૌષ્ઠવનો અધિકારી મેર, આયર, ભરવાડ આદિવાસી. સૌના મોં ઉપર ઉત્સાહની ઝલક, આતિથ્યનો ઉમંગ. પછી ગાડામાં સાંસ્કૃતિક કાર્યવિશેષ અને સાધનધારી ભૂલકાં તો વળી ત્રીજામાં ભૂમિગત વિશેષતા, ભૂગોળ, ઈતિહાસ અને સંસ્કૃતિ નાનકડાં, કચકડાના પૂતળાં શા પણ ભાગે આવેલ ‘વેશ’ અદાકારીથી ભજવી જતાં બાળકો અતિથિઓનું અને પર્યવેક્ષકોનું આગવું આકર્ષણ બની રહ્યાં હતાં. રૂમઝુમતું પિતળિયું ગાડું રણવગડાની વાટે દડ્યું જતું હોય અને ઘૂઘરાના ઘમકારે, તેલ પાયેલ ધરીના લયબદ્ધ કીચૂડાટે સોરઠી કંઠની સંગત સાંભળી છે ? એક અનેરો લહાવો છે, એ અહીં પણ આકાર લેતો હતો. પ્રાદેશિક વૈશિષ્ઠ્ય ધરાવતા પોશાકમાં સજ્જ થયેલી કિશોરીઓ-બહેનો સાકર સ્વાદીલા કંઠે ગીત ગાતી હતી. સોરઠી ઢોલની મીરની શરણાઇ અને ગહેકતા મોરલા શો સોરઠીનારીનો મધમીઠો કંઠ.

એ પછી આવે છે, મંગળતા સૂચક આભૂષણોવસ્ત્રો પહેરેલી, માથે મોતીભર્યા કળશ લીધેલી કુમારી કન્યકાઓ. કંઠમાંથી ઝરતું ગીત, મંગળધ્વનિનો આલેખ માંડતાં વાદ્યો, શાસ્ત્રીય શુકનસમા મોતી ભર્યા કળશ. સોરઠી આતિથ્ય સંસ્કારની આભા સોળે કળાએ જાણે ખીલી ઉઠી. જનપથ પર હજારોની સંખ્યામાં ઊભેલા નાગરિકો અભિનંદી રહ્યા હતા. પ્રમુખશ્રીના વૃષભવાહનને શણગારેલા કલાત્મક ગાડામાં બેઠા હતા શ્રી સુન્દરમ્, શ્રી ઉમાશંકર જોષી અને સ્વાગત પ્રમુખશ્રી રતુભાઇ અદાણી. બેના મનમાં આ સન્માનને સત્કારવા મીઠી મૂંઝવણ અને એકના હૈયામાં પરમ પરિતોષ !

શોભાયાત્રાના પ્રારંભે તે સમસ્ત જૂનાગઢ શહેરવતી નગરપાલિકાના પ્રમુખશ્રી ધીરૂભાઇએ અને સમગ્ર જિલ્લા તરફથી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિજયદાસજીએ પુષ્પમાળા પેહરાવી બન્ને સન્માનીય અતિથિઓને સત્કાર્યા. પછી તો પગલે પગલે આ સત્કાર વિધિ ચાલી. હૈયાના ઉમળકાને, મનના મનોરથને સરસ્વતી સાધકોના સન્માન દ્વારા સરસ્વતીનું સન્માન કરવા નગરની ત્રીસથી વધારે સંસ્થાઓએ પગલે પગલે પુષ્પાંજલિ અર્પીને સ્વાગતની ભવ્યતામાં અનેરો ઉમેરો કર્યો, ઉજળો ઓપ આપ્યો. નગરપાલિકા, જિલ્લા પંચાયત, ચેમ્બર ઓફ કોમર્સ, રોટરી, લાયન્સ, જૂનિયર ચેમ્બર્સ, અખિલ હિન્દ મહિલા પરિષદ, જનસંઘ શાખા (જૂનાગઢ), હાટકેશ ભાતૃમંડળ, ભગિની મંડળ, મિલન સાહિત્ય સંસ્થા, નરસિંહ મહેતા ચોરા સમિતિ, શ્રી નરસિંહ સાહિત્ય સભા, બહાઉદ્દીન કોલેજ, કૃષિ વિદ્યાલય, કોમર્સલો કોલેજ, રૂપાયતન, શિશુમંગલ આમ અનેક નાનીમોટી સંસ્થાઓ અને વ્યકિતઓએ પોતાની યજમાન ભાવનાને આકાર આપયો. અતિથિઓના ગાડાં પાછળ નગરજનોનો વિશાળ સમૂહ શિસ્તબદ્ધ રીતે ચાલતો હતો. અનેક સાહિત્યપ્રેમી ભાઇઓબહેનો, આગેવાનો આ સમૂહમાં અવસરના અનેરા ઉત્સાહમાં જાણે ‘સાજન’ બની મહાલી રહ્યા હતાં.

શોભાયાત્રા રંગતભરી બની રહી, ઉત્સાહ અને ઉમંગથી આખોય પ્રસંગ માનવમન મિલનનો એક મધુર મહોત્સવ બની રહ્યો. આજના અર્થલક્ષી અને રાજકીય પ્રધાનદર્શી યુગમાં કોઇપણ સાહિત્યકારનું આવું અદ્ભુત અને ઉમળકાભેર સ્વાગત થાય એ વાત ઘણાને કલ્પનાતીત હતી, ન માન્યામાં આવે તેવી હતી. આટલો વિશાળ સમૂહ જાહેર રાજમાર્ગ પરથી આટલા દબદબાથી નીકળ્યો હોવા છતાં આખીયે યાત્રાનું શિસ્ત ભારે પ્રશંસા માગી લે તેવું હતું. બે કે ત્રણ આંગતુક પોલીસ કર્મચારી સિવાય આખીય યાત્રા અને માનવ સમૂહ સ્વવ્યવસ્થિત પ્રબંધમાં જ હતો. એક પણ સ્વયંસેવક નહીં, કશો ડોળદમામ નહીં, પણ મનની મધુરપ અને આદરભરા આતિથ્યનો દબદબો સર્વત્ર છવાયેલો હતો.

આશ્ચર્યમુગ્ધ થયેલા એક પ્રાધ્યાપક તો બોલી ઉઠેલા, ‘‘રાજપુરૂષોના અને ધર્મગુરૂઓના જ સ્વાગત થાય છે તેવું નથી, સુંદરમ્ અને ઉમાશંકર જેવા સાહિત્યિક સંસ્કાર સપૂતો-સારસ્વતોનું પણ એથીય અદકી અદબ, ભવ્યતાથી સ્વાગત થાય છે એ સોરઠી પ્રજાના દિલાવર સંસ્કારનું વિશિષ્ટ લક્ષણ જ છે.’’

સાચે જ ગુજરાતની સમગ્ર ધરતી ઉપર ‘‘સિદ્ધહેમ’’ના રાજકીય સન્માન પછી સદીઓ પછી સારસ્વત સન્માનનું આવું સ્વાગત થયું હશે. હજાર વર્ષનો ઇતિહાસની દ્રષ્ટિએ આ અમોલો અવસર !

નરસિંહ નગર પાસે ગુજરાતી શૌર્યદક્ષતાની મૂર્તિ સ્વ. સરદાર સાહેબના બાવલાં પાસે શોભાયાત્રા આવી પહોંચી ત્યારે દાંડિયા રાસની રમઝટ બોલી. અત્યાર સુધી અંતરમાં ઘોળાઇ રહેલી, આનંદની હેલી જાણે વરસવી પડી, મન, પગ અને હાથ જાણે એકતાલ બની ગયા. આવકારના આનંદની છોળ સહુ કોઇને નખશિખ ભીંજવી રહ્યાં. રાસદાંડિયાની રમઝટમાં અંતરની આનંદ લાગણી ગુંજી ઊઠી…

‘શેરી વળાવી સજ્જ કરૂં ઘેર આવો ને’

સાહિત્ય પરિષદની ૨૫મી જયંતીનો અવસર આ શોભાયાત્રાના આયોજને ઊજમાળો બની ગયો. લોકહૈયાની નિર્બન્ધ લાગણીની છોળ મા શારદાના ચરણ પખાળી રહી છે અને સરસ્વતીના સાધકો, શબ્દ બ્રહ્મના આરાધકોને સન્માની જૂનાગઢની જનતા તથા સ્વાગત સમિતિ એ પ્રાચીન પરંપરાની સંસ્કૃતિ સરવાણી પુનઃ પ્રગટ કરી.

આપણા એક પીઢ સાહિત્યકાર તો આ સ્વાગતથી ભારે પ્રભાવિત થઇ ગયા. એમણે તો એક મિત્રને પોતાની લાગણી પ્રગટ કરતાં કહ્યું :  ‘‘આવું સ્વાગત સપને પણ ધારેલું નહીં. ખરેખર જૂનાગઢ સરસ્વતી સાધનાની નવી દિશા દેખાડી ગયું.’’

શ્રી સુન્દરમ્ અને ઉમાશંકર પણ ત્યાં ઉતરીને નાના મોટા સહુને ઉષ્માપૂર્વક મળ્યા. ગાડાંવાળાને, ભજનિકોને, નાના ભૂલકાંઓને, કન્યકાઓને પણ.

(લેખ કદાચ અધુરો છે, પણ મને આટલો જ મળ્યો છે )

>>> coming up on Sunday : next round of ROYAL FLORA PICS 🙂

 
46 Comments

Posted by on February 3, 2012 in personal

 

46 responses to “૧૦૧મી પોસ્ટ….

 1. parag2812

  February 3, 2012 at 7:29 PM

  ખુબ સુંદર જયભાઈ , મોરના ઈંડાને ચીતરવા ન પડે તે તો સંભાળ્યું જ છે પણ ચીતરેલા ઈંડા ના મોર કેવા હોય તે તો પ્રથમ વાર જ જોવા ( વાંચવા ) મળ્યું………. ખુબ સુંદર …

  Like

   
 2. dhananjay pansuriya

  February 3, 2012 at 7:36 PM

  adbhut. . . Jakkas. . . Laagnio thi lathpath lakhaan. . .superb. , ,

  Like

   
 3. KAMLESH HALANI_THAKKAR

  February 3, 2012 at 7:37 PM

  વાહ જય ભાઈ ,
  ખુબ સુંદર પોસ્ટ ..લલિત ભાઈ નો આ લેખ વાંચીએ એટલે ખ્યાલ આવે કે મોરના ઈંડા ……આપે એવું કેમ લખ્યું કે તે સમય નો લખાયેલ છે …ઉત્ક્રુષ્ઠ વર્ણન ..લલીતભાઈ નસીબદાર છે આપ જેવા પુત્ર પામીને અને આપ પણ તેમના ઘેર જન્મ લઇ ને ..

  Like

   
 4. pinakraval

  February 3, 2012 at 7:45 PM

  very nice….

  Like

   
 5. Amit Andharia

  February 3, 2012 at 7:55 PM

  ah! haa… j nikalyu fakt, aa vanchya pachi a j lay, ane tevo j mijaj… 🙂 🙂 many thanks for sharing kaka’s sheri valali sajj karu! vadhu vanchva ni echha thai che, rahi gayelo bhag jo mali jai to…..
  ane tamaru vyaktitv j temni khamoshi no paryay api jai che avu lage che!
  (baki mane ek vaat avi pan lage che k, a kadach avu vicharta hoi k samay ave khasi jai ane apni pachi na ne badhi j rite encourage kari ane helpful kem thavu joiye tenu one of the best example apta hoi avu pan anubhavi shakay che ahi! may be!!!) 🙂
  thanks again ane temna lamba ane swasth aayushy mate sidhi j bhagwan ne appeal ane prarthna…. 🙂 Ameen!

  Like

   
 6. SATISH DHOLAKIA

  February 3, 2012 at 7:56 PM

  “એમણે લખવા નુ ,બોલવા નુ કેમ બંધ કર્યું..?” આ સવાલ ,હવે માત્ર તમારો જ નહી સમગ્ર ગુજરાત ભાવકો ને પણ થાય તેવુ સરળ અને રસાળ લખાણ.લાગે છે આપણે ઘણુ ગુમાવ્યુ..!

  Like

   
 7. aditi pandya

  February 3, 2012 at 7:59 PM

  it’s a nice time travel journey……..love to cherish the memories of golden times of ur father jay bhai….

  Like

   
 8. keval

  February 3, 2012 at 8:05 PM

  i have no words to write .. But I like to share one experience with JV and his father 3 yrs before …

  Once I went to rajkot for some work. I’m not making comparison but , the feeling JV has[/had] for Lt shri Hasmukh Gandhi , I have feelings something like that for JV. i havent been in Gondal before. But i called some friends and got directions. By calling made advanced arrangement for meeting with JV. [He had to complete his article but still managed and spare some time to meet me]. During call JV told, my father would be at gate, so that you can recognize my home easily. Unfortunately I took wrong turn. And became late for 5 minutes. It was on 13th may 2009. You can imagine heat of kathiawad. His father waited at main gate just to receive me!!!! Even after that with soft and gentle tone , he said ” please come in” … I was like ‘wov’ …

  At that moment I thought that JV is superb , is not just co incident. [ Apart from hard work, genes matters. ]

  He [JV’s father] also showed “THE COLLECTION”. This meeting lasted for like 11 minutes.[I had watch.:P] But most of the time , I talked with Jv’s paa not him. On that day, I was impressed by Shri Lalitbhai Vasavada, Not JV.

  Like

   
 9. panchayatibaba

  February 3, 2012 at 8:05 PM

  Jv Sachu kahu toh mane aap na pitashri nu shahityak gyaan aap karta bi vadhu undu lagyu……baki ae vaat ni khaatri thayi gayi ke aap ne bi lekhak na raktkano lohi ma che…celebration nu bidu puri rite sarthak karyu aape…

  Like

   
 10. rajniagravat

  February 3, 2012 at 8:13 PM

  * આજે તો આખો દિવસ મારો “સુન્દરમ-મય” ગયો. યોગાનુયોગ આજે મેં પણ સુન્દરમ વિશે બ્લોગપોસ્ટ મૂકવા નેટ પર ખાંખાંખોળા કરેલ અને એ પબ્લિશ કર્યા બાદ આ પોસ્ટ જોઈ.

  * વાહ ! “શારદાતનયો” શું સરસ શબ્દ છે ! તમારી સાથોસાથ મને પણ અફસોસ રહેશે કે અમિતાભ ને માણ્યા પણ હરિવંશરાય થી વંચિત રહ્યાં 😦

  * તમારી આ વ્યથાથી હું એક વસ્તુ ચૂકી જાત એનો ચમકાર થયો – મારા બા પણ સારૂં એવું ગાય છે. ૧૯૮૦ની આસપાસ અમારા ગામના લોકો -આબુધાબી-દુબઈ-મસ્કત (મસ્કત સમજતા એ અલગ વાત છે) જતાં પહેલા ટેપ-રેકોર્ડરમાં મારા બા ના ભજનો રેકોર્ડ કરીને લઈ જતાં પણ મારી પાસે જ એમનો અવાજ નથી. જેણે હવે હું શક્ય એટલો વહેલો રેકોર્ડ કરી લઈશ.

  દિલથી આભાર – આર્ટીકલ અને અવાજ રેકોર્ડ કરવાનો ઇનડાયરેકટ આઈડિયા આપવા બદલ – જયભાઈ 🙂

  Like

   
 11. prakash dhorada

  February 3, 2012 at 8:28 PM

  તમારા શબ્દ ભન્ડોળ મા વધારો થાય, તેવો રસિક શૈલી મા,લખાયેલો બહુ સરસ લેખ ભાઇ..

  Like

   
 12. Dhaval Vyas

  February 3, 2012 at 8:43 PM

  superb…..Maja padi gai…

  Like

   
 13. Harsh Pandya

  February 3, 2012 at 9:26 PM

  બોલે તો એકદમ જકાઆઆઆસસસસસ… 🙂

  Like

   
 14. vaibhav patel

  February 3, 2012 at 9:27 PM

  ક્દી ના ભુલશો એવા પિતાજીને

  જુન માસે ફાધ્રસ ડે આવી ગયો
  તો પિતાજીને તમે જરુર યાદ કરો
   
  યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે
   યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે
  કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૧)
   
  યાદ કરો બચપણ યુવાનીમાં  ખીજ ધમકી પણ બતાવી હતી
  યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી
  કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૨)
   
  યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો
  માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો
  કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે…(૩)
   
  ભાવથી હ્રદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો
  મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો
  ચન્દ્ર કહે કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે..(૪)

  by unknown bt found it luckily on net……

  Like

   
 15. chetan

  February 3, 2012 at 9:36 PM

  Simply So nice!

  Like

   
 16. Mayur

  February 3, 2012 at 9:44 PM

  આજે ખબર પડી કે તમે આટલું સરસ કેમ લખો છો.

  Like

   
 17. Devang Vibhakar

  February 3, 2012 at 9:45 PM

  જયભાઇ, ખરે જ તમે સુંદર કામ કર્યુ આ લેખ અહી પીરસીને જે એકી સાથે જ વંચાઇ ગયો. જુનાગઢ, ગીરનાર અને સાહિત્યની ત્રીવેણીને આવરતી આપનાં પિતાશ્રીની ખળખળ કરતી, નિરાંતે વહેતી જતી શૈલી વાંચવી ગમી.

  Like

   
 18. RAMDE SOLANKI

  February 3, 2012 at 9:50 PM

  અહીં (લખવામાં) બેટા કરતાં બાપ સવાયા લાગે છે. કેટલાય નવા ગુજરાતી શબ્દો વાંચવા મળ્યા, અત્યાર સુધી તમારી સામે અચરજની નજરે જોવાઇ જતું, પરંતુ આજે ખબર પડે છે કે આતો વારસામાં મળેલા મહારંગસુત્રોનો પ્રભાવ છે. ધન્યવાદ છે દાદા નેં. ધન્યવાદ પણ ઓછા પડે. શું કહેવું. ગુલાલ કરવા માટે સ્પે. થેંક્સ જયબાબુ, અનેં પ્રો.લલિત વસાવડાનેં દંડવત પ્રણામ.

  Like

   
 19. Hiren Pandya

  February 3, 2012 at 10:37 PM

  Dear JV

  The article by Lalitkaka (I could not find the date when the article was written) explains the fact that WRITING runs in your blood. Since the article was written in different era, its very difficult to grasp the whole content easily without putting in due effort.

  Though, I love reading articles in Gujarati, i rarely come across such articles, which depicts the world as it is or as it was, devoid of any criticism/ comments.

  You also generally tend to be neutral in your articles while opening up a different vision.

  You are Shardatanaya…. Blessed by Goddess.

  Keep writing…

  Hats off Jay…….

  Hiren pandya
  Once a soldier, always a soldier.

  Like

   
 20. Sunil Vora

  February 3, 2012 at 10:53 PM

  JUST SUPERB. PLEASEEEEEEEEEEE PUT HIS OTHER WRITING ALSO,IF POSSIBLE.

  Like

   
 21. Balendu Suryakant Vaidya

  February 3, 2012 at 11:06 PM

  Only comparison I can think about is of Bachchan father & son….Lalit Vasavada’s ‘Madhusala’ now awaits JV’s pen….

  Like

   
 22. niloobhai

  February 3, 2012 at 11:48 PM

  lalitbhai wrote one essay 4 me in 1957 which was given 1st prize,u will surprised to know that i had a regular meetings with him and exchanged number of mgazines with him
  dr.niloo vaishnav

  Like

   
 23. Chintan Oza

  February 3, 2012 at 11:55 PM

  Thank you very much for sharing such a wonderful piece of information from your respected father..shat shat vandan kahejo amne…gujarati sahitya na koi suvarna yug ma safar kari avya hoiye avu lage chhe…bahu j saras nirupan chhe…!!

  Like

   
 24. arvind barot

  February 4, 2012 at 12:01 AM

  ડિયર જયભાઈ,કલમની સમૃદ્ધિ તમને વારસામાં મળી છે.પપ્પાનો આ લેખ અધૂરો નથી,પૂરેપૂરો છે.ઊર્મિ નવરચના-ફેબ્રુઆરી ૧૯૭૦ નો અંક મારી પાસે છે.એમાં આ લેખ ઉપરાંત અધિવેશનનો અહેવાલ પણ છે.લેખની સાથે લલિતભાઈનો સરસ ફોટો પણ છે.

  Like

   
 25. Rajesh Gandhi

  February 4, 2012 at 12:28 AM

  1969 ni Sahitya Parishad ni e Shobhayatra manva ni maza padi gai………..

  Like

   
 26. arvind barot

  February 4, 2012 at 5:42 AM

  સાહિત્ય પરિષદ ના જૂનાગઢ ખાતેના અધિવેશનમાં ૪૫ કવિઓનું “કવિ સંમેલન’ યોજાયેલું.એનો લલીતભાઈએ લખેલો સરસ અહેવાલ ઊ.ન. ના ફેબ.૭૦ના અંકમાં છે….”છેડી રસિક બીન ને…”

  Like

   
 27. Rakesh Desai

  February 4, 2012 at 6:08 AM

  akho article vanchta ankho no chamkaro pan maryo nahi……..wt a writing skill….n wt a article….amazing…….

  Like

   
 28. Ajay Mahendra

  February 4, 2012 at 8:10 AM

  વાહ….લોહિ મા લાયકાત સાથેજ આવતી હોય છે…….એક અતિસંવેદનશીલ પુત્ર ના પિતા પણ એટલાજ ભાવુક હોય છે…….

  Like

   
 29. જય પાધરા

  February 4, 2012 at 9:51 AM

  અભિનંદન ૧૦૦ પોસ્ટ પૂરી કરવા બદલ. 😉
  હજુ પાછળ મીંડા ઉમેરાતા જાય એવી દિલી શુભકામના.
  કાકા નું વિડીયો રેકોડીંગ શક્ય હોય તો અહી અથવા આપણા જુના ઘરે (ફેસબુક) મુકવા નમ્ર અરજ.
  તમે સારું લાખો છો તેની હવે નવાઈ નથી લાગતી. 😉
  હા પણ આ મોર્ડન કલર વાળું ઈંડું રંગ લાવ્યું છે.

  Like

   
 30. Hiren Patiwala

  February 4, 2012 at 10:48 AM

  Dear Jay bhai,
  You rightly said….”કદાચ એમની મારાં જન્મ પહેલા જ દટાઈ-મુરઝાઈ એમની અધૂરી આરતનું હું એક્સટેન્શન છું. આરઝુનો પુનરાવતાર છું.”….
  તમારી જેમ એમના પણ લેખ અમે વાંચવા માટે અમે નસીબવંતા નથી..એ દુ્ર્ભાગ્ય છે…

  Like

   
 31. Taral Mehta

  February 4, 2012 at 3:43 PM

  Jaybhai…i have heard lot about your tribute article on your mother in this post as well in your speech. u justified its success by saying “dil se niklegi to dil tak pahochegi hi”. want to read that article. pls share it on the blog

  Like

   
 32. Naresh P Mankad

  February 4, 2012 at 4:24 PM

  Excellent. I wish we can have more from Lalitbhai. I can understand how he would be feeling now that his son has become a name to reckon with in Gujarati journalism.

  Like

   
 33. dr Mehul Parmar

  February 4, 2012 at 7:28 PM

  a special gift to us too…thnx for sharing.
  and thumbs up to 100th post.
  u keep BLOGING n we keep LOGIN..

  Like

   
 34. dr Mehul Parmar

  February 4, 2012 at 7:29 PM

  a special gift to us too…thnx for sharing.
  and thumbs up for 100th post.
  u keep BLOGING n we keep LOGIN..

  Like

   
 35. Aarti Mandaliya

  February 4, 2012 at 8:10 PM

  bahu saras lekh shobhayatrama mahalvanu man thai gayu 🙂
  101na shukn ni khub khub shubhkamna 🙂

  Like

   
 36. jignesh rathod

  February 4, 2012 at 10:58 PM

  બહુ ઓછા બેટાઓ Jay Vasavda બની સકે બાકી abhishek bachchno નો તોટો નથી. તમારા કરતા તમારા પિતાજી વધારે ભાગ્યશાળી છે.
  article તમારા પાપા નો છે એમ ના લખ્યું હોત તો મારા જેવા ઘણા identify ના કરી સકત. 101 mi post ni party baki rhe 6.

  Like

   
 37. pinu007

  February 5, 2012 at 6:50 AM

  and here is the century
  a ton with tons of idea,feeling and eye opening truth and goggled eye experience
  its a magnet to all Gujarati’s
  and this post,ur father is a one man show in it(sorry jv ur out of limelight this time)
  keep writing jv coz few people(like me) always need a source of inspiration

  Like

   
 38. Sharad Kapadia

  February 5, 2012 at 8:25 AM

  જે પિતાની આંગળી પકડીને ચાલતા તેમને ૧૦૧મા બ્લોગ વખતે યાદ કરી તેમનું પુણ્ય સ્મરણ કર્યું તે પણ સાચા હ્રદયનું બહુમાન છે. ગત યુગના સાહિત્ય શીરોમ્નીઓના સન્માનની આગવી રીતને પણ આપને બિરદાવીએ. અતિ સુંદર.

  Like

   
 39. vandana

  February 6, 2012 at 10:19 AM

  કદાચ એમની મારાં જન્મ પહેલા જ દટાઈ-મુરઝાઈ એમની અધૂરી આરતનું હું એક્સટેન્શન છું. આરઝુનો પુનરાવતાર છું.

  its 100 % right and you full fill all the expectation of him in terms of FEM AND TALENT.

  Like

   
 40. NIRMIT DAVE

  February 6, 2012 at 3:16 PM

  wah Jay bhai…….superb……MOR NA INDA NE CHITARVA NA PADE….E SACHUJ 6E……
  CONGO FOR 101TH SHEET……:)

  Like

   
 41. hiral dhaduk

  February 6, 2012 at 5:10 PM

  hey,jay sachu kahu hu satkar samaroh ma hajar hov tevu lagatu hatu,thank u for share this rare article.tamae girnar chho ane lalit uncle “himalay” chhe,a have sabit thai gayu.lalit uncle ne mara kotikoti vandan.god bless u jay.haju vachavu chhe adhuru male to.

  Like

   
 42. Yogin Vyas

  February 8, 2012 at 12:09 PM

  Jv,

  really enjoyed…and my congrats for completion of century & best wishes. Hope that u will fulfill all the dreams of your Pitashri…

  Like

   
 43. Amin Ghesani

  February 14, 2012 at 1:38 PM

  Dear jv bahu hectic schedule vache ekdam casually surfing ma first time tamari planet par land karyu ne ema aa post jevu adhbhut Alian no sanghath malyo pa6i to su tamari planet ma chare baju khankhakhoda karye rakhya pan avu adbhut jem kyay jova na malyu.
  superb jaybhai.Dikara ni Sathe aje ana sarjanhar ne pan manyo.thourghly enjoyed.

  Like

   
 44. paras

  February 17, 2012 at 10:05 AM

  JV….this one is gonna b the biggest compliment…for u nd ur father…

  “AAaaaaaa to tamaroy baap 6…..”

  Like

   
 45. Minal

  February 23, 2012 at 5:29 AM

  Incredible, wonderful, lucid writing with super rich Gujarati words!!
  After so long time i’ ve read ‘asli’ gujarati without any gujlish words. Thanks a lot for sharing the master piece. 🙂
  Dil khush thai g’yu aa vanchine.
  There isn’t any doubt that you’re extension of your father.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: