RSS

Monthly Archives: January 2012

શ…શ….શ: પંચામૃત !

સમાચાર :અને .

તો, શાહરુખ-શિરીષ વચ્ચેની બબાલ અંગે આપણે કંઈ જાણતા નથી. એટલે એમાં કોણ સાચું ને કોણ ખોટું એનો ઓટલે બેઠાં ન્યાય તોળવાને બદલે મનમાં ઝબકેલા કેટલાક તારણતરંગો :

૧. નશો માણસને ભાન ભૂલાવી દે છે. પછી એ શાહરુખખાન જ કેમ ના હોય ? અથવા તો નશો માણસનો સૌજન્યનો મહામહેનતે ટકાવી રાખેલો નકાબ ઉતારી લે છે. અને હા, જાહેરજીવનમાં કૃત્રિમ વિવેકના નામે સતત ફરજીયાત મીઠડાં થવાનો ય થાક લાગી શકે છે.

૨. કોઈ પણ વ્યક્તિ એકાદવાર કશીક અલગ કે ગલત રીતે વર્તે એના પરથી આખી જીંદગી સારી રીતે વર્તી હોય , એનું ધોવાણ કરવું એ તમાશબીનોની સર્ટિફિકેટ ફાડવાની જન્મજાત અધૂરપ અને અધીરાઈ છે. (આ રીવર્સમાં પણ એટલું જ સાચું છે, આખી જિંદગીના પાપ એકાદ વખતના દાન-પુણ્યથી ધોઈ નાખવાનો આશાવાદ સેવનારા માટે) માણસ બદલાતો રહે છે. પોઝિટિવલી એન્ડ નેગેટિવલી. હા, શાહરુખ સતત આવા ઉધામા કરે તો રાજેશ ખન્નાની માફક સફળતા કે હતાશા એના પર સવાર થઇ ગઈ છે, એવું કહી શકાય, અને આવું થયા પછી ટીકા થાય કે ના થાય કાળ જ એની સજા ફરમાવી દેતો હોય છે, માટે એ ‘સેલ્ફ ગોલ’ છે. પણ ભાગ્યે જ આવું કરે એવો માણસ આમ કરે ત્યારે જરાક વિચારતા થઇ જવાય છે. ફિલ્મી દુનિયામાં આમ પણ ભંગાર પ્રોડક્ટને ભવ્ય ચીતરતા ચમચામંડળની અછત ક્યારેય હોતી નથી.

૩. હાથીના કાનમાં મચ્છરનો સતત નકામો ગણગણાટ કોઈ હેસિયત ના હોવા છતાં કેવું અને કેટલું ઇરિટેશન / ત્રાસદાયક અકળામણ પેદા કરે, એ તો જેણે અનુભવ્યું હોય એ જ સમજી શકે. આમ જનતા તો ઠીક મીડીયાના ય મોટા ભાગના મિત્રોએ સેલિબ્રિટીની લાઈફ કવર કરી હોય છે. પણ જીવી નથી હોતી. મનફાવતાં અભિપ્રાયો આપવા બધા સ્વતંત્ર જ હોય છે, અને હોવા જોઈએ. શાહરુખની ફિલ્મો વિષે ય ઘણાએ ટીકાઓ કરી છે, જે દરેક ને એ મારવા દોડ્યો નથી. પણ જયારે કોઈ પાછળ પડી જઈને સતત એકની એક વાતના ‘ઘોંચપરોણા’ કર્યા કરે, વાતમાં ‘મોણ’ નાખીને ખોટી અફવાઓ ઉડાડ્યા કરે અને એકાંગી ટીકાટિપ્પણની કુથલી જ એક વ્યક્તિને ટાર્ગેટ કરી કર્યા કરે , ત્યાં મામલો અભિપ્રાયસ્વાતંત્ર્યનો નહિ પણ પૂર્વગ્રહ અને વ્યક્તિગત દ્વેષના ઝેરનો બની જાય છે. (જે પ્રાપ્ય અહેવાલો મુજબ સોશ્યલ નેટવર્ક અને એસએમએસથી થયું હોવાનું લાગે છે.) આવી સ્થિતિમાં સંતત્વનો ઉપદેશ આપનારા કૃષ્ણથી ગાંધી સુધીના ઉશ્કેરાઈ ગયા હોવાના દાખલા મોજુદ છે. ઈટ્સ હ્યુમન એન્ડ નેચરલ. ક્યારેક એવું થઇ જાય કે લાતોં કે ભૂત બાતોં  સે નહિ માનેંગે – અને હાથ ઉપડી પણ જાય. ઈનફેક્ટ, ‘સમજાવ્યા સમજે નહિ, જનાવરની જાત’ જેવો મામલો હોય તો ઉપડવો જ જોઈએ. સિવાય કે વીર્યમાં શુક્રાણું ઓછા હોય. આ વાક્ય એરોગન્ટ લાગી શકે છે, પણ સો ગાળ સહન કર્યા બાદ જ સુદર્શન ઉપડતું હોય છે. અને ત્યાં ભગવદગીતાનું સંભાષણ કામ નથી લાગતું. અર્જુનો સાથે સંવાદ હોય, શિશુપાલો એને લાયક નથી હોતા.

૪. વધુ ગુસ્સો અને રોષ ત્યાં જ હોય , જ્યાં ભૂતકાળનો વધુ લગાવ હોય. ગાઢ દોસ્તો વધુ ગહેરા હરીફો બનતા હોય છે. આકર્ષણ જેટલું જ અપાકર્ષણ વિજ્ઞાનનો પ્રકૃતિસહજ નિયમ છે. શાહરુખ-ફરાહની ગાઢ દોસ્તી વચ્ચે પછીથી શિરીષની એન્ટ્રી થઇ છે. શાહરુખે એમ માન્યું હોય કે બંનેને અંગત ભોગ આપી મોટા  કામ-નામ-દામ મેં અપાવ્યા. શિરીષ-ફરાહે એમ માન્યું હોય કે આ તો અમારી ટેલન્ટ હતી, એમાં શું ઉપકાર થયો (કે કદાચ શોષણ થયું ) ? આ એક જ ફિલ્ડમાં સાથે કામ કરનારા બે દોસ્તો વચ્ચે શક્ય એવા સનાતન સંઘર્ષના મૂળિયાં અહીં જ હોય છે. બેઉ માટે એકબીજાનું વર્તન વધુ ‘હર્ટ’ ફીલિંગ જન્માવતું હોઈ શકે, જે કોઈ અજાણ્યાએ કર્યું હોત , તો જે-તે સમયે બેઉએ હસી કાઢીને જતું જ કર્યું હોત.

૫. માનવ અંતે તો આદિમ પશુ છે. ડાહી ડાહી વાતો ચગળવાથી આ હકીકત બદલાતી નથી…..!

 
42 Comments

Posted by on January 31, 2012 in Uncategorized

 
 
%d bloggers like this: