RSS

Daily Archives: February 3, 2012

૧૦૧મી પોસ્ટ….


હુસેનસાહેબની પાછળ આખી રાતના ઉજાગરા બાદ વહેલી સવારે શરુ કરેલ આ બ્લોગ જોત જોતામાં ‘મૈ તો અકેલા ચલા થા, જાનિબે મંઝિલ મગર…લોગ સાથ આતે ગયે, ઔર કારવાં બન ગયા’ પંક્તિનો સાઈબર-સાક્ષાત્કાર બની ગયો છે અને લોકો પણ કેટલા ! આ લખાય છે ત્યારે જ બ્લોગના નિત્ય ઇ મેઈલમાં નવી પોસ્ટની જાણકારી મેળવતા હોય , એવા ‘ફોલોઅર’ દોસ્તોની સંખ્યા જ ૧૩૪૧ છે, હિટ્સ માંડ સાત-આઠ મહિનામાં (મુખ્યત્વે ગુજરાતીમાં અને એ ય અનિયમિતપણે લખતો હોવા છતાં) સવા બે લાખને આરે આવી ઉભી છે ! (હજુ તો એમાં પાંચેક હજાર ઘટે છે, એવું મનમાં બોલતા હો તો પ્લેનેટજેવીની આબોહવાનો કંઈ ભરોસો નહિ. ગત વર્ષનો રેકોર્ડ તોડી ૧૫ દિવસના ગેપ પછી બ્લોગિંગ કરતો હોવા છતાં ગત સપ્તાહે જ ૩૪૪૩ હિટ્સ એક જ દિવસમાં નોંધાઈ  હતી!

એની વે, આ બધી વાતો તો નિયમિત વાચકને મોનોટોનસ લાગશે. મારો પરિચય અહીં, એબાઉટજેવીમાં છે જ. એટલે એ અટકાવીએ. ગઈ પોસ્ટ મુક્યા પછી ધ્યાન ગયું કે વાહ, આ તો પોસ્ટની સેન્ચુરી પૂરી થઇ ગઈ! ટાઈમ ફોર સેલીબ્રેશન ! આ બ્લોગની સફળતાની વાતો બહુ લખાઈ ગઈ. કશુંક સાવ નવું કરીએ. રીડરબિરાદરોને સ્પેશ્યલ ગિફ્ટ આપીએ.

શું?

ને અચાનક જૂનાગઢની વર્તમાન સાહિત્ય પરિષદ ટાણે મુરબ્બી મિત્ર ડૉ. ઉર્વીશ વસાવડાએ શોધીને મેઈલ કરેલો (હેમંતભાઈએ સ્મરણિકામાં પણ લીધેલો )  પપ્પાએ લખેલો લેખ યાદ આવી ગયો.આ ગ્રહના તાજા મુલાકાતીઓ  INDEX માં જોશો તો આરંભમાં પપ્પા પરની થોડી પોસ્ટ્સ વાંચવા મળશે. કોઈ જાતની સભાનતા વિના મને નિબંધ લખતો અને સ્ટેજ પર જઈ બોલતો મને પપ્પાએ કરેલો. એ ય શરૂઆતી ટેકા સિવાય કોઈ રેડીમેઈડ મટીરીઅલ કે ઇનામની અપેક્ષા વિના. આજે તો એ વૃત્તિ-પ્રવૃત્તિ જ મારી જીવાદોરી છે.

પણ પપ્પા ય વન્સ અપોન અ ટાઈમ લખતા. એમને કવિતા માટે ગોલ્ડ મેડલ મળ્યો હતો. જૂનાગઢમાં મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, જવાહર બક્ષી, સુરેન ઠાકર ‘મેહુલ’ , શ્યામ સાધુ, બરબાદ જુનાગઢી, રુસ્વા મઝલૂમી, ગોવિંદ ગઢવી,  વીરુ પુરોહિત, પ્રફુલ્લ નાણાવટી જેવા અનેક કવિમિત્રો મહોર્યા એવી સાહિત્યસંસ્થા ‘મિલન’ના એ પાયાના કાર્યકર…કહો કે કર્તા-હર્તા-સમાહર્તા. પણ એમનું લખાણ એમણે જ ભાગ્યે સાચવ્યું છે. કેટલાક નિબંધો-વાર્તાઓ મમ્મીએ સાચવેલા. એ ફાઈલ મમ્મીની ચિરવિદાય સાથે જ ખોવાઈ. મારી પાસે કમનસીબે મારે વાંચવું હોય તો યે એમનું લખાણ નથી. એ અદભૂત બોલતા એવું ભાવથી કહેવાવાળા વડીલો છે, પણ મેં એને ખાસ સાંભળ્યા જ નથી, એટલે મને ખબર નથી.

એમણે લખવાનું  અને બોલવાનું કેમ બંધ કર્યું? લાઈમલાઈટ તો ઠીક, સાવ લાઈટમાંથી જ કેમ ખસી ગયા ? એનો જવાબ એમની ખામોશીમાથી મને હજુ જડ્યો નથી. હા, મોટા ભાગના સાહિત્યિક મિત્રો એમણે જરૂર ભૂલી ગયેલા. ખાનગીમાં મળે, ભાગ્યે જ કોઈ એમણે જાહેરમાં યાદ કરે. હું લેખક થયો અને જેની તલાશમાં ૧૦૦માંથી ૧૦૧ લેખકો આજીવન ઝૂરતા હોય છે, એ લોકપ્રિયતા વગર માંગ્યે ઈશ્વરકૃપાથી મળી – પછી બધા પપ્પાને ફરી યાદ કરતા અને બોલાવતા થયા. કદાચ એમની મારાં જન્મ પહેલા જ દટાઈ-મુરઝાઈ એમની અધૂરી આરતનું હું એક્સટેન્શન છું. આરઝુનો પુનરાવતાર છું. ફ્રેન્કલી, આઈ ડોન્ટ નો.

એટલે , ‘ઊર્મિ-નવરચના’માં મારાં જન્મથી પણ પહેલા, ૪૨ વર્ષ અગાઉ અમિતાભની પહેલી ફિલ્મ રિલીઝ થયેલી એ વર્ષ ૧૯૬૯માં એમણે તત્કાલીન સાહિત્ય પરિષદ ( જેના આયોજનનો પડદા પાછળનો બોજ એમણે જ ઉપાડેલો) શોભાયાત્રાના વર્ણન કરતો આ પીસ મને હમણાં વાંચવા મળ્યો , એટલે હું મુગ્ધતાથી વાંચી ગયો…અને તમારા બધા સાથે શેર કરું છું . ( એ સમયમાં લખાયેલો છે, એ ધ્યાન રાખીને જ મેં વાંચ્યો છે. ) આજે દીકરા ના બ્લોગ પર બાપ ગેસ્ટ રાઈટર છે. હવે એમની યાદશક્તિ, આંખ, હાથ બધું ધ્રુજે ત્યારે મને અફસોસ છે કે હું થોડો મોડો જાગ્યો. નહિ તો કેટલુંક અંગત આર્કાઇવ્ઝમાં સાચવી શકાય એવું પામ્યો હોત.

ઓવર ટુ યુ, ડીઅર ફાધર.

શેરી વળાવી સજ્જ કરૂં

*લલિત વસાવડા

ગરવા ગિરનારની ગોદમાં, સાડા પાંચસો વર્ષ પહેલાં જે નગરની ગલીઓમાં ‘ગોવિંદ હરે’ની ધૂન અને કીર્તનના ગૂંજરવ ઊઠ્યા હશે, ‘દાતાર જમિયલશા’ના લોબાનની ભભકે આભ ધૂંધળું બન્યું હશે એ જ પુરા પ્રાચીન નગરીએ આભ ઊંચી અટારી અને અટ્ટાલિકાએથી એક નવલું દ્રશ્ય નિહાળ્યું. ગઢ ગિરનારની શિખરશ્રેણી અને પહાડી કંદરાઓમાં ફરી પાછાં ઝાંઝ, ઢોલકના પડઘા ગૂંજ્યા, શરણાઇઓ ગહેંકી, ઢોલ ઢબૂક્યા. ફૂલગુલાબની ધૂસર ધૂલિથી તે દિવસનો નમતો પહોર રંગીલો બન્યો. જૂનાણાના આંગણે ગુર્જર ગિરાના બે બે પ્રતિભાવાન કવિમનીષીઓ પધારતા હતા. આદ્ય કવિની જન્મભોમમાં સાડા પાંચ શતાબ્દીનો કાળ સંકેલાઇને બે પ્રતિનિધિ દ્વારા સાક્ષાત્કાર થતો હતો. બન્ને સરસ્વતી પુત્રોને સન્માનવા જૂનાગઢ હેલે ચઢ્યું હતું.

ગુર્જરગિરાના સાહિત્યસ્વામીઓને, ગુજરાતી સાહિત્ય ગંગોત્રી સમી પરિષદના કર્ણધારોને સત્કારવા જૂનાગઢને હૈયે કો’ અનેરો હુલ્લાસ, તરવરાટ અને થનગનાટ હતા. સ્વાગત સમિતિ આ ‘સારસ્વતો’નું સ્વાગત આપણી પ્રાચિન પરંપરાથી કરવા વિચારતી હતી. સર્વપ્રથમ તો સામાન્ય રીતે આજના શુષ્ક વાતાવરણ સમું સ્વાગત હશે તેવો સહુના મનમાં ખ્યાલ હતો. અત્યાર સુધી તો પરિષદના સ્થળે જતાં પ્રમુખોને પરિષદ વેળાં પાંચપચીસ જણાના ‘હાલરા’માં મૂંગા મૂંગા જતાં નિહાળ્યા હતા. જૂનાગઢમાં નવું ન કરી બતાવે તો નવાઇ લેખાવી જોઇતી હતી. થયું પણ તેમજ !

સ્વાગતની વાત નીકળી ત્યાં મુ. શ્રી રતુભાઇને અચાનક જ વિચાર સૂઝયો. ‘‘સ્વાગત અરે, ‘શોભાયાત્રા’ કાઢી હોય તો ? બેપાંચ શણગારેલા ગાડાં હોય, ભજનિક હોય અને આપણે પ્રમુખના ઉતારેથી પરિષદ મંડપે જઇએ તો ?’’ ત્યાં બેઠેલા સહુ ગેલમાં આવી ગયા. ‘‘વાહ, ભાઇ વાહ તો તો રંગ જામે’’ આવડી નાનકડી ભૂમિકા બંધાયેલી. સમય પણ ઝડવઝડ રહેલો… વિચારતાં વિચારતાં થયું કે પ્રમુખો જ્યારે ગામમાં આવે ત્યારે જ સ્વાગત કરીએ, પણ સ્વાગત માત્ર પેલાં લટકણિયાં જેવાં ફૂલહાર પહેરાવી દઇએ અને પછી સડસડાટ મોટરમાં ઉતારે હોંચી જઇએ તેમાં કૈં ઉમળકો ન આવે.

વાત ઘોળાવા માંડી. રતુભાઇ પરંપરાત શૈલીની શોભાયાત્રા વિશે વિચારવા માંડ્યા. બીજા મિત્રો પણ પોતપોતાની કલ્પનાનો સંભાર મેળવવા માંડ્યા. આ મંથનમાંથી નવીનત સાંપડ્યું. તેણે તો જૂનાગઢના સ્વાગતને, જૂનાગઢની શારદાભકિતને આ ગુર્જરગિરાના સરસ્વતીતનયોને શેર શેર લોહી ચઢાવ્યાં. આખાય પ્રસંગને સોનેરી શગ ચડાવી દીધી.

નગરપાલિકાના સભાખંડમાંથી, જૂનાગઢના હૃદયભાગે આવેલા આ સ્થળે વરાયેલા પ્રમુખ કવિ સાધક ‘સુંદરમ્’ અને વિદાય લેતા પ્રમુખશ્રી ઉમાશંકરનું સ્વાગત કરવા નગરના આગેવાનો, શ્રેષ્ઠીઓ, સંસ્થા સંચાલકો, આબાલવૃદ્ધો એકઠા થયા હતા. નગરપાલિકાના વિશાળ સભાખંડમાં અંદર અને બહાર માનવ મહેરામણ છલકાતો હતો. આ જ સ્થળે એક જમાનામાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢની મુલાકાત વેળા રહીં ગયેલા; એ જ સ્થળે ફરી વર્ષો પછી સાધકશ્રદ્ધેય સારસ્વતોનું સન્માન થયું.

રાજકોટથી મોટર રસ્તે આવી પહોંચેલા સાહિત્ય શ્રેષ્ઠી સર્વશ્રી ઉમાશંકરભાઇ તથા ‘સુન્દરમ્’ને સત્કારવા થનગની રહેલા માનવ સમુદાયે વિધિવત્ સ્વાગત કર્યા પછી આ પ્રસંગની વિશિષ્ટતારૂપ અને આજ સુધીની પરિષદની પાંસઠ વર્ષની કારકિર્દીમાં ક્યારેય નહીં તેવી ભવ્ય ‘શોભાયાત્રા’ નગરપાલિકા દ્વારેથી પરિષદ સ્થળેનરસિંહ નગર સુધીની આરંભાઇ.

રાજકુમાર સિદ્ધાર્થની શોભાયાત્રાનું સંસ્કૃતના મહાકવિ અશ્વઘોષે જેવું ‘બુદ્ધચરિતમ્’માં વર્ણન કર્યુ છે તેવું દ્રશ્ય જૂનાગઢ જનપથરાજપથ સમા મહાત્મા ગાંધી માર્ગ પર રચાયું.

સ્વાગત સમિતિના આ વિશિષ્ટ આયોજનને માત્ર અતિથિઓ જ નહીં પણ રહેવાસીઓ પણ આશ્ચર્યમુગ્ધ રીતે જોઇ રહ્યા. ક્યારે અને કેમ આટલી તૈયારી થઇ ? કોણે કરી ? કોઇને કશો જ ખ્યાલ ન આવે અને ઊંઘમાં ઘેરાયેલાની અચાનક આંખ ઊઘડે ને જેમ અવનવું દ્રશ્ય નિહાળે તવું જ નગરજનો માટે થયું !

પરંપરાગત રીતે યોજાયેલી શોભાયાત્રાની સૌથી મોખરે હતા મંગળવાદ્ય ગણાતો આપણો પ્રાચીન વાદ્ય વિનાયક ઢોલ. ઢોલના સ્વાગત ઢબકારે હૈયે હૈયે એક રોમાંચ ઊઠતો હતો એક નાદ રવની સાથે કસૂંબલ કેફ ઘુંટાતો હતો. પ્રાચીન રીતિથી, ખોવાયેલાં ઐતિહાસિક વર્ષોથી જેમના વંશપરંપરામાં મધઝરતી સૂરાવલિમાં જે વાદ્ય ગુંજતું રહ્યું છે તે શરણાઇનો સથવારો પણ ઉત્સાહઘેલા ઢોલીડાઓને સાંપડ્યો હતો. શરણાઇ ગહેકાવતા મીરભાઇઓ હાજી કાસમ અને હાજીભાઇ વર્ષોથી પેઢી દર પેઢી શરણાઇના સૂરને, કંઠની સુરાવટમાં સાચવી બેઠા છે. આજે એ ‘ભાડૂતી’ નહોતા રોજમદારી નહોતા, આજ તો મનના ગુલાલે ગાવા આવ્યા હતા, બજાવવા આવ્યા હતા.

આઠ આઠ ઢોલવાળાની ત્રંબાળુ ઢોલ પર પડતી એકધારી દાંડી અને વર્ષોથી માના દૂધમાંથી પાધેલી શરણાઇની મધઝરતી સાકરમીઠી સુરાવલી… વાતાવરણમાં એક રંગ આવી ગયો, રોનક આવી ગઇ.

ઢોલ શરણાઇ પછી આવી સુખપુરની રાસમંડળી. સંસ્કૃતિના પોશાકચિહ્નો સાથે ભાવ, તાલ અને લયથી લટકે હીંડતી આ રાસમંડળીમાં ઝાંઝ, પખાજ, મૃદંગ, દોકડ, મંજીરાનો સમૂહરવ હતો તો સાથોસાથ હતો સોરઠી નરવો કંઠ. કંઠના ગહેકાટમાં આજનો ઓચ્છવ જાણે શબ્દ બનીને, ગીત બનીને વેરાતો હતોઃ

‘મારો વાલો આવ્યાની વધામણી હો જી રે…

આજની ઘડી રળિયામળી…’

સરસ્વતીપુત્રોને, શારદાતનયોને, વાક્ અને અર્થના સાચાસાધકોનું સન્માન હતું. શબ્દબ્રહ્મના દત્તચિત ઉપાસકોને આગમનની રળિયામળી ઘડી હતી. ગોકુળ આવેલા ગિરધારીને સન્માનવા થનગનતા ગોપહૃદયની લાગણી જૂનાણાના આંગણે ઉમાશંકરસુન્દરમ્ઙ્ગત અને સાધનાના સત્કાર માટે સાગર છોળે છલી રહી.

કીર્તન મંડળીની પછી આવે છે પાંચ પાંચ ગાડાંની હેડ્ય. કેવી છે એ હેડ્ય ? હૈયે વસી જાય તેવી. પિત્તળીયા, રણઝણતાં ગાડાં, મોરના ઈંડા જેવા વઢિયારા બળદ જાણે મદગળતા હાથીની છોટીસી પ્રતિકૃતિ શા દેહ સૌષ્ઠવ, મોતી મઢી રાશ્યું અને આભલાં મઢી ઝૂલે, તેલ પાયેલી, હાથીદાંત શી ચળકતી શિંગડિયોના અનોખા શણગાર, કૈલાસ લોકથી ઊતરે આવેલા નંદના વંશજ જેવા આ ગોવત્સ એમની મહત્તા જાણે સમજી ગયા હોય તેમ ઉત્સાહઘેલા બની ઉતાવળા ડગ માંડી રહ્યા હતા. માનવહૈયાના હર્ષ હિલોળ સાથે નદીના પગ પણ ધરાતલ માથે છબતા નહોતા. આ ગાડામાં પણ બાળગોપાળ વિવિધ સ્વરૂપે બિરાજતા હતા.

આગલા ગાડામાં સોરઠમાં વસતી પંચરંગી વસતીના રીતિરિવાજ, પરંપરાગત પોષાક, વ્યવસાયને પ્રગટ કરતાં પ્રતિનિધિ બાળકોનિર્દોષ ભૂલકાંઓે… વેદપાઠી બ્રાહ્મણ, ત્રાજૂડી તોળતો વણિક, મૂછ મરડતો બંકો રજપૂત, ગિરની પાટ શિલા શા દૈહ સૌષ્ઠવનો અધિકારી મેર, આયર, ભરવાડ આદિવાસી. સૌના મોં ઉપર ઉત્સાહની ઝલક, આતિથ્યનો ઉમંગ. પછી ગાડામાં સાંસ્કૃતિક કાર્યવિશેષ અને સાધનધારી ભૂલકાં તો વળી ત્રીજામાં ભૂમિગત વિશેષતા, ભૂગોળ, ઈતિહાસ અને સંસ્કૃતિ નાનકડાં, કચકડાના પૂતળાં શા પણ ભાગે આવેલ ‘વેશ’ અદાકારીથી ભજવી જતાં બાળકો અતિથિઓનું અને પર્યવેક્ષકોનું આગવું આકર્ષણ બની રહ્યાં હતાં. રૂમઝુમતું પિતળિયું ગાડું રણવગડાની વાટે દડ્યું જતું હોય અને ઘૂઘરાના ઘમકારે, તેલ પાયેલ ધરીના લયબદ્ધ કીચૂડાટે સોરઠી કંઠની સંગત સાંભળી છે ? એક અનેરો લહાવો છે, એ અહીં પણ આકાર લેતો હતો. પ્રાદેશિક વૈશિષ્ઠ્ય ધરાવતા પોશાકમાં સજ્જ થયેલી કિશોરીઓ-બહેનો સાકર સ્વાદીલા કંઠે ગીત ગાતી હતી. સોરઠી ઢોલની મીરની શરણાઇ અને ગહેકતા મોરલા શો સોરઠીનારીનો મધમીઠો કંઠ.

એ પછી આવે છે, મંગળતા સૂચક આભૂષણોવસ્ત્રો પહેરેલી, માથે મોતીભર્યા કળશ લીધેલી કુમારી કન્યકાઓ. કંઠમાંથી ઝરતું ગીત, મંગળધ્વનિનો આલેખ માંડતાં વાદ્યો, શાસ્ત્રીય શુકનસમા મોતી ભર્યા કળશ. સોરઠી આતિથ્ય સંસ્કારની આભા સોળે કળાએ જાણે ખીલી ઉઠી. જનપથ પર હજારોની સંખ્યામાં ઊભેલા નાગરિકો અભિનંદી રહ્યા હતા. પ્રમુખશ્રીના વૃષભવાહનને શણગારેલા કલાત્મક ગાડામાં બેઠા હતા શ્રી સુન્દરમ્, શ્રી ઉમાશંકર જોષી અને સ્વાગત પ્રમુખશ્રી રતુભાઇ અદાણી. બેના મનમાં આ સન્માનને સત્કારવા મીઠી મૂંઝવણ અને એકના હૈયામાં પરમ પરિતોષ !

શોભાયાત્રાના પ્રારંભે તે સમસ્ત જૂનાગઢ શહેરવતી નગરપાલિકાના પ્રમુખશ્રી ધીરૂભાઇએ અને સમગ્ર જિલ્લા તરફથી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિજયદાસજીએ પુષ્પમાળા પેહરાવી બન્ને સન્માનીય અતિથિઓને સત્કાર્યા. પછી તો પગલે પગલે આ સત્કાર વિધિ ચાલી. હૈયાના ઉમળકાને, મનના મનોરથને સરસ્વતી સાધકોના સન્માન દ્વારા સરસ્વતીનું સન્માન કરવા નગરની ત્રીસથી વધારે સંસ્થાઓએ પગલે પગલે પુષ્પાંજલિ અર્પીને સ્વાગતની ભવ્યતામાં અનેરો ઉમેરો કર્યો, ઉજળો ઓપ આપ્યો. નગરપાલિકા, જિલ્લા પંચાયત, ચેમ્બર ઓફ કોમર્સ, રોટરી, લાયન્સ, જૂનિયર ચેમ્બર્સ, અખિલ હિન્દ મહિલા પરિષદ, જનસંઘ શાખા (જૂનાગઢ), હાટકેશ ભાતૃમંડળ, ભગિની મંડળ, મિલન સાહિત્ય સંસ્થા, નરસિંહ મહેતા ચોરા સમિતિ, શ્રી નરસિંહ સાહિત્ય સભા, બહાઉદ્દીન કોલેજ, કૃષિ વિદ્યાલય, કોમર્સલો કોલેજ, રૂપાયતન, શિશુમંગલ આમ અનેક નાનીમોટી સંસ્થાઓ અને વ્યકિતઓએ પોતાની યજમાન ભાવનાને આકાર આપયો. અતિથિઓના ગાડાં પાછળ નગરજનોનો વિશાળ સમૂહ શિસ્તબદ્ધ રીતે ચાલતો હતો. અનેક સાહિત્યપ્રેમી ભાઇઓબહેનો, આગેવાનો આ સમૂહમાં અવસરના અનેરા ઉત્સાહમાં જાણે ‘સાજન’ બની મહાલી રહ્યા હતાં.

શોભાયાત્રા રંગતભરી બની રહી, ઉત્સાહ અને ઉમંગથી આખોય પ્રસંગ માનવમન મિલનનો એક મધુર મહોત્સવ બની રહ્યો. આજના અર્થલક્ષી અને રાજકીય પ્રધાનદર્શી યુગમાં કોઇપણ સાહિત્યકારનું આવું અદ્ભુત અને ઉમળકાભેર સ્વાગત થાય એ વાત ઘણાને કલ્પનાતીત હતી, ન માન્યામાં આવે તેવી હતી. આટલો વિશાળ સમૂહ જાહેર રાજમાર્ગ પરથી આટલા દબદબાથી નીકળ્યો હોવા છતાં આખીયે યાત્રાનું શિસ્ત ભારે પ્રશંસા માગી લે તેવું હતું. બે કે ત્રણ આંગતુક પોલીસ કર્મચારી સિવાય આખીય યાત્રા અને માનવ સમૂહ સ્વવ્યવસ્થિત પ્રબંધમાં જ હતો. એક પણ સ્વયંસેવક નહીં, કશો ડોળદમામ નહીં, પણ મનની મધુરપ અને આદરભરા આતિથ્યનો દબદબો સર્વત્ર છવાયેલો હતો.

આશ્ચર્યમુગ્ધ થયેલા એક પ્રાધ્યાપક તો બોલી ઉઠેલા, ‘‘રાજપુરૂષોના અને ધર્મગુરૂઓના જ સ્વાગત થાય છે તેવું નથી, સુંદરમ્ અને ઉમાશંકર જેવા સાહિત્યિક સંસ્કાર સપૂતો-સારસ્વતોનું પણ એથીય અદકી અદબ, ભવ્યતાથી સ્વાગત થાય છે એ સોરઠી પ્રજાના દિલાવર સંસ્કારનું વિશિષ્ટ લક્ષણ જ છે.’’

સાચે જ ગુજરાતની સમગ્ર ધરતી ઉપર ‘‘સિદ્ધહેમ’’ના રાજકીય સન્માન પછી સદીઓ પછી સારસ્વત સન્માનનું આવું સ્વાગત થયું હશે. હજાર વર્ષનો ઇતિહાસની દ્રષ્ટિએ આ અમોલો અવસર !

નરસિંહ નગર પાસે ગુજરાતી શૌર્યદક્ષતાની મૂર્તિ સ્વ. સરદાર સાહેબના બાવલાં પાસે શોભાયાત્રા આવી પહોંચી ત્યારે દાંડિયા રાસની રમઝટ બોલી. અત્યાર સુધી અંતરમાં ઘોળાઇ રહેલી, આનંદની હેલી જાણે વરસવી પડી, મન, પગ અને હાથ જાણે એકતાલ બની ગયા. આવકારના આનંદની છોળ સહુ કોઇને નખશિખ ભીંજવી રહ્યાં. રાસદાંડિયાની રમઝટમાં અંતરની આનંદ લાગણી ગુંજી ઊઠી…

‘શેરી વળાવી સજ્જ કરૂં ઘેર આવો ને’

સાહિત્ય પરિષદની ૨૫મી જયંતીનો અવસર આ શોભાયાત્રાના આયોજને ઊજમાળો બની ગયો. લોકહૈયાની નિર્બન્ધ લાગણીની છોળ મા શારદાના ચરણ પખાળી રહી છે અને સરસ્વતીના સાધકો, શબ્દ બ્રહ્મના આરાધકોને સન્માની જૂનાગઢની જનતા તથા સ્વાગત સમિતિ એ પ્રાચીન પરંપરાની સંસ્કૃતિ સરવાણી પુનઃ પ્રગટ કરી.

આપણા એક પીઢ સાહિત્યકાર તો આ સ્વાગતથી ભારે પ્રભાવિત થઇ ગયા. એમણે તો એક મિત્રને પોતાની લાગણી પ્રગટ કરતાં કહ્યું :  ‘‘આવું સ્વાગત સપને પણ ધારેલું નહીં. ખરેખર જૂનાગઢ સરસ્વતી સાધનાની નવી દિશા દેખાડી ગયું.’’

શ્રી સુન્દરમ્ અને ઉમાશંકર પણ ત્યાં ઉતરીને નાના મોટા સહુને ઉષ્માપૂર્વક મળ્યા. ગાડાંવાળાને, ભજનિકોને, નાના ભૂલકાંઓને, કન્યકાઓને પણ.

(લેખ કદાચ અધુરો છે, પણ મને આટલો જ મળ્યો છે )

>>> coming up on Sunday : next round of ROYAL FLORA PICS 🙂

 
46 Comments

Posted by on February 3, 2012 in personal

 
 
%d bloggers like this: